રજનીશજીએ વાઈસ ચાન્સેલરના ટેબલ પરથી પેડ ઉઠાવ્યું અને રાજીનામું લખીને પકડાવી દીધું : સૌરભ શાહ

(તડકભડક: ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ. રવિવાર, ૧૩ માર્ચ ૨૦૨૨)

1966ના વર્ષના યુનિવર્સિટીના દીક્ષાંત સમારંભ બાદ કેટલાક અધ્યાપકોએ ભેગા મળીને વાઈસ ચાન્સેલરને રજનીશજી વિશે ચુગલી કરી.

વાઈસ ચાન્સેલરે રજનીશજીને બોલાવ્યા. ફરિયાદના સૂરે કહ્યું : ‘તમારા કલીગ્સને તમારા માટે કેટલીક શિકાયત છે. તમે એમને પ્રોપર રિસ્પેક્ટ નથી આપતા, એમનું અપમાન કરો છો. ક્યારેય કોઈ ફંક્શનમાં હાજરી નથી આપતા. ગ્રુપ ફોટોની સેશનમાં પણ હાજર નથી રહેતા. બધાથી અતડા રહો છો. તમારા આ સુપિરિયોરિટી કૉમ્પ્લેક્સથી બધાને અપમાન જેવું લાગે છે. વળી રજા લીધા વિના અઠવાડિયાઓ સુધી હાજરી પણ નથી આપતા…’

રજનીશજીએ કહ્યું, ‘એમની વાત છોડો, તમારી વાત કરો. તમને મારા માટે શું ફરિયાદ છે! એ લોકોને મારી સામે જે ફરિયાદ હશે તેના વિશે સીધા મને મળીને વાત કરી શકે છે. મારી પીઠ પાછળ આ રીતે તમારી આગળ આવીને રડવાનું યુનિવર્સિટીના પ્રૉફેસરોને શોભતું નથી.’

પછી જે વાત થઈ એ દરમ્યાન રજનીશજીએ કહ્યું, ‘મારા વિદ્યાર્થીઓ મને માન આપે છે, મને ધ્યાનથી સાંભળે છે. એમનો કોર્સ પૂરો કરાવીને જ હું ઇધર-ઉધર ઘૂમતો હોઉં છું. મારા કલીગ્સ મારાથી એટલા માટે ચીઢાય છે કે એમનામાં એક ઇન્ફીરિયોરિટી કૉમ્પ્લેક્સ ઘૂસી ગયો છે. મારી સાથે સીધી વાત કરી શકતા નથી. મને ફેસ કરતાં ગભરાય છે. હવે આમાં હું શું કરી શકું?’

એ પછી બંને વચ્ચે થોડીક શાબ્દિક ઝપાઝપી થઈ અને રજનીશજીએ તત્કાળ ઊભા થઈને વાઈસ ચાન્સેલરના ટેબલ પરથી પેડ ઉઠાવ્યું, ત્રણ વાક્યમાં પોતાનું રાજીનામું લખીને નીચે સહી કરીને વીસીને પકડાવી દીધું. વીસી હતપ્રભ થઈ ગયા. બોલ્યા, ‘બહુ અજીબ પ્રૉફેસર છો તમે તો! રાજીનામું આપીને ખુશ છો.ક્યાંક તમારું દિમાગ તો ખસી નથી ગયું ને?’

રજનીશજીએ કહ્યું, ‘મારું દિમાગ ખરેખર ખસી ગયું હતું એટલે જ તો મેં આ નોકરી કરી. આજે પહેલી વાર દિમાગ ઠેકાણે આવ્યું છે. કેટલાય મહિનાથી હું વિચાર્યા કરતો હતો કે ત્રીસ વિદ્યાર્થીઓને ભણાવ ભણાવ કરીને હું મારો સમય નકામો બગાડી રહ્યો છું. આટલા વખતમાં તો હું હજારો-લાખો લોકોની જિજ્ઞાસાઓને શાંત કરી શકું, એમને બોધ આપી શકું. તમે મારા આ ત્યાગપત્ર બદલ તમારી જાતને જવાબદાર માનતા નહીં. આમેય મારે રાજીનામું તો આપવું જ હતું. આજની ઘટના તો એક બહાનું બની ગઈ.’

રજનીશજીએ બે હાથ જોડીને વાઇસ ચાન્સેલરની વિદાય લીધી. ઘરે પાછા જતી વખતે એક ઘણો મોટો બોજ એમના માથા પરથી ઊતરી ગયો હતો.

યુનિવર્સિટીની નોકરી એમની મંઝિલ નહોતી, એમના માટે એ એક પડાવ હતો.

રજનીશજીના રાજીનામાનું આ ઑફિશ્યલ વર્ઝન છે. રજનીશજીએ 1958થી 1966 સુધી યુનિવર્સિટીમાં ભણાવ્યું, બહારની વ્યસ્તતા હોવા છતાં નોકરીમાંથી છૂટા ન થયા તેનું કારણ મારી દૃષ્ટિએ કંઈક આવું છે, હું ખોટો હોઈ શકું છું, આ માત્ર મારો આધાર વિનાનો તર્ક છે — રજનીશજીને યુનિવર્સિટીની બહાર દેશભરમાં નામના મળી રહી હતી. એમના વિચારોથી તથા એમના વાણીપ્રવાહથી લોકો પૂરેપૂરા પ્રભાવિત થઈ જતા હતા. આમ છતાં યુનિવર્સિટીના નાનકડા વર્ગમાં એમને જે બે વાત મળતી હતી તે જાહેર પ્રવચનોમાં પ્રાપ્ત થતી નહોતી. એક તો, યુનિવર્સિટીમાં એમની સામે જે શ્રોતાવર્ગ હતો તે શતપ્રતિશત યુવાવર્ગ હતો. વીસ-પચ્ચીસ વર્ષનો. અને પાછો દર વર્ષે બદલાતો. નવા યુવાનો આવતા રહેતા. નવી પેઢીના ટચમાં રહેવા માટેનો આ સૌથી સરળ અને મોસ્ટ ઇફેક્ટિવ માર્ગ હતો. બહાર જે શ્રોતાઓ મળતા તેમાંના અનેક લોકો માત્ર એમની ખ્યાતિ સાંભળીને આવતા, પોતાની શ્રીમંતાઈનો દેખાડો કરવા આવતા કે પછી પોતાની બૌદ્ધિક કક્ષા કેટલી ઊંચી છે એ જતાવવા આવતા, કેટલાક, બધા નહીં. જ્યારે યુનિવર્સિટીમાં યુવાનો અભ્યાસમાં ઊંડા ઉતરવાના હેતુથી એમને સાંભળતા.

બીજું કારણ આના કરતાં વધારે ગહન છે. બહાર પ્રવચનો કરવામાં કોઈક રીતે સભાનતા આવી જતી હશે. અમુક વિષયો પર આ રીતે બોલીને લોકોને ઉશ્કેરાવાના છે. વિવાદ ઊભો કરવાનો છે કે પછી પ્રભાવ ફેલાવવાનો છે કે પછી સંપર્કો વધારવાના છે એવું એ વખતે એમના સબ-કૉન્શ્યસમાં હોઈ શકે. આની સામે યુનિવર્સિટીના ક્લાસ રૂમમાં આવાં કોઈ ભૌતિક કારણો વિના નિશ્ચિંત રહીને પોતાને જે બોલવું હોય તે બોલવાની તક મળતી.

આઠ વર્ષના ગાળામાં રજનીશજીને લાગ્યું કે હવે બહાર પણ મારે જે બોલવું હોય તે હું બોલી શકું એમ છું, લોકોએ મને સ્વીકારી લીધો છે, એવો આત્મવિશ્વાસ આવી ગયા પછી યુનિવર્સિટીને પકડી રાખવાનો કોઈ અર્થ નહોતો. વળી, આ આઠ વર્ષમાં એમણે જોઈ લીધું કે નૉર્મલી ધર્મ-અધ્યાત્મ જેવા વિષયોના પ્રવચનોમાં મોટી ઉંમરના લોકો જ આવે પણ એમના પ્રવચનો સાંભળવા તો યુવાનો પણ પડાપડી કરે છે એટલે હવે એમને ત્રીસ યુવાનોના વર્ગની જરૂર રહી નહોતી.

આ માત્ર મારો તર્ક જ છે.

એક ત્રીજી વાત પણ છે.

1958માં જબલપુર યુનિવર્સિટીમાં લેક્ચરર તરીકે જોડાયા પછી 1960માં શહેરના જવાહરગંજ ફુવારા પાસે એમનું સૌપ્રથમ જાહેર પ્રવચન યોજાયું હતું. એ પછી તરત જ એમને બીજાં ત્રણ-ચારપ્રવચનો માટેનાં નિમંત્રણ મળ્યાં. એ જ ગાળામાં જબલપુરના ખંદારી વૉટર વર્ક્સ પાસેના ખુલ્લા મેદાનમાં રજનીશજીની સૌ પ્રથમ ધ્યાનશિબિરનું આયોજન થયું. કુલ 40 જેટલાં સ્ત્રી-પુરુષોએ ભાગ લીધો હતો. આ ધ્યાનશિબિરમાં રાત્રિરોકાણની કોઈ વ્યવસ્થા નહોતી.

યુનિવર્સિટીમાં બાર મહિનાનું ભણવાનું રજનીશજી બે મહિનામાં ભણાવી દેતા. એક તરફ આ નોકરી ચાલુ રહી અને બીજી તરફ એમના માટે પ્રવચનોનાં આમંત્રણો વધતાં ગયાં, શિબિરો પણ યોજાતી ગઈ. 1961માં મુંબઈમાં ગુજરાતી નાટ્યજગતના હરતાફરતા એન્સાઇક્લોપીડિયા સમા નિરંજન મહેતાના પિતા જટુભાઈ મહેતાએ એમનું સૌ પ્રથમ પ્રવચન હીરાબાગ હૉલમાં ગોઠવ્યું. હૉલની કૅપેસિટી 150ની. પ્રવચનમાં ત્રીસથી ચાળીસની હાજરી. સુંદર પ્રવચન થયું. બધા જ બહુ પ્રભાવિત થયા. બીજા વર્ષે, 1962માં પણ જટુભાઈએ રજનીશજીને બોલાવ્યા. હૉલની દોઢસોની કૅપેસિટી કરતાં ત્રીસ-ચાળીસ જણ વધારે હતા, હૉલમાં તો ઊભા રહેવાની પણ જગા નહીં. 1963માં પરમાનંદ કાપડિયાએ જટુભાઈ દ્વારા મુંબઈ જૈન યુવક સંઘની વ્યાખ્યાનમાળામાં રજનીશજીને આમંત્રણ આપ્યું. ચૌપાટીના બિરલા ક્રીડા કેન્દ્ર હૉલમાં ચિક્કાર ભીડ. બહારની લૉબીમાં ત્રણસો-ચારસો માણસોએ ઊભા રહેવું પડ્યું. સીસીટીવીનો જમાનો નહોતો. વાયર ખેંચીને સ્પીકર્સ લગાડવામાં આવ્યાં.

મુંબઈમાં જટુભાઈએ શહેરના આગેવાન ગુજરાતીઓ — દુર્લભજી ખેતાણી, ચીમનભાઈ ચકુભાઈ શાહ, પૂર્ણિમા પકવાસા અને ગુલાબચંદ તલકચંદ શેઠ વગેરે સમક્ષ એક પ્રસ્તાવ મૂક્યો. આ સૌને રજનીશજી માટે જબરજસ્ત આદર અને પ્રેમ. આ મિત્રો-પ્રશંસકોએ જોયું હતું કે યુનિવર્સિટીની વ્યસ્તતાને લીધે રજનીશજીએ ઘણાં આમંત્રણો નકારવા પડે છે. યુનિવર્સિટીમાંથી કાયદેસર મળતી તમામ રજાઓ તેમ જ વૅકેશન્સ ઉપરાંત કપાતા પગારે વધુમાં વધુ જેટલી રજાઓ મળી શકે તે પણ વપરાઈ ગયા પછી કેટલાંય આમંત્રણો પાછાં ઠેલવાં પડે છે. આનો ઉપાય શું?

1964-65ના અરસામાં આ સૂચન થયું જેના પગલે ‘જીવન જાગૃતિ કેન્દ્ર’ નામનું એક ટ્રસ્ટ રચાયું જેણે રજનીશજીની તમામ આર્થિક જરૂરિયાતોની જવાબદારી પોતાના માથે લઈ લીધી.

1966માં રજનીશજીના રાજીનામાનો તખ્તો ગોઠવાઈ ગયો. જબલપુરના પંખીને પિંજરામાંથી મુક્ત કરીને ખુલ્લા આકાશમાં વિહરવાની સગવડ મુંબઈના ગુજરાતીઓએ કરી આપી અને રજનીશજીએ યુનિવર્સિટીમાંથી રાજીનામું આપી દીધું.

રજનીશજીએ શા માટે આઠ વર્ષ સુધી યુનિવર્સિટીની નોકરી કર્યા પછી રાજીનામું આપ્યું તેનું ખરું કારણ આ. અને એ ઉપરાંત જે ઓફિશ્યલ વર્ઝન સૌ પ્રથમ લખ્યું તે. અને મારી તાર્કિક ધારણાનું જે કારણ લખ્યું તે પણ.

આ ત્રણેય કારણો એકમેકનાં વિરોધાભાસી નથી, પણ મોહન રાકેશના મશહૂર નાટક ‘આધે અધૂરે’માં જેમ એનો નાયક પોતાના જીવનમાં બનેલી ઘટનાઓનું વર્ણન લોકો સમક્ષ જે મૂકે છે તે એનું એક વર્ઝન છે, એની નજીકની વ્યક્તિઓએ એ ઘટનાઓના સાક્ષી તરીકે જોયેલું બીજું વર્ઝન છે અને ખરેખર એ ઘટનાઓ બની ત્યારે વાસ્તવિકતા શું હતી તે તેનું ત્રીજું વર્ઝન છે, એ જ રીતે આપણા સૌની જિંદગીમાં મોટેભાગે સત્યના ત્રણ સ્તરે દરેક ઘટના જોવાયા કરતી હોય છે. ત્રણે ય વર્ઝન પોતપોતાની રીતે સાચાં હોય છે.

પાન બનાર્સવાલા

આ જગતમાં કશું જ પૂરેપૂરું મળવાનું નથી… સંપૂર્ણ તો તમે તમારું સ્વરૂપ જ મળી શકે છે. એ સિવાયની બીજી કોઈ ચીજ સંપૂર્ણ હોઈ શકે નહીં.

— ઓશો

•••

આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

9 COMMENTS

  1. ૧૯૭૧માં રજનીશજી ભાવનગરમાં SNDT collegeમાં આવેલા ત્યારે તેમનું સ્વાગત કરવાનો ને તેમને સાંભળવાનો અવસર મળ્યો હતો.૩૦૦થી વધારે વિદ્યાર્થીનીઓ એક કલાકના તેમના પ્રવરચન થી મંત્રમુગ્ધ થઈ ગઈ હતી.

  2. It is simply unbelievable that Osho read so many books , he grasped essence of all and analysed in his own way . Genius personality.
    Nice to know more about him by article.

  3. જીવન જાગૃતિ ટ્રસ્ટની રચના થયા પછી રજનીશજી રાજીનામું આપવા નિર્ણાયક બન્યા એ સ્વીકારવું જરા ખૂંચે છે. કરોડો કરોડો રૂપિયાની ભેટો, સોગાતો, અને ભેટમાં મળેલી અગણિત મિલકત નો આ વ્યક્તિએ ક્યારેય હિસાબ રાખ્યો નથી, પૂછ્યો નથી, કે પરવા કરી નથી. પ્રવચનો દરમિયાન કે પછી કે શિષ્યો સાથે મુલાકત સમયે અનેક અનેક મુલાકાતીઓ એ કાંડે થી ઉતારીને અત્યન્ત કિંમતી રત્નજડિત રોલેક્સ તેમના હાથમાં પહેરાવી દીધી છે કે પોતાની રોલ્સ રોયસમાં આવેલા લોકો સન્યાસ સ્વીકાર્યા પછી તે કરો ને તેમના ચરણે ધરી દીધી મારા સમબન્ધી એ નજરે જોયું છે. જે તે સમયે જે તે ભેટ સ્વીકાર કરી ત્યારે જે કાર્યક્રમ ચાલતો હોય ત્યાં સુધી ભક્તે પહેરાવેલી રતન જડિત ટોપી, કે રોલેક્સ પહેરી રાખી છે અને ઉતાર્યા પછી ક્યારેય તેનો હિસાબ નથી પૂછ્યો. નથી કોઈ ટ્રસ્ટ બનાવ્યું, નથી કોઈ સૂચનાઓ આપતા ગયા.
    …………આ માણસ, આવો અકિંચન માણસ પોતાની જરૂરિયાત માટે એટલો ચિંતિત હોય તે મગજમાં ઉતરતું નથી.

  4. રજનીશ જી વિશે વિશેષ માહિતી સાચી વાત છે પરંતું ઓશો કોઈ ચમત્કારી વિદ્યા જાણતા હતા એવું ઘણાં બધાં સજ્જનો ની લાગણી અને ભાવના પણ હતી .ખરેખર અદ્ભુત અભ્યાસ અને તુલનાત્મક વિશ્લેષણ ગહન અભ્યાસ વગર શક્ય નથી .

  5. આપે જે લખ્યું તે આપની ધારણા છે. રજનીશજી નો વિચાર કંઈક અલગ પણ હોઈ શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here