(‘ગુડ મૉર્નિંગ’ : બુધવાર, ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૪)
આજે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાતી વિશે ૧૦ મુદ્દા પ્રસ્તુત છે.
૧. જે ભાષા તમને આજીવિકા આપે, જે ભાષા તમને સમૃદ્ધ બનાવવાનું પ્રોમિસ આપે એ જ ભાષા જીવતી રહે છે, સમૃદ્ધ બનતી રહે છે. અબડાસા, આણંદ કે મહેસાણાથી નીકળીને અમરાવતી કે ઈચલકરંજીમાં કરિયાણાની કે કાપડની દુકાન કરનારો ગુજરાતી છ જ મહિનામાં અસ્ખલિત તળપદી મરાઠી બોલતો થઈ જાય છે. લુધિયાણાથી નીકળીને વડોદરામાં મોટર સ્પેરપાર્ટ્સની દુકાન ખોલનારા સરદારજીઓને અતિ શુદ્ધ ગુજરાતી બોલતાં તમે સાંભળ્યા જ છે.
ગુજરાતી ભાષા જગતના જે પ્રદેશોમાં આર્થિક ઉપાર્જનમાં સહયોગી થતી રહેશે તે જ પ્રદેશોમાં જીવશે, સમૃદ્ધ થશે. ગુજરાતી જ નહીં, કોઈપણ ભાષા માટે આ સત્ય છે.
૨. ગુજરાતી ભાષાનું પિયર મુંબઈ નથી, ગુજરાત છે. અમેરિકા, યુકે કે ઑસ્ટ્રેલિયા-આફ્રિકાના ગુજરાતીઓની ત્રીસ વર્ષની ઉંમરની નીચેની પેઢીનાં સંતાનો ગુજરાતી વાંચી-લખી શકતા નથી, બોલી શકે છે અને સાંભળીને સમજી શકે છે. આ બધા-ગુજરાત બહારના વિસ્તારો તથા પ્રદેશોમાં – લખાયેલી ગુજરાતીનું નહીં પણ બોલાયેલી ગુજરાતીનું મહત્વ વધતું જવાનું. નાટકો, કવિસંમેલનો, ગુજરાતી ફિલ્મો, ડાયરા, કથાકારો, પ્રવચનકારો તથા ઑડિયો બુક્સ અને ઑડિયો/વીડિયો ક્લિપ્સનાં માધ્યમોથી જ આ પ્રદેશોમાં ગુજરાતી જીવશે, સમૃદ્ધ થશે. પચાસ વર્ષ પછી આ બધી જ જગ્યાઓએ ગુજરાતી લખનારા-વાંચનારા એટલા જ લોકો હશે જેટલા આજે સંસ્કૃત લખનારા-વાંચનારા છે.
૩. ગુજરાતમાં ગુજરાતીને સમૃદ્ધ કરવી હશે તો સાથેસાથે સંસ્કૃતનું મહત્વ વધારવું પડશે. સંસ્કૃત ગંગોત્રી છે, ગુજરાતી ગંગા છે. ગંગોત્રી સુકાઈ જશે તો ગંગા ક્યાંથી વહેશે? સંસ્કૃતના શુદ્ધ વ્યાકરણ-ઉચ્ચારણોનું મહત્વ પુનઃસ્થાપિત કરવું પડશે. ગુજરાતી જોડણી સાથે કોઈ ચેડાં કરવા જાય તો ઊંઝાનું ઈસબગુલ ખવડાવીને હાથમાં લોટો પકડાવીને, કાન પર જનોઈ ભેરવીને, જંગલે ધકેલી દેવો પડશે.
૪. મહારાષ્ટ્રની ગુજરાતી સાહિત્ય અકાદમી હોય કે પછી ગુજરાતની, ગુજરાતી સાહિત્ય પરિષદ અને એવી બીજી ડઝનબંધ સંસ્થાઓ હોય કે પછી લાયન્સ-જાયન્ટ્સ-રોટરી જેવી ક્લબો—ગુજરાતીઓનાં સન્માનો કરવાનું રહેવા દો, ગુજરાતી બચાવોના નારા લગાવવાનાં ધતિંગો બંધ કરો. સારા ગુજરાતી શિક્ષકો પેદા કરો. તેઓ પાકી તાલીમ માટેની લાયકાત કેળવી શકે એવું વાતાવરણ કેળવણીની સંસ્થાઓ ચલાવતા શેઠિયાઓ સાથે બેસીને તૈયાર કરો.
૫. ગુજરાતી પ્રકાશકો સારું ગુજરાતી લખનારાઓને શિંગદાણા પણ નહીં, શિંગદાણાના છોતરાં આપે છે. આ પરિસ્થિતિમાં ભવિષ્યમાં ક્યો સારું લખનારો માઈનો લાલ આ ક્ષેત્રમાં આવશે? પછી પસ્તીનાં પાનાં ભરનારાઓ જ પ્રવેશશે. અથવા તો એવા લોકો આવશે જેઓ મા સરસ્વતીના આશિર્વાદથી નહીં પણ કલમને ગણિકા ગણીને આવવા માગતા હોય. એવા લોકો તમારી માતૃભાષા સાથે અડપલાં કરશે અને તમે પછી જોતા રહેજો.
૬. ગુજરાતી ભાષા બીજી કોઈ ભાષાની દુશ્મન નથી. ન અંગ્રેજીની, ન મરાઠીની, ન હિન્દીની, ન ઉર્દુની. ભાષાઓ એકમેકની દુશ્મન હોઈ શકે જ નહીં. અંગ્રેજી કે અન્ય ભાષાઓને ઉતારી પાડનારાઓ છેવટે તો ભાષાનું જ અપમાન કરતા હોય છે. બધી ભાષા શીખવાની. ગુજરાતી એ રીતે શીખવા-શીખવાડવાની કે રાત્રે સપનાં પણ ગુજરાતીમાં જ આવે અને દિવસે ગાળો પણ ગુજરાતીમાં જ બોલાય: ‘એની માને…’ આ મીઠ્ઠું લાગે, ‘ઓહ, શિટ્!’ નહીં.
૭. મુંબઈમાં જેમને ગુજરાતી બચાવવાની બહુ ચિંતા હોય તેઓએ ગુજરાતી પુસ્તકો વિપુલ પ્રમાણમાં ખરીદવા જોઈએ અને બીજાઓને ભેટ આપવા જોઈએ. પ્રકાશકો-વિક્રેતાઓ તમારા ગળામાં જો ચાલુ માલ પહેરાવવાની પેરવી કરે તો એ પુસ્તકોને એમના માથે મારીને ઑનલાઈન સાઈટ્સ પર જઈને તમારા ફેવરિટ લેખકોનાં પુસ્તકો મગાવવા જોઈએ. છાપાં – મૅગેઝિનો વાંચવા કે નહીં એ તમારા પર છોડી દઉં છું. ઘરમાં ગુજરાતી પુસ્તકો હશે તો ક્યારેક બાળકોના હાથમાં આવશે. મારી પાસે મારા પરદાદા, દાદા અને પિતાએ વસાવેલાં પુસ્તકોમાંથી કેટલાંક હજુ પણ છે.
૮. રફી-કિશોર-આરડી-લતાજી ગયા.આણંદજીભાઈ-પ્યારેલાલજી-આશાજી-ગુલઝારસા’બ છે. સદ્ભાગી છીએ. જીવતેજીવત એમને આપીએ એટલો પ્યાર ઓછો છે. ગુજરાતી લખનારા દિગ્ગજો એક પછી એક ગયા. જે હયાત છે, ભરપૂર રીતે પ્રવૃત્ત છે એમનો આદર કરીએ. એમની પાલખી ઊંચકીને મહાલીએ. એમની ઠાઠડી ખભે લીધા પછી એમનાં ગુણગાન ગાવાનો કશો અર્થ નથી. જે વિદ્યમાન ગુજરાતી સાહિત્યકારો, લેખકો, પત્રકારો તમારા ભાવજગતને, વિચારજગતને સમૃદ્ધ બનાવી રહ્યા હોય એમને આપણા પ્યારથી, આપણા આદરથી, આપણી લાગણીઓની છોળોથી માલામાલ કરી દઈએ. આ માલમત્તા જ સરસ્વતીપુત્રો માટે સૌથી અમુલ્ય જણસ છે.
૯. ગુજરાતી ભાષા એટલે ગુજરાતી સાહિત્ય નહીં. સાહિત્ય ભાષાનો એક અગત્યનો હિસ્સો છે પણ એક હિસ્સો જ છે, અંશ છે. ભાષા તો ખૂબ વિશાળ છે. બાર ગાઉએ બોલી બદલાય છે ત્યારે એ બોલીના બોલનારાઓ ભાષાની સમૃદ્ધિમાં ઉમેરો કરતા હોય છે. ગાંધીજી કહેતા કે કોશિયો – એક ખેતમજૂર પણ સમજી શકે એવી ભાષા હોવી જોઈએ. ગુજરાતી લખનારાઓએ આ વાત સતત ધ્યાનમાં રાખવી જોઈએ. અન્યથા તેઓ ફેંકાઈ જશે. એના કરતાં વધારે, તેઓ ગુજરાતી વાચકોને ગુજરાતીની ભાષાથી વિમુખ કરી દેવાના. ભારેખમ શબ્દોથી, ચાંપલા-વાયડા એક્સ્પ્રેશન્સથી, વેવલી શૈલીથી લખનારા લેખકો ગુજરાતી ભાષાના દુશ્મનો છે. અને ગાંધીજીના પ્રિસ્ક્રિપ્શન મુજબ સીધી-સાદી, સૌને સમજાય એવી તેમ જ સાદગીનું સૌંદર્ય ધરાવતી ભાષા લખનારાઓએ આગ્રહ રાખવો જોઈએ કે પોતે જે લખે છે તે છાપવાની જવાબદારી જેમની છે એમણે સાચી જોડણી માટે સારા ટાઈપસેટર્સ તથા સારા પ્રૂફ રીડર્સ પોતાનાં છાપાં – મૅગેઝિનો – પબ્લિશિંગ કંપનીમાં આવે અને ટકે તે માટે પૂરતા પૈસા ખર્ચવા જોઈએ. અમસ્તાં અમસ્તાં ‘ગુજરાતી બચાવ, ગુજરાતી બચાવ’ના નારા લગાવવાથી કંઈ નહીં વળે જ્યાં સુધી ભાષાશુદ્ધિનાં ઓજારો વસાવવા માટે બજેટ ફાળવવામાં નહીં આવે. આવું નથી થતું ત્યાં ‘ગુજરાતી બચાવવાની’ વાત કે ‘માતૃભાષાને પ્રેમ કરવાની’ વાત વાંઝિયાઓની પ્રવૃત્તિ જેવી બની જતી હોય છે. એમાંથી કશુંય નક્કર નીપજતું નથી. ફાટેલા ફુગ્ગામાં હવા ભરવાની હાસ્યાસ્પદ કોશિશો બંધ થવી જોઈએ.
ગુજરાતી ભાષા માટે કે પછી કોઈની પણ માતૃભાષા માટેનો ખરો આદર નારાબાજીમાં નથી, કોન્ક્રિટ કામ કરવામાં છે. ગુજરાતી ભાષાને ‘બચાવવા’ની ઝુંબેશની વહેતી ગંગામાં હાથ ધોવા તલપાપડ એવા લોકોએ સમજવું જોઈએ એમના તકવાદને સંતોષવા બીજા ઘણા રસ્તાઓ છે, માતૃભાષાના વહેણમાં ગંદા હાથ નાખીને એને અપવિત્ર કરવાની કોશિશ નહીં કરવી જોઈએ.
૧૦. માતૃભાષાને જીવાડવાનું કામ હું કરી રહ્યો છું એવો કોઈ ભ્રમ મને નથી. જે ભાષા મને જીવાડે છે, મને આજીવિકા આપે છે, એને જીવાડવાની મારી શું હેસિયત. એ કામ ગુજરાતી લેખકો-સાહિત્યકારો-પત્રકારો નહીં પણ ગુજરાતી પ્રજા જ કરી શકે અને કરી રહી છે.
• • •
( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર 090040 99112 પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Paytm-
90040 99112
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો













