જે લૂંટાઈ ગયું તે પાછું મેળવવાનો હિંદુઓને હક્ક છે -લેખ 10: સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ: રવિવાર, 3 મે 2020)

ફલિ નરિમાન આદરણીય માણસ છે તો હશે. સુપ્રીમ કોર્ટના બહુ મોટા લૉયર અને કૉન્ગ્રેસ સરકારના લાડકા. ૮૮ વર્ષના બુઝર્ગ છે. સો વર્ષના થાય, આપણને ક્યાં વાંધો છે.

યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના ચીફ મિનિસ્ટર બન્યા એ પછી ઘણા લોકોને ચટકું લાગ્યું. ફલિ નરિમાને તો ત્યાં સુધી કહી નાખ્યું કે, ‘વી આર મૂવિંગ ટુવર્ડઝ હિન્દુત્ત્વ ઑફ સાવરકર.’

જાણે વીર સાવરકર ઓસામા બિન લાદેન હોય.

ઘણાને યોગી આદિત્યનાથનો ચહેરો સંન્યાસી કે સાધુ જેવો નથી લાગતો. એ લોકોને ઓસામા બિન લાદેનનો શાંત, તપસ્વી જેવો દાઢી ધરાવતો, ગૂઢ નયનોવાળો ચહેરો સાધુ સમાન લાગતો હશે. દાઉદ ઈબ્રાહિમનો હૅન્ડસમ ચહેરો ગમતો હશે. આમ તો કસાબ પણ ક્યાં રૂપાળો નહોતો.

યોગી આદિત્યનાથને સી. એમ. બનાવીને મોદીજીએ આ તમામ સ્યુડો સેક્યુલરવાદીઓની ચડ્ડી ઢીલી કરી નાખી છે. આ સૌ પોતપોતાની અસલી જાત પર આવી ગયા છે. ફલિ નરિમાને તો ત્યાં સુધી કહી નાખ્યું કે નરેન્દ્ર મોદી ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાની માગણીને સમર્થન આપે છે એ વાત યોગી આદિત્યનાથને સી. એમ. બનાવવાથી સાબિત થઈ ગઈ છે.

હિંદુ નેશન અને હિંદુ સ્ટેટ. બે સરખા દેખાતા શબ્દની જાણી જોઈને ભેળસેળ કરી નાખીને સેક્યુલરો હિન્દુત્વ વિશે ભ્રામક માન્યતાઓ ઊભી કરતા આવ્યા છે. લાલ કૃષ્ણ અડવાણી નાયબ વડા પ્રધાન (અને ગૃહપ્રધાન) હતા ત્યારે એમણે એક વાર લોકસભાને સંબોધતી વખતે કહ્યું હતું કે ‘ઈન્ડિયા કૅન નેવર બી અ હિન્દુ સ્ટેટ.’ તે વખતે અંગ્રેજી સેક્યુલરવાદી મીડિયાએ ઉપરછલ્લી રીતે નિર્દોષ દેખાતી ‘ભૂલ’ કરીને છાપેલું: ‘અડવાણી કહે છે કે ઈન્ડિયા કૅન નેવર બી અ હિન્દુ નેશન.’

ગુજરાતીમાં ‘નેશન’ અને ‘સ્ટેટ’ બેઉનો તરજાુમો ‘રાષ્ટ્ર’ કરવામાં આવે છે જે તદ્દન ગલત છે. અંગ્રેજીમાં તો આ બેઉ શબ્દની જાણીજોઈને સેક્યુલરવાદી પત્રકારો અદલાબદલી કરી નાખે છે.

બેઉ શબ્દોના અર્થ પહેલાં સ્પષ્ટ કરીએ. આ અર્થ કોઈએ જોડી કાઢેલા નથી, અનેક સર્વમાન્ય ડિક્શનરીઓ તથા ભારતના બંધારણે સ્વીકારેલા અર્થ છે. નેશન એટલે કોઈ એક ચોક્કસ રાજકીય સરહદની અંદર એક જ સરકારના શાસન હેઠળ રહેતી પ્રજા. એક શબ્દમાં કહો તો રાષ્ટ્ર.

સ્ટેટ એટલે? મહારાષ્ટ્રને, ગુજરાતને સ્ટેટ કહેતાં રાજ્ય કહીએ છીએ એ અર્થ તો પાછળથી આવતો અર્થ છે. સ્ટેટ એટલે દેશની સરકાર અથવા તો રાજ્યસત્તા. દાખલા તરીકે અંગ્રેજીમાં એમ કહેવાય કે ધ સ્ટેટ મસ્ટ પ્રોવાઈડ સ્કૂલ્સ ઍન્ડ હૉસ્પિટલ્સ ટુ એવરીવન. દેશની સરકારે, રાજ્યસત્તાએ, સૌના માટે શિક્ષણ અને આરોગ્યની સુવિધા પૂરી પાડવી જોઈએ.

નેશન એટલે રાષ્ટ્ર અને સ્ટેટ એટલે રાજ્યસત્તા કે સરકાર. ભારતમાં ધર્મસત્તાને આધારે ચાલતી સરકાર નથી અથવા તો ભારત થિયોક્રેટિક સ્ટેટ નથી. આનો મતલબ એ કે ભારતમાં કોઈ એક ધર્મના કાયદાકાનૂન સૌના પર લાદવામાં નહીં આવે. મુસ્લિમ દેશોમાં જેમ બિનમુસ્લિમોને પણ શરિયતના કાયદાની કાળી બાજુઓ લાગુ પડે છે એવી રીતે ભારતમાં બિનહિંદુઓને કોઈ હિંદુ કાયદો લાગુ પડતો નથી. પહેલી વાત તો એ કે હિંદુઓ માટે શરિયત જેવો કોઈ હિંદુ કાયદો છે જ નહીં. માત્ર કેટલાક હિંદુ રિવાજો કે કેટલીક પ્રથાઓને ધ્યાનમાં રાખીને કેટલાક સિવિલ કાયદાઓ બન્યા છે જે માત્ર હિંદુઓને લાગુ પડે છે. દા. ત.: વારસા માટે, દત્તક લેવાની વિધિ માટે વગેરે.

હવે જ્યારે સેક્યુલરવાદીઓ જાણે જ છે કે ભારતમાં શરિયતને સમાંતર એવો કોઈ હિન્દુ કાયદો છે જ નહીં અને કોઈ કાળે ભારતનું સંચાલન કરતી સરકાર હિન્દુ સરકાર અર્થાત્ ‘હિન્દુ કાયદા અનુસાર શાસન કરતી સરકાર’ સંભવિત નથી એટલે તેઓ સરકાર અથવા રાજ્યસત્તા માટે વપરાતા સ્ટેટને ઠેકાણે નેશન મૂકીને લોકોને ગેરમાર્ગે દોરે છે અને છેવટે ભડકાવે છે.

વાજપાયી, અડવાણી, મોદી કે યોગી કહેતા હોય કે ભારત ક્યારેય હિંદુ સ્ટેટ નહીં બને અને ભારત એક સેક્યુલર સ્ટેટ છે અને રહેશે ત્યારે એનો એકમાત્ર અર્થ એવો થાય કે ભારતમાં ક્યારેય હિન્દુ ધર્મને કેન્દ્રમાં રાખીને શાસન કરતી રાજ્યસત્તા નહીં આવે અને ભારતમાં પહેલેથી જ દરેક ધર્મના લોકોને એકસરખા ગણીને ચાલતી સરકારનું, રાજ્યસત્તાનું જે માળખું ગોઠવાયું છે તે જ ચાલુ રહેશે.

પણ સેક્યુલરવાદી મીડિયા બદમાશીપૂર્વક, ઝનૂનપૂર્વક ડૉ. પ્રવીણ તોગડિયા જેવા દૃઢ હિન્દુવાદીઓ પર તૂટી પડે છે કે જુઓ, આ વિશ્વ હિન્દુ પરિષદવાળાઓ તો હિન્દુ નેશનની વાતો કરે છે. ભલા ભાઈ, વી.એચ.પી. પણ હિન્દુ નેશનની જ વાત કરે છે, હિન્દુ સ્ટેટની નહીં. આરબ દેશો જેમ ઈસ્લામિક સ્ટેટ છે એવા હિન્દુ સ્ટેટની કોઈ વાત નથી કરતું. ન વીએચપી, ન આરએસએસ, ન બજરંગદળ, ન શિવસેના, ન મોદી, ન યોગી, ન તમે, ન હું.

હિંદુ સ્ટેટવાળી ગેરસમજ કે ભ્રમણાઓ, આશા રાખીએ કે, દૂર થઈ હશે.

હવે હિન્દુ રાષ્ટ્રવાળી વાત લઈએ. ભારતની સરહદો સેંકડો વર્ષ અગાઉ અફઘાનિસ્તાનથી (ગાંધાર પ્રદેશની ગાંધારી મહાભારતમાં હતી) બ્રહ્મદેશ સુધી વિસ્તરેલી હતી. ૧૯૪૭ પછી નકશામાં જોઈએ છીએ એટલી છે. અગાઉની કે અત્યારની સરહદમાં એક શાસન હેઠળ રહેતી પ્રજા કઈ હતી/છે? હિન્દુ પ્રજા, જેઓ મુસ્લિમ છે તે પણ બે-પાંચ-પંદર પેઢી પહેલાં હિન્દુ જ હતા. વટલાયેલા તમામ ખ્રિસ્તીઓ પણ હિન્દુ હતા. શીખો, બૌદ્ધો અને જૈનો પણ એક જમાનામાં હિન્દુ હતા, કારણ કે આ તમામ ધર્મોનો ઉદય થયો તેના હજારો વર્ષ પહેલાંથી હિન્દુ ધર્મનો સૂર્ય મધ્યાહ્ને ઝળહળતો રહ્યો છે.

હિન્દુ ધર્મનું નામકરણ નવું છે. વૈદિક ધર્મ કે સનાતન ધર્મની તમામ પરંપરાઓ જેનામાં ઊતરી આવી છે તે પ્રજા જે ધર્મ પાળે છે તે હિન્દુ ધર્મ છે. હિન્દુ નામ વિદેશીઓએ આપ્યું, સિંધુ નદીની પેલે પાર વસતા સિંધુઓ જેઓ ભાષામાં અપભ્રંશ સર્જાતાં હિન્દુના નામે ઓળખાયા અને વખત જતાં તેઓ જે ધર્મ પ્રણાલીને અનુસરતા તે હિન્દુ ધર્મ કહેવાયો. ધારો કે મારા બાપદાદાઓ સાત પેઢીથી મુંબઈના ઘોડબંદર રોડ પર રહેતા હોય અને પચાસ વર્ષ પહેલાં બાન્દ્રાથી બોરીવલી (અને બોરીવલીથી ફરીને થાણા સુધી જતા) સુધીના માર્ગને ઘોડબંદર રોડને બદલે સ્વામી વિવેકાનંદ રોડનું નામાભિધાન મળ્યું હોય તેને કારણે આ રોડ પર રહેવાનો મારો વારસો, મારી પરંપરા છીનવાઈ નથી જતાં. બૉમ્બેને બદલે સર્વત્ર મુંબઈ વપરાતું થઈ જવાથી મુંબઈકર બની ગયેલા આપણે સૌ બૉમ્બેઆઈટ મટી નથી જતા.

આપણે થોડો ઘણો અભ્યાસ કરીને ખ્રિસ્તી ધર્મ વિશે કે ઈસ્લામ વિશે કે બૌદ્ધ, જૈન, શીખ ધર્મો વિશે જાણી લઈએ છીએ કે ઈશુ ખ્રિસ્ત કોણ હતા, મોહમ્મદ પયગંબર કોણ હતા, ગૌતમ બુદ્ધ, મહાવીર સ્વામી અને ગુરુ નાનક કોણ હતા, એમનું જીવન કેવું હતું, એમના ઉપદેશોનો અભ્યાસ કરીને એમણે સ્થાપેલા ધર્મોની વ્યાખ્યા કરી શકીએ છીએ.

હિન્દુ ધર્મ આ તમામ ધર્મો કરતાં પ્રાચીન છે. બસો વર્ષની અંગ્રેજોની ગુલામી અને સાડાપાંચસો વર્ષની મુસ્લિમ રાજાઓની – આ સાડા સાતસો વર્ષનો તાજેતરનો ઈતિહાસ હિન્દુ ધર્મ માટે સૌથી મોટો અંધકાર યુગ હતો. જીવન ટકી રહે તે માટે હિન્દુઓએ પોતાના ધર્મને ભૂગર્ભમાં ધકેલી દેવો પડ્યો પરંતુ હિન્દુ ધર્મનો ઈતિહાસ માત્ર આ સાડાસાતસો વર્ષ પૂરતો મર્યાદિત નથી. હજારો વર્ષ જૂની આપણી સંસ્કૃતિ, વચ્ચેના આ સાડા સાતસો વર્ષ દરમ્યાન જો આથમી ગઈ હોય અને હવે જો એના પુનરુત્થાનની વાત થતી હોય તો એમાં શું કામ કોઈને પેટમાં ચૂંકવું જોઈએ? જે લૂંટાઈ ગયું હતું તે પાછું મેળવવાનો હક્ક દરેકને છે અને જે પાછું જોઈએ છે તેમાં કંઈ ધર્મમાં રહેલી બદીઓ પાછી નથી જોઈતી, કુરિવાજો પાછા નથી જોઈતા, વર્ણાશ્રમ આધારિત સમાજવ્યવસ્થા કે શૂદ્ર પરના અત્યાચારો પાછા નથી જોઈતા. કોઈ હિન્દુ ઘડિયાળના કાંટા પાછા મૂકવા નથી માગતો. પણ સાડા સાતસો વર્ષ સુધી તમે સતત રસ્તા પરનો, માખીઓ બણબણતો ખોરાક ખાધો હોય – ખાવો પડ્યો હોય અને હવે ડૉક્ટર એમ કહે કે એ બધું બંધ કરો. પહેલાંની જેમ ઘરના રસોડે બનેલો સાત્ત્વિક ખોરાક ખાવાનું શરૂ કરો, તબિયત ફરી પાછી લાલ ટામેટાં જેવી થઈ જશે, તો શું તમે ડૉક્ટરનો કૉલર પકડીને એમ કહેશો કે સાલા, તું તો ઘડિયાળના કાંટા પાછા મૂકવાની વાત કરે છે, હું જ્યાં સાડા સાતસો વર્ષ પહેલાં જમતો હતો ત્યાં ફરી વાર જમતો થઈ જાઉં એવી વાત કરે છે. તું પરંપરાવાદી છે, તું રૂઢિવાદી છે, તું આધુનિકતાનો દુશ્મન છે, તું ધર્મઝનૂની છે, તું મોદી છે, યોગી છે.

હિન્દુત્વની પડખે રહેવામાં, હિન્દુ ધર્મ બદલ ગૌરવ અનુભવવામાં અને હિન્દુ રાષ્ટ્ર (હિન્દુ સ્ટેટ કે રાજ્યસત્તા નહીં)નું પુનરુત્થાન કરવામાં કોઈ નાનમ નથી અનુભવવાની, મિત્રો. હિન્દુત્વની વિચારધારા તમને કૉમ્પ્યુટર યુગમાંથી પથ્થરયુગમાં લઈ જશે એવું કહીને ફલિ નરિમાન જેવા સેક્યુલરવાદી ઝનૂની દાદાઓ તમારા ખભા પરના બકરાને કૂતરું કહીને તમારી પાસેથી પડાવી લેવા માગે છે. પડાવી લીધા પછી આ સેક્યુલરવાદીઓ કુરબાની માટે એ બકરાને કોને હવાલે કરી દેવાના એની તમને ખબર છે. કૃપા કરીને આવું પાપ તમારા માથે નહીં લેતા.

ધર્મ અને રિલિજિયન તથા મંદિર અને મસ્જિદ વિશે વાત કરીને દસ હપ્તાની આ સીરીઝને વિરામ આપીએ. ઘણા વખતથી મનમાં એક વિચાર ઘૂમરાયા કરતો હતો. આપણી ફુલકા રોટલી, ભાખરી, રોટલા, પુરી, પરાઠા, તંદુરી રોટી, નાન, કુલચા વગેરે માટે ફિરંગી પ્રજા બ્રેડ શબ્દ વાપરે છે. કારણ કે એમના કલ્ચરમાં ફુલકા રોટલી, પડવાળી રોટલી, સતપડી વગેરે જેવું કંઈ જ નહીં. એમનું કલ્ચર બ્રેડનું કલ્ચર છે અને બ્રેડની અનેક વિવિધતા એમની પાસે છે: ક્રુઆઝાં, બેગલ, ડોનટ અને એવી બીજી ડઝનબંધ જેમાંની કેટલીક તમે ફાઈવ સ્ટારના બુફે બ્રેકફાસ્ટ ટેબલ પર જોઈ છે, ખાધી હશે. આપણી રોટી વગેરેને સમજાવવા માટે એમની પાસે નિયરેસ્ટ એક્સ્પ્રેશન છે બ્રેડ. કામચલાઉ સમજણ માટે બ્રેડ શબ્દ ખોટો નથી. કારણ કે બ્રેડની જેમ રોટી વગેરે આપણું સ્ટેપલ ફૂડ છે એવી ખબર પડી જાય એટલે ઘણું. પણ કોઈ ફિરંગી જો એવું સમજી બેસે કે આ લોકો તો બ્રેડની બે સ્લાઇસને ઘીમાં, ક્લેરિફાઈડ બટરમાં, ડુબાડીને પછી કેરીના રસ જોડે ખાય તો એ ઉલ્લુના પઠ્ઠાને સમજાવવું પડે કે એને અમે પડવાળી રોટલી કહીએ અને એ કેવી રીતે બને તે જાણવું હોય તો એકવાર ઘરે રસરોટલી જમવા આવ.

ધર્મ અને રિલિજિયન વચ્ચે પણ આવો જ, આના કરતાંય મોટો, તફાવત છે. એ લોકો પાસે ધર્મને સમજવા માટે કે ધર્મને એક્સ્પ્રેસ કરવા માટે કોઈ શબ્દ જ નથી. એટલે એના નિયરેસ્ટ શબ્દ રિલિજિયનથી એમણે ચલાવી લેવું પડે છે. બ્રેડ એટલે રોટલી કે બ્રેડ એટલે પુરી એવું આપણે માની લીધું નથી, સ્વીકારતા પણ નથી. કારણ કે બ્રેડ શું છે એની આપણને ખબર છે. રોટલી અને પુરી એટલે શું એની પણ નાનપણથી જાણ છે. અનુભવસિદ્ધ માહિતી છે આપણી પાસે એ બેઉ વિશેની.

પણ ધર્મને અંગ્રેજીમાં રિલિજિયન કહેવાય એવું નાનપણથી, અંગ્રેજી ભણતા થયા ત્યારથી, આપણા મગજમાં ઘુસાડી દેવામાં આવ્યું. વસ્તી ગણતરીપત્રકમાં પણ રિલિજિયનનું ખાનું હોય જેમાં દેવનાગરીમાં ધર્મ લખ્યું હોય. અનેક ઠેકાણે આપણને આપણો રિલિજિયન પૂછવામાં આવતો હોય અને આપણે લખતા હોઈએ કે હિન્દુ કે જૈન કે…

ઑથેન્ટિક ડિક્શનરીઓ પણ રિલિજિયન એટલે ધર્મ અને ધર્મ એટલે રિલિજિયન કહેતી થઈ ગઈ છે અને સરકારી સ્તરે પણ આ અર્થ સ્વીકારાયેલો છે એટલે સેન્સસવાળા ઘરે આવે ત્યારે એમની આગળ કંઈ લેક્ચરબાજી કરવા બેસાય નહીં કે ધર્મ એટલે રિલિજિયન નહીં અને રિલિજિયન એટલે ધર્મ નહીં એવું અમે સૌરભ શાહના લેખમાં વાંચ્યું છે, જાઓ, જઈને તમારા સાહેબને કહો અને બદલીને આવો.

પણ પહેલાં તો આપણે પોતે સમજવું જોઈએ, પછી સ્વીકારવું જોઈએ અને પછી જ્યારે જ્યારે કોઈ સેક્યુલરવાદી કે સ્યુડો હિન્દુવાદી તમને તમારા ધર્મ વિશે પટ્ટી પઢાવે ત્યારે એને સીધો કરી નાખવો જોઈએ.

રિલિજિયન એટલે ઉપાસના પદ્ધતિ એટલું ટૂંકમાં સમજી શકાય. લેટિનના રેલિગેર શબ્દ પરથી અપભ્રંશ થતાં ઓલ્ડ ફ્રેન્ચમાં રિલિજિયો બન્યો અને છેવટે રિલિજિયન શબ્દ ઘડાયો. રેલિગેર શબ્દ વપરાતો એકમેક માટેનું જોડાણ દર્શાવવા, રિલિજિયો આદર-ભક્તિ માટે પણ વપરાતો, ફરજ માટે પણ વપરાતો. મિડલ ઇંગ્લિશમાં રિલિજિયન શબ્દ કોઈ મઠમાં રહીને, કેટલાંક નીતિનિયમો પાળીને રહેવાના અર્થમાં વપરાતો. આધુનિક ઑક્સફર્ડ ડિક્શનરી કહે છે કે કોઈ સર્વશક્તિમાનમાં કે ભગવાનમાં આસ્થા રાખવી અને એની વર્શિપ કરવી એનું નામ રિલિજિયન.

રિલિજિયનના આટલા સંકુચિત, આટલા સંકીર્ણ અર્થને ધર્મ સાથે જોડી દેવાની ગુસ્તાખી બેદરકારીથી થઈ હશે, બદમાશીથી થઈ હશે કે બેવકૂફીથી થઈ હશે તે જાણવાનું ડિફિકલ્ટ છે. પણ આ ત્રણમાંના કોઈને કોઈ કારણસર એ લોકોનો રિલિજિયન એટલે આપણો ધર્મ અને આપણો ધર્મ એટલે એ લોકોનામાં જેને રિલિજિયન કહે છે તે એવું માની લેવામાં આવ્યું.

આપણા માટે ધર્મ એટલે માત્ર ‘ઉપાસના પદ્ધતિ’ એવું નથી. ઘણો વિશાળ અર્થ છે ધર્મનો. દુનિયા માટેનું કર્તવ્ય કે ફરજ, સ્વભાવ, આચાર અને જીવનશૈલીની સાથે સંકળાયેલો આ શબ્દ છે. ભગવદ્ ગીતામાં સ્વધર્મે નિધનં શ્રેય: પરધર્મો ભયાવહ: કહે છે ત્યારે પોતાની જે ફરજ છે, પોતાનો જે સ્વ-ભાવ છે તેને વળગી રહેવાની વાત છે. પરધર્મમાં ક્યાંય આડકતરી રીતે પણ ક્રિશ્ચેનિટી કે ઈસ્લામ તરફ ઈશારો નથી. ક્યાંય એવું અર્થઘટન ન કરાય કે હિન્દુ ધર્મ પાળતાં પાળતાં મરવું જ શ્રેષ્ઠ છે કારણ કે ઈસાઈયત-ઈસ્લામ વગેરે તો ભયજનક છે, ગીતાની રચના વખતે તો આ બે ‘પર ધર્મો’નો જન્મ થવાને હજારો વર્ષની વાર હતી.

સાર્થ ગુજરાતી જોડણીકોશમાં ધર્મ તેમ જ ધર્મને લગતા શબ્દો (ધર્મિષ્ઠ, ધર્મચર્ચા વગેરે)ના અર્થ સમજાવવા એક આખું પાનું આપવામાં આવ્યું છે. ભગવદ્ ગોમંડલમાં તો માત્ર ધર્મ શબ્દ વિશે ચાર પાનાં અને ધર્મ સાથે સંકળાયેલા શબ્દો (ધર્મચર્યા, ધર્મચક્ર, ધર્મયુદ્ધ —એ લોકોની જેહાદ એ આપણું ધર્મયુદ્ધ નથી—ધર્માંધ, ધર્મોપદેશ) વિશે બીજાં વધારાનાં ૧૭ (એકડે સાતડે સત્તર) પાનાં છે.

એ જ રીતે આપણી પૂજામાં અને એ લોકોની પ્રાર્થનામાં કે પેલા લોકોની ઈબાદતમાં પણ જમીન આસમાનનો ફરક છે.

આટલી મૌલિક લપ્પનછપ્પન કરવાનો આશય તમને રોટલી-પુરી તથા બ્રેડ-બેગલ વચ્ચેનો તફાવત સમજાવવાનો ન જ હોય એ સ્વાભાવિક છે. કેરીની સિઝન શરૂ થઈ ગઈ છે એટલે પડવાળી રોટલી અને કેરીના રસને યાદ કરવાના આશયથી પણ આ બધા ઉલ્લેખો નથી કર્યા.

આટલી લાંબી પ્રસ્તાવના બાંધવાનો ઈરાદો એ કે હવે પછી તમે જે વાંચવાના છો તે વાંચીને છળી ના મરો. હું તો ચોંકી જ ગયો હતો જ્યારે મેં વાંચ્યું કે: ” આપણી સમક્ષ પાયાનો પ્રશ્ન એ છે કે શું મંદિર અને મસ્જિદને ધાર્મિક બાબતે પવિત્રતાની દૃષ્ટિએ એકબીજાં સાથે સરખાવી શકાય? બે મહત્ત્વના કોર્ટ ચુકાદા કહે છે કે, ‘ના.’ આગમશાસ્ત્ર મુજબ પ્રાણપ્રતિષ્ઠા-પૂજા કર્યા બાદ બનેલું હિંદુ મંદિર જેમની મૂર્તિ સ્થાપવામાં આવી હોય તે ભગવાનનો આવાસ બની જાય છે અને એ મંદિરનો માલિક બીજું કોઈ નહીં, પરંતુ ભગવાન છે એવું માની લેવાય છે. જ્યારે મસ્જિદ એટલે મહદ્‌અંશે નમાજ પઢવા માટેનો પ્રાર્થનાખંડ. નમાજ ગમે ત્યાં પઢી શકાય. અલ્લાનો મસ્જિદમાં વાસ છે એવું શરિયતના કાયદા મુજબ મનાતું નથી અને એટલે જ ઈસ્લામિક દેશોમાં જાહેર રસ્તાઓ બનાવવા કે નવાં મકાનો બનાવવાના પ્લાનિંગમાં મસ્જિદની ઈમારતો વચ્ચે આવતી હોય તો તેને ખસેડીને બીજે લઈ જવામાં આવે છે, સાદી ભાષામાં કહીએ તો તોડી નાખીને વિકાસનો માર્ગ મોકળો કરવામાં આવે છે. ભારતની સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠ (કૉન્સ્ટિટ્યુશનલ બેન્ચ)ના બહુમતી જજમેન્ટ મુજબ મસ્જિદ એ કંઈ ઈસ્લામનો અનિવાર્ય હિસ્સો નથી. ૧૯૯૪માં ફેમસ થયેલા ઈસ્માઈલ ફારુકી વર્સસ યુનિયન ઑફ ઈન્ડિયા કેસ (જુઓ ૬ એસ.સી.સી. ૩૬૦, પાનું ૪૧૬, પેરા ૮૦થી ૮૬)માં સુપ્રીમ કોર્ટે મસ્જિદની પવિત્રતા તથા એના ઈશ્વરીય આવાસપણા વિશે આ મુજબ નોંધ કરી હતી: ‘(અમારી સામે) દલીલ મૂકવામાં આવી છે કે મુસ્લિમ કાયદામાં મસ્જિદનું આગવું સ્થાન છે અને એક વખત મસ્જિદ બાંધીને એમાં નમાજ પઢવામાં આવે એ પછી તે અનંતકાળ સુધી અલ્લાની પ્રોપર્ટી બની જાય છે… અને ઈસ્લામમાં શ્રદ્ધા ધરાવનારી કોઈ પણ વ્યક્તિ આવી મસ્જિદમાં નમાજ પઢી શકે છે અને આ (મસ્જિદવાળી) ઈમારતને તોડી નાખવામાં આવે તો પણ તે જગ્યા નમાજને લાયક રહે છે…’ આ દલીલને ફગાવી દેતાં ભારતની સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે કહ્યું: ‘ભારતમાં જે મોમેડન લૉ લાગુ પડે છે તે અનુસાર મસ્જિદની જગ્યાનું હસ્તાંતરણ થઈ ગયા પછી એ જગ્યા મસ્જિદ મટી જાય છે… ઈસ્લામ પાળવા માટે મસ્જિદની અનિવાર્યતા હોતી નથી અને નમાજ ગમે ત્યાં પઢી શકાય છે, ખુલ્લામાં પણ. આમ, એ (મસ્જિદના કે એની જગ્યાના) હસ્તાંતરણ પર ભારતીય બંધારણ મુજબ કોઈ પ્રતિબંધ નથી’ (પેરા ૮૨)…ઇસ્લામિક કાયદામાં તો આથીય વધારે ક્લિયરકટ પોઝિશન લેવાયેલી છે. સાઉદી અરેબિયામાં રસ્તા બાંધવા માટે, તેમ જ મકાનો બાંધવા માટે મસ્જિદો તૂટતી હોય છે. ઈવન મોહમ્મદ પયગંબર પોતે જ્યાં નમાઝ પઢતા તે બિલાલ મસ્જિદ પણ તોડવામાં આવી છે.”

અવતરણમાં ક્વોટ કરેલી માહિતી મને એક અમૂલ્ય પુસ્તકમાંથી મળી જેનું નામ છે: ‘બિલ્ડિંગ ધ શ્રી રામ ટેમ્પલ ઈન અયોધ્યા.’ પુસ્તકના રચયિતા છે હાવર્ડ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પામેલા ભારતના ભૂતપૂર્વ કૉમર્સ તેમ જ કાયદા તથા ન્યાય ખાતાના કેન્દ્રીય મંત્રી જેમનું નામ સાંભળીને સેક્યુલરો તથા બનાવટી હિન્દુવાદીઓ તથા તથાકથિત તટસ્થતાવાદીઓ નાકનું ટીચકું ચડાવે છે. સુબ્રમનિયન સ્વામી. હા, એ જ જે ૧૯૭૫ વાળી ઈમરજન્સીના ગાળામાં છદ્મ વેશે પાર્લામેન્ટમાં ઘૂસીને, ધરપકડ ટાળીને, હેમખેમ બહાર આવી ભારતની બહાર નીકળી ગયા હતા-ઈમર્જન્સી વિરુદ્ધ વિશ્ર્વની લોકશાહી પ્રજાનો જનમત મેળવવા.

યુપીમાં યોગીનું શાસન આવ્યા પછી કોઈ ભાંગફોડિયાએ એરપોર્ટ પર કોઈ બ્રાહ્મણ ઉઘાડા ડિલે ઊભાં ઊભાં પૂજા-અર્ચના કરતો હોય એવો ફોટોશોપ સર્જિત ફોટો સોશ્યલ મીડિયાએ વહેતો મૂક્યો હતો અનેક અણસમજુઓએ એને વખાણી વખાણીને ફૉરવર્ડ પર ફૉરવર્ડ કર્યો હતો. પણ આપણા હિન્દુ ધર્મમાં તમે ગમે ત્યાં ગમે ત્યાં પૂજા અર્ચના કરવા બેસી જતા નથી. બાન્દ્રા સ્ટેશનની બહાર શુક્રવારે નમાજ માટે સેંકડો મુસ્લિમો ભેગા થઈને કલાકો સુધી ટ્રાફિક ખોરવી નાખી શકે છે. આપણે રસ્તા પર આ રીતે ભીડ જમા કરીને આપણા આરાધ્ય દેવને યાદ કરતા નથી, કરી શકતા નથી. એમનામાં આ બધું એલાઉડ છે.

રામ જન્મભૂમિનો વિવાદ આમ તો હવે સોલ્વ્ડ થઈ ગયેલો જાણવો. ર૦૦૩-૪ના ચુકાદામાં કોર્ટે સ્વીકારી લીધું છે કે આ જગ્યા પર પહેલાં મંદિર હતું. હવે વિવાદ માત્ર જમીનની માલિકીનો છે. અને માલિકીનો વિવાદ ઉકેલવાને બદલે કોર્ટે હાથ ઊંચા કરી દીધા છે. તમતમારે આપસમાં નક્કી કરી લો.

કોર્ટના આ અભિગમમાં ચૂક છે. બાબરી ઢાંચો જ્યાં તૂટ્યો તેની નીચેના ખોદકામમાંથી પ્રાચીન મંદિરના અવશેષો મળી આવ્યા તેનો મતલબ એ કે એ જગ્યાએ મંદિર હતું અને કોર્ટે પણ આ આર્કિયોલોજિકલ પુરાવા માન્ય રાખ્યા. હવે આ મંદિરને બાબર કે તેના કોઈ માણસે ખરીદીને તો તોડી પાડ્યું નહોતું. મંદિર વેચાયું છે એવા કોઈ દસ્તાવેજો પણ નથી. વિચ મીન્સ કે મંદિર ઝૂંટવીને તેને તોડીને મસ્જિદ બની.

તમે કોઈની ચોરાયેલી માલમતાને પૈસા આપીને ખરીદી હોય તો પણ એના પર તમારો માલિકી હક્ક બનતો નથી. તમે કોઈની ચોરાયેલી ગાડી, ઘડિયાળ કે સોનાની ચેન ખરીદેલી હોય તો પોલીસ, તમારાં ખર્ચેલા નાણાં ડૂબી જાય તો પણ, એ મિલકત તમારી પાસેથી ઝૂંટવીને એના મૂળ માલિકને પરત કરી દે છે. એટલું જ નહીં કોર્ટ ચોરનાર વ્યક્તિને તો સજા કરશે જ, ચોરીનો માલ ખરીદવા બદલ તમને પણ સજા કરશે, કમ સે કમ પોલીસ તો બે દંડૂકા તમને મારશે જ.

બાબરી જ્યાં ઊભી હતી તે જગ્યા આ દૃષ્ટિએ ‘ચોરીનો માલ’ કહેવાય એવું જજમેન્ટ કોર્ટે આપ્યું હોત તો અયોધ્યામાં કે દા’ડાનું રામ મંદિર બની ગયું હોત.

(આ લેખ માર્ચ-એપ્રિલ ૨૦૧૭માં લખાયેલી સિરીઝમાંથી અપડેટ કરીને લીધો છે.)

6 COMMENTS

  1. We also required several 1000s Chanakays and Chandraguptas for centuries to rebuild BHATAT from dirty politics/policies at family , village,taluka, district to Nation

  2. Muslim has no problem to say this nation as HINDUSTAN , but seculars have problem because it denotes the nation of Hindus. Saurabh bhai . good article.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here