મેરી આવાઝ હી પહેચાન હૈ— લતાજીએ એક દિવસમાં સાત ગીત પણ રેકૉર્ડ કર્યાં છે : સૌરભ શાહ


( ગુડ મૉર્નિંગ: શુક્રવાર, મહા સુદ દસમ, વિક્રમ સંવત ૨૦૭૮. ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૨)

લતાજીએ પ્લેબેક સિંગિંગ શરૂ કર્યું ત્યારે એક ગીત ગાવા માટે બસોથી પાંચસો રૂપિયાની રકમ મળતી હતી એવું એમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે. 1948થી 1955-57 સુધીની આ વાત છે. 1964થી, રાજકપૂરની ‘સંગમ’ રિલીઝ થઈ એ પછી, એમને એક ગીતના રૂપિયા બે હજાર મળવા લાગ્યા. અને એ પછી તો અનેકગણા મળતા થઈ ગયા.

ફિફ્ટીઝ અને સિક્સ્ટીઝના જમાનામાં ગીતનું રેકૉર્ડિંગ કરવાનું કામ ખૂબ દુષ્કર હતું. ભારતમાં હજુ આધુનિક ટેક્નોલોજિનાં મશીનો આવ્યાં નહોતાં. શરૂઆતનાં વર્ષોમાં તો ઘણી વખત ફિલ્મના સ્ટુડિયોમાં જ, શૂટિંગ પૂરું થઈ જાય પછી, રાત્રે ગીતોનું રેકૉર્ડિંગ થતું જેથી બહારનો ઘોંઘાટ ઓછામાં ઓછો આવે.

1949માં આવેલી બે ફિલ્મો પછી લતા મંગેશકરની કારકિર્દી પૂરપાટ આગળ વધતી ગઈ. કમાલ અમરોહી દિગ્દર્શિત ‘મહલ’ (સંગીતઃ ખેમચંદ પ્રકાશ. આયેગા આનેવાલા…) અને રાજ કપૂરની ‘બરસાત’ (સંગીતઃ શંકર-જયકિશન. જિયા બેકરાર હૈ અને છોડ ગયે બાલમ સહિતનાં તમામ ગીતો). લતાજી કહે છે કે, એ પછી મેં જે ગાવાનું શરૂ કર્યું તે દિવસ-રાત રેકૉર્ડિંગ થયા કરે. 1960 સુધી તો બબ્બે શિફ્ટમાં ગાવું મારા માટે નવી નવાઈની વાત નહોતી રહી. આ દૌર છેક 1980-85 સુધી ચાલ્યો. એટલું કામ રહેતું કે દિવાળીના દિવસે પણ રેકૉર્ડિંગ સ્ટુડિયો પર જવું પડતું. એ દિવસોમાં સન્ડેની રજા જેવી કોઈ ચીજ નહોતી. પછી અમે દિવાળીના દિવસે રેકૉર્ડિંગ કરવાની ના પાડી દીધી. એ પછી ક્રમશઃ ગાવાનું પણ ઓછું કરી નાખ્યું. મને પસંદ હોય એવી ફિલ્મ હોય કે પછી કોઈ ગીત મારા મિજાજનું હોય તો જ હું ગાતી. પણ રાજ કપૂર, રાજ ખોસલા, યશ ચોપડા અને સુભાષ ઘાઈ માનતા જ નહોતા- મારે એમની ફિલ્મો માટે ગાવું જ પડતું.

લતાજીએ એક વખત દિવસમાં સાત ગીતો રેકૉર્ડ કર્યાં છે. રેકૉર્ડિંગ પહેલાં એની તૈયારી કરવા માટે, રિહર્સલ માટે અને સંગીતકારો-ગીતકારો સાથે એના વિશે ચર્ચાવિચારણા માટે જે સમય જાય તે જુદો.

દેવસા’બે જોયું કે બધા કળાકારો થાકી ગયા છે અને ખૂબ મોડું થઈ ચૂક્યું છે.

લતાજીએ પાર્શ્વગાયનની કારકિર્દી શરૂ કરી એ જમાનામાં ગીતો રેકૉર્ડ કરવા માટે અલગ ટેપ નહોતી રહેતી, ફિલ્મની પટ્ટી પર ડાયરેક્ટ સાઉન્ડ ટ્રેક રેકૉર્ડ થતો. એ પછી લાગતાવળગતા લોકો નક્કી કરતા કે આ ગીત રાખવું છે કે નહીં. ક્યારેક ફરી રેકૉર્ડિંગ કરવાનું થતું. આ ઉપરાંત એચ.એમ.વી.ની રેકૉર્ડ માટેનું રેકૉર્ડિંગ અલગ કરવું પડતું. લતાજી નૌશાદના ‘ઉઠાયે જા ઉનકે સિતમ’નો દાખલો આપતાં કહે છે કે ફિલ્મમાં એ ગીત લાંબું છે, રેકૉર્ડમાં એ વખતે ત્રણ મિનિટની અવધિમાં પૂરું કરવાનું હોય. આને કારણે સ્ટુડિયોમાં જઈને એ જ ગીત ફરી રેકૉર્ડ કરવું પડતું જેમાં સંગીતકારે ક્યારેક સ્થાયીમાં કટ આપ્યો હોય, ક્યારેક અંતરામાં કટૌતી થઈ હોય. ‘બરસાત’ અને ‘અંદાઝ’માં પણ આવું થયું. એક વખત ગાઈ લીધું હોય એ જ ગીતનું એડિટેડ વર્ઝન રેકૉર્ડ માટે ફરી ગાવાનું થાય ત્યારે તકલીફ થતી. ક્યાંક ભૂલ થઈ ન જાય એની સાવધાની રાખવી પડતી. ધીમે ધીમે ટેવ પડી ગઈ. પછી તો અલગ ટેપ પર જ ધ્વનિમુદ્રણ થવા લાગ્યું.

પણ આરંભમાં ત્યાં પણ મુસીબત થતી. સિંગલ ટ્રેક પર રેકૉર્ડિંગ થાય. અર્થાત્ તમામ વાદ્યો, કોરસ અને સિંગર (ડ્યુએટ હોય તો બેઉ સિંગર્સ)નો અવાજ એક જ ટ્રેકમાં રેકૉર્ડ થાય. આટલા બધા વાદકોમાંથી કોઈક ભૂલ કરે તો આખું ગીત નવેસરથી રેકૉર્ડ કરવું પડતું. ક્યારેક ગાયક કોઈ સૂર ચૂકી જાય તો તમામ વાદકોએ ફરી વગાડવું પડતું. મલ્ટી ટ્રેકનો જમાનો આવ્યો તે પહેલાં એક ગીતનું રેકૉર્ડિંગ કરવા પાછળ ખૂબ મહેનત કરવી પડતી. એવા જમાનામાં પણ લતાજીએ કેટલીય વાર એક દિવસમાં એક કરતાં વધુ ગીતો રેકૉર્ડિંગ કર્યાં.

1967માં રિલીઝ થયેલી દેવઆનંદની ‘જ્વેલ થીફ’ (દિગ્દર્શકઃ વિજય આનંદ)ના ગીત ‘હોઠોં મેં ઐસી બાત મૈં દબા કે ચલી આઈ’ના રેકોર્ડિંગ વખતની વાત લતાજી યાદ કરે છે. સવારથી ગીતના રેકૉર્ડિંગની તૈયારી શરૂ થઈ ગઈ હતી અને દેવ આનંદ સ્ટુડિયોમાં આવીને બેઠા હતા. ગીતમાં કંઈને કંઈ લોચા થયા કરતા હતા. ક્યાંક સચિનદેવ બર્મનને સંતોષ થતો નહીં તો ક્યારેક એમના આસિસ્ટન્ટ તરીકે કામ કરતા રાહુલ દેવ બર્મનને અમુક ખામીઓ લાગતી. લતાજી તો જેમ કહે એમ ગાતાં રહેતાં હતાં. એ ગીત તમે સાંભળ્યું જ હશે અને નોંધ્યું પણ હશે કે કેટલાં બધાં વાદ્યો એમાં વાગે છે. ભૂપેન્દ્ર સિંહે પણ એમાં ગાયું છે. મ્યુઝિશ્યન્સમાંથી કોઈનાથી ચૂક થઈ જતી, ગાયકો ભૂલ કરી બેસતા, સચિનદા અકળાઈ જતા. સાંજ વીતી ગઈ. મોડી રાત સુધી રેકૉર્ડિંગ પૂરું થયું નહીં.

દેવસા’બે જોયું કે બધા કળાકારો થાકી ગયા છે અને ખૂબ મોડું થઈ ચૂક્યું છે. એમણે ઊભા થઈને સચિનદાને કહ્યું કે, ‘ગીત તો સારું જ બન્યું છે, આટલી વાર કેમ લાગી રહી છે? હવે જેવું હોય તેવું, તમને ગીત પરફેક્ટ ન લાગતું હોય તો ભલે, પણ પૂરું કરો, બહુ મોડું થઈ ગયું છે.’

છેવટે ગીતનું ફાઇનલ રેકૉર્ડિંગ થયું. લતાજી કહે છે કે, ‘મને લાગે છે કે સારું જ થયું. કારણ કે એ વખતે અમે સૌ એટલા થાકી ગયા હતા.’

આવું વારંવાર થતું. શંકર-જયકિશનના રેકૉર્ડિંગમાં તો ઘણી વાર થતું. રિહર્સલમાં ખૂબ સમય જતો અને રેકૉર્ડિંગમાં પણ. ક્યારેક કોરસમાં ગાતાં ગાયક-ગાયિકાઓ સૂર ચૂકી જાય ત્યારે પણ નવેસરથી રેકૉર્ડિંગ કરવું પડતું. આવું બધું થતું હોય ત્યારે શારીરિક-માનસિક થાક ભૂલીને પહેલી જ વાર ગાતા હોય એવો ફ્રેશ મૂડ બનાવીને ગાવાની ગજબની કળા લતાજીએ સાધ્ય કરી હતી. લતાજી કહે છેઃ ‘ક્યારેક ઉત્સાહ ઠંડો પડી જતો પણ પછી તરત જ સાવચેત થઈને જવું પડતું. ગીત તો પૂરી તૈયારી સાથે સટિક રીતે ગાવાનું જ છે. એટલે કંટાળો લાવ્યા વિના, મનનું પ્રસન્ન વાતાવરણ સહેજ પણ ડહોળાય નહીં એનું ધ્યાન રાખવું પડે.’

દિવસ-રાત ગીતનાં રેકૉર્ડિંગ થતાં હોય. રિહર્સલ થતાં હોય, કન્સર્ટ ટુર પર જવાનું હોય. પળનીય ફુરસદ ન હોય ત્યારે પર્સનલ લાઇફમાં ઉતાર-ચડાવ આવે, તકલીફો ઊભી થાય, સમસ્યાઓ સર્જાય. આને કારણે ગીત ગાવા પર અસર પડે ખરી?

લતાજી કહે છેઃ ‘એવું ક્યારેય નથી બન્યું કે મેં મારી તકલીફોને મારા ગીતો પર સવાર થવા દીધી હોય. હું ગમે એટલી પરેશાન કેમ ન હોઉં, પણ એક વાર સ્ટુડિયો પર પહોંચું કે તરત જ બીજું બધું ભૂલી જઉં, બસ માત્ર સંગીત જ યાદ રહે. તકલીફ જો કોઈ એવી હોય, જે મારી સહનશક્તિની કસોટી કરતી હોય, કશું જ સૂઝતું ન હોય, તો હું ઘરની બહાર જ ન નીકળું. એ વખતે હું મારા મ્યુઝિક ડિરેક્ટરોને રિક્વેસ્ટ કરતી કે રેકૉર્ડિંગ પોસ્ટપોન કરો તો સારું. જોકે, આવું બહુ ઓછી વાર બન્યું છે કારણ કે મોટેભાગે તો એવું રહેતું કે ગમે એવી તકલીફો આવી પડી હોય, ગમે એવી વિપરિત અને અણગમતી પરિસ્થિતિ સર્જાઈ હોય, મેં ગાવાનું નથી છોડ્યું. મને લાગતું કે સ્ટુડિયો પર જઈને ગીત ગાવાથી કદાચ મારી તબિયત સુધરી જશે અને મન પણ પ્રસન્ન થઈ જશે. હું ક્યારેય વિષાદમાં ડૂબી જતી નથી અને ઈશ્વરનો પાડ માનું કે એવી ક્ષણો મારા જીવનમાં નહીં જેવી જ સર્જાઈ છે… જે નાનીમોટી વિષાદની ક્ષણો આવતી એ પણ મારા સંગીતને કારણે મને ઝાઝું પજવી શકી નથી… જિંદગીમાં મેં ક્યારેય કોઈ ગીત મન વગર ગાયું નથી.’

હિન્દી ફિલ્મનાં ગીતોમાં કોરસમાં ગાતાં ગાયકો-ગાયિકાઓ વિશે આપણા જેવા સામાન્ય શ્રોતાઓને ભાગ્યે જ જાણકારી હોય છે. લતાજીએ ઇન્ટરવ્યુમાં એમના વિશે પણ મન દઈને વાતો કરી છેઃ

‘એ જમાનામાં કોરસમાં ગાવાવાળું એક એવું ગ્રુપ હતું જે બધી જગ્યાએ જતું. નૌશાદ સાહેબના રેકૉર્ડિંગમાં, મદનમોહનજીને ત્યાં… શંકર-જયકિશન, એસ.ડી. બર્મન, આર.ડી. બર્મન, લક્ષ્મીકાન્ત-પ્યારેલાલ… આ જેટલા લોકો હતા એ બધાને ત્યાં એક જ ગ્રુપની છોકરીઓ કોરસમાં ગાવા જતી. આને લીધે એ બધી છોકરીઓ સાથે મુલાકાતો થતી રહેતી જે વખત જતાં ગાઢ પરિચયમાં પરિણમી. કોરસની ગાયિકાઓ સાથે મને બહુ સારું બનતું. જેટલી છોકરીઓ હતી એ બધી સાથે મારે ઘર જેવું હતું. બધી મારા ઘરે જતી-આવતી. નાની બહેન મીનાનાં લગ્ન કોલ્હાપુરમાં હતાં ત્યારે કોરસની બધી જ છોકરીઓ અને છોકરા ત્યાં આવ્યાં હતાં. એ લોકોએ ખૂબ ગીતો ગાયાં, ડાન્સ કર્યાં. મને યાદ છે ત્યાં સુધી 1960માં અમને જે ગ્રુપ કોરસમાં ગાવાવાળું મળ્યું હતું તે લગભગ 1980ની સાલ સુધી એનું જ એ જ રહ્યું. એંશીની આસપાસ બધું બદલાઈ ગયું. પછી એમાંની કેટલીક છોકરીઓએ ગાવાનું બંધ કરી દીધું, કેટલાક જણે (કોરસ) છોડી દીધું… 1980 પછી તો શું થતું કે કોરસવાળાઓનું મ્યુઝિક પહેલાં રેકૉર્ડ થઈ જતું. એ પછી અમારે ગાવાનું થતું. પહેલાં તો સ્ત્રી અને પુરુષ-બેઉનાં કોરસ અમે ગાતા હોઈએ ત્યારે સાથે જ રેકૉર્ડ થતાં. ડ્યુએટ હોય કે સોલો. મૂકેશભૈયા અને હું ગાતાં હોઈએ કે કિશોરકુમાર સાથે મારે ગાવાનું હોય તો કોરસ છોકરીઓ મારી સાથે જ ગાતી. એમાંથી કેટલાકનાં તો નામ હજુ પણ મને યાદ છે. કેટલીક છોકરીઓ બહુ સુરીલું ગાતી જેમાં કવિતા, ગાન્ધારી, કલ્યાણી, સુમન હતી અને રેખા હતી. આ બધી મને બહુ ભલી અને સારી લાગતી. કવિતા અને ગાન્ધારી બહેનો હતી અને બેઉ સાથે જ કોરસમાં ગાતા. રેખા પરણેલી હતી, એને બાળકો હતાં, બહુ સરસ રીતે સાથ આપતી. કલ્યાણીનો અવાજ પણ સુંદર હતો. આ બધી છોકરીઓ એટલી સરળ હતી કે રેકૉર્ડિંગ માટે આવતી ત્યારે સ્ટુડિયોમાં બહુ ખુરશીઓ ન હોય એટલે મઝાથી જમીન પર બેસીને રેકૉર્ડિંગ શરૂ થવાની રાહ જોતી હોય. હું પણ એમની સાથે જમીન પર ગોઠવાઈને ગપ્પાં મારતી. પાછળનાં વર્ષોમાં તો મને ખબર જ નહોતી પડતી કે કોરસમાં કોણે ગાયું છે ને કોણે નહીં. તે વખતે જેમની સાથે મારો પરિચય હતો એ બધાએ વર્ષો સુધી મારી સાથે સંપર્ક રાખ્યો.’

ગુલઝારે 1977માં રિલીઝ થયેલી પોતાના દિગ્દર્શન હેઠળની ‘કિનારા’ ફિલ્મમાં હેમા માલિની પર પિક્ચરાઇઝ કરવા આર.ડી. બર્મનના સંગીતમાં જે ગીત લખ્યું તે લતા મંગેશકરને ધ્યાનમાં રાખીને જ લખાયું હતું એવું ગુલઝારે અનેક વાર કહ્યું છે.
લતાજી હસીને કહે છેઃ ‘સાચી વાત છે. ગુલઝારસાહેબે કમાલનું ગીત લખ્યું છે. (ગીતની થોડીક પંક્તિઓ તેઓ ગણગણે છે) …નામ ગુમ જાયેગા, ચહેરા યે બદલ જાયેગા, મેરી આવાઝ હી પહચાન હૈ, ગર યાદ રહે… ખરેખર, એમણે તો મારા મનની લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરી દીધી છે. આ ગીત અંગત રીતે મારું ખૂબ ફેવરિટ ગીત પણ છે. હવે તમે જુઓ કે આ ગીત જેવી જ અમારા લોકોની જિંદગી છે જેમાં અમારું સમગ્ર અસ્તિત્વ અમારા અવાજમાં જ સમેટાઈ જતું હોય છે. હું ગુલઝારસા’બની આભારી છું કે એમણે આટલું સુંદર ગીત મને ધ્યાનમાં રાખીને લખ્યું- હું એમને કહેતી પણ હોઉં છું. મારે પોતે જો આ ગીત વિશે કંઈક કહેવાનું હોય તો હું એટલું જ કહીશ કે આ શબ્દો મારા માટે જેટલા સાચા છે એટલા જ સાયગલસાહેબ માટે, મૂકેશભૈયા માટે અને કિશોરદા માટે સચોટ લાગુ પડે છે.’

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!

—સૌ.શા.

•••

આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

39 COMMENTS

  1. लोग कहते है की माता सरस्वती उनके गले में निवास करती है ! लेकिन मेरा ऐसा मानना है कि उनका सुर ही सरस्वती है , दीदी संगीत की दुनिया का ध्रुव तारा है , हम इतने खुशनसीब है की हमको भगवान की कल्पना ही नहीं करनी पड़ी ! दीदी साक्षात देवी , भगवान थी .. उनके बारे में सब कुछ लिखा जा चुका है , शायद ऐसी कोई नयी बात किसी के पास है ही नहीं ! दीदी एक रिसर्च का विषय है और उनके ऊपर बाक़ायदा काम हो यही ख्वाहिश है , दीदी का नाम बीथोवन के साथ लिया जाना चाहिये ऐसी एक कामना सहित आपके प्रति तहे दिल से अहोभाव व्यक्त करता हूँ।

  2. એક દિન મીટ જાયેગા માતિકે મોલ જગ મેં રહે જાયેગા પ્યારે તેરે બોલ ….. દૂજે કે હોઠો પર દે કર અપને ગીત…
    લતાજી ખરે ખર અદભૂત ગાયક હતા છે અને અમર રહે શે. આપે અતિ સુંદર રીતે લેખ વર્ણવ્યો.

  3. શ્રી સૌરભભાઈ, આપના લેખ થકીજ જે તે વ્યક્તિત્વ ની મહાનતા પિછાણી શકાય છે. આપ જે સચોટતાથી થાળ પીરસો છો, તે દાદે કાબીલ છે. સામાન્ય જનને તો લતાજી નો આછેરો ખ્યાલ જ હોય. પણ લેખ વાંચી કેવી દુસ્કર જીવન યાત્રા માંથી આવા મહાન માનવો પસાર થઈ કીર્તિ પ્રાપ્ત કરી તે જાણવા મળ્યું. આપને અમારા નમસ્કાર..વંદે માતરમ..

  4. સૌરભભાઈ,
    આપ ક્યારેય પણ અંધારામાં તીર નથી ચલાવતા, બલ્કે અમારી અજ્ઞાનતાનું અંધારું ઉલેચીને અમોને જ્ઞાનના પ્રકાશરૂપી મહાસાગરમાં લઈ જાઓ છો, જ્યાં આપના દ્વારા વિણેલા મોતીરૂપી ખજાનો અમોને માણવા મળે છે, આપ બસ લખતાં જ રહો, એવી શુભેચ્છા.

  5. આપને હું વર્ષોથી વાંચું છું…. આ બન્ને સિરીઝ પણ વાચું છું. બન્ને અત્યંત સરસ જાય છે. આપની લેખનશૈલી, કન્ટન્ટ, ભાષાની સરળતા છતાં સુંદરતા, આપના મૌલિક નિરીક્ષણો, વિશ્લેષણ બધું જ અદભૂત હોય છે, સ્વામીજીનાં પણ ઘણાં પુસ્તકો વાંચવાનો લાભ મળ્યો છે, સ્વામીજીનો પણ હું ચાહક છું. (બાય ધ વે, સ્વામીજી અને મારા વતનનો પંથક એક જ છે: એમનું ગામ મુજપુર, તાલુકો સમી, જિ. મહેસાણા (હવે પાટણ) મારું મૂળ ગામ રાફુ તા. સમી). KEEP IT UP…

  6. સૌરભભાઈ તમારી મહેનત ખરેખર અજોડ છે. એક સાથે બંને સીરીઝ પર લખવું તે ખાવાના ખેલ નથી. અદભુત માહીતી નો સંગ્રહ છે જેનુ શબ્દોમાં વર્ણન શક્ય નથી.

  7. તમારા લેખોનો નવો નવો પરિચય થયો છે, પણ સાહેબ, હું તો ચાહક થઈ ગયો. તીવ્રતાપૂર્વક તમારા નવા લખાણની શોધ કરતો રહું છું.

    • વાહ,સ્વાગત છે તમારું. ન્યુઝપ્રેમી પર ઑલરેડી અનેક લેખો આર્કાઇવ્ઝમાં છે. એન્જોય!

  8. Really superb article. We get to know so many things about Lataji. The main fun is your writing style.

  9. Very informative articles on Lataji. Too good. This kind of information and knowledge is rarely available to read.
    I enjoy reading your articles and forward too to friends
    Please continue (without break ! )

  10. માનનીય શ્રી સોરભ ભાઈ.
    અભિનંદન. તમારી સરળ અને સહજ શૈલીમાં લખાયેલા તમારા
    બધા જ લેખો ખૂબ ચિંતન અને મનન કરી લખાયા છે. અમારા માટે
    તમે કરેલી મહેનત બદલ મારા અંતઃકરણ ના આભાર સહ ધન્યવાદ.

    • અદ્ભુત લેખ! લતા જઈ અમારી ત્રણ પેઢી ના ફેવરિટ…હું પાંચ વર્ષ ની હતી ત્યારે પહેલું કાને પડેલું જાદુઈ ગીત ‘આયેગા આને વાલા… આજે પાંચમા દિવસે પણ એમની જ સ્મૃતિ મા રત છું.

      • સાચી વાત છે. તેર દિવસ પછી પણ શોક તો ઉતરવાનો જ નથી. બાકીની આખી જિંદગી એમને યાદ કરતાં રહીએ, એમના કામમાંથી ઇન્સ્પાયર થતા રહીએ એટલું ગંજાવર એમનું કામ છે.

  11. મારા માતા અને પિતા બંને ને લતા મંગેશકર અને રફી જી ના ગીતો બહુ ગમતાં. એમને આ લેખો વાંચવા નથી મળવાના એ અફસોસ છે.

    સુંદર લેખ, આભાર

  12. SAURABH BHAI

    YOU ALWAYS MADE OUR DAY . WE GET SO FRESH TO WORK AFTER READING YOUR ARTICLE AND WHILE READING WE FEEL THAT THESE ALL THINGS ARE HAPPENING IN FRONT OF US.

    GREAT WE ARE THANKFUL TO YOU SAURABH BHAI

    YOU ARE AN REAL INSPIRATION

  13. All articles about various aspects and incidences about the life and singing of Lataji are so interesting! Quite comprehensive and vivacious tribute from you, Saurabhbhai!

  14. નવા કલાકારો એ ખાસ વાંચવા જેવો લેખ

  15. સૌરભભાઈ….. ખરેખર વાંચવાની મજા આવે છે… 👌

    • આભાર.મારી સ્મૃતિમાં તો ઘણો મોટો ભંડાર છે જ છે, મારી રેફરન્સ લાયબ્રેરી અતિ સમૃદ્ધ છે. આ બેઉમાં જ્યારે ચિંતન તેમ જ અર્થઘટનનું મોણ ઉમેરાય છે ત્યારે મારા તાવડામાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓ બનાવી બનાવીને ઝારા વડે ગરમાગરમ તમને સૌને પીરસાય છે!

  16. બહુ જ સરસ લેખ. લતાજી વિષે ઘણી નવી વાતો જાણવા મળી. લતાજીના કોમળ સ્વભાવ માટે અમને બહુ આદર અને માન છે. આપે સારી માહિતી પીરસી છે. ધન્યવાદ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here