રામ જો અશાંતિથી ભાગે તો રાવણ સાથે યુદ્ધ ન કરી શકે —સ્વામી સચ્ચિદાનંદ: સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ: મહા વદ તેરસ, વિક્રમ સંવત ૨૦૭૮. સોમવાર, ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૨)

(આ મુલાકાત E Tv ગુજરાતીના ‘સંવાદ’ કાર્યક્રમ માટે ૨૦૦૪ની સાલમાં લેવાઈ હતી. ગોધરા હિન્દુ હત્યાકાંડ પછી સેક્યુલરવાદીઓએ તથા વામપંથી મીડિયાએ ફેલાવેલા આતંકના ઘા હિન્દુ પ્રજાના મન-મસ્તિષ્ક પર તાજા હતા. અને નરેન્દ્ર મોદીને વડા પ્રધાન બનવાને હજુ પૂરો એક દસકો લાગવાનો હતો. આ સંદર્ભે આ મુલાકાતનું દસ્તાવેજી મૂલ્ય ઘણું મોટું છે).

સૌરભ શાહઃ સ્વામીજી આપનું સ્વાગત છે.
સ્વામી સચ્ચિદાનંદઃ નમસ્કાર.

સૌરભ શાહઃ સ્વામીજી, અમે અહીંયા થોડોક વાદ કરીએ છીએ, થોડોક વિવાદ કરીએ છીએ અને ખૂબ બધો હૂંફાળો સંવાદ કરીએ છીએ.
સ્વામી સચ્ચિદાનંદઃ હા, વાદ સારો, વિવાદ પણ સારો, પણ વિતંડાવાદ નહિ સારો. અમારે ત્યાં વિતંડાને હાનિકારક માન્યો છે.

સામ્યવાદીકરણ થાય – અથવા લીલાકરણ (અર્થાત્‌ ઈસ્લામીકરણ) થાય તો એ જેટલાં ખતરનાક છે એટલું ભગવાકરણ ખતરનાક નથી:સ્વામી સચ્ચિદાનંદ

સૌરભ શાહઃ બસ, તો આજે હવે આપની સાથે આ સંવાદ કરવો છે.
સ્વામી સચ્ચિદાનંદઃ ભલે.

સૌરભ શાહઃ શરૂઆત સ્વામીજી, ધાર્મિક ક્ષેત્રથી કરીએ, અધ્યાત્મના ક્ષેત્રથી કરીએ. આજની પરિસ્થિતિના સંદર્ભમાં મારે આપને એક સવાલ પૂછવો છે કે આપે સંન્યાસ લીધો ત્યારથી આજદિન સુધી આપ ભગવાં પહેરતા આવ્યા છો પણ આજે સ્વામીજી, દેશમાં એવું વાતાવરણ છે કે તમે હિન્દુત્વની વાત કરો, તમે ભારતીય સંસ્કૃતિની વાત કરો તો ‘આ તો બધું ભગવાકરણ થઈ રહ્યું છે’ એવો આક્ષેપ આવે છે તો જેમણે આજીવન ભગવાનું વ્રત ધારણ કર્યું છે તે આવા ‘ભગવાકરણ’ના આક્ષેપથી તમે વિચલિત થાઓ છો?
સ્વામી સચ્ચિદાનંદઃ મને એવો વિચાર આવે કે આ દેશમાં ભગવાકરણ થાય એ બહુ હાનિકારક નથી. જુઓ, આ દેશનું રક્તકરણ થાય – એટલે સામ્યવાદીકરણ થાય – અથવા લીલાકરણ (અર્થાત્‌ ઈસ્લામીકરણ) થાય તો એ જેટલાં ખતરનાક છે એટલું ભગવાકરણ ખતરનાક નથી. આ દેશ ભગવાનો છે અને એમાં જો કોઈ ક્ષેત્રમાં થોડું ઘણું ભગવાકરણ થતું હોય તો એના માટે કંઈ ચીડાવાની જરૂર નથી, એ જરૂરી છે. આપણા દેશની જે મૂળ વાતો છે એને આપણે સ્વીકારીએ અને પ્રજામાં પ્રચલિત કરીએ તેમાં કોઈ દોષ ન માનવો જોઈએ.

બિનસાંપ્રદાયિકતા હોવી જ જોઈએ પણ શરૂઆતથી જ આપણે બિનસાંપ્રદાયિકતાને પૂરેપૂરા વફાદાર રહ્યા નથી. અને જો કોઈ માણસ માનો કે મોટો પ્રધાનમંત્રી મંદિરમાં જાય તો સાંપ્રદાયિક થઈ જાય પણ જો એ મસ્જિદમાં જઈ અને પેલી પાર્ટી આપે તો કશો વાંધો ન આવે: સ્વામી સચ્ચિદાનંદ

સૌરભ શાહઃ સ્વામીજી, હિંદુત્વ અને હિંદુ ધર્મ આપની દૃષ્ટિએ અત્યારે સેક્યુલરિઝમ અથવા તો બિનસાંપ્રદાયિક્તાવાદની સરખામણીએ ક્યાં ઊભેલો છે? શું સાંપ્રદાયિકતા – બિનસાંપ્રદાયિકતાને કારણે હિંદુત્વને હાનિ પહોંચી રહી છે કે પછી હિંદુત્વ એટલે કોમવાદ.
સ્વામી સચ્ચિદાનંદઃ ખરેખર તો, બિનસાંપ્રદાયિકતા હોવી જ જોઈએ પણ શરૂઆતથી જ આપણે બિનસાંપ્રદાયિકતાને પૂરેપૂરા વફાદાર રહ્યા નથી. અને જો કોઈ માણસ માનો કે મોટો પ્રધાનમંત્રી મંદિરમાં જાય તો સાંપ્રદાયિક થઈ જાય પણ જો એ મસ્જિદમાં જઈ અને પેલી પાર્ટી આપે તો કશો વાંધો ન આવે. એમ માનો કે કોઈ નમાજ પઢવા કે હજ કરવા જતો હોય એને તમે મદદ કરો તો તમારી બિનસાંપ્રદાયિક્તાને કોઈ આંચ ન આવે પણ જો તમે કોઈ તીર્થક્ષેત્રમાં કંઈ કરો તો સાંપ્રદાયિક થઈ જાઓ. એટલે બિનસાંપ્રદાયિકતા હોવી જ જોઈએ પણ આપણે શરૂથી જ બિનસાંપ્રદાયિકતાને પૂરેપૂરા વફાદાર રહ્યા નહીં એનું આ રિએક્શન છે.

સૌરભ શાહઃ બાપજી, આમાં કોણ કારણભૂત?
સ્વામી સચ્ચિદાનંદઃ રાજકારણ કારણભૂત છે. વોટનું રાજકારણ છે, અને આજે પણ એ ચાલે જ છે. વોટનું રાજકારણ છે.

મેં જે સંસ્કૃતિનો પક્ષ લીધો છે એ માનવતાવાદી સંસ્કૃતિ. હિંદુત્વની સાથે સાથે જે સંસ્કૃતિનો ભાર પ્રજા માટે હાનિકારક રહ્યો છે મેં એનો વિરોધ પણ કર્યો છે…દરેક સંસ્કૃતિમાં ઘણું જમા પાસું હોય તો કેટલુંક ઉધાર પાસું પણ હોય. હિંદુ સંસ્કૃતિનું જે ઉધાર પાસું છે – મેં ઘણી વાર કહ્યું છે કે ભઈ આ ન હોવું જોઈએ: સ્વામી સચ્ચિદાનંદ

સૌરભ શાહઃ આપે આઝાદીના દિવસોથી અત્યાર સુધીના દિવસોમાં હિંદુ સંસ્કૃતિનો જ પક્ષ લીધો છે. આ હિંદુ સંસ્કૃતિ દિવસે ને દિવસે વિદેશોમાં પણ ફેલાઈ રહી છે. પણ ભારતમાં જ આ સંસ્કૃતિને આડે આવે એવાં કેટલાંક ભારતનાં જ તત્ત્વો આવી રહ્યાં છે તો એ તત્ત્વોની સામે – જે લોકો હિંદુત્વમાં માને છે એમણે શું કરવું જોઈએ?
સ્વામી સચ્ચિદાનંદઃ આમાં થોડીક સ્પષ્ટતાની જરૂર છે. મેં જે સંસ્કૃતિનો પક્ષ લીધો છે એ માનવતાવાદી સંસ્કૃતિ. હિંદુત્વની સાથે સાથે જે સંસ્કૃતિનો ભાર પ્રજા માટે હાનિકારક રહ્યો છે મેં એનો વિરોધ પણ કર્યો છે. સંસ્કૃતિ એક એવી નદી છે કે જેનો એક કિનારો બહુ સુંદર છે અને બીજો કિનારો ભયાનક છે. એટલે દરેક સંસ્કૃતિમાં ઘણું જમા પાસું હોય તો કેટલુંક ઉધાર પાસું પણ હોય. હિંદુ સંસ્કૃતિનું જે ઉધાર પાસું છે – મેં ઘણી વાર કહ્યું છે કે ભઈ આ ન હોવું જોઈએ અને બીજી વાત એ છે કે સંસ્કૃતિ વિના તો લોકો જીવી ન શકે એટલે કોઈ પણ રીતે આપણું જે જમા પાસું છે એ જમા પાસાને સાચવવું જોઈએ.

દસ હજાર માણસોની વચ્ચે હું લોકોને કહીશ કે ‘ગીતા જેટલી મહાન છે, કુરાન શરીફ પણ એટલું જ મહાન છે એટલે ગીતાની વાતો પણ માનવાની અને કુરાન શરીફની પણ જે સારી વાતો છે એ માનવાની’. હું આવું કહીશ પણ તમે મને બતાવો કે તમે મને બતાવો કે તમારી કોઈ દસ હજારની સભામાં તમે એવું કહી શકો ખરા કે ‘જેટલું કુરાન મહાન છે એટલી જ ગીતા પણ મહાન છે.’ એવું તમે બોલી શકો ખરા? એમણે હસતાં હસતાં કહ્યું, ‘પગ ખેંચીને મને નીચે પાડે, મારાથી એવુ બોલાય જ નહીં.’: સ્વામી સચ્ચિદાનંદ

સૌરભ શાહઃ એક કિસ્સો મને યાદ આવે છે કે ગોધરાનાં રમખાણો પછી જે વખતે સર્વધર્મ સમભાવની વાતો થતી હતી ત્યારે એક સભામાં આપ અને મૌલાના ક્યાંક હાજર હતા અને એ વખતે કંઈક ધર્મગ્રંથોના ઉલ્લેખ થયા હતા એ કિસ્સો મારે જાણવો છે આપની પાસેથી.
સ્વામી સચ્ચિદાનંદઃ ના, એ કિસ્સો એવો કોઈ નથી, મને કાંઈ યાદ નથી કે એવું કંઈ અમે ગોધરાકાંડ પછી થયું હોય એવું. હા, પણ એના પહેલાં જ્યારે હું કાશીમાં રહેતો ત્યારે એક એવો કિસ્સો બન્યો હતો. અને એ કિસ્સો એવો બનેલો કે અમે કાશીના ઘાટ ઉપર સાંજે બધા પાટ ઉપર બેસતા. પાંચ દસ સંન્યાસીઓ અને એક સરસ મજાના મૌલાના સાહેબ પણ આવતા. બહુ સારા માણસ હતા અને બેઠાં બેઠાં વાતચીતો કરતાં એક પ્રસંગ એવો થયેલો કે ભઈ અમારામાં અને તમારામાં શું ફરક છે. ત્યારે મેં એમને કહેલું કે તમે મારી સભામાં આવો. દસ હજાર માણસોની વચ્ચે હું લોકોને કહીશ કે ‘ગીતા જેટલી મહાન છે, કુરાન શરીફ પણ એટલું જ મહાન છે એટલે ગીતાની વાતો પણ માનવાની અને કુરાન શરીફની પણ જે સારી વાતો છે એ માનવાની’. હું આવું કહીશ પણ તમે મને બતાવો કે તમારી કોઈ દસ હજારની સભામાં તમે એવું કહી શકો ખરા કે ‘જેટલું કુરાન મહાન છે એટલી જ ગીતા પણ મહાન છે.’ એવું તમે બોલી શકો ખરા? એમણે હસતાં હસતાં કહ્યું, ‘પગ ખેંચીને મને નીચે પાડે, મારાથી એવુ બોલાય જ નહીં.’ તો આ બંનેમાં આ ફરક છે. આપણી વિશાળતા છે- આપણે ઉદાર છીએ- અને એના કારણે ગાંધીજીએ સર્વધર્મ સમભાવ ઊભો કર્યો. પણ જો સામેથી એવો પડઘો ન મળે તો એ એકપક્ષી થાય- એક હાથે તાળી ન વાગી શકે- એ એક હાથની તાળી હતી. રઘુપતિ રાઘવ રાજા રામ તમે સપ્તાહોમાં, મંદિરોમાં જ્યાં જુઓ ત્યાં બધે ઈશ્વર અલ્લા તેરે નામ- કોઈ મસ્જિદમાં ઈશ્વર અલ્લા તેરે નામ ગવાતું તમે જોયું? એ ગવાય જ નહીં. એટલે આ બંનેમાં બહુ મોટો ડિફરન્સ છે.

સૌરભ શાહઃ ગાંધીજીએ સર્વધર્મ સમભાવ કન્સેપ્ટમાં આગળ જઈને હિંદુઓ અને મુસ્લિમોની એકતા માટે ખૂબ મોટું કામ કર્યું. એ કામમાં ગાંધીજી કેટલા અંશે – આપની દૃષ્ટિએ સફળ થયા અને…
સ્વામી સચ્ચિદાનંદઃ (સવાલ પૂરો થતા પહેલાં જ) નિષ્ફળ રહ્યા. જો એ સફળ થયા હોત તો દેશના ભાગલા ન પડ્યા હોત. પણ એ નિષ્ફળ રહ્યા. અને એ નિષ્ફળ રહ્યા પછી પણ- મને કહેતાં દુઃખ થાય છે કે ઉત્તરાધિકારીઓ એ નિષ્ફળતાને સ્વીકારી ન શક્યા, સમજી ન શક્યા અને એ જ માર્ગે આગે ચાલવાનું ચાલુ રાખ્યું.

કપડાં સાથે એટલો વિરોધ નથી જેટલો – થિંકિંગ, વિચારો સાથે છે. તમે ખાદી પહેરો છો અને આવો છો તો તમારું એક નાનું સર્કલ થઈ જાય છે. પછી તમારા મગજમાં મિસાઇલ કે રોકેટ કે સબમરીન કે એ બધું મહાન મહાન નથી આવતું, તમે નાનીનાની બાબતોમાં રહો છો. દેશ ભિખારી થઈ જાય – ગરીબ: સ્વામી સચ્ચિદાનંદ

સૌરભ શાહઃ બાપજી, આપ પોતે ભગવા રંગની ખાદી પહેરતા હતા અને હવે આપ ટેરિકોટન ભગવા રંગનાં વસ્ત્રો પહેરો છો એનું શું કારણ?
સ્વામી સચ્ચિદાનંદઃ એનું મૂળ કારણ એવું છે કે – એ તો મેં ‘મારા અનુભવો’માં વિસ્તારથી લખ્યું છે. પણ હું એનું એક મુખ્ય કારણ કહી દઉં કે કપડાં સાથે એટલો વિરોધ નથી જેટલો – થિંકિંગ, વિચારો સાથે છે. તમે ખાદી પહેરો છો અને આવો છો તો તમારું એક નાનું સર્કલ થઈ જાય છે. પછી તમારા મગજમાં મિસાઇલ કે રોકેટ કે સબમરીન કે એ બધું મહાન મહાન નથી આવતું, તમે નાનીનાની બાબતોમાં રહો છો. દેશ ભિખારી થઈ જાય – ગરીબ. ત્રીસ વરસ આપણે બગાડી નાખ્યા આમાંને આમાં.

‘વીરતા પરમો ધર્મ’: સ્વામી સચ્ચિદાનંદ

સૌરભ શાહઃ પણ મિસાઇલ અને શસ્ત્રો એ તો બધી હિંસાની વાતો થઈ. આપણો દેશ તો અહિંસક દેશ…
સ્વામી સચ્ચિદાનંદઃ ના, ના. એ વાત સાચી નથી. રામ અહિંસક હતા? કૃષ્ણ અહિંસક હતા? કોઈ અહિંસક નથી. અને મેં એક પુસ્તક લખ્યું છે- ‘સંપૂર્ણ અહિંસા શક્ય નથી’ કોઈની ઇચ્છા હોય તો વાંચે. અહિંસા માત્ર અંગ્રેજોના સામે ચાલી શકે. બાકી દુનિયામાં કોઈ જગ્યાએ ક્યાંય અહિંસા નથી.

સૌરભ શાહઃ ‘અહિંસા પરમો ધર્મ’ કહેવાયું છે…
સ્વામી સચ્ચિદાનંદઃ એની જગ્યાએ મેં ‘વીરતા પરમો ધર્મ’ રાખ્યું. પણ ‘અહિંસા પરમો ધર્મ’ એ બે ભાગમાં છે – જૈનોનો જુદો છે, બૌદ્ધોનો જુદો છે. બૌદ્ધોનો જે ‘અહિંસા પરમો ધર્મ’ છે એ માનવીય હિંસા માટે છે, મનુષ્યો અંદર અંદર કે રાજાઓ પરસ્પર ન લડે. જ્યારે જૈનોનો છે એ જંતુઓ માટે છે. પણ ખરેખર તો બંને જગ્યાએ જરૂર પડે ત્યારે તમારે હિંસા કરવી જ પડે છે.

સૌરભ શાહઃ આપ કહો છો કે સંપૂર્ણ અહિંસા શક્ય નથી. આ એક ખૂબ ક્રાંતિકારી વિચાર છે. આપ કેમ એમ માનો છો કે સંપૂર્ણ અહિંસા શક્ય નથી.
સ્વામી સચ્ચિદાનંદઃ હું એમ પૂછું કે કયા ક્ષેત્રમાં શક્ય છે? માનો કે પાકિસ્તાન ભારત ઉપર હુમલો કરે તો તમે શું કરો? આપણે યુદ્ધ કરવું જ પડે. જે ગાંધીજી અંગ્રેજોની સામે અહિંસાના દ્વારા વિજયી થયા એ જ ગાંધીજી જુનાગઢમાં એ કાર્યક્રમ કેમ ન કરી શક્યા? આપણે ગોવાને અહિંસા દ્વારા કેમ ન લઈ શક્યા? નિઝામને કેમ ન લઈ શક્યા? એ તો અંગ્રેજો હતા અને અંગ્રેજો કાયદાને માનતા હતા એટલે આપણે સફળ થયા. બીજો મુદ્દો પણ યાદ રાખો. અહિંસાની પાછળ જો હિંસાનો ડર હોય તો જ અહિંસા સફળ થાય. માણસ ઉપવાસ કરતાં જો મરી જશે તો બહુ મોટી હિંસા ફાટી નીકળશે – એવો ડર હોય તો જ તમારી અહિંસા સફળ થાય. બાકી લોકોને ખબર પડે કે ભલેને ઉપવાસ કરીને મરી જતો હોય કોઈનું કાંઈ હાલવાનું નથી તો એવી અહિંસાનો કે ઉપવાસનો કોઈ અર્થ ન રહે. અહિંસાની પાછળ પણ હિંસાનો ડર હોય છે. એક, તમે યુદ્ધ કર્યા વિના રહી ન શકો. તમારે યુદ્ધ કરવું જ જોઈએ. બીજું, તમારે ખેતી કરવી હોય તો દવા છાંટવી જ પડે, દવા છાંટ્યા વિના ખેતી થઈ ન શકે. આજે કેટલાં રોઝડાં થઈ ગયાં છે, કેટલાં ભૂંડ થઈ ગયાં છે. લોકોને ખેતી કરવા નથી દેતા. ખેડૂતોની ખેતી બગાડી રહ્યા છે. કોઈ માણસ આતંકવાદી બને અને દુનિયાને નુકસાન પહોંચાડે તો તમારે એને ફાંસીએ ચડાવવો જ પડે. એટલે સંપૂર્ણ અહિંસા શક્ય નથી. જીવનમાં જરૂરી છે એનો અર્થ એવો નથી કે આપણે હિંસાવાદી છીએ. આપણે વાસ્તવવાદી છીએ. આપણે કોઈ કીડી-મંકોડીને મારવી નથી. કોઈ નિર્દોષ માણસને પણ મારવો નથી. પણ જ્યાં જે વસ્તુ જરૂરી છે ત્યાં તો તે વસ્તુ કરવી જ જોઈએ.

સૌરભ શાહઃ આનો અર્થ એ થયો કે આપની આ વાત સાંભળીને કોઈ એમ કહે કે ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ બાળીને અમારે અઠ્ઠાવન હિંદુઓને બાળવા હતા તો એમ કર્યું…
સ્વામી સચ્ચિદાનંદઃ ના ના, કાયદો હાથમાં લેવાની વાત નથી ને. તમે જ્યારે કંઈ કરો છો એ હું એમ કહું છું કાયદા સાથે કરવાનું. કાયદો હાથમાં લેવાની કોઈ છૂટ નથી. તો તો અરાજકતા થઈ જાય અને એ અરાજકતા દબાવવા માટે પણ હિંસા જરૂરી છે. પોલીસને જ્યારે ગોળી ચલાવવી પડે છે એ કોઈ દુશ્મન ઉપર ગોળી નથી ચલાવતો, પણ જો એ ગોળી ન ચલવે તો કેટલાય નિર્દોષ માણસો માર્યા જાય.

ધર્મ હંમેશાં વ્યાખ્યેય છે. તમે ધારો તો એમાંથી અમૃત કાઢી શકો, તમે ધારો તો એમાંથી ઝેર કાઢી શકો. કયા સમયે ધર્મગુરુએ કેવી વ્યાખ્યા કરવી એ મહત્ત્વનો ભાગ ભજવે છે: સ્વામી સચ્ચિદાનંદ

સૌરભ શાહઃ આપે એક નાનકડું પુસ્તક લખ્યું છે આતંકવાદનાં મૂળિયાં વિશેનું. ભારતમાં જે આતંકવાદ ફેલાયેલો છે એનાં મૂળિયાં આપ ક્યાં જુઓ છો?
સ્વામી સચ્ચિદાનંદઃ એનાં મૂળિયાં છે અપરાધીઓને બરાબર ન દબાવવાની વૃત્તિમાં. તમે જો પહેલેથી જ અપરાધીઓને સજ્જડ રીતે દબાવ્યા હોત તો આ આતંકવાદ આટલો ફેલાત નહીં. અને આપણે ઘણી વાર ખોટા માણસને પંપાળ્યા કર્યા અને એમની જે શક્તિ છે એને વધારે બહેકાવા દીધી એનું આ પરિણામ છે.

સૌરભ શાહઃ ધર્મના નામે, ધર્મની આડશ લઈને કોઈ પણ જગ્યાએ મંદિર હોય કે મસ્જિદ હોય કે ગુરુદ્વારા હોય કે ચર્ચ હોય એમાં આ આતંકવાદ ફેલાતો હોય તો એના માટે કોણ જવાબદાર છે? સમાજ જવાબદાર છે? ધર્મગ્રંથો જવાબદાર છે? કે ધર્માચાર્યો જવાબદાર છે?
સ્વામી સચ્ચિદાનંદઃ ધર્માચાર્યોની વ્યાખ્યા જવાબદાર છે. ધર્મ હંમેશાં વ્યાખ્યેય છે. તમે ધારો તો એમાંથી અમૃત કાઢી શકો, તમે ધારો તો એમાંથી ઝેર કાઢી શકો. કયા સમયે ધર્મગુરુએ કેવી વ્યાખ્યા કરવી એ મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે જ્યારે પણ ધર્મગુરુઓ એમાંથી અમૃત કાઢવાની વાત કરે તો લોકો શાંત અને સારા થઈ જતા હોય છે. પણ એમાંથી ઝેર ઓકવાની વાત શરૂ કરે તો એમાંથી ઝેર નીકળતું હોય છે. એટલે ધર્મગુરુઓ પાસે બહુ મોટી જવાબદારી છે. રાજકારણવાળા પણ એવા ધર્મગુરુને છાવરવાનું કરે તો એ રાજકારણવાળા પણ એની સાથે જવાબદાર લેખાવા જોઈએ.

હિંદુ પ્રજા સંખ્યાની દૃષ્ટિએ મોટી છે પણ શક્તિની દૃષ્ટિએ ઓછી છે. આટલી વિશાળ પ્રજા આટલી બધી કમજોર હોય એવું દુનિયામાં ક્યાંય તમને જોવા નહીં મળે: સ્વામી સચ્ચિદાનંદ

સૌરભ શાહઃ હિંદુ સંસ્કૃતિને છેલ્લા સેંકડો વર્ષનો આપમો ઇતિહાસ જોઈએ તો આપણે સારી રીતે સાચવી શક્યા નહીં, હિંદુ મંદિરોને સાચવી શક્યા નહીં. આનું મૂળભૂત કારણ ક્યાં?
સ્વામી સચ્ચિદાનંદઃ એનું મૂળભૂત કારણ એ છે કે હિંદુ પ્રજા સંખ્યાની દૃષ્ટિએ મોટી છે પણ શક્તિની દૃષ્ટિએ ઓછી છે. આટલી વિશાળ પ્રજા આટલી બધી કમજોર હોય એવું દુનિયામાં ક્યાંય તમને જોવા નહીં મળે. એની કમજોરીનાં મુખ્ય ત્રણ કારણો છે. એક તો વર્ણવ્યવસ્થા છે જેણે મુઠ્ઠીભર માણસોને લડતાં શીખવાડ્યું, બાકીના બધા લડાઈ વિનાના, જેણે મુઠ્ઠીભર માણસોને ભણતર શીખવાડ્યું બાકીના બધા નિરક્ષર. જેણે મુઠ્ઠીભર માણસોને વેપાર કરતાં શીખવાડ્યું અને બાકીના બધા જ વેપાર વિનાના. આ કારણસર સમાજમાં માત્ર મુઠ્ઠીભર માણસો જ લડતા થયા અને એટલે મારે એક સૂત્ર આપવું પડ્યું. ‘વીરતા પરમો ધર્મ’. જો તમે અન્યાયની સામે, આતંકવાદની સામે ઝૂકી જશો તો કૂતરાના મોતે મરશો. તમે વીર બનો. બહાદુર બનો. મારી પ્રેરણાનું સ્ત્રોત છે ગુરુ ગોવિંદસિંહ. ગુરુ ગોવિંદસિંહે મોચી, ઘાંચી, સુથાર બધાને બહાદુર બનાવ્યા અને એક બહુ મોટું યુદ્ધ કરી શક્યા. એમ હિંદુ પ્રજાને પણ અત્યારે ‘વીરતા પરમો ધર્મ’ આપવાની જરૂર છે. એ એક વાત છે. બીજું કારણ છે, અહીંયાં જે દર્શન આવ્યું એ પલાયનવાદી દર્શન આવ્યું. પલાયનવાદી એ અર્થમાં- ‘મારે શું, એ તો જે થવાનું હોય એ થાય, મારે કંઈ લેવાદેવા નહીં, મારે શું?’ એવું વિચારીને તમે પ્રવૃત્તિથી, તમારી જવાબદારીથી ભાગી છૂટો છો. અને ભાગી છૂટવાને પાછો અધ્યાત્મ ગણી લેવામાં આવ્યો કે, ‘ઓહોહો જુઓને આને તો કંઈ જાણે પડી જ નથી’ એવું. અને ત્રીજું કારણ છે સંપ્રદાયો. અસંખ્ય સંપ્રદાયો. વિભાજન, વિભાજન, વિભાજન, વિભાજન. હિંદુ પ્રજાના એટલા ટુકડા કર્યા છે કે દુનિયાની કોઈ પ્રજાના આટલા ટુકડા નહીં કર્યા હોય. અહીંયા તો બહુ સરળતાથી માણસ ભગવાન થઈ જાય છે. અત્યારે નવસો-હજાર જેટલા જીવતા ભગવાનો છે! કેટલાકના તો મંદિરોય બંધાયાં છે. એટલે આ બધા કારણસર હિંદુ પ્રજા દુર્બળ બની છે. હમણાં, આજે જ મારું નવું પુસ્તક આવ્યું છે- ‘આપણી દુર્બળતાઓ’. એમાં એનાં કારણો બતાવ્યા છે. હિંદુ પ્રજાનું પુનઃનવિનીકરણ થવું જરૂરી છે.

સૌરભ શાહઃ એ પુનઃનવિનીકરણ કરવા માટે તમે કયો નક્શો-અથવા તો તમારી ભાષામાં કહીએ તો તમે કઈ બ્લ્યૂ પ્રિન્ટ સર્જી છે?
સ્વામી સચ્ચિદાનંદઃ હા એ બરાબર છે, બહુ સરસ પ્રશ્ન છે. બ્લ્યૂ પ્રિન્ટ તો એ છે કે કોઈ પણ વ્યક્તિએ પોતાનું કર્તવ્ય છોડવાનું નહીં. કર્તવ્ય છોડાવે એવો અધ્યાત્મ ન જોઈએ. અધ્યાત્મ તો કર્તવ્યપરાયણતા ઊભી કરે. ભગવદ્‌ગીતામાં શ્રીકૃષ્ણ વારંવાર કહે છે ‘તું યુદ્ધ કર, તું યુદ્ધ કર’ પેલો કહે, ‘મારે યુદ્ધ નથી કરવું – નથી કરવું’. એ કર્તવ્યનો ત્યાગ છે, એ પલાયનવાદ છે. એટલે કોઈ પણ પરિસ્થિતિમાં માણસને કર્તવ્યપરાયણ બનાવવો જોઈએ. બીજું, જે પ્રજાનું વિભાજન કરાવે છે. ટુકડે ટુકડા કરાવે છે એમનાથી બચવું. એટલે મારું બીજું સૂત્ર છે ‘સંપ્રદાયમુક્ત ધાર્મિકતા’. પ્રજાને ધાર્મિક બનાવવાની પણ સાંપ્રદાયિક નહીં બનાવવાની. ગાંધીજી ધાર્મિક છે, આપણા ઋષિમુનિઓ ધાર્મિક છે પણ સાંપ્રદાયિક નથી, એ કોઈ વાડામાં નથી પડેલા. એટલે આ બધી જે વાડાબંધી છે એમાંથી પ્રજાને મુક્ત કરવાની અને એને વીરતાનો પાઠ ભણાવવાનો, બહાદુર બનાવવાની. એ રીતે પ્રજા મહાન થઈ શકે.

(વધુ આવતી કાલે)

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

6 COMMENTS

  1. બહુજ વાસ્તવિક દર્શન આપ્યું છે વીરો પરમ ધર્મ વીરતાથી જ તમે જીવી શકો
    આ વાત પાકી કરવા માટે માણસે ધર્મગ્રંથોનું shravan પઠન કરવું જ રહ્યું

  2. Man….. This is what we need to be spreading everywhere.. હિંદુ હોવું શરમની વાત નથી પણ ખૂબ ગર્વ લેવાની બાબત છે એ સ્વામી જી ને વાન્ચતા સમજી… ને નરેન્દ્ર મોદી ના શાસનમાં એ જ વાત પર ગર્વ વધ્યો… અને સૌરભ શાહ ના લખાણો થી એ જ વાત પર રોજ વિચારતા શીખી. . Keep enlightening us, Mr Saurabh Shah… Proud of you to be a torch bearer… Please do write more and more about Hindutva, Hinduism and Narendra Modiji. Thank you.

  3. અહિંસા પરમો ધર્મ એ અડધું જ વાક્ય છે. બાકી નું શકે. ધર્મે હિંસા તમે ચ.એટલે ધર્મ ની રક્ષા માટે હિંસા કરવી એ આપણું કર્તવ્ય છે. આજે શ્રી રામ, શ્રી કૃષ્ણ કે આપ જોશો તો ઘંટાકર્ણ મહાવીર ના હાથમાં પણ ધનુષ બાણ છે. ગાંધી જી નો જમાનો અને અત્યાર ની પરિસ્થિતિ માં ઘણો ફરક છે. આપણે કીડી મંકોડા ને ના મારીએ પણ મચ્છર ને તો આપણે મારી જ નાંખીએ નહીંતર આપણને શાંતિ થી બેસવા કે રહેવા નહિ મળે. એટલે આપણે સંજોગો અને પરિસ્થિતિ પ્રમાણે નક્કી કરવાનું છે કે હિંસક બનવું કે અહિંસક.આપણામા અને બીજા ધર્મ ના લોકો માં આજ ફરક છે કે આપણે ધર્મ ના મામલે હિંસક નથી થઈ જતાં. અને એમના આવાં વર્તન ને લીધે જ એમનો ધર્મ ખતરામાં છે. આપણો નહીં. આપણે દુનિયામાં ગમે ત્યાં જઈએ આપણને લોકો માનસન્માન થી જુએ છે અને એમને શંકા થી.

  4. Hari Om.
    Very recently i got a quote with morning wish .
    જેને આપણે forwardia msgs કહી એ છીએ એવા મેસેજીસ માં કોઈ વખત સરસ મજાનો સંદેશ મળી જાય છે.
    Nothing as as gentle as strength.
    Nothing is as strong as gentleness.
    Elephants are the finest msg of Nature in this regard.

    સ્વામીજી નું વિરતા પરમો ધર્મ સૂત્ર બાપુ ના અહિંસાવાદ ને ખોટા અર્થ માં…..કદાચ સમજી વિચારીને ખોટા અર્થ માં લેવાયો છે એ બેધડક કહે છે

  5. ઘણો સરસ લેખ સૌરભ ભાઈ આપણી દુર્બળતા વિશે જાણવા મળ્યું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here