રાફેલ, રાહુલ, મનોહર પર્રિકર અને ‘ધ ઍક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’

ગુડ મૉર્નિંગ – સૌરભ શાહ

( મુંબઇ સમાચાર : શુક્રવાર, 1 ફેબ્રુઆરી 2019)

રાહુલ ગાંધીએ હમણાં મનોહર પર્રિકર સાથે જે કર્યું તે નવી નવાઈનું નથી. રાજકારણમાં બદમાશોની આવી પ્રવૃત્તિ જગજૂની છે જેનો દાખલો તમે ઑલરેડી એક્સ પી.એમ.ના સલાહકાર સંજય બારુની કિતાબ પરથી બનેલી એક્સલન્ટ ફિલ્મ ‘ધ ઍક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ (ટીએપીએમ)માં જોઈ ચૂક્યા છો.

મનમોહન સિંહ વડા પ્રધાન હતા ત્યારે કે. ચંદ્રશેખર રાવ નામના આંધ્ર પ્રદેશના રાજકારણી એમને મળ્યા હતા. (ચંદ્રશેખર અત્યારે તેલંગણના સીએમ છે, તે વખતે હજુ તેલંગણ આંધ્રમાંથી છૂટું પડ્યું નહોતું). મનમોહન સિંહ સાથેની મીટિંગ પછી ચંદ્રશેખર રાવે મીડિયાને જૂઠ્ઠું કહ્યું કે મારે પીએમ સાથે તેલંગણ વિશે પણ ચર્ચા થઈ હતી, જેથી તેલંગણવાસીઓમાં પોતાનો ભાવ ઊંચકાય. પીએમના ઍડવાઈઝર સંજય બારુ તે વખતે મીટિંગમાં હાજર હતા. કોઈએ એમને ફોન કરીને પૂછ્યું કે તેલંગણ વિશે શું ચર્ચા થઈ ત્યારે એમણે નક્કી કર્યું કે ચંદ્રશેખર રાવનું આ જુઠ્ઠાણું વધુ ફેલાય નહીં એ માટે પીએમઓ તરફથી ખુલાસો બહાર પાડવો કે આ વિષય પર કોઈ ચર્ચા થઈ જ નહોતી. સ્પષ્ટતા થયા પછી ચંદ્રશેખર ચાટ પડી ગયા. કૉન્ગ્રેસના સાથી પક્ષના નેતા તરીકે એમણે સોનિયા ગાંધીને ફરિયાદ કરી. સોનિયાના કહેવાથી એમની ચરણરજ માથે ચડાવતા વફાદાર સૈનિક અહમદ પટેલે સંજય બારુને રૂબરૂ મળીને ખખડાવ્યા અને કહ્યું કે તમે સ્પષ્ટતા કરી એને લીધે ચંદ્રશેખરને માઠું લાગ્યું છે, રાજકારણમાં આવી બધી વાતો થતી રહેવાની, વળી એ આપણા મિત્રપક્ષના નેતા પણ છે એટલે તમે તમારો ખુલાસો પાછો ખેંચી લો જેથી ચંદ્રશેખર સાચા છે એવું સાબિત થાય. સંજય બારુએ આવું કરવાની ઘસીને ના પાડી દીધી.

દસ વર્ષ કરતાં પણ વધુ વખત વીતી ગયો એ વાતને અને એઝ ઈફ હિસ્ટરી રિપીટ્સ ઈટસેલ્ફ એ સાબિત થતું હોય એમ રાહુલ ગાંધીએ પેલા ચંદ્રશેખર જેવી જ લબાડી મનોહર પર્રિકરને મળીને કરી. મનોહર પર્રિકર જેવા એફિશ્યન્ટ અને પ્રામાણિક રાજકારણીઓ મળવા દુર્લભ છે. ગોવાના સીએમ તરીકે અને પછી મોદી સરકારના સંરક્ષણ મંત્રી તરીકે પર્રિકરે ઊજળો હિસાબ આપ્યો છે. અત્યારે તેઓ ટર્મિનલી ઈલ હોવા છતાં યથાશક્તિ દેશની સેવા કરી રહ્યા છે. રાહુલ ગાંધી વારંવાર કહ્યા કરે છે કે રાફેલ ડીલના ખાનગી દસ્તાવેજો મનોહર પર્રિકર પાસે છે. રાહુલની આ વાત કોઈ માનતું નહોતું. આમેય રાહુલને એમના પક્ષના લોકો સહિત દેશમાં ભાગ્યે જ કોઈ સિરિયસલી લેતું હોય છે. રાહુલે નવી ચાલ ચાલી. બીમાર મનોહર પર્રિકરની તબિયતની ખબર કાઢવાના બહાને રાહુલે એમની સાથે મુલાકાત કરી અને બહાર આવીને મીડિયાને કહ્યું કે મારે મનોહર પર્રિકર સાથે રાફેલ ડીલ વિશે ચર્ચા થઈ! બ્લફમાસ્ટર રાહુલનું આ જુઠ્ઠાણું મનોહર પર્રિકરે એક જાહેર નિવેદન બહાર પાડીને ખુલ્લું કર્યું અને દેશને કહ્યું કે આવી કોઈ ચર્ચા અમારી વચ્ચે થઈ જ નથી.

રાહુલે હવે પોતાનું છેક છેલ્લું વસ્ત્ર પણ ઉતારી નાખ્યું અને કહ્યું કે પર્રિકરે દબાણ હેઠળ આવીને આ નિવેદન બહાર પાડીને મને જુઠ્ઠો સાબિત કરવાની કોશિશ કરી છે.

ભૂલી જાઓ તમે કે તમે કૉન્ગ્રેસને વોટ આપવાના છો કે ભાજપને. સ્વતંત્ર રીતે વિચારો કે શું મનોહર પર્રિકર જેવો માણસ રાહુલ જોડે રાફેલ વિશે ચર્ચા કરવા બેસે? શું મનોહર પર્રિકર જાહેરમાં જુઠ્ઠું બોલે કે મેં રાફેલ વિશે રાહુલ ગાંધી જોડે કોઈ ચર્ચા નથી કરી? તમે રાહુલનો ભૂતકાળ પણ તપાસો અને નક્કી કરો કે આ બંનેમાંથી તમે કોના શબ્દો પર, કોના ચારિત્ર્ય પર અને કોની દાનત પર ભરોસો મૂકશો.

‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ ફિલ્મમાં લેવાયેલી (અને બુકમાં હોય પણ ન લેવાયેલી એવી) બીજી ઘણી વિગતો છે જેના વિશે થોડીક વાતો કરીશું. ‘ઠાકરે’ ફિલ્મની વાત પૂરી કરીએ.

મુંબઈમાં એક જમાનામાં લાલ વાવટાવાળા કમ્યુનિસ્ટોનાં ટ્રેડ યુનિયનોની બોલબાલા હતી. મિલોમાં, ઑફિસોમાં, હૉટેલો અને દુકાનોમાં તેમ જ દરેક બજારોમાં આ લાલ બંદરોએ પગપેસારો કર્યો હતો. છાપાંઓમાં પણ એમના જ ટ્રેડ યુનિયનો રહેતાં. છાપાની એડિટોરિયલ ઓફિસોમાં તો આ લાલભાઈઓ પત્રકારનો અંચળો પહેરીને ઘૂસી જ ગયેલા, પ્રિન્ટિંગ મશીનો ચલાવનારા કામદારોને પણ ડરાવી ધમકાવીને એમણે ટ્રેડ યુનિયનો બનાવીને છાપાના માલિકોના હાથ મરોડવાનું શરૂ કરી દીધેલું. બાળાસાહેબ ઠાકરેની દૂરંદેશીથી આ બધી જ જગ્યાઓએ શિવસેનાનાં ટ્રેડ યુનિયનો સ્થપાયાં. કોઈ કહેશે કે આમાં ફાયદો શું થયો? ઊલમાંથી ચૂલમાં પડ્યા. આ તરફ ખાઈ અને પેલી તરફ વાવ (શિવસેનાનો વાઘ) જેવી પરિસ્થિતિમાં વળી પસંદગી કેવી? હું કહીશ બંને પરિસ્થિતિઓ એક સરખી ખરાબ હોય તો અને શિવસેનાનાં યુનિયનોવાળી પરિસ્થિતિ વધુ ખરાબ હોય તો પણ, કમ્યુનિસ્ટોનું જોર તૂટે એવું તો થવું જ જોઈએ. કારણ કે ઑલ સેઈલ એન્ડ ડન. તે વખતના રશિયા તથા ચીનના ઈશારે નર્તન કરતા સામ્યવાદીઓએ ક્યારેય આ ભારત દેશનું ભલું ઈચ્છયું નથી. તેઓ હંમેશાં ભારત વિરુદ્ધ, ભારતની પ્રજા વિરુદ્ધ કાવતરાં કરતા રહ્યા છે. સામ્યવાદીઓનો ઉદ્દેશ ભારતમાં અરાજકતા ફેલાવવાનો અને ભારતને અસ્તવ્યસ્ત કરી નાખવાનો રહ્યો છે. બાળાસાહેબની શિવસેનાના હૈયે, તમે કંઈ પણ કહો, ભારતનું હિત તો છે, તેઓ રાષ્ટ્રવાદી છે, રાષ્ટ્રપ્રેમી છે. સામ્યવાદી ગુંડાગીરી અને આ લોકોની ગુંડાગીરી વચ્ચે જ જો પસંદગી કરવાની હોય તો હું એક નહીં, એક લાખવાર રાષ્ટ્રપ્રેમીઓની ગુંડાગીરી જ પસંદ કરીશ. પોતાને લિબરલ, પ્રોગ્રેસિવ અને ઈન્ટલેક્ચ્યુઅલ કહેવડાવતા સામ્યવાદીઓ હાથમાં દાતરતું-હથોડાનું પ્રતીક ધરાવતો લાલ ઝંડો લઈને દેખાવો કરે કે પછી છાપાઓમાં ઘૂસીને તંત્રીઓને ધમકાવીને, મૅનેજમેન્ટને ડરાવીને કૉલમો લખવાનું કામ કરે – વસ્તુત: તેઓ ગુંડાઓ જ હતા, ગુંડાઓ જ છે અને ગુંડાઓ જ રહેવાના છે.

બાળાસાહેબે મુંબઈની મિલોને તથા શહેરનાં અનેક ક્ષેત્રોને આ લાલ માકડાઓની ગુંડાગર્દીથી મુક્ત કરવાનું ઘણું મોટું કામ કર્યું તેનો હિસાબ તમને ‘ઠાકરે’ ફિલ્મમાં મળે છે.

‘ઠાકરે’ ફિલ્મનો એક સીન જોતાં જોતાં તમને ‘મુંબઈ સમાચાર’ યાદ આવી જાય. ‘માર્મિક’ સાપ્તાહિક શરૂ કરવા માટે બાળાસાહેબ પાસે પૂરતાં નાણાં નહોતાં. દસ હજાર રૂપિયાની જરૂર હતી પણ પ્રોવિડન્ટ ફન્ડ વગેરેની બચત સાથે આંકડો પાંચ હજાર પર આવીને અટકી જતો હતો (આ વાત ફિલ્મમાં નથી પણ સાહેબના યુ ટ્યુબ પર જોયેલા ઈન્ટરવ્યૂમાં એમણે આ કહેલું. હવે પછીની વાત ફિલ્મમાં છે). બૅન્કમાંથી લોન મળે એમ પણ નહોતું. કહે છે કે ‘તો મી નવ્હેચ’, ‘લગ્ના ચી બેડી’ અને ‘મોરુ ચી માઉશી’ જેવાં સુપરહિટ નાટકોના લેખક તથા વિખ્યાત પત્રકાર-તંત્રી આચાર્ય અત્રેને, જેમણે દૈનિક ‘મરાઠા’ અને સાપ્તાહિક ‘નવયુગ’ જેવાં પ્રકાશનો પણ શરૂ કર્યા હતાં. એમને બૅન્ક પાસેથી 14 લાખ રૂપિયા જેવી માતબર રકમની લોનો મળી હતી. આચાર્ય અત્રે પણ શિવસેના નામનું જ રાજકીય-સામાજિક સંગઠન શરૂ કરવા માગતા હતા એવું કહેવાય છે. ‘માર્મિક’નો પ્રથમ અંક 1967માં મહારાષ્ટ્રના સૌ પ્રથમ મુખ્ય પ્રધાન યશવંતરાવ ચવ્હાણના હસ્તે લોકાર્પણ પામ્યો એ દિવસ યોગાનુયોગ આચાર્ય અત્રેનો પણ જન્મદિવસ હતો અને બાળ ઠાકરેએ પ્રથમ અંકમાં આચાર્ય અત્રેને પ્રેમપૂર્વક યાદ પણ કર્યા હતા. બાળાસાહેબના પિતા, કેશવ ઠાકરે (‘પ્રબોધનકાર’) ‘માર્મિક’ના કાર્યકારી તંત્રી હતા. એમણે સંયુક્ત મહારાષ્ટ્રની ચળવળમાં પણ ભાગ લીધો હતો જેને કારણે યશવંતરાવ સાથે એમના સારા સંબંધ હતા અને એટલે જ યશવંતરાવ પ્રબોધનકારના પુત્રના સાપ્તાહિકનું ઉદ્ઘાટન કરવા આવ્યા હતા.

આચાર્ય અત્રે અને બાળ ઠાકરે વચ્ચેની દૂરી ક્રમશ: વધતી ગઈ તે ત્યાં સુધી કે બાળ ઠાકરેની કૉન્ગ્રેસની સાથેની મૈત્રી વધી ત્યારે આચાર્ય અત્રેએ એમના પેપરમાં લખેલું કે ‘શિવસેના હવે વસંતસેના બની ગઈ છે.’ વસંતસેનાના બે અર્થ થાય. વિખ્યાત સંસ્કૃત નાટક ‘મૃચ્છકટિકમ્’ (જેના પરથી રેખાજીના લીડ રોલમાં ‘ઉત્સવ’ ફિલ્મ બની)ની નાયિકા વસંતસેના છે જે ગણિકા છે. આ ઉપરાંત બીજો અર્થ મહારાષ્ટ્રમાં કૉન્ગ્રેસના મુખ્યમંત્રી વસંતરાવ નાઈક જેઓ 1963થી સળંગ 12 વર્ષ સત્તા પર રહ્યા) સાથે બાળાસાહેબને ખાસ્સી મૈત્રી હતી (બેઉ પાઈપ સ્મોકર પણ હતા). વસંતરાવ નાઈકની નિકટ આવી ગયેલી શિવસેના હવે વસંતસેના બની ગઈ છે આ બીજો અર્થ. આચાર્ય અત્રેની સેન્સ ઓફ હ્યુમર બાળાસાહેબ જેટલી જ પાવરફુલ હતી.

‘માર્મિક’ માટે બીજે કશેથી નાણાંની વ્યવસ્થા ન થઈ એટલે બાળ ઠાકરે અને એમના ભાઈ શ્રીકાન્ત ઠાકરે મુંબઈના એક બહુ મોટા અને ખૂબ જાણીતા ન્યૂઝપેપર – મૅગેઝિનના ડિસ્ટ્રીબ્યુટરની પાસે, જે પ્રબોધનકાર ઠાકરેના મિત્ર પણ હતા, જાય છે. લોકો એમને બુઆના હુલામણા નામથી બોલાવે અને અટક એમની દાંગટ.

વધુ આવતી કાલે.

આજનો વિચાર

મોદીના રાજમાં બેકારી વધી ગઈ છે એ વાત સાચી છે. અગાઉ વડા પ્રધાનપદના પદ માટે બે-ત્રણ ઉમેદવારો રહેતા. હવે પીએમની નોકરી માટે બાવીસ – બાવીસ લોકો પડાપડી કરે છે.

– વૉટ્સએપ પર વાંચેલું

એક મિનિટ!

કાલે એક ભાઈ બકાને ત્યાં ઉઘરાણી કરવા આવ્યા.

વાતવાતમાં અંગ્રેજી તહેવાર અને વ્યવહારનો વાંક કાઢવા માંડ્યા. અંગ્રેજીના સખત વિરોધી.

બકાએ વિરોધ કરતાં કહ્યું કે અમુક બાબતમાં અંગ્રેજી વિના, અંગ્રેજી રીતરસમ વિના ન ચાલે.

પણ તેઓ એકના બે ન થયા.

પછી બકાએ એમને એક ચેક આપ્યો જેમાં આજની તારીખ લખી:

પોષ વદ અગિયારસ, સંવત બે હજાર પાંત્રીસ.

હવે એ ભાઈ આ ચેક સ્વીકારવા તૈયાર નથી, બોલો બકાએ શું કરવું!

2 COMMENTS

  1. મને યાદ છે ત્યા સુધી વિલે પારલે ના પારલે બિસ્કીટ મા લગભગ 45 વર્ષ પહેલા શિવસેના એ ત્યાર ના યુનિયન ને મારામારી કરી પોતાનું યુનિયન લાવયુ હતુ ,
    આનુ પરીણામ લોકોને પસંદ આવેલું

    Hasmukh Gaglani

  2. મુંબઈ સમાચારનું ઓડિટ કર્યુ હોવાથી ખબર છે કે જેમના નામે બુવા દાંગટ ચોક છે એમને કોઈક ન્યુઝપેપર ડિસ્ટ્રીબ્યુટર ની દાદાગીરી તોડવા માટે, મુંબઈ સમાચારના શેઠ લોકોએ સપોર્ટ આપીને ઉભા કર્યા હતા અને એમના દીકરાના અત્યારે પણ મું. સ. સાથે સારા સંબંધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here