આરામની જરૂર કામ કરનાર સૌ કોઈને છે

તડકભડક : સૌરભ શાહ

(‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, ૨ ફેબ્રુઆરી ૨૦૧૯)

આળસનો વિકલ્પ ગળાડૂબ કામ કે પછી કામની તીવ્રતા નથી. આખો દિવસ કામ વિના બેસી રહેવું એટલે પોતાનામાં રહેલી શક્તિઓનો અને સંભાવનાઓનો અનાદર કરવો. આવી પરિસ્થિતિમાં માણસ પોતાની નજરમાંથી જ ઊતરી જાય. પણ કામ કરતી વખતે ઘડીભરની ય ફુરસદ ન મળે એ પરિસ્થિતિ એના કરતાંય વધારે અકળાવનારી. સ્પીડોમીટરનો કાંટો ૧૧૦ – ૧૨૦ કિલોમીટરને વચ્ચે ધ્રૂજ્યા કરે એવી ઝડપ રાખીને જવાનું છે ક્યાં? જીવનમાં ટાળી શકાય એવા અકસ્માતો દરેક કામની સ્પીડને નૉર્મલ કર્યા પછી જ ટાળી શકતા હોય છે. મગજમાં એક સાથે ચાર ટ્રેક પર પૂરઝડપે ટ્રાફિક દોડી રહ્યો હોય એવી પરિસ્થિતિ સર્જાય ત્યારે જરાક થોભીને, ઊંડો શ્વાસ લઈને વિચારી લેવાનું કે આ બધી દોડધામ વિના પણ આ જ કામ આટલી સારી રીતે, કદાચ વધારે સારી થઈ શકે ખરું?

દિવસનો એક-એક કલાક પૂર્વનિર્ધારિત કામ પાછળ ખર્ચી નાખવો જરૂરી નથી. ચોવીસ કલાકમાં વચ્ચે વચ્ચે અલ્પવિરામ જેવા ગાળા આવ્યા કરવા જોઈએ જેમાં અગાઉથી નક્કી કરેલું કશું કરવાનું નથી હોતું. જાતે જ ઊભું કરેલું કામનું દબાણ જાતે જ ઓછું કરી શકાય. થોડા સમયમાં ખૂબ બધું કામ કરી નાખવાનો સ્વભાવ માણસને બહુ ઝડપથી નિચોવી નાખે, ખાલી કરી નાખે. વચ્ચે-વચ્ચે આવતા અલ્પવિરામને કારણે સતત અંદર કશુંક ઠલવાતું રહેશે. આવા નક્કર ઈન્પુટ વિના એક વખત એવો આવશે જ્યારે કશું જ આઉટપુટ નહીં મળે અને જો મળશે તો તે ફિક્કું અને મૂલ્યવિહીન હશે.

નિરાંત એટલે સમયની મોકળાશ એવું માનીએ છીએ પણ નિરાંત એટલે વાસ્તવમાં તો મનની મોકળાશ. હાથમાં ગમે એટલો સમય ફાજલ હોય તે છતાં નિરાંત અનુભવતા ન હો એવું બને. દિવસો અને અઠવાડિયાઓ સુધી ચોવીસ કલાક કામમાં રહો, પ્રવાસમાં રહો, દોડધામ કરતા રહો અને એકસાથે પાંચ અલગ-અલગ કામ હાથમાં લઈને દરેકની ડેડલાઈનને પહોંચી વળવાની કોશિશ કરતા હો છતાં મનમાં એવું વાતાવરણ જાળવી શકાય કે તમારી પાસે ફુરસદ જ ફુરસદ.

ગાલિબના મિસરા પરથી ગુલઝારે લખેલી ગઝલ જેવી રાતદિવસની ફુરસદ દિલ ઢૂંઢવા નીકળી પડે છે પણ ક્યાંય મળતી નથી. કામની જેમ આરામને પણ મુલતવી રાખવામાં જોખમ છે. શારીરિક વ્યસ્તતા દરમિયાન કદાચ શરીરને પૂરતો આરામ ન આપી શકાય પણ મનને જરૂર નિરાંત આપી શકાય.

એ માટે સૌથી પહેલાં તો ઉચાટને વિદાય આપી દેવી પડે. કશુંક કામ બાકી હોય અને એ નહીં થાય તો શું થશે એવો ધ્રાસકો દિલમાં પડે તો એને તાર્કિક વિચારો દ્વારા પાછો વાળી દેવો પડે. કામની બાબતમાં તમને પોતાને જો ખાતરી હોય કે તમારામાં પૂરેપૂરી કાર્યનિષ્ઠા છે, સિન્સિયરિટી છે તો પછી કામ પૂરું થવાની બાબતમાં ઉચાટ રાખવાની કોઈ જરૂર નથી.

જેમને એકસાથે અનેક કામ કરવાની ટેવ નથી તેઓ પોતાના હાથમાં ગજા બહારની જવાબદારીઓ લઈ લે ત્યારે એમના ઉત્સાહનું પરિણામ અવ્યવસ્થા અને અંધાધૂંધીમાં આવે. જે કામ માટે ઉતાવળ કે અધીરાઈ થઈ રહી છે એ કામ ધારો કે થયું જ નહીં તો એનું ખરાબમાં ખરાબ પરિણામ શું આવશે એવો વિચાર કરી લેવાથી સમયની મોકળાશ ન હોય તો પણ માનસિક મોકળાશ નામે નિરાંત જન્મતી હોય છે.

સમય સાથે મારામારી કરીને કોઈ પણ ભોગે બધું જ કામ પૂરું કરી નાખવાની ઉતાવળને કારણે ઉદ્વેગ સર્જાય છે. આના લીધે વર્તણૂંકમાં તોછડાઈ આવી જતી હોય છે. પરિણામે સામેની વ્યક્તિ ન તો તમારા કામમાં સહકાર આપે છે, ન સહાનુભૂતિ દર્શાવે છે. ઊલટાનું જેની સાથે આવી ઉચ્છ્રંખલ વર્તણૂંક કરવામાં આવે છે એ વ્યક્તિ અસહકારી બનવા ઉપરાંત વધુ જક્કી બની જાય છે, ક્યારેક ક્રોધિત પણ થઈ જાય છે.

ઘણા લોકોને બીજાઓની સામે પોતાની મહત્તા સિધ્ધ કરવા માટે પોતે ખૂબ કામમાં ગળાડૂબ છે એવો દેખાડો કરવો પડે છે. સમય તો દરેકનો કિંમતી છે. જેમની અપૉઈન્ટમેન્ટ ડાયરીમાં દિવસની દરેક મિનિટનું પ્લાનિંગ હોય એવી પીએમ જેવી હસ્તીઓથી માંડીને જેમને સૂર્યોદય કે સૂર્યાસ્તની પણ પરવા નથી એવા હિમાલયની ગુફાઓમાં યોગસાધના કરતા સાધુઓ સુધીની દરેકેદરેક વ્યક્તિનો સમય કિંમતી છે. સવાલ એ છે કે તમારી પાસે સમયની મોકળાશ હોય કે ન હોય, મનની મોકળાશ છે કે નહીં.

જે ખેતરમાં એકનો એક પાક લેવામાં આવે તે ખેતર બહુ જલ્દી કસહીન થઈ જાય. જમીનને પણ વચ્ચે વચ્ચે આરામની જરૂર પડે તો માણસને કેમ નહીં? કેટલાક લોકોને બેઉ છેડે પોતાની મીણબત્તી બાળવાની મઝા આવે. તેઓ માને કે આની કોઈ અવળી અસર નહીં થાય અને થશે તો જીવન પર એની ઝાઝી અસર નહીં પડે. પણ આવું કરવાથી શરીર અને દિમાગ છેવટે એક તબક્કે આવીને થાકીને લોથ થઈ જાય છે. ચાબુક મારી મારીને એને ક્યાં સુધી હંફાવીશું. આરામની જરૂર કામ કરનાર સૌ કોઈને છે.

આરામ નથી મળતો કે નથી લઈ શકાતો ત્યારે માણસ ચીડિયો થઈ જાય છે. આકરા પ્રત્યાઘાત આપવા માંડે છે. તાણને લીધે મોઢામાંથી એવી એવી વાતો સરી પડે છે જેનો પાછળથી અફસોસ થાય છે. થાકેલો માણસ ગુંચવાઈ જાય જાય છે. એને દરેક સમસ્યા વધુ મોટી લાગે છે. વધુ અટપટી જણાય છે.

કામના બોજ હેઠળ દબાઈ ગયેલા લોકોમાં સ્ફૂર્તિ રહેતી નથી. દરેક કામ બગડતું જાય છે. નિર્ણયશક્તિ ખોરવાતી જાય છે. તમને ખબર હોય છે કે પૂરતા આરામ પછી આ કામ હાથમાં લીધું હોત તો અત્યારે કરી રહ્યા છો તેના કરતાં અનેકગણી સારી રીતે કરી શકાયું હોત, છતાં વેઠ ઉતારવાનું ચાલુ રહે છે. આ ઢસરડો એક દિવસ ભારે પડે છે. જેના માટે કામ કરવાનું છે એને તો નુકસાન થાય છે જ, તમને વધારે નુકસાન થાય છે. આરામ આત્મસન્માન દાખવવાની રીત છે. જાતને તમે ચાહો છો એવું પુરવાર કરવા નિશ્ચિત સમયાંતરે આરામ જરૂરી.

થાકેલું મગજ વિચારી શકતું નથી. એની અસર કલ્પનાશક્તિ પર પડે. માણસ માહિતીનો ઢગલો એકઠો કરીને વાગોળ્યા કરે એના કરતાં એનામાં કલ્પનાશક્તિ હોય એ વધુ જરૂરી. ધોળે દહાડે તાજા સપનાંઓ જોયા વિના નવી શોધખોળો થતી નથી, નવા વિચારો પ્રગટતા નથી.

રોજના વાતાવરણથી છટકીને કોઈક ગમતી જગ્યાએ કે પછી ક્યારેક તદ્દન અપરિચિત જગ્યાએ ગયા પછી મગજ પરનો ભાર હળવો થઈ જાય છે. આરામના મહત્વ પર વારંવાર મૂકાયેલો ભાર જોઈને જો કોઈને આળસુ બની જવાનું મન થતું હોય તો જાણી લેજો કે આરામની તૈયારી કરવા માટેની પૂર્વશરત છે – ખૂબ બધું કામ.

પાન બનાર્સવાલા

જે કામ કરતી વખતે મઝા આવી હોય એ કામ કરવા માટે ભવિષ્યમાં ક્યારેય અફસોસ નહીં થાય.

_માર્ક ટ્‌વેઈન

3 COMMENTS

  1. અસરકારક, મન નિરાંત અનુભવે એવો તાજગીસભર લેખ! વાહ??????

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here