તમારા આઈડિયાઝ પર બીજાઓ ચરી ખાતા હોય ત્યારે

સન્ડે મૉર્નિંગ : સૌરભ શાહ

વર્ષોની મહેનત પછી, અનુભવોની પૂંજી એકઠી કરીને કોઈ પ્રતિભાશાળી ચિત્રકાર, સંગીતકાર, વૈજ્ઞાનિક કે વિચારક કશુંક નવું સર્જે છે અને તરત જ એના ક્ષેત્રના લોકો એની નકલ કરીને નામદામ કમાઈ લેવાની લાલચે એના સર્જનને પોતાના નામે ચડાવી દેવાની હોડમાં ઊતરે છે.

બિઝનેસ કે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે પેટન્ટ અને રજિસ્ટ્રેશન જેવી કાયદાકીય જોગવાઈઓ છે જેમ હવે તો સર્જનક્ષેત્રે ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ પણ છે. પરંતુ જેઓએ બદમાશી કરવી જ છે, બીજાના આઈડિયાઝ પર ચરી ખાવાની જેમની દાનત છે એમને કાયદામાં છીંડાં શોધતાં પણ આવડે છે. અને આમેય કેટલીય બાબતોમાં ક્રિયેટિવ લોકો કાયદાની ભાંજગડમાં ઊતરીને પોતાના હક્ક જતાવવાને બદલે જતું કરીને નવું સર્જન કરવામાં લાગી જતા હોય છે: તેં મારી પેન્સિલની ડિઝાઈનની નકલ કરી? ભલે. કોર્ટકચેરીના ધક્કાફેરામાં મારો સમય અને મારી શક્તિ વેડફવાને બદલે હું નવી ડિઝાઈન બનાવીશ અને તે વખતે હું ધ્યાન રાખીશ કે તારા જેવા લોકો મારા સર્જનનો ટ્રેડમાર્ક છીનવી ના લે.

જેન્યુઈન ટેલન્ટની સાથોસાથ મિડિયોક્રિટીની ભરમાર દરેક જમાનામાં રહેવાની. ટેલન્ટેડ, ઓરિજિનલ થિન્કિંગ કરનારા અને નવું મૌલિક સર્જન કરનારાઓએ ફ્રસ્ટ્રેટ થવાની જરૂર નથી. સ્વામી વિવેકાનંદ આજે સૌ વર્ષ પછી પણ રિલેવન્ટ છે, સૌના માટે આદરણીય છે. એમના જમાનામાં શું આજના સ્વામી અગ્નિવેશ જેવા પબ્લિસિટીપ્રિય તકસાધુઓ નહીં હોય? હશે. સેંકડો હશે. પણ કાળની એક જ થપાટે આ સૌ ભૂંસાઈ જતા હોય છે. રહી જતા હોય છે એક માત્ર એવા લોકો જેમનાં મૂળિયાં ઊંડાં હોય, જેઓ બીજાઓની નકલ કરીને નહીં પણ પોતાના બલબૂતા પર ઉપર આવ્યા હોય. કિશોર કુમાર કે મોહમ્મદ રફી કે મૂકેશની નકલ કરનારા કેટલાય સિંગર્સ આવી ગયા. કેટલાકનાં નામ પણ થયાં. ઑરકેસ્ટ્રાઓ, સંગીત સંધ્યાઓ, ક્લબો વગેરેમાં ગાઈને તેઓએ પૈસા પણ ખૂબ કમાયા. ક્યારેક ફિલ્મમાં પ્લેબેક સિંગિંગનો પણ આમાંથી કેટલાકને ચાન્સ મળી ગયો. પણ આજે એ ડઝનબંધ, કદાચ સેંકડો, મેલ-ફીમેલ સિંગર્સમાંથી કોને યાદ કરીએ છીએ આપણે? કોઈના અવાજમાં તમને ગાતાં આવડી જાય એટલે તમે સિંગર નથી બની જતા. તમારું સ્થાન પાંચસો-સાતસોની પબ્લિકનું મનોરંજન કરતા સભાગૃહના મંચ સુધી જ સીમિત રહે છે. કિશોર-રફી-મૂકેશની જેમ તમે કરોડો પ્રેમીઓના હૃદયમાં સ્થાન નથી પામી શકવાના.

ચાર્લ્સ ડિક્ધસની હયાતિ દરમ્યાન એની નકલ કરીને લખનારા અનેક લેખકો હતા. એવું જ શેક્સપિયરના જમાનામાં હશે અને એવું જ કાલિદાસ, વાલ્મીકિ અને વ્યાસના જમાનામાં હશે. ઉમાશંકર – રમેશ પારેખનો જમાનો તો આપણે જોયો છે. કેટલા બધા કવિઓ આ અને આવા અનેક દિગ્ગજ કવિઓની નકલ કરીને કવિતાઓ લખતા. ‘મરીઝ’, ‘શૂન્ય’, ‘સૈફ’, ‘બેફામ’ કે ‘ઘાયલ’ની સિક્સ્થ ઝેરોક્સ કૉપી જેવી ગઝલો લખનારાઓ આજે ભૂંસાઈ ગયા છે. ઓરિજિનલ્સ હજુ પણ જીવે છે. નકલચીઓએ એક જમાનામાં મુશાયરા ગજવ્યા હશે, પાંચ-પચાસ હજાર રૂપિયા જિંદગી દરમ્યાન કમાયા હશે, અડોશપડોશમાં વટ પણ પાડ્યો હશે, શરાબ-શબાબની ઐય્યાશીઓ પણ એમણે ભોગવી હશે. પણ આજે, થોડાક જ દાયકાઓ પછી એમનું નામ ભૂંસાઈ ગયું છે, એમનું કામ ભૂંસાઈ ગયું છે. જ્યારે ‘મરીઝ’ વગેરે જેવા સ્ટૉલવર્ટ્સનું સર્જન આજની તારીખે પણ અડીખમ ઊભેલું છે અને ‘મીર’ તથા ‘ગાલિબ’ જેમ દોઢસો-બસો વર્ષ પછી પણ જીવે છે એમ ‘મરીઝ’, ‘શૂન્ય’, ‘સૈફ’, ‘બેફામ’ કે ‘ઘાયલ’ અને ઉમાશંકર જોશી-રમેશ પારેખ વગેરે પણ આવતા સૈકાઓ પછીય ગુજરાતીઓના હૈયામાં વસેલા રહેવાના.

દરેક જમાનામાં આ બનતું આવ્યું છે. જેઓ ભૂતકાળની આ નીતિરીતિ સમજી શકતા નથી તેઓ ઘડીભર ફ્રસ્ટ્રેટ થઈ જાય છે અને જે નકલચીઓ હોય તેઓ અમરત્વનો તાજ માથે મૂક્યો હોય એમ મહાલતા થઈ જાય છે. પણ આટલી જો સમજ આવે કે કનૈયાલાલ મુનશીના સમકાલીન નવલકથાકારોમાં બીજા દોઢ ડઝન નામો હતાં, સાહિત્યનો ઈતિહાસ તપાસો, આજે એમાંથી એક પણ નવલકથાકારનું પુસ્તક આજે તમને યાદ નહીં આવે, અરે નવલકથાનું નામ પણ યાદ નહીં આવે. પણ એ જમાનામાં એ બધા મુનશીજીના પ્રતિસ્પર્ધી ગણાતા, પૉપ્યુલર પણ હતા.

અંતે તો આ દુનિયામાં એ જ ટકે છે જે સમયની અગ્નિપરીક્ષામાંથી પસાર થઈને હેમખેમ બહાર નીકળે. આવું ગજું એ જ લોકોનું હોય જેમની પાસે સો ટચનું સોનું હોય.

કાગળ પરના દીવા

આયખું આખુંય જલસાથી મધુર રીતે મેં જીવીને,

જિંદગીના સાવ કડવા સ્વાદની આબરૂ લઈ લીધી.

– અનિલ ચાવડા

સન્ડે હ્યુમર

બકો: પકા, તું એફબીના છોકરીઓના બદલાતા પ્રોફાઈલ પિક્ચર્સ જોઈને શું કમેન્ટો કરે છે?

પકો: વાઉ, ઑસમ, નાઈસ, બ્યુટિ…

બકો: આને શાસ્ત્રોમાં શું કહેવાય ખબર?

પકો: શું કહેવાય?

બકો: ભેંસ આગળ ભાગવત!

(‘મુંબઈ સમાચાર‘, રવિવાર, ૫ ઑગસ્ટ ૨૦૧૮)

7 COMMENTS

  1. Kharekhar Sachi Vat chhe Saheb,

    This is very inspiring us, please continue writing.

    May God give you good health and happiness.

  2. ખુબ સુંદર
    પણ .. “ઘાયલ, સૈફ, બેફામ, શુન્ય, મરીઝ, ઉમાશંકર, વગેરે કવિઓને યાદ કર્યા તેમાં લગભગ બાર હજાર જેટલા ગીતો અને કવિતાઓનો કુબેરભંડાર આપણને વારસામાં આપી ગયા તે અવિનાશ વ્યાસને સાવ “ભુલી જ ગયા.!!!!! યાર.
    —-બાબુલાલ વરીયા.

  3. ન્યુઝપેૃમી ડોટ કોમના નિયમીત વાચક હોવાનું ગૌરવ
    વીક એન્ડમાં વાંચન અને આરામ કયારેક રવિવારે મૌન અને એ દરમિયાન માતૃ વાંચન

  4. ..નરસિંહ-મીરા-કબીર, કે બુધ્ધ-મહાવીર-સોક્રેટીસ-ગાંધી અને, આજના જમાનામાં ડોન બ્રેડમેન-પેલે-દ્રાવિડને ય માર્કેટીંગની જરૂર નથી જ પડતી !!!!

  5. અદભુત 100 %સાચી વાત. સૌરભભાઈ રવિવાર સુધરી ગયો. Thanks

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here