નેગૅટિવ લાગણીઓ સાથે કેવી રીતે પનારો પાડવો

લાઉડમાઉથ : સૌરભ શાહ

‘સંદેશ’, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, બુધવાર, ૮ જાન્યુઆરી ૨૦૨૦

પોઝિટિવ લાગણીઓની જેમ નેગૅટિવ લાગણીઓ પણ ક્યાં, ક્યારે અને કેટલી ઠાલવવી તે સમજવું જરૂરી છે.

જીવવા માટે બેઉ પ્રકારની લાગણીઓ જરૂરી છે. પોઝિટિવ જેમ કે પ્રેમ, આદર, દયા વગેરે લાગણીઓ જરૂરી છે એની તો સૌ કોઈને ખબર છે. પણ ગુસ્સો, ઈર્ષ્યા, સ્વાર્થ વગેરે જેવી નેગૅટિવ ગણાતી લાગણીઓ પણ હોવી જોઈએ. કશુંક ખોટું થતું હોય ત્યારે ગુસ્સો આવવો જ જોઈએ. તો જ એ ખોટાને તમે અટકાવવા માટે પ્રયત્નો કરશો. કોઈની પાસે તમારી પાસે જે નથી તે જોઈને ઈર્ષ્યા થવી જ જોઈએ. તો જ તમે જ્યાં છો એનાથી બે ડગલાં આગળ વધવાના પ્રયત્નો કરશો. સ્વાર્થ નહીં હોય તો તમે તમારી પોતાની જિંદગીને રઝળતી કરી નાખશો અને પરિણામે તમારા આશ્રિતોની, તમને ચાહનારાઓની જિંદગી ખરાબે ચડી જશે.

પણ આ નેગૅટિવ લાગણીઓની અભિવ્યક્તિ જ્યાં ત્યાં ન થવી જોઈએ. પોઝિટિવ લાગણીઓ કસમયે કે કુપાત્રે ઠલવાય ત્યારે જેટલાં માઠાં પરિણામો ભોગવવા પડે એનાં કરતાં નેગૅટિવ લાગણીઓ કસમયે પ્રગટ થાય, ખોટી વ્યક્તિ સમક્ષ પ્રગટ થાય ત્યારે વધારે નુકસાન ભોગવવું પડે.

ગુસ્સામાં ન કહેવાનું કહેવાઈ જાય ત્યારે જિંદગી આખી સમસમીને બેસી રહેવું પડે. તિરાડ પડી ગયેલું મન ક્યારેય ફરી પાછું સાંધી શકાતું નથી એવી કહેવત તો આપણામાં ઘણી જૂની છે. મોતી ભાંગ્યું વીંધતાં, મન ભાંગ્યું કવેણ; ઘોડો ભાંગ્યો ખેડતાં, એને નહીં સાંધો નહીં રેણ.

સ્વજન સામે પ્રગટ થતા ક્રોધ કરતાં પણ વધારે નુકસાન દુર્જન સમક્ષ પ્રગટ થતા ક્રોધનું આવતું હોય છે. આવેશમાં કહી દીધેલા અપશબ્દો તમારું જિંદગીભરનું નુકસાન કરી જતા હોય છે. કશુંક ખોટું થઈ રહ્યું હોય ત્યારે ગુસ્સો આવે એ સ્વાભાવિક છે અને આવવો જ જોઈએ. પણ આ ગુસ્સાને એક સિગ્નલ ગણવાનું હોય. ઍલાર્મ ગણવાનું હોય. તમારી મનગમતી પરિસ્થિતિ નથી સર્જાઈ રહી એની ચેતવણી ગણવાની હોય. આવા સમયે ક્રોધ પ્રગટ કરીને પરિસ્થિતિને વધારે વણસાવવાની ન હોય. એ પ્રતિકૂળ પરિસ્થિતિને અનુકૂળ બનાવવા માટેનાં ઉતાવળિયાં પગલાં આપણે ક્રોધ પ્રગટ કરીને લેતા હોઈએ છીએ. આને લીધે પરિસ્થિતિ સુધરતી નથી કે યથાવત્‌ પણ નથી રહેતી, બગડતી હોય છે. ગુસ્સો ક્યારે પ્રગટ કરવો, ક્યા સંજોગોમાં અને કેવી રીતે પ્રગટ કરવો, કોની આગળ પ્રગટ કરવો અને કોની આગળ નહીં અને કેટલો પ્રગટ કરવો તેનું એક આખું શાસ્ત્ર છે. ન હોય તો લખાવું જોઈએ.

આપણે માનતા આવ્યા છીએ કે આપણાથી વધુ પાવરફુલ વ્યક્તિઓ આગળ ગુસ્સો પ્રગટ નહીં કરવાનો. સાચી વાત છે. આપણાથી વધુ તાકાત-સત્તા-વગ જેમની પાસે છે તે આપણું બગાડી શકે એમ છે એનું આપણને ભાન હોય તે સારી જ વાત છે. પણ આપણાથી દરેક વાતે નિમ્ન હોય એવી વ્યક્તિ આપણું વધારે બગાડી શકતી હોય છે. કારણ કે એની પાસે ગુમાવવા જેટલું, તમારી પાસે હોય એટલું, નથી હોતું.. ઊલટાનું ઓછા તાકાતવાળાની વહારે વધારે લોકો ધાશે. એને વધુ સિમ્પથી મળશે. આ સહાનુભૂતિ એને તમારા કરતાં ખૂબ તાકાતવાન બનાવશે. તમારાથી ‘નાનાઓ’ આગળ ક્રોધે ભરાતાં તો ખાસ ધ્યાન રાખવું.

જેની આગળ ગુસ્સે થવું હોય એની આગળ જ થવું, કોઈ ત્રીજી વ્યક્તિની હાજરીમાં નહીં. ત્રીજી વ્યક્તિની હાજરીને કારણે અપમાન બેવડાઈ જતું હોય છે. કોઈની સમક્ષ જાહેરમાં ગુસ્સો વ્યક્ત કરીએ છીએ ત્યારે એ અપમાન અનેકગણું થઈ જતું હોય છે.

ગુસ્સાની જેમ ઈર્ષ્યા પણ એક સ્વાભાવિક નેગૅટિવ લાગણી છે. તમારા પડોશી પાસે નવી કાર આવે એટલે તમને પણ તમારી જૂની કાર વેચીને પાડોશી કરતાં પણ વધારે સારી કાર ખરીદવાનું મન થાય એ સ્વાભાવિક છે. તમારી ત્રેવડ હોય તો તમે એવું કરી શકો. ન હોય તો વધુ કમાવાના રસ્તા શોધી શકો. એ પણ શક્ય ન હોય તો શું કરશો? ઈર્ષ્યા વ્યક્ત કરવા પડોશીની નવી કારનો કાચ તોડી નાખશો? અને ક્યાંક એવું બન્યું કે પડોશીનાં લગ્ન થયાં અને તમારી પત્ની કરતાં વધારે રૂપાળી પત્ની લઈ આવ્યો તો શું કરશો?

ઈર્ષ્યાની અભિવ્યક્તિ નથી થઈ શકતી ત્યારે માણસ ધૂંધવાય છે અને ન કરવાનું કરી બેસે છે. ઈર્ષ્યા જેવું જ ગુસ્સાનું છે. ગુસ્સો વ્યક્ત ન થઈ શકે ત્યારે માણસ સમસમીને બેસી રહે છે.

સમજવાની વાત એ છે કે શું આ જિંદગી ધૂંધવાઈને કે સમસમીને બેસી રહેવા માટે છે? આપણી ઍનર્જી, આપણો સમય આ રીતે વેડફી નાખવા માટે છે? નકારાત્મક લાગણીઓ જન્મે અને મનમાં ઉછળ્યા કરે એ સ્વાભાવિક છે એટલું સ્વીકારી લેવાનું અને પછી સમજવાનું કે આ લાગણીઓની અભિવ્યક્તિ આપણા માટે નુકસાનકારક હોય છે. ધીમે ધીમે સમજાતું જશે કે આવી લાગણીઓ જન્મે એ પોતે જ નુકસાનકારક પ્રક્રિયા છે.

તો શું કરવું એ જન્મે જ નહીં એ માટે? સહેલું નથી પણ શક્ય તો છે જ. કેવી રીતે?

પહેલી વાત તો એ કે નેગૅટિવ લાગણી જન્મે એ સ્વાભાવિક છે એવું મનમાં ઠસાવી દેવું. કોઈ પણ પ્રકારની નેગૅટિવ લાગણીની વાત છે. કોઈ પણ પ્રકારની, સમજ્યા? જો આટલું નહીં સ્વીકારો તો દંભી બની જશો અને એ પણ બીજાની આગળ દેખાડો કરનાર જ નહીં, જાતની આગળ દેખાડો કરનાર દંભી બની જશો, જાતને છેતરતા થઈ જશો.

એ પછી નક્કી કરવાનું કે આ નેગૅટિવ લાગણીઓ જન્મે એવી તરત જ વ્યક્ત થવા નથી દેવી. વ્યક્ત નથી જ કરવી એવું નહીં વિચારવાનું. વ્યક્ત તો કરવી છે પણ અત્યારે નહીં – એટલું જ નક્કી કરવાનું છે. આટલું નક્કી કરીશું અને થોડીક પળ, થોડાક કલાક, થોડાક પ્રહર, એક દિવસ, એક અઠવાડિયું વીતશે એટલે મોટાભાગની નેગૅટિવ લાગણીઓ આપોઆપ ઓગળી જશે. (જુદી જુદી નેગૅટિવ લાગણીઓને ઓગળી જવા માટે જુદો જુદો સમય લાગતો હોય છે – કોઈને એક સેકન્ડ તો કોઈને એક મિનિટ તો કોઈ કોઈને એક અઠવાડિયું).

જે નેગૅટિવ લાગણી વ્યક્ત કરવાનું નક્કી કર્યું છે પણ અઠવાડિયા પછીય ઓગળી નથી એનું શું કરવું? એને કોઈ ત્રીજી વ્યક્તિ આગળ જઈને ઠાલવવી. પત્નીને કહેવું કે મને તારા ભાઈનું ગળું દબાવી દેવાનું મન થાય છે (અરે ભાઈ, મજાક છે સાચેસાચ એવું કરવા જશો અને પત્નીએ આ લેખ નહીં વાંચ્યો હોય તો એ પોતાની નેગૅટિવ લાગણીને તાત્કાલિક વ્યક્ત કરીને તમારું ક્રેડિટ કાર્ડ લઈને શૉપિંગ કરવા ઉપડી જશે).

તમારા કોઈ મિત્ર, સ્વજન કે હમદર્દ અથવા તો પછી તમારા વિશ્વાસુ સાયકિઆટ્રિસ્ટ પાસે જઈને તમારામાંથી હજુય નાશ ન પામી હોય એવી નકારાત્મક લાગણીઓ ઠાલવી શકાય (એ માટે કોઈ દવા-ગોળી-ટેબ્લેટ લેવાની જરૂર નથી. એ ચક્કરમાં પડ્યા તો આખી જિંદગી પરવશ બની જશો અને મહામૂલી લાઈફને વેરવિખેર કરી નાખશો).

આમ છતાં તમારામાં જો પેલી નેગૅટિવ પ્રકારની લાગણી જડ ઘાલીને બેસી જ રહી હોય તો હવે સમય થઈ ગયો છે એને બહાર કાઢવાનો. બહાર કાઢતાં પહેલાં એનાં પરિણામોનો વિચાર કરી લેવાનો. (કોઈનું ખૂન કરવાનું મન હોય તો ઈન્ડિયન પીનલ કોડનો અભ્યાસ કરી લેવાનો. આખું થોથું નહીં વાંચો અને ખાલી કલમ ૩૦૨ વાંચી જશો તો પણ ચાલશે).

સમજવાનું એટલું જ છે કે જેમ પોઝિટિવ લાગણી પ્રગટ કર્યા પછી એનું પરિણામ આવવાનું જ છે. એમ નેગૅટિવ લાગણીઓ પ્રગટ કર્યા પછી પણ એનું પરિણામ, વહેલું કે મોડું, આવવાનું જ છે. જો એ પરિણામ સહન કરવાની તાકાત ન હોય તો કૃપા કરીને એવી લાગણીઓ પ્રગટ કરવાને બદલે એને મનમાં જ સાચવીને જીવતાં શીખી જાઓ.

સાયલન્સ પ્લીઝ!

મેઘધનુષના રંગ માણવા હશે તો વરસાદને માણવાની તૈયારી પણ રાખવી પડશે.

–અજ્ઞાત

4 COMMENTS

  1. TV social media ને સંભાળી ને વાપરવું નહીં તો નેગેટિવ લાગણી આવી જાય છે. સરસ બહુજ સરસ

  2. Vinay sir,
    I loved this article… Reality with a tinge of humor made it an interesting read
    Thanks once again

  3. Yes, sir very nicely explained.

    If we express anger it will give diabetes to opponent and if we suppress anger it will increase our blood pressure, so how to be with anger or other negative feelings.

    Sir I am regularly using one beautiful process called CATHARSES PROCESS, and I benefitted a lot please Google it and write one more beautiful article on it, it’s my request

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here