એ સાત વર્ષ કિશોરદા સચિવ દેવ બર્મનથી દૂર રહ્યા કે પછી બર્મનદાએ કિશોરને પાસે આવવા ન દીધા કે પછી દેવ આનંદ અને કિશોર કુમાર વચ્ચે કંઈક બની ગયું : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ, Newspremi dot com : મંગળવાર, ૧૭ ઑક્ટોબર ૨૦૨૩)

આગલા લેખના ફીડબૅક માટે ઘણા બધા વાચકોનો દિલથી આભાર: ‘તીન દેવિયાં’માં કિશોર કુમારે ગાયેલાં ત્રણ નહીં પણ ચાર ગીતો હતાં. ચોથું ગીત હતું: ઉફ કિતની થંડી હૈ યે રાત. અને ફટ્ કરીનો મતલબ ફટકડી! વાચકોના આ ફીડબૅક બદલ ધન્યવાદ, આભાર, શુક્રિયા, થૅન્કયુ.

‘ફન્ટૂશ’નાં ગીતો પછી સચિન દેવ બર્મને કિશોર કુમાર પાસે એ પછીના વર્ષે એટલે કે 1957માં ‘નૌ દો ગ્યારહ’માં બે સુપર હિટ ગીતો ગવડાવ્યાં: આંખો મેં ક્યા જી, રૂપહલા બાદલ… આશા ભોંસલે સાથેનું ડયુએટ અને આ સોલો: હમ હૈ રાહી પ્યાર કે હમ સે કુછ ના બોલિયે.

આ બેઉ ગીતો, અને ‘નવ, દો ગ્યારહ’નાં બધાં જ ગીતો લખનારા મજરૂહ સુલતાનપુરી સાહિત્ય જગતનું આદરણીય નામ અને ફ્લ્મિોમાં ગીતકાર તરીકે કેટકેટલા ઊંડાણસભર, ચિંતનાત્મક તેમ જ પ્રણયભરપૂર અને રમતિયાળ બધાં જ પ્રકારનાં ગીતો એમણે વટથી લખ્યા. રૂક જાના નહીં તૂ કહીં હાર કે, કાંટો પે ચલ કે મિલેંગે સાયે બહાર કે જેવાં અનેક ફિલોસોફિકલ ગીતો લખનારા મજરૂહસા’બે એટલી જ પૅનાશથી અને કોઈ શરમ સંકોચ વિના હિંદી ફિલ્મ સંગીતના ત્રણ સૌથી મોટા ‘એવા પ્રકાર’ના ગીતો લખ્યા જે સાંભળીને તમને લાગે કે મજરૂહ સુલતાનપુરીએ આ ગીતો લખ્યા હશે? પણ કોઈપણ સાહિત્યકારની, ઊંચા ગજાના ગીતકારની, આ જ કમાલ છે. તેઓ જો ગુલઝાર હોય તો તુમ આ ગયે હો લખે અને બીડી જલઈ લે જિગર સે પિયા પણ લખે અને મજરૂહ સુલતાનપુરી હોય તો પ્રકાશ મહેરાની ‘સમાધિ’ (1972)માં આર. ડી. બર્મન માટે ‘બંગલે કે પીછે તેરી બેરી કે નીચે… કાંટા લગા’ લખે, રાજ એન. સિપ્પી ‘ઈનકાર’ (1977)માં. રાજેશ રોશન માટે ‘તૂ મુંગડા મૈં ગુડ કી ડલી મંગતા હૈ તો આ જા રસિયા ના હી તો મૈં યે ચલી’ લખે અને આમિર ખાનના પિતા તાહિર હુસૈને પ્રોડયુસ કરેલી તથા એના કાકા નાસિર હુસૈને ડિરેક્ટ કરેલી ‘કારવાં’ (1971)માં આર. ડી. બર્મનના સંગીતમાં કેબરે સૉંગ્સના વિશ્વમાં રાષ્ટ્રગીતનો દરજ્જો ધરાવતું આ ગીત પણ લખે! પિયા તૂ અબ તો આ જા…

તો લખવાનું. શિષ્ટ અને સંસ્કારી સાહિત્યકારનો તાજ માથેથી ઉતારીને મનમાં જે પાગલપન ઉમટતું હોય તેને બહાર કાઢીને લોકો સુધી એને પહોંચાડી દેવાનું. કોઈ હાનિ નથી એમાં.

મુંગડા (મંકોડો)વાળા ગીતમાં થોડીવાર માટે હેલનજીની કમર પરથી ધ્યાન દૂર કરીને સંગીત બરાબર સાંભળજો. રાજેશ રોશન તેજસ્વી સંગીતકાર છે પણ એમના સંગીતમાં ક્યારેક ( ક્યારેક, દર વખતે નહીં) આર. ડી. બર્મનની બેઠ્ઠેબેઠ્ઠી નકલ હોય છે એ આક્ષેપ કેટલો સાચો છે તેના પુરાવા ગીતના મુખડામાં જ મળી જશે. 1977ની આ ફિલ્મમાં આર. ડી.ના મ્યુઝિકવાળી ‘યાદોં કી બારાત’ જે 1973માં આવી હતી, ફિલ્મના આયકોનિક ગીત ‘ચુરા લિયા હૈ’નો આરંભ સંભળાશે. ‘જુલી’થી આરંભાયેલી રાજેશ રોશનની યાત્રા આર.ડી. બર્મનમાંથી મેળવેલી પ્રેરણા વિના સફળ ન થઈ શકી હોત.

1957માં ‘પેઈંગ ગેસ્ટ’માં કિશોર કુમારે ફરી એકવાર એસ. ડી. બર્મનના સંગીતમાં મજરૂહ સુલતાનપુરીના શબ્દો ગાયા: માના જનાબને પુકારા નહીં… છોડ દો આંચલ ઝમાના ક્યા કહેગા… ઉપરાંત હાય હાય હાય યે નિગાંહે કર દે શરાબી જિસે ચાહેં, મૈં તો ભૂલ ગયા રાહેં (દેવ આનંદે ટિપ્સી બનીને ગાયેલું પાર્ટી સૉંગ) અને ઓ નિગાહેં મસ્તાના દેખ શમા હૈ સુહાના… ગીતો ગાયાં… આ ગીત જોતી વખતે નૂતનજી પરથી તમારી નિગાહેં હટવાનું નામ નથી લેતી.

પછીના વર્ષેે હિંદી ફિલ્મ જગતની ટોપ થ્રી કૉમેડી ફિલ્મોમાં જેનું સ્થાન અચળ છે એવી ‘ચલતી કા નામ ગાડી’ આવી (બાકીની બેમાંની એક તો ‘પડોશન’ અને ત્રીજી તમારી ગમતી કોઈપણ. મારા માટે ‘મુન્નાભાઈ MBBS જે પરમ દિવસે જ ફરી થિયેટરના મોટા પડદે ફરી જોઈ). એસ.ડી.નું સંગીત, મજરૂહનાં ગીતો: બાજુ બાજુ સમજો ઈશારે હૉર્ન પુકારે, એક લડકી ભીગી ભાગી સી સોતી રાતોં મેં જાગી સી, હાલ કૈસા હૈ જનાબ કા, મૈં સિતારોં કા તરાના, યાને યાને યાને પ્યાર હો ગયા અને ઈન હાથોં સે સબ કી ગાડી ચલ રહી હૈ જે ફિલ્મમાં નહોતું લેવાયું (તમને ખબર છે ‘શોલે’ માટે આનંદ બક્ષીએ એક ગીત ગાયું હતું જે ફિલ્મમાં નહોતું લેવાયું?) બાય ધ વે, જેઓ અનઈનિશ્યેટેડ છે એમને લાગશે કે ‘ચલતી કા નામ ગાડી’નું પેલું બહુ જાણીતું ગીત તો રહી જ ગયું. ના ભાઈ ના. મૈં સિતારોં કા તરાના ધીરજથી સાંભળજો, એમાં જ પાંચ રૂપૈયા બારા આના આવશે! આશાજીના અવાજમાં મધુબાલા ગીત શરૂ કરે છે: મેૈં સિતારોં કા તરાના મૈં બહારોં કા ફસાના, લે કે એક અંગડાઈ મુઝ પે ડાલ નઝર બન જા દીવાના… અને કિશોર કુમાર રૉબિનહૂડ કે રોમિયો જેવી કૉસ્ચ્યુમમાં એન્ટર થાય છે: રૂપ કા તુમ હો ખઝાના તુમ હો મેરી જાં યે માના, લેકિન પહલે દે દો મેરા પાંચ રૂપૈયા બારા આના, પાંચ રૂપૈયા બારા આના મારેગા ભૈયા ના ના ના ના…

‘ચલતી કામ નામ ગાડી’ (1958) અને ‘ગાઈડ’ (1966) વચ્ચે સચિન દેવ બર્મને કુલ લગભગ દોઢ ડઝન ફિલ્મોમાં સંગીત આપ્યું પણ આમાંથી કેટલી ફિલ્મોમાં કિશોર કુમાર પાસે ગવડાવ્યું? અથવા તો એમ પણ પૂછી શકીએ કે કિશોર કુમારે એમાંથી કેટલી ફિલ્મો માટે સચિન દેવ બર્મન માટે ગાયું? ‘અપના હાથ જગન્નાથ’ (1960, જેમાં કિશોર ખુદ હીરો હતા), ‘બેવકૂફ’ (1960, અગેઈન એમાં ખુદ કિશોર હીરો હતા), ‘નૉટી બૉય’ (1962, ફરી એકવાર, એમાં કિશોર પોતે જ હીરો હતા) આ ત્રણેય ફિલ્મોમાં કિશોર કુમાર પાસે ગવડાવવું જ પડે, સ્વાભાવિક હતું. તો બાકીની પંદર ફિલ્મોનું શું? હા, કેટલીક ફિલ્મો એવી હતી જેમાંના ગીતોમાં કિશોર કુમારનો અવાજ ના ચાલે, માની લઈએ. દા.ત.: ‘કાગઝ કે ફૂલ’ (1959), ‘સુજાતા’ (1959), ‘બંદિની’ (1963) અને ‘મેરી સૂરત તેરી આંખે (1962). તોય દસ કરતાં વધારે ફિલ્મો રહી. અને એમાંય આઠ-આઠ ફિલ્મોમાં તો દેવ આનંદ અને કેટલીકનું પ્રોડકશન પણ નવકેતનનું, આમ છતાં આ ફિલ્મોમાં કિશોર કુમારનો અવાજ નહોતો, આશ્ર્ચર્ય થાય તમને: ‘કાલા પાની’ (1958, નવકેતનનું પ્રોડક્શન), ‘સોલવા સાલ’ (1958), ‘બમ્બઈ કા બાબુ’ (1960), ‘એક કે બાદ એક’ (1960), ‘કાલા બાઝાર’ (1960, નવકેતનનું પ્રોડક્શન), ‘મંઝિલ’ (1960), ‘બાત એક રાત કી’ (1962) અને ‘તેરે ઘર કે સામને’ (1963).

એ સાત વર્ષ દરમિયાન કિશોરદા સચિવ દેવ બર્મનથી દૂર રહ્યા કે પછી બર્મનદાએ કિશોરને પાસે આવવા ન દીધા કે પછી દેવ આનંદ અને કિશોર કુમાર વચ્ચે કંઈક બની ગયું!

રામ જાણે. પાકી માહિતી તો કોની પાસે હોય, સાંભળેલી વાતો જરૂર હોઈ શકે જેમાં કેટલું સત્ય છે ને કેટલી કલ્પના છે એ તારવવાનું કામ ડિફિકલ્ટ છે. મારી પોતાની એક થિયરી છે, બિલકુલ કલ્પના જ છે. પણ એ હું, તમારી સામે શેર કરીશ.

કાલે.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

4 COMMENTS

  1. આ લેખોથી ઘણી માહિતી મળી કિશોર દા અને સચીન દા સાત વરસ સાથે કામ ન કર્યું પણ હિંદી સિનેમાના સુવર્ણ યુગનાં વરસોમાં સંગીતકારોની સૂઝ ગજબ હતી કોની પાસે કયું ગીત ગવડાવવુ જેમકે જવેલથીફના આ બે શાનદાર ગીતો દિલ પુકારે આરે આરે અને આસમાંકે નીચે

  2. કોઈને રોજ જમાડો અને પછી અચાનક નાસ્તો કરાવીને વિદાય કરો એવું ફીલ થયું

  3. સર, કીશોરદાની આ સીરીઝ વાંચવાનો આનંદ અનેરો છે. મને ખૂબ ગમ્યું વાંચવું અને જાણવું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here