ઑર્ગેનિકથી જોસેફ કુરિયન સુધી: ન્યૂઝ રાઉન્ડઅપ

ગુડ મૉર્નિંગસૌરભ શાહ

( મુંબઇ સમાચાર : મંગળવાર, 4 ડિસેમ્બર 2018)

તમે ક્યારેય માર્ક કર્યું છે કે કૉટન કે સુતરાઉ શર્ટ ખરીદવા બજારમાં જાઓ તો સારી-મોંઘી બ્રાન્ડનાં કેટલાક શર્ટ કૉટનના હોવા છતાં કૉટન જેવી ફીલ એમાં નથી આવતી? એનું કારણ છે. અમેરિકાએ કાપડ ઉત્પાદકોને છૂટ આપી છે કે જે કાપડમાં 90 ટકા કૉટન હોય તેને બ્લેન્ડેડ કાપડ નહીં પણ કૉટન તરીકે જ ઓળખવું. કૉટન મિલોના ઉત્પાદકોએ લૉબિંગ દ્વારા સરકારમાં કરાવેલા નિયમોનો આ નતીજો છે. 

અમેરિકામાં તમે ઑર્ગેનિક ફૂડ લેવા જશો તો એ સંપૂર્ણપણે કુદરતી ખાતરમાંથી ઉગાડેલા અન્ન/શાકભાજીમાંથી બનેલું જ ફૂડ હોય એ જરૂરી નથી.ઑર્ગેનિક ફાર્મિંગના નામે તોતિંગ ભાવવધારો કરનારા શ્રીમંત ખેડૂતોની લૉબીએ ત્યાંની સરકાર પાસે દસ પ્રકારના ફર્ટિલાઈઝર્સ/પેસ્ટિસાઈડ્સ મંજૂર કરાવી લીધા છે જે તેઓ ઑર્ગેનિક ખેતીમાં છૂટથી વાપરીને ‘ઑર્ગેનિક’નું લેબલ લગાવી અમેરિકન ગ્રાહકોને લૂંટી શકે છે. કૉટનવાળું તો ભારતમાં પણ આવી ગયું છે, ઑર્ગેનિકવાળું પણ વહેલું મોડું આવી જવાનું, જો સરકાર સાવધ નહીં રહે તો. 

શબ્દો કે લેબલ એનું એ જ રાખીને એના અર્થમાં ગરબડગોટાળા કરી નાખવાનું ચલણ ઘાતક છે. જેનું મગજ ઠેકાણે ન હોય એને મેન્ટલી ચૅલેન્જ્ડ કહેવાથી કે બહેરા-આંધળા-મૂંગાને કે અપંગને આવી જ યુફેમિસ્ટિક ટર્મ્સ વાપરીને ઓળખવાથી કંઈ એમની ખોડ સાજી થઈ જવાની નથી. આમ છતાં આ બધા માટે આલંકારિક વિશેષણો વપરાતા હોય ત્યાં સુધી ઠીક છે. પણ એની સામે આ જ મેડિકલ ફીલ્ડવાળાઓ શ્યુગરની થોડીક વધઘટવાળાને ધડામ દઈને ડાયાબિટીકનું લેબલ ચિટકાડી દેતાં સહેેજે સંકોચાતા નથી, કારણ કે ડાયાબિટીસનો હાઉ ઊભો કરીને ફાર્મા ઈન્ડસ્ટ્રી તથા એમના દલાલો જેવા ડૉક્ટરો અબજો રૂપિયાની કમાણી કરે છે. કોલેસ્ટરોલ પાછળનું કૌભાંડ તાજેતરમાં બહાર આવ્યું તે સમાચાર તમને ભાગ્યે જ કોઈ મીડિયાવાળાએ પહોંચાડ્યા હશે. વાત કરીએ એની. 

અમેરિકાની શ્યુગર લૉબી ઘણી વિશાળ છે. ચામાં નખાતી ખાંડ ઉપરાંત એના બીજા સેંકડો ઉપયોગ છે. લાંબી શેલ્ફ લાઈફ ધરાવતી દરેક ચીજોમાં શ્યુગર નાખવી પડે. ટૉમેટો સૉસ જેવી હજારો ચીજોમાં ઉપરાંત ચૉકલેટ, પિપરમિન્ટ, ઠંડાં પીણાં વગેરેમાં ટનબંધ શ્યુગર જાય. શ્યુગરનો અતિરેક હાર્ટની બીમારીને નોતરે, બીજી ઘણી બીમારીઓને નોતરે. પણ અમેરિકન ચાલબાજોએ હાર્ટની બીમારી માટે કોલેસ્ટરોલના નામનું બિલ ફાડ્યું. લોકો ગભરાઈને બાયપાસ, સ્ટેન્ટ – શું નું શું કરવા લાગ્યા. હવે ભાંડો ફૂટ્યો છે કે અમુક ટ્રિલિયન ડૉલરની કમાણી કરી લીધા પછી આ અમેરિકનો તમને કહે છે કે કોલેસ્ટરોલથી બીજા જેવું કંઈ નથી. 

આપણા આયુર્વેદે તો હજારો વર્ષ પહેલાં કહી દીધેલું. એટલે જ ઘી (કે તેલ) પ્રમાણસર લેવાની લેવાની હિમાયત થતી આવી છે. ડૉ. મનુ કોઠારી પણ ‘હાર્ટ પેશન્ટ’ તરીકેનું લેબલ જેમને લાગી ચૂક્યું એવા ‘દર્દીઓ’ને સલાહ આપતા કે ઘી ચોપડેલી રોટલી જ ખાવી અને અઠવાડિયે એકાદવાર મીઠાઈનો ટુકડો પણ થાળીમાં લેવો. ડૉ. મનુ કોઠારીના અવસાનને હજુ પાંચ વર્ષ પણ પૂરાં નથી થયાં ને જે જે વાતો માટે અચ્છા અચ્છા ડૉક્ટરો એમની મજાક ઉડાવતા, જે વાતોને લીધે એમને મેડિકલ ફિલ્ડમાં હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા, એ બધી જ વાતો હવે પુરવાર થઈ રહી છે, પશ્ર્ચિમનું તબીબી જગત પ્રમાણો સાથે એ વાતોને સ્વીકારી રહ્યું છે. કોલેસ્ટરોલ આમાંની લેટેસ્ટ વાત છે. પશ્ર્ચિમી જગતથી અંજાયેલા આપણે સૌ ત્યાંથી સર્ટિફિકેટો ન આવે ત્યારથી આપણે ત્યાંના ડૉ. મનુ કોઠારી જેવા ઋષિઓને જેટલું મળવું જોઈએ એટલું માન આપવામાં માનતા નથી. બાકી, એમને જીવતેજીવ ભારતરત્નથી નવાજવા જોઈતા હતા. 

જે લોકો સંકુચિત છે, જેમની ડાબેરી વિચારસરણી સાંકડી છે તેઓ પોતાને ‘લિબરલ’ કે ‘ઉદારમતવાદી’ કહેવડાવતા હોય છે. જેઓ પોતે હિન્દુ સંસ્કૃતિને સાંખી શકતા નથી તેઓ પોતાને ‘અસહિષ્ણુ’ કહેવાને બદલે આપણને ‘ઈન્ટોલરન્ટ’ કહેતા હોય છે. જેઓની સંસ્થાઓ લોકશાહીમાં માનતી નથી, પદાધિકારીઓની જ્યાં નિષ્પક્ષ ચૂંટણી થતી નથી તેઓ મોદીને ‘સરમુખત્યાર’ કહેતા ફરે છે. 

અમેરિકાની વાદે ચડીને આપણા શાસકોએ ગત 70 વર્ષમાં આ દેશનું ઘણું મોટું નુકસાન કર્યું છે. પોતાની તિજોરીઓ ભરીને દેશને દેવાળિયો કરનારા શાસકોએ વેપાર-બેન્કિંગમાં અમેરિકાની જોહુકમી સામે ઝૂકી જવું પડતું. હવે એ દિવસો રહ્યા નથી. અમેરિકા, ચીન કે જપાન આપણને દબડાવીને, આપણું નાક દબાવીને પોતાનું ધાર્યું કરી શકતા એ જમાના હવે ગયા. બ્રિટન, ફ્રાન્સ અને જર્મની વગેરે તો જાણે આપણી વિસાતમાં જ નથી. સાઉદી અરેબિયા જેવા બીજા મુસ્લિમ દેશો પણ સમજી ગયા છે કે પાકિસ્તાન સાથે દોસ્તી કરવામાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામ ડુબાડવાનું થશે, ભારત સાથે ભાઈબંધી કરી હશે તો ભવિષ્યમાં આર્થિક ઉપરાંત વૈશ્ર્વિક દરજ્જો પણ વધશે. 

ભારતની આવી પ્રગતિ જેમનાથી જોવાતી નથી તેવા લેફ્ટિસ્ટ અને કૉન્ગ્રેસના પાળીતા મીડિયાએ ડેસ્પરેટ બનીને શું કરવાનું ચાલુ કર્યું છે. ખબર? રાંચી કે જમશેદપુરથી પ્રગટ થતા કોઈ હિન્દીભાષી અખબારે પોતાના ‘સૂત્રો’ને ટાંકીને ‘એક્સક્લુઝિવ ન્યૂઝ’ આપ્યા કે રિઝર્વ બૅંકે 2,000 રૂપિયાની નોટો છાપવાનું બંધ કરી દીધું છે અને સરકાર આ રીતે ફરી નોટબંધી લાવી રહી છે. કોઈ ઢંગધડા વિનાના આ સમાચારને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરીને મેઈન સ્ટ્રીમ મીડિયામાં અત્યારે ફેરવવામાં આવી રહ્યા છે અને પોતે બેવકૂફ ન લાગે એ માટે પેલા રાંચી/જમશેદપુરના ચિરકુટ પેપરને ટાંકવામાં આવે છે. 

બદમાશ મીડિયાને બાબા રામદેવ જેવા ક્રાન્તિકારી યોગી માટે કેટલો ગુસ્સો છે તે જુઓ. ગયા અઠવાડિયે હેડલાઈન હતી કે ‘રામદેવને સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી’ કેટલાય લોકો ઉપરઉપરથી મથાળાં બાંધીને આગળ વધી જતા હોય છે. જો તેઓ વાંચવાની તસદી લે તો ખબર પડે કે સ્વામી રામદેવ વિશે જુઠ્ઠાણાં ફેલાવતા કોઈ પુસ્તકના લેખક/પ્રકાશક સામે કેસ કરીને રામદેવે એનું વિતરણ અટકાવ્યું છે. પ્રકાશકે આ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે જેનો જવાબ આપવાનું રામદેવને કહેવામાં આવ્યું છે. નીચલી કોર્ટના ન્યાયાધીશે તો સ્વીકાર્યું જ છે કે આ પુસ્તકના લેખકે બદમાશી કરી છે. એટલે જ તો એના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પણ હેડલાઈન વાંચીને નૉર્મલ વાચકને શું લાગે? ગુનેગાર રામદેવ હશે. આ ન્યૂઝ આયટમ પણ પાછી એવી ગોળ ગોળ લીગલ લેન્ગવેજમાં લખવામાં આવી છે કે મારા જેવાને, વાતની હકીકત વિશે જાણકારી હોવા છતાં, ત્રણવાર ધીરજપૂર્વક વાંચ્યા પછી ગડ પડી. 

જોસેફ કુરિયન સુપ્રીમ કોર્ટના જસ્ટિસ હતા ત્યારે ઘણા વિવાદાસ્પદ બનેલા. એ વિશે મેં લખ્યું પણ છે. મારો મત હતો કે એમની વર્તણૂક યોગ્ય નથી. કારણો ત્યારે વિગતે લખ્યાં હતાં. જોસેફ કુરિયન સુપ્રીમ કોર્ટના જસ્ટિસ મટી ગયા પછી બે દિવસ પહેલાં જાહેરમાં શું કહ્યું ખબર છે? ‘અમને લાગતું હતું કે ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ દીપક મિશ્રા કોઈના કહેવાથી ચુકાદાઓ આપતા હતા (હી વૉઝ રિમોટ-ક્ધટ્રોલ્ડ).’ કોઈ એટલે મોદી સરકાર એવું આપણે માની લેવાનું. 

સુપ્રીમ કોર્ટની એમની નોકરી ચાલુ હતી ત્યારે જોસેફ કુરિયન રંજન ગોગોઈ ઉપરાંત બીજા બે જસ્ટિસીસ સાથે મળીને પ્રેસ કોન્ફરન્સ ભરીને ઘણું અયોગ્ય વર્તન કર્યું હતું. (રંજન ગોગોઈ અત્યારે, દીપક મિશ્રાની નિવૃત્તિ પછી ચીફ જસ્ટિસ પદે છે). જોસેફ કુરિયનનો ઈન્ટરવ્યુ જો મેં લીધો હોત તો ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ દીપક મિશ્રા વિશેના એમના બેજવાબદાર સ્ટેટમેન્ટને સાંભળીને મેં એમને પૂછ્યું હોત કે: સાહેબ, તમે જ્યારે નોકરીમાં હતા ત્યારે તમે તથા તમારી સાથે પ્રેસ કોન્ફરન્સ કરનારા બીજા ત્રણ ન્યાયાધીશોનું વર્તન રિમોટ ક્ધટ્રોલ્ડ હતું એવુંં અમને લાગતું હતું તો એ વાત શું સાચી હતી કે તમે ચારેય લેફટિસ્ટ મીડિયાના અને કૉન્ગ્રેસી (વકીલો ચિદમ્બરમ, સિબ્બલ, (સિંઘવી)ના હાથનું રમકડું હતા? 

આવા સવાલનો જવાબ જોસેફ કુરિયને શું આપ્યો હોત? 

આજનો વિચાર

જત જણાવવાનું તને કે છે અજબ વાતાવરણ, 
એક ક્ષણ તું હોય છે ને એક ક્ષણ તારું સ્મરણ.

— રાજેન્દ્ર શુક્લ

એક મિનિટ!

નરેન્દ્ર મોદી: સ્વર્ણપદક જીતને કે લિયે મેરી કોમ કો બધાઈ. ઉનકી યહ સફલતા સભી કે લિયે પ્રેરણાદાયી હૈ…

રાહુલ ગાંધી: યે દેખિયે, ભાઈઓ. હમારે પ્રધાન મંત્રીજી મેડલ જીતને વાલો કો બધાઈ દેને કી જગહ અપની ‘કોમ’ કો બધાઈ દે રહે હૈ… હમારે પ્રધાનમંત્રી ‘કોમવાદી હૈ…’

8 COMMENTS

  1. ઉપરોક્ત વિષય બાબતે જેમને રસ હોય તેઓએ ડૉ. હેગડે ની youtube પર ની વિડિઓ જોવી જોઈએ..

  2. સૌરભભાઈ, ખુબ જ સરસ લેખ. તમારી વાતમાં જબરદસ્ત દમ અને છેલ્લામાં છેલ્લી માહિતી છે. આ કોલેસ્ટેરોલના ભૂતની વાત તો ભાગ્યે જ કોઈને ખબર હશે. મોટે ભાગે મીડિયાવાળાને કે even highly qualified લોકોને પણ નથી ખબર.કોલેસ્ટેરોલનું ભૂત અમેરિકાની સરકાર (FDA વાંચવું) દ્વારા આખી દુનિયાને વળગાડવામાં આવેલું. અને દુનિયાભરના દાકતરોએ એમના દર્દીઓને વળગાડ્યું હતું અને હજી વળગાડી રહ્યા છે. ૨૦૧૫માં છેવટે અમેરિકાએ સ્વીકાર્યું કે “sorry, અમારી ભૂલ હતી. There is no concern for cholesterol as a nutrient to affect heart attack or stroke”. CBC news, Washington Post,Time જેવા માધ્યમોમાં આ સમાચાર છપાયા છતાં હજી પણ એટલા જ કોલેસ્ટેરોલની દવાના prescriptions લખાય છે. હજી ભાગ્યે જ સામાન્ય જન આ વાત જાણે છે અને ભાગ્યે કોઈ દાક્તરે એમના દર્દીઓને આ સમાચાર આપ્યા છે. હું કેનેડાની retail pharmacyમાં કામ કરું છું એટલે આ વાત જાણું છું. બીજી એકદમ મહત્વની વાત એ છે કે ખોરાકની બાબતમાં આપણા દેશમાં સૌથી મોટું દુષણ જો કોઈ ઘૂસ્યું હોય તો એ dalda/vanaspatiનું છે. આ નકલી ઘી એ ૯0% ભારતીયોના આરોગ્યની sixties પછી “વાટ” લગાડી દીધી છે, જેને પશ્ચિમ જગત trans fat/margarine તરીકે કે partially hydrogenated fat તરીકે ઓળખે છે. ભારતમાં, ભારતીયોના ખોરાકમાં, મીઠાઈમાં, નાસ્તામાં, રસોડામાં, restaurantsમાં, લગ્નપ્રસંગોમાં, birthday partiesમાં, મંદિરોમાં, તહેવારોમાં, બધે daldaનો વ્યાપ છે. એ વિશે લેખ જરૂર લાખો એવી વિનંતી કરું છું.

  3. Khubaj saras lekh che sir, have bharatna nagrik pan jagrut thae gaya che , parantu bharat ma evi gani sansthao che jema daberio varsothi kabjo jamavine betha che ene pan ukhadi fekvani che tyarej desh ma apdi sanskrutina darshan thase

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here