રિશી કપૂરનાં ટૉપ ટેન ગીતોની લાંબી પર્સનલ સ્મરણયાત્રા : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ એક્સક્લુઝિવ : રવિવાર, 3 મે 2020)

કોઈની યાદ તમને બહુ સતાવતી હોય તો તમે શું કરો? એમને ભૂલી જવાની કોશિશ કરો? ના. યાદ સતાવતી હોવા છતાં તમે એને વધારે ને વધારે યાદ કરતા રહો.

‘લવ: આજ-કલ’ 2009માં રિલીઝ થઈ તે પહેલાં જ રિશી કપૂરની સેકન્ડ ઇનિંગ્ઝ સક્સેસફૂલી લૉન્ચ થઈ ચૂકી હતી. ‘હમતુમ’ (2004) અને ‘નમસ્તે લંડન’ (2007)માં આવી ગઈ હતી. ‘દો દુની ચાર’ (2010), ‘અગ્નિપથ’ (2012), ‘જબ તક હૈ જાન’ (2012) તથા ‘102 નૉટ આઉટ’ (2018) પછી આવી.

પણ અત્યારે જે રિશીજી યાદ આવે છે તે ઉછળતા-કૂદતા ગીતો ગાતા રોમેન્ટિક રિશી. ‘લવઃ આજ-કલ’માં રિશીજીનો એક ડાયલોગ છે: ‘અપની જવાનીમેં મૈં ભી ખતરનાક કિસમ કા હેન્ડસમ થા’. આ શબ્દો રિશી કપૂરના મોઢે જ શોભે.
રિશી કપૂરે સોથી વધુ ફિલ્મોમાં કામ કર્યું (113નો આંકડો બોલે છે). આ સો ફિલ્મોમાંથી અડધો અડધ ફિલ્મોમાં કાં તો આર. ડી. બર્મનનું મ્યુઝિક હતું (17) કાં તો લક્ષ્મીકાંત-પ્યારેલાલનું (33). આર.ડી. કરતાં લક્ષ્મી-પ્યારેની ફિલ્મો ડબલ. છતાં સંખ્યામાં વધારે હિટ સૉન્ગ્સ આર.ડી.નાં નીકળે. અત્યારે એ બધી ચર્ચા બાજુએ મૂકીને રિશી કપૂરનાં ટૉપ ટેન ગીતો યાદ કરીએ.

બહુ મુશ્કેલ છે માત્ર દસ ગીતો યાદ કરવાં. આ લઈએ તો પેલું રહી જાય અને પેલું લેવા જઈએ તો ટૉપ ટેનને બદલે ટૉપ ટ્વેન્ટીફાઈવ ગીતોની યાદી બનાવવી પડે અને ટૉપ ટ્વેન્ટી ફાઇવ ગણવા જઇશું તો કદાચ ટૉપ વન હન્ડ્રેડ પર પહોંચી જવાશે. માટે વધારે લાલચ ન કરતાં ટૉપ ટેન પર જ રહીએ.

1. લક્ષ્મીકાંત પ્યારેલાલે ‘બૉબી’નાં બધાં જ ગીતો યાદગાર બનાવ્યાં. એકેએક ગીત યુનિક. નરેન્દ્ર ચંચલના અવાજમાં ‘બેશક મંદિર મસ્જિદ તોડો’ પણ ગમે અને મન્ના ડેના અવાજમાં પ્રેમનાથે ગાયેલું ‘ના માગું સોના ચાંદી’ પણ ગમે. ‘જૂઠ બોલે કૌઆ કાટે’ અને ‘અખિયોં કો રહને દે’થી લઈને ‘એ ફસા..’ સુધીનાં ગીતોમાં રિશી તો બધે જ છે. પણ ફાઈનલ રાઉન્ડમાં બે ગીતો વચ્ચે મારામારી થાય- કોને લેવું, કોને નહીં. એકને જ લેવું હોય તો ‘હમ તુમ એક કમરે મેં બંદ હો’ને બદલે ‘મૈં શાયર તો નહીં મગર ઐ હસીં ,જબ સે દેખા મૈંને તુઝ કો-મુઝ કો શાયરીઈઈઈ આ ગઈ…’ પસંદ કરું. ‘હમ તુમ એક કમરે મેં’ સામે કોઈ જ કરતાં કોઈ જ વાંધો નથી પણ ‘મૈં શાયર’માં નવી નવી હીરોગીરી કરતા શીખેલા ટીનએજ રિશીને જોવાની વધારે મઝા આવે. થોડોક સ્ટાર પાવર, થોડોક લેક ઓફ કૉન્ફિડન્સ એમના ચહેરા પર – એમની બૉડી લેન્ગવેજમાં દેખાય. 4 સપ્ટેમ્બર 1952 એમનો જન્મ દિવસ અને ‘બૉબી’ રિલીઝ થઈ 28 સપ્ટેમ્બર 1973ના રોજ. શૂટિંગ દરમ્યાન રિશી ટીનએજના છેવાડાના વર્ષોમાં હશે. જોકે, પડદા પર ‘મૈં શાયર’ ગાતી વખતે તો એમના પાત્રની જેટલી ઉંમર હતી એટલા જ લાગે છે- પંદર-સોળ વર્ષના. એ પછીની દરેક ફિલ્મમાં રિશી એવા જ લાગતા રહ્યા. સદા યુવાન. ઉંમર અને શરીરની સ્થુળતા વધી ગયાં પછી પણ યંગ, રોમેન્ટિક, ઉત્સાહી અને એનર્જેટિક લવર બોય તરીકેનો એમનો ચાર્મ છેવટ સુધી અકબંધ રહ્યો. યહાં પે ગાના લગેગા. (આ ગીત અને ગીત નંબર 3,5,7 અને 9 તમે ડાયરેક્ટ આ સાઈટ પર નહીઁ જોઈ શકો. એકવાર ક્લિક કર્યા પછી દેખાતી વ્હાઈટ અંડરલાઈનવાળી લિન્ક પર જઈને, યુ ટ્યુબ પર જોઈને, અહીં પાછા આવી જજો.)

2. બીજું ગીત ‘ઓ હંસિની’ મૂકું. ‘બૉબી’ના એક વર્ષ પછી 20 નવેમ્બર 1974ના રોજ રિલીઝ થયેલી ‘ઝહરીલા ઇન્સાન’ ફ્લોપ ફિલ્મ હતી. મેં હજુ સુધી નથી જોઈ. જોવાનું મન પણ નથી. પણ એનું આ એક ગીત જબરજસ્ત છે. રિશી કપૂરનાં ટોચનાં ગીતોની યાદીમાં પણ આવે અને આર.ડી. બર્મનનાં ટોચનાં ગીતોમાં પણ આ ગીત અચૂક વાગે. ‘ઓ હિંસીની’ના શબ્દોમાં ખાસ કંઈ દમ નથી. મજરૂહ સા’બ જેવા ખમતીધર ગીતકાર-શાયરે લખ્યું છે પણ શાબ્દિક એક્સપ્રેશન્સ બહુ જ ફોર્સ્ડ, જોડતોડવાળા લાગે, ઇન્સ્પાયર્ડ નહીં. હંસિની, ગજરા, કજરા, મન કા કમલ, જીવનકાલ, તેરા હંસા… આ બધું બહુ બનાવટી અને લાગણીશૂન્ય લાગે. આ ગીતની જાન છે આર.ડી.ની ધૂન અને કિશોરકુમારની ગાયકી. ટ્રમ્પેટ, ટ્રોમ્બોન, ટ્યુબા, ફ્રેન્ચ હૉર્ન આર.ડી.નું બ્રાસ સેક્શન અહીં સોળે કળાએ ખિલ્યું છે. (બ્રાસ સેક્શનની આવી જ કમાલો આર.ડી.એ. રિશી કપૂરનાં બીજા કયા ગીતોમાં દેખાડી? યાદ કરો…). લગભગ સવા પાંચ મિનિટના ગીતનો ત્રીજો ભાગ, આરંભની પોણા બે મિનિટ, માત્ર સંગીત છે. નવા નિશાળિયાને તો પ્રથમ સવા-દોઢ મિનિટ સુધી ખ્યાલ પણ ન આવે કે કયું ગીત શરૂ થવાનું છે. 1 મિનિટ 25 સેકંડે બ્રાસ સેક્શન શરૂ થાય પછી ખબર પડે કે ઓહો, આ તો ઓ હંસિની શરૂ થઈ ગયું છે. આ ગીતને તમે આર.ડી. બર્મનનાં ઈન્સ્ટ્રુમેન્ટલ ગીતોના કાર્યક્રમોમાં સાંભળો ત્યારે એની રિયલ બ્યુટિ બહાર આવતી સંભળાય. એ વખતે તમે મજરૂહ સુલતાનપુરીના શબ્દો ભૂલી જાઓ અને વિચિત્ર મૂછોવાળા અને એથીય વિચિત્ર લાર્જ પ્રિન્ટવાળી ડિઝાઇનનું શર્ટ પહેરેલા રિશી કપૂરને પણ ભૂલી જાઓ. હંસિનીને બદલે (સોરી ટુ સે પણ) ભારેખમ લાગતી મૌસમીઆન્ટી તો તમારા જહનમાં પણ ન આવે. શબ્દો વિનાનું, કોઈ વિઝ્યુઅલ વિનાનું આ ગીત ગૂંજ્યા કરતું હોય ત્યારે કિશોરકુમારનો પેશનેટ અવાજ અદ્રશ્ય બનીને હવામાં તર્યા કરતો હોય છે. યસ,ઓ હંસિની ડેફિનેટલી રિશી કપૂરના ટૉપ ટેન ગીતોમાં આવે, આવે ને આવે જ.

3. ‘ઝહરીલા ઈન્સાન’ની રિલીઝના બીજા વર્ષે રિશી કપૂરની બે હિટ ફિલ્મો આવી. 1975ના દિવાળીના ગાળામાં ‘રફૂચક્કર’ અને તે પહેલાં મે વેકેશનમાં ‘ખેલ ખેલ મેં’. રિશીના મોટાભાઈ રણધીર માટે જેમણે ‘જવાની દિવાની’ (1972) બનાવી હતી તે નરેન્દ્ર બેદીએ ‘રફૂચક્કર’ બનાવી. 1975ના વર્ષમાં એક તરફ ‘દીવાર’ અને ‘શોલે’ હતી તો બીજી તરફ ‘આંધી’ ‘ખુશ્બૂ’ અને ‘મૌસમ’ તો ત્રીજી તરફ ‘મિલી’ અને ‘ચુપકે ચુપકે’ તો ચોથી તરફ ‘જય સંતોષી મા’, ‘જુલી’ અને ‘ધર્માત્મા’, તો પાંચમી તરફ ‘છોટી સી બાત’, ‘ગીત ગાતા ચલ’ અને ‘અમાનુષ’. સુપર હિટ ફિલ્મોના આવા ધોધમાર વરસતા વરસાદમાં રિશી કપૂરની બે ફ્લોપ ફિલ્મો રિલીઝ થાય છેઃ ‘ઝિન્દા દિલ’ અને ‘રાજા’, સાથોસાથ બે સુપર હિટ ફિલ્મ આવે છે— ‘રફૂચક્કર’ અને ‘ખેલ ખેલ મેં’.
હવે સવાલ એ થાય છે કે ‘બૉબી’ અને ‘ઝહરીલા ઇન્સાન’નાં બે ગીત પછી ત્રીજું ગીત કઈ ફિલ્મનું લેવું? ‘રફૂચક્કર’નાં ગીતો કલ્યાણજી-આણંદજીના. ઐ ઝમાને તુ કર લે સિતમ પે સિતમ, કિસી પે દિલ અગર આ જાયે તો અને છુક છુક છક છક બૉમ્બે સે બરોડા તક. આ બધા કરતાં વધારે ગમે –તુમ કો મેરે દિલને પુકારા હૈ… પણ કલ્યાણજીભાઈ માટેનો પર્સનલ પક્ષપાત હોવા છતાં ત્રીજા ગીત માટે ‘રફૂચક્કર’ને બદલે ‘ખેલ ખેલ મેં’ની પસંદગી કરીએ. આમાં પણ પાછી મૂંઝવણ થવાની. સપના મેરા ટૂટ ગયા જબરજસ્ત ગીત છે પણ એ રિશી પર નથી, અરુણા ઇરાનીનું ગીત કહેવાય. હમને તુમ કો દેખા સારું છે. ખુલ્લમ્ ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનોં વધારે સારું છે અને રિશીજીની આત્મકથાનું ટાઈટલ પણ એમાંથી લેવાયું છે. પણ સંપૂર્ણ ગીત છે —એક મૈં ઔર એક તૂ, દોનોં મિલે ઇસ તરહ. આર.ડી.ની ધૂન સરસ, ગુલશન બાવરાના શબ્દો પણ પેપી અને એના કરતાં પણ વધારે સરસ રિશી-નીતુની જોડી…આફરીન. દુનિયાનું બેસ્ટ કપલ લાગે. હમણાંને હમણાં જ જોઈ લો. તો ત્રીજું ગીત આ જ.

4. ચોથા ગીત પર જતાં પહેલાં એક એલિમિનેશન રાઉન્ડ કરવો પડશે જેથી કોઈનેય અન્યાય ન થાય. 1976માં ‘લયલા મજનૂ’ આવી. સુપર હિટ થઈ. પણ આપણા ટેસ્ટની નહોતી. મદનમોહન તો બહુ ગમે – લગ જા ગલે અને વો ભૂલી દાસ્તાં જેવાં ગીતોને વારંવાર યાદ કર્યાં છે, લખ્યું છે, સ્ટેજ શો કર્યા છે. ‘લયલા મજનૂ’નાં ગીતો સુપર હિટ હોવા છતાં ક્યારેય હોઠ પર નથી આવતાઃ હુસ્ન હાઝિર હૈ મહોબ્બત કી સઝા પાને કો, કોઈ પત્થર સે ના મારે મેરે દીવાને કો વગેરે ગીતો પર્સનલી ઓકીડોકી લાગ્યાં છે, હાલા કિ આ પત્થરવાળું ગીત તો 1977ની બિનાકા ગીતમાલામાં વર્ષના ટૉપમોસ્ટ ગીત તરીકે વાગેલું. એ જ વર્ષે ‘કભી કભી’ આવ્યું પણ રિશીજી પર ફિલ્માવેલું ‘ચાહે ચલે છુરિયાં’ કે પછી ‘તેરે ચહેરે સે’ એમનાં ટૉપ ટેન ગીતોમાં ન આવે. તો હવે વરસ બદલીએ. 1977. આ વર્ષની રિશીજીની ફિલ્મોમાંથી એક નહીં ત્રણ ગીતો અમે ટોપ ટેનની યાદીમાં લઈ રહ્યા છીએ. 1977ના મે મહિનામાં ‘અમર અકબર એન્થની’ રિલીઝ થઈ.

આ ફિલ્મ સાથે એક પર્સનલ સ્મૃતિ છે. 1976માં એનું શૂટિંગ તેજપાલ ઑડિટોરિયમમાં ચાલતું હતું. તેજપાલ હૉલને અડીને જ ન્યુ એરા સ્કૂલ જેમાં એક વર્ષ માટે હું ભણ્યો. ક્લાસ છોડીને રોજ શૂટિંગ જોવા જઈએ. એક દિવસ સ્ટેજ પર સેટ લાગી રહ્યો હતો તે નજીકથી જોવા ‘એ’ રો અને સ્ટેજની વચ્ચેની જગામાં ઊભો હતો અને પાછળથી કોઈ ભાઈ ભીડમાંથી રસ્તો કાઢવા મારી સાથે ઘસાઈને નીકળી રહ્યા હતા. આવી બદતમીજી આપણી સાથે કોણ કરી રહ્યું છે તે જોવા માટે પાછળ ફર્યા તો લાલ લેધર જેકેટમાં સાક્ષાત બચ્ચનજી. આપણી તો ચારધામની જાત્રા ત્યાંને ત્યાં થઈ ગઈ. તેજપાલ, બિરલા, ભાઈદાસ-મુંબઈનાં આ નાટ્યગૃહોમાં કોઈ ફિલ્મનું શૂટિંગ થયું હોય તો બે સેકન્ડમાં કહી આપીએ કે આ કયો હૉલ છે. તેજપાલની ખાસિયત એના ઊભા પટ્ટાવાળા પડદા અને બેઉ તરફની દીવાલો પર ફેમસ આર્ટિસ્ટ દિનેશ શાહે કરેલાં વારલી પેઇન્ટિંગ્સની પેનલો. શૂટિંગ શરૂ થઈ જાય પછી કોઈને બહાર જવા ન મળે. આગળની એકબે રો પછી એકસ્ટ્રા તરીકે ઓળખાતા જુનિયર આર્ટિસ્ટો બેઠા હોય. પાછળ અમારા જેવા મફતિયાઓ. પરદા હૈ પરદા ગીતમાં છેલ્લી રો સુધી નજર જાય તો જો જો ક્યાંક અમે પણ સ્કૂલનો યુનિફોર્મ પહેરીને કવ્વાલીમાં સાથ પુરાવતા દેખાઈશું. તો ચોથું ગીત પરદા હૈ પરદા, પરદે કે પીછે પરદાનશીં હૈ… ‘અમર અકબર એન્થની’માં રિશીજીનાં બીજા બે સોલો છે જેમાંનું તૈયબઅલી જાન કા દુશ્મન હાય હાય મઝાનું સડકછાપ સૉન્ગ છે અને શિરડીવાલે સાંઈબાબા સમહાઉ ઔર અધર મને તે જમાનાથી ટ્રેનમાં ભિક્ષુકોને ગાવા માટે જ બનાવાયું હોય એવું લાગ્યું છે. બીજાં બે ગીતોમાં ત્રણેય ભાઈઓનો ફાળો છે. માટે આપણી ચોઈસ પરદા હૈ પરદા.

5. ‘હમ કિસી સે કમ નહીં’માંથી કયું ગીત લેવું તેની જેન્યુઇન મૂંઝવણ છે. કોમ્પીટિશનની સાડા દસ મિનિટની મેડલીમાં રિશીના ભાગે આ… દિલ કયા… મહેફિલ હૈ તેરે કદમોં મેં અને મિલ ગયા હમ કો સાથી મિલ ગયા આવ્યાં છે. બેઉ લાજવાબ છે. આખી મેડલી જબરજસ્ત છે. ચાંદ મેરા દિલ અને તુમ ક્યા જાનો મહોબ્બત ક્યા હૈ સહિતની મેડલી જાનદાર છે. આ જ ફિલ્મમાં રિશીજી પાસે હમ કો તો યારા તેરી યારી અને ટાઈટલ સૉન્ગ પણ છે. છતાં એક જ ગીત લેવાનું હોય તો આપણી પસંદ છે. બચના ઐ હસીનો…. આર.ડી.ના બ્રાસ સેક્શનની ફરી એકવાર કમાલ. છ મિનિટના ગીતની માત્ર સંગીતવાળી પહેલી બે મિનિટમાં જે નશો છવાઈ જાય છે તે ગીત પૂરું થયા પછી પણ દિલ-દિમાગમાંથી દૂર નહીં થાય, ન જ થવો જોઈએ.

6. નેક્સ્ટ ગીત ‘દૂસરા આદમી’નું છે. ઑક્ટોબર 1977માં રિલીઝ થઈ. રાજેશ રોશનનું મ્યુઝિક હતું. યશ ચોપરાએ પ્રોડ્યુસ કરેલી અને એમના આસિસ્ટન્ટ રહી ચુકેલા રમેશ તલવારે ડિરેક્ટ કરેલી. રિશી કપૂર, નીતુ સિંહ, રાખી અને સ્પેશ્યલ અપિયરન્સમાં શશીજી. ફિલ્મ ઑફબીટ વિષયની હતી. યુવાન રાખીના પતિ શશીજી હયાત નથી અને રિશીમાં એને શશી દેખાય છે એ ટાઇપનો પ્લૉટ હતો. ફિલ્મ તો બહુ ચાલી નહીં પણ ક્યા મૌસમ હૈ, ઐ દિવાને દિલ, અરે ચલ કહીં દૂર નિકલ જાએં ખૂબ ગમતું. ગમે છે. શિફોનની કે પછી સિલ્કની (આપણે ક્યાં હાથ લગાડીને જોવા ગયા હતા) બ્રાઉન પ્રિન્ટેડ સાડીમાં મુંબઈ-ખંડાલા માર્ગ પર ચાલતાં રાખીજીના પ્રેમમાં કોઈ પણ પડી જાય. રિશીજી તો હતા જ ખતરનાક કિસમના હેન્ડસમ. આ ગીત સાથે જડબેસલાક જડાઈ ગયેલી એક મેમરી શેર કરું. પિક્ચર રિલીઝ થયે પાંચછ મહિના થઈ ગયા હતા. કૉમર્સ કૉલેજમાં એડમિશન લીધેલું પણ ભણવાને બદલે ગુજરાતી સાહિત્ય મંડળની જ પ્રવૃત્તિઓ ચાલે. અમારી સિડનહેમ કૉલેજની લાયબ્રેરીમાં હોઈ હોઈને ગુજરાતી સાહિત્યનાં પુસ્તકો કેટલાં હોય? બધાં વંચાઈ ગયેલાં. એટલે ચોપાટીની ભવ્ય ભવન્સ લાયબ્રેરી જોઈન કરી. એફ.વાય. કૉમર્સની ફાઈનલ એક્ઝામનું વાંચવા માટે ભવન્સની લાયબ્રેરીમાં જઉં છું એમ કહીને સવારે સાત વાગ્યે કૉમર્સની ચોપડીઓ લઈને ઘરેથી નીકળી જવાનું. આઠ વાગ્યે લાયબ્રેરી ખુલે કે તરત બારી પાસેના ટેબલ પર પુસ્તકો મૂકીને જગ્યા રોકી લેવાની અને નીચે ઉતરીને નાકા પરની ‘ન્યુયૉર્ક’ નામની ઇરાની રેસ્ટોરાંમાં બ્રેકફાસ્ટ કરવા ઉપડી જવાનું. ડબલ ઑમલેટ, ટોસ્ટ બટરની સાથે ચા-કૉફીને બદલે ઠંડી મેન્ગોલા. નાસ્તાનો ઑર્ડર આપતાં પહેલાં જ્યુક બૉક્સમાં નખાય એટલા સિક્કા નાખીને એક જ ગીત વાગે એવી ગોઠવણ કરવાની. શાહી બ્રેકફાસ્ટ ચાલતો હોય ત્યારે સળંગ અડધો કલાક સુધી જિલ્લેઈલાહી માટે આ ગીત વાગતું રહે: ક્યા મૌસમ હૈ… ચલ કહીં દૂર નિકલ જાયે…પછી ઉપર આવીને કૉમર્સની ચોપડીઓ બાજુએ મૂકીને ગુજરાતી સાહિત્યની ઉમદા નવલકથાઓ, વાર્તાસંગ્રહો, કાવ્યસંગ્રહો અને સાહિત્યિક મેગેઝિનોની જૂની ફાઈલો પર તૂટી પડવાનું. આનો અંજામ શું આવ્યો? એફ.વાય.માં અંગ્રેજી અને ગુજરાતી સિવાયના બધા વિષયોમાં એટીકેટીઓનો ઢગલો. અને એનું ફળ શું મળ્યું? એ જ વર્ષે ‘ગ્રંથ’માં નોકરી લઈ લીધી અને કરિયર શરૂ ગઈ…ચલ કહીં દૂર નિકલ જાયેં.

7. ડફલીવાલે ડફલી બજા. ‘સરગમ’માં તમે રિશીજીને આ ગીતમાં જુઓ ત્યારે જયાપ્રદા પર ધ્યાન આપવાને બદલે રિશીજી જે રીતે ડફ વગાડે છે તેના પર કોન્સન્ટ્રેટ કરજો. ગીતમાં ડફલી શબ્દ છે જે સાઇઝમાં ખંજરી કરતાં નાની હોય. ‘તીસરી કસમ’માં ‘ચલત મુસાફિર’ ગાઈ રહેલા અભિનેતા કૃષ્ણ ધવન (‘નુક્કડ’ સિરિયલના ગુરુ દિલિપ ધવનના પિતા)ની બાજુમાં બેસીને રાજ કપૂર જે વગાડે છે તે ડફલી છે. ‘સરગમ’માં રિશીજી જે વગાડે છે તે ડફ છે. ડફ મોટા થાળ જેવું હોય. પણ ચાલે. હિંદી પિક્ચરમાં બધું ચાલે. કલ્યાણજીભાઈ ઘણી વખત કહેતા કે ‘નાગિન’ (1954)માં મન ડોલે મેરા તન ડોલે ગીતમાં શબ્દો છે કે કૌન બજાયે બાંસુરિયા પણ અવાજ મદારીના બીનનો સંભળાય છે અને એ બીન પણ પાછું રેકૉર્ડિંગ કરતી વખતે ક્લે વાયોલિન નામના ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ પર વગાડવામાં આવે છે, જે કલ્યાણજીભાઈએ વગાડ્યું હતું- હેમંતકુમારના મ્યુઝિશ્યન તરીકે. ક્લે વાયોલિન એટલે આજના સિન્થેસાઇઝરની આગલી જનરેશનનું વાજિંત્ર.

રિશી કપૂરને તમે ડફ વગાડતાં ધ્યાનથી જોશો તો લાગશે કે જાણે એ પોતે રેકૉર્ડિંગમાં વગાડી રહ્યા છે. જમણા હાથની થપાટો તો બરાબર સમયે યોગ્ય પ્રેશરથી પડે જ છે, જે હાથે ડફ પકડી છે તે ડાબા હાથની આંગળીઓની મૂવમેન્ટ પણ એકદમ સિન્કમાં છે. અને કેમ ન હોય? રિશીજીના બાપુજી પણ જ્યારે જ્યારે સ્ક્રીન પર એકૉર્ડિયન, ડફલી, પિયાનો વગેરે વગાડતા ત્યારે એવું જ લાગતું કે એમને આ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતાં આવડે છે. રાજ કપૂર રિયલ લાઇફમાં ઘણા ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા. રિશીજીએ એટલીસ્ટ સ્ક્રીન પર તો પિતાનો આ વારસો પણ જાળવ્યો. હાથમાં ગિટાર લઈને ડઝનબંધ અભિનેતાઓએ હિંદી ફિલ્મોમાં ગીતો ગાયાં. પણ રિશીજી ગીતમાં ગિટાર વગાડતા હોય ત્યારે તમને એમ જ લાગે કે એ ગિટાર વગાડે છે, બીજા હીરો લોકો તો ગિટાર પંપાળતા હોય એવું લાગે. ડફ વગાડતાં લિપ સિન્ક કરવું, સાથે સાથે ડાન્સના સ્ટેપ્સ કરવા, કેમેરાની ફ્રેમમાંથી બહાર નીકળી ન જવાય એની તકેદારી રાખવી અને ચહેરા પરના એક્સપ્રેશન્સ સાચવવા. કેટલું અઘરું કામ હોય છે. બહુ મહેનત લાગતી હોય છે સારું કામ કરવામાં. સુપરસ્ટાર કંઈ એમનેમ નથી બની જવાતું.

8. સુભાષ ઘાઈની ‘કર્ઝ’ તે વખતે ભલે એટલી ન ચાલી જેને કારણે રિશીજી ભયંકર ડિપ્રેશનમાં આવી ગયા. પણ ‘કર્ઝ’ આજે આયકોનિક ફિલ્મ ગણાય છે. ‘કર્ઝ’ 1980માં રિલીઝ થઈ તેના ત્રણેક વર્ષ પહેલાં હોલિવૂડની ફિલ્મ ‘રિઇન્કાર્નેશન ઓફ પીટર પ્રાઉડ’ મુંબઈમાં રિલીઝ થઈ ચૂકી હતી જે સ્ટર્લિંગમાં જોઈ હતી. 1975માં હોલિવૂડમાં બનેલી પુનર્જન્મ અને બદલાની થીમ પરની આ ફિલ્મ એ જ નામની અંગ્રેજી નોવેલ પરથી સર્જાઈ હતી. ‘કર્ઝ’ પરથી ઇન્સ્પાયર થઈને ‘ઓમ શાન્તિ ઓમ’ બની. ‘કર્ઝ’ના મ્યુઝિક માટે લક્ષ્મીકાન્ત પ્યારેલાલને ફિલ્મફેર અવોર્ડ મળ્યો. એનું થીમ મ્યુઝિક આજે પણ કાનમાં ગૂંજે છે. નથિંગ ઇઝ ગોઇંગ ટુ ચેન્જ માય લવ ફૉર યુવાળા જ્યોર્જ બેન્સનની ધૂનની બેઠી કૉપી કરીને પ્યારેલાલજીના ભાઈ ગોરખ શર્મા ઘણા પ્રસિદ્ધ થયા. ‘કર્ઝ’નાં મૈં સોલહ બરસ કી, દર્દ-એ-દિલ, એક હસીના થી અને પૈસા યે પૈસા બધાં જ ગીતો લોકોને ગમ્યાં. આપણા ટૉપ ટેનના લિસ્ટમાં ઉમેરવા જેવું ગીત હોય તો તે છેઃ તુમને કિસી કો કભી પ્યાર કિયા? કિયા… ઓમ શાન્તિ ઓમવાળા આ ગીતનો ફરતી રેકૉર્ડવાળો સેટ જોઈને તે વખતે અંજાઈ જતા આજે જોકે, ચક્કર આવે.

9. એ પછીના વર્ષમાં, 1981માં રિલીઝ થયેલી ‘ઝમાને કો દિખાના હૈ’ નાસિર હુસૈને ‘હમ કિસી સે કમ નહીં’ના હેન્ગ ઓવરમાં બનાવી. આર.ડી. બર્મને સર્જેલું મ્યુઝિક ખૂબ ચાલ્યું, ફિલ્મ ના ચાલી. દિલ લેના ખેલ હૈ દિલદાર કા, હોગા તુમસે પ્યારા કૌન, બોલો બોલો કુછ તો બોલો, પૂછો ના યાર ક્યા હુઆ, ટાઈટલ સૉન્ગ… બધાં જ યાદગાર ગીતો. પણ ટૉપ ટેનની યાદીમાં એમાંથી કોઈ ગીત નહીં આવે. આપણે ‘સાગર’માંથી એક ગીત લઈએ. 1985માં ડિમ્પલ-રિશીની જોડીનું ભવ્ય પુનરાગમન. શોલેના દિગ્દર્શક રમેશ સિપ્પી સાથે કમલ હસન. ફિલ્મ ન ચાલી પણ આર.ડી. બર્મનનું સંગીત આજે પણ વખણાય છે. ડિમ્પલ સમુદ્રના પાણીમાંથી બહાર આવે છે અને રિશી હાથમાં કેમેરા લઈને દૂરથી જોઈ રહે છે તે વખતનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક તમારાં રૂંવાડાં ઊભાં કરી દે. સાગર કિનારે દિલ યે પુકારે, ઓ મારિયા, જાને દોનાને પસાર થવા દઈને એક ગીત પસંદ કરીએ: સાગર જૈસી આંખોવાલી યે તો બતા તેરા નામ હૈ ક્યા-ચહેરા હૈ યા ચાંદ ખિલા… રિશીજીના ટૉપ ટેનમાંનું આ નવમું ગીત.

10. દસમું ગીત નક્કી કરતાં પહેલાં એક લટાર રિશી કપૂરનાં કેટલાંક ખૂબ જાણીતાં ગીતોમાં મારી આવીએ.

‘પ્રેમરોગ’ (1982)નું મેરી કિસ્મત મેં તૂ નહીં શાયદ, ‘યે વાદા રહા’ (1982)નું તૂ તૂ હૈ વહી યાદ કર્યા વિના ન ચાલે. ‘હીના’ (1991)નું દેર ના હો જાયે કહીં દેર ના હો જાયે ગમતું ગીત છે. એમાંય અશ્વિની ભાવે જ્યારે આજા વે માહી ગાય ત્યારે દિલ નીચોવાઈ જાય. એ પછીના વર્ષે રિલીઝ થયેલી ‘દીવાના’માં નદીમ-શ્રવણના સંગીતમાં કુમાર સાનુએ રિશી કપૂર માટે ગાયું. સોચેંગે તુમ્હેં પ્યાર કરેં કે નહીં, તેરી ઉમ્મીદ તેરા ઇન્તઝાર કરતે હૈં. બેઉ ટિપિકલ નદીમ-શ્રવણ ટાઇપનાં ગીતો. રિક્શામાં બેઠા હો તો અચૂક ઝંકાર બીટ્સ ઉમેરીને મોટે અવાજે વાગે અને રસ્તો ક્યાં કપાઈ જાય ખબર પણ ન પડે. પણ દસમું ગીત તો એ પહેલાંની ફિલ્મનું જ હોય. ‘ચાંદની’. પં. શિવકુમાર શર્મા અને પં. હરિપ્રસાદ ચૌરસિયાએ ‘સિલસિલા’ પછી ફરી એકવાર કમાલ કરી. ‘લમ્હેં’ અને ‘ડર’ની કમાલો એ પછી આવી. યશ ચોપરાનું ઇન્વોલ્વમેન્ટ એકે એક ગીતમાં અનુભવી શકો તમે. ‘ચાંદની’માં નવ ગીતો હતાં. રિશીજીને ભાગે આવેલાં ગીતોમાંથી બે ગીતો સૌથી વધારે અપીલિંગ છેઃ તેરે મેરે હોઠોં પે મીઠે મીઠે ગીત મિતવા…. વાંસળી, સંતુર, પહેલાં યલો અને પછી દરેક અંતરા સાથે બદલાતી શ્રીદેવીની સાડીઓ, રિશીજીનાં સ્વેટર્સ. બીજું ગીત ટાઈટલ
સૉન્ગ જેમાં શ્રીદેવીએ પોતે પોતાને પ્લેબેક આપ્યું છે. આ બંનેમાંથી કોઈ એક જ પસંદ કરવાનું હોય તો ‘મીઠે મીઠે ગીત મિતવા’ જ ફાઈનલ થાય.

ટૉપ ટેનની ફોર્મલ યાદી અહીં પૂરી થાય છે. દરેકની પાસે દરેક કળાકારનાં પોતાને ગમતાં ટૉપ ટેન હોવાનાં. એ દરેક ગીતની સાથે, કોઈને કોઈ સ્મૃતિ જોડાયેલી રહેવાની. એક વખત મેં લખ્યું હતું કે હિંદી ફિલ્મોનાં ગીતો આપણી ન લખાયેલી રોજનીશીનાં પાનાં હોય છે. રિશી કપૂર સાથેની સ્મૃતિયાત્રાનું સમાપન એમના પર ફિલ્માવેલા જરા ઓછા જાણીતા ગીત સાથે કરવું પ્રોપર ગણાશે. આર.ડી. બર્મને કમ્પોઝ કરેલું ગીત છે. મજરૂહ સુલતાનપુરીના ફિલોસોફિકલ અને પ્રેક્ટિકલ શબ્દો છે. ફિલ્મ ‘બડે દિલવાલા’ (1983). જીવન કે દિન છોટે સહી, હમ ભી બડે દિલવાલે… કલ કી હમેં ફુર્સત કહાં, સોચેં જો હમ મતવાલે… પિયાનોથી ગીતની શરૂઆત થાય છે. કિશોરકુમારનો લાગણીના મોજાંની ભરતી-ઓટ પર સવાર થઈને આવતો અવાજ. જીને કા રંગીન મૌસમ, યે ખૂબસૂરત ઝમાના; અપને યહી ચાર પલ હૈ, આગે હૈ ક્યા કિસને જાના… જીના જીસે આતા હૈ વો, ઈન મેં હી મૌજ મના લે… યે ઝિંદગી દર્દ ભી હૈ, યે ઝિંદગી હૈ દવા ભી; દિલ તોડના હી ન જાને, જાને યે દિલ જોડના ભી… ઈસ ઝિંદગી કા શુક્રિયા, સદકે મૈં ઉપર વાલે…

ઉપરવાળાનો લાખવાર આભાર જેણે આપણને મજરૂહ સા’બ જેવા આપણી અપ્રગટ લાગણીઓની અભિવ્યક્તિ કરનારા ગીતકાર આપ્યા, એમના શબ્દોને સૂરમાં પરોવનારા પંચમદા આપ્યા અને એ ગીતોને અમર બનાવનારા કિશોરકુમાર અને રિશી કપૂર આપ્યા.

16 COMMENTS

  1. ખૂબ સરસ વિશ્લેષણ અને સુંદર માહિતી.. ફરી એકવાર ભૂતકાળમાં લટાર મારી આવ્યા. મઝા આવી ગઈ. આભાર

  2. આજનાં આધુનિક જમાનામાં પણ હું રેડિયો સાંભળું છું. આ ૧૦ ગીતોમાંથી ફકત ગીત ૨,૪,૬ અને ૧૦ નંબરના ગીત આવે ત્યારે સાંભળું છું, બાકીના છ ગીત આવે ત્યારે રેડિયો બંધ કરી દઉં છું. ૨ નંબર નું ગીત ધુન અને ગાયકી માટે., ૪ નંબર રફી સાહેબ ની કમાલ ગાયકી , ૬ નંબર નાં ગીતમાં પણ રફી સાહેબ વાળો લાસ્ટ પાર્ટ ઉત્તમ, અને ૧૦ નંબરનું ગીત ટ્યુન અને મ્યુઝિક. આ ચાર ગીતો જ સાંભળવા ગમે એવા છે બાકીના ઠીક છે.
    સારા ગીતોમાં ‘લૈલા મજનૂ’ ના ત્રણ ગીતો લઈ શકાય (૧) તેરે દર પે આયા હું (૨)બરબાદે મહોબત કી દુઆ સાથ લીએ જા (૩) કહેના કે ઈક દિવાના તેરી યાદ મેં આંહે ભરતા હૈ. આ ગીતોની સ્ટોરી સિચયુએશન ખબર હોય તો જ એની depth સમજી શકાય. આ ત્રણેય ગીતાના શબ્દો અને મદનમોહન નું સંગીત અને ગીતની ટ્યુન અને એ બધાની ઉપર રફી સાહેબનો અવાજ, કોઈ ગાયક આને આંબી ન શકે.

  3. અદ્ભુત સંકલન અને ઘણીબઘી અજાણી માહિતી માટે ખૂબખૂબ ધન્યવાદ…👍🏻

  4. રિશી કપૂર ના શાનદાર ટોપ 10 ગીતો નો સફર ભરપૂર માણવાલાયક છે. સૌરભ ભાઈ નો વિશેષ આભાર.
    1978 માં આવેલી એમની ફિલ્મ બદલતે રિષતે નું સંગીત પણ સુમધુર અને યાદગાર છે. મેરી સાસોં કો જો મહેકા રહી હૈ ગીત નો ઉલ્લેખ કરવાં જેવો છે.
    ફરી ક્યારેક સદાબહાર હિન્દી ગીતો ના કોમ્પોઝિશન ની લેખમાળા નો રસાસ્વાદ કરાવવાનો સૌરભ ભાઈ ને નમ્ર વિનંતી.

  5. સાહેબ ખુબ સુંદર આર્ટિકલ વિથ લાઈવ ઓડિયો , એક એક ગીતો એકજ બેઠકે જોઇલિધા મારા જૂના દોસ્તો અને એમનિસ્થે વિતાવેલ એકેક પળો ફરીથી ખુબ યાદ આવી ગઈ . આવા સમયે માં આપે અમારો ને ખાસ મને મારા આનંદિત કરનાર સંસ્મરણો માં લઇ જવા બદલ દિલ થી આપનો આભારી છું . સાહેબ મને એવું કેમ લાગે છે કે એ ટાઈમ ખુબ જ સરસ હતો ! શું આપ ને પણ એવું લાગે છે ? જવાબ આપ જો સાહેબ . આભાર?

  6. મારા હિસાબે જૂઠા કહીં કા ના બધા જ ગીતો સરસ હતા.જીવન કે હર મોડ પે, બારહ બજે કી સૂઈ યો જૈસે,દિલ મેં જો મેરે સમાં ગઈ, જૂઠા કહીં કા મુઝે ઐસા મિલા.એનો પણ ઉલ્લેખ જરૂરી હતો.બીજુ એક પિક્ચર હતું,અંજાને મેં. એના ગીતો ગઈ કામ સે ગઈ યે લડકી,દિલ કા રિશ્તા જોડ દિયા હૈ તુઝ સે ઓ દિલ્લીવાલી.તે ઉપરાંત દુનિયા મેરી જેબ મે માં એક મસ્ત ગીત હતું. કુછ બોલું, હાં બોલો અને દેખ મૌસમ કેહ રહા હૈ.આ બધા ગીતો પણ સુપર હિટ હતા.

  7. વાહ સૌરભભાઈ, જો આપે ટોપ-25 ગીતો આપ્યા હોત તો તેમાંથી 20 ગીત પંચમ ના જ હોત. પણ આશ્ચર્ય એ છે કે તેમની આત્મકથામાં પંચમનો ઉલ્લેખ જ નથી!

  8. પરફેકટ ટોપ ટેન મજજો પડી ગયો ખુબ ખુબ આભાર.

  9. ?
    Good artical
    Aa badha songs mara bi favourite chhe. Thank you?
    But sapna mera tut gaya song of aruna irani not helan.

  10. એકદમ વેલ બેલેન્સ્ડ ગીતોની પસંદગી. સાથે સાથે અંગત જિંદગી ના વર્ણનો પણ ખૂબ જ ગમ્યા

    • wah sir, you made my day. ભારતમાં આર ડી બર્મનના મ્યુઝિક વિશેની સર્વોચ્ચ ઑથોરિટી તરફથી આવી કમેન્ટ મળે એ મારું સદ્‌ભાગ્ય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here