વિશ્વ પુસ્તક દિવસે અમારા ઘરે શું આવ્યું : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ : ન્યુઝપ્રેમી.કૉમ, સોમવાર ૨૪ એપ્રિલ ૨૦૨૩)

મારા ઘરના સ્ટડીરૂમમાં એક વ્યવસ્થિત લાયબ્રેરી તો છે જ જેની બધી બુક શેલ્ફ ત્રીસેક વરસ જૂની છે અને હજુ બીજાં એટલાં જ વર્ષ ખેંચી કાઢે એવી મજબૂત છે. પણ એ સિવાય ઘરમાં , સ્ટોર રૂમમાં, બીજાં એટલાં બધાં પુસ્તકો આડા-અવળાં, ઢગલારૂપે , જ્યાંત્યાં છે કે જરૂર પડે ને શોધવા બેસો તો કંટાળીને થાકી જાઓ. જોઈતું પુસ્તક તમારી પાસે છે છતાં અણીને ટાંકણે હાથવગું ન હોચ ત્યારે ભારે ફ્રસ્ટ્રેટ થઈ જાઓ, અલમોસ્ટ ડિપ્રેશનમાં સરી પડવા જેવું થાય.

આ પ્રોબ્લેમના નિરાકરણ માટે થોડા વખત પહેલાં આઈકિયા (IKEA)માંથી ઑનલાઇન ઑર્ડર આપીને બિલી (Billy)ના બે બુક શેલ્ફ મગાવ્યા. કિંમત ઘણી વાજબી, મજબૂત અને દેખાવે મનમોહક. જાતે જ અસેમ્બલ કરવાના. સાવ સહેલું કામ છે. મઝા આવે. સંતોષ પણ મળે. આમ છતાં ન ફાવે તો થોડો ખર્ચ કરીને અર્બન કંપનીમાંથી માણસ બોલાવી શકાય અથવા ડિલિવરી આપવા આવે એમને પણ કહેવાય.

ટ્રાયલ માટે મગાવ્યા પછી મારે આઈકિયાના વધુ બિલી બુક શેલ્વ્સ મગાવવા હતા પણ ઑનલાઈન જોયું તો ખલાસ થઈ ગયેલા. મારા ઘર નજીક આર સિટી મૉલની આઈકિયામાં પણ નહોતા એટલે અમે છેક નવી મુંબઈના વિશાળ આઈકિયામાં ઑર્ડર આપવા ગયા. ૧૫ મિનિટમાં જ અમારું કામ સરળતાથી પતી ગયું. બે દિવસમાં તો ડિલિવરી પણ થઈ ગઈ. ૨૩ એપ્રિલના ‘વિશ્વ પુસ્તક દિવસ’ની સાંજે બિલીના ૬ બુક શેલ્વ્સઆવી ગયા! હવે એને જાતે અસેમ્બલ કરીશું અને આખું અઠવાડિયું વિષયવાર પુસ્તકો ગોઠવીને અમારા સ્ટડી રૂમની એનેક્સી (!) ઊભી કરીશું.

* * *

અંકિત દેસાઈએ સાત વર્ષ પહેલાં વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે ‘ખબર છે ડૉટ કૉમ’ માટે થોડાક સવાલ પૂછ્યા હતા. છેલ્લાં ૭ વરસમાં કેટલીક વાતો અપડેટ કરવી પડે, કેટલીક યથાવત્ રહે. અહીં જોડણી સિવાય કશુંય સુધાર્યા વિના જેમનું તેમ રાખેલું છે:

પ્રશ્નઃ પુસ્તક સાથે પહેલી વાર દોસ્તી ક્યારે બંધાયેલી?

સૌરભ શાહ: મારી માલિકીનું પહેલવહેલું પુસ્તક મૂળશંકર મો. ભટ્ટે ટ્રાન્સલેટ કરેલું જુલે વર્નનું ‘સાહસિકોની સૃષ્ટિ’. મારી દસમી વર્ષગાંઠે મારા પપ્પાના કઝીન સંજયભાઈએ મને ભેટ આપેલું આ પુસ્તક, હું તે વખતે ઑલરેડી ‘રમકડું’ વગેરે મેગેઝિનો અને બકોર પટેલ, છકોમકોનાં પુસ્તકો વાંચતો થઈ ગયો હોવા છતાં, બે વર્ષ પછી – સાતમા ધોરણના વેકેશનમાં વાંચ્યું. કેમ? એના ટાઇપ બહુ ઝીણા હતા!

પ્રશ્નઃ પુસ્તકો પ્રત્યેના તમારા લગાવને વ્યાખ્યાયિત કરી શકો?

સૌરભ શાહ : મારા શબ્દોને બદલે એક વખત મને ક્રોસવર્ડની બુકશૉપમાંથી મળેલા બુકમાર્કના શબ્દો ક્વૉટ કરું. આ નાનકડું બુક માર્ક મેં મઢાવીને મારા ડ્રોઇંગરૂમમાં ગોઠવ્યું છે: “મારી પાસે થોડા પૈસા આવે છે ત્યારે હું પુસ્તકો ખરીદી લઉં છું અને જો કંઈ બચે તો એમાંથી રોટી અને કપડાંનો બંદોબસ્ત કરું છું.” (When I get a little money I buy books; and if any is left I buy food and clothes.)

પ્રશ્નઃ તમે ખરીદેલું સૌથી મોંઘું પુસ્તક કયું? એની કિંમત કેટલી અને એ ખરીદતી વખતે તમને કોઈ ખચકાટ થયેલો ખરો?

સૌરભ શાહ: ભેટ આપવા માટે ખરીદેલું ખાલીદ મોહમ્મદનું અમિતાભ બચ્ચન વિશેનું પુસ્તક. 2003માં તેની કિંમત રૂ. 3,500 હતી. પરેશ રાવળને ભેટ આપવા મેં એની હાર્ડ બાઉન્ડ એડિશન ખરીદી હતી. બે-એક વરસ પછી મારા માટે એની સસ્તી, કાચા પૂંઠાવાળી આવૃત્તિ ખરીદી.જો ભગવદ્ગોમંડલ કોશના 9 ભાગને એક જ પુસ્તક ગણો તો 1996-97ના અરસામાં મેં આ કોશ ડિસ્કાઉન્ટ બાદ કરીને રૂ. 3,000માં ખરીદ્યો હતો.
અને એક સિંગલ વોલ્યુમની વાત કરવાની હોય તો 2012માં મને મારિયો પૂઝોની વર્લ્ડ બેસ્ટ સેલર નોવેલ ‘ધ ગૉડફાધર’નું ઑફિશિયલ ગુજરાતી ટ્રાન્સલેશનનું કામ મળ્યું ત્યારે ‘ધ ગૉડફાધર ફેમિલી આલબમ’ નામનું લાંબું, પહોળું, દળદાર અને ખૂબ તસવીરો – લેખો ધરાવતું પુસ્તક સવા ચાર હજાર રૂપિયામાં ખરીદ્યું હતું. મોંઘાં પુસ્તકો ખરીદવાનો ખચકાટ? ક્યારેય નહીં.

પ્રશ્નઃ તમારી લાઇબ્રેરીમાં કુલ કેટલા પુસ્તકો હશે? એ બધાની કિંમત નક્કી કરવા બેસીએ તો આશરે કેટલા રૂપિયાના પુસ્તકો થતાં હશે?

સૌરભ શાહ: મારી પાસેનાં પુસ્તકોની સંખ્યા ગણવાનું મન મને ક્યારેય થયું નથી. સંખ્યાનો અંદાજ પણ હજુ સુધી લગાવ્યો નથી. 2009માં અમદાવાદમાં પાંચ-છ વર્ષ ગાળીને હું પરત મારા વતન મુંબઈ પાછો આવી રહ્યો હતો ત્યારે મૂવર્સ એન્ડ પેકર્સના માણસોએ મારાં પુસ્તકોનાં કાર્ટનોનું વજન બે ટન કરતાં વધારે છે એવું કહીને કેટલી મોટી ટ્રકની જરૂર પડશે એવું કહ્યું હતું. 2009થી 2016ના ગાળામાં બીજાં અનેક પુસ્તકો ઉમેરાયાં પણ તેના તો વજનનો પણ અંદાજ નથી! આ પુસ્તકોની કુલ કિંમત કેટલી હશે? ફ્રેન્કલી, નો આઈડિયા.પણ એટલું ખરું કે જો મેં જીવનમાં એકપણ પુસ્તક ખરીદ્યું ન હોત તો આજે હું ભાડાના ઘરને બદલે મારા પોતાના ઘરમાં રહેતો હોત. પણ ઈન ધેટ કેસ એ ઘર, ઘર ન હોત ને એ હું, હું ન હોત. એક વાત કહું? ન કરે નારાયણ ને મારી આ આખી લાયબ્રેરી વરસાદ કે આગમાં નષ્ટ પામે તો હું મારી કિડની વેચીને પણ આ તમામ પુસ્તકો ફરીથી વસાવું એટલું મૂલ્ય અને મમત્વ મને મારી લાયબ્રેરી માટે છે.

પ્રશ્નઃ તમને પુસ્તક ખરીદી કરવાની કઈ ઢબ વધુ ગમે? બુકશૉપમાં જઈને પુસ્તકોની ખરીદી કરવાનું ગમે કે ઑનલાઇન પરચેઝ કરવાનું ગમે?

સૌરભ શાહ: બુકશૉપમાં જઈને ખરીદવાની મઝા કે પુસ્તક મેળામાં ફરીને પુસ્તકોને પંપાળવાની મઝા વર્ષો સુધી માણી. હવે 80 ટકા ખરીદી ઑનલાઇન થાય છે.

પ્રશ્નઃ તમને ઈ-બુક્સ વાંચવાની ગમે કે પુસ્તક હાથમાં લઈને વાંચવાનું ગમે?

સૌરભ શાહ: મારા કિન્ડલ ડિવાઈસ પર અને ફોન પરની કિન્ડલની એપ પર ઘણાં પુસ્તકો છે. વાંચું પણ છું. પણ વાંચવાની બાબતમાં હું જૂનવાણી છું. નવું પુસ્તક હાથમાં લઈને પાનાં ફેરવતાં વાંચવાની જે મઝા આવે છે તે આનંદ પડિયામાં બાબુલનાથની પાણીપૂરી ખાવા જેટલો અવર્ણનીય છે.

પ્રશ્નઃ તમે કોઈને તમારાં પુસ્તકો વાંચવા આપો ખરા? જો વાંચવા આપતા હોય અને એ પુસ્તક તમારી પાસે નહીં આવે તો તમે શું કરો?

સૌરભ શાહ: હું મારાં પુસ્તકો કોઈને ય ‘વાંચવા’ માટે નથી આપતો. કોઈ મિત્રને મારા કલેક્શનમાંનું પુસ્તક ખૂબ ગમે ને વાંચવા માગે તો હું, એ જો બજારમાં મળતું હોય તો એ નકલ ભેટ આપીને નવી નકલ મારા માટે મગાવી લઉં અને જો આઉટ ઑફ પ્રિન્ટ હોય તો ફોટોકૉપી કરીને કુરિયર કરી દઉં.

પ્રશ્નઃ તમારાં સૌથી પ્રિય પાંચ પુસ્તકો કયાં?

સૌરભ શાહ: પાંચ નહીં પણ દસ પુસ્તકોની યાદી બનાવી છે.
1. શિયાળાની સવારનો તડકો : વાડીલાલ ડગલી
2. છ અક્ષરનું નામ : રમેશ પારેખ
3. મારા અનુભવો : સ્વામી સચ્ચિદાનંદ
4. અનાસક્તિ યોગ : ગાંધીજી
5. ક્રમશઃ ચંદ્રકાંત બક્ષી
6. મારી હકીકત : નર્મદ
7. કુળ કથાઓ : સ્વામી આનંદ
8. લિખિતંગ હું આવું છું : ઝવેરચંદ મેઘાણી
9. વિનોદની નજરે : વિનોદ ભટ્ટ
10. પ્રિયજનઃ વિનેશ અંતાણી

પ્રશ્નઃ કોઈ એક પુસ્તક લઈને તમને સ્વર્ગમાં જવાનું કહેવામાં આવે તો તમે કયું પુસ્તક સાથે લઈને જાઓ?

સૌરભ શાહ: સ્વર્ગમાં જ જવાનું હોય તો એકપણ પુસ્તક શું કામ સાથે લઈ જઉં? ત્યાં મઝા કરવા માટે કેટલી બધી અપ્સરાઓ છે, મદિરાની નદીઓ છે. એમાંથી ફુરસદ મળે તો પુસ્તક વંચાય ને!પણ મારી કરમ-કુંડળી જોતાં સ્વર્ગમાં જવાના ચાન્સીસ બહુ પાંખા છે. એટલે નરકમાં જ જવાનું આવશે. અને તો હું મરણ પથારીએ રહીને મારા પ્રિય લેખક ચન્દ્રકાંત બક્ષીનું જે પુસ્તક હાથમાં આવશે તે લઈ જઈશ. ઑન સેકન્ડ થૉટ, પુસ્તક ઉપાડીને લઈ જવાની કોઈ મહેનત કરવાની જરૂર નહીં પડે. ખુદ લેખક પોતે જ મને ત્યાં મળી જશે!

પ્રશ્નઃ ક્યારેય પુસ્તકોની ચોરી કરી છે ખરી? એટલે કે કોઈક લાઇબ્રેરીમાંથી અથવા મિત્રને ત્યાંથી કે કોઈક સંબંધીને ત્યાંથી ગમતું પુસ્તક ઉઠાવી લીધું હોય એવું?

સૌરભ શાહ: તમને શું લાગે છે, આ બધાં પુસ્તકો મારી પાસે કેવી રીતે આવ્યાં! હવે તો હું પુસ્તકોની નહીં, સીસમના લાકડામાંથી બનેલી બુક્સ મૂકવાની થોડીક અભરાઈઓની તલાશમાં છું. સવાલ એ છે કે સામેવાળાને કન્વિન્સ કેવી રીતે કરું કે અઠવાડિયામાં તમારી બુક શેલ્ફ પાછી આપી જઈશ!

પ્રશ્નઃ તમે લખેલાં સંપાદિત કરેલાં પુસ્તકોની સંખ્યા કેટલી?

સૌરભ શાહ: લખેલાં પુસ્તક : 10, સંકલન : 1, સંપાદન : 1, અનુવાદ : 4.

* * *

મારી વાચનયાત્રા: જીવનમાં પહેલાં બકોર પટેલ આવ્યા કે મિયાં ફુસકી : સૌરભ શાહ

પાઠ્યપુસ્તકો સિવાયનું વાંચન કદાચ ત્રીજા ધોરણથી શરૂ થયું. કેટલી ઉંમર હશે? આઠેક વર્ષ. મુંબઈમાં સિટીલાઈટ સિનેમાની સામે તે વખતે રહેતો. મારી જ સોસાયટીના બીજા એક બિલ્ડિંગમાં મારો દોસ્ત સંદીપ. એક જ સ્કૂલમાં અને એક જ ધોરણમાં પણ ડિવિઝન જુદાં. એને ત્યાં ‘રમકડું’ માસિક આવતું. ગાંધીજીના સૌથી મોટા ભાઈ લક્ષ્મીદાસ ઉર્ફે કાળિદાસ કરમચંદ ગાંધીના દીકરા શામળદાસ ગાંધી પત્રકાર હતા. ‘વંદે માતરમ’ દૈનિક કાઢતા. મુંબઈની પ્રિન્સેસ સ્ટ્રીટ હવે શામળદાસ ગાંધીના નામે ઓળખાય છે. આ શામળદાસ ગાંધીના પુત્ર કિશોર ગાંધી ‘રમકડું’ નામનું બાળ-માસિક ચલાવતા. તેઓ માલિક અને તંત્રી.

ગુજરાતીનું શ્રેષ્ઠ બાળમૅઝિન ‘રમકડું’ ગણાતું. વાર્તાઓ, વિજ્ઞાનકથાઓ, લેખો, કાર્ટૂન, કોયડા વગેરેથી ભરપૂર. ૮ વર્ષની ઉંમરે ‘રમકડું’ના વાચનથી મારી વાચનયાત્રાની શરૂઆત ગણી શકું. સંદીપના પપ્પાએ એને ‘રમકડું’ની જૂની ફાઈલો પણ લાવી આપેલી. એ પણ વાંચતો.
એ જ ગાળામાં,૧૯૬૮માં મારા કાકા અમેરિકા વધુ ભણવા અને સેટલ થવા ગયા. ‘રમકડું’ માટેનું મારું ઑબ્સેશન જોઈને જતી વખતે અમારા માટે ‘રમકડું’નું લવાજમ ભરતા ગયા. એ પણ એક નહીં, બે વર્ષનું.

પાંચમાં ધોરણમાં આવ્યો ત્યારે હું બીજા બે મૅગેઝિનોના પરિચયમાં આવ્યો. અમારા નેક્સ્ટ ડોર નેબર જગન્નાથ સાવંત. મહારાષ્ટ્ર સરકારમાં બહુ મોટા અધિકારી.એમને ત્યાં મરાઠી ‘માર્મિક’ આવતું. શિવસેનાનું એ મુખપત્ર. મરાઠીમાં ઝાઝી કંઈ સમઝ નહોતી પડતી એ વખતે. પણ કાર્ટૂનો જોવાની મઝા પડતી. એ કાર્ટૂનો બાળ ઠાકરે ચીતરતા એની ખબર તો ઘણી મોડેથી પડી. ‘માર્મિક’માં ફિલ્મરિવ્યૂઝ આવતા. વાંચવાની કોશિશ કરતો અને થોડીઘણી સમજ પડી જતી કે રિવ્યુઅરને આ ફિલ્મ ગમી કે નહીં. મોટેભાગે એ બધી જ ફિલ્મો મેં જોયેલી હોય. ‘આનંદ’, ‘સફર’, ‘આરાધના’, ‘હરે રામ હરે કૃષ્ણ’, ‘ગુડ્ડી’, ‘મેરા નામ જોકર’, ‘બાવર્ચી’, ‘અભિમાન’ આવી ઘણી ફિલ્મો રિલીઝ થઈ તે જ વખતે મેં થિયેટરોમાં જોયેલી. ‘માર્મિક’ને લીધે મેં વરસો પછી મરાઠી નાટકો જોવાનું શરૂ કર્યું અને પુ.લ.દેશપાંડે જેવા મલ્ટીફેસિટેડ સાહિત્યકારનાં પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું. આજે મારી લાયબ્રેરીમાં જે મરાઠી પુસ્તકો છે તેનાં પાયામાં ‘માર્મિક’.

સાવંતકાકાનાં વાઈફ સુરતી ગુજરાતી. ચંદ્રિકામાસી. એ પણ એક જાણીતી મિલમાં બહુ મોટા ઑફિસર. એ ‘ચિત્રલેખા’ મગાવે. હરકિસન મહેતાની, વલસાડના અનાથાશ્રમ કે વલસાડની હૉસ્ટેલમાં રહેતા અંધ કિશોરના પાત્રવાળી નવલકથા ચાલે. એ પૂરી થયા પછી ચંદ્રકાંત બક્ષીની ‘લગ્નની આગલી રાતે’ શરૂ થઈ.હવે મારે ત્યાં પણ ‘ચિત્રલેખા’ આવતું થઈ ગયેલું. હું અને મારો મોટો ભાઈ પરાગ, મારા કરતાં બે વરસ મોટો, આ ધારાવાહિક વાંચીએ. સાતમું ધોરણ પૂરું કરીને પરાગ દાદા-બા સાથે રહેવા દેવગઢ બારિયા જતો રહ્યો. બારિયામાં તે વખતે ‘ચિત્રલેખા’ આવતું નહીં. બક્ષીની નવલકથા વાંચવાની અધૂરી ન રહી જાય એ માટે હું દર સોમવારે ઘરમાં ‘ચિત્રલેખા’ વંચાઈ રહે (તે વખતે ‘ચિત્રલેખા’ ગુરુવારે આવતું) એટલે એના પર જૂની નોટબુકનો કાગળ ફાડી, રેપર બનાવી, ઍડ્રેસ કરીને બારિયા મોકલી આપતો. બે પૈસાની ટિકિટ લાગતી. પરાગને અચૂક ગુરુવારે ‘ચિત્રલેખા’ મળી જતું. ગુરુવારે પરાગની સાથે સ્કૂલે જનારા એના દોસ્તારો ઘરે વહેલા આવતા. ‘ચિત્રલેખા’ વાંચવા મળે એટલે, એવું પરાગ મને કહેતો અને ક્યારેય આ ક્રમ ન તૂટે એનું ધ્યાન રહે એવી સૂચના આપતો.

છઠ્ઠા ધોરણમાં આવ્યો ત્યાં સુધીમાં ‘રમકડું’ અને ‘ચિત્રલેખા’ તથા ‘માર્મિક’ ઉપરાંત સાંજના છાપા ‘જન્મભૂમિ’નું પણ વળગણ થઈ ગયેલું. એ વખતે સિરિયલ કિલર રામન રાઘવનના સમાચાર ‘જન્મભૂમિ’માં વાંચતો, ફિરોઝ દારૂવાલા નામના કોઈ પારસી ખૂનીએ કિડની ડોનેટ કરીને ફાંસીની સજામાંથી મુક્તિ મેળવેલી, કવિ ચિનુ મોદીએ મુસલમાન બનીને બીજાં લગ્ન કર્યાં છે એવા સમાચાર છપાતા તે યાદ છે.

પુસ્તકો વાંચવાનું પણ લગભગ એ જ ગાળામાં શરૂ થયું. ચોથા ધોરણમાં પપ્પાએ બાળવાર્તાઓના બે બૉક્‌સ-સેટ અપાવ્યા હતા. એકમાં ચાઇનીઝ ને એવી બધી લોકકથાઓ પર આધારિત સચિત્ર વાર્તાઓ હતી. બીજા બૉક્‌સમાં વાર્તાઓના રૂપમાં ટપાલખાતું કેવી રીતે કામ કરે, રેલવેતંત્ર કેવી રીતે કામ કરે, કોર્ટ-જેલ કેવી રીતે કામ કરે એવી બધી માહિતીકથાઓ હતી.

બીજા એક કાકાએ વિજ્ઞાન વિશેની માહિતી આપતો સેટ અપાવ્યો હતો.વિમાન કેવી રીતે ઊડે, ટેલીવિઝન, રેડિયો, રૉકેટ વગેરેની કામગીરીનાં જુદાં જુદાં નાનકડાં પુસ્તકો હતાં.

જે પુસ્તકનું નામ યાદ છે તે મને પાંચમા ધોરણની મારી વાર્ષિક પરીક્ષા પછીની વર્ષગાંઠે મળેલું. ૧૯૭૦ની સાલ. મારા એક કાકા અમદાવાદથી આવેલા અને મને જુલે વર્નનું ‘સાહસિકોની સૃષ્ટિ’ ભેટ આપતા ગયેલા. પણ એના અક્ષર બાળપુસ્તકોમાંની છપાઈ કરતાં ઘણા નાના એટલે વાંચવાનું મન ન થાય. દસમી વર્ષગાંઠે મળેલું આ પુસ્તક મેં દોઢ-બે વર્ષ પછી વાચ્યું અને આજની તારીખેય હું એના પ્રેમમાં છું. મૂળશંકર મો. ભટ્ટની અનુવાદશૈલી જેવી તાકાત મેં ગુજરાતીમાં કોઈ અનુવાદકમાં જોઈ નથી.

નાનાભાઈ ભટ્ટનાં ‘રામાયણનાં પાત્રો’ અને ‘મહાભારતનાં પાત્રો’ મને બીજા એક કાકાએ પ્રિન્સેસ સ્ટ્રીટમાં આર.આર.શેઠની કંપનીની દુકાને લઈ જઈને અપાવેલાં. એ જ વર્ષોમાં એમનાં સંતાનો વાંચે એવડી ઉંમરનાં થવા આવ્યાં હતાં એટલે ‘મિયાં ફુસકી’, ‘બકોર પટેલ’, ‘અડુકિયો દડુકિયો’, ‘સોટી પોઠી’, ‘છેલ છબો’, ‘અમર ચિત્રકથા’ આ બધાનાં કમ્પલીટ સેટ એમણે ઘરમાં વસાવેલાં હતાં. આ બધાં પાત્રોમાંથી કોણ પહેલું મારા જીવનમાં આવ્યું તે યાદ નથી. કદાચ બકોર પટેલ હશે. ના, મિયાં ફુસકી હશે. કાકાને ત્યાં જવાનું એક બહુ મોટું આકર્ષણ એ. વાલકેશ્વરમાં એમના બંગલામાં ઉપરના માળે નાનકડી પણ ખીચોખીચ પુસ્તકોવાળી પર્સનલ લાયબ્રેરી હતી જેમાં બધાં જ અંગ્રેજી પુસ્તકો અને આર્ચીની કૉમિક્‌સ. હું એ રૂમના સોફા પર બેસીને અંગ્રેજી પુસ્તકો જોયા કરું અને આર્ચી કૉમિક્‌સનાં પાનાં ફેરવું પણ કશું સમજાય ના એટલે નીચે છોકરાઓવાળા રૂમમાં આવીને ‘બકોર પટેલ’ વગેરે વાંચું.

આય થિન્ક, આઠથી બારેક વર્ષની ઉંમર સુધીનો આ ગાળો. છઠ્ઠા ધોરણમાં હતો એ જ વર્ષે અમારા ઘરે, ફેરિયો સિંગચણાનો કોથળો લાવે એમ, એક વૃદ્ધ સજ્જન મોટા થેલામાં પુસ્તકો લાવતા. ઘરે ઘરે ફરતા. જૂનાં પુસ્તકો હોય. ખરીદવા હોય તો ખરીદો અથવા મામૂલી ફીએ વાંચવા માટે રાખીને નેક્‌સ્ટ વીક પાછાં આપી દો. કહો ને કે હરતીફરતી સર્ક્યુલેટિંગ લાયબ્રેરી. પરિચય ટ્રસ્ટની ‘પરિચય પુસ્તિકા’ સાથેની ઓળખાણ આ રીતે થઈ. પાંચ-પાંચ પૈસામાં ‘પરિચય પુસ્તિકા’ વાંચવા મળે. ‘વર્તમાનપત્ર કેવી રીતે તૈયાર થાય છે’થી માંડીને ‘રેસિંગ વિશે જાણવા જેવું’ અને ‘ફુગાવો એટલે શું’ આવી આવી પુસ્તિકાઓની માહિતીસભર દુનિયા આંખ સામે ખુલી તે પરિચય ટ્રસ્ટને કારણે. બારેક વર્ષની ઉંમરે કોઈ અંદાજ નહોતો કે છ જ વરસ પછી, ૧૯૭૮માં-અઢાર વરસની ઉંમરે, મહિને સાડા ત્રણસો રૂપિયાના પગારે, જિંદગીની પહેલી નોકરી કરવાનો લહાવો મને આ જ પ્રકાશન સંસ્થામાં મળવાનો છે.

બુક વર્મ

તમે જો એ જ પુસ્તકો વાંચ્યા કરશો જે બીજા બધા વાચે છે, તો માત્ર એટલું જ વિચારી શકવાના જેટલું બીજાઓ વિચારી શકે છે.

_હારુકિ મુરાકામિ
(કન્ટેમ્પરરી જાપાનીઝ બેસ્ટસેલર રાઈટર જે સિરિયલ મૅરેથોન રનર પણ છે. જન્મ : ૧૨ જાન્યુઆરી ૧૯૪૯)

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

9 COMMENTS

  1. બહુ જ સરસ! હું પણ નાનપણ માં આ બધા જ બાળ સામાયિકો પુસ્તકો વાંચતો. ફૂલવાડી, ઝગમગ, રમકડું, બાલ સંદેશ, રસ રંજન, ચક્રમ, સુધા પણ! રમણલાલ સોની, હરીશ નાયક, જીવરામ જોશી વગેરે સાહિત્યકારો સાથેનો નાતો એટલોજ જૂનો. બહુ જ મજા આવતી..!

    ચિત્રલેખા, અભિયાન તો વાંચવા ના જ હોય … અને તમારું મોટી સાઇઝ નું નિખાલસ પણ ખરું જ…!👌🏻😍

    પુસ્તકો તો ઘર માં ઘણાં પડ્યા છે, હજુ પણ … બધા જ ખરીદી ને લીધેલા છે …. પણ ઘણા ય હજુ પણ વંચાયા નથી …

  2. ખૂબ સરસ લેખ, વાંચતા મજા આવી ગઈ.મારી નાની ઘર લાય્રેરીમાં આપના દસ પુસ્તકો ની યાદી માંથી બે પુસ્તકો છે,
    તે જાણી આનંદ થયો. સ્વામી સચચિદાનંદ જી ના મારા અનુભવો તો ફરી ફરી વાંચવા જેવું છે.

  3. સાતમાં ધોરણમાં ભણતો હતો, શાળા નં. ૫, ડાયમંડ ચોક બગીચાની સામે ભાવનગરમાં ૧૯૭૦-૭૧ ના એ દિવસો યાદ આવી ગયા આ લેખ વાંચીને.
    એ સમયે ગાંધી સ્મૃતિ લાયબ્રેરીમાં મેમ્બર બનેલો. દિવસનું એક જ પુસ્તક વાંચવા મળતું નિયમ મુજબ, પરંતુ અન્ય ભૂખો જેમ બળવત્તર બનતાં અનૈચ્છિક કે અનૈતિક કૃત્યો કરવા માણસને જેમ લાચાર કે વિવશ બનાવે છે, એમ વાંચન ની ભૂખે મને એ સમયે એ ઉમરે ચોર બનાવેલો.
    મારે ત્રણ કે ચાર બુક જોઇએ એક દિવસમાં, અને નિયમ પ્રમાણે એક જ બુક મળે લાયબ્રેરીમાં એ કેમ ચાલે.. પરિણામે લાયબ્રેરીમાં કબાટ ફંફોસતા જે ૩-૪ બુક ગમી હોય તે ઈનશર્ટ કરેલા શર્ટમાં ૩-૪ બટન ખોલી અંદર છાતી આસપાસ છુપાવી ઘરે આવી છાનોમાનો મારા અભ્યાસ ના ખાનામાં કે દફતરમાં છુપાવી દેતો. ચોરી ઘરના વડીલો પાસે પણ ઉઘાડી તો ન જ પડવી જોઈએ ને..!
    પરંતુ લાયબ્રેરીમાં એક દિવસ ચોરી ઉઘાડી પડી ગઈ અને એ દેવદૂત સમાન લાયબ્રેરીયને દિવસ ની છ બુક સુધી ઘરે લઈ જઇને વાંચવા ની અવિસ્મરણીય, અવર્ણનિય, અભૂતપૂર્વ, આનંદદાયી સજા આપેલી. અને મનમાં રહેલો પાપકર્મ કર્યા નો વિષાદ આંશિક રીતે દૂર થયેલો.
    પછી તો જીવનમાં ઘણી વાર પાપ કરવાના પ્રસંગો આવેલા, પણ પકડાઇ જઇએ અને આવી મીઠી મનગમતી સજા ન મળે તો….! એ વિચારે એ પ્રસંગો થી દૂર રહેલો.
    સૌરભભાઇ, તમે વાંચેલા કમસેકમ દસ શ્રેષ્ઠ પુસ્તકો વિષે ( બને તો પચ્ચીસ પુસ્તકો…! શું કરું.. જૂની ભૂખ હજી એટલી જ બળવત્તર છે) એક લેખ લખવા વિનંતી.

  4. ઝગમગ અને ફૂલવાડી લગભગ શુક્રવારે અને મંગળવાર ના આવતા. અમારા ૩ ભાઈ બહેન ની સવાર ની સ્કૂલ, ઉઠવાના ધાંધીયા પણ આ બે દિવસ કોણ વહેલું જાગે એ ની મનો મન હરીફાઈ રહેતી, જે વહેલું ઉઠી જાય એ બારણું ખોલી ને અંક છુંપાડી દે. પોતે વાચી લે પછીજ બીજા ને મળે.

  5. મારી પણ વાંચનની શરૂઆત રમકડું, ઝગમગ અને બકોર પટેલથી થઈ હતી( ૧૯૬૨-૬૩).

  6. ખૂબ જ ખૂબ જ મજા પડી.
    રમણલાલ સોની પણ સારા અનુવાદક.
    એવું લાગે છે કે આપણી ભાષામાં હવે પહેલાં જેવા અનુવાદકો ખાસ રહ્યા નથી.

  7. સરસ લેખ સૌરભભાઇ. જુના દિવસો યાદ આવી ગયા. અમે સ્કુલ ની ચોપડી ઓ મા કોમિક્સ છુપાવી ને વાચતા ક્યારેક માર પણ ખાતા. 😊

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here