બ્રહ્મચર્ય, ખાદી અને ગાંધીજી વિશે પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદ — પાંચમો લેખ: સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ: ગુરુવાર, મહા સુદ નોમ, વિક્રમ સંવત ૨૦૭૮. ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૨)

સ્વામી સચ્ચિદાનંદે ‘મારા અનુભવો’માં એક આખું પ્રકરણ (42મું) બ્રહ્મચર્ય વિશે લખ્યું છે અને અન્ય અનેક પ્રકરણોમાં ગાંધીજી વિશે સારું એવું ચિંતન કર્યું છે. સૌથી પહેલાં એમણે પ્રકરણ નં.27માં અને પ્રકરણમાં ૫૮માં લખ્યું છેઃ

‘કર્મઠતાનો માર્ગ ગાંધી વિચારધારામાંથી મળ્યો હતો એટલે હું ખાદી પણ પહેરવા લાગ્યો હતો… હું ખાદી પહેરતો તથા મારા ઓરડામાં મહાત્મા ગાંધીજીનું મોટું ચિત્ર ટાંગી રાખતો.’

1962ના ચીન સાથેના યુદ્ધ સમયની વાતો વાગોળતાં સ્વામીજી લખે છેઃ

‘અહિંસાની વાતો યોગીઓ, યતિઓ માટે સારી છે પણ દેશના સીમાડાની રક્ષા કરવા આવી વાતો. ઉપયોગી ના નીવડે અને અહિંસા તો શૌર્યની સાથે શોભે, કાયરતાની સાથે નહિ. જેનામાં દસ કિલો શૌર્ય હોય તે એક કિલો અહિંસાની વાત કરે. પણ જેનામાં સો ગ્રામેય શૌર્ય ન હોય તે વીસ કિલો અહિંસાની વાત કરે તે કાયરતાને ઢાંકવાની રામનામી ચાદર માત્ર ઓઢી રહ્યો છે.’

અહીં હવે ગાંધીજીનો ઉલ્લેખ આવે છેઃ

‘મહાત્મા ગાંધીજીમાં અમાપ શૌર્ય હતું એટલે તેઓ અહિંસાની વાતો કરીને જ નહિ, પ્રાણની બાજી લગાવીને પણ અંગ્રેજોની સામે ઝઝૂમ્યા હતા. તેમણે શૌર્યની દિશામાં પાછી પાની કરી હોય તેવું સાંભળ્યું નથી. પણ આપણામાં એવું ઝઝૂમવાની શક્તિ ન હોય તો પછી શસ્ત્રોની નિંદા કરવાનો શો અર્થ છે? આપણે શૌર્ય વિનાની અહિંસાની વાતોનાં વડાં કરી રહ્યા હતા. ન તો શત્રુને મારી શકતા હતા, ન તો સામી છાતીએ અહિંસાને માર્ગે મરી શતા હતા.’

અહીં ‘આપણે’ એટલે તે વખતના ભારતના શાસકો. સ્વામીજીએ સાચું જ નોંધ્યું છેઃ

‘આ નેતાને કોણ સમજાવે કે સસલું વરુ પર આક્રમણ નથી કરતું છતાં વરુ સસલાને છોડતું નથી. આક્રમણથી જ આક્રમણ થાય છે તેવું નથી, પણ દુર્બળતાથી આક્રમણને આમંત્રણ મળે છે. દુર્બળતા એ અભિશાપ છે.’

સેનાના વ્યૂહ, શસ્ત્રો, યુદ્ધ વગેરે બાબતની ચર્ચા સાંભળીને ઘણા લોકો એમ જ માનતા કે સ્વામીજી લશ્કરમાંથી નિવૃત્તિ પામેલા અફસર છે.

‘ખાદીનો ત્યાગ શીર્ષક ધરાવતા 91મા પ્રકરણમાં સ્વામીજી લખે છે:

‘મહાત્મા ગાંધી પ્રત્યે મને આદરભાવ હતો અને આજે પણ છે. ઘણાં વર્ષો પહેલાં મેં ‘સત્યના પ્રયોગો’ પુસ્તક વાંચેલું. પછી તો ‘ગાંધીજીનો અક્ષરદેહ’નાં મોટાં મોટાં વોલ્યુમો ઉપર પણ નજર નાખી. કાશીમાં હું ભણતો ત્યારે મારા રૂમમાં ગાંધીજીનો બહુ મોટો ફોટો રાખતો તથા ખાદી પહેરતો. બીજા સાધુઓ મને આ કારણે થોડું ચીડવતા તથા નાક પણ ચડાવતા. હરિજન સંબંધી મારા ઉદાર વિચારોથી ઘણા મને કૉન્ગ્રેસી પણ કહેતા. પણ હું ખરેખર મહાત્મા ગાંધીજી પ્રત્યે અનહદ આસ્થા રાખનાર હતો.’

સ્વામીજી 1962ના ચીન સાથેના યુદ્ધમાં ભારત જે ભૂંડી રીતે હાર્યું તેનો ઉલ્લેખ કરીને જે કહે છે તે વાંચતં પહેલાં જાણી લેજો કે ‘62ના ચીનના યુદ્ધ સમયે અને ત્યાર બાદ સ્વામીજીએ આ વિષય પર સારું એવું જ્ઞાન મેળવ્યું હતું. યુદ્ધમાં પરાજયની એમના મન પર ઊંડી અસર પડી હતી. એ સમયે એમને રાતદિવસ યુદ્ધના જ વિચાર આવ્યા કરતા. તેઓ કાશીમાં હતા. યુનિવર્સિટીમાં ભણવા જતા ત્યારે વીસ-પચીસ વિદ્યાર્થીઓ એમની રાહ જોઈને બેઠા હોય. સૌ કોઈ એમની પાસેથી યુદ્ધ સંબંધી નવીન જાણકારી મેળવવા તથા એ વિશે ચર્ચા કરવા માગતા હોય. સ્વામીજી સૌને નક્શા દોરી દોરીને પરિસ્થિતિ સમજાવે. સેનાના વ્યૂહ, શસ્ત્રો, યુદ્ધ વગેરે બાબતની ચર્ચા સાંભળીને ઘણા લોકો એમ જ માનતા કે સ્વામીજી લશ્કરમાંથી નિવૃત્તિ પામેલા અફસર છે.

ચીન સાથેનું યુદ્ધ હારવાનાં કારણોની ચર્ચા કરતાં સ્વામી સચ્ચિદાનંદ લખે છે:

‘આનું સીધું કારણ અહિંસા પ્રત્યેની ભ્રાન્તિભરી ધારણાઓ હતી. તેના કારણે આપણે સેના, શસ્ત્રો તથા યુદ્ધ વિજ્ઞાન પ્રત્યે ધ્યાન જ નહોતું આપ્યું. અહિંસાથી આઝાદી મેળવી હતી તેનો નશો એટલો બધો હતો કે વિનોબા ભાવે વારંવાર કહેતા કે ભારતે લશ્કર વિખેરી નાખવું જોઈએ, શસ્ત્રો પાછળનો ખર્ચ બંધ કરવો જોઈએ. આવા વિચારોથી લોકો ગ્રસ્ત હતા એટલે નાની લડાઈમાં પણ આપણે સારો દેખાવ કરી શક્યા નહિ. આ પરાજયથી હું ભારે વિચલિત થયો હતો, મને તેમાં અહિંસાવાદી જડસુ વલણ કારણ લાગ્યું હતું અને આ વલણ તથા પ્રેરણાના નવીન અને મુખ્ય સ્ત્રોત મહાત્મા ગાંધી હતા એમ લાગવાથી એમના અહિંસાવાદથી હું થોડો દૂર ખસી ગયો. તેમ છતાં મહાત્માજી પ્રત્યે મને આદરભાવ હતો તેનું કારણ… જીવનમાં મૂલ્યો તથા આચરણની શુદ્ધતા હતી. સૈદ્ધાન્તિક રીતે હું તેમનાથી દૂર ખસવા લાગ્યો હતો. આજે તો સૈદ્ધાન્તિક રીતે હું તેમનાથી ઘણો દૂર નીકળી ગયો છું, પણ તેમનાં જીવનમૂલ્યો તથા આચરણ પ્રત્યેનો આદરભાવ એવો ને એવો હોવાથી આજે પણ હું તેમને મહાન વિભૂતિ માનું છું. મહાન વ્યક્તિનું મોટું પ્રદાન હોય તો તેમની ભૂલોનાં પરિણામ પણ ભયંકર હોય. દેશની સુરક્ષાના ક્ષેત્રમાં પણ અહિંસાના વિચારો માન્ય કરી શકાય નહિ. કોઈ સાધુસંન્યાસી માટે આ આદર્શ બરાબર કહેવાય, પણ સૈનિકો માટે આદર્શ ન કહેવાય.’

ગાંધીજીના અહિંસાના વિચારો સાથે તેમ જ અન્ય કેટલાક વિચારો સાથે તીવ્ર મતભેદો થયા પછી સ્વામીજીને એમના માટેનો અભિપ્રાય શું છે?

‘કોઈ વ્યક્તિ પ્રત્યે અત્યંત આદરભાવ રાખીને પણ સૈદ્ધાન્તિક વિરોધ પણ રાખી શકાય છે. મહાત્મા ગાંધીજી પ્રત્યે મારી લગભગ આવી જ સ્થિતિ રહી છે.’

આપણે આ શીખવાનું છે સ્વામીજી પાસેથી, ખાસ કરીને સોશ્યલ મીડિયામાં લાકડાની તલવાર લઈને નીકળી પડેલા અધકચરા અને અર્ધદગ્ધ હિન્દુવાદીઓએ શીખવાનું છે. તમે ગાંધીજીને મહાત્મા કે રાષ્ટ્રપિતા તરીકે ન સ્વીકારતા હો તો ના સહી, એને કારણે ગાંધીજીનું વિરાટ વ્યક્તિત્વ વામણું બની જતું નથી. ગાંધીજીના એવા અનેક વિચારો/વ્યવહારો છે જે તે વખતેય ઘણાને સ્વીકાર્ય નહોતા અને આજેય નથી. ગાંધીજીના નામનો દુરુપયોગ કરીને કૉંગ્રેસીઓએ ચરી ખાધું અને દેશનું બહુ મોટું નુકસાન કર્યું તેનો આક્રોશ ગાંધીજીને ગાળો આપીને વ્યક્ત કરવો એમાં તો સાવ નાદાનિયત છે. આજની તારીખે ગાંધીજીના અનેક વિચારો પ્રસ્તુત છે, એમના જીવનની ઘણી બધી વાતોમાંથી પ્રેરણા લઈને મિલેનિયલ્સ પણ પોતાનું તથા એમની નવી પેઢીનું જીવન વધુ સારું બનાવી શકે એમ છે. જેમ ગાંધીજીના નામનો ભયંકર મોટો દુરુપયોગ અનેક ગાંધીવાદીઓએ કર્યો અને ત્યાગ-સેવાના નામે દેશની તિજોરી ખાલી કરીને પોતાનાં ગજવાં ભર્યાં એમ આજના કેટલાક હાઈપરડા તકવાદી હિન્દુવાદીઓ નાથુરામ ગોડસેને પોતાનો હીરો માનીને એને વીર સાવરકર, નેતાજી બોઝ તથા શહીદ ભગતસિંહની કક્ષાએ મૂકે છે. આવી હીણી ચેષ્ટા કરનારાઓ સાવરકર, બોઝ અને ભગતસિંહનું અપમાન કરે છે.

‘મને થયું કે આ ખાદી માટે કપાસ ઉગાડવામાં આવે છે તે જમીનને જો અનાજ ઉગાડવામાં પરિવર્તિત કરી શકાય તો અન્નનો પ્રશ્ન હલ કરવામાં બહુ મોટું પગલું ભરાય.’ :સ્વામી સચ્ચિદાનંદ

ગાંધીજીના અનેક વિચારો જે તે વખતે પ્રસ્તુત હતા પણ અત્યારે નથી તેમાંનો એક વિચાર ખાદીનું કાપડ છે. અત્યારે સુગમતાને કારણે, ટેવને કારણે કે પછી કૉન્ગ્રેસીઓના હાથમાંથી ગાંધીજીને હાઈજૅક કરી જવાની ચાણક્યનીતિને કારણે ખાદીનાં ગુણગાન ગવાય કે તેનો પ્રચાર થાય તેમાં કશું ખોટું નથી. પણ ગ્રામીણ અર્થવિકાસ માટે કે પછી ગાંધી વિચારોના પ્રચાર-પ્રસાર માટે ખાદીનો ઉપયોગ બિલકુલ નિરર્થક છે.

સ્વામી સચ્ચિદાનંદ ગાંધીજીના પ્રભાવને કારણે ખાદીને જ ગેરુઆ રંગે રંગાવીને પહેરતા. 1970ની આસપાસના ગળાની વાત. આફ્રિકાના પ્રવાસ વખતે સ્વામીજીને એક ભાઈએ અત્યંત આગ્રહથી જાપાનીઝ બનાવટનું ટેરીકોટનનું કપડું ભેટ આપ્યું. સ્વામીજીએ એમને ઘણું સમજાવ્યા કે પોતે માત્ર ખાદી જ પહેરે છે, આ કાપડની પોતાને ક્યારેય જરૂર પડવાની નથી. પણ પેલા ભાઈનો આગ્રહ વધતો જ ગયો. છેવટે એ કાપડ સ્વામીજીએ સ્વીકાર્યું. ભારત પાછા આવ્યા પછી ત્રણેક વર્ષ સુધી એ કાપડ પડ્યું રહ્યું. એક વખત સ્વામીજીને થયું કે લાવને રંગીને જોઉં કે તે કેવું લાગે છે! તેમાંથી એમણે કટિવસ્ત્ર તથા ઝભ્ભા બનાવડાવ્યા. સ્વામીજીએ પહેરવાનું શરૂ કર્યું. લગભગ છ વર્ષ સુધી ટેરીકૉટનનાં કટિવસ્ત્રો તથા ઝભ્ભાએ તેઓ પહેરતા રહ્યા. જરાય ફાટે નહિ કે ઝાંખાં પડે નહીં. અંતે થાકીને એમણે છ વર્ષ સુધી પહેરેલાં વસ્ત્રો એક મહાત્માને આપી દીધાં. તે તો રાજી રાજી થઈ ગયા, જાણે કે નવું જ હોય તેવું કપડું લાગે.

સ્વામીજી કહે છેઃ ‘મને યાદ છે કે તે મહાત્માએ પણ તે વસ્ત્રોને બે-ત્રણ વર્ષ પહેર્યાં પણ ફાટે નહિ. આ વસ્ત્રે મને વિચારતો કરી મૂક્યો.’

સ્વામીજીએ ગણતરી માંડી. દર વર્ષે એમને ખાદીનાં ત્રણ કટિવસ્ત્ર તથા છ ઝભ્ભાની જરૂર પડતી. એક સજ્જન એમને બધી ખાદી પૂરી પાડતા. છ વર્ષમાં અઢાર કટિવસ્ત્ર તથા છત્રીસ ઝભ્ભાની જરૂર પડી હોત. આટલાં વસ્ત્રો માટે દોઢસો મીટર ખાદી ખરીદવી પડી હોત. તેની સિલાઈ તથા સાબુ વગેરેનો ખર્ચ પણ વધુ આવત. તેની તુલનામાં લગભગ બારથી પંદર મીટર ટેરિકૉટનના કપડાંએ એમનાં છ વર્ષ સારી રીતે ખેંચી કાઢ્યાં હતાં. વળી વાપરવામાં, ધોવામાં, સૂકવવામાં, વજનમાં, દેખાવમાં તથા પ્રવાસમાં પણ તે ઘણાં સગવડદાયી હતાં. સ્વામીજી લખે છેઃ

‘મને થયું કે આ ખાદી માટે કપાસ ઉગાડવામાં આવે છે તે જમીનને જો અનાજ ઉગાડવામાં પરિવર્તિત કરી શકાય તો અન્નનો પ્રશ્ન હલ કરવામાં બહુ મોટું પગલું ભરાય. (તે વખતે અમેરિકાથી હલકું અનાજ મેળવીને ભારતની પ્રજાનું પેટ ભરવું પડતું). ખાદીનું વસ્ત્ર કમજોર, અસુઘડ, ભારે પણ છે. મિલના સારી રીતે તૈયાર થયેલા સુતરાઉ કાપડની તુલનામાં તે ચાર ગણું ઓછું પડે છે. ટેરિકૉટન કરતાં તો કદાચ આઠ-દસ ગણું મોંઘું છે. ખાદીને સરકારી સબસિડીના પ્રાણવાયુથી જીવિત રખાઈ છે. કેટલાક સરકારી તથા અર્ધસરકારી નોકરો તથા કેટલીક સંસ્થાઓમાં ખાદીને પહેરવેશ તરીકે અનિવાર્ય બનાવી હોવાથી તેની ખપત ઠીકઠીક કહી શકાય છે. જો સબસિડી બંધ કરાય તથા અનિવાર્ય પહેરવેશમાંથી મુક્તિ અપાય તો ખાદી આજે જેટલી વેચાય છે તેટલી પણ ન વેચાય.’

એક વાર એક સજ્જન ગામમાં ખાદી ભંડારના ઉદ્‌ઘાટન માટે આમંત્રણ આપવા સ્વામી સચ્ચિદાનંદ પાસે આવ્યા. સ્વામીજીએ પોતે પહેરેલાં ભગવા રંગના ટેરિકૉટનમાંથી બનેલાં વસ્ત્રો બનાવીને એમને કહ્યું,

‘જુઓ, મેં ખાદીનો ત્યાગ કર્યો છે. હવે મારાથી ખાદી-ભંડારનું ઉદ્‌ઘાટન કરી શકાય નહીં.’

ગાંધીજીના પ્રભાવ બાદ આવેલા વૈચારિક પરિવર્તન વિશેની ચર્ચાના અંતે સ્વામી સચ્ચિદાનંદે લખ્યું છેઃ

‘મહાત્મા ગાંધીજીના માનવીય મૂલ્યો તથા આચરણીય તત્ત્વો પ્રત્યે પૂર્ણ આદર હોવા છતાં આર્થિક, સેનાકીય, રાજકીય, ઔદ્યોગિક, વૈજ્ઞાનિક વગેરે ક્ષેત્રોમાં હું સંમત થઈ શકતો નથી. આ ક્ષેત્રોમાં જુદો મત હોવા છતાં તેમના પ્રત્યે મને પૂર્ણ માન છે.’

બ્રહ્મચર્ય વિશેના સ્વામી સચ્ચિદાનંદના વિચારોને આધુનિક જમાનાના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સેક્સોલૉજિસ્ટો પણ બિરદાવે છે. સચ્ચિદાનંદજી ‘મારા અનુભવો’માં લખે છેઃ

‘આજે આટલાં વર્ષોના સ્વ-પરના અનુભવ પછી હું મક્કમતાથી કહી શકું કે બ્રહ્મચર્યની બાબતમાં, બ્રહ્મચર્ય પાળનારાઓના જગતમાં બહુ મોટી ભ્રાન્તિ, ગેરસમજ, દંભ, ઢોંગ અને અકુદરતી અભિગમ પ્રવર્તે છે.’

આ વાતને વિગતે સમજાવતાં સ્વામીજી લખે છેઃ

‘મહાપુરુષોનાં જીવનચરિત્રોમાં લખાયેલી ભાવુક વાતો, રંગોળી પૂરેલી વાતો અને ચમત્કારિક વાતોએ મારા જેવા કેટલાય પથિકોને ભ્રાન્તિમાં નાખીને ભટકાવી માર્યા છે. પોતાના સાચા અનુભવો વ્યક્ત કરવાથી પોતાની દુર્બળતા પ્રગટ થશે એવા પુરુષો ભયથી તથાકથિત મોટા પુરુષો સાચી વાત કરી શકતા નથી. અનુયાયી વર્ગ પણ સાચી વાતને સાંભળી શકવાની ક્ષમતા વિનાનો હોય છે.’

બ્રહ્મચર્ય વિશેના ક્રાંતિકારી વિચારોને સ્પષ્ટપણે તથા સાહજિક રીતે પ્રગટ કરતાં સ્વામીજીએ લખ્યું છેઃ

‘પ્રૌઢ ઉંમરે પણ મહાત્મા ગાંધીએ લખ્યું હતું કે હું સ્વપ્નદોષથી મુક્ત થયો નથી. કોઈ ધર્મગુરુની તાકાત નથી કે સાચી વાતનો સ્વીકાર કરી શકે. તેને તો અસંખ્ય અનુયાયીઓ તથા શિષ્યો આગળ પૂર્ણ બ્રહ્મચારીનો દેખાવ કરવાનો હોય છે. અને અનુયાયીઓ તથા શિષ્યો પોતાના માન્ય ગુરુમાં કિંચિત સ્ખલનની પણ કલ્પના કરી શકતા નથી હોતા. એટલે આકાશ કરતાં પણ મોટા દંભનો ઘટાટોપ બ્રહ્મચર્યના નામે ઊભો થાય છે, તેને પોષવા ઢોંગની જરૂર પડે છે. આ રીતે સદ્‌ગૃહસ્થોના સહજજીવન કરતાં ત્યાગીઓનું જીવન અસહજ તથા અકુદરતી બની જાય છે.’

સ્વામી સચ્ચિદાનંદના આ વિષયના વિચારો અનેક ધર્મગુરુઓને જ નહીં એમના અનુયાયીઓને પણ પચવાના નથી. સ્વામીજી આગળ લખે છેઃ

‘મારા આટલા અનુભવો પરથી હું કહી શકું છું કે અખંડ બ્રહ્મચર્ય અને અતિભોગવાદ એ બંને જીવનના છેડા છે, જીવનના તે અતિવાદ (એક્સટ્રીમ્સ છે) જીવનની વાસ્તવિકતા મધ્યમ માર્ગ છે. મધ્યમ માર્ગ એટલે સંયમનો માર્ગ. સંયમનો માર્ગ એટલે યથાયોગ્યતાનો માર્ગ… પ્રકૃતિનિરૂપિત વ્યવસ્થામાં વ્યક્તિ થોડો ફેરફાર કરી શકે, પણ આમૂલ પરિવર્તન કરી શકે નહિ. કામવાસના પ્રકૃતિ પ્રેરિત છે, તેને સંયમનું સ્વરૂપ આપી શકાય. તદ્દન નકારાત્મક સ્વરૂપ આંતરબાહ્ય બંને રીતે શક્ય નથી લાગતું. કઠોર નિયમો દ્વારા બાહ્ય સ્વરૂપ તો કદાચ સ્થાપી શકાય પણ આંતર સ્વરૂપને સુદ્રઢ કરવું કઠિનતમ કાર્ય છે. સ્પષ્ટ ભોગવાદીઓ કરતાં અખંડ બ્રહ્મચર્યવાદીઓ શારીરિક, માનસિક તથા બૌદ્ધિક રીતે જો સરસાઈ સિદ્ધ ન કરી શકે તો તેમના પક્ષે આત્મશ્લાઘા સિવાય કશું બાકી ન રહે.’

વધુ આવતી કાલે.
•••
તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!

—સૌ.શા.

•••

આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

15 COMMENTS

  1. સ્વામીજી ને નજીક થી સાંભળ્યા છે અને ઘણા પુસ્તકો વાંચ્યા છે.
    ખરેખર સંત આમને જ કહેવાય.

  2. સ્વામીજી ના લગભગ બધા પુસ્તકો વર્ષોથી વાંચ્યા છે
    સ્વામીજી જેટલા સ્પષ્ટ વક્તા સંન્યાસી ભાગ્યે જ ધરતી પર અવતરિત થાય છે એમના પુસ્તક પર ના તમારા લેખ મંથન પછી નીપજેલ નવનીત જેવા છે
    ચાલુ રાખજો સાહેબ

  3. હું સ્વામી સચ્ચિદાનંદ ને જાણતો ન હતો. પણ આપના સ્વામી જી પરના લેખો વાંચી ને મને એમનો પરિચય થયો. સૌરભભાઇ આપનો ખૂબ આભાર. આપણાં સાધુ સંતો અને વૈચારિક તો કહે જ છે કે અમે શું કરીએ છીએ એ નહીં પણ અમે શું કહીએ છીએ એ નો અમલ કરવો. ધર્મેશ કાન્તિલાલ લીમ્બચિયા વીલે પાર્લે.

    • સ્વામી સચ્ચિદાનંદનું કોઈ પણ પુસ્તક તમે વાંચો, ઇન્સ્પાયર થયા વિના નહીં રહો.

      • I do read your every single post religiously. I admire your clarity of thoughts and transparency in your writings. I am also big fan of Swami Sachidanand for his revolutionary thinking and regularly read his books and listening to his discourses. I am eagerly awaiting for your post on 3rd day at Baba Ramdev’s ashram stay, despite understanding that your schedule must be pretty tight, challenging in terms of working on your body and mind. You made a best decision to spend some time there. Usually, we never stop and think about our own life and rejuvenation until we get stuck with major health problems. You made such a great decision. I am looking forward to have my next trip to Bharat for such a purpose. Kindest regards, Wishing you a best of uour health, wealth and great time ahead.- Arpana

  4. Swamijina sundar vicharono nichod kariney ,te ras tamey pirsi rahya chho te khoobaj prashanshaniya chhey. Aabhar.
    Brahmacharya babatma teo pukhta vaay matey sanchu kahey chhey. Mukta vyavaharno temney sampurna anaadar chhey, pachhi bhaley te uchcha kotina philosoferne manya hoy .
    Brahmacharya nu mahatwa viddhyarthi avasthama labhdayee chhey aney te matej bharatiya sanskutiye tene mahatwa aapyun,tem maru manvu chhey.
    Janta hova chhatanya, Gandhiji, historically kattartavadi dharma vishey , sanjogone aadhin, kahi na shakya te babat Gandhijine potane tatha bija ghanaone vasvaso rahyo.

    • Krupa karine roman lipinski ma aatlu lambu na lakhsho. Ekadbe vakyo kyarek theek chhe. Ethi vadhu koi nahi vaanche. Normally roman lipi ma lakakhayeli lamnbi comments ahi approve thati nathi. Aa ek apvad chhe jethi bakina vachako ne pan khyal aave. Gujarati lipi ma lakho, devnagari ma lakho, English language ma lakho.

      Tame tasdi laine tamara vicharo mara sudhi pahonchadya te badal aabhar.

  5. સ્વામી સચ્ચિદાનંદ વિશે નાં લેખ અવારનવાર મોકલતા રહેજો. બહુ સરસ અને અગત્યની જાણકારી લોકોને મળે છે જેની આજના સમયમાં ખરેખર જરૂર છે.
    ‘મારા અનુભવો’ પુસ્તક મેં વાંચ્યું છે

    • એમના બે ઇન્ટરવ્યુ મારી પાસે છે. એક ૧૯૯૭\૮માં એમની સાથે ચોવીસ કલાક રહીને કરેલો અને બીજો ૨૦૦૪માં ‘ઇ-ટીવી’ પર મેં ‘સંવાદ’ નામનો ડેઈલી ટૉક શો શરૂ કરીને ૧૪૪ એપિસોડ ચલાવ્યો એના સૌ પ્રથમ હપતામાં એમની સાથે વાતો કરી હતી. બેઉનાં ટાઇપસેટિંગ થઇને આવે એટલે એનું પ્રૂફ રીડિંગ કરીને ન્યુઝપ્રેમી પર શરૂ કરીશ. બહુ લાંબું મેટર છે, મઝા આવશે. દરમ્યાન તમે અહીં સર્ચમાં એમનું નામ નાખીને શોધશો તો પુરાણો વિશે એમની સાથે થયેલી વાતચીતના લેખો વાંચવા મળી જશે.

      • “સંવાદ “ના ઘણા એપિસોડ મેં ત્યારે જોયેલા છે. હું આતુરતાથી આ કાર્યક્રમ ની રાહ જોતો. હવે તે જુના એપિસોડ જોવા હોય તો ક્યાં જોવા મળે?

  6. ભાઈ શ્રી ભરત વાઘેલા એ અત્યંત આગ્રહ પૂર્વક ન્યુઝ પ્રેમીનો પરિચય કરાવ્યો. સમકાલીન રાજકીય પરિસ્થિતિઓ અંગેના આપના વિચારો, સ્વામીજી પ્રત્યેનો આદરભાવ એ તો જાણે મારા જ અભિપ્રાયો….
    ભરત વાઘેલાનો હૃદય પૂર્વક આભાર, વિચારું છું કે આટલી સુંદર અભિવ્યક્તિઓ થઈ હું આટલો બધો સમય દૂર કેવી રીતે રહ્યો….
    વાંધો નહિ, હવે તો મળેછે, માણી રહ્યોંછું. ધન્યતા અનુભવી રહ્યો છું.

    • તમારા મિત્રને મારી સલામ. સૌ પોતપોતાના મિત્રો માટે આવું કરવાની તસદી લે તો મને મઝા પડી જાય!

    • નસીબ તમારા. વૉટ્સઍપિયા અને ટ્વિટરિયાઓ દ્વારા ફેલાવવામાં આવતા અધકચરા અને અસત્યભર્યા કચરાને કારણે ઘણા લોકોમાં ભૂંસું ભરાઈ જતું હોય છે. મારી આપને વિનંતી છે કે મેં જે લખ્યું છે તેને સો ટચનું સોનું માનો. અન્યથા તમે જાતે ગોડસેનાં તથા એ વિષય પર લખાયેલાં લખાણો વાંચવાની મમહેનત કરો, ‘ગાંધીજીનો અક્ષરદેહ’નાં ૧૦૦ જેટલાં દળદાર ગ્રંથ વસાવીને વાંચો, સરદાર વલ્લભભાઈ પટેલ વિશે ડઝનબંધ પુસ્તકો છે એ પણ વાંચો ( જેથી સરદારના ઘડતરમાં ગાંધીજીનો કેટલો બધો ફાળો છે તેની સમજ પ્રગટે— ગાંધી ન હોત તો સરદાર ન હોત અને તો આ એક દેશ ન હોત , પચીસ-પચાસ ટુકડામાં વહેંચાઈ ગયો હોત.) ગોડસે, ગાંધી, સરદાર, નેહરુ વિશે જ્યારે પણ હું લખું છું કે બોલું છું ત્યારે આ સૌની તરફેણ કે ટીકા કરનારા મેગીના ટુ મિનિટ નૂડલ્સ ખાઈને પંડિત બની ગયેલાઓની જેમ નહીં પણ એક આખી દિવાલ ભરીને આ પર્ટિક્યુલર વિષય પરના મારી પાસેનાં પુસ્તકોનો અભ્યાસ કર્યા પછી કંઈક કહેતો હોઉં છું. સાવરકર, ભગતસિંહ અને બોઝ ભારતમાના સપૂતો છે, ગોડસે અક્ષમ્ય અપરાધ કરનાર કપૂત છે, કપૂત છે, કપૂત છે —એક નહીં હજાર વાર કપૂત છે.

      બીજી વાત. આજની તારીખે કેટલાક હાઇપરડા હિન્દુવાદીઓ મવાલીની જેમ, સમજ્યા કર્યા વિના મોદી અને મોહનજી ભાગવતની ટીકા કરી રહ્યા છે. આમાંનું કોઈ ઝનૂની જીવડું ગોડસેવાળી કરવા જાય તો શું એને વાજબી ઠેરવવાની?

      અસહમતી હોય ત્યાં ગોળી ચલાવવી એવું માનનારાઓ અને એવું માનનારાઓને માથે ચડાવીને ફરનારાઓ જંગલી છે, આ પૃથ્વી પર રહેવાને લાયક નથી. એ સૌની ગતિ ગોડસે જેવી થવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here