“મારી મ. . .ર. . .જી. . .”

લાઉડમાઉથ : સૌરભ શાહ

(‘સંદેશ’. ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, બુધવાર, ૧૮ માર્ચ ૨૦૨૦)

હું તો મારું ધાર્યું જ કરું. મારી જિંદગી છે. મારે જે રીતે જીવવું છે તે રીતે જીવીશ. આવો ફાંકો રાખીને જીવવાનું આપણને ગમે છે અને જ્યારે આપણી મરજી મુજબ નથી જીવી શકતા ત્યારે જિંદગી આપણા કાબૂમાં કેમ નથી એવું ફ્રસ્ટેશન માથે ચડી જાય છે, જિંદગી અકારી લાગવા માંડે છે, નકામી લાગવા માંડે છે, વ્યર્થ લાગવા માંડે છે.

તમારી પાસે બીએમડબલ્યુ હોય કે મારુતિ-સુઝુકી, તમારી પાસે ઍક્‌ટિવા હોય કે સાદી સાયકલ તમે એને રસ્તા પર ચલાવવા લઈ જાઓ છો ત્યારે સંપૂર્ણપણે તમારી મરજીથી ચલાવી શકતા નથી. તમારે ટ્રાફિકના નિયમો પાળવા પડે છે, બીજા વાહનચાલકોની સગવડતા સાચવવી પડે છે, એમને અનુકૂળ થવું પડે છે જેથી તમે અકસ્માત ન કરી બેસો. ક્યારેક સામેવાળાની ભૂલ હોવા છતાં તમારે ઍક્‌સિડન્ટથી બચવા માટે તમારી દિશા અને ગતિ બદલી નાખવાં પડે છે. વાહન ચલાવતી વખતે જ નહીં, ફૂટપાથ પર ચાલતી વખતે કે ઈવન દરિયા કિનારે કે પાર્કમાં ટહેલતે વખતે પણ તમારે અનેક વણલખ્યા નિયમોનું પાલન કરવું પડતું હોય છે.

આ જિંદગી મારી છે, એના પર કોઈનો અધિકાર નથી, મારે જે રીતે જીવવું છે તે રીતે હું જીવીશ એવું વિચારીએ છીએ ત્યારે પાયાની વાત ભૂલી જઈએ છીએ કે આ દુનિયા કંઈ આપણા બાપાનો બગેચો નથી. આ દુનિયામાં આપણી સાથે, આપણી આસપાસ અને આપણાથી દૂર દૂર કુલ અબજો લોકો વસે છે. દરેક જણ જો એવું માનીને જીવવા માંડે કે હું તો મારું ધાર્યું જ કરીશ તો આ જગતની વ્યવસ્થા ચોવીસ કલાકમાં કડડભૂસ કરીને તૂટી પડે.

બીજાઓને અનુકૂળ થઈને જીવવાની વાત આવે છે ત્યારે આપણૉ ઈગો છંછેડાઈને કહે છે કે મારી સ્વતંત્રા પર કાપ મૂકવાવાળી સમાજ વ્યવસ્થા સામે હું બગાવત કરીશ. હું મારી રીતે જ જીવીશ, મારું ધાર્યું જ કરીશ.

શરૂઆત ઘર-પરિવારથી કરીએ. તમને મોટેથી સંગીત સાંભળવાનો શોખ છે પણ આ બાબતમાં તમે તમારું ધાર્યું કરી શકતા નથી. ઘરમાં કોઈ ન હોય ત્યારે પડોશીઓનો પણ ખ્યાલ રાખવો પડે છે. તમે માનો છો કે તમે નિખાલસ છો, તમારા મનમાં જે છે તે પ્રગટ કરતાં સંકોચ રાખતા નથી કારણ કે તમને દંભ પસંદ નથી. બહુ સરસ. પણ બીજાઓ માટે તમારો આ મુંહફટ સ્વભાવ અકળાવનારો છે. મનમાં જે કંઈ ચાલતું હોય તે બીજા સમક્ષ બોલી નાખીને તમે નિખાલસ નથી બની જતા. કોની આગળ બોલવું, શું બોલવું, કેટલું બોલવું અને ક્યારે બોલવું એની બેઝિક સમજ તમારામાં ન હોય તો તમે વનમાં વિહાર કરતા ચોપગા છો. તમારા સંપર્કમાં હોય એવી તમામ વ્યક્તિઓ સાથે – પરિચિત હોય, મિત્ર હોય કે સાવ અંગત હોય – તમારે આ સમજ પ્રમાણે ચાલવું પડે છે. પહેલીવાર જેની સાથે સંપર્ક થતો હોય કે પછી વર્ષોથી જે તમારી જિંદગીમાં અવિભાજ્યપણે જોડાયેલાં હોય એવાં પતિ/પત્ની સાથે બીહેવ કરતી વખતે પણ તમારે આ સમજ કેળવીને અમલમાં મૂકવી પડતી હોય છે. મનમાં આવ્યું તે બોલી નાખવું, મનફાવે તે રીતે વર્તી નાખવું આ બધું છેવટે નાના, મોટા અને ક્યારેક અતિ ગંભીર, જીવલેણ અકસ્માતનાં કારણોમાં પરિવર્તિત થતું હોય છે. વાહન ચલાવતી વખતે અકસ્માત ન થાય એની જવાબદારી આપણી હોય છે. બીજાની ભૂલ હોય તો પણ આપણા વાહનને અકસ્માતમાંથી બચાવી લેવા આપણે વાહનનાં ગતિ-દિશામાં આંખના પલકારે ફેરફાર કરી નાખીએ છીએ એ જ રીતે અંગત-જાણીતા-અજાણ્યા લોકો સાથે પણ વર્તવું પડે. જેથી આપણી જ નહીં, બીજાની ભૂલો પણ આપણાને ન પડે.

પોતાની આગવી ઓળખ સાચવીને, પોતાની મૌલિક વિચારસરણીનો ભોગ આપ્યા વિના બીજાઓ સાથે કેવી રીતે હળીમળીને જીવવું એ આપણે શિખ્યા જ નથી. કાં તો બીજાઓ સામે શિંગડાં ભરાવીને, બગાવત કરીને જીવવું કાં પછી કચવાતા મને શરણાગતિ સ્વીકારીને, મન મારીને જીવવું – જાણે આ જ બે વિકલ્પો આપણી પાસે છે એવું માની લીધું છે.

આપણે સમજતા નથી કે તમે જ્યારે બીજાઓને નડતા નથી ત્યારે સંઘર્ષ તમારી જિંદગીમાંથી ઓછો થઈ જાય છે. તમારા આગ્રહો પડતા મૂકી દો છો ત્યારે લોકો તમારી આડે આવવાનું બંધ કરી દે છે. તમે તમારી જીદ પર અડી જાઓ છો ત્યારે બીજાઓ પણ તમારી સાથેના વ્યવહારોમાં અક્કડ બનીને વર્તતા થઈ જાય છે. તમને થાય છે કે હું જો મારા આગ્રહો પ્રમાણે નહીં જીવું તો મારું આગવું અસ્તિત્વ કેવી રીતે ઊભું થશે. અહીં તમે બે વાતે થાપ ખાઈ જાઓ છો. એકઃ તમારે તમારી રોજબરોજની જિંદગીમાં તમારા જીવનના ધ્યેયની બાબતમાં સમાધાનો કરવાં પડે એવી બળજબરી કોઈ નથી કરતું. જે કંઈ નાનામોટા આગ્રહોને જતા કરવાનું કહેવામાં આવે છે તે માત્ર ઍડજસ્ટમેન્ટ છે, બીજાઓ સાથે અનુકૂળ થવાની વાત છે. બીજા લોકો પણ તમારી સાથે સતત અનુકૂળ થતા જ હોય છે પણ તમે તમારા પોતાનામાં એટલા બધા ખોવાયેલા રહો છો કે તમારા કુટુંબીઓ-મિત્રો-પરિચિતો કે ઈવન સાવ અજાણ્યાઓ તમારા માટે કેવાં કેવાં ઍડજસ્ટમેન્ટ કરતાં રહે છે એનો તમને અંદાજ પણ નથી આવતો.

તો શું આખે જિંદગી તમારે બીજાઓની જ સગવડ સાચવીને જીવ્યા કરવાનું? અહીં બીજી વાત ઉમેરાય છે. શહેરના રસ્તા પર તમારા વાહનની ગતિ નિયંત્રિત હોવાની. પણ જો તમારામાં એટલી આવડત તથા એટલો અનુભવ હશે કે તમે રેલિંગ ટ્રેક પર કાર ચલાવી શકો, ફૉર્મ્યુલા-વનમાં ભાગ લઈ શકો, તો શહેરમાં સાઠ, એંશી કે સોની ગતિમર્યાદા તમને નહીં નડે. તમે બસો-ત્રણસોની સ્પીડે તમારી રેસિંગ કાર ચલાવી શકશો. પણ એ માટે આવડત કેળવવી પડે, અનુભવ લેવો પડે. પ્લસ એ માટે તમારી પાસે તમારું વિશાળ વ્યવસ્થાતંત્ર પણ જોઈએ, એવી ટીમ જોઈએ જે કારમાં પિટ-સ્ટૉપ વખતે આંખના પલકારામાં નવું ઈંધણ ભરી આપે, સ્પિલિટ સેકન્ડમાં તમારાં ટાયર બદલી આપે, બીજી કોઈ ક્ષતિ સુધારે આપે અને સતત તમારો હોંસલો વધરતા રહે. આવી ટીમ ન હોય તો તમારે ફૉર્મ્યુલા-વનમાં ભાગ લેવાનું સપનું છોડીને તમારા શહેરના મહાત્મા ગાંધી માર્ગ પર જ વાહન દોડાવ્યા કરવું પડે.

પાન બનાર્સવાલા

ઊંટ કહે આ સમામાં વાંકા અંગવાળાં ભુંડા,

ભૂતળમાં પક્ષીઓને ને પશુઓ અપાર છે;

બગલાની ડોક વાંકી પોપટની ચાંચ વાંકી,

કુતરાની પુંછડીનો વાંકો વિસ્તાર છે.

વારણની સુંઢ વાંકી વાઘના છે નખ વાંકા,

ભેંશને તો શીર વાંકાં શીંગડાનો ભાર છે;

સાંભળી શિયાળ બોલ્યો દાખે દલપતરામ,

અન્યનું તો એક વાંકું આપનાં અઢાર છે.

–કવિ દલપતરામ ડાહ્યાભાઈ ત્રવાડી

(૨૧ જાન્યુઆરી ૧૮૨૦ – ૨૫ માર્ચ ૧૮૯૮. કવિની દ્વિશતાબ્દીનું આ વર્ષ છે. ઉપરના કાવ્યની જોડણી એ જમાનામાં ‘દલપતકાવ્ય’માં જે હતી તે જ રાખવામાં આવી છે).

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here