‘એ જિંદગી ગલે લગા લે’

રવિવારની, ગઈકાલની સાંજ મુંબઈગરાઓ માટે જરા જુદી હતી. મુંબઈના હાર્દસમો વિસ્તાર જેના નામે ઓળખાય છે તે રૉયલ ઑપેરા હાઉસમાં પ્રથમવાર ગુજરાતી ભાષા બોલાવાની હતી. પૃથ્વીરાજ કપૂર સહિત અનેક દિગ્ગજ કળાકારો જેના રંગમંચ પર નાટક ભજવતા એ ઑપેરા હાઉસ પાછળથી હિંદી ફિલ્મોનું થિયેટર બન્યું. ‘દો રાસ્તે’ સહિતની અનેક ફિલ્મોેએ ત્યાં સિલ્વર કે ગોલ્ડન જ્યુબિલીઓ કરી. છેલ્લા ઘણા સમયથી બંધ પડેલું આ થિયેટર સંપૂર્ણ રિસ્ટોરેશન પછી પહેલાં કરતાં વધુ ભવ્યતા ધારણ કરતું થયું છે. એનો માહોલ-એનું ઍમ્બિયન્સ, એના અશર્સનો વિવેક, એનું ઑડિયન્સ— આ બધું જ રૉયલ ઑપેરા હાઉસને પ્રીમિયમ બનાવે છે. ટિકિટોના રેટ પણ વાજબી રીતે જ પ્રીમિયમ છે.

આવા મોંઘા દરની ટિકિટો લઈને મુંબઈના ગુજરાતીઓએ ગઈ કાલની સાંજ કાજલ ઓઝા વૈદ્યના નામે લખી દીધી હતી. થિયેટરની બાલ્કની સહિત એકેએક સીટ પર ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી ભાષાના ચાહકોને જોઈને તમને થાય કે કોણ કહે છે કે ગુજરાતી ભાષા મરવા પડી છે.

‘એ જિંદગી ગલે લગા લે’ શરૂથી અંત સુધી નિતાંત કાજલનો શો છે. એમની વાણી, એમની પ્રેઝન્સ અને એમના વિચારો પ્રેક્ષકોને એક નવા જ જગતમાં ખેંચી જાય છે. દુનિયાના લાખો-કરોડો ગુજરાતી વાચકોનાં મન જેમણે જીતી લીધાં છે એવાં કાજલ ઓઝા વૈદ્ય આ શોમાં, હિંદી સિનેમાનાં આયકોનિક ગીતોને આંગળીએ વળગાડીને આપણને એક એવી સૃષ્ટિનો પરિચય કરાવે છે જે આપણી સાથે જ હોવા છતાં, આપણે એનાથી વિખૂટા પડતા જઈએ છીએ— જિંદગી.

હળવી શૈલીમાં, રમતિયાળ અંદાજમાં અત્યંત ઊંડાણભરી વાતો કહેતાં કાજલના દરેક શબ્દને ઑડિયન્સ પિન ડ્રોપ સાયલન્સમાં આત્મસાત કરતું અને જેવી વાત પૂરી થાય કે તરત જ તાળીઓના પ્રચંડ ગડગડાટથી કે નિર્મળ હાસ્યની છોળોથી વધાવી લેતું. નવનિર્મિત રૉયલ ઑપેરા હાઉસની દીવાલોએ પ્રેક્ષકો/શ્રોતાજનો સાથેનું તાદાત્મ્ય આ હદે પહેલીવાર વિટનેસ કર્યું હશે.

ગુજરાતી રંગભૂમિના ટેલેન્ટેડ દિગ્દર્શક-અભિનેતા વિરલ રાચ્છ અને જાણીતામાનીતા તથા સાહસિક નિર્માતાઓ કૌસ્તુભ ત્રિવેદી અને સંજય ગોરડિયાએ આવો શો કરવાનું બીડું ઝડપીને રિસ્ક ઉઠાવ્યું જે એમને ફળી રહ્યું છે. કાજલ સહિતના આ સૌ કોઈની તિજોરીઓ છલકાઈ રહી છે.

મુંબઈમાં, ગુજરાતમાં અને જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં ભારતમાં બધે જ આ શોના પોસ્ટરો લાગી ચૂક્યાં છે. પોસ્ટરોની સાથે હાઉસફુલનાં બોર્ડ પણ. ડિસેમ્બરની બીજી તારીખે બૅન્ગલોરમાં એક જ દિવસમાં બે શોઝ છે.

કાજલ ઓઝા વૈદ્યે આ શો દરમ્યાન કહેલી અગણિત યાદગાર વાતોમાંની માત્ર એકને જ ક્વોટ કરું છું, બાકીની તમે જોઈ લેશો. જિંદગીમાં ખોટી જીદ કરવાને બદલે નમતું જોખીને આગળ વઘી જવાની વાત કાજલે એમના ખૂબસૂરત અંદાજમાં કહી. એમણે કહ્યું: દોરડાખેંચની રમતમાં જે વ્યક્તિ જિદ કરીને દોરડું પકડી રાખે એની હથેળી છોલાઈ જાય, અને જે છોડી દે તે સામેવાળાને પાડી દે!

રાત્રે શો પૂરો થયા પછી ક્રીમ સેન્ટરના નાચોઝ અને છોેલે ભટૂરે અને ચોપાટીની મલાઈ કુલ્ફીનો પ્રોગ્રામ મોડી રાત સુધી ચાલ્યો.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here