હિંદી કાયકુ સીખનેકા?

તડકભડક : સૌરભ શાહ

(‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, ૧૩ ઑક્ટોબર ૨૦૧૯)

રાજકારણમાંના લેભાગુઓ કોઈ પણ વાતે પોલિટિક્‌સ કરીને પોતાનો લાભ શોધી લેતા હોય છે. કાંદા અને પર્યાવરણથી માંડીને ભાષા સુધીની કોઈ પણ બાબતે તેઓ તકવાદી બની જવા આતુર હોય છે.

વચ્ચે હિંદી ભાષાના મહત્વ વિશે રાષ્ટ્રીય સ્તરે એક વિધાન થયું એમાં વિરોધીઓએ રાડારાડ કરી મૂકી કે અમારા પર હિંદી લાદવામાં આવે તે અમે હરગિજ ચલાવી નહીં લઈએ. એમણે કકળાટ કરી મૂક્યો કે અમારી માતૃભાષા અમારી આઈડેન્ટિટી છે, અમે હિંદીને નહીં અપનાવીએ, અમારી આગવી ઓળખ ભૂંસાવા નહીં દઈએ વગેરે.

તમે તમિળભાષી હો કે બંગાળીભાષી હો કે પછી ગુજરાતીભાષી હો. ભારત આખું દરેક ભારતીય ભાષાનો આદર કરે છે. પણ તમારે ચાઈના સાથે વેપાર કરવો હોય તો તમે મેન્ડેરિન નથી શીખતા? જપાનીઝ કંપનીઓ સાથે કારોબાર કરવો હોય તો જપાનીઝ નથી શીખતા? અમેરિકા સ્થાયી થવું હોય તો અંગ્રેજી શીખ્યા વિના ચાલવાનું છે! અરે, તમારે ચેન્નઈથી નીકળીને અમદાવાદમાં આવીને દુકાન/રૅસ્ટોરાં ચલાવવી હશે તો કેવી ઝડપથી ગુજરાતી શીખી જાઓ છો. કોઈ તમારા માથે ઠોકી બેસાડવા આવતું નથી કે તમારે મેન્ડેરિન, જપાની કે ગુજરાતી ભાષા શીખવી પડશે છતાં તમે તમારા સર્વાઈવલ માટે કે તમારા આર્થિક પ્રોગ્રેસ માટે શીખી લો છો કે નહીં?

હિંદી પણ કોઈ તમારા માથે ઠોકી બેસાડવાનું નથી. નહીં શીખો તો ભોગ તમારા. જેમને હિંદી આવડે છે કે હિંદી જેમની માતૃભાષા છે તેઓ નોકરીધંધા માટે તામિલનાડુમાં કે બંગાળમાં સ્થાયી થશે ત્યારે તેઓ સ્થાનિક રહેવાસીઓ સાથે બેટર કમ્યુનિકેશન માટે તમિલ-બંગાળી શીખવાના જ છે. તમે હિંદી નહીં શીખો તો નુકસાન તમારું છે અને શીખશો તો ફાયદો પણ તમારો જ છે. યુરોપની ટુર પર જતા ગુજરાતીઓને પૂછી આવો. ફ્રેન્ચ, ઈટાલિયન, જર્મન વગેરે ભાષાઓનું કામચલાઉ તો કામચલાઉ પણ એ જ્ઞાન એમને કેટલું કામ લાગતું હોય છે. આપણે જ્યારે સામેવાળાની માતૃભાષામાં એની સાથે વાત કરતાં થઈ જઈએ છીએ ત્યારે સીધા એમના હ્યદયમાં ઊતરીને દ્રઢ સ્થાન મેળવી લેતા હોઈએ છીએ. મુંબઈગરો ગુજરાતી સ્થાનિકો સાથે મરાઠીમાં વાત કરીને પોતાનું કામ કરાવી લેવામાં માહેર થઈ ગયો છે. તમિળયનોએ, બંગાળીઓએ કે બીજી દરેક ભાષાની પ્રજાઓએ હિંદી શીખીને હિંદી સમજતા લોકોના હ્યદયમાં સ્થાન બનાવી લેવું જોઈએ. એમાં એમનો જ ફાયદો છે.

યુરોપવાળા શેખી મારતા હોય છે કે અમારે ત્યાં તો દરેક દેશનું કલ્ચર જુદું, ભાષા જુદી, જ્યોગ્રોફી જુદી – સાંસ્કૃતિક અને ઐતિહાસિક રીતે અમે સૌ કેટલા સમૃધ્ધ છીએ. હશે. પણ શું તેઓ એક છે? ના. બાર ભાયાને તેર ચોકા છે ત્યાં. યુરોપિયન યુનિયન, યુરો અને બ્રેક્‌ઝિટના વિવાદો આ કલહના સાક્ષી છે.

યુરોપ કરતાં લગભગસ પોણા બેગણી વસ્તી ભારતની છે. યુરોપમાં તો ૪૪ દેશો છે. ભારત એક જ દેશ છે. ત્યાં ૨૪ ઑફિશ્યલ ભાષાઓ છે અને બીજી ૨૦૦ જેટલી નાની – ટચુકડી ભાષાઓ – બોલીઓ છે. ભારતમાં પણ ભાષાઓ – બોલીઓની બાબતમાં લગભગ આવું જ છે પણ ત્યાં ભાષાની વિવિધતા એકબીજાની સાથે એમને ભળવા મળવા નથી દેતી. એટલે જ તો તેઓ ૪૪ દેશોમાં વહેંચાયેલા છે. આપણા દેશમાં કલ્ચર બાબતે આટલી મોટી ડાયવર્સિટી હોવા છતાં આપણને સૌને એક તાંતણે બાંધી રાખનારી અનેક બાબતો છે અને ભાષા એમાંની એક છે. યુરોપની લગભગ ૭૫ કરોડની વસ્તીની સામે આપણી વસ્તી ૧૩૭ કરોડ છે. આમ છતાં આપણે એક રાષ્ટ્ર તરીકે ટકી રહ્યા છીએ એટલું જ નહીં, છેલ્લાં પાંચ-છ વર્ષમાં આપણને આપણો સાંસ્કૃતિક વારસો પાછો મળી રહ્યો છે, ભારતને એક જમાનામાં વિશ્વગુરુનો દરજ્‌જો મળ્યો હતો તે ભારત હવે ફરી એકવાર વર્લ્ડ લીડર બની રહ્યું છે. વિશ્વના શક્તિશાળી દેશોની પ્રજાની તેમ જ ત્યાંની નેતાગીરીની આંખમાં ભારતનું નામ આવતાં જ ચમક જોવા મળે છે. આ જ ભારતને એ લોકો સિત્તેર વરસ સુધી હડેહડે કરતા રહ્યા. ભારતની એકતાનાં અને તાકાતનાં એક નહીં અનેક તત્વો છે અને હિંદી ભાષા નિઃશંક એમાનું એક છે. હિંદીને તમે અવગણી શકવાના નથી. ચાહે ગમે તે દેશના તમે રહેવાસી હો. ભારતના રહેવાસી તરીકે તો તમે સહેજે હિંદીને અવગણી ન શકો. હૉલિવુડના ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટરો પણ હિંદી ભાષામાં પોતાનું વિશાળ માર્કેટ જોઈ રહ્યા છે, જેમ ભારતીય ફિલ્મ નિર્માતાઓ ચીનમાં પોતાની ફિલ્મ માટે ખૂબ મોટું માર્કેટ જુએ છે એમ જ. આપણી અડધો ડઝન હિંદી ફિલ્મોએ મેન્ડેરિનમાં ડબિંગ કરીને ચીનમાં તોતિંગ ધંધો કર્યો. હૉલિવુડની ફિલ્મો તેમ જ નેટફ્લિક્‌સ જેવાં પ્લેટફોર્મ્સ હિંદી થકી કમાણી કરી રહ્યા છે.

હિંદીને માત્ર સરકારી ભાષા તરીકે જોવાનું બંધ કરીએ. દરેક ભાષા છેવટે તો કમ્યુનિકેશનનું સાધન છે, તમારી વાત બીજાઓ સુધી પહોંચાડવાનુ માધ્યમ છે. હિંદી દ્વારા આ આદાનપ્રદાન ભારતમાં વધુ સરળતાથી( અથવા ઓછા કષ્ટ સાથે) થઈ શકે છે. અને એનું એક મોટું કારણ હિંદી ફિલ્મો છે. હિંદી ફિલ્મમાં ગીતો છે. થેન્ક્‌યુ, ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને થેન્ક્યુ દાદાસાહેબ ફાળકેથી માંડીને યશ ચોપરા સાહેબ અને થેન્ક્યુ લતાજી, રફીસા’બ, કિશોરદા અને બધા જ.

હિંદી ભાષાને ઉતારી પાડવાથી તમે રાજકારણનો એકાદ દાવપેચ ભલે ખેલી નાખો પણ આને કારણે તમારું અને આ દેશનું લાંબા ગાળાનું નુકસાન છે તે તમે જોઈ શકતા નથી. હિંદીને રાષ્ટ્રભાષા જ નહીં અંગ્રેજી જેવી ઈન્ટરનૅશનલ લૅન્ગવેજ બનાવવાની તક આપણી સામે અત્યારે દેખાઈ રહી છે. જે ઝડપે ભારતનો ડંકો દુનિયાની મહાસત્તાઓ સહિતના દેશોમાં વાગી રહ્યો છે તે રીતે આવતાં પચ્ચીસ વર્ષમાં હિંદી શીખવા માટે દુનિયાભરના લોકો પડાપડી કરતા હશે. અત્યારે જેમ અંગ્રેજી શીખવાની હોડ લાગી છે, મેન્ડેરિન અને જપાનીસ શીખવા માટે લોકો ઉતાવળા થતા હોય છે એ જ રીતે દુનિયાની પ્રજા પોતાને આગળ વધવું હશે તો હિંદી શીખવા સિવાય છૂટકો નથી એવું માનતી થઈ ગઈ હશે.
સજ્‌જડ કારણો છે આવું માનવા પાછળ. ભારત બહુ મોટી આર્થિક સત્તા ધરાવતો દેશ બની રહ્યો છે. ભારત સાથે ધંધો કરવા, ભારતમાં આવીને નોકરી કરવા કે ભારતીય કંપનીઓ માટે વિદેશમાં રહીને કામ કરવા ભારતના કલ્ચરને જાણવું, એમાં ઊંડા ઉતરવું અનિવાર્ય બનતું જવાનું છે. અને કોઈપણ સંસ્કૃતિને, સમાજને સમજવા માટે ભાષા બહુ મોટી કડી હોવાની. આપણા રક્ષામંત્રીએ દશેરાને દિવસે બેધડક ફ્રાન્સ જઈને રાફેલની શસ્ત્રપૂજા કરી એને ગલગોટાનો હાર પહેરાવી, નાળિયેર ચઢાવી, કંકુથી ઓમ ચીતરી, એનાં પૈડાં નીચે લીંબુ મૂકી( બૂરી નજરવાલે પાકિસ્તાન, તેરા મુંહ કાલા) આખી દુનિયાને સંદેશો આપી દીધો છે કે ભારતને એની સંસ્કૃતિ માટે ગૌરવ છે.

સેક્યુલરિયાઓ ભારતની આવી છબીને દુનિયામાં વગોવતા ફરતા એ જમાના હવે પૂરા થયા. ભારતનો ઝંડો હવે લેફ્‌ટિસ્ટો કે રાષ્ટ્રદ્રોહીઓના હાથમાં નથી. સંસ્કૃતિના રક્ષકોના હાથમાં છે અને એટલે જ દરેક ભારતવાસીએ જે કંઈ કહેવાનું છે તે ગર્વથી હિંદીમાં કહેવાનું છે.

હિંદી હમેં ક્યોં સિખની ચાહિયે એવું સરખી રીતે પૂછી શકો એટલા માટે પણ તમારે હિંદી શીખવી જોઈએ.

પાન બનાર્સવાલા

જેને પોતાની માતૃભાષા સિવાય બીજી કોઈ ભાષા શીખવામાં રસ ન હોય તે વ્યક્તિના મન અને જીવન બંને સંકુચિત બની જવાનાં.

_અજ્ઞાત

5 COMMENTS

  1. ત્રિભાષી “ફોર્મ્યુલા” જ આપણને એક રાખી શકે. માત્રુભાષા, રાષ્ટ્રભાષા અને આન્તરરાષ્ટ્રીય ભાષા સ્વીકારવામાં જ શાણપણ છે એ સમજે એજ ખરો રાષ્ટ્ર્વવાદી બીજા બધા તકવાદી.

  2. Businessman from Belgium coming to surat for diamond business are learning gujarati first.
    Kathiyawad diamond merchant not learning english.

  3. હિન્દીની તરફેણમાં બિલકુલ વેલિડ મુદ્દા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here