(ગુજરાત સાહિત્ય અકાદમીએ ચંદ્રકાંત બક્ષીની માતૃભૂમિ પાલનપુરમાં ૧૬-૧૭ ડિસેમ્બરે બનાસ સાહિત્ય ઉત્સવનું ભવ્ય આયોજન કર્યું. ઉદ્ઘાટન સત્રનો વિષય હતો ‘મિસ યુ બક્ષી’ જેમાં મારે બક્ષીની નવલકથાઓ વિશે બોલવાનું છે એવું આયોજકો વતી આમંત્રણ આપતી વખતે કહેવામાં આવ્યું હતું. બક્ષીએ નવલકથા ક્ષેત્રે જે પ્રદાન કર્યું છે તેના કરતાં કંઈકગણું અધિક ટૂંકી વાર્તા ક્ષેત્રે કર્યું છે. મારી વિનંતિનો આદર કરીને મારો વિષય બદલી આપવામાં આવ્યો જે બદલ હું અકાદમીના અધ્યક્ષ અને જેઓ વડોદરાના કલેક્ટર હતા તે જમાનાથી મારા મિત્ર છે એવા કવિ, સંસ્કૃતના પંડિત તથા ઊંડાણસભર વ્યાખ્યાનો આપવા માટે જાણીતા લોકપ્રિય વક્તા ભાગ્યેશ ઝા તેમ જ અકાદમીના તેજસ્વી-યુવા મહામાત્ર જયેન્દ્રસિંહ જાદવનો આભારી છું. આ નિમિત્તે મને ફરી એકવાર બક્ષીસાહેબની લૅન્ડમાર્ક વાર્તાઓને ધરાઈને માણવાની તક મળી અને પાલનપુરના ખોડા લીમડા વિસ્તારમાં જઈને બક્ષીકુટુંબના વડવાઓના ઘરનાં દર્શન કરવાનો લહાવો મળ્યો. આ ઘરમાં ટૂંક સમયમાં ગુજરાતી સાહિત્યના અમર લેખક ચંદ્રકાંત બક્ષીનું સ્મારક બનવાનું છે— સુરતમાં આમલીરાન ખાતે જેમ નર્મદનું અને ઇંગ્લેન્ડમાં જેમ સ્ટ્રેટફૉર્ડ અપોન એવન ખાતે શેક્સપિયરનું છે એવું. પાલનપુરની યાત્રા વિશે ફરી ક્યારેક વિગતે નોંધ લખીશ. અમારા માટે એ ત્રણ દિવસનો પ્રવાસ ચાર ધામની જાત્રા પુરવાર થયો જેમાનું એક ધામ પાલનપુરનું બક્ષીનું ઘર હતું. બક્ષીની વાર્તાઓ વિશેની આ સિરીઝ મારા પાલનપુરના વક્તવ્યમાંથી કેટલાક અંશોને તારવીને, એને વિસ્તૃત કરીને તૈયાર કરી છે. આશા છે, ગમશે.
તાજા કલમ : બક્ષીનાં તમામ પુસ્તકોનું પ્રકાશન કરવાના રાઇટ્સ હવે રાજકોટના પ્રવીણ પ્રકાશનવાળા બક્ષી પ્રેમી ગોપાલભાઈ પટેલ પાસે છે. ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને મારા અંગત મિત્ર ગોપાલ મહેન્દ્રભાઈ મેઘાણી તો બક્ષીના એટલા મોટા ચાહક છે કે એમણે પોતાના એકમાત્ર સંતાનનું નામ એ જમાનામાં બક્ષીની નવલકથા ‘આકાર’ના હીરો યશ શાહ પરથી રાખ્યું છે. યશ મેઘાણી હવે ભાવનગરના વિખ્યાત પુસ્તકતીર્થ ‘લોકમિલાપ’ને ઑનલાઈન વિસ્તારી રહ્યા છે. બક્ષીના મારા પ્રવચન નિમિત્તે બક્ષીની વાર્તાઓને દરેક ગુજરાતી ઘરમાં પહોંચાડવાનું બીડું યશે ઉપાડ્યું છે. આ માટે લોકમિલાપે જે ડિસ્કાઉન્ટ યોજના બનાવી છે તેને હું પણ પ્રમોટ કરી રહ્યો છું, તમે પણ કરજો. મારી આ સિરીઝના પ્રત્યેક હપતાના અંતે આ યોજનાની વિગતો મૂકવામાં આવશે.)
ગુજરાતી સાહિત્યના વાર્તા લેખકોમાં બક્ષી મુઠ્ઠી ઊંચેરા જ નહીં, બે ગજ ઊંચા સર્જક પુરવાર થયા (બક્ષીની વાર્તાઓ : 1): સૌરભ શાહ
( ગુડ મૉર્નિંગ : ન્યુઝપ્રેમી ડૉટ કૉમ. શનિવાર, ૩૦ ડિસેમ્બર ૨૦૨૩)
ગુજરાતી ટૂંકી વાર્તાઓની વાત કરતી વખતે ચંદ્રકાંત બક્ષીની વાર્તાઓ વિશે તમારે વાત કરવી પડે, કરવી પડે ને કરવી જ પડે.
રા. વિ. પાઠક, ધૂમકેતુ, પન્નાલાલ, ઉમાશંકર અને મડિયાથી લઈને મધુ રાય અને વીનેશ અંતાણી સુધીના અનેક સર્જકોએ સમૃદ્ધ કરેલા ગુજરાતી ટૂંકી વાર્તાના સ્વરૂપને બે સર્જકોએ પોતપોતાની રીતે મહત્ત્વના વળાંકો આપ્યા. એક સુરેશ જોષી અને બીજા ચંદ્રકાંત બક્ષી. આ બેઉની છાયામાં કેટલાક સાહિત્યકારોએ અનેક ટૂંકી વાર્તાઓ લખી. એમાંની કેટલીક ખરેખર નોંધપાત્ર અને યાદગાર બની અને કેટલીક આ બે સર્જકોની લેખનશૈલીની છઠ્ઠી ઝેરોક્સ જેવી પુરવાર થઈ.
એક વાત ખાસ નોંધવા જેવી છે. સુરેશ જોષી અને ચંદ્રકાંત બક્ષી પછી ગુજરાતી સાહિત્યમાં એ ગજાનો એક પણ ટૂંકી વાર્તાકાર જન્મ્યો નથી જેણે આ બે મહાન સર્જક જેવું પ્રદાન ટૂંકી વાર્તાક્ષેત્રે કર્યું હોય, આ બે સર્જકોએ ટૂંકી વાર્તાના ક્ષેત્રમાં જે માઈલસ્ટોન ઊભા કર્યા, જે જોરદાર વળાંકો લાવીને લૅન્ડમાકર્સ સ્થાપ્યા એ કક્ષાનું કામ બીજા કોઈએ કર્યું હોય. છેલ્લા લગભગ પચાસ વર્ષ પછી પણ, અડધી સદી જેટલો સમય વીતી ગયા પછી, પણ જોષી-બક્ષીના રેકૉર્ડને કોઈ આંબી શક્યું નથી.
***
ચંદ્રકાંત બક્ષીના છ વાર્તાસંગ્રહો છે. આ છએય વાર્તાસંગ્રહોમાંની કુલ 139 વાર્તાઓ એકસાથે ઉપલબ્ધ છે. બક્ષીનો છઠ્ઠો અને છેલ્લો વાર્તાસંગ્રહ ‘પશ્ચિમ’ 1976માં પ્રગટ થયો. 2006માં બક્ષીનું 73 વર્ષની ઉંમરે અવસાન થયું. ‘પશ્ચિમ’ પ્રગટ થયા પછીના ત્રણ દાયકા દરમ્યાન બક્ષીએ જે ડઝનેક વાર્તાઓ લખી તે બધી એ વખતના સામાયિકોમાં (‘ઈન્ડિયા-ટુડે’ ગુજરાતી વગેરે) પ્રગટ થઈ. કુલ મળીને બક્ષીએ દોઢસો જેટલી વાર્તાઓ લખી.
બક્ષીના ગયા પછી 2006માં જ ફોટોગ્રાફર સંજય વૈદ્ય તથા કવિ અંકિત ત્રિવેદીએ બક્ષીના તે વખતના પ્રકાશક નવભારત સાહિત્ય મંદિર માટે ‘મિસિંગ બક્ષી’ નામનો જે ગ્રંથ પ્રગટ કર્યો તેમાં મેં નોંધ્યું હતું :
‘બક્ષીના સમગ્ર સાહિત્યમાંથી સૌથી ઊંચું સ્થાન એમની ટૂંકી વાર્તાઓનું છે. લગભગ દોઢસો વાર્તાઓમાંથી ઓછામાં ઓછી બે ડઝન વાર્તાઓ ગુજરાતી સાહિત્યની ટોચની ટૂંકી વાર્તાઓ સાથે સ્પર્ધા કરી શકે એવી છે. આટલી મોટી સંખ્યામાં ઉત્કૃષ્ટ વાર્તાઓ લખનાર ગુજરાતી સાહિત્યમાં બીજું કોઈ નથી. ધૂમકેતુ, પન્નાલાલ પટેલ અને ચુનીલાલ મડિયા (તથા સુરેશ જોષી) ઉત્તમ વાર્તાકારો ખરા પણ આ ત્રણેય લેખકોના સમગ્ર વાર્તાસર્જનમાંથી પચ્ચીસ કરતાં ઓછી સર્વોત્કૃષ્ટ વાર્તાઓ તારવી શકાય.’
બક્ષીની દોઢસો વાર્તાઓમાંથી મને ગમતી પંદર વાર્તાઓના ઉલ્લેખ સાથે વાત કરીએ. બક્ષીની તમામ વાર્તાઓમાંથી આ દસ ટકા જેટલી જ થઈ. મારી પસંદ કરતાં તમારી પસંદ જુદી હોઈ શકે.
‘139 વાર્તાઓ’ની પ્રસ્તાવનારૂપે બક્ષીએ 1977 માં સુરતના ‘ગુજરાત મિત્ર’ માટે પોતે લખેલા લેખના કેટલાક અંશ વાપર્યા છે જેમાં બક્ષી લખે છે :
‘વાર્તામાં મારો કલાકાર તરીકે જન્મ થયો હતો. મારું હસવું, રડવું, મારું બ્લીડિંગ, મારું વીરત્વ, મારી માનહાનિ – બધું જ વાર્તા દ્વારા આપ્યું છે. છેલ્લી વાર્તા અડધી હશે અને આંખો મીંચાઈ જશે તો એ અંત મને ગમશે. છાતી પર હાથ મૂકીને હું કહી શકું છું કે હું વાર્તાકાર તરીકે જન્મ્યો એ પહેલાંની ગુજરાતી વાર્તા અને હું વાર્તાકાર તરીકે મરીશ એ પછીની ગુજરાતી વાર્તામાં ક્યાંક, કંઈક થોડો ફર્ક હશે અને એ ફર્ક મારે લીધે હશે…’
આપબડાઈ અને આત્મશ્લાઘા માટે જાણીતા બક્ષીનું આ વિધાન મારે હિસાબે અન્ડર સ્ટેટમેન્ટ છે, ખૂબ નમ્રતાથી લખાયું છે. પોતાની વાર્તાઓના મહત્ત્વ વિશે, ગુજરાતી સાહિત્યમાં એ વાર્તાઓના સ્થાન વિશે, બક્ષીએ આના કરતાં સોગણો મોટો દાવો કર્યો હોત તો પણ તે વાજબી હોત એટલું ગંજાવર અને પાયાનું કામ એમણે ટૂંકી વાર્તાના સ્વરૂપમાં કર્યું છે.
બક્ષીએ 18 વર્ષની ઉંમરે (1950 માં) પ્રથમ વાર્તા ‘મકાનનાં ભૂત’ લખી જે બચુભાઈ રાવતે 1951 માં ‘કુમાર’ માં પ્રગટ કરી હતી. 26 વર્ષની ઉંમરે બક્ષીનો સૌથી પહેલો વાર્તાસંગ્રહ ‘પ્યાર’ 1958 પ્રગટ થયો. ‘પ્યાર’માં ‘મકાનનાં ભૂત’ વાર્તા નથી લેવાઈ (જે 1971 માં પ્રગટ થયેલાપાંચમા વાર્તાસંગ્રહ ‘ક્રમશ:’માં લેવાઈ). ‘પ્યાર’વાર્તાસંગ્રહ પહેલાં બક્ષીની પ્રથમ નવલકથા ‘પડઘા ડૂબી ગયા’ (1957) પ્રગટ થઈ ચૂકી હતી.
‘ડૉક મજદૂર’ વાર્તા ‘પ્યાર’ માં સંગ્રહસ્થ છે. 1950 ના દાયકામાં લખાતી ગુજરાતી વાર્તાઓમાં જે વિષય, જે કથાવસ્તુ, જે વાતાવરણ અને જે કથનશૈલી આવતાં તેના કરતાં તદ્દન અલગ જ પ્રકારની આ વાર્તા. (હિંદી ફિલ્મોમાં પણ ડૉક મજદૂરની વાતો બેએક દાયકા પછી આવવાની હતી!) ગોદીમાં કામ કરતા મસૂદ અહમદ નામના મજૂરની વાર્તા છે. પૉર્ટ રેલવેના પાટા, હોડીમાં એલ્યુમિનિયમના તપેલામાં બફાઈ રહેલા ચાવલ, લાલ લૂંગી અને મોટા છરાથી મરચાં કાપતો માઝી… બક્ષીની તીવ્ર નિરીક્ષણ શક્તિ આ વાર્તાને એક નવી ઊંચાઈએ લઈ જાય છે. મસૂદને લોખંડના સળિયાથી મારીને અધમૂઓ કરી નાખવામાં આવે છે તે દૃશ્યનું ગ્રાફિક્સલી વર્ણન થયું છે. બક્ષી તે સમયગાળામાં હાર્ડકોર માકર્સવાદી હતા તેના પુરાવા તમને આ વાર્તામાંથી મળે છે. પણ વાર્તામાં માનવતાવાદ છે. ‘ડૉક મઝદૂર’ બક્ષીની ટ્રેડમાર્ક ટૂંકી વાર્તાઓમાંની સૌથી પહેલી વાર્તા.
‘પ્યાર’ વાર્તાસંગ્રહ પછી ત્રણ વર્ષે બક્ષીનો બીજો વાર્તાસંગ્રહ આવ્યો – ‘એક સાંજની મુલાકાત’ (1961). આ દરમ્યાન બક્ષીનો નવો અવાજ ગુજરાતી સાહિત્યમાં ઓળખાઈ ચૂક્યો હતો. ‘કુમાર’ માસિકમાં એમની વાર્તાઓ નિયમિત રીતે પ્રગટ થતી. જૂના વાર્તાકારો બક્ષી દ્વારા લખાતી વાર્તાઓનું મનોમન વિશ્ર્લેષણ કરીને વિચારતા રહેતા કે અમારી વાર્તાઓમાં કેમ આવું વાતાવરણ અને આવી શૈલી આવી શકતાં નથી. નવા વાર્તાકારો આ બધી લપનછપ્પનમાં પડ્યા વિના બક્ષીની બેઠ્ઠી નકલ કરીને પોતાની વાર્તાઓમાં બક્ષીની જેમ ઉર્દૂ શબ્દો અને નૉન-વેજ ફુડના ઉલ્લેખો લાવવાની કોશિશ કરતા. આ નકલખોરો સરિયામ નિષ્ફળ જતા. કારણકે બક્ષી એકમેવ હતા.
‘એક સાંજની મુલાકાત’ સંગ્રહની સૌથી પહેલી વાર્તા ‘નાસ્તિક’, જેનું પહેલું જ વાક્ય : ‘એક નાન…. એક રોગનજોશ!’
રોગનજોશ કઈ બલાનું નામ છે એની ખબર સેવ-ટમેટાના શાકના રસામાં તર્યા કરતા તે વખતના ગુજરાતી સાહિત્યકારોને નહોતી પડતી. બક્ષી માટે કહેવાતું કે એ ભઠ્ઠીમાં શેકાયેલી રોટીમાંથી નીકળતી ભાપનું વર્ણન કરે અને એમનો હીરો પ્યાજની કતરી પર નીબુ-નમક છીડકે ત્યારે વાચકોને છપ્પનભોગ ત્યજીને આ સૂકી રોટી-કાંદા ખાવાનું મન થઈ જાય :
‘વેટરે નાન રોટી અને રોગનજોશની પ્લેટો મૂકી. બાજુમાં સલાડની પ્લેટ ગોઠવી…જયેશે પ્લેટો પાસે ખેંચી. મોટી, શેકેલી નાનની સૂકી ખુશ્બુ આવી. નાની પ્લેટમાં બળેલા તલ અને શેકાયેલી વરિયાળી છૂટાં પડતાં હતાં. જયેશે સલાડ પર નિમક છાંટવા માંડ્યું…’.
બક્ષીએ પોતાના કલકત્તા નિવાસ દરમ્યાનના અનુભવોને અને તે વખતની અનુભૂતિને પોતાની ટૂંકી વાર્તાઓમાં અવતાર્યાં. દરેક સાહિત્યકાર પોતાની આસપાસના વાતાવરણને સર્જકતાની આ ઊંચાઈએ પહોંચાડી શકતો નથી. બક્ષીમાં વાર્તાકાર બનવાની જે જન્મજાત ક્ષમતા હતી તેને કલકત્તાએ ખૂબ લાડ લડાવ્યા. બિન-ગુજરાતી માહોલમાં રહેવાની વાસ્તવિકતાને એમણે પોતાના જંગી પ્લસ પોઈન્ટમાં ફેરવી દીધી. આને કારણે એમની વાર્તાઓના પ્લોટ, એનો અંત, એમાંનાં વળાંકો,વર્ણનો અને પાત્રો – આ બધું જ નોખું તરી આવતું. આ બધાંનો સરવાળો એમને મુઠ્ઠી ઊંચેરા જ નહીં, બે ગજ ઊંચા સર્જક બનાવતો.
‘એક સાંજની મુલાકાત’ સંગ્રહમાં એ જ શીર્ષકની વાર્તા છે જેનો ચમત્કૃતિભર્યો અંત મારે અહીં રિવીલ નથી કરવો. પ્રથમ પુરુષ એકવચનમાં લખાયેલી આ વાર્તાનો હીરો મિસ્ટર મહેતા અને એની પત્ની સરલા ગ્રાઉન્ડ ફ્લોર પરના ફ્લેટમાં નવા નવા ભાડુઆત તરીકે રહેવા આવ્યાં છે. બંગાળી મકાનમાલિક અક્ષયબાબુ, એની કાળી પત્ની શોભા અને એમનાં ત્રણ બાળકો ઉપરના માળે રહે છે. એક તબક્કે વાર્તામાં આ ફકરો લખાય છે :
‘થોડા દિવસ આ રીતે વીત્યા બાદ મને લાગ્યું કે મારામાં શોભાને માટે કંઈક આકર્ષણ થઈ રહ્યું હતું. એ અસ્વાભાવિક ન હતું, પણ એનો સ્પષ્ટ સ્વીકાર કરવા હું તૈયાર જ હતો. શોભા કાળી હતી, વયસ્ક હતી, ત્રણ બાળકોની મા હતી. હું અનાયાસે વિચારોમાં ઊતરી જતો, પણ એનામાં આકર્ષણ ખરેખર હતું. એના શરીરમાં, ત્રણ બાળકો થઈ ગયા પછી પણ સરલા કરતાં વિશેષ સુરેખતા હતી. એ હસી ઉઠની, મજાક કરતી, જોતી બધું જ ગભરાટ થાય એટલલી નિર્દોષતાથી. એની ઊંચી, ભરેલી છાતી પરથી હું પ્રયત્ન કરીને તરત જ નજર હટાવી લેતો અને મને ગુનેગાર જેવી અસર થતી…’
વાર્તાનો અંત જબરો શૉકિંગ છે. એક્સ્ટ્રા મરાયટલ સંબંધો વિશે, લગ્નેતર સંબંધો વિશે, આડા સંબંધો વિશે કે ચાલુ ભાષામાં કહીએ તો લફરાંબાજી વિશે લખાયેલી ગુજરાતી વાર્તાઓમાં ‘એક સાંજની મુલાકાત’ને હું પહેલા નંબરે મૂકું કારણ કે વાર્તાના છેક છેલ્લા વાક્ય સુધી એનો ચમત્કારિક અંત ખુલ્લો પડતો નથી એટલું જ નહીં વાર્તા ફરી વાંચો ત્યારે તમને લાગે કે આ કુશળ અને સિદ્ધહસ્ત લેખકે આ અંત તરફ ઈશારો કરતા બે વાક્યો અત્યંત સાહજિકતાથી વાર્તાના આરંભે જ મૂકી દીધાં છે, ઉપરાંત શીર્ષકમાં પણ ઇશારો છે—એ જ્યારે તમને ખબર પડે ત્યારે તમે બોલી ઊઠો: ધિસ ઈઝ બક્ષી!
(ક્રમશ:)
• • •
(Message from Lokmilap, Bhavnagar)
ઘરની અંગત લાયબ્રેરી કે કોઈ પણ સંસ્થાના ગ્રંથાલયમાં ઉમેરવા જેવા બક્ષીબાબુના વાર્તાસંગ્રહો
વાચકોની અપાર ચાહના મેળવનાર ચંદ્રકાંત બક્ષીની નવલિકાઓના 6 સંગ્રહો પ્રગટ થયા છે. પ્યાર, એક સાંજની મુલાકાત, મીરા, મશાલ, ક્રમશ: અને પશ્ચિમ. *છ પુસ્તકોની મળીને કુલ 139 વાર્તાઓના બે દળદાર ગ્રંથો ગુજરાતી સાહિત્યનો એક અનોખો ખજાનો છે.
ગુડ નાઈટ, ડેડી !, ડૉક મઝદૂર, તમે આવશો ? જેવી હૃદયસ્પર્શી વાર્તાઓ અહીં છે ઉપરાંત એમની પર સરકારે કેસ કરેલો એ ‘કુત્તી’ વાર્તા પણ સમાવિષ્ટ છે.
*1100 પાના ધરાવતા બે પુસ્તકોની છાપેલ કિમત ₹1200 છે તેને બદલે લોકમિલાપ પરિવાર માટે આ સેટ ફક્ત ₹999 માં ઘરે બેઠા મળશે. (આખા દેશમાં ફ્રી ડિલિવરી)*
ઓર્ડર કરવા 8734918888 પર વોટસએપ કરશો. બક્ષીબાબુના ચાહકોને આ યોજના વિશે અચૂક જણાવશો. આભાર.
• • •
( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર 090040 99112 પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
સૌરભભાઈ,
આપનું આ પરિવર્તન મને ખૂબ જ ગમ્યું, આપ એક જમાનામાં બક્ષીબાબુના પ્રખર આલોચકમાંથી પ્રખર હિમાયતી બની ચૂક્યા છો, જે અમારા જેવા બક્ષીબાબુના આજીવન ભક્તો માટે એક સુખદ સાનંદાશ્ચર્ય છે,
બીજું, આપનો આ બક્ષીબાબુ વિશેનો લેખ ખૂબ જ ટૂંકો લાગ્યો, જો આપ સમયની અનુકૂળતા ફાળવીને બક્ષીબાબુ વિશે થોડું વધુ લખી શકો, તો અમોને ખૂબ જ આનંદ થશે,
બક્ષીબાબુ અમારા માટે ફક્ત એક લેખક જ નહોતા, તેઓ અમારા જેવા કરોડો લોકો માટે એક પ્રેરણાસ્તોત્ર હતાં, છે અને રહેશે, અસ્તુ.
સદા આપનો આભારી
નીતિન વ્યાસ
(રાજકોટ )
આલોચક? કઈ બાબતે મેં એમની આલોચના કરી? એમના સાહિત્ય વિશે એક પણ નેગેટિવ કમેન્ટ કરી હોય તો બતાવો. નીકળી પડ્યા છો ગમે તેવા અભિપ્રાયની ફેંકાફેંક કરવા.
બક્ષીના સાહિત્યની નહીં પણ બીજા પ્રતિષ્ઠિત સાહિત્યકારો વિશે એલફેલ બોલવાની એમની આદતની કડક અને સૌથી આકરી ટીકાઓ મેં કરી પછી બીજાઓ એ વિશે બોલતા થયા.
મહેરબાની કરીને કમેન્ટ કરતાં પહેલાં ફેક્ટ્સ ચેક કરો. બક્ષીના સાહિત્યની મેં વારંવાર જાહેરમાં પ્રશંસા કરી છે. તમે ન વાંચી હોય એમાં હું શું કરું?
I think here by આલોચના, Ntinbhai means Riveiw and not ટીકા! From his entire comments, it’s evident that he praises you and never intent to huurt or insult you.🙏🏻
ચન્દ્રકાંત બક્ષી one of the brightest star of ગુજરાતી સાહિત્ય .
बख्शी साब मेरे बहुत अज़ीज़ थे. और जब मेरा दूसरा अज़ीज़ सौरभ बख्शी साब के बारे में लिखता है, क्या कहनाणा इस अहसास का. बार बार आँखें गीली हो गई. सौरभ और बख्शी साब आप दोनों विशिष्ट है