ગુસ્સો કરવો કે નહીં

ગુડ મોર્નિંગ

સૌરભ શાહ

હિન્દી ફિલ્મના ગીતકારો ભલે કહે કે ગુસ્સો જો આટલો હસીન છે તો પ્યાર કેવો હશે, પણ ગુસ્સો ક્યારેય મોહક હોતો નથી.

કશુંક અણગમતું થાય કે તરત પ્રથમ પ્રતિક્રિયા એ ન ગમતી ઘટનાના પ્રતિકારની આવે. આ પ્રતિકાર એટલે જ ગુસ્સો કે ક્રોધ. જિંદગીમાં એવા કેટલાય માણસો તમે જોયા હશે જેઓ વાતવાતમાં ગુસ્સે થઈ જતા હોય. એની સામે એવી પણ કેટલીય વ્યક્તિઓ જોઈ હશે જેમની પાસે ગુસ્સે થવાનાં સજ્જડ કારણો હોય છતાં તેઓ ઠંડે કલેજે અને પ્રસન્નચિત્તે બેસી રહે.

રાજ કપૂરના ફેવરિટ ગીતકાર શૈલેન્દ્ર અકાળે ગુજરી ગયા હતા. શૈલેન્દ્રના પુત્ર શેલી શૈલેન્દ્રે પોતાના કવિપિતા વિશે એક વાત કહી હતી. (ઇંગ્લેન્ડના જાણીતા રોમેન્ટિક કવિ પર્સી શેલીના નામ પરથી શૈલેન્દ્રએ પોતાના દીકરાનું નામ પાડેલું). ગીતકાર શૈલેન્દ્ર બાળક પર ક્યારેય ગુસ્સે થતા નહીં. સંતાન ન કરવા જેવું કામ કરે કે કોઈ પ્રકારનું તોફાન કરે ત્યારે એને પાસે બોલાવતા પણ ધમકાવવાને બદલે પોતે જ રડી પડતા. પિતાનાં આ આંસુમાં લાચારીની વ્યથા વ્યક્ત થતી. બાળકો પોતાના કહ્યામાં ન હોય એનું એક કારણ એ તો ખરું જ કે એમના ઉછેરમાં ક્યાંક પેરન્ટ્સની ખામી રહી ગઈ છે.

અત્રિ અને અનસૂયાના પુત્ર દુર્વાસા મુનિનો ક્રોધ પુરાણકથાઓ દ્વારા વિખ્યાત છે. દુર્વાસામાં શિવનો અંશ હતો એવું મનાય છે. દુર્વાસાના આશીર્વાદથી કુંતીની કૂખે સૂર્યપુત્ર કર્ણનો જન્મ થયો, પણ દુર્વાસાના ક્રોધથી ભલભલાં દેવીદેવતાઓ ધ્રૂજતા. બિચારી શકુંતલાએ દુર્વાસાને થોડી રાહ શું જોવડાવી, મુનિશ્રીએ ક્રોધમાં આવીને કહી દીધું કે અણીના સમયે દુષ્યંત તને ભૂલી જશે.

મહાભારતમાં એક કથા આવે છે. દુર્વાસા એક વખત શ્રીકૃષ્ણના મહેમાન હતા. જમણ બાદ મુનિના પગ પાસે પડેલો થોડો એંઠવાડ સાફ કરવા પ્રત્યે ભગવાન શ્રીકૃષ્ણનું ધ્યાન ગયું નહીં. ભગવાનની આવી બેદરકારીથી દુર્વાસા ક્રોધે ભરાયા અને કૃષ્ણ તથા યાદવોના જીવનનો ભયંકર ખરાબ અંત આવશે એવો શ્રાપ આપ્યો. દુર્વાસાના ક્રોધથી પ્રગટેલા શ્રાપને કારણે યાદવાસ્થળી સર્જાઈ જેમાં સૌ યાદવોનો સંહાર થયો. કૃષ્ણ ભગવાનનો પારધીના તીરે દેહોત્સર્ગ થયો.

શાંત સ્વભાવના માણસો વાતવાતમાં ક્રોધે ભરાતા નથી. નાનીમોટી અનેક અન્યાયકારી બાબતોને તેઓ સહન કરી લેતા હોય છે, પણ એમનો રોષ ભભૂકે છે ત્યારે બધું જ ભસ્મીભૂત કરીને તેઓ જંપે છે. બ્રિટિશ કવિ-નાટ્યકાર જૉન ડ્રાયડને સાચું જ કહ્યું હતું: બીવેર ધ ફ્યુરી ઑફ અ પેશન્ટ મૅન.

ક્રોધ ક્ષણિક પાગલપન છે એવું ઓશો રજનીશજીએ કહ્યું છે. આ ક્ષણ લંબાઈને દિવસોમાં પલટાય છે ત્યારે માણસ અંતર્મુખી બનીને વિચારતો થઈ જાય છે કે ગુસ્સાનું આટલી હદ સુધી લંબાવવું વાજબી હતું કે નહીં. રજનીશજી એક જુદા જ સ્તરે જઈને ક્રોધ વિશે વાત કરે છે. નાનપણથી શીખવવામાં આવ્યું છે કે ગુસ્સાને કાબૂમાં રાખો. રજનીશજી કહે છે કે મારું ચાલે તો હું તમને કહું કે બાળક ગુસ્સે થતું હોય તો થવા દો. ગુસ્સે થાય એટલે એની સામે અરીસો ધરી દેજો. દીકરાને કહેજો કે જો તો ખરો તું કેવો લાગે છે. તું ગુસ્સો થા, અમે બધાં બેઠાં બેઠાં તને જોઈશું, કારણ કે તારા ક્રોધનું નિરીક્ષણ કરીને અમને બે વાત શીખવા મળશે. ગુસ્સે થઈને આવેશમાં ખોટું કામ કરી બેસતા બાળકને સજા કરવી ખોટી છે. મનુષ્ય બનાવવાનું આખું વિજ્ઞાન જ ખોટું છે. બાળપણથી બાળકને એના ક્રોધની પૂરેપૂરી ઝલક મળી જાય તો મોટો થઈને એ ક્રોધ એનામાંથી બહાર નીકળી જશે. રજનીશજીના આ વિચારો છે. સેક્સ, લોભ, સ્વાર્થ, ઘમંડ-બધાં માટે રજનીશજી આવું માને છે એને પ્રગટ થઈ જવા દો. બધે બધું બહાર નીકળી જવા દો. મનમાં સંઘરી ન રાખો.

સ્વામી સચ્ચિદાનંદે કહ્યું છે કે ક્રોધનો સંબંધ મુખ્યત્વે ઈચ્છાહાનિ, સ્વાર્થહાનિ અને લાગણીહાનિ સાથે સંકળાયેલો છે. પણ મૂળમાં ક્રોધનું મુખ્ય પ્રેરકબળ અહંકાર છે.

ઈચ્છાહાનિ વગેરેની સાથે પૂરતા પ્રમાણમાં અહંભાવ નહીં હોય તો કદાચ ક્રોધની માત્રા અલ્પ રહેશે, સચ્ચિદાનંદજી કહે છે કે ક્રોધ માત્ર શત્રુ જ છે તેવી વાત યોગ્ય નથી. અન્યાય, અત્યાચાર વગેરેને જોઈને જે ક્રોધ આવે તે જરૂરી છે અને એવે વખતે જે ઠંડો રહે તે કાયર છે. તેવા સમયે તો તેની અંદર આક્રોશનો આવેગ આવવો જ જોઈએ. સચ્ચિદાનંદજીના મત મુજબ પુત્ર, શિષ્ય, નોકરો વગેરે પર સકારણ હિતકારી ફૂંફાડો રાખવો એ પણ ક્રોધનું મિત્રરૂપ જ છે જે જરૂરી છે. ક્ષમા, દયા, સહનશક્તિ, ધીરજ વગેરે સદ્ગુણો ક્રોધ જેવા દોષોને હળવા કરવા રચાયેલા છે. આ ગુણો જેમ વિકસે તેમ ક્રોધ જેવા આવેગો ઓછા થાય અથવા નિયંત્રિત થાય.

ગુસ્સાની વાતો હજુ બાકી છે. કાલે.

આજનો વિચાર

મોદીને આ ત્રણ જ જણ હરાવી શકે છે: 1. લાલચી હિન્દુ, ર. આળસુ હિન્દુ, 3. નકલી હિન્દુ.

– વૉટ્સએપ પર વાંચેલું

એક મિનિટ!

બકો: ભારે વર્ષાને કારણે ટ્રેન મોડી ચાલે છે.

પકો: તો પછી રેલવેવાળા વર્ષાને ટ્રેનમાંથી ઉતારી દેતા કેમ નથી?

12 COMMENTS

 1. आपणी संस्कृति मा पूण्य प़कोपनु पण महत्व छे

 2. ગુસ્સો કરવો કે નહીં… ખૂબજ સરસ લેખ.. ‘આજનો વિચાર’ દરેક હિંદુ એ વિચારવું પડશે કે આપણે આ ત્રણ પ્રકાર માં થી કોઈ પ્રકાર માં તો આવતા નથી ને?.. ઈતિહાસ ગવાહ છે કે લાલચી હિંદુઓએ સત્તા તથા ચંદ પૈસા માટે મુસ્લિમ આક્રમણો સામે આપણા જ હિંદુ રાજાઓને હરાવ્યા હતા. જેઓને ‘ઘરના જ ઘાતકી’ કહી શકાય. જોકે પછીથી આવા લાલચુ હિંદુઓને મુસ્લિમ આક્રમણખોરોએ એમ કહીને મારી નાખ્યા હતા કે જે સ્વાર્થી લોકો પોતાના લોકોના ન થયા એ લોકો અમારા શું થવાનાં?. આળસુ હિંદુઓએ મુસ્લિમો ના ક્રૂર આક્રમણો સામે કોઈ જ પ્રતિકાર કર્યો ન હતો. અમુક ડરપોક રાજાઓ તો હારની બીકે પ્રજા ને નોધારા મૂકી ભાગી ગયા હતા. જોકે ક્રૂર આક્રમણ ખોરોએ આવા રાજાઓ નો પીછો કરી ને મારી નાખ્યા હતા અને હિંદુ સ્ત્રીઓ તથા બાળકોને ગુલામ બનાવી ને વેચી માર્યા હતા કે વટલાવી નાખ્યા હતાં. હિંદુ પુરુષોની કતલ કરી નાખી હતી. નકલી હિંદુઓ એવા લોકો છે કે જેમને પશ્ચિમના આંધળા અનુકરણથી પોતાની જ હિંદુ સંસ્કૃતિ તથા પરંપરાઓ પ્રત્યે કોઈ સમ્માન નથી. મોદીજી તો 2019 ની ચૂંટણીમાં વિજયી થવા ના જ છે, પણ ઉપરોક્ત લાલચી, આળસુ તથા નકલી હિંદુઓ ખુલ્લા પડવાના છે.

 3. Very true…
  Also mention way to control the anger.
  It is rightly said that when you are in anger u r away from danger.

 4. સૌરભ ભાઈ
  નમસ્કાર

  મારા મતે ગુસ્સો અવ્યક્ત રહે તો વધુ નુકસાન કરે
  જેને ગુસ્સો આવતો હોય તેને પણ હેલ્થ issues થાય
  અને જેના પર ગુસ્સો હોય તેને પણ ભવિષ્ય માં સંગ્રહિત ગુસ્સા નો સામનો કરવો પડે

 5. Nice one
  ન્યુઝપૃેમી .કોમ પર વાંચવાની મજા આવે છે

 6. નમસ્કાર સર,
  .સર તમે તમામ લેખ ખૂબજ સુંદર, સરળ ભાષામાં સમજી સકાય તેવા લખો છો. એ ખૂબજ સારૂં છે. તે ઉપરાંત વિષયો ની પસંદગી પણ ખૂબજ સરસ હોય છે.જેમા તમે તમામ વિષયોને ન્યાય આપો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here