તમારા આગ્રહો ના સચવાતા હોય ત્યારેઃ સૌરભ શાહ

(લાઉડ માઉથઃ ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ: બુધવાર, 5 જાન્યુઆરી 2022)

એમનું નામ દીપક પંડિત. માણસે ક્યારે કોની સાથે કેવી રીતે વર્તવું એ શીખવું હોય તો એમણે જે જે કંઈ કર્યું તે આપણે નહીં કરવાનું.

એક જમાનામાં શંકર-શંભુ નામના બે ભાઈઓનું કવ્વાલીની દુનિયામાં બહુ મોટું નામ હતું. અઝીઝ નાઝાં જેવા કવ્વાલો એ વખતે મશહૂર હતા. અંગૂર કી બેટી અને ચડતા સૂરજ અઝીઝ નાઝાંની ફેમસ રચનાઓ. હિન્દી ફિલ્મોની કવ્વાલીઓ પણ ફેમસ થતી. ના તો કારવાં કી તલાશ હૈ થી માંડીને પર્દા હૈ પર્દા સુધીની કવ્વાલીઓના જમાનામાં શંકર-શંભુ નામના બે હિન્દુ પંડિતો કવ્વાલી ગાતા, હાઉસ ફુલ શો થતા. એમની કવ્વાલીઓમાં શરાબ-શબાબની વાતો નહોતી, શુદ્ધ આધ્યાત્મિક વાતો રહેતી.

નાનાભાઈ શંભુના દીકરા દીપક પંડિતને પિતાએ પાંચ-છ વર્ષની ઉંમરથી સંગીતની તાલીમ આપી. ટીન એજ પૂરી થતાં પહેલાં જ દીપક અચ્છા વાયોલિનવાદક બની ગયા. આજે ભારતના સર્વશ્રેષ્ઠ વાયોલિનિસ્ટમાં દીપક પંડિતનું નામ પ્રથમ પંક્તિમાં મૂકાતું થઈ ગયું છે.

કારકિર્દીના આરંભે દીપક પ્રસિદ્ધ ગાયકોના લાઇવ શોઝમાં સંગત કરતા. દીપક પંડિત નાની ઉંમરે અનુપ જલોટા અને જગજિત સિંહના શોઝમાં વગાડતા. બહુ ડિમાન્ડ રહેતી એમની. કોઈ વખત સંગત વાદ્યકારોમાં દીપકનું નામ ન હોય તો આયોજક એમને મોં માંગ્યા પૈસા આપીને પણ બોલાવતા. જગજિત સિંહના એ પ્રિય વાદ્યકાર. ટુર પર જવાનું હોય ત્યારે અચ્છા અચ્છા સંગીતકારોને રેકૉર્ડિંગ માટે ફાળવેલી તારીખો કૅન્સલ કરાવીને જગજિતસિંહ દીપકને પોતાની સાથે લઈ જતા.

નાની ઉંમરે પોતાની કળાના જોરે મેળવેલી સફળતા પણ તમારા માથે ચડી જાય તો શું શું બને એના બે-ચાર કિસ્સા દીપક પંડિતે પોતે નિખાલસતાથી વર્ણવ્યા છે.

એક વખત દીપક પંડિતને મહેંદી હસન સાથે વાયોલિન પર સંગત કરવાનું આમંત્રણ મળ્યું. ગઝલ ગાયનની દુનિયામાં સર્વોચ્ચ સ્થાન ધરાવતા મહેંદી હસન સાથે એક મંચ પર બેસવા મળે એ જ કોઈ પણ વાદ્યકાર માટે ઘણું મોટું સન્માન કહેવાય. કાર્યક્રમ શરૂ થવાની તૈયારીમાં. મહેંદી હસન માઇક પર આવી ગયા હતા. દીપક વાયોલિન લઈને એમની બાજુમાં ગોઠવાઈ ગયા. મહેંદી હસને દીપકને કહ્યું, તમે અહીં નહીં મારી પાછળ બેસો. દીપકે કહ્યું, અહીં બરાબર છે. જગજિત સિંહની સાથે વગાડતો હોઉં ત્યારે આ જ રીતે મારી બેઠક હોય છે, આઈ કૉન્ટેક્ટ રહે તો સારું પડે. મહેંદી હસને કહ્યું, મારી સિસ્ટમ જુદી છે, મારા સંગતકારોને હું ક્યારેય મારી સાથે નથી બેસાડતો, બધા મારી પાછળ જ હોય.
દીપક પંડિતને માઠું લાગી ગયું. વાયોલિન અને ગજને બૉક્સમાં પાછા મૂકીને સ્ટેજ પરથી ઊતરી ગયા.

એના અઠવાડિયા પછી મુંબઈમાં મહેંદી હસનના એક આલ્બમનું રેકૉર્ડિંગ હતું. દીપક પંડિતનું સંગીત નિયોજન હતું. મ્યુઝિક અરેન્જર તરીકે એમણે ગાયક પાસેથી સારામાં સારું કામ લેવાની જવાબદારી. રેકૉર્ડિંગ પૂરું થયા પછી મહેંદી હસને પૂછ્યું, બધું બરાબર હતું ને? દીપકે નમ્રતાપૂર્વક કહ્યું કે ફલાણી પંક્તિમાં જોઈએ એ મુજબ નથી ગવાયું તો તમને વાંધો ના હોય તો એટલો ભાગ ફરીથી રેકૉર્ડ કરી લઈએ. પણ મહેંદી હસને એ વિનંતી માન્ય ના રાખી. બે-ત્રણ કલાકમાં જ મહેંદી હસન પાછા સ્ટુડિયોમાં આવીને કહે, ચાલો આપણે એટલો ભાગ ફરીથી રેકૉર્ડ કરી લઈએ. દીપક કહે કે અત્યારે હું બીજા આલ્બમ પર કામ કરી રહ્યો છું, મારો મૂડ નહીં બને, આપણે કાલે નહીં પણ પરમ દિવસે એ કામ કરીએ, આજે નહીં.

દિલ્હીમાં તાલકટોરા સ્ટેડિયમમાં લતા મંગેશકર ગાવાનાં હતાં. ત્રીસ હજારની કૅપેસિટી ધરાવતા સ્ટેડિયમમાં ખુદ લતાજીએ દીપક પંડિતને પોતાની સાથે વાયોલિન પર સંગત કરવા માટે બોલાવ્યા હતા. બહુ મોટી ઑરકેસ્ટ્રા પણ નહોતી. રિધમવાળા પણ કોઈ નહીં. એક વાઇબ્રોફોન, એક વાયોલિન અને એક અન્ય વાદક. મુંબઈમાં રિહર્સલ પણ કર્યા. દિલ્હી જઈને સ્ટેડિયમ પર જતાં પહેલાં, ગેસ્ટ હાઉસમાંથી નીકળતી વખતે દીપક પંડિતને લતાજીના મ્યુઝિક અરેન્જર અનિલ મોહિલે તરફથી કહેવામાં આવ્યું કે ત્રણેય વાદકોએ એક સરખાં કપડાં પહેરવાનાં છે, આ રહી તમારી જોડી, પહેરી લો એટલે આપણે સ્ટેડિયમ જવા રવાના થઈએ. દીપક પંડિતે તોરમાંને તોરમાં કહી દીધું: યુનિફોર્મ તો હું સ્કૂલમાં હતો ત્યારે પહેરતો, પછી મેં ગણવેશ પહેરવાનું છોડી દીધું છે. દલીલો થઈ. દીપકે સ્ટેડિયમ જવાને બદલે ટેક્સી પકડીને એરપોર્ટ પર જઈ દિલ્હીથી મુંબઈની ફ્લાઇટ પકડી લીધી.

જગજિત સિંહનો નિયમ હતો કે પોતે ગાતા હોય ત્યારે શ્રોતાઓએ શાંતિથી સાંભળવાનું, યજમાને દારૂ પીરસવાનો નહીં, ખાણીપીણીની ટ્રે લઈને વેઇટરો ફેરવવાના નહીં. દિલ્હીની એક પ્રાઇવેટ કૉન્સર્ટ જગજિત સિંહના કોઈ કરીબીને ત્યાં ઉજવણી હતી. શરાબ પીરસાયો. કેટલાક લોકો નશામાં નાચવા લાગ્યા. સ્ટેજ પાસે આવી ગયા. કોઈના ગ્લાસમાંથી દારૂ દીપકના વાયોલિન પર ઢોળાયો. દીપકે તાબડતોબ વાદન આટોપીને મંચ પરથી ચાલતી પકડી.

અનુપ જલોટાની લંડનમાં કૉન્સર્ટ. કોઈક કારણસર અનુપ જલોટા મોડા પડ્યા. સ્ટેજ પર બધા વાદકો બેસી ગયા હતા. શ્રોતાઓ અધીરા થઈ રહ્યા હતા. અનુપ જલોટાની આ આખી ટુરના આયોજક અકળાયા અને એમણે ગમેતેમ બોલવાનું શરૂ કર્યું. ભારતીયોને સમયપાલનની કોઈ કિંમત નથી વગેરે. દીપકે કહ્યું, તમે અમને શું કામ સંભળાવો છો. જે હજુ નથી આવ્યા તેમના સુધી તો તમારા આ શબ્દો પહોંચવાના નથી. દીપક પંડિતે ટુરનું કમિટમેન્ટ તોડીને એ જ રાત્રે લંડનથી મુંબઈની ફ્લાઇટ પકડી લીધી.

આવા તો બીજા ઘણા કિસ્સા દીપક પંડિતની કારકિર્દીમાં બન્યા હશે.
ક્યારેક તમને લાગશે કે દીપકે અમુક વખતે જે કર્યું તે બરાબર જ કર્યું. દારૂ વાયોલિન પર ઢળાય એ કેવી રીતે ચલાવી લેવાય. ક્યારેક તમને લાગે કે દીપકે આવું નહોતું કરવું જોઈતું. ત્રણ જ વાદકોને સાથે લઈને લતા મંગેશકર ત્રીસ હજારના ઑડિયન્સ માટે ગાવાનાં હોય ત્યારે છેક છેલ્લી ઘડીએ મામૂલી બાબતનો વિરોધ કરીને તમે આવું કેવી રીતે કરી શકો?

દીપક પંડિતને આજની તારીખે પોતે ઉન્માદમાં આવે કરેલા આવાં તમામ વર્તનો બદલ ભારે અફસોસ છે અને એમની નિખાલસતા, ઉદારતા છે કે પોતાના બેહૂદા વર્તન બદલ તેઓ આ તમામ મહાન હસ્તીઓની જાહેર માફી માગતા રહે છે.

વાયોલિનવાદનના વિશ્વમાં આજે પણ તેઓ અજોડ છે, બેમિસાલ છે.
પણ આપણે એમના આ કબૂલાતનામાથી શીખવાનું છે. ક્યારે, કોની સાથે કેવી રીતે વર્તવું એની તાલિમ નાનપણથી જ આપણી પાસે હોવી જોઈએ. ના હોય તો જાગ્યા ત્યારથી સવાર અને શક્ય હોય તો નવી પેઢીને એ તાલિમ મળે એ માટે પ્રયત્નો કરવાના. તમારામાં ગમે એટલી પ્રતિભા હશે, તમે તમારા ક્ષેત્ર માટે અનિવાર્ય ગણાતા પણ થઈ ગયા હશો – પરંતુ જો તમારા મગજમાં સફળતાની રાઈ ભરાઈ ગઈ હશે તો આજે નહીં તો કાલે, તમારી પડતી નિશ્ચિત હોવાની. અને એક વખત આવેલી જોરદાર પડતી પછી ફરી ચડતીનો ગાળો આવે એવું ભાગ્યે જ બને. તમારામાં ગજબની પ્રતિભા અને ફાઇટિંગ સ્પિરિટ હશે તો જ કુદરત તમને સેકન્ડ ઇનિંગ્સ રમવાનો ચાન્સ આપે છે – બચ્ચનજી જેવાઓને જ એવી તક મળતી હોય છે.

આપણામાં કહેવાય છે કે બહુ મીઠા ના બનીએ કે લોકો તમને ગળી જાય, બહુ કડવા પણ ના બનીએ કે લોકો તમને થૂંકી કાઢે. ક્યારે કોની સાથે મક્કમ રહેવું અને ક્યારે કોને કેટલી છૂટ આપવી એનું કોઈ નિર્ધારિત ગણિત નથી, એવી કોઈ નિશ્ચિત ફૉર્મ્યુલા પણ નથી. દરેકે પોતાની આંતરસૂઝથી અનુભવ પરથી તથા બીજાઓનું નિરીક્ષણ કરીને પોતાનાં પેરામીટર્સ તૈયાર કરવાનાં હોય. ક્યારેક કઠોર રીતે વર્તવું પણ પડે, ક્યારેક રુક્ષ બનવું પડે, સામેવાળાને ખોટું લાગે તો ભલે લાગે પણ હું તો મારા આગ્રહો જતા નહીં કરું એવી એટિટ્યુડ રાખવી પણ પડે જેથી કોઈ તમને ટેકન ફૉર ગ્રાન્ટેડ ન ગણે, જેથી તમે તમારાં નીતિ-સિદ્ધાંતો મુજબ જીવી શકો. પણ તમારા આગ્રહોથી સામેવાળાનું કેટલું નુકસાન થાય છે તે જોવું પડે. સામેવાળાએ તમારા પર ભરોસો રાખીને તમને જે કામ સોંપ્યું છે તે કામ છેલ્લી ઘડીએ લટકાવીને તમે તમારા આગ્રહો સાચવતા હો છો ત્યારે છેવટે તો લાંબા ગાળે તમે તમારું પોતાનું જ નુકસાન કરતા હો છો. વળી દરેક ક્ષેત્રને એની પોતાની જરૂરિયાતો હોવાની, તમે જ્યારે એ ક્ષેત્રમાં પ્રવેશ્યા જ છો ત્યારે હર વખતે ડગલે ને પગલે એ ક્ષેત્રનાં નૉર્મ્સને નવેસરથી ગોઠવવાની કોશિશ કર્યા કરશો તો છેવટે તમે જ થાકી જશો અને અંતે પરિણામ એ આવશે કે એ ક્ષેત્રમાં તમારે જે કંઈ પ્રદાન કરવાનું છે તે કરવા માટેનાં સમય-શક્તિ-સંસાધનો તમારી પાસે નહીં બચે.
તમારી ટેલન્ટ, તમારો પરિશ્રમ અને તમારા પ્રારબ્ધ ઉપરાંત તમારી સફળતામાં જેનો બહુ મોટો ફાળો હોય છે તે છે બીજાઓ સાથે વર્તન-વ્યવહાર કરવાની તમારી સૂઝબૂઝનો. તમને ભલે લાગતું હોય કે જે ખોટું છે તેને હું ચલાવી જ ન લઉં, પછી જે થવાનું હોય તે થાય પણ આ દુનિયા કંઈ તમારા એકલાના આગ્રહોથી નથી ચાલતી હોતી. તમે તમારા આગ્રહોથી આ દુનિયા ચલાવવા જશો તો તમારું પોતાનું વિશ્વ વખત જતાં જતાં સંકોચાઈને એક વિશાળ ગોળામાંથી લખોટી બનીને રહી જશે.

સાયલન્સ પ્લીઝ!

પરિસ્થિતિ બગડી રહી હોય ત્યારે એને ધક્કો મારીને વધારે પ્રતિકૂળ બનાવવાની આદત ઘણાને હોય છે.

— અજ્ઞાત્

•••

આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

4 COMMENTS

  1. સૌરભ ભાઈ,
    તમારી ચિંતા જ તમને રાષ્ટ્રીય સાહિત્યકાર
    તરીકે પ્રસ્થાપિત કરે છે.

    આજ નાં કાળ માં ગુજરાતી ભાષા નાં
    કોઈ સાહિત્યકાર અથવા લેખક માં આ ચિંતા નથી.

    જ્ઞાની ઓ કહે છે,
    ચિંતા એ ચિતા છે.

    પણ સમાજ ચિંતા કરનાર નો જ ઋણી હોય છે.

    મહાદેવ તમારી “વન પેન આર્મી” ને આમજ
    નિરંતર ચાલતી રાખે એજ પ્રાર્થના.

    યુવાનો નાં સૌરભ ભાઈ ને અભિનંદન

  2. મસ્તાન આર્ટિકલ હંમેશ મુજબ.હેટસ ઓફ સૌરભભાઈ.વંદન 💯💯👌👌🙏🙏

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here