બાજરીના ડૂંડામાંથી રોટલો બનાવતાં પહેલાં : સૌરભ શાહ

(લાઉડમાઉથ : ‘સંદેશ’, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, બુધવાર, 13 સપ્ટેમ્બર 2023)

રજનીશ જ નહીં, કોઈ પણ મહાપુરુષ અને કોઈપણ સામાન્ય વ્યક્તિને આ વાત લાગુ પડે છે. રજનીશજી વિશે વિચાર કરતાં કરતાં આ વાત મનમાં સૂઝી એટલે એમના નામથી શરૂ કર્યું. બાકી આ લેખ એમના વિશે નથી, જે વાત સૂઝી છે તેના વિશે છે.

તમને તરબૂચ ભાવે ? પાઈનેપલ ભાવે ? સંતરાં, મોસંબી, કેરી ભાવે ? આ કે આવા કોઈ પણ ફળ તમે કેવી રીતે ખાઓ ? કેવી રીતે એનો રસ કાઢો ? છાલ કાઢીને. બિયાં દૂર કરીને. પાયનેપલની છાલ કાઢ્યા વિના એને આખેઆખું સમારીને ખાવાની કોશિશ કરી જુઓ. તરબૂચને કે કેળાને છાલ સાથે ખાઈ જુઓ. વાંદરાં પણ કેળાં ખાય ત્યારે છાલ ઉતારીને ખાતાં જોવા મળશે.

ખેતરમાં બાજરીનો પાક તૈયાર થઈ ગયો છે. બાજરાના ડૂંડાંને મસળીને રોટલો બનાવી શકશો ? કણસલામાંથી બાજરીના દાણાને છૂટા પાડવા ખેતરમાં જ અડધો જ ડઝન પ્રોસેસ કરવી પડશે. ઘરે આવ્યા પછી એને દળતાં પહેલાં કાંકરા અને બીજો નાનો મોટો કચરો જો રહી ગયો હોય તો વીણવો પડશે.

ગુલાબની સુગંધ લેવા એના કાંટાથી બચવું પડશે. અગ્નિનો લાભ લઈને રસોઈ કરતી વખતે એની આંચથી તમે કે ઘરનું નાનું છોકરું દાઝી ન જાય તેનું ધ્યાન રાખવું પડશે. શાક સમારવા માટે છરી અનિવાર્ય પણ એ છરીની ધાર તમને કે બીજા કોઈનેય વાગીને લોહી ન કાઢે એનું ધ્યાન રાખવું પડશે.

રજનીશ (કે કોઈ પણ મહાપુરુષ)ના વિચારો, એમના જીવનના કિસ્સાઓ, એમની વાણી, એમના શબ્દોને જીવનમાં ઉતારતાં પહેલાં એમના ડૂંડામાંથી દાણા છૂટા પાડવા પડે. એમના વિચારગર્ભનો સાર કાઢતાં પહેલાં એના પરની અનાનસ જેવી જાડી, કાંટાળી છાલને દૂર કરવી પડે. એમના અગ્નિના તેજને પામતાં પહેલાં શીખવું પડે કે એનાથી તમે દાઝી ન જાઓ. એમના વિચારોની સુગંધ આપણા જીવનમાં પ્રસરાવવી હોય તો એમના કાંટાથી દૂર રહેવું પડે.

મહાપુરુષો જ નહીં, કોઈ પણ સેલિબ્રિટી – ચાહે એ ફિલ્મી દુનિયાની હોય, રાજકારણ-રમતગમત-સાહિત્ય-વિજ્ઞાન, કોઈ પણ ક્ષેત્રની હોય; તમારે આ જ માપદંડ રાખવા પડે. સેલિબ્રિટી જ શું કામ સમાન્ય – નૉર્મલ માણસોની બાબતમાં પણ આ ધ્યાન રાખવું પડે. તમને એમનામાંથી જે કામનું છે તેની જ સાથે નિસબત રાખવાની. સંતરાની છાલ, એનાં બિયાં દૂર કર્યા વિના જો જ્યુસરમાં નાખશો તો કડવો-તૂરો રસ નીકળશે. દૂર કરવાની કાળજી લેશો તો મીઠો અને ખટમધૂરો સ્વાદ માણવા મળશે.

આપણે માની લીધેલું હોય છે કે જેમના વિચારો આપણને ગમે છે એમના વ્યવહારો પણ આપણે ઈચ્છા રાખીએ છીએ એવા જ હોવા જોઈએ. આપણે સમજી શકતા નથી કે એમના અમુક વ્યવહારો પોતાના વ્યક્તિત્વને દુનિયાના પ્રદૂષણથી બચાવવા માટેના હોય છે. અમુક વ્યવહારો એમની સ્વભાવગત ખૂબી-ખામીઓને કારણે સર્જાય છે અને એ ખૂબી-ખામીઓ જો એમનામાં ન હોત તો અત્યારે જે વ્યક્તિત્વ એમનું છે – જે તમને આકર્ષે છે – તેવું વ્યક્તિત્વ ન હોત. એમના અમુક વ્યવહારો એમના તે વખતના સંજોગોની મજબૂરી હોય છે, તે વખતની પરિસ્થિતિમાં તેઓ એ જ રીતે વર્તી શકે એમ હતા. એમના અમુક વ્યવહારો બદલ એમને પોતાને પણ ફેરવિચાર કરવો જોઈએ એવું લાગતું હશે પણ તમારી કે કોઈનીય આગળ આવી કબૂલાત કરવાનું એમને મુનાસિબ નહીં લાગતું હોય.

તમને એમના અમુક વ્યવહારો, એમના અમુક વિચારો સામે જો વાંધો હોય તો આ કે આવાં બીજાં પણ કારણો હોઈ શકે.

મહાનુભાવોની બાબતમાં જ નહીં, તમારાં માબાપ, તમારાં સંતાનો, તમારાં કુટુંબીજનો, તમારી આસપાસના મિત્રો-સ્વજનો-જ્ઞાતિજનો-ઑફિસના કલીગ્સ, તમારા જીવનસાથી દરેકની બાબતમાં આ નિયમ લાગુ પડે છે. દરેકના વ્યક્તિત્વનો અમુક હિસ્સો તમારે જતો કરી દેવો જ પડે કારણકે તમારી સાથે સંબંધ રાખનારા લોકો પણ તમારા પાઈનેપલને આખેઆખું ચાવી જતા નથી – એવું કરવા જાય તો તરત તમારી છાલના કાંટા એમની જીભે વાગે.

આપણામાંના અમુક લોકોનું વ્યક્તિત્વ જ ટૉક્સિક હોય, વિષયુક્ત હોય છે, ઝેરીલું હોય છે. એમનામાં નેગૅટિવ ઊર્જા ઠાંસી ઠાંસીને ભરેલી હોય છે. આવા ટૉક્સિક અને નેગૅટિવ લોકો જ્યાં જશે ત્યાં આવું વાતાવરણ ફેલાવશે. તેઓ કોઈપણ વ્યક્તિ માટે, ચાહે એ પોતાના જેવી સામાન્ય વ્યક્તિ હોય કે કોઈ મહાનુભાવ હોય, ઊલટીસીધી વાતો જ કરશે. બીજાઓની વાતોમાંથી, બીજાઓના જીવનમાંથી એવી એવી વસ્તુઓ વીણી વીણીને લઈ આવશે કે તમને થશે કે વાત તો સાચી છે એમની. અને તમે રજનીશને સાંભળવાનું, વાંચવાનું પડતું મૂકશો. રજનીશ શબ્દ અહીં સર્વનામ કે વિશેષણ તરીકે વાપરીએ છીએ, નામ તરીકે નહીં – એવું વારંવાર કહેવાની જરૂર છે ?

આવા ટૉક્સિક-નેગૅટિવ લોકોની હાજરી હોય ત્યાં જવું નહીં, તમારી નજીક આવવાની તેઓ કોશિશ કરે તો એમને તમારા સંપર્કથી દૂર રાખવા અને એમની સાથે દૂર રહીને ય કોઈપણ મુદ્દે વાદ-વિવાદ કે ચર્ચામાં ઊતરવું નહીં. તેઓ તમારું દિશાભાન, ટેમ્પરરી તો ટેમ્પરરી, ખોરવી નાખતા હોય છે. તમારા જીવનધ્યેયથી તમને ચલિત કરી નાખવાની ક્ષમતા ધરાવતા હોય છે.

દુનિયા ઘણી વિશાળ છે. તમે કોણ છો, શું છો એની કોઈનેય પડી નથી. તમારી સમૃદ્ધિ તમારે જાતે ઊભી કરી લેવાની છે. તમે રજનીશની મકાઈનો ડોડો આખેઆખો પીસીને રોટલો બનાવવા માગતા હો તો, ભલે તમારી મરજી. નુકસાન તમને જવાનું છે. બાજરીના કે મકાઈના રોટલા જેવો સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખોરાક તમારા જીવનમાં નહીં હોય તો એ નુકસાન તમારું છે, મકાઈ/બાજરીનું નહીં.

શાસ્ત્રોમાં આને જ નીરક્ષીર વિવેક કહે છે. બોલવામાં આસાન છે પણ એને અમલમાં મૂકવા માટે ઘણી સજાગતા જોઈએ. નીર અને ક્ષીર—પાણી અને દૂધ ભળી ગયાં હોય ત્યારે એ બન્નેને છૂટાં પાડવાનું કામ અશક્ય જણાય તેવું છે. જેઓ નીરક્ષીર વિવેક જાળવી શકે છે તેઓ જ અનાનસનો મધુર રસ, કેરીનો સ્વાદ, ગુલાબની સુગંધ માણી શકે છે.

કોઈપણ મહાનુભાવની, કોઈપણ સામાન્યજનની ખોડખાંપણ શોધતાં પહેલાં, એમના વિચારો-વ્યવહારોમાં ખામીઓ જોતાં પહેલાં આટલી વાત યાદ રાખવી. અને બીજી એ વાત પણ યાદ રાખવી કે આ દુનિયા ઘણી વિશાળ છે – અહીં તમારું અસ્તિત્વ જળના એક ટીપા જેટલું કે રેતીના એક કણ જેટલું પણ નથી. માટે માપમાં રહેવું. બહુ કૂદાકૂદ કરવાની નહીં.

સાયલન્સ પ્લીઝ

મામનુસ્મર યુદ્ધ ચ
(મારું સ્મરણ કર અને યુદ્ધ લડવાના તારા કર્તવ્યનું પાલન પણ કર)
-ભગવદ્ ગીતા (8:7)

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

ખાસ નોંધ: ન્યુઝપ્રેમી ડૉટ કૉમના આર્કાઇવ્ઝમાંથી સૌરભ શાહના આવા બીજા સેંકડો લેખો વાંચવા માટે તેમ જ રોજેરોજ નવા લખાતા લેખો વિશેના અપડેટ્સ મેળવવા માટે લેખકના વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા તમારું નામ આ નંબર પર મોકલી આપો : ⁨090040 99112

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

3 COMMENTS

  1. સરસ મજાનો ખુબજ અસરકારક લેખ. બે કે ત્રણ દિવસે કે અઠવાડીએ એક વખત વાંચીએ તો ધીરે ધીરે સ્વભાવ બદલાઇ શકે અને જીવન સરળ બની શકે

  2. બહુ સરસ,સરલ, મુદ્દાસર અને સ્પષ્ટ રજુઆત. વાંચીને સીધુ હ્રદયમાં ઉતરી જાય એવા વિષય, જીવનલક્ષી માર્ગદર્શન . ધન્યવાદ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here