આત્મસન્માન સાચવવા જતાં તમે પોતે જ તમને ઈજા કરી બેસો એવું બને : સૌરભ શાહ

(લાઉડ માઉથઃ ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ, બુધવાર, ૩૦, જૂન ૨૦૨૧)

ગયા બુધવારે એક સવાલ થયો હતો: આપણામાં આત્મવિશ્વાસનો અભાવ હોય એમાં આપણો પોતાનો વાંક કેટલો? જેનો જવાબ મળ્યો કે જિંદગીનાં છેલ્લાં દસ-વીસ વર્ષને રિવાઈન્ડ કરીને એની ઝલક આજે પોતાની જાતને બતાવવાનો પ્રોગ્રામ રાખશો તો સમજાઈ જશે.

હવે આગળ વધીએ.

આત્મ સન્માન એટલે પોતાના માટેનું ગૌરવ. કેટલાક લોકો પોતાના વ્યર્થ ઈગોને સેલ્ફ એસ્ટીમ ગણીને પોતાના જ પગ પર કુહાડો મારતા હોય છે.

ઈગો હોવો એ સારી વાત છે અને ઈગો હોવો એ ખરાબ વાત પણ છે. વાતવાતમાં ‘હું આમ’ અને ‘હું તેમ’ એવો ભાવ બીજાઓ સમક્ષ વ્યક્ત કરનારા લોકો હકીકતમાં લઘુતાગ્રંથિથી પીડાતા હોય છે. એમનામાં ઈન્ફિરિયોરિટી કૉમ્પ્લેક્સ હોય છે, કારણ કે તેઓ પોતે ઈન્ફિરિયર જ હોય છે. પોતાનું વામણાપણું છાવરવા તેઓ ઈગો દેખાડતા ફરતા હોય છે. આની સામે કેટલાકને ખબર હોય છે કે પોતે કોણ છે, કઈ કક્ષાનું કામ કર્યું છે. આવા લોકો પોતાના ઈગોને સાચવવા નહીં, પણ પોતાનું આત્મસન્માન સાચવવા અમુક રીતે વર્તતા હોય છે.

બે દાખલા આપું તમને. એક મહાન સર્જક હતા. ગુજરાતીમાં લખતા. એમણે ક્યારેય વૈચારિક બાબતે કે અન્ય કોઈ બાબતે બહાદુરીનું કે શૌર્યનું કામ નહોતું કર્યું. આમ છતાં તેઓ સતત પોતાને વીર ગણાવતા રહેતા, બીજાઓને એ બાબતમાં ઊતારી પાડતા. એમની હયાતીમાં જ ઘણી વખત કહેવાતું કે એમની છાતીના વાળ હકીકતમાં વિગ હતી.

આથી વિરુદ્ધ મિર્ઝા ગાલિબ હતા. એક વખત એમને બેકારીના દિવસોમાં ફારસીના ઉસ્તાદ તરીકેની સારા પગારવાળી નોકરી મળી રહી હતી. ગાલિબે કહેવડાવ્યું કે મને પાલખી લેવા મોકલો તો આવું. પાલખી આવી અને ગાલિબ ગયા પણ ત્યાં એમને આવકાર આપવા માટે કોઈ બહાર આવ્યું નહીં. ગાલિબ નોકરી લીધા વિના પાછા આવી ગયા.

આને કહેવાય ખુમારી અને આને કહેવાય બહાદુરી. જે સંજોગોમાં બીજા કવિઓ, લેખકો, સાહિત્યકારો સત્તાધીશોની પગચંપી કરતા હોય તે સંજોગોમાં ગાલિબે પોતાનું આત્મસન્માન જાળવી રાખ્યું. કારણ કે ગાલિબ જાણતા હતા કે પોતે કઈ કક્ષાના સર્જક છે. ગાલિબ પોતાના વિશે ખોટા ભ્રમમાં નહોતા. મૃત્યુના દોઢસો વર્ષ પછી પણ પ્રજાને ગાલિબની ગઝલો, ગાલિબની વાતો યાદ છે. મોટા ભાગના સાહિત્યકારો અવસાનના બે-પાંચ કે દસ-વીસ વર્ષ પછી જનમાનસ પરથી ભૂંસાઈ જતા હોય છે.

આત્મસન્માન બેધારી તલવાર છે. તમારું આત્મસન્માન સાચવવા જતાં તમે પોતે જ તમને ઈજા કરી બેસો એવું બને.

પોતાનું આત્મસન્માન કેવાં લોકો સાચવી શકે?

સૌ પ્રથમ તો એવા લોકો જેઓ પોતાના વિશે ખોટા વહેમમાં રાચતા ન હોય અને બીજાઓને પણ પોતાના વિશે વહેમમાં રાખતા ન હોય. મારી પાસે કાર હોય જ નહીં અને હું ટ્રેન-બસ-રિક્શામાં જ અવરજવર કરતો હોઉં અને કોઈ દિવસ મને મારો મિત્ર કે મારો ચાહક મને પ્રવચનસ્થળે લાવવા-લઈ જવા માટે એની મર્સીડીસ કે જેગ્વાર મોકલી આપે અને હું માની બેસું કે હું આવી ગાડીઓમાં જ ફરવાને લાયક છું અને મારા શ્રોતાઓ આગળ ડંફાસ મારીને કૉલર ટાઈટ કરું તો મારા જેવો મૂરખ બીજો કોઈ નહીં. મારે સ્વીકારવું જોઈએ કે મારી આર્થિક હેસિયત શું છે. તમે જ્યારે તમારી ઓકાત બહારનું વર્તન કરવા જાઓ ત્યારે તમારી સેલ્ફ એસ્ટીમનો ભોગ લેવાતો હોય છે.

બીજું. મારા દરેક વર્તન માટે મારે જવાબદારી સ્વીકારવી જોઈએ. ફલાણાએ મને ફસાવી દીધો, ઢીકણાને કારણે હું ઉપર ના આવી શક્યો, આણે મને મિસગાઈડ કર્યો, તેણે મારી ચાડી ખાધી એવા બહાનાં કરનારી વ્યક્તિ કોઈ દિવસ પોતાની સેલ્ફ એસ્ટીમ જાળવી ના શકે. જે માણસ પોતાની જિંદગીમાં બનતી રહેતી તમામ બાબતો માટે પોતાને જવાબદાર માને છે. એટલું જ નહીં બીજાઓ સમક્ષ પણ પોતાની જવાબદારી કબૂલ કરે છે તેને જ આત્મસન્માન પ્રાપ્ત થાય છે અને તેને જ પોતાની સેલ્ફ એસ્ટીમ જાળવવાનો હક્ક છે.

ત્રીજી વાત. ગંગા ગયે ગંગાદાસ અને જમના ગયે જમનાદાસવાળી પ્રકૃતિ ધરાવતા લોકો ક્યારેય સેલ્ફ એસ્ટીમ જાળવી નહીં શકે. બીજાઓની ‘હા’માં હા અને ‘ના’માં ના પુરાવીને એમને વહાલા થઈને પોતાનું કામ કઢાવી લેવાની વૃત્તિ ધરાવનારા અનેક લોકોને તમે તમારી આસપાસ જોયા હશે. ક્યારેક આપણે પોતે આવું વર્તન કરી બેઠાં હોઈશું. આવી રીતે વર્તનારા લોકો પોતાની સેલ્ફ એસ્ટીમ જાળવી શકતા નથી. કારણ કે, સેલ્ફ એસ્ટીમ જાળવવા માટે તમારે કશાકનો ભોગ આપવો પડતો હોય છે, કશુંક જતું કરવું પડતું હોય છે. જો તમે તમારા સ્વાર્થની કોઈ વાત જતી કરવા ન માગતા હો તો તમારે આત્મ સન્માનને નેવે મૂકીને બીજાના ઓશિયાળા બની જવું પડે એ સ્વાભાવિક છે.

ચોથી વાત, બીજાનાં આત્મસન્માનનો આદર કરીએ. બીજાની સેલ્ફ એસ્ટીમને કચડી ન નાખીએ. જે લોકો સતત બીજાને ઉતારી પાડવાની ટેવ ધરાવતા હોય, જેમને એમ જ હોય કે હું એકલો ગ્રેટ અને બાકીના બધા તો વહેંતિયા છે એ લોકો વખત આવ્યે પોતાના આત્મ સન્માનને ગીરવે મૂકી દેતાં અચકાતાં નથી. કારણ કે એમને ખબર હોય છે કે અન્યથા એમની તથાકથિત મહાનતા છીનવાઈ જશે. તેઓ ખાનગીમાં સેલ્ફ એસ્ટીમ વેચીને જાહેરમાં બીજાઓને ઊતારી પાડવાનું ચાલુ રાખશે, જેથી પોતાનો ઈગો અખંડ રહે. હકીકતમાં આવા લોકોની પર્સનાલિટી પરનું વરખ સહેજ ઉખાડીને તમે જુઓ તો ખ્યાલ આવશે કે તેઓ કેટલા તૂટી ગયેલા છે. કવિ હરીન્દ્ર દવેએ એક જુદા સંદર્ભમાં લખેલો શેર યાદ આવે છે : મારું સ્વમાન રક્ષવા જાતાં કદી કદી/હું કરગરી ગયો છું, મને યાદ પણ નથી.

પાંચમી અને છેલ્લી વાત સ્વમાન વિશેની તે એ કે જેમનામાં વિલ પાવર છે અને જેમનામાં સેલ્ફ કૉન્ફિડન્સ છે એમને ક્યારેય કૃત્રિમ રીતે સેલ્ફ એસ્ટીમ જાળવવાની જરૂર પડતી જ નથી. તમારી પાસે તમારી તમામ શક્તિ-પ્રતિભા નિચોવીને કામ કરવાનો વિલ પાવર હોય અને તમને તમારામાં વિશ્વાસ હોય કે તમે જે માર્ગે આગળ વધી રહ્યા છો તે સાચો અને સારો છે તો તમારું આત્મસન્માન તમારા કોઈ પ્રયત્નો વિના સચવાતું રહેશે. કોઈને બતાવી આપું કે હું કોણ છું એવી માનસિકતા ધરાવનારાઓ કે પછી હું અમુક રીતે ઍટિટ્યૂડ દેખાડીશ તો જ સામેવાળાને મારી મહત્તા સમજાશે એવું માનનારા લોકો ન તો બીજાનું આત્મ સન્માન જાળવી શકે છે ન એમનું પોતાનું.

માટે યાદ રાખવાનું કે આત્મ સન્માન ત્યારે જ જળવાય જ્યારે તમે તમારું ગજું વધાર્યા પછી મોટાં સપનાં જોયાં હોય, એ પહેલાં નહીં.

સાયલન્સ પ્લીઝ!

જિંદગીને મેનેજ કરવાની પળોજણમાં પડવાનું જ નથી. આવતા એક કલાક દરમ્યાન શું કામ કરવું છે એ નક્કી કરો, જિંદગી આપોઆપ મેનેજ થઈ જશે.

— અજ્ઞાત

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

4 COMMENTS

  1. સૌરભ ભાઈ,
    ખરેખર તમારા સમકાલિન થયા નો ગર્વ અનુભવું છું.

    સદાય જીવન ઉત્કર્ષ ની જ વાત હોય
    અને વેરાન માં દીવાદાંડી સમાન વિચારરૂપી
    આપના લેખ હોય.
    બીજું જોવે પણ શું?

    તમારી one pen army હર હંમેશ ચાલતી રહે
    એજ પ્રાર્થના મારા મહાદેવ ને.

  2. સર , આજનું સાયલન્ટ પ્લીઝ બહુ ગમ્યુ. એક નાનકડા વાક્યમાં ઘણુ સમાઈ ગયું છે. લેખ પણ મારા માટે પથદર્શક બનીને રહેશે કાયમ. ” મોટી વાત ” તમે સરળ શબ્દોમાં to the point બહુ સરસ રીતે રજૂ કરો છો કે ક્યાંય શબ્દોનો નથી લાગતો. Thanks for guiding always.

  3. બહુ ધારદાર લેખ ……થૅન્ક યુ.. for this thoght is like a lamp to carry in the dark

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here