જીવન કે દિન છોટે સહી હમ ભી બડે દિલવાલે : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : મંગ્ળવાર, ૨૯, જૂન ૨૦૨૧)

દંબર બહાદુર બુધપ્રીતિ નામના કોઈ નેપાળી મ્યુઝિશ્યનનું નામ તમે સાંભળ્યું છે? લુઈ બૅન્ક્સનું આ મૂળ નામ. ૭૭ વર્ષના લુઈ બૅન્ક્સ ભારતીય નેપાળી (ગોરખા) છે, દાર્જિલિંગમાં જન્મ્યા. માતાનું નામ સરસ્વતી, પિતા પુષ્કર બહાદુર. પિતા ટ્રમ્પેટ વગાડતા. ૧૯૪૦ના દાયકામાં કલકત્તામાં યુરોપિયન બૅન્ડમાં વગાડતા થયા અને નામ બદલીને રાખ્યું જ્યૉર્જ બૅન્ક્સ. પુષ્કર બહાદુર ઉર્ફે જ્યૉર્જ બૅન્ક્સના પિતા (એટલે કે લુઈ બૅન્ક્સના દાદા)એ નેપાળનું રાષ્ટ્રગીત (શ્રીમાન ગંભીરા નેપાલી) સંગીતબદ્ધ કર્યું હતું. ૧૯૬૨ થી ૨૦૦૩ સુધી નેપાળનું આ રાષ્ટ્રગીત હતું. પછી રાજકીય કારણોસર બદલાયું.

લુઈ બૅન્ક્સ દાર્જિલિંગમાં ભણ્યા. ૧૩ વર્ષની ઉંમરથી ગિટાર અને ટ્રમ્પેટ વગાડતા થયા. અમેરિકામાં એ જમાનામાં મશહુર ટ્રમ્પેટિયર લુઈ આર્મસ્ટ્રોંગ કરીને હતા. પિતાએ દીકરાને લુઈ નામ આપ્યું અને પાછળ મૂકી પોતે અપનાવેલી અટક-બૅન્ક્સ. પિતાએ ખુદ એને પિયાનો વગાડતા શીખવ્યું. પોતાના બૅન્ડમાં સામેલ કર્યો.

કૉલેજના અભ્યાસ પછી લુઈ બૅન્ક્સ પિતા અને એમના બૅન્ડ સાથે કાઠમંડુ સ્થાયી થયા. ફુલ ટાઈમ મ્યુઝિશ્યન બનવાનું નક્કી કર્યું.

2019ની ચોથી જાન્યુઆરીએ આર. ડી. બર્મનની પચ્ચીસમી પુણ્યતિથિએ પુણેના તિલક સ્મારક મંદિરમાં યોજાયેલા ન ભૂતો ન ભવિષ્યતિ એવા કાર્યક્રમ ‘રોમાન્સિંગ વિથ આર. ડી. બર્મન’ના સ્ટેજ પર ઈન્ટરવલ પછી અંકુશ ચિચંકર સાથેની વાતચીતમાં લુઈ બૅન્ક્સ કહે છે: દાર્જિલિંગની સ્કૂલમાં હું મહિને ૫૦૦ રૂપિયાના પગારે ભણાવતો હતો ત્યારે નેપાળની એક હૉટેલના જનરલ મૅનેજરે મને ડબલ પગાર અને રહેવાની મફત જગ્યા ઑફર કરી. હું કાઠમંડુની હૉટેલના બૅન્ડમાં વગાડવા લાગ્યો. એ પછી કલકત્તાની એક હૉટલના માલિક જયસ્વાલે મને એમને ત્યાં બૅન્ડ શરૂ કરવાનું કહ્યું. એક દિવસ કલકત્તાની આ હૉટેલની રેસ્ટોરાંમાં હું વગાડતો હતો ત્યારે વેઈટરે મને આવીને કહ્યું કે કોઈ મળવા માગે છે. કોણ છે? બૉમ્બેની ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મશહૂર મ્યુઝિક ડિરેક્ટર છે. શું નામ? આર. ડી. બર્મન. તે વખતે મને ખબર પણ નહીં કે આ નામનું મહત્ત્વ શું છે. હું મારા જ વિશ્ર્વમાં રહેતો. મેં આ નામ સાંભળ્યું પણ નહોતું. ખૈર, હું મળ્યો એમને. એમણે કહ્યું કે મારી એક ફિલ્મમાં હીરો પિયાનો વગાડે છે. તમે મારા રેકૉર્ડિંગમાં આવીને પિયાનો વગાડી આપો.

લુઈ બૅન્ક્સે ૧૯૭૭માં રિલીઝ થયેલી ફિલ્મ ‘મુક્તિ’ માટે પહેલવહેલીવાર પંચમદા માટે પિયાનો વગાડયો. હીરો શશી કપૂર ખૂબ વધેલી દાઢી સાથે પિયાનો વગાડતાં ગાય છે:

સુહાની ચાંદની રાતેં હમેં સોને નહીં દેતી, તુમ્હારે પ્યાર કી બાતેં હમેં સોને નહીં દેતી.

રેકૉર્ડિંગ પૂરું થઈ ગયા પછી આર. ડી. બર્મને લુઈ બૅન્ક્સને કહ્યું: અહીં જ રહી જાઓ. ખૂબ કામ મળશે. લુઈ બૅન્ક્સ કહે: નહીં રોકાવાય. કલકત્તામાં મારું બૅન્ડ છે, બધાની જવાબદારી મારા પર છે.

લુઈ બૅન્ક્સ કલકત્તા પાછા આવે છે. ૧૯૭૭થી ૧૯૭૯નાં બે વર્ષોમાં કલકત્તામાં ઘણું બધું ડહોળાઈ ગયું. લુઈ બૅન્ક્સ બેગ, બિસ્તરો અને પિયાનો લઈને મુંબઈ આવી ગયા. બીજા દિવસે આર. ડી.ને મળીને પૂછ્યું: પેલી ઑફર હજુય ઑન છે? અને લુઈ બૅન્ક્સ પંચમદાના ગ્રુપમાં શામેલ થઈ ગયા. મુંબઈમાં બીજા અનેક સંગીતકારો સાથે એમણે કામ કર્યું, જાહેરખબરનાં અનેક મશહૂર જિંગલ્સ કંપોઝ કર્યા.

લુઈ બૅન્ક્સ ‘મુક્તિ’માં વગાડેલા પિયાનોનો લાઈવ ડેમો આપતાં કહે છે કે અત્યારે પિયાનો અલગ પિચમાં ટ્યુન કરેલો છે એટલે તમને એક્ઝેટલી ‘મુક્તિ’માં જે પિયાનો સંભળાય છે તે જ સાઉન્ડ નહીં આવે કારણ કે હું જરા અલગ રીતે વગાડીશ પણ મઝા જરૂર આવશે.

અને સાહેબ, આવી. મઝા ખૂબ આવી. ભારતના અગ્રીમ હરોળના પિયાનો વાદકની આંગળીઓ કૉન્સર્ટ ગ્રાન્ડ પિયાનો પર સાહજિકતાથી નર્તન કરતી હોય ત્યારે આખું સભાગૃહ ગૂંજી ઊઠે એવા સૂરની વર્ષામાં નહાતી વખતે કયા શ્રોતાને મઝા ન આવે. ‘મુક્તિ’ની સાથોસાથ ‘બડે દિલવાલા’ (૧૯૮૩) ફિલ્મનું રિશી કપૂર-ટીના મુનિમ પર ફિલ્માવાયેલું આ ગીત પણ લુઈ બૅન્ક્સે સંભળાવ્યું: જીવન કે દિન છેટે સહી હમ ભી વડે દિલવાલે, કલ કી હમેં ફુર્સત કહાં સોચે જો હમ મતવાલે…

આ ગીતના શબ્દો કિશોર કુમારના અવાજમાં શરૂ થાય તે પહેલાં પિયાનોના જે બાર સંભળાય છે એનો ઉપયોગ બ્રહ્માનંદ સિંહે ‘પંચમ અનમિક્સ્ડ’ પોણા બે કલાકની ડૉક્યુમેન્ટરીના આરંભ તથા અંતમાં એટલી પ્રભાવશાળી રીતે કર્યો છે કે તમે જો આર.ડી. બર્મન વિશેની એ જબરજસ્ત દસ્તાવેજી ફિલ્મ જોઈ હશે તો પિયાનોના આ સૂર સાંભળીને જરૂર ઈમોશનલ થઈ જશો.

લુઈ બૅન્ક્સ કહે છે કે પિયાનોવાદનમાં એમની પ્રેરણામૂર્તિ ઑસ્કાર પીટર્સન છે. ઓપીના હુલામણા નામે જાણીતા આ કૅનેડિયન પિયાનોવાદકને ૮ વાર ગ્રેમી અવૉર્ડસથી નવાજવામાં આવ્યા છે. ૨૦૦૭માં ૮૭ વર્ષની ઉંમરે એમનું અવસાન થયું. ૬૦ વર્ષની દીર્ઘ કારકિર્દી દરમ્યાન દુનિયાભરની કૉન્સર્ટ્સમાં એમણે વગાડ્યું. જાઝ પિયાનિસ્ટ તરીકે દુનિયામાં એમનો જોટો જડે નહીં.

‘ઝૂઠા કહીં કા’ ફિલ્મનું જીવન કે હર મોડ પે ગીતનુું રેકૉર્ડિંગ વગાડવામાં આવે છે. લુઈ બૅન્ક્સના વાદનમાં પંચમદાની જેમ ફ્લેમ્બોયન્સ પણ છે અને સિમ્પલિસિટી પણ છે. આવું વિરલ કૉમ્બિનેશન દરેક સર્જકમાં નથી હોતું. પણ સંગીત, ફિલ્મ, નાટક, લેખન ક્ષેત્રે જે સર્જકોમાં આવું વિરોધાભાસી લાગતું સંયોજન હોય તેવું સર્જન હંમેશાં અમર થઈ જાય છે.

લુઈ બૅન્ક્સ કહે છે કે મુંબઈમાં ફુરસદની પળોમાં પોતે ફ્રેન્કો વાઝ , કેર્સી લૉર્ડ, જેમ્સ ડાયઝ વગેરે સાથે જામિંગ કરતા. આર.ડી.બર્મન વિશે અગાઉ આશા ભોસલેએ જે ઉપમા આપી હતી તે જ ઉપમા લુઈ બૅન્ક્સ આપે છે: એ મોત્ઝાર્ટ હતા.

આરડીની ખાસિયતો વિશે લુઈ બૅન્ક્સ કહે છે: સ્ટુડિયોમાં બૅકગ્રાઉન્ડ મ્યુઝિક પર કામ ચાલતું હોય ત્યારે ઘણીવાર મને બોલાવીને ચેસ રમવા બેસી જાય. ક્યારેક ચાલુ રિહર્સલમાં એમના પરકશનિસ્ટ, તબલાંવાદક મારુતિ કીર સાથે કુશ્તી લડે. (ગાયક ભૂપિન્દરે કહ્યું છે કે મોટા રિહર્સલ રૂમમાં ફરીને લુંગી પહેરીને ભરત નાટ્યમ્ પણ કરતા). અને આની સામે એમને યાદ હોય કે ગીત શરૂ થયા પછી ૪૦મા બાર પર વાંસળી વાગવાની છે. પંચમદાનું રેકૉર્ડિંગ સવારે શરૂ થાય અને બપોરે એક વાગ્યે લંચ પહેલાં તો પૂરું થઈ જાય. એટલું પરફેક્ટ પ્લાનિંગ એમણે કર્યું હોય. આની સામે કેટલાક સંગીતકારો તો સાંજે છ-આઠ વાગ્યા સુધી ગીતનું રેકૉર્ડિંગ કરતા હોય. અને કેટલાક તો ત્રણ-ત્રણ દિવસ રેકૉર્ડિંગ કરતા રહે ત્યારે આખું ગીત પૂરું થાય.

આમ છતાં, આજે પણ તમે આર.ડી.નાં ગીતો સાંભળો તો જૂની ટેક્નોલોજીમાં રેકૉર્ડ થયાં હોવાં છતાં આધુનિક સાધનો પર પણ તમે એક-એક વાદ્યને અલગ અલગ સાંભળી શકો એ રીતની ફ્રિકવન્સી ગોઠવીને આર.ડી. પોતે રેકૉર્ડિંગ કરાવતા. એ માત્ર ક્રિયેટિવ આર્ટિસ્ટ જ નહોતા, ક્રાફ્ટ્સમૅન પણ હતા. મૌલિક કલાકાર ઉપરાંત એકમ્પ્લિશ્ડ કસબી પણ હતા.

બાંસુરીવાદક અશ્ર્વિન શ્રીનિવાસન સાથે લુઈ બૅન્ક્સ પિયાનો પર તુમ સે મિલકર તેમ જ ગુલાબી આંખેં તથા ચુરા લિયાની ધૂનમાં જુગલબંધી કરે છે.

૭૭ વર્ષની ઉંમરે પણ લુઈ બૅન્ક્સમાં એટલું બધું સંગીત ભર્યું છે કે તેઓ ઘોષણા કરે છે કે મારે આર.ડી. બર્મનનાં ગીતોને જાઝ સાથે રિક્રિયેટ કરીને એક આલ્બમ બનાવવું છે.

બરાબર સાડા સાતના ટકોરે શરૂ થયેલો કાર્યક્રમ માત્ર દસ મિનિટના ઈન્ટરવલ પછી રાતના સાડા અગિયાર સુધી ચાલે છે. કાર્યક્રમ પૂરો થયા પછી ઉતારે પહોંચીને અમે દોઢ વાગ્યા સુધી, મુંબઈથી જેમની સાથે આવ્યા છીએ એ મિત્રો સાથે, આર.ડી. બર્મનની વાતોને અને આજના કાર્યક્રમની અનેક ખૂબીઓને વાગોળીએ છીએ. કાશ, અંકુશ ચિચંકર, રાજ નાગુલ, આશુતોષ સોમણ અને મહેશ કેતકર પંચમદા વિશેના આવા કાર્યક્રમો મુંબઈમાં પણ યોજે. પણ જો મુંબઈમાં યોજશે તો અમે કાર્યક્રમના બીજા દિવસે પુણેની વન ઑફ ધ બેસ્ટ મિસળ પીરસતી રેસ્ટોરાં બેડેકર ટી સ્ટૉલ પર નહીં જઈ શકીએ કે વિકટરી ટૉકીઝની સમોર આવેલી મશહુર કયાની બેકરીમાંથી શ્રુબેરી બિસ્કિટ સહિત બટર, ખારી વગેરેનો ખજાનો અહીંના મિત્રો માટે નહીં લાવી શકીએ. બીજા દિવસે મોડી બપોરથી વહેલી સાંજ સુધીની વળતી સફર દરમ્યાન પુણે-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અમે ફરી ‘સત્તે પે સત્તા’ના એ જ ગીતની ધૂન મનમાં ગણગણતા રહ્યાં: પ્યાર હમેં કિસ મોડ પે લે આયા…

તાજા કલમ: પંચમપ્રેમી અજયભાઈ શેઠ સાથે આર.ડી.ના સંગીત વિશે સૌરભ શાહે કરેલી પચાસ મિનિટ લાંબી મુલાકાત હજુ સુધી તમે ન સાંભળી હોય તો આજે જ ટાઈમ કાઢીને જોઈ લેજો. ખજાનો છે. આ રહી લિન્ક:

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here