ગુસ્સો બત્રીસલક્ષણા માણસનું તેત્રીસમું આભૂષણ છે

ગુડ મૉર્નિંગ

સૌરભ શાહ

ગુસ્સો કાબૂમાં કેવી રીતે રાખવો? માનસશાસ્ત્રીઓએ દસ વિવિધ ઉપાયો સૂચવ્યા છે. આમાંથી કોઈપણ એક ઉપાય કે એક કરતાં વધુ ઉપાયોનું કૉમ્બિનેશન ઉપયોગી પુરવાર થઈ શકે. શક્ય છે કે આ બધા ઉપાયો ભૂલીને તમે તમારી આગવી રીતે ક્રોધનું નિવારણ કરવાની યુક્તિ શોધી શકો:

૧. ગુસ્સો આવે ત્યારે તાત્કાલિક એ સ્થળ, વાતાવરણ કે વ્યક્તિથી દૂર થઈને કોઈક ગમતા કે પછી ન્યુટ્રલ વાતાવરણમાં અથવા ગમતી કે ન્યુટ્રલ વ્યક્તિ પાસે જતા રહેવું.

૨. ખોરાક, આરામ, પ્રવાસ, ઊંઘ, સંગીત, ગમતી પ્રવૃત્તિ, શાંતિ, પ્રાકૃતિક સ્થળોની મુલાકાત વગેરેથી ક્રોધ શાંત થઈ શકતો હોય છે.

૩. ક્રોધ પ્રગટાવતી ઘટનાઓની વિગતવાર નોંધ પર્સનલ ડાયરીમાં કરી રાખવી.

૪. પોતાની જાત પર એવું બંધન લાદવું કે મને મારો ગુસ્સો રોકવામાં સફળતા મળશે ત્યારે હું મારી અમુક ચોક્કસ મનગમતી ચીજ હું મને આપીશ અને ગુસ્સો રોકી ન શકાય ત્યારે એનાથી વંચિત રહીશ.

૫. કોઈકની; ખાસ કરીને મનગમતી વ્યક્તિની વર્તણૂકની પ્રતિક્રિયારૂપે આવતા ક્રોધમાંથી પ્રગટતા શબ્દો એ વ્યક્તિને ગુસ્સામાં કહેવાને બદલે ગુસ્સો શાંત થઈ ગયા પછી એ જ વાત હસતા હસતા કહી શકાય.

૬. આ જિંદગી, આ દુનિયા અને આસપાસના તમામ લોકો આપણી ઈચ્છા મુજબ ચાલે એ અશક્ય છે. આટલું સત્ય સ્વીકારીને મન ઘણું સ્વસ્થ બની શકે.

૭. ક્રોધ પ્રગટ થશે તો એનાં માઠાં પરિણામ કયાં કયાં આવશે એ વિશે વાકેફ રહેવું.

૮. વ્યાયામ, યોગાસન, ધ્યાન, સ્નાયુઓ હળવા કરવાની રિલેક્સેશનની કસરતો વગેરેથી મનને કાબૂમાં રાખવાના પ્રયત્નો કરવા.

૯. નજીકની વ્યક્તિઓને ક્રોધ કાબૂમાં રાખવા સાથે લઈ શકાય. એમને કહી દેવાનું કે અમુક વ્યક્તિની અમુક બાબતે હું સખત ગુસ્સે છું. અને તમારો સાથ લઈને ગુસ્સાને કાબૂમાં રાખવા પ્રયત્નશીલ છું. અણીને સમયે મન હળવું કરવાથી પણ ફાયદો થતો હોય છે.

૧૦. ક્યારેક માણસ પોતાની અસમર્થતા બીજા આગળ તેમ જ પોતાની સમક્ષ ઉઘાડી પડી જતાં ક્રોધે ભરાય છે. ઈચ્છિત વસ્તુ ન મળવાથી ક્રોધ ભરાતો હોય છે. આવા સમયે ક્ષણભર રોકાઈને વિચારવું કે ઈચ્છિત વસ્તુ મેળવવાની આપણી પાત્રતા છે? અને જો એવું લાગતું હોય કે હા, પાત્રતા છે તો વિચારવું જોઈએ કે કઈ પરિસ્થિતિ એ વસ્તુને નજીક આવતા રોકી રહી છે? એ પરિસ્થિતિ પર આપણો કાબૂ છે? અસમર્થતા પ્રગટ થઈ જતાં જે હતાશા ઘેરી વળે છે તે ક્રોધરૂપે પ્રગટ થાય છે. આવા સમયે આપણી અસમર્થ પરિસ્થિતિ શેના કારણે સજાર્ર્ઈ તે સમજીને એનો સ્વીકાર કરવો જોઈએ.

આવેશ દ્વારા વ્યક્ત થતો ક્રોધ વ્યક્તિને પોતાને જ નુકસાનકારક પુરવાર થતો હોય છે. તત્ક્ષણના સંયમ પછી વ્યક્ત થતો ગુસ્સો પોતાને તો એ નુકસાનમાંથી બચાવી જ લે છે, સામેની વ્યક્તિને પણ પોતાનામાં રહી ગયેલી ખામીઓ સુધારવાની તક આપે છે. કોઈક પરિસ્થિતિમાં સર્જાયેલી મડાગાંઠ આવેશવાળા ગુસ્સાથી ઉકલવાને બદલે વધુ સખત બની જાય છે. ભવિષ્યમાં એ ગાંઠ ઉકલી પણ જાય તોય પેલી વિકટ પરિસ્થિતિનો સામનો કરવામાં અનેકગણી શક્તિઓ ખર્ચાઈ જાય. આવેશને સંયમમાં રાખવાનું કામ આના કરતાં ઘણી ઓછી શક્તિએ કરી શકાય અને આ કામ દેખાય છે એટલું અઘરું નથી.

આવેશને વાળવા માટેનો ઉત્તમ ઉપાય જે બાબતે ગુસ્સો પ્રગટયો હોય એ વિશે વિચારવાનું બંધ કરી દેવાનો નથી. વિચાર ચોક્કસ ચાલુ રાખવો, પણ એ વિચારની પ્રક્રિયાને લાગણીના રસ્તે લઈ જવાને બદલે તર્ક કે બુદ્ધિના માર્ગે વાળી લેવી. કોઈકનું વર્તન તમને અયોગ્ય લાગે ત્યારે ગુસ્સે થવાનો તમને હક્ક છે, પણ આવું વર્તન કરવા પાછળના એના કારણો વિશેની પૂરતી માહિતી કે હકીકતો તમારી પાસે તે ક્ષણે ન હોય તે શક્ય છે અને શક્યતા એ પણ ખરી કે ઘાંટા પાડીને, દલીલો કરીને તમે એ કારણો જાણવાની કોશિશ કરો છો ત્યારે તમારી ધાકને કારણે વ્યક્તિ તમને પૂરતી માહિતી આપવાને કે યોગ્ય સંદર્ભો સમજાવવાને અસમર્થ બની જાય.

ગુસ્સો ક્યારેય દાબવો નહીં, માત્ર ખાળવો અને કોઈક બીજા રસ્તે વાળી દેવો. દાબી દીધેલો ગુસ્સો શક્ય છે કે કોઈક અન્ય પ્રકારે ફૂટી નીકળે. મનમાં ધૂંધવાયા કરવાને બદલે એ ધુમાડો બહાર નીકળી જાય એ જ સારું. પણ વધારે સારું એ કે બહાર નીકળતો આ ધુમાડો ચારેકોર પ્રસરી જાય એ રીતે બહાર નીકળે એને બદલે ચીમની કે ધુમાડિયા વાટે ફેંકાઈ જાય. જેમની પાસે આવી ચીમની નથી હોતી એમના વ્યક્તિત્વની દીવાલો પેલા પ્રસરી જતા ધુમાડાની મેશથી કાળી બની જતી હોય છે. દરેક ઘરમાં જેમ એક મોરી કે ખાળ હોવી જરૂરી છે એવી રીતે દરેક માણસમાં આવી ચીમની પણ અનિવાર્ય છે. ભગવાને ભૂલ એ કરી છે કે એણે માણસને ઘડતી વખતે સ્ટાન્ડર્ડ ફિટિંગ્સમાં ચીમનીનો સમાવેશ નથી કર્યો. આવી એકસ્ટ્રા એક્સેસરી વ્યક્તિએ જાતે બેસાડી લેવાની હોય, કારણ કે ગુસ્સો બત્રીસલક્ષણા માણસ માટેનું તેત્રીસમું આભૂષણ છે.

આજનો વિચાર

બધાને દોડવા માટે દીધાં સપનાં ને આશાઓ;
અમે કમભાગી કે ના કંઈ પણ દઈ અમને દોડાવ્યા
ખબર જો હોત કે આવું રૂપાળું છે તો ના ભાગત
સતત નાહકનું તેં વાંસે મરણ દઈ અમને દોડાવ્યા

– મનોજ ખંડેરિયા

એક મિનિટ!

બકાની વાઈફ: અલી, તું રોજ સવાર-બપોર-સાંજ તારા વરને ફોન કર્યા કરે છે. તું માથેરાન ફરવા આવી છે કે ફોન કરવા.

પકાની વાઈફ: ફરવા જ આવી છું પણ પેલાને ખબર પડવી જોઈએ કે ટાઈગર અભી ઝિંદા હૈ, સિર્ફ વેકેશન પે ગયા હૈ!

6 COMMENTS

  1. ગુસ્સા વિશે ના આપના લેખો ખૂબ જ ઉપયોગી સર. Fantastic…???

  2. ? નમસ્કાર સર ગુસ્સો પણ જરૂરી છે એવું આજે જાણવા મળ્યું

  3. ગુસ્સાને તમે માનવીના એક આભૂષણ તરીકે બતાવીને મહત્વ આપી અને પછી કેવી રીતે તમારી તરફેણમાં ઉપયોગ કરવો એ ખૂબ ખૂબ સરસ રીતે વિશ્લેષણ કર્યું.

  4. Mr shah is Always inspiring and provide very very in depth details of the topic, didn’t realise when l it became my bedtime reading and rather habit actually……. keep up the good work Sir….All the Very Best…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here