બક્ષીની વાર્તાઓ—ભાગ બીજો : સૌરભ શાહ

(ગુજરાત સાહિત્ય અકાદમીએ ચંદ્રકાંત બક્ષીની માતૃભૂમિ પાલનપુરમાં ૧૬-૧૭ ડિસેમ્બર ૨૦૨૩ દરમ્યાન ‘બનાસ સાહિત્ય ઉત્સવ’નું ભવ્ય આયોજન કર્યું. ઉદ્ઘાટન સત્રનો વિષય હતો ‘મિસ યુ બક્ષી’ જેમાં મેં બક્ષીની ટૂંકી વાર્તાઓ વિશે વક્તવ્ય આપ્યું. આ નિમિત્તે મને ફરી એકવાર બક્ષીસાહેબની લૅન્ડમાર્ક વાર્તાઓને ધરાઈને માણવાની તક મળી અને પાલનપુરના ખોડા લીમડા વિસ્તારમાં જઈને બક્ષીકુટુંબના વડવાઓના ઘરનાં દર્શન કરવાનો લહાવો મળ્યો. પાલનપુરની યાત્રા વિશે ફરી ક્યારેક વિગતે નોંધ લખીશ. બક્ષીની વાર્તાઓ વિશેની આ સિરીઝનો આ બીજો હપ્તો છે. મારા પાલનપુરના વક્તવ્યમાંથી કેટલાક અંશોને તારવીને, એને વિસ્તૃત કરીને આ લેખ શ્રેણીતૈયાર કરી છે.
તાજા કલમ : બક્ષીના મારા પ્રવચન નિમિત્તે બક્ષીની વાર્તાઓને દરેક ગુજરાતી ઘરમાં પહોંચાડવાનું બીડું ભાવનગરની યશસ્વી પુસ્તકપ્રેમી સંસ્થા લોકમિલાપે ઉપાડ્યું છે. આ માટે લોકમિલાપે જે ડિસ્કાઉન્ટ યોજના બનાવી છે તેને હું પણ પ્રમોટ કરી રહ્યો છું, તમે પણ કરજો. મારી આ સિરીઝના પ્રત્યેક હપતાના અંતે આ યોજનાની વિગતો મૂકવામાં આવશે.)

બક્ષીની આ લાજવાબ શૈલી છે—કોઈ જાતના લાગણીવેડા વિના સંવેદનાઓને વ્યક્ત થવા દેવી (બક્ષીની વાર્તાઓ—ભાગ બીજો) : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ : ન્યુઝપ્રેમી ડૉટ કૉમ. સોમવાર, ૧ જાન્યુઆરી ૨૦૨૪)

1965માં ચંદ્રકાંત બક્ષીનો ત્રીજો વાર્તાસંગ્રહ ‘મીરા’ પ્રગટ થયો. એમાં એક વાર્તા છે – ‘પૂ. સુમતિમામીની સેવામાં’. વાર્તામાં મામી કેન્દ્રમાં નથી, તેર વર્ષના વાર્તાનાયક વિનુની મા કેન્દ્રમાં છે, જે વિધવા છે. માને પગની તકલીફ છે. વિનુને ખબર છે. વિનુના મામા સારા છે. બહેનને દર મહિને પંચોતેર રૂપિયાનો મની ઑર્ડર મોકલે છે. મામીને કદાચ આ વાત કઠે છે. પગના વાને લઈને હૉસ્પિટલના દાક્તરે કહ્યું છે કે, ‘… હાડકામાંનું પાણી સુકાઈ ગયું છે. બધું સુકાઈ જશે તો પગ સજ્જડ થઈ જશે… પછી બે મરેલા પગ લઈને એક જીવતું શરીર જીવ્યા કરશે’.

મોંઘી દવા પોસાતી નથી. વૈદરાજના ઓસડિયાથી કામ ચલાવાય છે. માએ વિનુને ના પાડી છે – મામાને આ વિશે જાણ કરવાની કે એમની પાસે મદદ માગવાની. ત્યાં મામાનો પત્ર આવે છે. મામીને લપસી પડવાથી સામાન્ય મોચ આવી છે. મામાનો પત્ર વાંચીને મા વિનુ પાસે વળતો જવાબ લખાવે છે અને વિનુ લખે છે: ‘પૂજ્ય સુમતિમામીની સેવામાં…’

વાર્તાનો અંત જાહેર કરતો નથી. મા-દીકરાની સંવેદનાઓ આમાં ખૂબ જ લાગણીભીની છતાં ઉપરછલ્લી શુષ્કતાથી પ્રગટ થાય છે. બક્ષીની આ લાજવાબ શૈલી છે – કોઈ જાતના લાગણીવેડા વિના સંવેદનાઓને વ્યક્ત થવા દેવી. ઉપરના સ્તરે બધું સમુંસૂતરું ચાલે છે, પણ અંતરતલમાં ખળભળાટ છે. ધૂમકેતુની ‘પોસ્ટ ઑફિસ’ અને ‘પૂ. સુમતિમામીની સેવામાં’ સામસામા છેડાની વાર્તાઓ છે અને ક્યાંય એકમેકને છેદતી નથી. આમ છતાં બેઉ વાર્તાઓ સાથે વાંચીએ ત્યારે બીજી વાર્તાનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક સંભળાયા કરે, બિટ્વીન ધ લાઈન્સ બીજી વાર્તાનાં સંવેદનો વંચાયા કરે. ટૂંકી વાર્તાના વાચકો માટે લાજવાબ અનુભવ. બક્ષીના ચાહકો માટે માથે મૂકીને નાચવા જેવી વાર્તા.

‘મીરા’માં બીજી એક વાર્તા છે : ‘અ… તોંસિયો – અતોંસિયો’…’ કમલેશ્ર્વરે એનો બક્ષીએ પોતે કરેલો અનુવાદ ‘સારિકા’માં પ્રગટ કર્યો હતો. મેં તે વખતે ‘સારિકા’માં વાંચ્યો છે. બક્ષીની વાર્તાઓનાં શીર્ષકો પણ અવનવી ભાષામાં આવે. ‘ક્રમશ:’ વાર્તા સંગ્રહની એક વાર્તાનું ટાઈટલ છે: ‘આમાર બાડી, તોમાર બાડી, નોકશાલ બાડી.’ ફ્રેન્ચ ભાષામાં ‘અતોંસિયો’ એટલે અટેન્શન. આ વાર્તાનું બેકગ્રાઉન્ડ યુદ્ધભૂમિનું નથી પણ ફિલ્મ શરૂ થતાં પહેલાં દેખાડવામાં આવતી દસ્તાવેજી ફિલ્મ-શોર્ટ રીલમાં ડિવોર્સી નાયિકા સુધાને આ શબ્દો સંભળાય છે. 1943-44 ના સમયગાળામાં હિટલરના સિતમનું વાતાવરણ. એક સ્ત્રીના નામની જાહેરાત: ‘અ…તોંસિયો – અતોંસિયો… ધેર ઈઝ અ વુમન નેમ્ડ…’

બક્ષીએ યુદ્ધભૂમિની કે લશ્કરની પાશ્ચાદભૂમિ પર લખેલી વાર્તાઓ વિશે સ્વતંત્ર લેખ થાય એટલી વાર્તાઓ છે જેટલી બીજા કોઈ ગુજરાતી લેખકે લખી નથી. ‘મશાલ’ વાર્તાસંગ્રહમાંની ‘ઑપરેશન ભુટ્ટો’ તરત યાદ આવે છે. ‘મશાલ’માં જ બીજી એક વાર્તા છે જે મૂળ હિન્દીમાં બક્ષીએ લખી અને ‘સારિકા’માં છપાઈ ‘ડોગરાઈ જાનેવાલા, કૌન્વાય’. એ પછી બક્ષીએ પોતાની જ વાર્તાનો ગુજરાતી અનુવાદ કર્યો – ‘ડોગરાઈ જતાં કૉન્વોય’. ‘એક સાંજની મુલાકાત’ વાર્તાસંગ્રહમાં ‘હૅન્ડ્ઝ અપ!’ શીર્ષકની વાર્તાનો હીરો લેફ્ટનન્ટ મહેતા છે પણ વાર્તાનું બૅકગ્રાઉન્ડ લશ્કરનું નથી, ક્રાઈમ સ્ટોરી છે. ‘મશાલ’ વાર્તાસંગ્રહમાંની વાર્તા ‘મેજર ભલ્લાનો કિસ્સો’, ‘પ્યાર’ વાર્તાસંગ્રહની ‘છુટ્ટી’, ‘બિરાદરી’, તથા ‘ના’, અને ‘પશ્ર્ચિમ’ વાર્તાસંગ્રહમાં લેવાયેલી ‘આયો ગોરખાલી’, ‘ગરુડનું નિશાન’, ‘રિપોર્ટ’, ‘ઘોડા’, ‘ધર્મયુદ્ધ’, ‘સર્વત્ર-મૃત્યુની જેમ’ તથા ‘સૈનિકો અને શત્રુઓ’ – આ બધી જ વાર્તાઓનાં પાત્રો, લોકાલ્સ તથા પ્રસંગો યુદ્ધ-લશ્કર સાથે સંકળાયેલાં છે. ડઝન કરતાં વધારે વાર્તાઓ થઈ.

પોલીસ, પોલીસ સ્ટેશન કે ક્રાઈમ સાથે સંકળાયેલી વાર્તાઓ પણ બીજી ડઝનેક જેટલી હશે. આ બંને વિષયો પરની ઘણી વાર્તાઓના પ્લૉટ એકદમ યુનિક છે, એનું વાતાવરણ તથા એનાં પાત્રોનું વિશ્વ ગુજરાતી સાહિત્યકારોની કલ્પના બહારનાં છે.

‘મીરા’ વાર્તાસંગ્રહનું નામ જે વાર્તા પરથી પડ્યું તે ‘મીરા’ શીર્ષકની વાર્તા વિશે સહેજ લંબાણથી વાત કરવી છે, માટે એને જમ્યા પછીના ડિઝર્ટની જેમ સાચવી રાખીએ. આગળ વધીએ.

‘મીરા’ પછી બક્ષીનો ચોથો વાર્તાસંગ્રહ ‘મશાલ’ (1968) આવ્યો. ‘મશાલ’ની બે વાર્તાઓ વિશે વાત કરવી છે. એક છે ‘ગુડનાઈટ ડૅડી’. આ વાર્તા મેં વાંચી ત્યારે મારી ટીનએજ હજુ માંડ શરૂ થઈ હતી. કોઈ છોકરી સાથે સ્ટેડી જવાની વાત તો જવા દો, કોઈ છોકરી સાથે એકપક્ષી પ્યાર-વ્યાર પણ હજુ નહોતો થયો. પણ ‘ગુડનાઈટ ડૅડી’ વાંચીને હું સપનાં જોતો થઈ ગયેલો કે ભવિષ્યમાં હું પણ એક ડિવોર્સી ફાધર બનીશ! બક્ષીના સાહિત્યની એટલી મોટી અસર મારા પર હતી કે સુરેશ દલાલે ‘સુધા’ સાપ્તાહિકમાં મારા વિશે નાનકડો પરિય લખતાં આ વાક્ય કહ્યું હતું: ‘…સૌરભમાં ચંદ્રકાંત બક્ષી ઊંધા લટકે છે…’ તે વખતે મારી ઉંમર 17 વર્ષની. અને તે વખતે હજુ બક્ષીએ કૉલમો લખવાનું શરૂ કર્યું નહોતું. બક્ષીની વાર્તાઓ અને એમના સાહિત્ય વિશ્વનો હું ચાહક બની ગયો હતો. બક્ષીની કૉલમોના લેખો તો પછી આવ્યા.

‘મશાલ’ સંગ્રહમાં ઔર એક વાર્તા છે – ‘કુત્તી’. બક્ષીના દરેક વાચકે અને દરેક ચાહકે આ વાર્તા વિશે સાંભળ્યું/વાંચ્યું હશે (પણ આ વાર્તા બહુ ઓછાઓએ વાંચી હશે). વાર્તા પ્રથમ પુરુષ એકવચનમાં લખાઈ છે. વાર્તાનાયક અને કુશાન બે મિત્રો છે અને એ બેઉ એક છોકરીને એક સાથે લવ કરે છે, પ્રેમવાળો લવ નહીં, લવ મેકિંગવાળો લવ. વાર્તાનો આ રીતે આરંભ થાય છે: ‘એનું નામ ટિટ્સી અકસ્માત જ પડી ગયેલું. એકવાર હું અને કુશાન એની બન્ને તરફ સૂતેલા પડ્યા હતા ત્યારે એની ભરપૂરી છાતીઓ ખુલ્લી પડી અને હું એના ઊભાર પર ધીરે ધીરે ગાલ ફેરવતો હતો… પછી એના સ્તન પર હોઠ લગાડ્યા…. મેં કહ્યું, ‘આની સાલીના આંચળ જાડા થઈ ગયા છે હવે.’ પછી સ્તનની ડીંટડીઓ પકડીને – ‘જો, ટિટ્સ કેવી ફૂલી ગઈ છે!’

‘ટિટ્સ નથી ઉલ્લુ, આ તો અંગૂરો છે અંગૂરો! નિપલ્સ.’ કહીને એ એની સુંવાળી આંગળીઓથી એની નિપ્પલ્સ સહલાવવા લાગી.

વાર્તામાં અધવચ્ચે કુશાને ટિટ્સીને ‘…. ચુંબન કરતાં કરતાં લગભગ એના નિતંબ ઉપર એક ચૂટકી ભરી…’ ત્યારે ટિટ્સીએ હસીને કહ્યું, ‘સાલા, હલકટ’.

એક તબક્કે ટિટ્સીએ ‘…ઊભા થઈને ગાઉન ખોલી નાખ્યો. પછી પેન્ટીઝ ઉતારી લીધી અને ફર્શ પર પડેલી પેન્ટીઝને, પગથી લાત મારી. પેન્ટીઝ ઊડીને ટિપૉયના ખૂણા પર લટકી ગઈ. ચઢતી રાતમાં એનું પૂરું નગ્ન, માંસલ, ફેલાયેલું શરીર મારા બદનથી લિપટી ગયું (‘મારા’ એટલે કે આ લખનારના કે બક્ષીના નહીં પણ વાર્તાનાયકના-કુશાનના દોસ્તના બદનથી…) ખૂલીને ફેલાયેલી એની પીઠ અને કમર અને નિતંબના ઉભાર પર મારા હાથ ફરતા રહ્યા… (ટિટ્સીએ કહ્યું) ‘રેપ કરી નાખ મને… મજા આવશે.’

વાર્તાનો અંત કંઈક એવો છે કે બેઉ મિત્રો પોતપોતાની નોકરી ગુમાવીને બેકાર બની જાય છે ત્યારે ટિટ્સી ઠંડકથી કહે છે, ‘જુઓ, જુઓ… મેં એક પ્લાન કર્યો છે. તમારા બેમાંથી એકને પણ કામ ન મળે ત્યાં સુધી મેં હવે કમાવાનો વિચાર કર્યો છે’.

આ સાંભળીને કુશાન ટિટ્સીને ચુંબનોથી રૂંધી નાખે છે અને ટિટ્સીને દબાવીને હાંફતાં હાંફતાં બોલે છે, ‘કુત્તી!’

ટિટ્સી કેવી રીતે કમાણી કરવાની છે એની કલ્પના બક્ષીએ વાચકો પર છોડી દીધી છે!

આ વાર્તા અભદ્ર અને અશ્લીલ છે એવો કેસ સરકારે બક્ષી પર કર્યો હતો. મારા હિસાબે આ વાર્તામાં જે નગ્નતાનું વર્ણન છે તે પોતાને સંસ્કારી માનતા વાચકોને અરુચિકર લાગે તેવું છે પણ તે આ સંસ્કારીઓનો પ્રૉબ્લેમ છે. ‘કુત્તી’ વાર્તા ન તો અશ્લીલ છે, ન અભદ્ર છે, ઇરોટિક છે—એમાં શૃંગાર રસ છે, ચીપ પોર્નોગ્રાફી નથી. અન્ય ભાષાઓના સાહિત્યમાં પણ આવી વાર્તાઓ લખાયેલી છે, વખણાયેલી છે. વાર્તા જ શું કામ આખેઆખી નવલકથાઓ લખાઈ છે. રશિયનમાં વ્લાદિમિર નબાકોવની નૉવેલ ‘લોલિતા’ છે. અંગ્રેજીમાં ડી. એચ. લૉરેન્સની ‘લૅડી ચૅટર્લીઝ લવર’ ઘણી મશહૂર થયેલી નવલકથા છે. ઉર્દૂમાં સઆદત હસન મન્ટોએ પણ ઘણું લખ્યું છે.

‘કુત્તી’માં મઝા એ વાતની છે કે બેઉ મિત્રો એકબીજા માટે ઈર્ષ્યા કર્યા વિના કે એકમેકની સ્પર્ધા કર્યા વિના એક જ છોકરીને ભોગવે છે અને એની સામે પેલી પણ બેઉની સાથે એક સરખા આવેશ-આવેગથી લવ મેકિંગ કરે છે. વાર્તાનો અંત પણ ઈન્ટરેસ્ટિંગ છે: બેઉ મિત્રો કમાણી કરતા બંધ થઈ જાય છે ત્યારે ટિટ્સી પોતે ‘કામ કરવા’ તૈયાર થઈ જાય છે.

રહી વાત ‘કુત્તી’ સાથે જોડાયેલી કૉન્ટ્રોવર્સીની જેનાં બે વર્ઝન છે – એક બક્ષીનું અને બીજું વર્ઝન ખરેખર શું થયું હતું તે છે. એ વિશે પછી વાત કરીશું. હજુ બક્ષીની કેટલીક લૅન્ડમાર્ક વાર્તાઓ વિશે વાત કરવાની બાકી છે.

બક્ષીના પાંચમા વાર્તાસંગ્રહ ‘ક્રમશ:’ (1971) માંની 4 વાર્તાઓ વિશે વાત કરવાની છે. ‘ક્રમશ:’ સંગ્રહની પહેલી જ વાર્તાનું શીર્ષક છે – ‘ક્રમશ:’. બક્ષીની આ નિબંધનુમા સફળ પ્રયોગાત્મક વાર્તા છે. આ વાર્તાસંગ્રહમાં બીજી પણ કેટલીક એક્સપરિમેન્ટલ વાર્તાઓ છે જેને તમે પ્રયોગાત્મકને બદલે પ્રયોગખોરી કહી શકો. રિયલ બક્ષી આ વાર્તાસંગ્રહમાંની આ વાર્તામાં નજરે પડે છે – ‘આમાર બાડી, તોમાર બાડી, નોકશાલ બાડી’. અમારી વાડી, તમારી વાડી, નકસલવાડી. પશ્ર્ચિમ બંગાળમાં નક્સલવાદના નામે ઓળખાતા આતંકવાદનો જન્મ જ્યાં થયો તે જગ્યાનું નામ નક્સલવાડી. બક્ષીએ જે જમાનામાં પોતે હાર્ડકોર માર્કસવાદી હતા તે જમાનામાં લખાયેલી આ વાર્તા છે. જોકે, પછીથી માકર્સવાદની ભ્રામક વાતોમાંની વાસ્તવિકતાનો એમને પરિચય થયો. બંગાળમાં અશાંતિ જોઈ, ધંધારોજગાર અને રોજિંદા જીવનની ખાનાખરાબી થતી જોઈ, કલકત્તાની ઓસરતી જતી સમૃદ્ધિ જોઈ અને બક્ષીએ કલકત્તા છોડી દીધું. છોડીને ગુજરાત સ્થાયી થયા. 1969 ના હિન્દુ-મુસલમાન રમખાણોથી થોડા જ દિવસમાં ત્રાસી ગયા. અમદાવાદમાં ઘર માંડવાનો પ્લાન પડતો મૂકીને મુંબઈ સ્થાયી થયા. મુંબઈમાં મીઠીબાઈ કૉલેજના આચાર્ય અને જાણીતા કેળવણીકાર અમૃતલાલ યાજ્ઞિકે નોકરી અપાવી, ઓળખીતા સિંધિ પાસે ઓછી પાઘડી અને ઓછા ભાડાનું ઘર પણ અપાવ્યું.

‘આમાર બાડી…’ પણ પ્રથમ પુરુષ એકવચનમાં લખાયેલી છે. કાર્તિક તરફદાર વાર્તા નાયકનો મિત્ર છે, બળવાખોર છે. નક્સલવાદી છે. વાર્તાનું લોકેશન, એમાં આવતાં નાનાં પાત્રો, અને છોગામાં બક્ષીની લેખનશૈલી – આ વાર્તાને બક્ષીની ટૉપ ટેન વાર્તાઓમાં સ્થાન અપાવે. ગંગાકિનારે સાંજ ઢળી ગઈ હતી એવું લખવાને બદલે બક્ષી લખે છે : ‘સાંજ ઝૂકી ગઈ હતી’. ક્યા બાત હૈ! એટલે જ બક્ષી બક્ષી છે, એકમેવ છે.

‘ક્રમશ:’ સંગ્રહની ત્રીજી એક વાર્તા છે – ‘મૃતકર્ણિકા ઘાટ’, વારાણસીના રેલવે સ્ટેશનનું લોકેશન છે. વાર્તાનાયક કાનપુરથી આવી રહેલી ગોરખપુર જવાવાળી ટ્રેનની રાહ જોઈ રહ્યો છે, કંટાળી રહ્યો છે. ટ્રેન લેટ છે. મધરાત થઈ ગઈ છે. કંટાળો વધતો જાય છે. આવા વાતાવરણમાં પોતાના માટે જે કામની નથી એ ટ્રેનના છેલ્લા ડબ્બામાંથી એક ‘તદ્દન જર્જરિત, હાંફતો બૂઢો માણસ એક જવાન સાથે’ ઊતરે છે. સ્ટેશન પરના બધા જ કંટાળેલા દુ:ખી માણસોના ચહેરા વચ્ચે આ એક ‘લગભગ ખતમ થઈ ગયેલો’ વૃદ્ધ એવો છે જેના ચહેરા પર વાર્તાનાયકને ‘સંપૂર્ણ સંતોષ અને ખુશીની…. સ્પષ્ટ ઝલક’ દેખાય છે.

એ ખુશીનું કારણ રિવીલ કરીશ તો સ્પૉઈલર બની જશે, મૂળ વાર્તા સુધી જવાની તમારી મઝા બગડી જશે. લાજવાબ વાર્તા છે. તમે કલ્પના પણ ન કરી શકો એવા વિષય અને એવા વાતાવરણમાંથી બક્ષીએ સીમાચિહ્નસમી વાર્તાઓ સર્જી છે.

બક્ષીની સૌ પ્રથમ વાર્તા ‘મકાનનાં ભૂત’ આ સંગ્રહમાં છે. 1950 માં બક્ષીની 18 વર્ષની ઉંમરે લખાયેલી અને 1951 માં ‘કુમાર’ માં છપાયેલી અને છેક વીસ વર્ષ પછી, 1971માં ‘ક્રમશ:’ વાર્તાસંગ્રહમાં લેવાયેલી આ વાર્તા બક્ષીએ લખેલી સૌપ્રથમ વાર્તા છે એ જ એનું મહત્ત્વ છે, 18 વર્ષની ઉંમરે લખાઈ છે એ એનું બીજું મહત્ત્વ છે અને બક્ષીની 19 વર્ષની ઉંમરે આ વાર્તાને બચુભાઈ રાવત જેવા કડક સંપાદકે ‘કુમાર’ જેવા અતિ પ્રતિષ્ઠિત માસિકમાં પ્રગટ કરી એ તેનું ત્રીજું મહત્ત્વનું પાસું છે. બાકી વાર્તા તરીકે ‘મકાનના ભૂત’ મીડિયોકર છે. એમાં ક્યાંય બક્ષી ધ ગ્રેટની પા પા પગલી પણ નથી. આમ છતાં આ વાર્તાની ડૉક્યુમેન્ટરી વેલ્યુ, એનું દસ્તાવેજી મુલ્ય તો છે જ.

બક્ષી વિશેના ‘મિસિંગ બક્ષી’માં પ્રગટ થયેલા મારા લેખમાં મેં 2006માં લખ્યું હતું: ‘…બક્ષીની સૌ પ્રથમ વાર્તા ‘મકાનના ભૂત’નું સાહિત્યિક કરતાં દસ્તાવેજી મૂલ્ય વધારે છે. વાર્તાસંગ્રહમાં વાંચ્યા પછી આ વાર્તા એ જ વખતે વતન દેવગઢ બારિયાના અમારા ઘરમાંથી મળી આવેલી. ‘કુમાર’ની જૂની ફાઈલોમાંથી જડી. ‘દોમાનિકો’, ‘ડૉક મઝદૂર’, ‘એક સાંજની મુલાકાત’ – અનેક વાર્તાઓ સંગ્રહમાં વાંચ્યા પછી મૅગેઝિનોની જૂની ફાઈલોમાંથી શોધીને વાંચી. મારી પેઢીના બહુ ઓછા બક્ષીચાહકો પાસે આ રોમાંચ હશે.’

બક્ષીનો છેલ્લો અને છઠ્ઠો વાર્તાસંગ્રહ ‘પશ્ચિમ’. એની વાત અને બીજી કેટલીક વાતો હવે પછી.

(ક્રમશ:)

• • •

(Message from Lokmilap, Bhavnagar)

ઘરની અંગત લાયબ્રેરી કે કોઈ પણ સંસ્થાના ગ્રંથાલયમાં ઉમેરવા જેવા બક્ષીબાબુના વાર્તાસંગ્રહો

વાચકોની અપાર ચાહના મેળવનાર ચંદ્રકાંત બક્ષીની નવલિકાઓના 6 સંગ્રહો પ્રગટ થયા છે. પ્યાર, એક સાંજની મુલાકાત, મીરા, મશાલ, ક્રમશ: અને પશ્ચિમ. *છ પુસ્તકોની મળીને કુલ 139 વાર્તાઓના બે દળદાર ગ્રંથો ગુજરાતી સાહિત્યનો એક અનોખો ખજાનો છે.

ગુડ નાઈટ, ડેડી !, ડૉક મઝદૂર, તમે આવશો ? જેવી હૃદયસ્પર્શી વાર્તાઓ અહીં છે ઉપરાંત એમની પર સરકારે કેસ કરેલો એ ‘કુત્તી’ વાર્તા પણ સમાવિષ્ટ છે.

*1100 પાના ધરાવતા બે પુસ્તકોની છાપેલ કિમત ₹1200 છે તેને બદલે લોકમિલાપ પરિવાર માટે આ સેટ ફક્ત ₹999 માં ઘરે બેઠા મળશે. (આખા દેશમાં ફ્રી ડિલિવરી)*

ઓર્ડર કરવા 8734918888 પર વોટસએપ કરશો. બક્ષીબાબુના ચાહકોને આ યોજના વિશે અચૂક જણાવશો. આભાર.

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

2 COMMENTS

  1. Had the privilege to attend Bakshi Sir’s lectures in Mithibai College, despite being a Science student, I would never miss his lectures in Arts faculty. Nostalgic days!

  2. બક્ષી સાહેબના ચાર વાર્તા સંગ્રહ વસાવ્યા છે. મશાલ,ક્રમશ,પશ્ર્ચિમ, ચન્દ્રકાંત બક્ષીની શ્રેષ્ઠ વાર્તાઓ. સૌરભભાઈ happy new year 2024. ધન્યવાદ આપનો 2023 ના અંતીમ દીવસો થી 2024 ની શરૂઆતમા ગુજરાતી સાહિત્ય ના સુપર સ્ટાર વિશે લખવા બદલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here