કિશોર કુમાર ગાયક બનવા માગતા હતા કે અભિનેતા? : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ, Newspremi dot com: બુધવાર, ૧૮ ઑક્ટોબર ૨૦૨૩)

કિશોર કુમારની કારકિર્દીને સુખદ વળાંક આપનારી ફિલ્મ ‘આરાધના’નાં ગીતોમાં એમનો અવાજ લેવાનો જ નહોતો, બધાં ગીતો મોહમ્મદ રફી ગાવાના હતા, પણ નસીબની બલિહારી જુઓ, ‘ગુન ગુના રહે હૈ ભંવરે’ સિવાયનાં બાકીનાં ત્રણ ગીતોમાં કિશોરદાનો અવાજ લેવાયો અને એટલું ઓછું હોય એમ આ ત્રણ ગીતો ગાયા પછી કિશોર કુમાર હિંદી ફિલ્મ સંગીતની દુનિયામાં ક્રમશ: એવા છવાતા ગયા કે ફિલ્મમાં હીરો કોઈ પણ હોય – એનું ગીત કિશોરના અવાજમાં જ હોવું જોઈએ એવી પ્રથા પડી ગઈ. અને એની સામે ધીમે ધીમે મોહમ્મદ રફીને મળતું કામ ઓછું થતું ગયું.

એક જમાનામાં ‘ફેમિના’ના એડિટર રહી ચૂકેલાં વિખ્યાત પત્રકાર સત્યા સરનને આપેલી મુલાકાતમાં ‘આરાધના’ના પ્રોડયુસર-ડાયરેકટર શક્તિ સામંતાએ આ વાત કહી હતી: ‘ (‘આરાધના’ બની રહી હતી ત્યારે) ગીતો રેકૉર્ડ કરવાનો સમય આવ્યો તે વખતે એક ગીત અમને અર્જન્ટ જોઈતું હતું જેથી એનું શૂટિંગ શરૂ થઈ શકે. દાદા (સચિનદા) ઝડપથી એ ગીતનું રેકૉર્ડિંગ કરવા માગતા હતા. દાદા રફી પાસે એ ગીત ગવડાવવા માગતા હતા, પણ રફીસા’બ એ વખતે એમના સ્ટેજ શો માટે વર્લ્ડ ટૂર પર હતા અને એક મહિના પહેલાં ઈન્ડિયા વાપસ આવવાના નહોતા. એટલે મેં દાદાને રિક્વેસ્ટ કરી કે તમે અગાઉ દેવ આનંદની કેટલી બધી ફિલ્મોમાં કિશોર પાસે ગવડાવ્યું જ છે અને રાજેશ ખન્ના નવો આર્ટિસ્ટ છે, એના માટે હજુ સુધી કોઈ એક પ્લેબેક સિંગરનો અવાજ એસ્ટાબ્લિશ થયો નથી તો આ ગીત માટે કિશોરનો અવાજ લઈ જોઈએ તો કેવું? દાદાએ કહ્યું: ‘ઓકે, બોલાવી લો કિશોરને. કિશોરે બીજા બે-ત્રણ ગીતોનું પણ રેકૉર્ડિંગ કરી આપ્યું. દાદાને લાગ્યું કે મારું સજેશન સહી હતું. અમને બધાને લાગ્યું હતું કે રાજેશ ખન્ના માટે કિશોર કુમારનો અવાજ મોસ્ટ સૂટેબલ છે.’

કિશોર કુમાર શું પહેલેથી જ ઈન્ડસ્ટ્રીમાં પ્લેબેક સિંગર બનવા આવ્યા હતા? ઍક્ટિંગ કરતાં એમને ગાવામાં વધારે રસ હતો? મોટા ભાઈ અશોક કુમારે એમને અભિનય કરવા માટે ધકેલ્યા? કિશોર કુમારે પોતે તો એક કરતાં વધારે ઈન્ટરવ્યૂઝમાં આવું જ કહ્યું છે. રેડિયો પરની મુલાકાતમાં પણ તેઓ આવું જ કહેતા રહ્યા છે કે પોતે એક્ટર નહીં પણ સિંગર બનવા માગતા હતા.

તો પછી કારકિર્દીના શરૂઆતના દોઢ-બે દાયકા સુધી શું કામ તેઓ રફી, મુકેશ કે તલત મહેમૂદની જેમ માત્ર પ્લેબેક સિંગિંગ પર ધ્યાન આપવાને બદલે ઍક્ટિંગ કરતા રહ્યા? મારું માનવું છે, આ માત્ર મારી કલ્પના જ છે, કે કિશોર કુમાર પોતાના મોટાભાઈની જેમ એક સુપરસ્ટાર બનવા માગતા હતા, પણ અશોક કુમાર જેવી અભિનયની પ્રતિભા, એવો દેખાવ એમનામાં નહોતો. કૉમેડિયન તરીકે કિશોર કુમાર લાજવાબ હતા, એમના કૉમિક ટાઈમિંગને કોઈ પહોંચી શકે નહીં, પણ સિરિયસ કે પછી રોમેન્ટિક ઍક્ટિંગમાં તેમ જ ઍકશન સિક્વન્સ માટે એમની પાસે મર્યાદિત અભિનય ક્ષમતા હતી. અશોક કુમારની જેમ તેઓ હરફનમૌલા નહોતા. દિલીપ-રાજ-દેવની ત્રિપુટીની કૉમ્પીટિશન કરી શકે એવી ઍક્ટિંગ ટેલન્ટ નહોતી એમનામાં. આમ છતાં એમણે પોતાની મર્યાદા જાણ્યા વિના, હાર માન્યા વિના અભિનય ક્ષેત્ર ત્યજ્યું નહીં એટલું જ નહીં તેઓ ઘણીવાર કહેતા કે ‘દિલીપકુમાર પછી હું ઈન્ડસ્ટ્રીનો સૌથી મોટો (લોકપ્રિય) અભિનેતા હતો.’ આવું તેઓ જરૂર માનતા હશે, પણ હકીકત એવી નહોતી. રાજ કપૂર અને દેવ આનંદ બધી રીતે કિશોર કુમાર કરતાં મોટા ગજાના અને વધારે લોકપ્રિય સ્ટાર્સ હતા.

એક કૉમેડિયન કે એક વિલન માટે જો ફિલ્મની કારકિર્દી લંબાવવી હોય તો એણે એકાદ દાયકા પછી કેરેકટર રોલ્સ કરવા જ પડે. કિશોરદા હીરોના સિંહાસનેથી હેઠે ઊતરવા તૈયાર નહોતા જેના પરિણામે અર્લી સિક્સ્ટીઝમાં એમની હીરો તરીકેની એક પછી એક ફિલ્મો ફ્લોપ જવા માંડી. ‘ચલતી કા નામ ગાડી’ (૧૯૫૮) એમણે પોતે પ્રોડ્યુસ કરેલી અને સુપર હિટ ગઈ. શક્ય છે કે એ પછી તેઓ પોતાને એક સંપૂર્ણ ફિલ્મકાર માનીને પોતે જ ફિલ્મો પ્રોડ્યુસ કરતા, ડાયરેકટ કરતા, એમાં સંગીત આપતા, ગાતા, ગીતો પણ લખતા અને સ્ટોરી-સ્ક્રીન પ્લેમાં પણ ફાળો આપતા, પરંતુ ‘ચલતી કા નામ ગાડી’ જેવી કમર્શિયલ સફળતા એમણે ફરી ક્યારેય પોતાના પ્રોડક્શનની કોઈ ફિલ્મમાં જોઈ નહીં, એમાંની કેટલીક ફિલ્મો ક્રિટિક્લ અક્લેઈમ પામી અને ઘણી ફિલ્મોના ગીત-સંગીત તો ખૂબ વખણાયાં, પણ છેવટે જ્યારે નફા નુકસાનના હિસ્સાનો વખત આવ્યો ત્યારે ધંધામાં મસમોટી ખોટ દેખાતી. હીરો તરીકે હવે ગાડું ચાલે એમ નહોતું અને પ્લેબક સિંગર તરીકેની કારકિર્દીમાં રસ નહોતો. આમાં ઉમેરાતી પર્સનલ લાઈફની અસમંજસો અલમોસ્ટ એક આખો દાયકો આ અંધારામાં વીતી ગયો અને ‘આરાધના’ પછી એમની જિંદગીમાં બીજો સૂર્યોદય થયો. આ મારી ઘણી જૂની થિયરી છે. તમારે સહમત થવું જરૂરી નથી. પણ આ સિરીઝ લખતી વખતે અનાયાસે મેં અમિતાભ બચ્ચનને કિશોર કુમારના અવસાન પછી આપેલી ટૂંકી શબ્દાંજલિનો વીડિયો જોયો જેમાં મારી આ થિયરીને અનુમોદન અપાતું હોય એવું મને લાગ્યું અને મેં જાહેરમાં આ વાત કહેવાની હિંમત કરી. બચ્ચનજી કહેતા હોય તો પછી આપણે કહેવામાં કોઈ વાંધો નહીં.

કિશોર કુમાર કે પછી બીજું કોઈ પણ પોતાના ઈન્ટરવ્યૂઝમાં (કે ઈવન આત્મકથામાં) જે કંઈ કહે તેને સો ટકા હકીકતરૂપે માની લેવાની જરૂર નથી હોતી, કારણ કે અમુક બાબતમાં વ્યક્તિ પોતાની ઈમેજ બનાવવા (કે સાચવવા) આવું કહેતી કે લખતી હોય એવું બને.

કિશોર કુમારને, શક્ય છે કે, આજીવન અફસોસ રહ્યો હોય કે પોતે અશોક કુમાર જેવા કે દિલીપ-રાજ-દેવની હરોળમાં બેસી શકે એવા સ્ટાર ન બની શક્યા. કેવી આયર્ની કહેવાય! એ પોતે એક એવા ગાયક હતા જેવા ગાયક સદીમાં એકાદ જન્મે તો જન્મે, એમને જિંદગીની બીજી કોઈ નિષ્ફળતાને અફસોસ હોવો પણ ન જોઈએ. આનંદ બક્ષી ગાયક બનવા ઈન્ડસ્ટ્રીમાં આવ્યા હતા. કેટલા મોટા ગીતકાર પુરવાર થયા. સલીમ ખાન અભિનેતા બનવા આવ્યા હતા. (‘તીસરી મંઝિલ’માં એમને ડ્રમ સેટ વગાડતાં જોયા છે?) પણ સ્ટોરી-સ્ક્રીન-પ્લે રાઈટર તરીકે એમની જાવેદ અખ્તર સાથેની જોડી જબરજસ્ત મશહૂર થઈ. શું બક્ષીસા’બ કે સલીમસા’બને ગાયક કે અભિનેતા ન બની શક્યાનો રંજ હશે? કોને ખબર. હોવો જોઈએ? બિલકુલ નહીં જો એમના એક અદના ફૅન તરીકે જોઈએ તો.

કિશોર કુમાર વિશે જાવેદ અખ્તરે એક વખત ‘ઝી’ના શોમાં કહેલું કે કોઈ પણ ગીતમાં તમે કિશોર કુમારે બીજા કોઈપણ સિંગર સાથે ગાયું હોય તો જો જો કે તમારું ધ્યાન કિશોરના અવાજ પર જ વધારે જશે. ફિલ્મમાં એ જ ગીત બીજા સિંગર્સના અવાજમાં હશે તો પણ જે પૉપ્યુલર થયું હશે તે કિશોરવાળું જ વર્ઝન હશે. આશા ભોસલેએ ‘આર.કે.બી.’ના શોમાં કહેલું કે મને જો ક્યારેય હિંદી ગીતો સાંભળવાનું મન થાય તો હું માત્ર કિશોરદાનાં ગીત સાંભળું (અને લતાદીદીનાં).

આવું કહેવામાં ન તો બીજા તમામ મહાન ગાયકોને આપણે ઓછું મહત્ત્વ આપીએ છીએ, ન એમની અવગણના કરીએ છીએ. માત્ર કિશોર કુમારની એકમેવતા સ્થાપિત કરીએ છીએ, એમના ક્ષેત્રમાં એમની કળાની મહાનતાને બિરદાવીએ છીએ.

એસ. ડી. બર્મન પછી જે બીજા ચાર સંગીતકારો માટે કિશોર કુમારે ઢગલાબંધ ગાયું તેની વાત હજુ બાકી છે.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

4 COMMENTS

  1. સૌરભભાઈ બર્મનદા પછી બીજા ચાર સંગીતકારો કે જેમણે કિશોર દા પાસે ખૂબ સુંદર ગીતો ગવડાવ્યા હોવાનું મારું નિરીક્ષણ છે, તેમાં આર. ડી. બર્મન લક્ષ્મીકાંત પ્યારેલાલ, કલ્યાણજી આણંદજી અને હેમંતકુમાર છે. આપનું લિસ્ટ જુદુ હોઈ શકે છે.

  2. Even Subhash Ghai had come as an actor, but could not make his career as an actor, but became the best showman after Raj Kapoor

  3. It was, indeed, an amazing read. Thanks for sharing these, never heard or known, details. There have been many such interesting incidents in his personal life. It would be interesting to know these details of not only his lives but from the lives of many legendary people not at all from gossip purpose but these stories incidents , provide inspiration to so many people as to how they fought the difficult, challenging circumstances and with their perseverance, achieved their goals without losing courage or without bothering about external factors. These stories, many a times, provide direction when chips are down and path ahead is not clear. Life of R D Burman or other such personalities would be an inspiring read.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here