આંખ મીંચી દસ્તખત જ્યાં જ્યાં કહ્યા ત્યાં ત્યાં કર્યા, મેં જ લૂંટાવ્યું ઉઘાડેછોગ અજવાસે બધું: ‘મિસ્કીન’ અને એમની કવિતા: ભાગ ત્રીજો અને છેલ્લો — સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ: શુક્રવાર, ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૩)

ક્યારેક થાય કે પુત્રકામેષ્ઠિ યજ્ઞ કરનારાઓ માટે રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ના ગઝલસંગ્રહ ‘મળેલાં જ મળે છે’નું વાચન કમ્પલસરી હોવું જોઈએ. આઈવીએફ વગેરે કૃત્રિમ ગર્ભાધાનથી સંતાન મેળવવા ઈચ્છતા દંપતીઓથી માંડીને પુત્ર માટે જાતજાતની બાધા/માનતા માનનારાં પતિપત્નીઓએ પણ આ ગઝલસંગ્રહનું દિલથી પઠન કરવું જોઈએ. વાંચ્યા પછી એ સૌને લાગશે કે અમે સદ્‌ભાગી છીએ. વાંઝિયામહેણું આશીર્વાદ લાગશે.

તહેવારનો દિવસ છે. બેસતા વરસનો દિવસ છે. અત્યાર સુધીની જિંદગીમાં આ સપરમા દહાડે વડીલ સિલ્કના ઝભ્ભાના ખિસ્સામાં કડકડતી નોટોનું બંડલ મૂકીને સંતાનોને આશીર્વાદ આપવા આતુર રહેતા, પણ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. સંતાનો મોટાં થઈ ગયાં છે. સંતાનો ઘરમાં વહુ લઈ આવ્યાં છે.

પુત્ર જ્યારે પારકો થઈ જાય ફાધર શું કરે?
બાપ જો મૃત્યુ પછી સમજાય ફાધર શું કરે?

સૌ મળી સાથે જ જમતા’તા કશા મનદુ:ખ વગર,
આવનારીને ન એ દેખાય ફાધર શું કરે?

આવા સંજોગોમાં વરસ શરૂ થતું હોય કે પૂરું – કેવી રીતે ઉજવવાનો ઉમંગ આવે? નિરાશાથી અને હતાશાથી ઘેરાઈ ગયેલું આ મન બેસતા વર્ષે શું કહે છે?

સરખા જ જ્યારે ઊગતા સઘળા દિવસ હવે,
શું ઊજવું હું દોસ્તો નૂતન વરસ હવે.

મૂકું શું કોડિયાં અને અજવાળાં શું કહો?
બદલીને રૂપ રોજ મળે છે તમસ હવે

સબરસ ખરીદે શું? જ્યાં જીવન થઈ ગયું ખારું,
ઊગી શકાય એવો નથી ક્યાંય કસ હવે.

પહેલાં કેવું હતું, હં! ફાધર બહારગામ જવા માટે વહેલી ગાડી પકડવાના હોય કે પછી સવારની વહેલી ગાડીમાં બહારગામથી પાછા આવવાના હોય ત્યારે ભલે આપણે એમની સાથે ન જવાનું હોય તોય વહેલા ઊઠીને રિક્શા લઈ આવતા, કે પછી એમને આવકારવા માટે વહેલા વહેલા ઊઠી જતા: શું લાવ્યા હશે મારા માટે?

સાવ ફાટી આંખેથી જોતો રહ્યો તૂટેલ ઘર,
બાળપણમાં જે કદી કૂંપળ સમું ફૂટેલ ઘર.

આવવાનો ને જવાનો એકલો હું હોઉં પણ,
હરવખત મારે લીધે વહેલું સદા ઉઠેલ ઘર.

કોઈ મોટી હો વિપત્તિ, મૂંઝવણ કે આપદા,
લાવતું’તું સાથ બેસીને સદા ઉકેલ ઘર.

જાતે રાંધતાં ન શીખેલા હોઈએ ત્યારે પાછલી અવસ્થામાં એ કુટેવ ભારે પડે. ભૂખ્યા રહેવું પડે. કથાનાયકની આ વ્યથાને કવિ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’એ વિવિધ ગઝલોમાં વણી લીધી છે:

બાળપણમાં થાળ ઈશ્વરને જમાડીને જમ્યો,
આજ કરપાત્રીની માફક પેટ હું ભરતો રહ્યો.

રાખતા ભૂખ્યો અજાણ્યા થૈ અને,
જાણતા હરચીજ ભાવે છે મને.

ભૂખ ભૂંડી! શોધ ના ઘરમાં કશું,
શ્વાસ છે ને છે કલમ-કાગળ હવે.

કાલ સદાવ્રત ત્યાં ખોલ્યું’તું
આજ ત્યાં જઈ ખાતો બટકું.

કોણ માંદું? કોણ ભૂખ્યું? કોણ જાગ્યું રાતભર?
એક છત નીચે છતાં હરકોઈ અળગા-બેફિકર.

હતો એ પણ સમય ‘મિસ્કીન’ વ્યસન કરતો’તો ભોજન સમ,
હવે છે આ સમય બે ટંકનું ભોજન વ્યસન લાગે.

એક વાત સાવ સાચી કે ગજા બહારનાં સપનાં જો સમયસર પૂરાં ન થઈ શકે તો એને દફનાવી દેવાં જોઈએ. લાયકાત મળ્યા વિના જોયેલાં સપનાં સાચવી રાખવાથી પાછલાં વર્ષોની રઝળપાટનો ભાર અનેકગણો વધી જાય છે.

કેટકેટલું ભર્યા કરીશ તું, ખાલી કરવું ભારે પડશે,
બધુંય નક્કામું થૈ જાશે આગળ તરવું ભારે પડશે.

ગારાના ઘરમાં રહેનારે સપના ના જોવા વરસાદી,
કોણ આંખને સમજાવે કે આ ઝરમરવું ભારે પડશે.

એક પડાવ પર આવીને કવિ ‘મિસ્કીન’ જરા પોરો ખાય છે અને પોતાની વાત માંડે છે. સામાન્ય રીતે કાવ્યસંગ્રહ કે ગઝલસંગ્રહ કે પછી નવલકથા વગેરેમાં સર્જકે જે કંઈ કહેવાનું હોય તે આરંભે કહી દે અથવા અંતમાં વાચક સાથે ગોઠડી માંડે. અહીં ગઝલસંગ્રહના અધવચ્ચે એક પાનું રોકીને ‘મિસ્કીન’ એક વાત માંડે છે (‘મિસ્કીન’નું સર્જન, એમનું બધું જ અલગારી હોય છે) લખે છે:

‘એપ્રિલ ૨૦૧૭માં ઑસ્ટ્રેલિયામાં સતત ચાર દિવસ બસો જેટલા યુવક-યુવતીઓ સાથે રહેવાનું થયું. હવે પણ પહેલા જેવું ચાલી નથી શકાતું (‘મિસ્કીન’ સાહેબ ૧૯૫૫માં જન્મેલા છે). કોઈ હાથ પકડે તો સારું લાગે… એક દીકરો ભીની આંખે હાથ પકડીને કહે: અંકલ, તમારા જેવા વડીલોના આશીર્વાદની ખૂબ જરૂર છે. અમારી પાસે બધું છે, માબાપ નથી… એ દીકરા-દીકરીઓને વૃદ્ધમાં માબાપ દેખાતા હોય છે. મને પણ દરેકમાં મારાં દીકરાઓ જ દેખાય છે. દરેકના સ્પર્શમાં દીકરાનો સ્પર્શ અનુભવું છું.’

આટલું કહીને આ ગઝલ એ સૌ દીકરાઓને કવિ અર્પણ કરે છે:

એકલો ચૂપચાપ ઘરથી દૂર હિજરાતો રહ્યો,
પુત્રનો પરદેશમાં હર વૃદ્ધથી નાતો રહ્યો.

હોય સમજુ એ સજાઓ ભોગવે સૌથી વધુ,
સર્વને ખુશ રાખવા ચૂપચાપ કચડાતો રહ્યો.

મ્હેનતુ ને પરગજુ ને પ્રેમનો ભૂખ્યો હતો.
સૌ તરફ ચૂપચાપ એ નિ:સ્વાર્થ ખેંચાતો રહ્યો.

પાઈ પાઈ એકઠી કરતો હતો કંજૂસ થઈ,
લાગણી ખાતર એ છુટ્ટે હાથ ખર્ચાતો રહ્યો.

કૈંક કહેવા માગતો’તો ખોલવું’તું ક્યાંક મન,
ઘર-વતનની યાદમાં ચૂપચાપ ભીંજાતો રહ્યો

કથાનાયકની દરેક વેદનાને કવિએ ઘૂંટી ઘૂંટીને વ્યક્ત કરી છે. ‘ખંડિત દામ્પત્ય’ અને ‘નિષ્ફળ લગ્નજીવન’ શીર્ષકની બે ગઝલોના બબ્બે અલગ અલગ શેર એકસાથે અહીં મૂક્યા છે:

સળગતાં બેઉ તન સૂતાં સળગતાં બેઉ મન જાગે,
રહ્યું સપના મહીં જે એ જ સૂતેલું જીવન જાગે.

અને ઘર સાથ એ પણ તૂટતા ચાલ્યા છે હર શ્વાસે,
જીવનભરના કદી આપ્યા હતા જે એ વચન જાગે.

કોઈ ક્યાં સુધી ટકે જોડાઈ હરપળ મન વગર,
કેટલાં વર્ષો રહે? આ ફૂલ-ઝાકળ મન વગર.

આટલાં વર્ષો નિભાવ્યો સાથ, ભારતમાં બને,
શક્ય ન્હોતું એક ડગલું સાથ આગળ મન વગર.

આ જ ગઝલનો એક ઑર શેર છે:

ભાગ્યનો કે જાતનો આભાર એમાં માનવો?
આપણે જીવી ગયા ચૂપચાપ અંજળ મન વગર.

બહુ ભારે થઈ જવાય છે આ બધી ગઝલોમાંથી પસાર થતાં થતાં. એક એક પાનું ફેરવતી વખતે એ કાગળ પણ લોઢાનું હોય એવો ભાર લાગે છે, કારણ કે એના પર કવિએ લખ્યું છે:

એ ઘરે દરરોજ મૂર્તિઓ બધી પૂજાય છે,
બાપ જ્યાં હડધૂત ભિખારીની માફક થાય છે.

આ બધી હાલાકી ભોગવવાની આવી એમાં કથાનાયકનો કોઈ વાંક ખરો? હા. આ બધો વાંક એનો જ છે:

આંખ મીંચી દસ્તખત જ્યાં જ્યાં કહ્યા ત્યાં ત્યાં કર્યા,
મેં જ લૂંટાવ્યું ઉઘાડેછોગ અજવાસે બધું.

અને આ અત્યારની જ ભૂલ નથી. વરસોથી આવું જ કરતા આવ્યા છે. છોરુ કછોરુ થાય, માવતર કમાવતર ના થાય એમ માનીને સંતાનોની હરએક જીદ પૂરી કરી, બધું જ ઠાલવી દીધું એમની માગણીઓને પૂરી કરવા. તો પછી લો હવે, ભોગવો.

ભાગ્યને ભગવાનને દુનિયાને શું હું દોષ દઉં,
જ્યાં બધાયે દુ:ખ સદા મારા અટકચાળાં રહ્યા.

એક વેળા માત્ર સમજાયું કશું મારું નથી,
એ પછી મિત્રો કશે ના ક્યાંય ગોટાળા રહ્યા.

દર-બ-દર ‘મિસ્કીન’ ભટકવું એકલું લાગે નહીં,
એક-બે એવાં સ્મરણ સંગાથ હૂંફાળાં રહ્યા.

એક તરફ થાય છે કે આ ઘરમાં હવે રહેવું નથી. બીજી તરફ મૂંઝવણ છે કે આ ઘર છોડીને જવું તો ક્યાં જવું. કેટલો મોટો પથારો ઊભો કર્યો છે. ઉપરવાળો એને સંકેલે ત્યારે જ એ સંકેલાશે. આપણું તો ગજું નથી અને મરજી પણ નથી, કારણ કે કેટલી હોંશથી એક એક તાણોવાણો વણીને આ પથારો ઊભો કર્યો છે, પણ કોઈને છે એની ફિકર?

કોઈને કોની પડી છે, કૈં જ? સઘળા બેફિકર,
થૈ ગયા ઘરના બધાયે સભ્ય જબરા બેફિકર.

ભાગ મિલકતના પડે સરખા, ફિકર બસ આટલી,
એક લોહી… તે હતા સૌ ભાઈ સરખા બેફિકર.

હાથપગ ચાલ્યા મજૂરી ત્યાં લગી બાપે કરી,
સર્વને રાખ્યા હતા એણેય અડધા બેફિકર.

એ ગમે ત્યારે મરે, ‘મિસ્કીન’ સવારે કાઢશું,
સૂઈ ગયા ચૂપચાપ રાતે સર્વ ઘરના બેફિકર.

બસ પૂરું.

*

ખાસ નોંધ : રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ —બસ, આટલું નામ ટાઇપ કરીને ગુગલ સર્ચ કરો. એમનાં અનેક પુસ્તકો અને કાવ્યસંગ્રહો જ્યાં જ્યાં મળે છે એની વિગતો મળી જશે. ‘મિસ્કીન’નો એકએક શબ્દ સોનાની લગડી છે અને દરેક પુસ્તક સોનાની ખાણ.
• • •

બીજી ખાસ નોંધ: ન્યુઝપ્રેમી ડૉટ કૉમના આર્કાઇવ્ઝમાંથી સૌરભ શાહના આવા બીજા સેંકડો લેખો વાંચવા માટે તેમ જ રોજેરોજ નવા લખાતા લેખો વિશેના અપડેટ્સ મેળવવા માટે લેખકના વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા તમારું નામ આ નંબર પર મોકલી આપો : ⁨090040 99112

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

ખાસ નોંધ: ન્યુઝપ્રેમી ડૉટ કૉમના આર્કાઇવ્ઝમાંથી સૌરભ શાહના આવા બીજા સેંકડો લેખો વાંચવા માટે તેમ જ રોજેરોજ નવા લખાતા લેખો વિશેના અપડેટ્સ મેળવવા માટે લેખકના વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા તમારું નામ આ નંબર પર મોકલી આપો : ⁨090040 99112

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

4 COMMENTS

  1. Grumbling as one grows older seems natural. Generation gaps are eternal. Everyone wants to live happily and continuously. Having a child fulfills this wish in a way. Regretting later seems bad luck. Poets and writers mostly want to express their feelings with good intentions. But one of the eternal truths is: Self-Centeredness.

  2. સૌરભભાઈ, કવિતા કે ગઝલ મારા રસ નો વિષય ઓછો છે, પરંતુ મુંબઈ સમાચાર માં આપે લગભગ પાંચેક વર્ષ પહેલાં આપે બે કે ત્રણ લેખ લખેલા ત્યારે ખબર પડી કે રાજેન્દ્રભાઈ બહુ જ મોટા ગજાના ગઝલકાર છે, પોતાનું હૃદય ખોલી ગઝલો લખે છે, તમારો લેખ વાંચી બહુજ મઝા પડી, તમારા લેખો માં ગણી વિવિધતા વાંચવા મળે છે

  3. રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ ત્રણેય લેખ હ્રદયને વલોવી નાખે એવી ગઝલ – કવિતા. મનમાં ધરબાયેલા વિચારો, વસવસો, અનુતાપ પ્રાયશ્રિચત. કોઈની સાથે શેર કરી શકાય એવી વ્યક્તિ પણ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here