માતોશ્રી’ના ડ્રોઈંગરૂમમાં ચટ્ટાઈ પાથરીને નમાજ પઢવામાં આવી

ગુડ મૉર્નિંગ – સૌરભ શાહ

( મુંબઇ સમાચાર : ગુરુવાર, 31 જાન્યુઆરી 2019)

‘ઠાકરે’ ફિલ્મનો એક સીન છે. બાબરી ડિમોલિશન પછી મુંબઈમાં જે કોમી રમખાણો થયાં એ દરમ્યાન કળાનગર, બાન્દ્રા (પૂર્વ) સ્થિત, બાળાસાહેબના ‘માતોશ્રી’ બંગલાથી થોડે દૂર બહેરામપાડા (બાન્દ્રા, ઈસ્ટ)ની મુસ્લિમ બસ્તીમાં રહેતું એક મુસ્લિમ યુગલ એમની બે નાની નાની છોકરીઓ જોેડે બાળાસાહેબના બંગલા સુધી પહોંચવાની કોશિશ કરે છે. બાળાસાહેબને ખબર પડે છે. અનુમતિ આપે છે. મુસ્લિમ સ્ત્રી પોતાની વેદના વ્યક્ત કરે છે. રમખાણોમાં બધું લૂંટાઈ ગયું છે, જલી ગયું છે. એનો પતિ વારંવાર ઘડિયાળમાં જોયા કરે છે. બાળાસાહેબનું ધ્યાન જાય છે. કુતૂહલવશ પૃચ્છા કરે છે. ખબર પડે છે કે એની ઝોહરની નમાજનો (દિવસની બીજી નમાજ જે બપોરે એક વાગ્યાની આસપાસ થતી હોય) સમય થઈ ગયો છે. બાળાસાહેબ તરત જ પોતાના સેવક રવિને હાક મારીને ચટ્ટાઈ મગાવે છે. બાળાસાહેબના ડ્રોઈંગરૂમમાં નિરાંતે, નિશ્ર્ચિંત બનીને એ મુસ્લિમ યુવાન ઝોહરની નમાજ પઢે છે.

બાળાસાહેબ વારંવાર કહેતા કે તેઓ પોતે મુસ્લિમ વિરોધી કે ઈસ્લામ વિરોધી નથી, પરંતુ જેઓ આ રાષ્ટ્રને પોતાનો દેશ નથી માનતા, આ રાષ્ટ્રના નાગરિકો સાથે હળીમળીને રહેવાને બદલે એમના વિરુદ્ધ ઝેર ઓકવા માગે છે, જેમનો પાકિસ્તાન પ્રેમ ક્રિકેટ મેચ દરમિયાન ઉછળીને પ્રગટ થાય છે એવા કાફિર મુસ્લિમોેની તેઓ વિરુદ્ધ છે.

આ સીન મને એટલા માટે ખૂબ ગમ્યો, કારણ કે આ હકીકતની મને ખબર નહોતી કે એમણે કોઈ મુસ્લિમને પોતાના ઘરમાં નમાજ પઢવા માટેનું આમંત્રણ આપ્યું હતું. મને આ સીન હૃદયસ્પર્શી પણ લાગ્યો. કોઈ સેક્યુલરિયાને એમ પણ લાગશે કે, ‘આવું તે કંઈ હોતું હશે – બાળ ઠાકરે કોઈ મુસલમાનને પોતાના ઘરમાં નમાજ પઢવા દે? આ તો ખાલી બાળ ઠાકરેની ઈમેજને વ્હાઈટવૉશ કરવા માટે આવો સીન ફિલ્મમાં ઉપજાવી કાઢવામાં આવેલો છે.’

1992માં બાબરી ઢાંચાને ધ્વસ્ત કરવામાં આવ્યો તે પછી અને વિશેષત: 2002ના ગોધરા હિન્દુ હત્યાકાંડની પ્રતિક્રિયારૂપે ગુજરાતમાં અમુક ઠેકાણે થયેલા રમખાણો પછી મેં જે જે કંઈ લખ્યું અને હું જે જે કંઈ પ્રવચનોમાં બોલ્યો એને કારણે, બાળ ઠાકરે જેમને ‘લાલ માકડ’ (લાલ મોઢાવાળા વાંદરા) કહે છે તે કમ્યુનિસ્ટો-સેક્યુલરિસ્ટોએ મારા માટે એવી ઈમેજ બાંધવાની કોશિશ કરી કે હું મુસ્લિમ વિરોધી છું, ઈસ્લામ વિરોધી છું. અને હું ઓપનલી ચેલેન્જ આપતો કે મેં ક્યારેય એક શબ્દ મુસ્લિમોની વિરુદ્ધમાં કે એમની આસ્થાની વિરુદ્ધમાં, ઈસ્લામની વિરુદ્ધમાં લખ્યો નથી કે પ્રવચનોમાં કહ્યો નથી. મેં માત્ર એવા જ લોકોની આકરી ટીકા કરી છે જેઓ દેશદ્રોહની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે કે આવી પ્રવૃત્તિઓને સીધી યા આડકતરી રીતે ઉત્તેજન આપે છે, ક્યારેક પોતાના ધર્મનો સહારો લઈને તો ક્યારેક બીજાઓના હાથા બનીને.

આ દૃશ્ય હૃદયસ્પર્શી લાગવાનું બીજું કારણ એ કે મારી જિંદગીમાં આવું ઑલરેડી બની ચૂક્યું છે જેનો ઉલ્લેખ મેં એકાધિક વખત મારા લેખો તથા પ્રવચનોમાં કર્યો છે. 2000ના દશકના મધ્યમાં મેં કેટલોક વખત અમદાવાદમાં ગાળ્યો એ દરમ્યાન એક સાંજે મેં મારા મુસ્લિમ મિત્રને સહપરિવાર રાત્રિ ભોજન માટે આમંત્રણ આપ્યું હતું. તેઓ પોતાના પત્ની-દીકરી, ભાઈભાભીઓ સાથે આવી રહ્યા હતા. કુલ આઠેક મહેમાનો. મેં એમને કહ્યું કે જમવાના સમયે જ આવવું જરૂરી નથી, થોડા વહેલા આવી જશો તો અગાસીમાંથી સાથે સૂર્યાસ્ત જોઈશું અને હીંચકે બેસીને ગપ્પાં મારીશું. એમણે કહ્યું કે એટલું વહેલું નહીં અવાય, સાંજની (મગરિબની) નમાજ પઢીને તમારે ત્યાં પહોંચીશું. મેં કહ્યું કે નમાજનો વખત થાય ત્યારે તમે મારા ઘરે નમાજ પઢી લેજો, જો તમને કોઈ વાંધો ન હોય તો. અને તેઓ સૌ મારા આમંત્રણને માન આપીને વહેલા આવ્યા. સૂર્યાસ્ત જોવાયો, અને નમાજ પણ પઢવામાં આવી.

આ પ્રસંગ હું ઘણીવાર મારા અંગત મિત્રવર્તુળમાં શેર કરતો ત્યારે લાઈટ હાર્ટેડલી ઉમેરતો કે ડૉ. પ્રવીણ તોગડિયા મારા ઘણા સારા પરિચિત છે અને જો એમને આ વાતની ખબર પડે તો એ જરૂર કહેશે કે અયોધ્યામાં પછી, પહેલાં મંદિર સૌરભ શાહના ઘરમાં બનાવીએ!

બાયોપિક પર કામ કરવું જરા મુશ્કેલ છે. આમ તો કોઈપણ સર્જન કરવું એ જ એક ઘણું કપરું કામ છે. પણ જેમ નવલકથા લખવા કરતાં વધુ અઘરું કામ કોઈના જીવન પરથી નવલકથા લખવાનું છે એ જ રીતે ફિલ્મ બનાવવા કરતાં વધુ અઘરું કામ કોઈના જીવન પરથી ફિલ્મ બનાવવાનું છે. તમે જો ડૉક્યુમેન્ટરી ફિલ્મ બનાવતા હો કે પછી કોઈની જીવનકથા (બાયોગ્રાફી) લખતા હો તો એ કામ આટલું અઘરું નથી પણ કોઈ વ્યક્તિ પરની નવલકથાનું કે પછી બાયોપિકનું સર્જન કરતા હો ત્યારે તમારે ધ્યાન રાખવું પડે કે કથારસ પહેલેથી છેલ્લે સુધી જળવાય, વાર્તાના પ્રવાહમાં ક્યાંય વિક્ષેપ ન આવે અને આવું કરવામાં તમે પોતે તણાઈ જઈને કલ્પનાના એવા પ્રસંગો ઉમેરી ન દો જે એ વ્યક્તિના જીવનમાં બન્યા જ ન હોય અથવા સુસંગત પણ ન હોય. માત્ર સ્ટોરીને વધુ ઝડપી કે વધુ મસાલેદાર બનાવવાના આશયથી તમે જ્યારે આવા પ્રસંગો ઉમેરવાની લાલચ રાખો છો ત્યારે જે વ્યક્તિ પર તમે નવલકથા લખી રહ્યા છો કે બાયોપિક બનાવી રહ્યા છો તેને અન્યાય કરો છો. કાં તો તમે એની આરતી ઉતારવામાં સરી પડો છો, કાં પછી એના માટે ઘૃણા ઊભી થાય એવું ચિત્રણ કરી બેસો છો. વ્યક્તિને બ્લેક કે વ્હાઈટ ચીતરવાને બદલે એ જેવી છે એવી જ – એમના તમામ ગ્રે શેડ્સ સાથે પ્રસ્તુત કરવાનું કામ ખાંડાની ધાર પર ચાલવા જેવું છે. એવું કરવા જતાં કાં તો એ શુષ્ક દસ્તાવેજી ફિલ્મ બની જાય કાં પછી કથન નીરસ બની જાય જે પુ.લ. દેશપાંડે વિશે બનાવવામાં આવેલી, ગયાના ગયા અઠવાડિયે જ રિલીઝ થયેલી મરાઠી ફિલ્મ ‘ભાઈ: વ્યક્તિ કી વલ્લી’ સાથે થયું. મહેશ માંજરેકર જેમણે ‘કાકસ્પર્શ’ અને ‘વાસ્તવ’ સહિતની કેટલીય આલા દરજ્જાની મરાઠી-હિંદી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે એમણે જ ‘ભાઈ’ બનાવી છે પણ અત્યંત નબળી સ્ક્રિપ્ટે એમને આ ઉમદા વિષયને ન્યાય આપતા રોક્યા છે. લેટ્સ હોપ કે ‘ભાઈ’નો ઉત્તરાર્ધ, જે 8મી ફેબ્રુઆરીએ રિલીઝ થવાનો છે એમાં મહેશ માંજરેકરે કંઈક કમાલ કરી હોય.

આની સામે ‘સંજુ’ અને ‘કાશીનાથ ઘાણેકર’ જેવી બાયોપિકમાં મુખ્ય પાત્રની નબળાઈઓને ઢાંક્યા વિના કે એમની આરતી ઉતાર્યા વિના જે અફલાતૂન તરીકાથી સ્ક્રિપ્ટ લખાઈ છે તે એક મિસાલ છે, આ વિષયમાં ખૂંપેલા લોકો માટે એક સ્ટડી મટીરિયલ છે.

‘ઠાકરે’ ફિલ્મને હું ‘સંજુ’ અને ‘કાશીનાથ ઘાણેકર’ જેવી જ આલા દરજ્જાની ફિલ્મ ગણું છું. ‘ઠાકરે’ની સિક્વલ પણ આવવાની છે. ‘ઠાકરે’માં બાળાસાહેબને 1970ના દાયકામાં કૉન્ગ્રેસની નજીકના નેતા બતાવાયા છે, 1975ની આણિબાણિ (કટોકટી)ને સપોર્ટ કરતા પણ બતાવાયા છે. જો આ ફિલ્મમાં માત્ર એમની હેજિયોગ્રાફી જ પ્રગટ કરવી હોત તો આ કે આવા બીજા ઘણા પ્રસંગો ફિલ્મના પ્રોડ્યુસર-સ્ટોરી રાઈટર સંજય રાઉતે પડતા મૂક્યા હોત. પણ એમણે ફિલ્મ મેકિંગમાં બાળાસાહેબ જેટલી જ પ્રામાણિકતા તથા પારદર્શિતા દાખવી છે.

ફિલ્મનું હિંદી વર્ઝન અને મરાઠી વર્ઝન બેઉ એકસાથે શૂટ થયા છે. લિપ-સિન્ક પરથી તમને ખાતરી પણ થશે કે મરાઠીમાં પણ જે સંવાદ બોલાય છે તે જ શબ્દો શૂટિંગમાં બોલાયા હશે. હાલાકિ નવાઝુદ્દીન સિદ્દીકીના ડાયલોગ્સ ચેતન સશિતલ નામના ખૂબ ટેલેન્ટેડ અને જાણીતા વૉઈસ આર્ટિસ્ટે ડબ કરેલા છે. મઝા એ છે કે મરાઠી સંવાદો બોલીને એનું નવેસરથી શૂટિંગ કરેલું હોવાથી નવાઝુદ્દીન પોતે મરાઠીમાં બોલે છે એવું લાગે. ચેતન સશિતલે એવી કમાલ કરી છે કે એમના સંવાદમાં તમને બાળ ઠાકરેનો અવાજ, એમનો ટોન અને એમનો કડક લહેકો તો સંભળાય જ પણ સાથોસાથ અંડરટોન નવાઝુદ્દીનના અવાજનો સંભળાય, જાણે કે નવાઝભાઈએ બાળાસાહેબના અવાજમાં પોતાનો અવાજ ઢાળી દીધો છે. ઉપરાંત આખી ફિલ્મ મુંબઈના મહારાષ્ટ્રીયન માહોલમાં છે એટલે હિંદી કરતાં મરાઠીમાં માણવાની વધારે મઝા આવે. દાખલા તરીકે દિવાળી પ્રસંગે ‘માતોશ્રી’માં આવતા મહેમાનોને મીનાતાઈ ઠાકરે હિંદી વર્ઝનમાં ‘નાસ્તો કરીને જજો’ એવું કહે પણ મરાઠીમાં ‘ફરાળ કરીને જજો’ એવું કહે. મરાઠીના અનેક શબ્દોના અર્થ ગુજરાતીમાં જુદા હોય છે. મરાઠીમાં ‘ઘટસ્ફોટ’ એટલે ગુજરાતીમાં ‘છૂટાછેડા’. મરાઠીમાં ‘સમાધાન’ એટલે ગુજરાતીમાં ‘સંતોષ’. મરાઠીમાં ‘કૌતુક’ એટલે ગુજરાતીમાં ‘વખાણ’ એ જ રીતે ‘ફરાળી પદાર્થ’ એટલે આપણી અગિયારસ કે આપણા ઉપવાસનું ખાણું નહીં પણ ચેવડો-સક્કરપારા-ચકરી જેવો ‘નાસ્તો’.

આજનો વિચાર

જે રીતે ભારતની ટીમ ક્રિકેટમાં દરેક મેચ જીતી રહી છે તે જોતાં લાગે છે કે એ દિવસો હવે બહુ દૂર નથી કે દુનિયાની બાકીની ટીમો ભારતને હરાવવા મહાગઠબંધન કરે!

– વૉટ્સએપ પર વાંચેલું.

એક મિનિટ!

પકો: બકા, કાલે તું જેની સાથે પિક્ચર જોવા ગયો હતો એ તારી કઝિન હતી કે ગર્લફ્રેન્ડ?

બકો: ખબર નહીં, એણે હજુ કંઈ કીધું નથી…

2 COMMENTS

  1. આપના લેખ સંદર્ભે એક પ્રતિભાવ: કોઈ પણ હિન્દૂ વિચારની વ્યક્તિ હોય તે જ્યારે વસુદેવ કુટુંબ ની ભાવના માં મને છે તે કદાપી કોઈધર્મની વિરુદ્ધ માનવતાની વિરુદ્ધ નથી હોતી.1995 આસપાસની વાત છે, આમારા પાટડી જી.સુરેન્દ્રનગર માં ડો .પ્રવીણભાઈ તોગાડીયાની એક ધર્મસભા હતી,હિન્દુત્વ ના ભાષણો ચાલતા હતાં, બાજરંગદળ ના યુવાનો જોશમાં સૂત્રો પોકારી રહયા હતા ,ત્યારે હોલની બહાર અમારાં ગામનો એક મુસ્લિમ ગરીબ લારીવાળો સભા પતવાની રાહ જોઇ પોતાના પુત્ર ને લઇબેઠો હતો ડૉ.,પ્રવીણભાઈ જેવા બહાર નીકળ્યા તે પગમાં પડી ગયો અને સજળ નયને આભાર માનવા લાગ્યો .જાણવા મળ્યું કે અમારા કોઈ કાર્યકરે ચિઠ્ઠી લખીને થોડા સમય પહેલા તે વ્યક્તિના બાળકની સારવાર માટે અમદાવાદ મોકલેલ,આર્થિક સ્થિતિ જોઈ એક પણ રૂપિયો લીધા સિવાય ડૉ. સાહેબે સારવાર કરી આપેલ જે આજે માત્ર દર્શન કરી આભાર માનવા આવેલ.ડો.સાહેબે ત્યારેકોઈ ધર્મ કે જાતિનો ભેદ રાખ્યા સિવાય કર્તવ્ય બજાવેલ.આ પ્રસંગનો હુસાક્ષી છું.માત્ર બે કે ત્રણ કાર્યકરો સિવાય કોઈને ખબર ન પડીયાને 5 મિનિટની મુલાકાત સહજતાથી પુરી કરી ડો. પ્રવીણભાઈ રવાના થયેલ,ન કોઈ દેખાડો કે દંભ માત્ર માનવ સેવા અને પોતાનું કર્તવ્ય બજાવેલ, ખરેખર આ જ હિન્દૂત્વ ની પરિભાષા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here