રામ જો અશાંતિથી ભાગે તો રાવણ સાથે યુદ્ધ ન કરી શકે —સ્વામી સચ્ચિદાનંદ (ભાગ બીજો): સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ: મહા વદ ચૌદસ, વિક્રમ સંવત ૨૦૭૮. મહાશિવરાત્રિ. મંગળવાર, ૧ માર્ચ ૨૦૨૨)

(આ મુલાકાત E Tv ગુજરાતીના ‘સંવાદ’ કાર્યક્રમ માટે ૨૦૦૪ની સાલમાં લેવાઈ હતી. ગોધરા હિન્દુ હત્યાકાંડ પછી સેક્યુલરવાદીઓએ તથા વામપંથી મીડિયાએ ફેલાવેલા આતંકના ઘા હિન્દુ પ્રજાના મન-મસ્તિષ્ક પર તાજા હતા. અને નરેન્દ્ર મોદીને વડા પ્રધાન બનવાને હજુ પૂરો એક દસકો લાગવાનો હતો. આ સંદર્ભે આ મુલાકાતનું દસ્તાવેજી મૂલ્ય ઘણું મોટું છે).

સૌરભ શાહઃ આપે વીરતા માટે એક વખત લખ્યું હતું કે આપણા હિંદુઓના, ગુજરાતીઓના ઘરમાં એક સીધી સાદી સારી શાક સમારવાની છરી પણ નથી મળતી તો આ લોકો ક્યાંથી વીર બનવાના! સ્વામીજી, ધર્મ અને અધ્યાત્મની સાથે આ વીરતાનો મેળ આપણા ઋષિમુનિઓએ પણ રાખ્યો છે અને આજના જમાનામાં – હું ઘણી વખત આપની ઓળખાણ આપતી વખતે એક ક્રાંતિકારી સાધુ તરીકે ઓળખાણ આપું છું – આધુનિક જમાનાના સ્વામી વિવેકાનંદ તરીકે આપની ઓળખાણ આપું છું- તો મારે થોડીક વાતો આપની પાસેથી મોક્ષ અને આત્મા વિશે સાંભળવી છે.
સ્વામી સચ્ચિદાનંદઃ વચ્ચે થોડી સ્પષ્ટતા કરી દઉં. એક તો હું ક્રાંતિકારી નથી. હું તો માત્ર થોડોક સુધારો સૂચવું છું, ક્રાંતિ ખૂબ ભારે શબ્દ છે. બીજું હું વિવેકાનંદ નથી, હું તો સચ્ચિદાનંદ છું. વિવેકાનંદના પગમાં બેસવાની પણ મારી લાયકાત નથી. આટલું સ્પષ્ટીકરણ મારે કરવું ઠીક લાગે છે…

કાશીમાં અગિયારેક વર્ષ રહીને જુદાં જુદાં દર્શનોનું બધું અધ્યયન કર્યું અને અધ્યયનના પરિણામે મને એમ લાગ્યું કે આ પરલોકની વાત બહુ વિશ્વાસપાત્ર નથી: સ્વામી સચ્ચિદાનંદ

સૌરભ શાહઃ આત્મા અને મોક્ષ વિશે એક બહુ સુંદર નાનકડી પુસ્તિકા તમે ‘મારી બાયપાસ સર્જરી’ નામની લખેલી છે. જેમાં તમારી બાયપાસ સર્જરી કેવી રીતે થઈ એ બધી વાત હતી પણ એના વચ્ચેનાં ચાર પાનાંમાં તમે કઈ રીતે હૃદય બંધ કરીને-વીડિયો પર જોયું કે આપનું હૃદય બંધ કરીને-પંપથી ચાલુ કર્યું અને તે વખતે લખ્યું છે કે આત્મા જો હોત શરીરમાં તો ક્યાં ગયો હતો! તો મારે આ જાણવું છે કે આત્મા શું છે જ નહીં?
સ્વામી સચ્ચિદાનંદઃ મારું પુસ્તક છે ‘ઉપસંહાર’ – એમાં થોડી વાતો લખી છે. પણ એ બધું બતાવતાં પહેલાં, મને લાગે છે કે થોડીક ભૂમિકા કહું. હું માત્ર મોક્ષ માટે સાધુ થઈ ગયો. કારણ કે ઓગણીસ-વીસ વરસની ઉંમરે સાંભળેલું કે ચોર્યાસી લાખ યોનિઓ ભટકીને આ આત્મા મનુષ્ય શરીર ધારણ કરે છે. મનુષ્ય શરીર જો મોક્ષ પ્રાપ્ત કર્યો તો કર્યો નહીં તો ફરી પાછો ચોર્યાસી લાખ યોનિમાં ભટકતો થઈ જાય. આ વસ્તુએ મારા ઉપર એટલી મોટી અસર કરી અને એ અસરને પરિણામે પાછું એવું પણ થયું કે મોક્ષ જોઈતો હોય તો સંસારીને મોક્ષ ન મળે. એટલે ગૃહત્યાગ કરીને નીકળી ગયો અને બધું ફર્યો. એ તો તમે કદાચ ‘મારા અનુભવો’માં જોયું હશે પણ એ બધું થતાં થતાં કાશીમાં અગિયારેક વર્ષ રહીને જુદાં જુદાં દર્શનોનું બધું અધ્યયન કર્યું અને અધ્યયનના પરિણામે મને એમ લાગ્યું કે આ પરલોકની વાત બહુ વિશ્વાસપાત્ર નથી. અહીંથી આત્મા ઉપર જાય, સ્વર્ગમાં જાય, ને નર્કમાં જાય, મોક્ષ પામે… અને પછી દિન પ્રતિદિન વધુને વધુ એમાં હું વધારે મક્કમ થતો ગયો. અને પૂરેપૂરો મક્કમ થયો પછી મને થયું કે આ એક ધડાકા જેવી વાત છે, મારે લોકોને કહેવું જોઈએ. લોકોને ગળે નથી ઉતરવાની. પણ તે છતાં કહેવી જોઈએ. એનું કારણ એ હતું કે પહેલાં સંસારી માણસને જોઈને દયા આવતી, ‘અરેરે, કેટલા ખદબદતા કાદવમાં પડ્યા છે બિચારા’. પછી મને થયું કે ‘અરેરે, આ સાધુઓ જુઓ, જે વસ્તુ છે જ નહીં એની પાછળ ઉઘાડા પગે, ઉઘાડા માથે, કેટલાં દુઃખ ભોગવીને રખડી રહ્યા છે.’ અને કલ્પના જ કલ્પના છે – એમાં પછી કંઈ મળવાનું તો છે નહીં. મને સાધુઓ પર દયા આવવા માંડી અને થયું કે જો હું આ બધી વાતો પ્રગટ કરું તો મારા પ્રત્યે લોકોને નફરત થઈ જશે, અશ્રદ્ધા થઈ જશે. મેં કીધું અશ્રદ્ધા થાય કે નફરત થાય, મને જે સાચું લાગ્યું છે એ મારે લોકોને કહેવું છે.

સૌરભ શાહઃ બાપજી, આત્મા કે મોક્ષ કે એ બધું કશું છે જ નહીં?
સ્વામી સચ્ચિદાનંદઃ મારી દૃષ્ટિએ મોક્ષ નથી. અને એ જે મોક્ષ છે- જો તમે બધા જુદા જુદા મોક્ષની વાતો સાંભળોને તો તમને હસવું જ આવે. હું તમને થોડાક નમૂના આપું. માનો કે કોઈ પુષ્ટિમાર્ગી છે. હવે એમાં મોક્ષ કેવો છે, તો ગૌલોકમાં જવાનું અને ભગવાન કૃષ્ણ પુરુષ છે અને તમારે ગોપી થઈને એમની સાથે રાસ રમવાના ને લીલા કરવાની, પુરુષે પણ હોં! પેલાને સાકેતધામમાં જવાનું. શિવના ભક્તો છે એને કૈલાસમાં જવાનું, ભભૂતિ લગાવવાની. જૈનો મોક્ષશિલામાં જાય. બૌદ્ધોને ત્યાં નિર્વાણ સમાપ્તિ-પોતાની જ સમાપ્તિ છે. આમ, આપણને એમ થાય કે આવો મોક્ષ? મને લાગે છે કે આવું કંઈ નથી.

આ જે વધુ પડતી શાંતિની વાતો છે ને એ માણસને નમાલા બનાવે છે. ખરી શાંતિ એ છે કે તમે અશાંતિનો પ્રતિકાર કરીને શાંતિ અનુભવો. નહીં તો તમે અશાંતિથી ભાગવાના છો: સ્વામી સચ્ચિદાનંદ

સૌરભ શાહઃ ગાંધીજીએ ભગવદ્‌ગીતાનો જે અનુવાદ કર્યો ‘અનાસક્તિ યોગ’ એમાં પ્રસ્તાવનામાં લખ્યું છે કે ‘મારે મન મોક્ષ એટલે પરમ શાંતિ’ આ ઘડીએ જો મારું મન શાંત લાગતું હોય તો એ મારા માટે મોક્ષ, કદાચ મોક્ષની આ વ્યાખ્યા સ્વીકાર્ય ખરી?
સ્વામી સચ્ચિદાનંદઃ ના. હું તમને કહું આ જે વધુ પડતી શાંતિની વાતો છે ને એ માણસને નમાલા બનાવે છે. ખરી શાંતિ એ છે કે તમે અશાંતિનો પ્રતિકાર કરીને શાંતિ અનુભવો. નહીં તો તમે અશાંતિથી ભાગવાના છો. રામ જો અશાંતિથી ભાગે તો રાવણ સાથે યુદ્ધ ન કરી શકે. કૃષ્ણ જો અશાંતિથી ભાગે તો કૌરવો સાથે યુદ્ધ ન કરી શકે. એક ફોજદાર જો અપરાધીથી ભાગે કે આ અશાંતિમાં આપણે ક્યાં પડીએ? તો એ કર્તવ્ય ન બજાવી શકે. એટલે મારી એવી વ્યાખ્યા છે કે તમે અશાંતિને શાંતિમાં બદલવાનો પ્રયત્ન કરો. એક માણસ એવો હોય છે હજાર ગુંડાઓને કાબૂમાં કરે અને લાખો માણસોને શાંતિ અપાવે. પોતે અશાંતિ ભોગવે પણ બીજાને શાંતિ અપાવે. ખરી શાંતિ આ છે.

સૌરભ શાહઃ બાયપાસ સર્જરીવાળી વાત મેં જ્યારે મારી એક કૉલમમાં લખેલી ત્યારે મારા ઘણા બધા વાચકોએ મને પત્રો લખીને જણાવ્યું કે સૌરભભાઈ, આ તમારું ઓછું જ્ઞાન છે, તમને આ બધી વસ્તુઓનો ખ્યાલ ન હોય, તે વખતે આત્મા તો બાપજીના જમણા પગના અંગૂઠામાં હતો (બાપજી હસી પડે છે) તો એવું કાંઈ નથી ને!
સ્વામી સચ્ચિદાનંદઃ નારે ના. એવું કશું નહીં. મશીનમાં હતો! (હસતાં હસતાં) એ દસ મિનિટ સુધી જે મશીન ચાલતું હતું ને એ મશીનમાં હતો. (બંને હસી પડે છે) તમે આજે જુઓ કેટલા લોકોને, કેટલાં વરસોથી મરી ચૂક્યા છે છતાં જીવતા રાખે છે. રાખે છેને? પાઈપ નાકમાંથી કાઢી લો તો એ માણસ મરી ગયેલો છે.

જે સાધ્ય માટે હું જીવતો હતો એ સાધ્ય જ આખું ખસી ગયું. હવે મારા જીવનમાં લક્ષ્ય શું રહ્યું?: સ્વામી સચ્ચિદાનંદ

સૌરભ શાહઃ આપની આ બધી વાતો સાંભળીને આપના જ ક્ષેત્રના જે વડીલો અને આપના…
સ્વામી સચ્ચિદાનંદઃ એ બધા નારાજ જ થાય ને- મેં કીધું ને!

સૌરભ શાહઃ હા, તો એ નારજગી કેવી રીતે વ્યક્ત કરતા હોય છે?
સ્વામી સચ્ચિદાનંદઃ એ નારાજગી જે રીતે વ્યક્ત કરે તે. કાગળોમાં ગાળો લખે બધું લખે- પણ એ અશાંતિને સહન કરવી એને હું સાધના માનું છું. આ લોકો મને આમ કહે છે માટે આવું નથી લખવું એ તો કાયરતા છે.

સૌરભ શાહઃ લોકો એમ માનતા હોય છે કે આ બધી વાતો થાય તો જ સાધુઓની – સ્વામીઓની જિંદગી બહુ હરીભરી થઈ શકે ને એમનો વ્યાપ વધી શકે.
સ્વામી સચ્ચિદાનંદઃ (વચ્ચેથી) એ વાત સાચી છે આપની. એ મારી સામે બહુ મોટો પ્રશ્ન ઊભો થઈ ગયો હતો. જે સાધ્ય માટે હું જીવતો હતો એ સાધ્ય જ આખું ખસી ગયું. હવે મારા જીવનમાં લક્ષ્ય શું રહ્યું?

એક સમયે મારા જીવનમાં એટલું ખાલીપણું આવી ગયું. ઘણા સમય સુધી હું દિગ્મૂઢ બની ગયો કે હવે મારે કરવું શું?: સ્વામી સચ્ચિદાનંદ

સૌરભ શાહઃ મોક્ષનો હેતુ મટી જાય છે ત્યારે આપના જીવનમાં કયો નવો હેતુ સર્જાય છે?
સ્વામી સચ્ચિદાનંદઃ એક સમયે મારા જીવનમાં એટલું ખાલીપણું આવી ગયું. ઘણા સમય સુધી હું દિગ્મૂઢ બની ગયો કે હવે મારે કરવું શું? કોઈ લક્ષ્ય જ ન રહ્યું હવે. કાલ્પનિક તો કાલ્પનિક પણ એક લક્ષ્ય તો હતું. પણ એ લક્ષ્ય જ ન રહ્યું તો હવે મારે કરવું શું? ઘણા સમય સુધી હું લગભગ દિગ્મૂઢ જેવો રહ્યો. પણ પછી મને ઈશ્વરે જ પ્રેરણા આપી, પરમેશ્વરે જ પ્રેરણા આપી કે તું લોકોના કલ્યાણ માટે કામ કર. જેને કારણે તને દુઃખ થતાં હતાં, એ દુઃખથી છૂટવા માટે તું મોક્ષ માગતો હતો અને જેના કારણે તને ખવડાવનારા, તને કપડાં આપનારા, તને આશ્રમ બાંધી આપનારા, તારા માટે બધી સગવડો કરી આપનારા લોકો દુઃખી થાય છે એ દુઃખો દૂર કરવા માટે તું કામ કર. અને એમાંથી એક બહુ મોટું પરિવર્તન આવ્યું. અને આ પરિવર્તન બહુમુખી છે, એના ઘણા ઘણા મુખો છે. પણ એમાનું એક મુખ એ છે કે આખા ધર્મને માનવતા તરફ વાળો. માનવતા એ જ મોટો ધર્મ છે. માત્ર કર્મકાંડો નહીં. એટલે મેં યજ્ઞોમાં જવાનું બંધ કરી દીધું. આ હિંદુ પ્રજાએ બધો પૈસો અગ્નિ તરફ વાળ્યો. એમાંથી કોઈ પ્રશ્ન ઉકેલાયો નહીં. હજુ એ જ તરફ લોકો પૈસા વાળી રહ્યા છે. એમાંથી કશો પ્રશ્ન ઉકેલાતો નથી. એવી ઘણી વાતો છે જે વાતો, મેં જોયું કે આ બધું પ્રજાને નુકસાન કરે છે હાનિ કરે છે, અને કમજોર કરે છે. 

સૌરભ શાહઃ આપના આશ્રમમાં, દંતાલીના આશ્રમમાં કે કોબાના આશ્રમમાં અમે જ્યારે આવીએ છીએ ત્યારે અમને થાય છે કે સ્વામી સચ્ચિદાનંદ આટલું મોટું નામ, આટલા બધા સંપર્કો, દેશવિદેશના આપના ચાહકો… પણ આટલા સીધાસાદા આશ્રમો! તમારી ઈમેજ સાથે સુસંગત નથી લાગતા. તમારા તો ફાઈવ સ્ટાર આશ્રમ હોવા જોઈએ…
સ્વામી સચ્ચિદાનંદઃ એ જ, એ જ, હું એના વિરોધમાં છું. સાધુઓએ ફાઇવ સ્ટાર રીતે ન રહેવાય. અને જે ફાઇવ સ્ટાર રીતે રહેતા હોય એમના માટે સમજવાનું કે એ કદી પણ સત્ય નહી બોલી શકે. જો તમે પૈસાના ગુલામ થયા, પૈસાદારોના ગુલામ થયા તો તમે કદી સત્ય નહીં બોલી શકો. એટલે મેં પહેલેથી જ નિયમ રાખ્યો કે કદી પણ એક પૈસાનો ફંડફાળો કરવો નહીં. જે આપોઆપ આવે એનો ઉપયોગ કરવો. કોઈ સપ્તાહ નહીં બેસાડવી, કશું કરવું નહીં. દેશમાં કે પરદેશમાં કોઈ પણ જગ્યાએ સીધી રીતે તો નહીં જ, આડકતરી રીતે પણ પૈસો નહીં માગવો. અને આ વ્રત ઈશ્વર મને પાળી રહ્યો છે એટલે હું બોલી શકું છું. જો મારા મનમાં પહેલેથી જ એમ હોય કે આ શેઠ પાસેથી આટલા લેવા છે, તો તો હું વિદૂષક થઈ જવાનો, તો સારંગી વગાડનારો થઈ જવાનો, એમનાં જ ભજનો ગાતો થઈ જઉં.

સૌરભ શાહઃ દંતાલીના આપના આશ્રમમાં આપ જ્યાં નિવાસ કરો છો એ રૂમમાં મેં પંખો પણ ચાલતો નથી જોયો.
સ્વામી સચ્ચિદાનંદઃ હા, હું પંખો- પૂછી જોજો – ભર ઉનાળામાં એ.સી. તો નહીં જ, પેલું એર કુલરેય નહીં, પંખો લગાવેલો છે પણ હું ચલાવતો નથી. ભાગ્યે જ એક બે વાર કદાચ કોઈ વાર ચલાવું, તો ચલાવું બાકી નહીં. અને એના કારણે હું સુખી છું. સુખી એ અર્થમાં છું કે લાઇટ જાય તોય હું ઘસઘસાટ ઊંઘતો હોઉં. બાકી બધાય લાઇટ ગઈ, લાઇટ ગઈ એમ કરતા હોય. અને હું ઘસઘસાટ… મને ખબર જ ન પડે ક્યારે લાઇટ ગઈ.

જેમ બધા છોકરાઓ શોખીન હોય, સિનેમા જોતા હોય, પિક્ચર જોતા હોય એવું મારુંય જીવન એવું જ હતું. હું પાન ખાતો, સિગારેટ પીતો અને એ બધુંય એક જ દિવસે છોડી દીધું: સ્વામી સચ્ચિદાનંદ

સૌરભ શાહઃ બાપજી, કિશોરાવસ્થામાં જ્યારે તીવ્ર વૈરાગ્યની ધૂન આપના મનમાં જાગી એના પહેલાંના વર્ષોમાં આપનું જીવન કેવું હતું?
સ્વામી સચ્ચિદાનંદઃ સામાન્ય. સામાન્ય માણસ જેવું સામાન્ય.

સૌરભ શાહઃ એક કિશોર તરીકે આપના મગજમાં અને આપના હૃદયમાં કયા ઉમંગો અને કયા તરંગો રહેતા?
સ્વામી સચ્ચિદાનંદઃ આમ તો શું છે કે ખરેખર તો મારે એ બધું યાદ ન કરવું જોઈએ. અમારે સંન્યાસીઓના માટે કહ્યું છે કે પૂર્વાશ્રમને યાદ ન કરવો. પણ જેમ બધા છોકરાઓ શોખીન હોય, સિનેમા જોતા હોય, પિક્ચર જોતા હોય એવું મારુંય જીવન એવું જ હતું. હું પાન ખાતો, સિગારેટ પીતો અને એ બધુંય એક જ દિવસે છોડી દીધું.

સૌરભ શાહઃ આપે લક્ષ્મીનો ત્યાગ કર્યો, કંચન-કામિનીનો ત્યાગ કર્યો પણ આપને જે અનુભવો થયા ‘મારા અનુભવો’માં જે ઘણા બધા લોકોએ વાંચ્યા, હજારો પ્રતો એની વેચાઈ છે, તો આજે તમારા હાથમાં મુઠ્ઠીભર પૈસા પણ હોય છે. મેં તમને દંતાલીમાં પૈસાનો વહેવાર કરતાં જોયા છે કે પેલો મજૂર આવ્યો હોય તો એને દોઢસો રૂપિયા મજૂરી આપી દેવાની હોય. હવે આપ કેમ પૈસાનો ત્યાગ નથી કરતા? હવે કેમ આપ પૈસાને અડી રહ્યા છો?
સ્વામી સચ્ચિદાનંદઃ (તરત જ) એ મારી ભૂલ હતી. મેં જિંદગીમાં ઘણી ભૂલો કરી. અથવા તો એમ કહો કે ઘણી ભૂલો કરાવડાવી મારા પાસે, અને મારા મગજમાં સૂત્ર બેસી ગયેલું કે કંચન-કામિનીનો જે ત્યાગી હોય એને જ મોક્ષ મળે, એ જ ગુરુ થવાને લાયક હોય. અને આ સૂત્રએ મને એટલું રખડાવ્યો, એટલું રખડાવ્યો. પછી મને ભાન થયું કે કંચનનીય જરૂર છે ને કામિનીનીય જરૂર છે. એટલા માટે હું ગૃહસ્થાશ્રમનો વિરોધી નથી. મેં એક પણ છોકરાને સાધુ નથી બનાવ્યો. નહીં તો મેં પચ્ચીસ પચ્ચાસ છોકરાઓને…

ગાંધીજીના આશ્રમમાં કાગડા ઉડતા હોય અને વડોદરાના મહારાજાના મહેલ બધા સૂના પડ્યા હોય, તો આપણા ઝૂંપડા માટે શું ચિંતા કરવી! એનું જે થવું હોય એ થાય: સ્વામી સચ્ચિદાનંદ

સૌરભ શાહઃ કોઈ શિષ્ય નહીં?
સ્વામી સચ્ચિદાનંદઃ કોઈ જ નહીં, કોઈ નહીં. ગૃહસ્થોમાંય નહીં અને સંન્યાસીઓમાંય નહીં.

સૌરભ શાહઃ આપની ગાદી કે એવું કંઈ…
સ્વામી સચ્ચિદાનંદઃ ગાદી જ નથી! છતાંય એક મોટી ચિંતા તો છે કે હવે આ બધું મારે સોંપવું કોને? આ આશ્રમો છે. જોકે ટ્રસ્ટીઓ છે. અને ગાંધીજીના આશ્રમમાં કાગડા ઉડતા હોય અને વડોદરાના મહારાજાના મહેલ બધા સૂના પડ્યા હોય, તો આપણા ઝૂંપડા માટે શું ચિંતા કરવી! એનું જે થવું હોય એ થાય. આપણે આપણી રીતે જીવવાનું.

ઓગણીસસોને બાસઠનું જે યુદ્ધ થયું એ યુદ્ધે મારામાં એક બહુ મોટો વળાંક લાવ્યો: સ્વામી સચ્ચિદાનંદ

સૌરભ શાહઃ આપની પાસે સમૃદ્ધ લાઇબ્રેરી છે. આપે ખૂબ અભ્યાસ કર્યો છે. સંસ્કૃતનો અભ્યાસ કાશીમાં કર્યો ત્યાર બાદ ભારતના ઇતિહાસનો અભ્યાસ કર્યો. કયા કયા પુસ્તકો આપે વાંચ્યા છે?
સ્વામી સચ્ચિદાનંદઃ એમાં શું છે કે હું જ્યારે સંરસ્કૃત ભણતો, કાશીમાં ત્યારે આખો ઝોક સંસ્કૃત પુસ્તકો પર જ હતો. અમારાં સંસ્કૃતના દર્શનોને ફલાણાને ફલાણા… પછી ઓગણીસસોને બાસઠનું જે યુદ્ધ થયું એ યુદ્ધે મારામાં એક બહુ મોટો વળાંક લાવ્યો. ચીનના યુદ્ધ વખતે જ વળાંક આવ્યો. મારા રૂમમાં ગાંધીજીનું ચિત્ર હું રાખતો. અને ખાદીનાં કપડાં પહેરતો અને બધા જ સાધુઓ મને ચીડવતા, ‘યે ગાંધીવાદી હૈ, ગાંધીવાદી હૈ’ એમ કહીને ચીડવતા. અને હું ખરેખર ગાંધીવાદી અમુક અંશોમાં હતો પણ ખરો. પણ ઓગણીસસો બાસઠમાં નાની સરખી લડાઈમાં ભારત ભૂંડી રીતે હાર્યું, એટલી ભૂંડી રીતે હાર્યું કે એની કલ્પના ન કરી શકાય. અને એનો મને એટલો આઘાત લાગ્યો કે મને થયું કે આપણે હાર્યા કેમ? અને તારવણી આવી કે આપણે કશી તૈયારી નહોતી કરી. તૈયારી કેમ નહોતી કરી? કારણ કે નેહરુજી અને વિનોબા અને એ બધા ફરીફરીને કહેતા હતા કે આ ગાંધીનો દેશ છે, આ બુદ્ધનો દેશ છે, સૈનિકોની જરૂર નથી, શસ્ત્રોની જરૂર નથી. આખી દુનિયામાં આપણે અહિંસાનો પ્રચાર કરવાનો છે. ફેક્ટરી બંધ કરાવી દીધી હતી. શસ્ત્રોનું જે ઉત્પાદન કરતી હતી – અંગ્રેજો જે મૂકી ગયેલા એ અને એમાં કંઈ કાતર ને સ્ટીમ કૂકર ને એવું બધું (ઉત્પાદન) કરવા માંડેલા. અને એટલે જ કશી તૈયારી નહીં કરેલી, જ્યારે જનરલ કરિઅપ્પા ફરી ફરીને કહરેતા હતા કે તૈયારી કરો, તૈયારી કરો. નેહરુજી એક વાર બોલ્યા હતા કે આનું મગજ ફરી ગયું છે. પણ પછી જ્યારે હાર્યા ત્યારે મને થયું કે ખરેખર આપણે તૈયારી ન કરી એટલા માટે આપણે હાર્યા. પણ તૈયારી કેમ ન કરી? કારણ કે, આપણા મસ્તિષ્કની અંદર ભ્રાંતિપૂર્ણ બેઠેલા વિચારો છે એ કે આપણે શસ્ત્ર વિના, સૈનિક વિના, યુદ્ધ વિના, સારી રીતે જીવી શકીએ છીએ. અને એટલે ગાંધીજીના ચિત્રને મેં ગંગાજીમાં પધરાવી દીધું, એ વખતે મને દુઃખ થયું. પણ પછી મેં ઇતિહાસનાં પુસ્તકો વાંચવાના શરૂ કર્યાં. જ્યાં મળ્યાં, જેટલા મળ્યાં. ઇતિહાસ વાંચતાં વાંચતાં થયું કે ઓહોહો, ઓગણીસસો બાસઠમાં જ આપણે હાર્યા નથી અઢી હજાર વરસથી આપણે હાર હાર કરીએ છીએ.

સૌરભ શાહઃ એનું શું કારણ?
સ્વામી સચ્ચિદાનંદઃ એ મેં કહ્યું ને, એનું પહેલું કારણ એ છે કે મુઠ્ઠીભર માણસો લડનારા છે. તમે છ ટકા ક્ષત્રિયને હરાવો તો બાકીની જે ચોરાણું ટકા પ્રજા છે એ તો લાડાયક જ નથી. વાણિયા, બ્રાહ્મણ, લુહાર, સોની, મોચી, ઘાંચી, ખેડૂત, ફલાણા એ તો કબૂતર જેવા છે. તમે એમને કોઈ દિવસ યોદ્ધા બનાવ્યા જ નથી. એટલે વર્ણવ્યવસ્થા કારણ છે. બીજું અહિંસાવાદ કારણ છે. આપણે તૈયારી જ નહીં કરીએ. તમારે જો પોતાના દેશનું રક્ષણ કરવું હોય તો જ્યાંથી હુમલો થવાનો હોય એના ઉપર હુમલો કરવાનો હોય. આપણે કદી હુમલો કર્યો જ નથી. અને હુમલો નથી કર્યો એનું પાછું ગૌરવ લઈએ છીએ. બોલનથી લોકો કેટલા આવ્યા અહીંયાં, આપણે ખૈબરબોલનથી પાર કેમ ન ગયા? જ્યાં જ્યાંથી હુમલો થવાનો હતો એ જગ્યાએ હુમલો કેમ ન કર્યો. હું જ્યારે ચાઈના ગયો અને ચાઈનામાં પેલી મોટી દીવાલ જોઈ  – લગભગ ત્રણ સાડા ત્રણ હજાર માઈલ લાંબી તો મારા મનમાં એક કલ્પના થઈ કે આપણે તો ખાલી ખૈબરબોલનની પચ્ચીસ પચ્ચીસ કિલોમીટરની જ દીવાલો બાંધવાની હતી, આટલી બધી લાંબી દીવાલો નહીં. ત્યાં તમે પચ્ચીસ-પચ્ચીસ હજાર સૈનિકો મૂકી રાખ્યા હોત તો ભારત સુરક્ષિત થઈ જાત, દરિયાથી સુરક્ષિત હતા, હિમાલયથી સુરક્ષિત હતા; આ ખૈબર અને બોલન બે ત્રણ બાંકાં હતાં પણ આપણે એવું કંઈ કરી ન શક્યા.

(આવતી કાલે પૂરું)

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

10 COMMENTS

  1. મને એવું લાગે છે કે જો સ્વામીજી યોગીજી ની જેમ રાજકારણમાં આવ્યા હોત તો આજે ગુજરાત કે ભારતની સકલ કંઇક બીજી જ હોત.સરદાર પટેલ વડાપ્રધાન ન બની શક્યા તેને લીધે દેશને જે નુકશાન થયું તે સ્વામીજી ભરપાઇ કરી દેતા.

  2. સ્વામી જી નો બધો અનુભવ અને એનો નીચોડ સાચો હશે. પણ જાપ, હવન ની ઉપયોગિતા એમણે જાણી નથી., કદાચ સ્વાનુભવ થયા નથી. એ કારણે એને તદ્દન નાખી દેવાની વાત અને પ્રચાર યોગ્ય નથી.

    • એમના વિચારો અનુભવોને આધારે ઘડાયા છે.હું એમના દરેક વિચારને આદર આપું છું. કોઈ બાબતે મારી અસહમતી હોય તો મારા માર્ગે ચાલ્યા કરવાનું પસંદ કરું છું પણ અત્યંત વિવેકપૂર્વક, આદર સાથે મારી અસહમતી પ્રગટ કરું, ઉદ્દંડતાથી નહીં, ભાષા તથા અભિવ્યક્તિની પૂરેપૂરી મર્યાદા જાળવીને.

  3. પુજ્ય સ્વામીજી ના અનુભવો માંથી સાચી સમજ પ્રાપ્ત થાય છે. સૌરભભાઈ ની કલમ ના આભારી

  4. ‘ ચઢો બેટા બાવળિયે ખુદા ભલા કરેગા ‘ કહેનારા તો આ દુનિયામાં અનેક મળશે, પણ ‘ કાંટા વાગશે ‘ એવું કહી જાગૃત કરનાર પૂ. સ્વામીજી જેવા ધર્મ અને જનતાના હિતેચ્છુ સંતો ગણ્યા ગાંઠ્યા જડે, સાથે સાથે આવા સંતોની જાગ્રતિની વાતોનું વિશ્લેષણ કરી વર્ષોથી જનતા જનાર્દન આગળ રજૂ કરતા સૌરભભાઈ જેવા વિવેચકો પણ દુર્લભ છે, એમને ધન્યવાદની સાથે યાથશક્તિ આર્થિક સહકાર આપી એમની કલમની શાહીને સુકાવા ના દઈએ તોજ વાંચેલું સાર્થક છે .

  5. ખરેખર દુઃખ થાય છે એ જાણીને કે મોક્ષ પ્રાપ્તિ અને એના થી પણ આગળ – મુક્તી તથા સાક્ષાત્કાર સુધી લઈ જતી આધ્યાત્મિકતાનો માર્ગ ન જડ્યો.

    આ વિષયના એમના અનુભવો તથા વિચારસરણી સાથે હું સંપૂર્ણ સહમત છું.

    મારા પોતાના ૪૧ વર્ષના ધ્યાન તથા આધ્યાત્મિકતાનાં પ્રત્યક્ષ અનુભવ પરથી હું આ શીખ્યો છું.

    ૧. આધ્યાત્મિકતાનાં ઉંચા શિખરો પહોંચવા માટે ગૃહસ્થ જીવન સૌથી અનુકુળ માર્ગ છે. એનું કારણ એ છે કે માત્ર ગૃહસ્થ જીવનમાં જ મનુષ્ય પ્રેમ, ત્યાગ, ઉદારતા, સહનશક્તિ જેવા જરુરી આધ્યાત્મિક ગુણો વિકસાવી શકે છે. આપણી સમક્ષ સંત કબીર, રાજા જનક જેવા અસંખ્ય ઉદાહરણો છે. રામ તથા કૃષ્ણ જેવા અવતાર પુરુષોએ પણ તેમનું ઈશ્વરીય કાર્ય સંસારી જીવનમાં જ રહીને કરીને આપણી સમક્ષ સૌથી મોટું ઉદાહરણ સ્થાપિત કર્યું છે.

    ૨. ધ્યાન દ્વારા ઈશ્વરનો પ્રત્યક્ષ અનુભવ પોતાના હ્રદયમાં કરીને આધ્યાત્મિકતાનાં વિવિધ તબક્કાઓ – મોક્ષ, મુક્તિ તથા સાક્ષાત્કાર શક્ય બને છે. એના માટે હિમાલય કે દુનિયાની કોઈ શાંત કે પવિત્ર જગ્યાએ જઈને સાધના કરવી જરુરી નથી. એના માટે સંસારી જીવન છોડવાની પણ જરુર નથી.

    ૩. આ સાક્ષાત્કારના માર્ગમાં આગળ વધવા માટે એવી જીવિત વ્યક્તિની જરુર પડે છે જેણે પોતે સાક્ષાત્કારનો પ્રત્યક્ષ અનુભવ કરીને તે સ્થિતિ માં હંમેશા હોય. અને પોતાના અનુભવને કારણે બીજાને પણ એ અનુભવ કરાવવા માટે તત્પર હોય.

    આ ઉપરાંત આ વિષયની સાચી વૈજ્ઞાનિક સમજણ હોવી બહુ જ જરુરી છે. જેમ કે મોક્ષ એ માનવ ચેતનાનું એક સ્તર છે. એ કોઈ બાહ્ય દેખાય એવી કોઈ વસ્તુ નથી. મોક્ષ અને એની આંગળના ચેતનાના સ્તર સુધી પહોંચવાનો એક સરળ ઉપાય છે કર્મોનો ક્ષય. સામાન્ય પરિસ્થિતિમાં કર્મોનો ક્ષય એ લગભગ અશક્ય વાત છે. આ જ કારણને લીધે (૩) ની જરુર અનિવાર્ય બની જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here