રજનીશજી કહી ગયા કે તમારું જીવન જ તમારા માટે પરમાત્મા છે : સૌરભ શાહ

(તડકભડકઃ ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ. રવિવાર, 27 ફેબ્રુઆરી, 2022)

એમને તમે ઓશોના નામથી ઓળખો, ભગવાન કહો કે પછી આચાર્ય. રજનીશ એ રજનીશ છે. સો ટચનું સોનું. નરસિંહ મહેતા કહી ગયા એમ —ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોય. સોનામાંથી દાગીનો ઘડીને એને બંગડી તરીકે ઓળખો કે બુટ્ટી તરીકે — સોનું તો સોનું જ રહેવાનું છે.

પટણા યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગના અધ્યાપક ડૉ.રામચન્દ્ર પ્રસાદે એક વાર રજનીશજીને પૂછ્યું હતું કે તમારી દૃષ્ટિએ અમારા માટે કઈ 10 આજ્ઞાઓ છે, તમે કયા ‘ટેન કમાન્ડમેન્ટ્સ’ અમને લોકોને આપશો.

રજનીશે હસીને આ વાત સાંભળી લીધી અને પછી એમને એક પત્ર લખ્યો જે ‘જ્યોતિ શિખા’ નામના મૅગેઝિનના જૂન, 1970ના અંકમાં પ્રગટ થયો.

રજનીશજીના સમગ્ર વૈચારિક સાહિત્યનો નીચોડ આ નાનકડા પત્રમાં છે એવું મને લાગે છે. આ પત્ર લખાયો ત્યાં સુધી અને તે પછી રજનીશજીએ જે જે વિચારો દુનિયાને આપ્યા તેનું સૂત્રાત્મક સ્વરૂપ એમના આ ‘ટેન કમાન્ડમેન્ટ્સ’માં છેઃ

“પ્રિય રામચન્દ્ર,

પ્રેમ!
મારી દસ આજ્ઞાઓ (ટેન કમાન્ડમેન્ટ્સ) વિશે તમે પૂછ્યું હતું. બહુ અઘરું કામ છે આ કારણ કે હું કોઈ પણ પ્રકારની આજ્ઞા કે આદેશ આપવાની વિરુદ્ધ છું. છતાં આ રમત રમવાની મઝા આવશે એટલે કહું છું :

1.કિસી કી આજ્ઞા કભી મત માનો, જબ તક કિ વહ સ્વયં કી આજ્ઞા ન હો.

2. જીવન કે અતિરિક્ત ઔર કોઈ પરમાત્મા નહીં હૈ.

3. સત્ય સ્વયં મેં હૈ, ઈસ લિયે ઔર કહીં મત ખોજના.

4. પ્રેમ પ્રાર્થના હૈ.

5. શૂન્ય હોના સત્ય કા દ્વાર હૈ. શૂન્યતા હી સાધન હૈ, સાધ્ય હૈ, સિદ્ધિ હૈ.

6. જીવન હૈ, અભી ઔર યહીં.

7. જિયો ઔર જાગે હુયે.

8. તૈરો મત, બહો.

9. મરો પ્રતિપલ તાકિ પ્રતિપલ નયે હો સકો.

10. ખોજો મત. જો હૈ-હૈ. રૂકો ઔર દેખો.

—રજનીશ કે પ્રણામ.”

રજનીશજીના કોઈ પણ પ્રવચનમાં, એમના કોઈ પણ પુસ્તકમાં (જે પ્રવચનોનાં જ લેખિત સ્વરૂપ છે) તમને આ ટેન કમાન્ડમેન્ટ્સનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક સંભળાશે. આ દસ સૂત્રો વિશે કોઈ પણ ચિંતનશીલ વ્યક્તિ દસ-દસ કલાક સુધી મનન કરી શકે, દસ લેખો જ નહીં, દસ ગ્રંથો લખીને એનું અર્થઘટન કરી શકે એટલી ગહન વાતો એના મંથનમાંથી નવનીતરૂપે તમે તારવી શકો. ક્યારેક એકલા પડો ત્યારે વારાફરતી આ એક એક સૂત્ર વિશે વિચારજો.

મધ્યપ્રદેશમાં જબલપુર નજીકનું ગાડરવારા ગામ રજનીશજીનું વતન. રજનીશજીનાં નાનીમા ત્યાં રહે. નાનપણથી નાનીમા એમના પર ખૂબ સ્નેહ રાખે અને રજનીશજી એમને પોતાની સગી મા કરતાં વધારે ચાહે. એક દિવસ ગાડરવારામાં નાનીમાને મળીને રજનીશજી પોતાના જૂના મિત્ર શંભુને મળે છે. તે વખતે રજનીશજી યુનિવર્સિટીમાં અધ્યાપક હતા. યુનિવર્સિટીમાં રજનીશજીને પગારવધારો મળતો હતો તે થોડાક વખત પહેલાં જ એમણે ઠુકરાવી દીધો હતો – એમ કહીને કે પગાર વધ્યા પછી હું ઇન્કમ ટેક્સના બ્રેકેટમાં આવી જઈશ અને હું સરકારને આવકવેરો ભરવાની ખિલાફ છું.

‘હું ભવિષ્ય વિશે કંઈ વિચારતો નથી. અસ્તિત્વ મારી પાસે જે કરાવવા માગશે તે સમયે આપોઆપ થતું રહેશે.’: રજનીશજી

શંભુબાબુ રજનીશજીની પાસે સમયનો કેટલો અભાવ છે એ વિશે વાત કરવા માગતા હતા પણ સંકોચાતા હતા. રજનીશજીએ કહ્યું, ‘મને ખબર છે કે તમે શું કહેવા માગો છો, તમારી આંખોમાં મેં બધું વાંચી લીધું છે. મને ખબર છે કે આજે નહીં તો કાલે મારે યુનિવર્સિટીમાંથી રાજીનામું આપીને છૂટા થઈ જવું પડશે. યુનિવર્સિટી જોઈન કરવાનો નિર્ણય મારા માટે એક સીડી પર ચઢવા જેવો હતો. એથી વિશેષ કંઈ નહીં.’

શંભુબાબુએ પૂછ્યું, ‘પછી તમે આગળ શું કરવાનું વિચાર્યું છે?’

રજનીશજીએ લાપરવાહીથી કહ્યું, ‘તમે સારી રીતે જાણો છો શંભુબાબુ, કે હું ભવિષ્ય વિશે કંઈ વિચારતો નથી. અસ્તિત્વ મારી પાસે જે કરાવવા માગશે તે સમયે આપોઆપ થતું રહેશે.’

આ વાત 1966ની. રજનીશજી 1958થી યુનિવર્સિટીમાં ભણાવતા હતા.

યુનિવર્સિટીમાંથી એમણે કેવા સંજોગોમાં રાજીનામું આપ્યું અને દુનિયાને આચાર્ય રજનીશ કેવી રીતે મળ્યા તેની વાત આવતા રવિવારે.

પાન બનાર્સવાલા

તમારા મનમાં થતા તમામ સવાલોને જવાબની શોધ નથી હોતી. એવા સવાલો તમને મહાતકલીફમાં મૂકી શકે એમ છે.
-ઓશો

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

9 COMMENTS

  1. સૌરભભાઈ, ‘જીયો ઔર જાગે હુએ’ એ સૂત્રે મને ઘણી વાર પડતો બચાવી લીધો છે. ‘તરો મત બહો’ એ સૂત્રે જીવન સરળતા થી જીવવું શીખવી દીધું છે! આ લેખ બદલ ખુબ ખુબ આભાર!

  2. Saurabh Bhai , the name osho brings a kind of serenity in me , if I hear or see this word all of a sudden everything stops ! That’s the magic of this NAME ! If even one command is understood then life becomes total bliss . Osho has mentioned many times that words are poor medium to express . A total Maun(total silence ) expression to this article 🙏.. ओशो कहते है जहां हो ठहर जाओ बस इतना ही काफी है . This article is another reference to my loving guru . मैं अपना अहोभाव व्यक्त करता हु 🙏 हरी ओम तत्सत 😙

  3. 👌Rajanish must be explored from Beginning. A short Beginning. Worth reading to refresh something out of mind .
    Thanks

  4. Saurabh Sirji khub khub Abhar Acharya Rajnish ni lekhmala start kari a badal 🙏🙏💐…I m listening Rajnish ji (Acharya not OSHO 🙏😊) about 35 years back Hindi lectures💾…. while coming back from job @refinary here 🇨🇦 In company bus 🚌…🙏🙏🙏…feels so blessed by having this link on my iPhone..I m sharing for your followers like me who might interested..👇🏻👇🏻🙏

    https://oshoworld.com/audio-discourse-hindi-k/

  5. ખૂબ જ સુંદર લેખમાળા છે સ્વામી સદચિદાનંદજી ની.
    ખૂબ…ખૂબ..આભાર ગમતાં નો ગુલાલ કરવા બદલ.
    ઓશો રજનીશ જી ની શ્રેણી બદલ પણ આભાર. મોટીવેશનલ કરતા આ વધુ ગમે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here