જાહેર ગુસ્સો અંગત ગુસ્સો

ગુડ મૉર્નિંગ

સૌરભ શાહ

ગુસ્સો ખોટી રીતે વગોવાઈ ગયો છે. જાહેર જીવનમાં તેમ જ અંગત જીવનમાં એ માત્ર ઉપયોગી જ નથી, અનિવાર્ય પણ છે. ક્યાંક કશુંક ખોટું થતું હોય ત્યારે માણસને ગુસ્સો ન આવે તો માની લેવું કે એની માનસિકતા નાન્યતર જાતિની છે. અન્યાય થતો જોઈને લોહીનું ઊકળવું સ્વાભાવિક છે. ક્રાન્તિઓ આવા ગુસ્સામાંથી જ સર્જાતી હોય છે. ચૂપચાપ સહન કરી લેવાની વૃત્તિને સહનશીલતા કે ધીરજના ઉચ્ચ આસને બેસાડી શકાય નહીં. ‘એમાં મારા કેટલા ટકા’ વાળી ઍટિટ્યુડ દ્વારા પોતાની સામાજિક જવાબદારી ફંગોળી દેનારાઓ ગુસ્સાને વગોવે છે. આવા લાખો લોકોમાંથી જ્યારે કોઈ એક જણ ઊભો થઈને આક્રોશ વ્યક્ત કરતાં વિરોધના સૂરમાં કહે છે કે જે ખોટું થઈ રહ્યું છે તે હવે અટકવું જોઈએ ત્યારે એને ટપલાં મારીને બેસાડી દેવાની ચેષ્ટાઓ થાય છે. એની વિરુદ્ધ બેફામ આક્ષેપબાજીનું વાતાવરણ સર્જાય છે, એને બદનામ કરવા માટેનો પ્રચાર કરવાનું ષડ્યંત્ર રચાય છે. પોતાની માનસિક નિર્વીર્યતાને ખુલ્લી પડી જતાં જોઈ ન શકનારા લોકો ક્રોધ દ્વારા વ્યક્ત થઈ જતી કોઈકની ખુમારીને, મર્દાનગીને, એના શૌર્યને સહન કરી શકતા નથી. વસ્ત્રવિહીનોના નગરમાં નિર્વસ્ત્ર ન હોય એવી કોઈક વ્યક્તિ આવી ચડે ત્યારે એની શું હાલત થાય? સ્વાભાવિક છે કે સૌ નગરવાસીઓ સાથે મળીને એનાં કપડાં ઉતારી લેવાની જ કોશિશ કરવાના. વસ્ત્રધારી પરદેશી પોતાનાં કપડાં ઉતારવાની ના પાડે ત્યારે તટસ્થ ગણાતી વ્યક્તિઓ પણ ઘડીભર ડગમગી જવાની. એમને પણ લાગવા માંડશે કે નક્કી આ પરદેશી પાસે ઢાંકવા જેવું કશુંક જરૂર છે, ખુલ્લું પડી જાય તો પોતે ઉઘાડો થઈ જશે એવો ડર આ પરદેશીને હશે અને એટલે જ નગરજનો એને નિર્વસ્ત્ર કરવા માગે છે ત્યારે એ એનો વિરોધ કરે છેે. આવી પરિસ્થિતિમાં તટસ્થો પણ વિચારી શકતા નથી કે પેલા લોકો શા માટે આનાં કપડાં ઉતારવાની કોશિશ કરે છે. કોઈક નબળી પળે ભલભલા તટસ્થોને પણ નગરવાસીઓની પંગતમાં બેસી જતાં તમે જોયા હશે.

જાહેરજીવનમાં ગુસ્સો વ્યક્ત કરવાની એક તરાહ હોય. આવેશમાં આવીને જેમતેમ બોલી નાખીને વ્યક્ત થતો ગુસ્સો ગમે તેટલો સાચો પણ હોય તોય એ વેડફાઈ જાય. આવી તક ગુમાવી દેવાથી બે રીતનું નુકસાન થાય. ગુસ્સો કરનારની જેન્યુઈનનેસ ઢંકાઈ જાય અને જેઓ ગુસ્સાને પાત્ર છે તેઓને આરોપી મટીને ફરિયાદી બનવાની તક મળી જાય.

અંગત જીવનના ગુસ્સાની બાબતમાં પણ લગભગ આ જ માપદંડો લાગુ પડે. વ્યક્તિ સાથે વ્યવહાર દ્વારા કે લાગણી દ્વારા જોડાયેલી અન્ય વ્યક્તિઓ સામે ગુસ્સો ન જ કરવો એવું ન કહી શકાય. સામેની વ્યક્તિ કશુંક ખોટું કરતી હોય ત્યારે એના હિતમાં ગુસ્સો કરવો પડે. સામેની વ્યક્તિઓ તમને અન્યાયકર્તા વર્તણૂક દેખાડતી હોય ત્યારે પણ ગુસ્સો કરવો પડે, પણ આવો ગુસ્સો જેમતેમ બોલી નાખવાથી કે ઘાંટા પાડીને દલીલો કરવાથી વેડફાઈ જવાનો. ગુસ્સો કરવાનો કોડ ઑફ ક્ધડક્ટ કોઈએ નક્કી નથી કરી આપ્યો એટલે દરેક વ્યક્તિએ પોતાની જાતે જ એના નિયમો બનાવી લેવા પડે.

મગજ તપી જાય કે માથું ફાટફાટ થાય એવી પરિસ્થિતિમાં ઈન્સ્ટન્ટ ગુસ્સો પચવામાં ભારે સાબિત થાય. વાસ્તવમાં એ ગુસ્સો નહીં, આવેશ હોય છે. નકરી ઈન્સ્ટન્ટ પ્રતિક્રિયા-બીજું કશું જ નહીં. અંગત જીવનમાં પણ ગુસ્સો વ્યક્તિનિરપેક્ષ બનવો જોઈએ અર્થાત્ સામેની વ્યક્તિ કશુંક ખોટું કરી રહી હોય ત્યારે ‘તમે તો છો જ આવા’ એવા શબ્દો વાપરીને આખેઆખી વ્યક્તિને ઝપટમાં ન લેવાની સાવચેતી રાખીને ગુસ્સાને વસ્તુલક્ષી કે મુદ્દાલક્ષી બનાવી શકાય. આ ચોક્કસ બાબત વિશેનું તમારું વર્તન ન ગમ્યું. આ ખાસ પ્રસંગે તમે જે નિર્ણય લીધો તે બરાબર નહોતો. કે પછી તમારા વ્યક્તિત્વની આટઆટલી બાબતો સાથે હું બિલકુલ સહમત થઈ શકું એમ નથી: આવું કહીને તમારા ગુસ્સાને સંસ્કારી બનાવી શકાય.

કાલે પૂરું.

આજનો વિચાર

છપાઈને વેચાતાં હતાં જે અખબાર તે હવે વેચાઈને છપાવા માંડ્યા છે.

– વૉટ્સએપ પર વાંચેલું

એક મિનિટ!

બકો: ગુરુજી, એવી પત્નીને શું કહેવાય જે સુંદર હોય, ગોરી હોય, ઊંચી હોય, બુદ્ધિશાળી હોય, શાંત હોય, ચારિત્ર્યની શુદ્ધ હોય, પતિ સિવાય બીજા કોઈનો વિચાર સુધ્ધાં ન કરતી હોય, ગુસ્સે ન થતી હોય, સરસ જમવાનું બનાવતી હોય, ઘર સાચવતી હોય, રખડુ ન હોય અને કરકસરથી રહીને ખોટા ખર્ચા ન કરતી હોય.

ગુરુજી: એને મનનો વહેમ કહેવાય, બકા, મનનો વહેમ…

10 COMMENTS

 1. સમાજના હીતે, બહેન દિકરીને રંજાડનાર , ગુંડાઓની સામે લડનાર બહાદુર વ્યક્તિને સહકાર ન આપી, ચુપ રહી તમાશો જોનારા નાન્યતર જાતીના રાક્ષસોનો સંહાર થવો બહુ જરૂરી છે..આજ સાચા નરાધમો છે..

 2. સૌરભભાઇ,
  ગુસ્સા માટે પ્રેમથી દરેક નાં મનમાં રહેલા સરસ વિચારો ને પ્રગટ કર્યા. અખબારો માટે “વેચાઈ” ને છપાવવાની વાત તો ગજબ!

 3. વિષય સારો છે. આજનું શિક્ષણ આજીવિકા લક્ષી છે. જીવન વ્યવહાર ની તાલીમમાં ગુસ્સો કઈ રીતે વ્યક્ત કરવો, અન્ય વ્યવહારિક તાલીમ આપવામાં આવે તો સારું.
  ગુસ્સા થકી અનેક લગ્ન તૂટ્યા છે.

 4. Nice one
  Bit putting our view here is time consuming like a filling form upgrade to auto fill or a saving last one option.

  • Your comments will reach to 256 members maximum if it’s posted in the Whatsapp group. Here it will reach to thousands of readers and will remain here forever unlike on Whatsapp.

 5. વાંચી સમજી જીવન માં અનુસારવા જેવો લેખ.

 6. સરસ અને વિચારણીય વિષય છે. મજા આવે છે.
  આજનો વિચાર જોરદાર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here