કમ્ફર્ટ ઝોનની બહાર, કમ્ફર્ટ ઝોનની અંદર

લાઉડ માઉથ : સૌરભ શાહ

(સંદેશ’, ’અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, બુધવાર, ૧૬ ઑક્ટોબર ૨૦૧૯)

‘મંઝિલને ઢૂંઢવા દિશા કપરી જવું પડે, છોડી જૂનું વતન નવી નગરી જવું પડે / યુગોથી મીટ માંડવી તપ એનું નામ છે, શ્રીરામને જમાડવા શબરી થવું પડે.’

રવિ ઉપાધ્યાય નામના ઓછા જાણીતા જબરજસ્ત કવિની આ પંક્તિઓને પુરુષોત્તમ ઉપાધ્યાયે આજથી લગભગ સાડા ત્રણ દાયકા પહેલાં સ્વરબધ્ધ કરીને ઘેર ઘેર જાણીતી કરી દીધી.

કમ્ફર્ટ ઝોન એટલે આપણું જૂનું વતન. લાઈફમાં જે મેળવવાનો મકસદ બનાવ્યો હોય ત્યાં સુધી જવા માટે આ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને અજાણ્યા પ્રદેશોમાં જવું પડે.
કમ્ફર્ટ ઝોન બેધારી તલવાર જેવો છે. વાપરતાં આવડે તો તમે સક્‌સેસફુલ અને કમ્ફર્ટ ઝોનનો કન્સેપ્ટ સમજ્યા વિના જો એનો અમલ મૂકવા જશો તો ખલાસ, બે કટકા થઈ જવાના લાઈફના.

પરિચિત લોકો, પરિચિત વાતાવરણ, પરિચિત જગ્યાઓ અને પરિચિત માનસિકતા આપણને સલામતી આપે છે. સિક્‌યુરિટી આપે છે. નિશ્ચિંતતા આપે છે. આપણને ખબર હોય છે પરિચિત વાતાવરણમાં પરિચિત લોકો સાથે રહીને આપણે કેવી રીતે આગળ વધવાનું છે. અહીંના ડુઝ અને ડોન્ટ્‌સ ક્યા છે એની પણ ખબર છે. કમ્ફર્ટ ઝોનની મર્યાદામાં રહીને કેવી રીતે પાંગરી શકીએ એમ છીએ એની બરાબર ખબર હોય છે.

જે માનસિક અને ભૌતિક વાતાવરણમાં આપણે ઊછર્યા છીએ અને પાંગરતા રહ્યા છીએ એને આપણે આપણો કમ્ફર્ટ ઝોન માનીએ છીએ. બધું જ ગોઠવાયેલું હોય, એની નક્કી થયેલી ગતિથી ચાલી રહ્યું હોય અને સતત ધાર્યું પરિણામ મળ્યા કરતું હોય એવું કમ્ફર્ટ ઝોનમાં બન્યા કરે. આને કારણે આપણે ‘સૅટલ થઈ ગયા’ હોવાની અને ‘કંઈક અચીવ કરી લીધું’ હોવાની લાગણી મહેસૂસ કરતા થઈ જઈએ.

કશુંક નવું, કશુંક અપરિચિત ફેસ કરવાનું આવે ત્યારે સૌ પ્રથમ રિએક્‌શન રેઝિસ્ટન્સ હોવાનું વાજબી જ છે. ગામની પરિચિત નદીમાં કોઈ ચિંતા વિના ધુબાકા મારીને તરવા જઈશું પણ અજાણ્યા સમંદરમાં પગ મૂકતાં પહેલાં મનમાં દહેશત હશે. કુદરતે જ આ વ્યવસ્થા ડીફોલ્ટ તરીકે આપણામાં મૂકેલી છે જેથી જીવ જોખમમાં ન મૂકીએ. અજાણ્યા લોકોથી સાવધ રહેવામાં, અજાણી જગ્યાઓએ સાવચેતી રાખવામાં શાણપણ છે એવું નાનપણથી આપણે શીખ્યા છીએ અને મોટા થતાં સુધીમાં અનુભવો થતા જાય એમ પુરવાર થતું જાય છે કે સાચું જ શીખ્યા છીએ. કમ્ફર્ટ ઝોનમાં રહેવાની, કમ્ફર્ટ ઝોનમાં જ પડ્યાપાથર્યા રહેવાની આદત પડી જાય છે.

આ આદત જોખમી પુરવાર થઈ શકે છે એનો આપણને અંદાજ પણ નથી હોતો. કમ્ફર્ટ ઝોનની સલામતી આપણને અને આપણા દિમાગને, આપણી સમગ્ર જિંદગીને ક્યારે બંધિયાર બનાવી દે છે એનો આપણને ખ્યાલ જ નથી રહેતો. અમુક જ પ્રકારના લોકો સાથે ઊઠવું-બેસવું, અમુક જ વાતાવરણમાં રહેવું અને અમુક જ વિચારો સાથે નિસબત રાખવી – આને કારણે આપણને સલામતીની લાગણી ભલે મળતી હોય પણ લાંબાગાળે આ સલામતી નુકસાનકારક પુરવાર થતી હોય છે.

કમ્ફર્ટ ઝોનની બહાર નીકળ્યા વિના કોઈનોય ઝાઝો પ્રોગ્રેસ થતો નથી. આપણા બાપદાદાઓ એમના વતનના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને નવા – અજાણ્યા વાતાવરણમાં વસ્યા ત્યારે આપણે, અત્યારે જે આધુનિક સગવડોવાળું જીવન મળ્યું છે તે પામી શક્યા. આપણાં સંતાનો નવી, બહારગામની કે પરદેશની શિક્ષણ સંસ્થાઓમાં ભણવા જશે અને ભણીગણીને અમદાવાદ-રાજકોટ-સુરત-મુંબઈને બદલે બેન્ગલોર-હૈદરાબાદ કે સાન ફ્રાન્સિસ્કો જઈને નોકરી-ધંધો-વ્યવસાય કરશે ત્યારે તેઓ આપણા કરતાં પણ જીવનમાં આગળ વધી જશે.

કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવું જેટલું અનિવાર્ય છે એટલું જ જરૂરી એ સમજવું છે કે આપણી વૅવલેન્થ કોની સાથે મળી ગઈ છે, કોની સાથે ભવિષ્યમાં પણ કામ કરતાં રહીશું તો ગ્રોથ થશે, આપણને આપણી રીતે કામ કરવાની સ્વતંત્રતા મળશે જેને કારણે આપણો વિકાસ થશે. દેખીતી રીતે આ મૅન્ટાલિટીને કોઈ ‘કમ્ફર્ટ ઝોનમાં પડ્યાપાથર્યા રહેવાની’ માનસિકતામાં ખપાવી દે પણ ના, એવું નથી. કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું જરૂરી છે. નાનકડો દાખલો આપું. ‘ચાંદની’ અને ‘લમ્હેં’ બનાવનાર યશ ચોપરા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને ‘ડર’ જેવી વાયોલન્ટ લવ સ્ટોરી પર હાથ અજમાવે છે. સાથોસાથ યશજી શાહરૂખની સાથે ‘ડર’માં કામ કર્યા પછી એને પોતાની ટીમમાં સમાવીને ‘દિલ તો પાગલ હૈ’ અને ‘વીરઝારા’થી લઈને ‘જબ તક હૈ જાન’ સુધીની ફિલ્મો બનાવે છે. શાહરૂખ સાથેના કમ્ફર્ટ ઝોનમાંથી એ બહાર નીકળતા નથી. આપણે એને કમ્ફર્ટ ઝોનનું નામ આપવાને બદલે એમ કહીએ કે જેની સાથે ટ્યુનિંગ થઈ ગયું હોય એની સાથે પર્સનલી જીવવું કે પ્રોફેશનલી કામ કરવું જ જોઈએ. ત્યાં કમ્ફર્ટ ઝોનની બહાર નીકળીને ‘અભિનવ પ્રયોગો’ કરવાની જરૂર નથી હોતી.

લાઈફનો કોઈપણ ફન્ડા સીધોસપાટ કે બ્લેક ઍન્ડ વ્હાઈટમાં નથી હોતો. દરેક વાતને ગ્રે શેડ્‌સ હોવાના. કમ્ફર્ટ ઝોની બહાર નીકળવું છે એવું માનીને બનીબનાવેલી વ્યવસ્થાઓની તોડફોડ કરવાની ના હોય. અને જૂનાની કરવાની દાનતથી, એમની સાથે ટ્યુનિંગ થઈ ગયું છે એવું માનીને કમ્ફર્ટ ઝોનમાં રહીને ગૂંગળાઈ જવાનું પણ ન હોય.
જ્યાં તમને એમ લાગે કે ગૂંગળામણ થઈ રહી છે ત્યાં કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળી જવું. જ્યાં તમને એમ લાગે કે સીમાઓની બહાર નીકળીને વધારે ગ્રોથ થાય એમ છે ત્યાં જરૂર કમ્ફર્ટ ઝોનની બહાર નીકળી જાઓ, બને એટલા વહેલા નીકળી જાઓ. પણ કશું સૂઝતું નથી એટલે કે પછી કંટાળો આવી રહ્યો છે એટલે અત્યારની સિસ્ટમોને તોડીફોડીને કે અત્યારના વાતાવરણને છોડીને બહાર નીકળી જવાથી કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવાના ફાયદાઓ મળવાના નથી. બસ, આટલું જ યાદ રાખવાનું છે.

સાયલન્સ પ્લીઝ

જાતની સાથે સચ્ચાઈ રાખવાની. જિંદગીમાં શું જોઈએ છે, શું મેળવવું છે એની સ્પષ્ટતા થઈ ગયા પછી નિર્ણય લેવાનો કે કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવું છે કે નહીં, ક્યારે નીકળવું છે અને બહાર નીકળીને કેટલે દૂર સુધી જવું છે. ક્યારેક જૂના તમામ પુલ બાળી નાખ્યા પછી, પાછા જવાના તમામ રસ્તાઓ આપણે જાતે જ નષ્ટ કરી નાખીએ એ પછી જ મંઝિલ સુધી લઈ જતા રસ્તાઓ આંખ સામે પ્રગટ થતા હોય છે.
_અજ્ઞાત

5 COMMENTS

  1. શ્રી સૌરભભાઈ,
    અત્યંત ગમ્યો આ લેખ.
    આજના સમયમાં અઢળક દાખલા જોવા મળે છે કે કમ્ફર્ટ ઝોનની બહાર જઈને નામાંકિત થયા હોય. ભારતમાં પણ આવા ઘણા મનુષ્યો કાઠું કઢી ગયા છે અને સિતારા બની ગયા છે.

  2. પણ ક્યારે comfort zone માંથી બહાર નીકળવું અને કેટલું નીકળવું એ નક્કી કરવું ખૂબ મુશ્કેલ છે.કદાચ આને જ સાહસ કેવાય અને પેલી કહેવત મુજબ સાહસ વગર સિદ્ધિ શક્ય નથી.Well explained sir.

  3. Fine line between leaving our comfort zone and being comfortable with known people and environment well explained. Many established careers and businesses have been destroyed by people who don’t realise this difference
    Interesting column sir…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here