બીજી બધી ચોરીઓની માફક કીર્તિની પણ ચોરી થતી હોય છે —પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદ (ભાગ છઠ્ઠો) : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ: મહા સુદ દસમ, વિક્રમ સંવત ૨૦૭૮. ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૨)

‘મારા અનુભવો’ ઉપરાંત ‘અગવડોમાં આરાધના’ પણ એક રીતે જોઈએ તો સ્વામી સચ્ચિદાનંદની આત્મકથાનો જ એક ભાગ કહેવાય. જોકે, આ નાનકડી પુસ્તિકા છે. એનાં 64 પાનાંમાં સ્વામીજીએ વીસેક કિસ્સા લખ્યા છે. બધા જ પ્રસંગો પોતાને પ્રવચન માટે બોલાવનારા વિવિધ ગામ-શહેરોના આયોજકોએ જાણે અજાણે દાખવેલી બેદરકારીના છે, જેને લીધે સ્વામીજી અગવડમાં મૂકાયા હોય.

છેલ્લા પાંચેક દાયકામાં સ્વામીજીએ ગુજરાત-મુંબઈ સહિત ભારતમાં અને વિદેશોમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપી છે, ઉદ્‌ઘાટનો કર્યાં છે, પ્રવચનો આપ્યાં છે. હજારોની સંખ્યા હશે. એમનું પ્રવચન સાંભળવા લોકો પડાપડી કરતા હોય છે એટલે કાર્યક્રમને સફળ બનાવવા એમનું નામ આમંત્રણ પત્રિકામાં ઉદ્‌ઘાટક કે મુખ્ય વક્તા તરીકે હોય તો આયોજકને સફળતાની અગોતરી ગૅરન્ટી મળી જાય.

સ્વામીજી ક્યારેય આવાં (કે કોઈ પણ) કામ માટે કોઈનીય પાસે આર્થિક અપેક્ષા રાખતા નથી, પોતાના ખર્ચે જવા-આવવાનું અને ઉતારાની વ્યવસ્થા પણ પોતે જ કરી લેવાની. કોઈના મોહતાજ થવાનું નહીં. પરંતુ કેટલાક આયોજકો સ્વામીજીની આ ઉદારતાનો ગેરલાભ લેતા હોય છે. સ્વામીજીના આવવા-જવાના ખર્ચને તો આયોજકોએ ઉપાડી લેવાનો જ હોય, સાથોસાથ યથાશક્તિ એવી ગૌરવવંતી રકમ આપવી જોઈએ જે એમના આશ્રમના નિભાવખર્ચ માટે ઉમેરી શકાય. પ્રવચનની ફી તો સ્વામીજી ક્યારેય લેતા નથી. જો લેતા હોત તો પાંચ દાયકા દરમ્યાન તમામ ગુજરાતી વક્તાઓ કરતાં એમની પ્રવચન ફી સૌથી વધારે હોત. અને આયોજકો હોંશે હોંશે એટલી રકમ એડવાન્સમાં આપીને સ્વામીજીની તારીખ બુક કરી લેતા હોત એટલું જ નહીં એમના આવવા-જવાની ઉત્તમ સગવડો કરી એમના ઉતારા માટે શ્રેષ્ઠ આયોજન કરવાની ચિંતામાં અડધા થઈ જતા હોત.

પણ વિનામૂલ્યે જે મળતું હોય તેની ઘણા ડોબાઓને કદર જ નથી હોતી. કેટલાક લોકો તો સ્વામીજીના ઉતારા માટે પૂછતા પણ નથી હોતા, એમ માનીને કે એ તો બહુ મોટા માણસ છે, એમના તો ઘણા ભક્તો ગામેગામ હોવાના, કરી લેશે પોતાની વ્યવસ્થા. પણ ભલા માણસ, એમને પૂછી લેવાનું તો હોય ને કે તમારો ઉતારો ક્યાં રાખીએ? એ જો કહે કે તમે ચિંતા નહીં રાખતા, મારી વ્યવસ્થા હું કરી લઈશ તો તમારે એ સરનામેથી એમને લાવવા-લઈ જવાની સારી-સમયસર વ્યવસ્થા ગોઠવવાની હોય. ઉપરાંત ભોજન વગેરેની ગોઠવણ કરીને સ્વામીજીને જ નહીં તેઓ જેમના મહેમાન બન્યા છે તે યજમાનને પણ ભોજન માટે નોતરવાના હોય. દંતાલીથી જે તે શહેર-ગામ સુધીની સ્થાનિક પ્રવાસની વાહન વ્યવસ્થા ઉપરાંત ટ્રેન-વિમાનની આવવા-જવાની સંપૂર્ણ જવાબદારી આયોજકે નિભાવવાની હોય. પ્રવચનકાર એમને સામેથી ચિંતામુક્ત કરે તો જ ચિંતામુક્ત થવાનું હોય.

પરંતુ હૉલભાડું, ડેકોરેશન, આમંત્રણપત્રિકા, પ્રચાર, કેટરિંગ, સાઉન્ડ સિસ્ટમ-વીડિયોગ્રાફી ઇત્યાદિ પર લખલૂટ ખર્ચ કરનારા અને એના ઓયોજનમાં અડધાઅડધ થઈ જતા કેટલાક આયોજકો લગ્નમાં જે સ્થાન વરરાજાનું હોય તેવું સ્થાન આવા કાર્યક્રમોમાં વક્તાનું હોય એ વાત જ કન્વિનિયન્ટલી ભૂલી જતા હોય છે.

કોઈ પણ આયોજકને સંસ્કારી બનાવવાની જવાબદારી ભગવાને તમારા માથે નથી નાખી.

‘અગવડોમાં આરાધના’ વાંચતાં વાંચતાં મને મારો એક કિસ્સો યાદ આવે છે. સાડા ત્રણેક દાયકા પહેલાંની વાત. ‘ગુજરાત મિત્ર’માં નોકરી કરવા હું મુંબઈથી નવો નવો સુરત આવ્યો હતો. મને તે વખતે પણ લાયસન્સ, જાયન્ટ્સ રોટરી વગેરે ક્લબોમાં પ્રવચન કરવા જવાનું ગમે નહીં. પણ છાપાના માલિક મારા મિત્ર અને શહેરમાં નવો છું તો પત્રકાર તરીકે નવી ઓળખાણો થાય એવું સમજાવીને એમણે આવી કોઈ ક્લબનું આમંત્રણ સ્વીકારી લેવાનો મને આગ્રહ કર્યો. હું કાર્યક્રમના સમયે સ્થળ પર પહોંચી ગયો. હજુ તો બધું ગોઠવાતું હતું. આયોજન ટીમ અહીંથી ત્યાં બાઘાની જેમ ફરતી હતી. એમાંથી કોઈકે મને જોયો. એમની ક્લબના મેમ્બરમાંથી હું નહોતો, કોઈ નવો ચહેરો હતો. મને જોઈને પૂછ્યું, ‘તમે અહીં કેમ આવ્યા છો?’ મેં મારું નામ કહીને જવાબ આપ્યો, ‘મારે અહીં પ્રવચન કરવાનું છે.’ મને એમ કે તેઓ મારો જવાબ સાંભળીને અડધા અડધા થઈ જશે, સમયસર પહોંચી જવા બદલ મારો આભાર માનશે અને કાર્યક્રમ મોડો શરૂ થશે એ બદલ ખેદ વ્યક્ત કરશે, કદાચ પાણીની ઑફર કરશે, અને ભલું પૂછો તો મારા માટે ચા પણ મગાવશે, બીજાઓ સાથે ઓળખાણ કરાવીને મને રાહ જોવા માટે ક્યાંક બેસાડશે. પણ એને બદલે પેલા ભાઈએ કહ્યું, ‘ઠીક છે, હમણાં તમે બહાર જઈને ઊભા રહો, હૉલમાં બધું ગોઠવાઈ રહ્યું છે.’

હું અડધો કલાક હૉલની બહાર ઊભો રહ્યો, પ્રવચનના ટાઇમે પ્રવચન કર્યું અને કાર્યક્રમ પછીના બૂફેમાં જોડાયા વિના મેં ઘરે આવીને જમવાનું બનાવડાવીને જમી લીધું.
મારા જેવા નો-બડીને આવા અનુભવો થાય એમાં કોઈ નવાઈ નહોતી. પણ સ્વામી સચ્ચિદાનંદ જેવા ગુજરાતના જ નહીં રાષ્ટ્રના ઘરેણા સમા યુગપુરુષ સાથે પણ આયોજકો કેવી કેવી બદતમીજીથી, પેશ આવે છે તે જાણીને તમારું માથું શરમથી ઝૂકી જાય. એમની સાથે તેમ જ અન્ય કેટલાક મિત્રો-વડીલો સાથે થયેલા કડવા પ્રસંગો પરથી હું બે વાત શીખ્યો છું- એક આપણી સાથે આવો અપમાનજનક વ્યવહાર થાય ત્યારે ચૂપચાપ કડવો ઘૂંટડો ગળી જવાનો, કોઈ પણ આયોજકને સંસ્કારી બનાવવાની જવાબદારી ભગવાને તમારા માથે નથી નાખી. ભવિષ્યમાં એવા આયોજનોથી દૂર રહેવાનું. બીજી વાત એ શીખ્યો કે તમે પોતે જ્યારે આયોજક કે આયોજન કરનારાઓમાંના એક હો ત્યારે તમારાથી અજાણતાંય નાનકડુંય અભદ્ર વર્તન ન થઈ જાય તેની સતત તકેદારી રાખવી.

સ્વામી સચ્ચિદાનંદને મેં એક કરતાં વધારે વાર મારા આયોજનોમાં વક્તા તરીકે બોલાવ્યા છે. એમાંથી બે પ્રસંગો યાદ આવે છે. મુંબઈના એક દૈનિકમાં હું તંત્રીની જવાબદારી નિભાવતો હતો ત્યારે છાપાના વાર્ષિક દિવસના ઉજવણી સમારોહ સપ્તાહના એક દિવસે સ્વામી સચ્ચિદાનંદનું પ્રવચન રાખ્યું હતું. હકડેઠઠ ઑડિટોરિયમમાં તાળીઓના ગડગડાટ સાથે તેઓ બોલીને મંચ પરથી ઊતર્યા એ પછી મેં એમને એમના જવા-આવવાના ખર્ચ ઉપરાંત એમના પ્રવચનની ફી તરીકે સારી એવી રકમનો ચેક આપ્યો અને સાથે એક અનુમતિપત્ર પર સહી માગી. સ્વામીજી કહે કે, ‘ચેક નહીં લઉં. તમારી પાસેથી મારે પૈસા ન લેવાના હોય. તમે સરસ ફૂલગુચ્છાથી મારું સ્વાગત કર્યું એમાં બધું આવી ગયું.’

મેં કહ્યું, ‘બાપજી, આ કંઈ મારા ઘરનો કાર્યક્રમ નથી. હું જ્યાં નોકરીએ છું તે પ્રકાશન સંસ્થા સમૃદ્ધ છે, એના તરફથી આ ચેક છે. એટલું જ નહીં તમે તથા સપ્તાહના બાકીના છ વક્તાઓનાં પ્રવચનોની કૅસેટ વાચકોને વેચીને અમને એમાંથી કમાણી પણ થવાની છે માટે કૃપા કરીને તમે આ અનુમતિપત્ર પર સહી કરીને ચેક સ્વીકારો.’

સ્વામીજીએ હસીને ચેક લઈ લીધો.

સ્ટેશન પર ગાડી આવી ગઈ હતી. અમે પણ સમયસર પહોંચી ગયા હતા. એસી ફર્સ્ટ ક્લાસના ડબ્બા પર જઈને જોયું તો પેસેન્જર લિસ્ટમાં સ્વામી સચ્ચિદાનંદનું નામ ન જડે.

મહેમાનને વળાવવા માટે યજમાને પોતાની સગવડ અગવડ જોયા વિના લિફ્ટ સુધી કે કંપાઉન્ડમાં ઊભેલા એમના વાહન સુધી જવું જ જોઈએ અને બહારગામથી તમારા માટે જ ખાસ આવેલા મહેમાન પાછા જતા હોય ત્યારે એમની સાથે સ્ટેશન કે ઍરપોર્ટ સુધી જઈને એમને વળાવવા જોઈએ. સ્વામીજી રાતની ગુજરાત એક્સપ્રેસમાં આણંદ પહોંચીને ત્યાંથી કરેલી વ્યવસ્થા દ્વારા દંતાલી પહોંચવાના હતા. હું બૉમ્બે સેન્ટ્રલ સ્ટેશને એમને વળાવવા ગયો. સ્વામીજીએ ઘણી ના પાડી કે ‘તમારા માથે એક દૈનિકની જવાબદારી છે, આવો સમય વેડફવાનું તમને ન પોસાય.’

મારા માટે તો જોકે આ એક લહાવો હતો.

સ્ટેશન પર ગાડી આવી ગઈ હતી. અમે પણ સમયસર પહોંચી ગયા હતા. એસી ફર્સ્ટ ક્લાસના ડબ્બા પર જઈને જોયું તો પેસેન્જર લિસ્ટમાં સ્વામી સચ્ચિદાનંદનું નામ ન જડે. કન્ડક્ટરને શોધીને એમની પાસેનું લિસ્ટ તપાસ્યું. એમાં પણ ક્યાંય નામ નહીં. કંડક્ટરે ટિકિટ તપાસવા માટે માગી. ટિકિટ પર આજને બદલે આવતી કાલની તારીખ હતી. મને ધ્રાસકો પડ્યો. ઑફિસમાં આ કામ મેં મારા પી.એ.ને સોંપેલું. એણે ઑફિસની પ્રોસિજર મુજબ આ પ્રકારનાં કામો કરવાની જવાબદારી જે વિભાગની હોય એને સોંપ્યું હતું. ક્યાંક કોઈકની ભૂલ થઈ હતી. મેં જ કદાચ તારીખ લખાવવાની ભૂલ કરી હશે? એવું તો બને નહીં. પી.એ. તો મારા કરતાં વધુ ચોક્સાઈવાળો. પેલા વિભાગના કોઈકની ભૂલને કારણે આવું થયું હશે? જે હોય તે. અત્યારે તો ક્રાઇસિસ સર્જાઈ હતી. કંડક્ટરને કહીને સ્વામીજી માટે કામચલાઉ એક કેબિનમાં બેસવાની વ્યવસ્થા કરી. પછી એકબે ફોન કરીને તેમ જ કંડક્ટરને પરિસ્થિતિ સમજાવીને એ જ ડબ્બામાં સ્વામીજી માટે વીવીઆઈપી ક્વોટાની ટિકિટ ગોઠવણ થઈ ગઈ અને તાત્કાલિક રકમ ચૂકવીને રસીદ મેળવી લીધી. સ્વામીજીને બીજી ટિકિટ સોંપીને મેં એમની માફી માગતાં કહ્યું કે, ‘લોચો થઈ ગયો, બાપજી!’

એ હસીને કહેઃ ‘તમે જે રીતે દોડાદોડી કરતા હતા એના પરથી લાગ્યું ખરું પણ જે થયું તે ભૂલી જાઓ.’

મને વિચાર આવે છે કે હું આળસ કરીને એમને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશને વળાવવા, એમના ડબ્બા સુધી ના ગયો હોત તો? જિંદગીભર ભૂલી ન શકાય એવડો મોટો અપરાધ મારાથી થઈ ગયો હોત.

આ પ્રસંગનાં બેત્રણ વર્ષ બાદ મેં લખેલાં સાત પુસ્તકોનો પ્રકાશન સમારંભ હતો. ઉદ્ઘાટકો તરીકે સ્વામી સચ્ચિદાનંદ અને ગુણવંત શાહને આમંત્રણ આપ્યું હતું. બેઉ મહાન વક્તાઓને સાંભળવા શ્રોતાઓની ભીડ એટલી કે સભાગૃહ ખૂબ વિશાળ હોવા છતાં બહાર લૉબી-ફોયરમાં સીસીટીવીનાં મોટા સ્ક્રીન મૂકવા પડ્યા હતા. કાર્યક્રમના ઇન્ટરવલમાં હું બેઉ મહાનુભાવો માટે પુરસ્કારની રકમનાં કવર લઈને એમની પાસે પહોંચ્યો. સ્વામીજીએ ધરાર એ કવરને અડકવાની પણ ના પાડી. મને કહે, ‘પેલો સમારંભ તમારા છાપાની કંપનીએ યોજેલો પણ આ તો તમારો ઘરનો જ કાર્યક્રમ છે એટલે હું નહીં લઉં.’

મેં એમને સમજાવ્યું કે, ‘મારી દીકરીના લગ્ન પ્રસંગે મેં તમને સમારંભમાં બોલાવ્યા હોય અને તમે પુરસ્કાર ન લો, ઉલટાના સામેથી આશીર્વાદ આપો તો બરાબર છે. પણ આ સમારંભ મેં લખેલાં પુસ્તકોનો છે. એમાંથી વેચાણ કરીને હું અને મારા પ્રકાશક-ભાગીદાર બેઉ જણા કમાણી કરવાના છીએ. એટલે આ સમારંભ ઘરનો હોવા છતાં ધંધાદારી કાર્યક્રમ જ છે. તમે નહીં લો તો હું સ્વાર્થી લાગીશ, મારી જાત આગળ જ હું ભૂંડો લાગીશ.’

સ્વામીજીના ગળે મારું લૉજિક ઉતર્યું અને એમણે સૌજન્ય દાખવીને રકમનું કવર લઈ લીધું.

પછી હું ગણવંતભાઈ જ્યાં બેઠા હતા ત્યાં ગયો. ભાઈ તો મેં ધરેલું કવર જોતાંવેંત ભડક્યા મારા ઉપર, ‘તને શરમ આવતી નથી મને કવર આપતાં? હું કંઈ પૈસા માટે તારે ત્યાં આવું છું?’

એમની સાથે મારો સંબંધ પિતા-પુત્રતુલ્ય છે એટલે સ્વાભાવિક રીતે એ મારા પર બગડ્યા હતા. હું એમને સમજાવવાની કોશિશ કરતો હતો પણ જીભે લોચાવળતા હતા. એ જોઈને સ્વામીજી અમારી પાસે આવ્યા.

કહે ‘ગુણવંતભાઈ, કવર સ્વીકારી લો. મેં લીધું છે. આ છોકરાની વાત સાચી છે’ એમ કહીને મેં જે દલીલ એમની સમક્ષ કરી હતી તે જ તર્કથી એમણે વધુ સારી રીતે ગુણવંતભાઈને સમજાવ્યા ત્યારે ભાઈએ કમને એ કવર સ્વીકાર્યું.

‘અગવડોમાં આરાધના’માં સ્વામીજીએ કચ્છના ધરતીકંપ પછી એમની સંસ્થા દ્વારા શાળાઓના થોડાક ઓરડાઓ બાંધવાના હતા જેના ખાતમુહૂર્ત પ્રસંગની વાત કરી છેઃ

‘સૌરાષ્ટ્રના જ કાર્યકર્તાભાઈએ એ ગામ નક્કી કરી આપ્યું હતું. અમે જ્યારે સાંજે ખાતવિધિ કરવા પહોંચ્યા ત્યારે જોયું તો મંડપની ચારે તરફ મોટા-મોટા અક્ષરોથી પેલા કાર્યકર્તા ભાઈએ પોતાની સંસ્થાનાં બોર્ડો લગાવી દીધેલાં. અમારી સંસ્થાનું તો ક્યાંય નામ જ નહીં. મેં તે ભાઈને પૂછ્યું કે તમારી સંસ્થા અહીં શું કામ કરે છે? તો કહે કે ‘કંઈ નહીં’, ‘તો પછી તમારી સંસ્થાનાં આટલાં બોર્ડો કેમ લગાવ્યાં છે? લોકો તો એમ જ સમજે કે આ ઓરડા તમે જ બાંધી રહ્યા છો.’ કાર્યકર્તાભાઈ ચૂપ રહ્યા. મને કહે કે ‘તો બોર્ડ ઉતારી લઈએ.’ મેં કહ્યું કે ‘ના, હવે ભલે રહ્યાં. તમે પ્રવચનમાં સ્પષ્ટતા કરી દેજો.’ તેમણે સ્પષ્ટતા કરેલી નહીં. બીજી બધી ચોરીઓની માફક કીર્તિની પણ ચોરી થતી હોય છે. કામ કરે અન્ય અને નામ લઈ જાય બીજો. આ હીનકક્ષાની મનોવૃત્તિ કહેવાય.’

સ્વામીજીએ ‘અગવડોમાં આરાધના’માં આવા તો બીજા અનેક, માઠા અનુભવો ઝીલીને કાર્યક્રમોમાં પ્રવચનો કર્યાં હોવાના, કિસ્સાઓ નરેટ કર્યા છે- કોઈનીય ઓળખાણ સીધી રીતે ખુલ્લી પાડ્યા વગર, નામ લીધા વગર.

વધુ આવતી કાલે.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!

—સૌ.શા.

•••

આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

14 COMMENTS

  1. સૌરભભાઈ માફ કરજો, ગઈ કાલે મેં મારો પ્રતિભાવ આપ્યો પરંતુ કેવળ પૂજ્ય સ્વામીજીના તરફના અતિ આદર અને આત્મીયતાથી કેવળ પૂજ્ય સ્વામીજી વિષે જ લખ્યું અને આપની નિખાલસતા અને પૂજ્ય સ્વામીજીની અંગત વાતોની વિસ્તાર અને અંતરંગ અનુભવોની સ્પષ્ટતા માટે આપને હાર્દિક ધન્યવાદ આપવાનું ચકી ગયો.

    ગઈ કાલે અચાનક એક મિત્ર દ્વારા વોટ્સએપ મેસેજમાં આપનો આર્ટિકલ પહેલી વાર જ વાંચ્યો અને પૂ. સ્વામીજીની વાતોથી ભાવવિભોર થઈ કેવળ મારો સ્વામીજી માટેનો ભાવ જ વર્ણવ્યો.

    આપે સ્પષ્ટ, સરળ અને નિકટતાના ભાવો જનતા સમક્ષ રજુ કરી વાચકને સ્વામીજીની વધુ નિકટ લાવવાના સુપ્રયાસ કરવા માટે આપને કોટી કોટી વંદન !

    જૈનમુનિ ચિત્રભાનુજી કડી યાદ આવી ગઈ,

    ‘ ગૂંથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારુ નૃત્ય:
    એ સંતોના ચરણ કમળમાં,મુજ જીવનનું અર્ઘય રહે’

    પરમ કૃપાળુ પરમાત્મા આપને અનેક ઘણી શક્તિ પ્રદાન કરે અને પૂજ્ય સ્વામીજી જેવા દેશપ્રેમી, સમાજસેવી અને સંસ્કૃતિની જાગૃતિ કરતા સજ્જન સ્વજનોની ઓળખાણ કરાવી જનતામાં જાગૃતિ પ્રસરાવવાની શક્તિ અને પ્રેરણા આપને આપો એજ અભ્યર્થના !

    આપના સેવાના સદ્કાર્યમાં વતનથી હજારો માઈલ દૂર અમેરિકાથી આપના યજ્ઞકાર્યમાં આપને કઈ રીતે થઈ સહાયક શકું તે મને અવશ્ય જણાવવા આભારી થશો, હું અવશ્ય મારી યથાશક્તિ આહુતિ અર્પણ કરવા જરૂર પ્રયત્નશીલ રહીશ. કી રીતે આપણે મોકલાવું તે જણાવવા કૃપા કરશો !

    આપની ઉત્સાહ પ્રેરક અને સ્પષ્ટ વાતોથી બહુ જ આનંદ થયો, આપનો ખુબ ખુબ આભાર ! 👏

  2. 1981માં પૂજ્ય સ્વામીજી પહેલી વખત અમેરિકા આવ્યા ત્યારે એમનું પહેલું પ્રવર્ચન ન્યુજર્સી રામ મંદિરમાં હતું ત્યાં હું તેઓશ્રીને પ્રથમ વાર મળેલો અને મારે ત્યાં આવવા વિનંતી કરેલી, સ્વામીજીએ સ્વીકારેલી અને આખા અમેરિકાના અનેક કાર્યક્રમો દરમ્યાન મેં એમનો સંપર્ક રાખેલ, અંતે તેઓ કેલીફોર્નીઆથી ન્યુયોર્ક આવ્યા અને ત્યાંથી મારે ત્યાંના કાર્યક્રમમાં આવવાનું હતું, મારું ગામ ન્યૂયોર્કથી બસો માઈલ દૂર હતું , પૂજ્ય સ્વામીજી ન્યુયોર્કમાં દંતાલીવાળા અંબુભાઈને ત્યાં હતા, મેં ફોન કર્યો અંબુભાઈએ લીધો મેં એમને સ્વામીજીને આવવાની ગોઠવણ વિષે પૂછ્યું તો એમણે જણાવ્યું કે તમે લેવા આવો, મેં કહ્યું મારે વનવે ચાર કલાકનું ડ્રાઇવિંગ થાય તો હું લેવા આવું તો મારે આઠ કલાકનું ડ્રાઇવિંગ થાય, તો સ્વામીજીને બસમાં આવે તો વધુ સાનુકૂળ બને, પણ અંબુભાઈ કહે ના એવું ના થાય , સ્વામીજીએ વાત સાંભળી કહે કોણ છે, અંબુભાઈએ મારુ નામ દીધું, સ્વામીજીએ ફોન લઈ મારી સાથે સીધી વાત કરી કહે ઇન્ડિયામાં બસ અને ટ્રેઈનમાં મુસાફરી કરીએ જ છીએને, બસમાં આવીશ અને બીજા દિવસે તેઓશ્રી ન્યયોર્કથી મારે ગામ યોર્ક, પેન્સિલવેનિયા આવેલા, આવા સરળ છે સ્વામીજી !
    ‘ વિદેશયાત્રાના પ્રેરક પ્રસંગો ‘ પુસ્તકમાં
    ‘ લાકડાની તલવાર ‘ પ્રકરણમાં અમારો પ્રસંગ વર્ણવ્યો છેએ પૂજ્ય સ્વામીજીની મહાનતા છે. ત્યારબાદ જેટલી વાર સ્વામીજી અમેરિકા આવ્યા ત્યારે અચૂક અમારે ત્યાં અવશ્ય પધારતા.

  3. શ્રી સૌરભ શાહ,
    જય દ્વારકાધીશ,
    તમારા લતા મંગેશકરને લગતા લેખો તેમજ મુરબ્બી શ્રી સ્વામી સચ્ચિદાનંદના ” મારા અનુભવો” પુસ્તકમાંથી ગ્રહણ કરેલા લેખોની સિરીઝ વાંચવાની ખૂબ જ મજા પડે છે.
    તમારા અન્ય લેખો પણ હું નિયમિત રીતે વાચું છું. કલમ ઉપરની તમારી હથોટી ખરેખર બિરદાવવા લાયક છે.
    ભગવાન શ્રી દ્વારકાધીશની કૃપા સદૈવ તમારા પરિવાર ઉપર રહે તેવી શ્રી ચરણોમાં પ્રાર્થના.

  4. Pratikriya na aapva badal ane late aapva badal sorry Mara mitra pasethi swami ji vishe sambhlyu hatu pa tame je rite emnu varnan karyu chhe e lajwab chhe vachvani khub majha aave chhe

  5. નહીં sir, ‘અંધારામાં તીર નથી ‘ …નિશાન ઉપર જ છે.
    ગળાડૂબ થઈ માણીએ છીએ.
    આભાર.

  6. વડિલ જ્યોતિન્દ્ર દવેને પણ સુરત શહેરમા આવો અનુભવ થયો હતો.

  7. ખુબ જ સરસ ,એકદમ પ્રામાણિક ખુબ ખુબ જ આભાર સ્વામીજી ના સમકાલીન હોવાનું મને ગૌરવ છે એમના વિષે આપના વિચારો જાણવાનો ખુબ જ આનંદ છે

  8. બસ, આમ જ સત્ય અને જ્ઞાન/માહિતી સભર લખતા રહો….

  9. Saras artical .Swami sachhidaanand vishe bhau saras vato janava mali.thanks to saurabh shah.avi biji vato pen janavta raho.tamara badha lekh bhahuj saras hoy che.thanks.

  10. ભલમનસાઈ ની સાથે સંસારી માણસો એ એક તેજ નજર અને થોડી તીખી જીભ પણ રાખવી પડશે નહિતો કોર્પોરેટ ક્ષેત્રમાં તો વ્યક્તિ ટકી જ ના શકે.

  11. સમાજના કહેવાતા મોભીઓ લોકોનું ભલું કરે છે, અને બહુ મોટો દેખાડૉ કરી ખોટી કિર્તી મેળવે છે, તેમાં આપણા સમાજના ચમચાઓનો મોટો હાથ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here