પ્રિન્ટ મિડિયાના બેસણાની જા×ખ ડિજિટલ મિડિયામાં આવશે કે છાપાંમાં જ છપાશે?: સૌરભ શાહ

(ન્યુઝવ્યુઝ: ગુરુવાર, ૧૬ એપ્રિલ ૨૦૨૦)

એક જમાનામાં અમેરિકાનાં ‘ટાઈમ’ અને ‘ન્યુઝવીક’ જેવાં સાપ્તાહિકો જર્નલિઝમની દુનિયામાં શિરમોર ગણાતાં. મોટી સાઈઝમાં છપાતા ‘લાઈફ’ના ફોટાઓ વખણાતા. ‘નૅશનલ જ્યોગ્રાફિક’નો તસવીરી વૈભવ ઊડીને આંખે વળગતો.

ભારતમાં રોજેરોજના સમાચારો જાણવા માટે દૈનિક સમાચારપત્રો એકમાત્ર માધ્યમ હતું. આકાશવાણી કૉન્ગ્રેસ પાર્ટીની દાસી હતું. સરકારી સમાચારો જ આપતું. એની વિશ્વસનીયતા શૂન્ય હતી. ઇમરજન્સી અને મોરારજી દેસાઈની સરકાર ગબડી તે પછીનો ગાળો ભારતમાં મિડિયા બૂમનો ગાળો બની ગયો. સંખ્યાબંધ નવાં સામયિકો પ્રગટ થવા લાગ્યાં. કેટલાંક દૈનિક વર્તમાનપત્રો પણ શરૂ થયાં. જૂનાં મિડિયા હાઉસીસનો દબદબો ઘણો વધી ગયો. ‘અમારા છાપાંમાં છપાતા તંત્રીલેખો વાંચીને વડા પ્રધાન પોતાની પૉલિસીઓ ઘડે છે’ એવું અંગ્રેજી દૈનિકોના તંત્રીઓ સિરિયસલી માનતા થઈ ગયા અને દિલીપ પાડગાંવકર જેવાઓ તો જાહેરમાં કહેતા પણ ખરા કે મારી નોકરીનું મહત્ત્વ આ દેશમાં સેકન્ડ હાઈએસ્ટ છે. સૌથી ઉપર પ્રાઈમ મિનિસ્ટર, પછી હું…પાડગાંવકર ટાઈમ્સ ઑફ ઇન્ડિયામાં નોકરી કરતા. છીછરા રાજકીય વિશ્લેષણ માટે અને ફૂડ વિશેના ઈન ડેપ્થ આર્ટિકલ્સ માટે તેઓ જાણીતા હતા. ચારેક વર્ષ ઉપર ગુજરી ગયા. ટાઈમ્સ ઑફ ઇન્ડિયાના માલિકોની નવી જનરેશન આવી. છાપું તંત્રી નહીં પણ છાપાંનો માર્કેટિંગ મૅનેજર ચલાવે એવી પ્રથા ભારતમાં શરૂ કરવાનો જશ ટાઈમ્સ ગ્રુપને જાય. મુંબઈ આવૃત્તિ, અમદાવાદ આવૃત્તિ એવું લખવાને બદલે તેઓ મુંબઈ માર્કેટ,અમદાવાદ માર્કેટ લખતા થયા.છાપાની દરેક આવૃત્તિ એક-એક બજાર બનતી ગઈ.એક જમાનામાં જે લોકશાહીનો ચોથો સ્તંભ ગણાતું તે છાપું બજારુ બની ગયું, બિકાઉ બની ગયું. દેખાદેખીમાં દિલ્હીના ‘હિન્દુસ્તાન ટાઈમ્સ’, ચેન્નઈના ‘ધ હિન્દુ’ અને કલકત્તાના ‘ધ સ્ટેટ્‌સમેન’ જેવાં ખમતીધર છાપાંઓ પણ તંત્રીની જવાબદારી માર્કેટિંગ મૅનેજર બનવાની લાયકાત ધરાવનારા પત્રકારોને આપતાં થઈ ગયાં. પછી તો એ ટ્રેન્ડ હિન્દી, ગુજરાતી, ભારતની પ્રત્યેક ભાષાને ગ્રસી ગયો. ટાઈમ્સના માલિકો તો જાહેરમાં બોલતા થઈ ગયા, ‘છાપાનો તંત્રી કોણ છે એની વાચકોને કંઈ પડી નથી હોતી. હું કલકત્તાથી મુંબઈની ફ્લાઈટ પકડું છું ત્યારે વિમાનનો પાયલટ કોણ છે તે જાણવાની મને કોઈ દરકાર હોતી નથી.’

આ એ ટાઈમ્સ ગ્રુપ હતું જ્યાં એક જમાનામાં વડવાઓએ પ્રથા પાડી હતી કે મોટામાં મોટો મૅનેજર હોય કે માલિક – જો એ તંત્રીને મળવા માગતો હોય તો એણે તંત્રીની કેબિનમાં જવું પડે, તંત્રીને પોતાની પાસે ન બોલાવી શકાય. તંત્રીઓને આવો આદર અપાતો. આ વાત મને પત્રકાર શિરોમણિ નગેન્દ્ર વિજયે કહી હતી. નગેન્દ્રભાઈ નાઈન્ટીઝમાં અમદાવાદથી શરૂ થયેલી ટાઈમ્સની ગુજરાતી આવૃત્તિના તંત્રી હતા.

માર્કેટિંગ મેનેજરો છાપાંને સાબુની ગોટીની જેમ વેચવા લાગ્યા. ટાઈમ્સના મૅનેજરો ખુલ્લે આમ કહેતા થઈ ગયા: ‘પી.આર.નું કામ કરનારાઓ અત્યાર સુધી પોતાના ક્‌લાયન્ટ વિશેના સમાચારો અમારા છાપામાં મફતમાં છપાવી જતા, પણ હવે અમે ક્‌લાયન્ટ અને અમારી વચ્ચેના આ દલાલો કાઢી નાખ્યા છે. અમે ડાયરેક્‌ટલી પૈસા લઈને ક્‌લાયન્ટની મરજી મુજબનું મેટર છાપી આપીએ છીએ.’ ટાઈમ્સ સહિતનાં પ્રમુખ મિડિયા હાઉસીસ માટે પેઈડ ન્યુઝ કોઈ આભડછેટનો વિષય રહ્યો નહીં.

પ્રેસ અને પ્રોસ્ટિટ્યુટ વચ્ચેની સામ્યતા વધતી ચાલી એટલે કોઈ ટીખળીએ પ્રયોજેલો ‘પ્રેસ્ટિટ્યુટ’ શબ્દ વાચકોને ગમી ગયો. એક જમાનામાં ફ્રન્ટ પેજ સૌથી અગત્યના સમાચારો માટેની જગ્યા ગણાતી. હસમુખ ગાંધીએ ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપ માટે ગુજરાતી દૈનિક ‘સમકાલીન’ શરૂ કરતી વખતે રામનાથ ગોએન્કા સામે શરત મૂકી હતી કે ફ્રન્ટ પેજ પર ૨૫×૪ (પા પાના)થી મોટી જાહેરખબર નહીં જોઈએ. એટલું જ નહીં ‘સમકાલીન’ના લોગોની ડાબી-જમણી બાજુએ ઈયર પેનલ્સ પણ નહીં જોઈએ. ન્યુઝની દૃષ્ટિએ અગત્યનો દિવસ હોય ત્યારે તો પચ્ચીસ બાય ચારની જગ્યા પણ ગાંધીભાઈ ન્યુઝ માટે વાપરી લેતા. વીસ વર્ષ પહેલાં નેસ્કેફેની કંપની નેસ્લેએ છાપાંઓને પહેલા પાને ફુલ પેજ ઍડ છાપવા માટે લલચાવ્યા. ફ્રન્ટ પેજ વાચકો માટે છે, જાહેરખબરદાતાઓ માટે નહીં એવી દલીલ કરીને એક ગુજરાતી છાપાના તંત્રીએ રાજીનામું આપવાની તૈયારી બતાવી. માલિકે તંત્રીનું માન રાખીને ફુલ પેજની જાહેરખબર પહેલે પાને છાપવાથી મળતી ડબલ આવક જતી કરીને પત્રકારત્વના આદર્શોને સલામ ભરી. જોકે હવે ફ્રન્ટ પેજ પર જાહેરખબર ન લાવનાર તંત્રીઓનું ગળું પકડવામાં આવે છે – તમને છાપું ચલાવતાં નથી આવડતું. છાપાંઓ એક નહીં, બે નહીં – પાંચ-પાંચ ફ્રન્ટ પેજ ક્રિયેટ કરીને પાંચેય જાહેરખબરદાતાઓને ખુશ રાખી ટંકશાળ પાડતા થઈ ગયા. પણ કોરોનાએ આવીને પ્રિન્ટ મિડિયાની પથારી ફેરવી નાખી.

તાલુકા કે જિલ્લા લેવલનું નાનું છાપું લોકલ વેપારીઓને, તંત્રના નાના અધિકારીઓને દબડાવે, બ્લૅકમેઇલ કરે અને મોટું મિડિયા હાઉસ દિલ્હીમાં બેઠેલા રાજકારણીઓને અને મોટામોટા ઉદ્યોગપતિઓ-બિલ્ડરો જે લાગમાં આવે એને ડરાવી-ધમકાવીને પોતાનું કામ કઢાવે. રાષ્ટ્રનું સૌથી મોટું મિડિયા હાઉસ જાહેરખબર આપવા માગતી કંપનીઓના કરોડો રૂપિયાના શેર મફતના ભાવે પડાવીને એના બદલામાં ન્યુઝના અંચળા હેઠળ એમની પબ્લિસિટી કરી નિર્દોષ વાચકોના ભોળપણનો લાભ ઉઠાવે. કેટલાક છાપાં પ્રશાસન સાથે જમીનના પ્લોટ મેળવવાના અને બીજી ફાઇલો ફેરવવાના સોદા કરે. બીજા કેટલાક વળી રાજકારણીઓને દમદાટી આપીને થાય એટલા અનૈતિક ધંધાઓ કરે. મિડિયા તમારા હાથમાં હોય તો તમે એની આડમાં આ બધું જ કરી શકો. એક બાજુ અખબારી સ્વાતંત્ર્યની વાતો કરવાની, બીજી બાજુ આ સ્વાતંત્રતાને વેચીને રોકડી કરી લેવાની.

પ્રિન્ટ મિડિયમનું નૈતિક પતન શરૂ થઈ ગયું અને ત્યાં જ ટીવીની સેટેલાઈટ ચેનલોનો ઉદય થયો. પ્રિન્ટ મિડિયમ અધમૂવું થઈ ગયું. ચોવીસ કલાકમાં એક વાર સમાચારો આપતું માધ્યમ દર સેકન્ડના સમાચાર લાઈવ પ્રસારિત કરનારા માધ્યમ સામે હાંફી ગયું. એક જગ્યા બાકી હતી. ન્યુઝમાં ભલે પછડાયું હોય પણ વ્યુઝની બાબતમાં પ્રિન્ટ મિડિયાની જરૂરિયાત હતી. પરંતુ વિજયગુપ્ત મૌર્ય, વાસુદેવ મહેતા,હરસુખ સાંઘાણી અને હસમુખ ગાંધી સહિતના અડધોએક ડઝન આલા દરજ્જાના રાજકીય વિશ્લેષકો એક પછી એક આ દુનિયા છોડીને જતા રહ્યા. એમના સ્થાને, હજુ હમણાં જ ચડ્ડી છોડીને પાટલૂન પહેરતા થયેલા બાબા-બેબલીઓ આવી ગયાં. પત્રકારત્વનો ‘પ’ પણ જેમણે ઘૂંટ્યો નથી એવા લોકો એનેલિસિસનો ‘એ’ લખતા થઈ ગયા – અંગ્રેજી મિડિયામાં તો ખાસ.

પ્રિન્ટ મિડિયાનું મહત્ત્વ પ્રિન્ટ મિડિયાના જ પાપે ઘટતું ચાલ્યું. છાપાંનાં સર્ક્યુલેશન તૂટતાં ગયાં. મૅગેઝિનો મરવાને વાંકે જીવતાં રહ્યાં. દરેક ભાષામાં કેટલાંય મૅગેઝિનોએ ખૂબ કમાયા પછી પણ દુકાનનાં શટર પાડી દેવાં પડ્યાં. બેત્રણ દાયકા પહેલાં ટાઈમ્સ ગ્રુપે ‘ધર્મયુગ’, ‘માધુરી’, અને ‘ધ ઇલસ્ટ્રેડ વીકલી ઑફ ઇન્ડિયા’ ટપોટપ બંધ કરી નાખ્યાં. કારણ? જાહેરખબરોનો રેવન્યુ બીજે ઘસડાઈ રહ્યો હતો.

ટીવી પર દરેક જાહેરખબરદાતાની નજર મંડાઈ. દસ-દસ સેકન્ડનો ભાવ લાખો રૂપિયા બોલાવા લાગ્યો. પણ એ ચાર દિવસની ચાંદની, ઇન્ટરનેટને કારણે, પૂનમ આવતાં પહેલાં જ અમાસમાં પલટાઈ ગઈ.

ટીવીની ન્યુઝ ચેનલોએ પ્રિન્ટ મિડિયા પાસેથી બેવકૂફી, બેદરકારી અને બદમાશીભર્યા પત્રકારત્વના પાઠ શીખીને પોતાનું એક આગવું સ્થાન ઊભું કરવાની કોશિશ કરી. એમાં થોડીઘણી કામયાબી મળી–ન મળી ત્યાં જ ઈન્ટરનેટનો વિસ્ફોટ થયો. ડિજિટલ મિડિયા આવ્યું. સોશ્યલ મિડિયા આવ્યું.

મરણનોંધ વાંચવા માટે છાપાં અનિવાર્ય ગણાતાં. હવે તમારી જ્ઞાતિની ઍપ મફતમાં તમારા વૉટ્‌સએપમાં ખબરપત્રિકાનું કામ કરી આપે છે. નાટકોની અને મનોરંજનની જાહેરખબરો માટે છાપું અનિવાર્ય ગણાતું. બુક માય શોએ હવે એ ફિલ્ડ પણ કબજે કરી લીધું. પ્રિન્ટ મિડિયાનો રહ્યોસહ્યો જમાનો પૂરો થઈ ગયો.

‘ન્યુઝવીક’ કે દહાડાનું બંધ પડી ગયું છે. ‘ટાઈમ’ ઠિચુક ઠિચુક ચાલે છે. અમેરિકા અને બ્રિટનનાં તોતિંગ ફેલાવો ધરાવનારા કેટલાંય છાપાંઓની પ્રિન્ટ એડિશનો હવે માત્ર પ્રતીકરૂપે પ્રગટ થાય છે – સૌ કોઈ ડિજિટલ ફૉર્મેટમાં સેટ થવાના ફાંફા મારે છે. ત્યાં પણ કંઈ બધા સફળ નથી થતા. કારણ કે સમાચારો સમાચારપત્રો જ આપે એવી દુનિયા હવે રહી નથી. સોશ્યલ મિડિયા અને હજારો નાનીમોટી વેબસાઈટ્‌સ ન્યુઝ માટેની તમારી ભૂખ મફતમાં ભાંગે છે.

કોરોનાએ દેશની ન્યુઝપેપર ઇન્ડસ્ટ્રીને ઠપ કરી દીધી. ફેરિયાઓએ છાપાં ઉપાડવાનું બંધ કરી દીધું. વાચકોએ વાયરસનો ચેપ લાગવાના ભયથી છાપાં ઘરમાં ન આવે એની તકેદારી રાખવાનું શરૂ કર્યું.

વાચક અમારો ભગવાન છે એવી માત્ર શાબ્દિક વાતો કરતાં છાપાંઓએ હંમેશાં વાચકો કરતાં વધારે પ્રાધાન્ય જાહેરખબરો આપનારાઓને અને પોતાને સાચવનારા સત્તાધીશોને આપ્યું. વાચકોનું મહત્ત્વ પગલૂછણિયા જેટલું. અમારે જે ભ્રષ્ટ રાજકારણીઓનું પલ્લું ભારે કરવું હશે તેનાં અમે તળિયાં ચાટીશું અને જે જે રાજકારણીઓને કરોડો લોકો અખૂટ પ્યાર કરે છે તે તમામનાં ધોતિયાં અમે ખેંચીશું. જાહેરખબરદાતા અમારા માઈબાપ છે, નહીં કે વાચક. આવી મેન્ટાલિટી ધરાવતા પ્રિન્ટ મિડિયાએ કોરોનાને કારણે રોવાનો વારો આવ્યો. તેઓ પોતે જ પોતાની પડતીનું કારણ બન્યા. પોતાના કૉફિન પરનો છેલ્લો ખીલો તેઓ પોતાના જ વરદ હસ્તે ઠોકવાના.

પ્રિન્ટ મિડિયાને આઈ.સી.યુ.માં વેન્ટિલેટર પર જોઈને અંગત રીતે વલોપાત થાય છે. એક જમાનો હતો જ્યારે બપોરે ચાર વાગ્યે છપાતું સાંજનું છાપું છ વાગ્યે ઘરે આવતું. છાપાવાળો ફેરિયો બારણા અને ફર્શની વચ્ચેની જગ્યાએથી છાપું સરકાવીને જતો રહે. છાપું ક્યારે આવશે તેના માટે સરવા કાને રાહ જોઈ રહેલા બે ભાઈઓ છાપાંના ઘરમાં પ્રવેશવાનો ઝીણો રવ સાંભળે કે તરત જ ડ્રોઈંગરૂમમાંથી ઊઠીને પેસેજમાં પડેલા છાપા પર કબજો જમાવવા દોડે. એક વખત બંનેનાં માથાં એકબીજા સાથે ધડામ દઈને અથડાયાં. પછી નક્કી થયું કે દોડવાનું નહીં, બેઠકખંડમાં બેઠાં બેઠાં જ બોલવાનું: ‘જન્મભૂમિ મેં રોક્યું…’ જે પહેલું બોલે એને પહેલાં વાંચવા મળે. મોટા ભાઈએ બદમાશી શરૂ કરી: ‘જન્મભૂમિ મેં રોક્યું…’ એવું નાનો બોલે તો એ વાક્ય પૂરું કરતો હોય એમ ‘…નથી’ બોલીને છાપું ઉપાડી લે. ચોથા ધોરણમાં ભણતા ત્યારની વાત. મોટો છઠ્ઠામાં. એ જમાનામાં ફિરોઝ નામના ખૂનીની વાતો છપાતી. રામન રાઘવ પકડાઈ ગયો છે એવી વાતો છપાતી. જેમ્સ બૉન્ડ અને રિપ કર્બીની ચિત્રપટ્ટીઓ આવતી.

પ્રિન્ટ મિડિયાની જાહોજલાલીના દિવસો હતા. ‘ચિત્રલેખા’માં હરકિસન મહેતાની ધારાવાહિક નવલકથાનો નવો હપ્તો વહેલો વહેલો વાંચવા માટે રસિક વાચકો ગુરુવારની સવારે પાંચ વાગ્યે ઊઠીને ફેરિયાના ઠેલા પર પહોંચી જતા. ત્યાંને ત્યાં લાઈટના થાંભલે ઊભા રહીને ચૅપ્ટર વાંચીને ‘ચિત્રલેખા’ લઈને ઘરે લઈ આવતા. ચંદ્રકાંત બક્ષીની ‘લગ્નની આગલી રાતે’ નામની જાસૂસી નવલકથા શરૂ થઈ. મોટોભાઈ મુંબઈ છોડીને દાદા સાથે રહેવા દેવગઢ બારિયા જતો રહ્યો. બારિયામાં ‘ચિત્રલેખા’ મળે નહીં. નવલકથા અધૂરી છોડવી પડે. એક પ્લાન બનાવ્યો. ગુરુવારે ‘ચિત્રલેખા’ આવે જે એક દિવસમાં વાંચીને બીજે દિવસે ટપાલમાં બારિયા મોકલી આપવાનું. બે પૈસાની સ્ટેમ્પ લાગતી. સોમવારે મળી જાય. ભાઈની સાથે સ્કૂલમાં જતા એના મિત્રો દર સોમવારે વહેલા વહેલા દાદાના ઘરે આવીને ‘ચિત્રલેખા’ વાંચી જતા.

કટ ટુ ૧૯૮૧. ‘નિખાલસ’ સાપ્તાહિકનું સંપાદન કરવાની જવાબદારી મને સોંપાઈ. મારી સાથે મારા સહાયક બેસે. બેઉનાં ટેબલ અડીને. એ વખતે નગેન્દ્ર વિજયનું અફલાતૂન ન્યુઝ વીકલી ‘ફ્લૅશ’ આવતું. આવે કે તરત અમારા બન્ને વચ્ચે પડાપડી થાય. એક દિવસ ઝપાઝપીમાં અંક ફાટી ગયો. નેક્‌સ્ટ વીકથી બેઉના ટેબલ પર એક એક નકલ આવતી થઈ ગઈ. એ પહેલાં હૉસ્ટેલમાં ‘જનશક્તિ’ મગાવતા – હરીન્દ્ર દવે તંત્રી હતા. પણ આકર્ષણ એમના મદદનીશ તંત્રી હસમુખ ગાંધીની કૉલમોનું. હૉસ્ટેલના રૂમપાડોશી ચંદુ – ચંદ્રકાંત શાહ જેમણે ભવિષ્યમાં પરેશ રાવળ માટે ‘ખેલૈયા’ નાટક લખ્યું અને ખૂબ મોટા ગજાના કવિ તરીકે નામ કાઢ્યું, તારક મહેતાના જમાઈ બન્યા. ‘જનશક્તિ’ અમે ભાગીદારીમાં મગાવતા.

‘જનકલ્યાણ’, અખંડ આનંદ’, બચુભાઈ રાવતનું ‘કુમાર’, કુન્દનિકા કાપડીઆનું ‘નવનીત’, ઘનશ્યામ દેસાઈનું ‘સમર્પણ’. ઉચ્ચ કોટિનાં સામયિકોએ અમારી જનરેશનની પ્રજ્ઞાને સીંચી. ‘રમકડું’, ‘ઝગમગ’, ‘બાલસંદેશ’, ‘ફૂલવાડી’ અને ફેન્ટમ-મેન્ડ્રેકની ઈન્દ્રજાલ કૉમિક્‌સથી શરૂ થયેલી યાત્રા ‘ગ્રંથ’માં નોકરી કરવા સુધી લઈ ગઈ. છેલ્લાં ૪૦–૪૨ વર્ષમાં જે કંઈ લખ્યું તે બધું જ પ્રિન્ટ મિડિયાને કારણે લખાયું. હું જે કંઈ છું તે પ્રિન્ટ મિડિયાને કારણે છું. પ્રિન્ટ મિડિયાએ મને બધું જ આપ્યું છે. પ્રિન્ટ મિડિયાએ જ મને બધું આપ્યું છે.

આ રાષ્ટ્રવ્યાપી મિડિયામાં નેશનલ લેવલ પર કામ કરનારાઓ મારા જાતભાઈઓ છે જેમાંના કેટલાક કમજાતભાઈઓ છે. ૧૯૯૨માં બાબરી વખતે અને ૨૦૦૨માં ગોધરા વખતે આ કમજાતભાઈઓની નીચમાં નીચ હરકતોનો હું સાક્ષી રહ્યો છું. પત્રકારત્વના અતિ પવિત્ર વ્યવસાયને દૂષિત કરનારા આ માફિયા લીડરોનાં નામ દઈને ઉઘાડા પાડતા દસ્તાવેજી લેખો લખ્યા, પુસ્તકબદ્ધ કર્યા. પ્રિન્ટ મિડિયાની પડતીમાં જર્નલિઝમની અંડરવર્લ્ડ ગૅન્ગના આ લેફટિસ્ટ-લિબરાન્ડુ કમજાતભાઈઓનો ઘણો મોટો ફાળો છે. વાચકો સાથે તેઓએ વિશ્વાસઘાત કર્યો. સતત. વાચકોનો એમના પરથી, તેઓ જ્યાં જ્યાં છપાતા તે તમામ છાપાં–મૅગેઝિનો પરથી વિશ્વાસ ઊઠી ગયો. પ્રિન્ટ મિડિયાની ક્રેડિબિલિટી એમના કારણે અને એમના તંત્રીઓને કારણે સાવ તળિયે બેસી ગઈ.

કોરોનાનો જમાનો પૂરો થશે એ પછી પ્રિન્ટ મિડિયાનો જમાનો પણ પૂરો થશે. લૉકડાઉન બાદ દરેક અખબાર-સામયિકના સર્ક્યુલેશનમાં દસથી પચાસ ટકા સુધીનો ધરખમ ઘટાડો થવાનો છે એવું આ ક્ષેત્રના જાણકારો માને છે. છાપું ઘરમાં આવતું હોય તો એને બંધ કરાવવા માટે ફેરિયો પહેલી તારીખે બિલ લાવે ત્યારે જ એને ના પાડી શકાય. મોબાઈલ પહેલાંની આ ટેવ હજુય વાચકોમાં ચાલુ છે. પહેલી તારીખે છાપું બંધ કરાવવાનું રહી જાય તો વાત લંબાય. આમ છાપું આવ્યા કરે. પણ આજે પરિસ્થિતિ જુદી છે. કોરોનાના ખોફથી ઘરમાં આવતાં દરેક પાર્સલ, ગેસની ટાંકી, કરિયાણાનાં પેકેટ, શાકભાજી-ફળની થેલીઓ, દૂધનાં પાઉચ-બોટલ બધું શંકાસ્પદ નજરે જોવાતું હોય અને કોઈ વાતે જોખમ લેવાતું ન હોય ત્યારે છાપાંની બાબતમાં કોઈ અપવાદ નથી કરતું. બે દિવસથી છાપાં ફરીથી છપાતાં થઈ ગયાં પણ દરેક ઠેકાણે પહોંચતાં નથી. જ્યાં પહોંચે છે ત્યાં પણ વાચકો વાયરસગ્રસ્ત હોવાની શંકાથી એનાથી દૂર રહેવામાં પોતાની અને પોતાના કુટુંબની સલામતી સમજે છે.

સમગ્ર પ્રિન્ટ મિડિયાની ઘણી મોટી સંસ્થા નામે આઈ.એન.એસ. (ઇન્ડિયન ન્યુઝપેપર સોસાયટી), જેના અનેક વામપંથી મેમ્બરોએ નિર્લજ્જપણે વર્ષો લગી સીએમ મોદી અને પીએમ મોદીનું લિન્ચિંગ કર્યું તે સંસ્થા હવે હાથમાં કટોરો લઈ આંખમાં મગરના આંસુ લાવી મોદી સરકારને કહી રહી છે કે ‘અમે સંકટમાં છીએ, અમને ઉગારો, બે વર્ષ સુધી ટેક્‌સ નહીં ભરવાની છૂટ આપો, ન્યુઝપ્રિન્ટના ઈમ્પોર્ટ પરની ડ્યુટી શૂન્ય કરી નાખો.’

પ્રિન્ટ મિડિયામાં જ્યારે જાહેરખબરની આવકોની છનાછન હતી ત્યારે આ માધ્યમ વળી કઈ દેશસેવા કરીને ઊંધું વળી ગયું એવો સવાલ હાલની સરકાર આ લોકોને પૂછવાની છે. ન્યુઝપ્રિન્ટ પરની ઈમ્પોર્ટ ડ્યુટી ઘટીને હવે મામૂલી થઈ ગઈ છે. ભારતમાં બનતી ન્યુઝપ્રિન્ટની ક્વૉલિટી એક જમાનામાં ‘નેપા’ મિલની જેટલી ખરાબ આવતી એટલી હલકી કક્ષાની હવે નથી આવતી. બે વર્ષનો ટેક્‌સ હૉલિડે સરકાર જો તમને આપશે તો બીજા બધા ઉદ્યોગો કટોરો લઈને લાઈનમાં ઊભા રહી જશે. પછી તો સરકારે પર્સનલ ઈન્કમ ટેક્‌સમાં પણ બે વર્ષ માટે છૂટ આપવી પડે. આવું કરવા બેસે તો બે વર્ષ પછી ખુદ સરકારે જ પાકિસ્તાનની જેમ કટોરો લઈને દુનિયા આખીમાં ભીખ માગવા નીકળવું પડે.

ન્યુઝ માટે હવે ન્યુઝપેપરો અનિવાર્ય રહ્યાં નથી. છાપેલાં અખબારો વિના આરામથી ચાલે છે એવું વાચકોએ લૉકડાઉનના પ્રથમ તબક્કા દરમ્યાન અનુભવી લીધું. સમાચારો તથા અન્ય વાચનસામગ્રી મેળવવાનાં બીજાં અનેક સશક્ત, વિશ્વસનીય અને કન્વિનિયન્ટ માધ્યમો છે. હા, બે વાત માટે હજુય છાપાંની જરૂર પડવાની. માખી મારવા અને ફાફડા સાથે પપૈયાની ચટણી બાંધવા.

સ્ટૉપ પ્રેસ: હમણાં હમણાં સમાચાર આવ્યા છે કે લંડનનું ‘ફાઈનાન્શ્યલ ટાઈમ્સ’ ગઈ કાલના (૧૫ એપ્રિલના) એક રિપોર્ટમાં કહે છે કે બ્રિટન-અમેરિકામાં કોરોનાને કારણે છાપાં મૅગેઝિનોને બમણો ફટકો પડ્યો છે. એક તો, સર્ક્યુલેશનમાં ધરખમ ઘટાડો થઈ ગયો અને પડતા પર પાટુ મરાતું હોય એમ જાહેરખબરોની આવક ઘટીને શૂન્યવત્ થઈ ગઈ. મોટાં મોટાં મિડિયાગૃહો પોતાના સ્ટાફમાંથી પચાસ ટકા જેટલા કર્મચારીઓને છૂટા કરી રહ્યાં છે. અમેરિકાની એક પ્રમુખ પ્રકાશન કંપનીનું માર્કેટ વેલ્યુએશન ગયા વર્ષના આ ગાળામાં ૧.૪ બિલિયન ડૉલર હતું જે અત્યારે ઘટીને ૧૦૦ મિલિયન ડૉલર જેટલું થઈ ગયું છે. ૧૪૦ કરોડ ડૉલરમાંથી ૧૦ કરોડ ડૉલર. રૂપિયા ૧૦,૭૦૦ કરોડમાંથી ૭૬૫ કરોડ કરતાંય ઓછું. લાખના બાર હજાર જેવો ઘાટ થઈ ગયા પછી આ મિડિયા કંપનીએ પોતાના ૨૪,૦૦૦ના સ્ટાફમાંથી મોટાભાગનાઓને વગર પગારે ફરજિયાત લાંબી રજા આપી દીધી છે. બીજાં ડઝનબંધ પ્રકાશનોએ જાહેરખબરના અભાવે કાં તો પાનાં ઘટાડી નાખ્યા છે, કાં નકલો સાવ ઓછી છાપવાનું નક્કી કર્યું છે, કાં હાલ પૂરતું પ્રકાશન બંધ કરી દેવાનું નક્કી કર્યું છે. સૌનાં સર્ક્યુલેશનમાં ૩૦થી ૫૦ ટકાનો કરપીણ, જીવલેણ અને ગોઝારો ઘટાડો નોંધાઈ ચૂક્યો છે.

23 COMMENTS

  1. Very informative and eye opening article. Front page પર સમાચાર ને બદલે જાહેરાત કેમ આવે છે તે હવે સમજાયું.
    પણ અમારા સુરતથી પ્રસિધ્ધ થતુ .’ ગુજરાત મિત્ર ‘ આ બાબતમાં અપવાદ છે. આ અખબારે હજી સુધી front page ને સમાચાર માટે જ રાખ્યુ છે
    એજ એની વિશ્વસનીયતા છે.

  2. superb article, enjoy with that and also you have travelled all unique days; did you remember classic head lines of Samkalin front page? that was a sort but golden period Hasmukh Gandhi( as a “Tantri of Samkalin daily newspaper in Gujarati) gave us. When I am saying you about head line one I still remember when PM Indira Gandhi pass away and Rajeev Gandhi selected for next pm Hasmukh Gandhi wrote “Be Gozari Ghatana….” some thing like that.. yes saurabhbhai?

  3. It is a Very True your article for currently all newspapers print media..because my advt.agency & last 20 years in this advt.field..so i agree to you says in this your article is very very true..I expect the after carona open to eye all media print owner..From: Vinesh J.Vora, Siddhivinayak Advt. Kandivali W.

  4. લેખ ખુબજ ગમ્યો. શ્રી નાગેન્દ્ર વિજય ના નામ થી સ્કોપ મેગેઝીન ની યાદ તાજી થઈ ગઈ.

    • અત્યારે નાગેન્દ્ર વિજય નું સફારી પણ એટલું જ સરસ આવે છે. એક પણ જાહેર ખબર વગર

    • અત્યારે નાગેન્દ્ર વિજય નું સફારી પણ એટલું જ સરસ આવે છે. એક પણ જાહેર ખબર વગર

  5. I appreciate the contents and really enjoyed the article. To my knowledge there wont be any advertisement either in the print media or in the newspaper. The way they have misguided, supressed, manipulated, manufactured, adopted all kinds of malpractices it will die on its own. No one – None is going to notice that….

  6. Your analysis are always extraordinary on any subject, we love to read your articles which are showing us the hard core reality. It is very difficult to bring new subject every morning however, you are doing it very efficiently. Thank you

  7. અત્યંત સુંદર લેખ
    શ્રી નગેન્દ્ર વિજય નું સ્કોપ ( હવે સફારી) પણ બહુજ ઉલ્લેખનીય
    અખંડ આનંદ , ફૂલવાડી , ઇન્દ્રજાલ , ચંપક
    બધા દિવસો યાદ આવી ગયા …

  8. Very good article narrating facts only. That is not only reminding us our old good time but also highlighting the bitter realities of today’s media.

  9. સાહેબ
    છતાં પણ આજે લોકો ન્યૂઝ પેપર પર વધારે ભરોસો કરે છે. જે નવાઈ પમાડે છે

  10. લેખ વાંચી ને બસ એટલું જ કહેવાનું ,”ક્લાસિક સૌરભ શાહ”.એક જ લેખ માં તમે ૪૦ વર્ષ ના જોયેલ છાપા નો ઇતિહાસ સામે લાવી દીધો.છાપા ઓ ના પાના ની સંખ્યા તમારા લેખ ને પૂરો ટેકો આપે છે.

  11. કાયમની જેમ બહુ જ સારો લેખ… બાળપણથી જ વિચારોનું ઘડતર અને એ ઉપરાંત જે થોડીઘણી છે એ વિચારોની સ્પષ્ટતા તેમજ લખીને કે બોલીને મુદ્દાસર જવાબ આપવાની આવડત આ બધુ છાપા-મેગેઝીન ને કારણે આવ્યું અને આગળ જઈને આ જ બાબતનો ‘બહુ સારી રીતે સમજાવતા’ શિક્ષક બહુ મોટો ફાળો રહ્યો.

    બાબરી ધ્વંસ પછીના સમયમાં અંગ્રેજી મિડીયા અને ૨૦૦૨થી તો તમામ મિડીયા ઉપરથી ભરોસો ઊઠી ગયો. છેક ૨૦૧૪ થી ફરી માત્ર દૂરદર્શન ન્યૂઝ પણ ક્યારેક જ જોવાનું શરૂ થયું. આપ અને બીજા બહુ જૂજ લોકોને વાંચવાનું ચાલુ રહ્યું છે બાકી તો હવે મોટી ઉંમરે લગભગ રોજ એકની એક વાત લખતા લેખક-પત્રકારોના મોટેભાગે બાયઝ કે પછી બેસ્ટસેલર ગણાવડીવતા લોકોના કાયમ અતિશયોક્તિ ભર્યા લખાણ જોઈને માત્ર કંટાળો જ નહી ગુસ્સો પણ આવે છે.

  12. Very good article.. Recollect those days of my town Kapadwanj library… I grown up reading all such magazines and the then news papers… you’re absolutely right when said about the truthfulness off today’s media

  13. ખૂબ સુંદર લેખ

  14. આજનો લેખ ખુબ જ ગમ્યો. આભર
    હવે તો Telegram માં સવાર પડતાં લગભગ બધાજ છાપાં ને મેગેઝીન આવી જાય છે ને 2GB deta રોજ વાપરવા મળે છે. ભયો ભયો. વિનુ

  15. પ્રિન્ટ મિડિયા (છાપાં) વિશે સાચી હકીકત જણાવતો લેખ. તેના માટે વપરાયેલ’ પ્રેસ્ટિટ્યુટ’ શબ્દ એકદમ યોગ્ય છે. જોકે આમાં પણ અપવાદ હશે.
    બાય ધ વે, લેખ વાંચતા હું સાતમા, આઠમા, નવમા ધોરણમાં ગામની સ્કુલમાં ભણતો ત્યારે ગામની લાઇબ્રેરીમાં જ રમકડું, અખંડાનંદ, કુમાર વિ. મેગેઝીન વાંચતા તેની યાદ તાજી થઇ. ગામ:ઉમતા. જિ.મહેસાણા). હાલ ઉંમર : ૭૪ વર્ષ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here