પૈસાથી હૅપિનેસ ખરીદી શકાતી નથી એ વાત સાચી છે? : સૌરભ શાહ

(લાઉડમાઉથ : ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, ૧ માર્ચ ૨૦૨૩)

આચાર્ય ગણો, ભગવાન ગણો કે ઓશો – મારે મન રજનીશજી માત્ર રજનીશ છે— જબરજસ્ત મૌલિક અને ક્રાંતિકારી વિચારક.

દેખીતી રીતે તમને લાગે કે એમણે ભગવદ્ ગીતાથી લઈને ઉપનિષદો સુધીનાં અનેક ગ્રંથો પર ટિપ્પણી કરતાં પ્રવચનો કર્યાં કે પછી કબીર, મીરા, લાઓત્ઝુથી માંડીને ગાંધીજી સમા મહાપુરુષના વિચારોનું વિશ્ર્લેષણ કર્યું. મને એમ લાગે છે કે આ બધી હસ્તીઓ કે એ ગ્રંથો એમના માટે ખીંટી સમાન છે. પોતાના જલદ વિચારોને સ્વીકાર્ય બનાવવા રજનીશે એ બધાંને સ્ટેપિંગ સ્ટોન તરીકે વાપર્યા અને પછી પોતાને જે કહેવું હતું તે કહ્યું. આ ગ્રંથો કે હસ્તીઓની ચાલણગાડી શ્રોતાઓને આપ્યા વિના રજનીશે સીધા જ આપણને દોડાવ્યા હોત તો કદાચ થોડે પહોંચીને આપણે થંભી જાત યા ગબડી પડત.

રજનીશે ગીતા-કબીર ઈત્યાદિના વિચારોને પોતાની રીતે ઈન્ટરપ્રીટ કર્યા એવું આપણને લાગે છે પણ જેઓ રજનીશના અઠંગ અભ્યાસી છે તેઓ જોઈ શકશે કે ઈન્ટરપ્રીટેશન એમનું પહેલું ગિયર પણ નથી, માત્ર એક સ્ટાર્ટર છે. એક વખત સ્ટાર્ટ લીધા પછી તેઓ પોતાની સ્પીડે પોતાના નવા રસ્તે નીકળી પડે છે.

એક જમાનામાં રજનીશનાં પ્રવચનો પરથી બનતાં પુસ્તકો ખૂબ મોંઘાં વેચાતાં. હાર્ડ બાઉન્ડ હોય, એમ્બોસ્ડ ડસ્ટ જૅકેટ હોય, અસ્તર સિલ્કનું હોય, કાગળ અને પ્રિન્ટિંગ તો બેસ્ટ ક્વૉલિટિનાં હોય જ. એ પુસ્તકોનો ઘણો મોટો ચાર્મ હતો. રજનીશના ગયા પછી થોડાંક વર્ષો અસમંજસમાં રહ્યા પછી એમના પુસ્તકના કૉપીરાઈટ હોલ્ડરોએ પેપરબૅક એડિશન માટે પરવાનગીઓ આપવાની શરૂ કરી. આને કારણે છેલ્લાં બેએક દાયકામાં રજનીશ સાહિત્ય ખૂબ કિફાયત કિંમતે અનેક લોકો સુધી પહોંચ્યું. આનો પણ એક ચાર્મ છે. ભારતના જાણીતા અંગ્રેજી-હિન્દી પ્રકાશકોએ પણ આ પુસ્તકોના પ્રકાશનમાં હોંશે હોંશે ભાગ લીધો.

પેપરબૅકમાં છપાયેલાં રજનીશનાં સેંકડો ઉમદા પુસ્તકોમાંનું એક અત્યારે મારા હાથમાં છે. ઓશો લાઈફ એસેન્શ્યલ્સ સિરીઝમાંનું ‘ફેમ, ફૉર્ચ્યુન એન્ડ ઍમ્બિશન’ ટાઈટલ ધરાવતા આ પુસ્તકનું પેટામથાળું છે: વૉટ ઈઝ ધ રિયલ મીનિંગ ઑફ સક્સેસ? પુસ્તકની સાથે ૧૩૧ મિનિટની ડીવીડી પણ છે જેમાં ‘ફ્રોમ ડાર્કનેસ ટુ લાઈટ’ નામના પ્રવચનની વાતો છે જેનું ટાઈટલ છે: ‘ઈનોસન્સ: ધ પ્રાઈસ યુ પે ફૉર ધ ફેઈલ્યોર ઑફ સક્સેસ’

નામ અને દામ. પૈસો અને પ્રસિદ્ધિ. ફેમ ઍન્ડ ફૉર્ચ્યુન. રજનીશ આમાં ઊંડા ઊતરીને એ બંને સાથે જોડાયેલી માનસિકતાનો એકએક તાર છૂટો પાડીને તપાસે છે. લોભ-લાલચનું ઉદ્ગમસ્થાન કયું? પ્રસિદ્ધ માણસો અને શ્રીમંત માણસો સમાજમાં આટલી મોટી વગ ધરાવતા હોય એવું લાગે છે, શા માટે? પૈસાથી હૅપિનેસ ખરીદી શકાતી નથી એ વાત સાચી છે? આ પુસ્તકમાં રજનીશ એમની સરળ, ક્યારેક રમૂજભરી તો ક્યારેક દિમાગને ઉત્તેજિત કરતી તો ક્યારેક તરબતર કરી નાખતી શૈલીમાં જવાબ આપે છે.

લોકોને પોતે જે કામ કરી રહ્યા છે, પોતે જે જિંદગી જીવી રહ્યા છે તેના કરતાં બીજાનું કામ, બીજાની જિંદગી વધારે આકર્ષક લાગવાની. ધ ગ્રાસ ઈઝ ઑલ્વેઝ ગ્રીનર ઑન ધ અધર સાઈડ. આને કારણે આપણે આપણા પોતાનામાં જે પોટેન્શ્યલ ભરીને પડ્યું છે તેની અવગણના કરતા થઈ જઈએ છીએ. બીજા લોકો તમારી પાસે જે અપેક્ષા રાખે છે એ અપેક્ષાને સંતોષવામાં તમે મંડી પડો છો. આને કારણે તમને તૃપ્તિ થતી નથી. આ અતૃપ્તિનું કારણ તમને એ લાગે છે કે જે તમે મેળવ્યું છે તે ઓછું છે એટલે તમે ધરાતા નથી. હજુ વધારે મેળવીશું તો તૃપ્ત થઈ જશું.

પણ એવું નથી. અતૃપ્તિનું કારણ એ નથી કે તમે ઓછું મેળવ્યું છે. અતૃપ્તિનું કારણ એ છે કે તમારે જે મેળવવું હતું તે તમને નથી મળ્યું અને ક્યાંથી મળે? તમે તો લોકોની તમારા માટેની અપેક્ષા સંતોષવામાં રહ્યા. તમે માની લીધું કે તમારી તમારા પોતાના માટેની અપેક્ષા પણ એ જ છે. આવું માનવામાં તમે ભૂલ કરી બેઠા.

લોકોની તમારા માટેની અપેક્ષા તમારા પર એટલી બધી હાવિ થઈ ગઈ કે તમારી પોતાની તમારા માટેની અપેક્ષા ઢંકાઈ ગઈ, બિલકુલ છુપાઈ ગઈ. તમે એને જોઈ શક્યા પણ નહીં.

તમને બીજાઓનાં કામ, બીજાઓનાં જીવન આકર્ષક લાગ્યાં ત્યારે તમે વિચાર્યું પણ નહીં એ લોકોને પણ તમારું કામ, તમારું જીવન જોઈને ઈર્ષ્યા આવતી હોય એવું બને. ભગવદ્ ગીતામાં બહુ સ્પષ્ટ રીતે આ ડાયલેમાનો ઉકેલ આપ્યો છે: સ્વધર્મે નિધનં શ્રેય: પરધર્મો ભયાવહ: અહીં ધર્મ એટલે રિલિજિયન નહીં પણ ધર્મ એટલે જીવનનો હેતુ, જીવનની નીતિરીતિ, જીવનનું લક્ષ્ય. પોતાનો ધર્મ નિભાવતાં આવેલું મૃત્યુ પણ આવકાર્ય છે અર્થાત્ એવું કરવાથી જીવનમાં જે કંઈ અગવડો – અડચણો આવે, કોઈ ફિકર નહીં કરવાની, બહુ બહુ તો શું અંજામ આવશે? મૃત્યુ ને? ભલે. પણ બીજાના ધર્મને અનુસરવાની, બીજાના જેવા બનવા જવાની મૂર્ખામી કરવાથી ઘણો ભયાનક અંજામ આવશે, જીવતે જીવ તમે મડદા જેવા બની જવાના.

રજનીશ કહે છે: ‘કુદરતે પૈસાનો કોઈ વિચાર કર્યો જ નથી. કર્યો હોત તો પૈસા ઝાડ પર ન ઉગતા હોત? પૈસો માણસના ભેજાની પેદાશ છે – ઉપયોગી છે, પરંતુ ડેન્જરસ પણ છે. તમે કોઈ ખૂબ પૈસાદારને જુઓ છો અને તમને લાગે છે કે કદાચ પૈસાથી આનંદ મળે છે, એ ભાઈ પોતે કેટલો ખુશ દેખાય છે, તો દોડો પૈસા પાછળ. તમને કોઈ તંદુરસ્ત માણસ દેખાય છે, દોડો તંદુરસ્તી પાછળ. તમને કોઈ બીજું કંઈક કરતું દેખાય છે અને એનાથી એ સંતુષ્ટ હોય એવું લાગે છે, દોડો બીજું કંઈક કરવા પાછળ?

આ સમાજ રચાયો છે જ એ રીતે જેમાં વ્યક્તિનું મહત્ત્વ ઓગળી જાય. વ્યક્તિમાં રહેલું આગવાપણું ભૂંસાઈ જાય એની ઈન્ડિવિજ્યુઆલિટી નષ્ટ પામે. એટલે કોઈ તમને તમે જે છો એવા રહેવા દેવા માટે પ્રોત્સાહન નહીં આપે. સમાજ, તમારી આસપાસની વ્યક્તિઓ, કુટુંબીઓ, મિત્રો, પરિચિતો – આ બધા જ તમને તમારું પોટેન્શ્યલ એક્સપ્લોર કરવાના તમારા પ્રયત્નોમાં સાથ નહીં આપે. રજનીશ તમને સાથ આપશે. આવતા અઠવાડિયે થોડું વધારે.

સાયલન્સ પ્લીઝ

હૅપિનેસ ક્રિયેટિવિટીની આડપેદાશ છે. કંઈ પણ ક્રિયેટ કરો હૅપિનેસ આપોઆપ મળવાની છે.

—રજનીશ

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

8 COMMENTS

  1. ખુબ જ સરસ વાત આવા ને આવા લેખ મુકતા રહો.

  2. Very nice Saurabh bhai . I liked this sentence ” Happiness is the byproduct of creativity . If you create anything , without any expectation, the happiness will follow ” . The creation here relates to ” Karma ” as explained in Geeta . The creation does not necessarily mean that , you must create an art piece , a painting , a song , a melody or any other form of art . Any work done for the benefit of Universe , without having any expectation , is creation. It is real karma and happiness is byproduct of any selfless Karma . Very nice share Saurbah bhai . Keep writing & sharing . I can suggest one more book on this subject for all the readers . ” The Practice ,shipping creative work ” by Seth Godin .

  3. સૌરભ ભાઈ, ઓશો ઉપર series બનાવો. જી. દુ .કૃષ્ણમૂર્તિ નો એક famous વિડિઓ છે, જેમાં શબ્દો ની રમત વાળા મોંક ની વાત કરી છે, જેમાં લાગે છે એ ઓશો પર વાત કરી રહ્યા છે પણ નામ નથી લીધું. શુ તમારા research થી પ્રકાશ પાડી શકશો ?

  4. સાચી વાત…….. પારકા ભાણે …… મોટો લાડુ…….!!! આજ બધાના દુઃખ નુ મૂળ……!!!

  5. સૌરભભાઈ, રજનીશજી નો આર્ટિકલ પૈસા અને હેપીનેસ વીશે વાચતા વીનોદ ખન્નાની યાદ આવી. ઝણહળતી કારકિર્દી, પરીવાર છોઙીને રજનીશ ના શરણે ગયા. દસ-પંદર વર્ષે પાછા આવ્યા. May be he realized materialist world would be better for him. જે પ્રાપ્ત કરવા ગયેલા એ મળ્યુ કે નહી ? No body knows. સાધુ-સનંયાસી થઈ જવુ સહેલુ છે સંસારમાં રહીને આ બધા પ્રશ્નો સાથે ઝજુમે એ જ સાચો માનવ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here