ભગવાન શ્રીકૃષ્ણ અને અટલજી બેઉના દાદાનું ગામ એક – આગ્રા પાસેનું શિવતીર્થ બટેશ્વર : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ એક્સક્લુઝિવ: બુધવાર, ૩૦ ડિસેમ્બર ૨૦૨૦)

અટલ બિહારી વાજપેયી ૧૯૮૪માં ગ્વાલિયરની લોકસભા બેઠક પરથી હારી ગયા એનું કારણ માત્ર ઈન્દિરા ગાંધીની હત્યા પછી દેશમાં ફેલાયેલું કૉન્ગ્રેસતરફી સહાનુભૂતિનું મોજું નહોતું. એ ઉપરાંત પણ બીજું એક કારણ હતું જેની વિગતવાર વાત વાજપેયીએ લખી છે જે આપણે જોઈશું. ઈન્દિરા ગાંધીની હત્યાને કારણે કૉન્ગ્રેસને જે સહાનુભૂતિ મળી તેમાં ૫૩૩ બેઠકની લોકસભામાં એમના ૪૧૪ સભ્યો ચૂંટાઈ આવ્યા અને ભાજપને માત્ર બે જ બેઠક મળી. લાલકૃષ્ણ આડવાણીએ એક વખત કટાક્ષમાં ૧૯૮૪ની એ ચૂંટણીને ‘લોકસભાની નહીં પણ શોકસભાની ચૂંટણી’ કહી હતી!

ગ્વાલિયરની એ ચૂંટણી વિશે વાત કરતાં પહેલાં જાણી લઈએ કે ગ્વાલિયર સાથેનો વાજપેયીનો નાતો ઘણો જૂનો છે. ઘણો જૂનો એટલે? એમના જન્મ વખતનો. ના. એથીય જૂનો. વાજપેયીનો જન્મ ૨૫ ડિસેમ્બર ૧૯૨૪ના રોજ ગ્વાલિયરમાં શિન્દેની છાવણીમાં આવેલી સાંકડી શેરી તરીકે ઓળખાતી ગલીના કમલસિંહના બાગ પાસેના એક નાનકડા ઘરમાં થયો. પિતા પંડિત કૃષ્ણ બિહારી વાજપેયી અધ્યાપક હતા, રાષ્ટ્રપ્રેમની કવિતાઓ પણ લખતા અને ગ્વાલિયર સ્ટેટના રાજ દરબારમાં માન-સન્માન સાથે એમનું સ્વાગત થતું. અટલજીના દાદા પંડિત શ્યામલાલ વાજપેયી સંસ્કૃતના વિદ્વાન હતા અને એ રહેતા આગ્રા નજીકના પ્રસિદ્ધ તીર્થસ્થળ બટેશ્વરમાં. બટ (વડ) પરથી બટેશ્વર. ભગવાન શંકરે આ સ્થળે વડના ઝાડ નીચે થોડો સમય વિશ્રામ કર્યો હતો. બટેશ્વરના શિવમંદિરનો ઘણો મોટો મહિમા છે. વાજપેયી કુટુંબ શિવભક્ત હતું. અટલજી પોતે રોજ મહાદેવની પ્રાર્થના કરતા એવું નોંધાયેલું છે. ખૂબ આસ્થાળુ હતા.

પુરાણોમાં લખ્યું છે કે દ્વાપરયુગમાં ભગવાન શ્રીકૃષ્ણના દાદા શૂરસેનની રાજધાની બટેશ્વર હતી. યમુના પાસે જ વહેતી. એ પહેલાં, ત્રેતાયુગમાં ભગવાન રામના લઘુબંધુ શત્રુઘ્ને આ નગર વસાવ્યું. દ્વાપરયુગમાં કંસનો વધ કર્યા પછી કૃષ્ણ અને બલરામ બટેશ્વર આવ્યા હતા. કંસના સસરા જરાસંધને આ માહિતી મળી એટલે એણે છ વાર શૂરસેન નગર (બટેશ્વર) પર હુમલો કર્યો, પરંતુ બલરામ-શ્રીકૃષ્ણનો વાળ પણ વાંકો થયો નહીં. બટેશ્વરને ‘વ્રજની કાશી’ પણ કહેવામાં આવે છે. ભગવાન વિષ્ણુએ કહ્યું હતું કે બટેશ્વરનાં દર્શન કરવાથી તમામ પાપ નષ્ટ થઈ જાય છે.

આવા બટેશ્વરમાં વૈદિક સનાતન કાન્યકુબ્જ બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા શ્યામલાલ વાજપેયીએ પોતાના પુત્ર કૃષ્ણ બિહારી વાજપેયીને ગ્વાલિયર જઈને વસવાની સલાહ આપી હતી. અટલજીનો જન્મ માતા કૃષ્ણા દેવની કુખે ગ્વાલિયરમાં થયો. પરિવારમાં ચાર ભાઈ: અવધ બિહારી, સદા બિહારી, પ્રેમ બિહારી અને અટલ બિહારી. કવિ પિતાનાં સંતાનોનાં નામ કેટલાં સરસ છે. ત્રણ બહેનો: વિમલા, કમલા અને ઉર્મિલા.

કવિ પિતાની સાથે નાનપણથી અટલજી કવિ સંમેલનોમાં જતાઆવતા થઈ ગયા હતા. બીએ સુધીનું ભણતર ગ્વાલિયરમાં જ થયું. વિક્ટોરિયા કૉલેજમાં. હવે એ કૉલેજ લક્ષ્મીબાઈ કૉલેજ તરીકે ઓળખાય છે. આ કૉલેજના સ્ટુડન્ટ્સ યુનિયનના સેક્રેટરીપદે તેમ જ વાઈસ-પ્રેસિડેન્ટપદે પણ અટલજી રહ્યા. ડિબેટ્સ અને વક્તૃત્વ સ્પર્ધાઓમાં ભાગ લેતા. આરએસએસમાં તો સ્કૂલના દિવસોથી (૧૯૪૦)માં જોડાઈ ગયેલા. નિયમિત શાખા ભરતા. નાગપુરથી ગ્વાલિયર આવેલા સંઘના આજીવન પ્રચારક નારાયણ રાવ તર્ટેને વાજપેયીને શાખામાં લઈ આવવાનો જશ જાય છે. ગ્વાલિયરની લક્ષ્મીગંજ શાખામાં અટલજી જતા.

બીએ પાસ કર્યા પછી આગળ ભણવાના પૈસા ક્યાંથી આવશે એની ચિંતા હતી. પિતા નિવૃત્ત થઈ ગયા હતા. બે બહેનોની શાદી પણ બાકી હતી. એ વખતે ગ્વાલિયરના મહારાજા શ્રીમન્ત જીવાજીરાવ સિન્ધિયાએ અટલ બિહારી વાજપેયીને ઉચ્ચ અભ્યાસ માટે દર મહિને રૂપિયા ૭૫ની સ્કૉલરશિપ આપી હતી. આ છાત્રવૃત્તિને લીધે વાજપેયી કાનપુરની ડી.એ.વી. કૉલેજમાં એમ.એ.નો અભ્યાસ શરૂ કરી શક્યા અને એમએમાં ફર્સ્ટ ક્લાસ આવ્યા બાદ એમણે એલ.એલ.બી.નું ભણવાનું પણ શરૂ કર્યું.

વાજપેયી જેમની સ્કૉલરશિપથી ભણ્યા તે મહારાજા જીવાજી રાવ સિન્ધિયા ૧૯૨૫માં પોતાના પિતાના અવસાન પછી માત્ર નવ વર્ષની ઉંમરે ગ્વાલિયરની ગાદીએ બેઠા. પિતાનું નામ માધોરાવ હતું અને ૧૯૪૧માં લગ્ન પછી ૧૯૪૫માં જન્મેલા પુત્રનું નામ પણ માધવરાવ સિન્ધિયા રાખવામાં આવ્યું. ૧૯૮૪માં ગ્વાલિયરની ચૂંટણી વાજપેયીએ આ માધવરાવ સિન્ધિયા સામે કેવી રીતે લડવી પડી તેની દિલચસ્પ કહાણી છે. કાલે એ વાત કરતાં પહેલાં જાણી લઈએ કે રાજીવ ગાંધીના પરમ મિત્ર તરીકે ઓળખાતા થયેલા માધવરાવ સિન્ધિયા ૨૦૦૧ની સાલના સપ્ટેમ્બરની ૩૦મીએ એક વિમાન અકસ્માતમાં ગુજરી ગયા. એમની ચાર બહેનોમાંની એક વસુંધરા રાજે સિન્ધિયા અત્યારે રાજસ્થાનનાં મુખ્યમંત્રી છે અને બીજી એક બહેન યશોધરા રાજે ભાજપનાં સંસદસભ્ય છે. આ પાંચેય રાજવી સંતાનોનાં માતા રાજમાતા વિજયા રાજે સિન્ધિયા (જન્મ: ૧૯૧૯) ભારતીય રાજકારણમાં ખૂબ મોટું નામ. પિયરનું નામ લેખા દિવ્યેશ્ર્વરી દેવી. એમના નાના નેપાળના રાજકુટુંબના. એ જમાનામાં બ્યુટિ ક્વીન જેવો ઠસ્સો. ભણેલાગણેલા પણ ખરા. ૧૯૬૧માં મહારાજા દિવંગત થયા. તે પહેલાં રાજમાતા ૧૯૫૭માં જ રાજકારણમાં જોડાઈ ગયેલા. ગુણા (મધ્ય પ્રદેશ)ની લોકસભા સીટ પરથી કૉન્ગ્રેસની ટિકિટ પર જીત્યાં. ૧૯૬૨માં ગ્વાલિયરથી જીત્યાં. પણ ૧૯૬૭માં કૉન્ગ્રેસ છોડીને સ્વતંત્ર પક્ષમાં જોડાયાં અને ફરી ગુણાની સીટ પરથી જીત્યાં. ત્યાર બાદ રાજમાતા જનસંઘ અને પછી ભાજપ સાથે રહીને પોલિટિક્સમાં સક્રિય રહ્યાં. ઈમરજન્સી દરમ્યાન ઈન્દિરા ગાંધીએ રાજમાતાને જેલમાં નાખેલાં. એમના દીકરા માધવરાવ સિન્ધિયાને માતા સાથે અણબનાવ. રાજીવ ગાંધીના ખાસ મિત્ર. રાજમાતા અને દીકરા વચ્ચે એવડી મોટી અંટસ કે એમણે પોતાના વિલમાં લખેલું અને જાહેર પણ કરેલું કે મારી અંત્યેષ્ટિમાં મારો આ એકનો એક પુત્ર હાજર ન રહે. ૨૦૦૧માં, દીકરાના અકાળ અવસાનના નવેક મહિના પહેલાં, જાન્યુઆરીમાં રાજમાતા ગુજરી ગયાં.

વાજપેયીને ગ્વાલિયરના આ રાજકુટુંબ માટે નાનપણથી જ વિશેષ ભાવ. રાજકારણમાં કદ વધ્યું તે પછી રાજમાતા વિજયા રાજે સિન્ધિયા માટે પણ એટલો જ આદર રહ્યો. એમના દીકરા સાથે પોલિટિકલ ડિફરન્સ હોવા છતાં એમને કુટુંબી ગણીને પ્રેમ વરસાવતા. ૧૯૮૪ની ચૂંટણીમાં વાજપેયીને કેવી રીતે આ જ માધવરાવ સિન્ધિયાની સામે ચૂંટણી લડવી પડી તેની વાત કાલે કરીએ તે પહેલાં જાણી લઈએ કે ૨૦૦૧ના સપ્ટેમ્બરની ૩૦મીએ માધવરાવનું અકાળે મોત થયું તે પછી એમની અંતિમક્રિયા વખતે વડા પ્રધાન વાજપેયી ખાસ દિલ્હીથી ગ્વાલિયર ગયા હતા. દિલ્હી પાછા આવીને એમણે એક ફોન કર્યો, એવી વ્યક્તિને જેમણે સ્મશાનમાં એ ફોન ઉપાડ્યો. માધવરાવ સિન્ધિયાના પ્લેનમાં ત્રણ પત્રકારો – ટીવી કૅમેરામેન હતા. બધા જ અકસ્માતમાં મૃત્યુ પામ્યા. ‘આજ તક’ ચેનલના કેમેરામેનના દિલ્હીમાં અંતિમસંસ્કાર થતા હતા ત્યારે સ્મશાનમાં વાજપેયીનો ફોન જેમણે ઉપાડ્યો એમને વિધિ પતાવીને પીએમ હાઉસમાં બોલાવવામાં આવ્યા હતા. રાત્રે રૂબરૂ મુલાકાત થઈ. કહેવામાં આવ્યું કે તમારે ગુજરાત જવાનું છે, ચીફ મિનિસ્ટર કેશુભાઈ પટેલની જગ્યા લઈ લેવાની છે!

વધુ કાલે.

આજનો વિચાર

મૌત કી ઉમ્ર ક્યા
દો પલ ભી નહીં,
મૈં જી ભર જિયા
મૈં મન સે મરું,
લૌટકર આઉંગા
કૂચ સે ક્યોં ડરું.

અટલ બિહારી વાજપેયી

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

5 COMMENTS

  1. Thanks a lot sir , for these information. I was very curious to know about Sindhiya family. I read earlier in your ” emergency ” series about them. Your all political articles are written in such a way that we can understand it very clearly and easily.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here