ભારતની શિક્ષણ પરંપરા વિશેની ભ્રમણા અને હકીકત: સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ: ફાગણ સુદ આઠમ, વિક્રમ સંવત ૨૦૭૮, ૧૦ માર્ચ ૨૦૨૨)

ભારત પાસે હજારો વર્ષોથી સંચિત થતું આવેલું વિવિધ વિષયોને લગતું એટલું બહોળું જ્ઞાન છે કે દુનિયા આખીનો ઉદ્ધાર એ જ્ઞાન વડે થઈ શક્યો હોત. આયુર્વેદનો જ દાખલો લો. એમાં યોગ-પ્રાણાયામ તેમ જ પ્રાકૃતિક ચિકિત્સા ઉમેરો. ક્યાંય કોઈ પેટન્ટ નહીં અને નવ્વાણું ટકા કિસ્સાઓમાં નહિવત્ ખર્ચો. ઉપરથી ખરાબ આડઅસરોને બદલે શુભ આડઅસરો. એક રોગને સાજો કરવા માટે યોગ-પ્રાણાયામ કરતા હો તેને કારણે તમારા શરીરના બીજા રોગો પણ ઠીક થતા જાય. એલોપથીમાં આનાથી ઊંધું. બકરું કાઢવા જતાં ઊંટ પેસી જાય. પણ અનેક કારણો છે જેને લીધે આયુર્વેદિક ઉપચાર પધ્ધતિને બદલે એલોપથી વધુ પ્રચલિત થઈ, ભારત જેવા ભારતમાં પણ. નુકસાન સમસ્ત માનવ જાતનું થયું. સૌથી મોટો ફાયદો પશ્ચિમી દેશોની માફિયા જેવી ફાર્માસ્યુટિકલ કંપનીઓની લૉબીને થયો જેમને કારણે એ દેશોની સરકારો આર્થિક રીતે સમૃદ્ધ થતી ગઈ અને ભારત જેવાઓને વધુ ને વધુ દબડાવતી ગઈ. હવે જોકે આ પરિસ્થિતિ બદલાઇ રહી છે — સ્વામી રામદેવના અથાગ પ્રયાસોને કારણે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિવિધ રાષ્ટ્રવાદી આર્થિક નીતિઓના પરિણામે.

બખ્તિયાર ખિલજી જેવા કટ્ટરવાદીઓ ભારતની સમૃદ્ધિ લૂંટવા આવ્યા હતા. તમને સવાલ એ થાય કે નાલંદાનાં નેવું લાખ પુસ્તકો-હસ્તપ્રતોને બાળીને બખ્તિયારને શું મળ્યું? સોમનાથ જેવા મંદિરો પર ચડાઈ કરીને સોનું-ચાંદી-રત્નો લૂંટીને મોહમ્મદ ઘોરી પાછો જતો પણ અહીં નાલંદામાં ભૌતિક સમૃદ્ધિ નહોતી, અદ્રશ્ય સમૃદ્ધિ હતી. આજની તારીખે કોઈ ચોર તમારા ઘરમાંથી કિંમતી કાંડા ઘડિયાળ ઉઠાવી જાય અને પોતાને ગામ જઈને પહેરવા માંડે તો બધા માની લે કે આ એનું પોતાનું ઘડિયાળ છે, કમાઈને ખરીદ્યું હશે. પણ તમારી પાસેનું જ્ઞાન છીનવીને એણે દેખાડવું હોય કે આ તો મારું જ્ઞાન છે તો એણે તમારી પાસેનું જ્ઞાન નષ્ટ કરવું પડે. અન્યથા લોકો પુરાવા લઈ આવે કે તેં આ જ્ઞાન અમુક જગ્યાએથી ચોર્યું છે અને તું હવે એને તારા પોતાના જ્ઞાન તરીકે ખપાવે છે.

ઉપવાસ, હળદર, લીમડો વગેરે અનેક બાબતોની ક્રેડિટ વિદેશીઓએ લીધી. હવે તો તેઓ ગૌમૂત્ર તથા છાણની પણ પેટન્ટ કરાવવાની પેરવી કરી રહ્યા છે.

ભારતની સમૃદ્ધિનું એક કારણ એની પ્રજા પાસેનું જ્ઞાન છે. હવે મોટી મુસીબત એ કે સોના-ચાંદીની જેમ તમે આ જ્ઞાનને કેવી રીતે લૂંટો

પણ બખ્તિયાર ખીલજીને પોતાના કે પોતાના ધર્મના જ્ઞાનમાં ઉમેરો કરવાની કોઈ પડી નહોતી. એના માટે તો સઘળુંય જ્ઞાન એક જ કિતાબમાં સમાઈ જતું હતું – કુર્રાનમાં. એને ભારતની પ્રજા પર આધિપત્ય જમાવવા માટે મોકલવામાં આવ્યો હતો. એને ખબર હતી કે ભારતની સમૃદ્ધિનું એક કારણ એની પ્રજા પાસેનું જ્ઞાન છે. હવે મોટી મુસીબત એ કે સોના-ચાંદીની જેમ તમે આ જ્ઞાનને કેવી રીતે લૂંટો. કલ્પના કરો કે નાલંદાના કર્તાહર્તાઓએ બખ્તિયારના સૈન્યની શરણાગતિ સ્વીકારીને કહ્યું હોત કે આ નેવું લાખનો જ્ઞાનભંડાર નષ્ટ કરવાને બદલે તમે એને તમારી સાથે લઈ જાઓ, પેકિંગ‐ફૉરવર્ડિંગની સઘળી જવાબદારી અમારી, તો શું એણે એ વિનંતી માન્ય રાખી હોત? એ કે એના આકાઓ માટે તો આ બધું ભેંસ આગળ ભાગવત જેવું હતું.

બખ્તિયાર ખિલજીમાં જો દીર્ઘદ્રષ્ટિ હોત તો એણે નાલંદાનાં તમામ પુસ્તકાલયોનો ખજાનો બાળવાને બદલે લૂંટી લીધો હોત અને દસ હજાર વિદ્યાર્થીઓ તથા બે હજાર જેટલા આચાર્યો-અધ્યાપકોને રહેંસી નાખવાને બદલે એમને બંદી બનાવીને પોતાની સાથે લઈ ગયો હોત અને આયુર્વેદથી માંડીને ખગોળવિદ્યા, સ્થાપત્યવિદ્યા જેવી ડઝનબંધ વિદ્યાશાખાઓના જ્ઞાનનો ઉપયોગ કરીને પોતાના જાતભાઈઓને સમૃદ્ધિનો માર્ગ ચીંધી શક્યો હોત (જોકે, એટલી લાંબી અક્કલ એ ભાઈમાં હોત તો તે આજે ‘ન્યુઝપ્રેમી’ ન ચલાવતો હોત!).

જે જ્ઞાન પોતાના માટે કશા કામનું નથી તે જ્ઞાનથી અન્ય કોઈ શું કામ સમૃદ્ધ થાય એવું વિચારીને બખ્તિયાર ખિલજીએ નાલંદાનો સર્વનાશ કર્યો. વિચાર કરો કે આટલો મોટો જ્ઞાનભંડાર નષ્ટ પામ્યા પછી પણ આજની તારીખે આપણે વેદ-ઉપનિષદોમાંના ધર્મઅધ્યાત્મના જ્ઞાનથી, આયુર્વેદ તથા અન્ય વિદ્યાઓના જીવનજ્ઞાનથી આટલા સમૃદ્ધ છીએ તો એ ભંડારો સચવાયા હોત તો આજે આપણે ક્યાંના ક્યાં આગળ નીકળી ગયા હોત.

નાલંદા અને ભારતની શિક્ષણપ્રથાની વાત નીકળી જ છે તો એમાં થોડા વધુ ઊંડા ઊતરીએ. ભારતીય શિક્ષણ પરંપરાએ ક્યારેય જ્ઞાન પર ઇજારો રાખ્યો નથી. કૉપીરાઇટ, પેટન્ટ કે ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ વગેરે તો પશ્ચિમી સંસ્કૃતિની પેદાશ છે.

વખતે પણ એન્ટ્રન્સ ટેસ્ટ જેવું કંઈક હશે અને પ્રવેશ પરીક્ષામાં સફળ નહીં થનારાઓ તે જમાનામાં પણ અમુક લોકોની ચડામણીથી ગુરુકુળની ઉત્તમ પ્રથા પર કાદવ ઉછાળતા હશે

એક પ્રચલિત લોકવાયકા (જે એકલવ્યને કારણે દ્રઢ થતી ગઈ) એ છે કે આપણે ત્યાં જ્ઞાન પર બ્રાહ્મણોનો જ ઇજારો હતો. આ માન્યતા દ્રઢ કરવામાં હિન્દુ સંસ્કૃતિના વિરોધીઓનો ઘણો મોટો ફાળો છે. મહાભારતમાંની એકલવ્યની કથા મૂળ કંઈક જુદી હોઈ શકે છે. ઉપરાંત એ જમાનામાં લેખન પદ્ધતિનો કે લિપિનો આવિષ્કાર નહોતો થયો. ગુરુ બોલતા જાય, શિષ્યો સાંભળીને યાદ રાખતા જાય, વખત જતાં આ શિષ્યો જ્યારે ગુરુ બનીને બીજાઓને શીખવાડે ત્યારે શિષ્યોનો નવો ફાલ શીખે – આ રીતે અધ્યાપન કાર્ય ચાલતું. આને લીધે ઉચ્ચારશુદ્ધિ ઘણી મહત્ત્વની બની જતી. જેઓને ઉચ્ચારના લોચા હોય એમને જ્ઞાન આપવાનો કોઈ અર્થ નહીં સરે એવી માન્યતાને કારણે સમાજના કેટલાક લોકોને ભણવા-ભણાવવાથી દૂર રાખવામાં આવતા હોઈ શકે. સંસ્કૃતમાં શ, ષ, સનું જ નહીં દરેક મૂળાક્ષરના ઉચ્ચારનું ઘણું મહત્ત્વ છે. ‘જ્ઞાન’નો આપણે ‘ગ્ન્યાન’ જેવો ઉચ્ચાર કરીએ છીએ જ્યારે ઉત્તર ભારતીયો ‘ગ્યાન’ કહે છે પરંતુ સંસ્કૃતમાં ‘જ્યાન’ જેવો ઉચ્ચાર થાય. ‘યજ્ઞ’નો ઉચ્ચાર ‘યજ્‌ય’ થાય. આ ખોડા જ જેવી સંજ્ઞા પણ ખોટી છે, મૂળ તો કક્કામાં ચ, છ, જ, ઝ પછી જે અક્ષર આવતો ( ઞ) તે આ અક્ષર છે જે સાવ ભૂંસાઈ ગયો છે. આજની તારીખે ‘હૃદય’ અને ‘ઋષિકેશ’ આ બેઉ શબ્દના પહેલા અક્ષરના ઉચ્ચારમાં તફાવત છે પણ આપણે બેઉના ઉચ્ચાર ‘રુદય’ અને ‘રુશિકેશ’ કે ‘રિશિકેશ’ કરીએ છીએ. હ્રસ્વ ઇ અને દીર્ઘ ઈ તથા ઉ-ઊના ઉચ્ચારોના ભેદ વિના સંસ્કૃતના છંદો નકામા થઈ જાય (અને વિચાર કરો કે વચ્ચે એક સામ્યવાદી ટોળકી ગુજરાતીમાં એક-ઇ તથા એક ઉ-નો ઉપાડો લઈને બેઠી હતી).

સમાજનો અમુક જ વર્ગ સંસ્કૃતનો અભ્યાસ કરે અને બાકીના વર્ગો સમાજોપયોગી અન્ય કામોમાં જોતરાય એવી સમાજવ્યવસ્થા જાણી જોઈને કરવામાં આવી હશે. સાથોસાથ આજની જેમ એ વખતે પણ એન્ટ્રન્સ ટેસ્ટ જેવું કંઈક હશે અને પ્રવેશ પરીક્ષામાં સફળ નહીં થનારાઓ તે જમાનામાં પણ અમુક લોકોની ચડામણીથી ગુરુકુળની ઉત્તમ પ્રથા પર કાદવ ઉછાળતા હશે.

બીજું કેવું છે કે આજના સમયમાં પણ આપણે જોયું છે કે સમાજમાં અલગ પ્રકારની વર્ણ વ્યવસ્થા છે— અમુક લોકો બિઝનેસવાળા છે, અમુક ટ્રેડિંગ કે કમિશન કે દલાલીનું કામ કરનારા છે, એક વર્ગ પોતાની પ્રોફેશનલ પ્રેક્ટિસ કરનારાઓનો છે — ડૉક્ટર , સીએ, આર્કિટેક્ટ, ટેક્સ કન્સલ્ટન્ટ વગેરે. એક વર્ગ કૉર્પોરેટ જગતમાં અનુભવ લઈને એનાં વિવિધ પગથિયાં ચડીને આગળ વધનારો છે. એક વર્ગ સરકારી કે અર્ધ સરકારી વિભાગોમાં નોકરી કરનારાઓનો છે. તો એક વર્ગ નોકરી કરવી પણ ક્યારેય સરકારી નોકરી ન કરવી, પ્રાઈવેટમાં જ રહેવું — એવું માનનારો છે.

આ બધાને આપણે વિવિધ વર્ણના લોકો ગણીએ. તો આ બધા શું એમના જન્મને કારણે એ વર્ણના છે? ના. આ સૌએ આજીવિકા મેળવવા જે કામ પસંદ કર્યું છે તેને કારણે તેઓને આપણે એ વર્ણમાં મૂકતા થયા — ઓળખની સગવડ ખાતર લેબલ લગાડીએ છીએ કે આ ગવર્નમેન્ટ સર્વન્ટ છે કે આ કૉર્પોરેટ સેક્ટરમાં છે વગેરે. તો આ જ રીતે એ જમાનામાં લોકો જ્યાંથી આજીવિકા કમાતા એ વર્ણના ગણાતા, નહીં કે અમુક વર્ણમાં જન્મ લીધો એટલે માણસ એ વર્ણનો ગણાતો થઈ ગયો. આ સિવાય આજે જેમ ક્યાંક ક્યાંક જોવા મળે કે એક્ટરનો દીકરો એક્ટર બની જાય કે પછી ડૉક્ટરનો દીકરો ડૉક્ટર બને કે આઈએએસનો દીકરો સિવિલ સર્વિસમાં જાય એવું તે જમાનામાં પણ અમુક કિસ્સાઓમાં બનવાનું જ.

ઉપરાંત, એવા પણ અગણિત કિસ્સાઓ હશે જેમાં બ્રાહ્મણ જાતિના ન હોય એવા વિદ્યાર્થીઓ સંસ્કૃતમાં પારંગત થઈને ઋષિ-મુનિ બન્યા હશે અને અદ્‌ભુત ધર્મ-અધ્યાત્મના ગ્રંથોના રચયિતા બન્યા હશે. વેદ-ઉપનિષદોના રચયિતાઓનાં નામ આપણને ક્યાં ખબર જ છે કે આપણે છાતી ઠોકીને પુરવાર કરી શકીએ કે આ ઉત્તમ ગ્રંથો માત્ર એક જ વર્ણ કે એક વર્ગના લોકોએ રચ્યા.

સૌથી ઊડીને આંખે વળગે એવો દાખલો મહર્ષિ વાલ્મીકિનો છે. શુદ્ર જાતિના વાલિયા લૂંટારામાંથી વાલ્મીકિ બનેલા રામાયણના મહાન સર્જક ક્યાં બ્રાહ્મણ હતા? માછીમારની પુત્રી સત્યવતિની કૂખે જન્મેલા વેદ વ્યાસે મહાભારત (અને ગીતા)ની રચના કરી.

પણ કેટલીક વાતો આપણા દિમાગમાં એવી ફિટ કરી દેવામાં આવી છે કે હજુય હટતી નથી.

ભારત નિ:શંકપણે દુનિયાની સંસ્કૃતિનું પારણું હતું. વિશ્વમાં સૌથી પહેલી સભ્યતાનો, સંસ્કારનો આવિષ્કાર આપણી ભૂમિ પર થયો અને એનું કારણ હતું ગુરુકુળ પ્રથા જે ક્રમશઃ વિકાસ પામતી ગઈ અને સહસ્રાબ્દિઓ બાદ નાલંદા વિશ્વમહાવિદ્યાલયરૂપે આવિષ્કાર પામી.

વધુ આવતી કાલે.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

9 COMMENTS

  1. સરસ લેખ. પણ એક હકીકત એ પણ છે કે બ્રાહ્મણો એ પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા કે વઘારવા સઘળા પ્રયત્નો કર્યા હતા.
    એટલે ૨૬૦૦ વર્ષ પહેલા લાખો લોકો જૈન અને બૌદ્ધ ધર્મ તરફ વળ્યા હતા.

  2. ગીતામાં એક સ્લોકમાં સ્પષ્ટ કહ્યું છે કે ગુણને આધારે જ્ઞાતિ છે એટલેકે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર એ એક માત્ર ગુણના આધારે ડિવિઝન ઓફ લેબર છે આ ચાર મુખ્ય વર્ણ અને એમાં પેટા વર્ણ આમ કોઈ સેવક ધીમે ધીમે સુપરવાઈઝર થાય ઓફિસર થાય અને મેનેજર પણ થાય અને સીઈઓ પણ થઇ શકે તમામ વૈશ્ય પહેલા નાના મોટા કામ જાતે કરતા આગળ ધંધામાં વધે છે ગુરુકૂળમાં પણ આશ્રમની સફાઈથી દિવસની શરૂઆત વિદ્યાર્થીઓ કરે છે અને ભિક્ષા પણ માંગવા જાય છે આમ મુનિશ્રી વ્યાસ દરમ્યાન જ્ઞાતિ પ્રથા અમલમાં આવી કારણકે દરેક વ્યવસાયિક પોતાના વ્યવસાયને સ્નાતાનોને વારસામાં મુકતા ગયા અને મનુએ કુટુંબ વ્યવસ્થા બનાવી એમાં કર્તાનો રોલ સ્પષ્ટ કર્યો કર્તા એટલે કુટુંબનો અને વ્યવસાયનો કુટુંબનો વડીલ એની નિમણુંક પણ ગુણ અને કુશળતા ને આધારે થાય પરંતુ જયારે નિમણુંક ના થઇ હોય ત્યારે ઉંમરમાં સૌથી મોટાને પ્રથમ પસંદગી એમ મનુએ કહ્યું અને વારસદારો એ એ માનીને સ્વીકારી લીધું મહાભારતમાં યુધિષ્ટિર શા માટે રાજા પદ માટે સ્વીકૃત છે અને દુર્યોધન નથી એ વિદુર સ્પષ્ટ જણાવે છે

  3. મને ખીલજી ની સમજણ વિશે શંકા થાય છે. જો તેનામાં થોડી પણ બુદ્ધિ હોત તો નાલંદા નું સંચાલન પોતાના હાથમાં લઈ લીધુ હોત. તેનું વ્યાપારીકરણ કરીને કરોડો રૂપિયા કમાયો હોત.પણ તેણે તો સોનાના ઈંડા આપતી મરઘી ને જ મારી નાંખી. વાંક આપણો પણ કહેવાય, નાલંદા ની સુરક્ષા માટે કોઇ વ્યવસ્થા જ ન કરી.

  4. અહા!! પશ્વિમની વ્યવસાયલક્ષી શિક્ષણ પ્રણાલી કરતા ભારતવર્ષની ઘડતરલક્ષી શિક્ષણપ્રણાલી કેટલી સમૃદ્ધ હતી તેની ઝાંખી કરાવી દીધી….. 🙂

    મનૃસ્મૃતિની વર્ણવ્યસ્થા બાબતની મારી મુંજવણ દુર કરતા હોવ તેમ ઉદાહરણ સહિત આપે કર્મવ્યવસ્થા સમજાવી….. 🙂

    આ બધી ઉત્તમપ્રથાઓને રદ્દી ગણી ભારતમાં જ હિંદુના મહોરા પહેરીને ફરતા ખીલજી જેવાઓ પર આપના આકરા પ્રહારો હિંમ્મતેબલ અને દાદેમિલાદ છે….

    આજે હિંદુ જાગી રહ્યો છે તેમાં આપ જેવા તજજ્ઞોની હિંદુધર્મની ભેળસેળો જુદી તારવી હિંદુઓને ઊર્જાપ્રદ જ્ઞાન પ્રદાન કરવાની મહેનત અને ખેવનાનો બહુ મોટો ફાળો છે…. 🙂

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here