તર્કબદ્ધ વાણીની ચતુરાઈથી સાવધાન : સૌરભ શાહ

(તડકભડક : ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ. રવિવાર, 17 ડિસેમ્બર 2023)

ન્યુઝ ટીવી પરની ડિબેટ્સથી લઈને ટ્વિટર-ફેસબુક પર જો સૌથી મોટો એક રોગ સર્વત્ર પ્રસરી ગયો હોય તો તે છે આડેધડ થતી ચર્ચાઓનો. સામસામી દલીલોના અંતે નવો પ્રકાશ દેખાવો જોઈએ, બેઉ પક્ષે સ્વીકાર્ય હોય એવી વાતો પ્રગટવી જોઈએ. એને બદલે થાય છે શું ? તણખા ઝરે અને ચર્ચામાં ભાગ લેનારા સૌને દઝાડે.

આવું શું કામ થતું હશે ? સંવાદ થવાને બદલે વિવાદ શા માટે સર્જાતો હશે ?

આ મહિને મુંબઈમાં યોજાઈ ગયેલી પૂજ્ય મોરારિબાપુની નવ દિવસીય રામકથા દરમ્યાન જે ત્રણ વાતો ઊડીને કાને વળગી તેમાંની સૌથી પહેલી વાતમાં આ સવાલનો જવાબ છે.

બાપુએ કહ્યું કે ‘પ્રજ્ઞા બોલે અને પ્રેમ સાંભળે ત્યારે સંવાદ સર્જાતો હોય છે. અને બુદ્ધિ બોલે અને તર્ક સાંભળે ત્યારે વિવાદ સર્જાતો હોય છે.’

આપણને થાય કે બુદ્ધિ અને તર્ક તો ઉપયોગી ગુણો છે તો એમાંથી વિવાદ કેવી રીતે સર્જાય ? બાપુની આ વાત એમણે જે રીતે સમજાવી તેને વિસ્તૃતપણે હું અહીં મૂકું છું. શબ્દો મારા છે, ભૂલ થતી હોય તો તે પણ મારી છે.

સંવાદ માટે સુમેળભર્યું વાતાવરણ જોઈએ. સૌહાર્દ જોઈએ. એકબીજા પ્રત્યેનો સમભાવ જોઈએ. પ્રજ્ઞા એટલે માત્ર બુદ્ધિ નહીં પણ વિવેકબુદ્ધિ. આ વિવેક એટલે નીરક્ષીર વિવેક. દંતકથામાંના માનસરોવરનો હંસ દૂધ અને પાણી છૂટાં પાડી શકે છે તે નીરક્ષીર વિવેક. મનમાં કપટ ન હોય, કુટિલતા ન હોય, સામેવાળાને કોઈ પણ ભોગે પછાડીને વનઅપમૅનશિપ પુરવાર કરવાનો હેતુ ન હોય ત્યારે જ માણસમાં નીરક્ષીર વિવેક સર્જાય.

બુદ્ધિશાળીઓ ઘણા જોવા મળશે, પ્રજ્ઞાવાન બહુ ઓછા હોય છે. બુદ્ધિથી ઘણું ઊંચું સ્તર પ્રજ્ઞાનું છે. આવી પ્રજ્ઞા, આવું ઊંડું જ્ઞાન જેમનામાં છે તે બોલે ત્યારે સાંભળનારમાં શું જોઈએ ? પ્રેમ.

પ્રેમ એટલે સમતા, પ્રેમ એટલે સહાનુભૂતિ-કરુણા, પ્રેમ એટલે ભરોસો. સાંભળનારમાં આ બધું જો હોય તો પ્રજ્ઞાવાન પુરુષે કહેલી વાતોને તે યોગ્ય સંદર્ભમાં સમજી શકે. અને ન સમજાય તો પેટાપ્રશ્ર્નો પૂછીને પોતાની સમજને વિસ્તારી શકે. આવું થાય ત્યારે સંવાદ સર્જાતો હોય છે.

બુદ્ધિ બોલે અને તર્ક સાંભળે ત્યારે વિવાદ કે વિસંવાદ કે કુસંવાદ કે વિતંડાવાદ સર્જાતો હોય છે. વિતંડાવાદ એટલે? વિતંડા એટલે પારકાના દોષ પ્રગટ કર્યા કરવા. વિતંડાવાદ એટલે નકામી માથાકૂટ. પોતાનો કોઈ પક્ષ જ ન હોય અને સામાપક્ષની સચોટ તથા અકાટ્ય દલીલોનું ખંડન કર્યા કરવું તેને વિતંડાવાદ કહે.

નકરી બુદ્ધિ બોલે અર્થાત્ કોઈ વ્યક્તિ અહીંથી-ત્યાંથી અસંબદ્ધ ટુકડાઓ ભેગા કરીને એમાં પોતાના નવા સંદર્ભો ઉમેરીને બોલે ત્યારે સામેવાળો આ ચતુરાઈથી ચકિત થઈ જ જવાનો છે. આવા ‘બુદ્ધિશાળીઓ’ની કમી નથી સમાજમાં. તેઓ બીજાને આંજી દેવા માટે મરણિયા બનીને વજૂદ વિનાની માહિતીઓનો, મહાપુરુષોનાં સુવાક્યોનો અને હાસ્યાસ્પદ ચુટકુલાઓનો મારો ચલાવે ત્યારે સાંભળનારને બે ઘડી મોજ પડતી હોય છે. પણ આવી મમરાની ગુણો ક્યારેય બદામની પોટલીઓની બરાબરી કરી શકવાની નથી.

‘બુદ્ધિનો ભંડાર’ ગણાતા આવા ચમત્કારી પુરુષો બોલે અને સાંભળનાર એની સામે તર્કનાં બાણ ચલાવે ત્યારે વિવાદ, વિસંવાદ, કુસંવાદ, વિતંડાવાદ સર્જાતો હોય છે.

તર્ક સારી વાત છે. પણ આ તર્ક કે લૉજિકનો દુરૂપયોગ થાય છે ત્યારે ઘણું મોટું નુકસાન થતું હોય છે. તર્કબદ્ધ વાતોના નામે ગાડી આડા પાટે લઈ જવામાં ઘણાને હથોટી બેસી ગઈ હોય છે. તમારી ગમે એટલી સાચી, ઉપયોગી અને ચિંતનશીલ વાતને તાર્કિક વ્યક્તિનું તીર લોહીલુહાણ કરી નાખે ત્યારે તમને થાય કે આવા લોકોને તમે નકામું ઈમ્પોર્ટન્સ આપ્યું. તેઓ તર્કના ઓજારને કશુંક ઘડવા માટે નહીં પરંતુ તોડવા માટે વાપરીને છટકી જતા હોય છે. વિવાદ અને વિસંવાદ ઊભો કરીને પોતાનો જયજયકાર થતો હોય એવી ભ્રમણામાં તેઓ રહે છે. સાંભળનારને પણ લાગે કે આ ‘તર્કશાસ્ત્રી’ની વાત તો સાચી છે. પણ જ્યારે પ્રાગટ્ય થાય કે આ તો કુતર્ક હતો ત્યારે ખ્યાલ આવે કે આ ઉલ્લુનો પઠ્ઠો તો આપણને બનાવી ગયો.

મોરારીબાપુએ એક બીજી પણ વાત કરી – પ્રવચનકારો વિશે, ટુ બી સ્પેસિફિક પિસ્તાલીસ મિનિટ માટે પ્રવચન કરનારા વક્તાઓ વિશે.

બાપુની આ વાતને હું જે રીતે સમજ્યો છું તે રીતે રજુ કરું છું – એમણે કહ્યું કે કુશળ વક્તા શબ્દો વડે શ્રોતાને ભ્રમિત કરી શકે છે.

હું માનું છું કે આ વાત આજકાલ ભારતની દરેક ભાષામાં નીકળી પડેલા મોટિવેશનલ સ્પીકરોને લાગુ પડે છે જે રોગ પરદેશથી આપણે ત્યાં આવ્યો છે. કોઈ માણસ પોતાના સંઘર્ષોને અને પોતાની સફળતાઓને બઢાવીચઢાવીને રજુ કર્યા વિના સાંભળનારાઓને પ્રેરણા મળે એવું વક્તવ્ય આપે તે એક વાત છે. અને કોઈ વક્તા અંગ્રેજીમાં રોજનાં ડઝનને હિસાબે છપાતાં, દર વર્ષે હજારોની સંખ્યામાં પ્રગટ થતાં પુસ્તકો ચાટીને એને ચમત્કૃતિભર્યા ચાંપલા શબ્દોમાં ઢાળીને મોટિવેશનલ સ્પીચ આપે તે જુદી વાત છે.

આજકાલ તો દરેક ફિલ્ડના લોકોને મોટિવેશનલ સ્પીકર બનવાનાં હેવાં થઈ રહ્યા છે. ઈન્વેસ્ટમેન્ટના ઍડવાઈઝરો, ડૉક્ટરો, શિક્ષણકારો, સાહિત્યકારો, પત્રકારો, પંક્ચર રિપેર કરનારાઓ સૌ કોઈ પોતાના વિઝિટિંગ કાર્ડમાં અને બાયોડેટામાં મોટિવેશનલ સ્પીકરનું લેબલ ચિટકાડીને મહાલતા થઈ ગયા છે.

આવા ‘ચતુર’ વક્તાઓને સાંભળીને શ્રોતાઓ અને આયોજકો અંજાઈ જતા હોય છે. સૌ કોઈ બિલ ગેટ્સ અને અંબાણી બનવાનાં ખ્વાબ જોવા માંડે છે. એમની ભ્રમણાઓ તૂટે છે ત્યારે તેઓ એવા પછડાય છે અને એમને ખ્યાલ પણ નથી રહેતો કે એમને ચણાના ઝાડ પર ચડાવનારો કોણ હતો?

એક ત્રીજી વાત જે મોરારીબાપુએ કહી તે એ કે ‘મારી બધી વાતોનો આધાર તમને શાસ્ત્રોમાં મળે તે જરૂરી નથી.’

લોકો પોતાની વાતને બીજાઓના ગળે ઉતારવા શાસ્ત્રોનો આધાર આપતા હોય છે. દા.ત. વેદમાં આમ કહ્યું છે, ઉપનિષદ-ગીતા-રામાયણ-મહાભારત-બહ્મસૂત્રમાં આ લખ્યું છે. કે પછી બર્નાર્ડ શો લખી ગયો કે અબ્રાહમ લિન્કને આવું કહ્યું, ઓશોરજનીશે આ કહ્યું.

પણ કેટલીક વાતો એવી મૌલિક હોય છે જે હજુ સુધી બીજા કોઈએ કહી નથી હોતી. બાપુ એ મૌલિક વાતો પ્રત્યે ઈશારો કરે છે જે પહેલવહેલીવાર કહેવાઈ રહી છે.

તમે આત્માની કે પુનર્જન્મની કે ભગવાનની વ્યાખ્યા તમારી રીતે લોકો સુધી મૂકો છો ત્યારે કેટલાક લોકો પૂછતા હોય છે કે આવું કયા શાસ્ત્રમાં લખ્યું છે ? ભલા આદમી, આ વ્યાખ્યા મૌલિક છે, મારી પોતાની છે, તમને કોઈ શાસ્ત્રમાં નહીં મળે.

પહેલવહેલી વાર જ્યારે ઈશાવાસ્યમ્ ઈદમ્ સર્વમ્ બોલાયું હશે કે તમસો મા જ્યોતિર્ગમય બોલાયું હશે કે પછી સંભવામિ યુગે યુગે બોલાયું હશે ત્યારે શું કોઈએ પૂછ્યું હશે કે આ બધી વાતોને કયા શાસ્ત્રોનો આધાર છે? મૌલિક વાતો, મૌલિક વ્યાખ્યાઓ, મૌલિક સર્જનો જેમ હજારો વર્ષ અગાઉ થતાં એમ આજે પણ થઈ શકે છે એવું કેમ કોઈ સમજતું નથી, સ્વીકારતું નથી?

કદાચ એટલા માટે કે આજે ભેળસેળનો જમાનો છે, ઉછીના અને ચોરીચપાટીના વિચારોનો જમાનો છે. બહુમતી આવા લોકોની હોય, નવ્વાણું ટકા ધંધો રિમિક્સ કરનારાઓનો અને ઉઠાંતરી કરનારાઓનો ચાલતો હોય, ત્યારે એ લોકો કંઈ થોડા એક ટકાની કીડીસમી લઘુમતિ ધરાવનારા મૌલિક વિચારકોને, મૌલિક વક્તાઓને, મૌલિક સર્જકો-લેખકોને ખભે બેસાડીને નાચવાના છે? એવું કરવા જાય તો એમનો ધંધો ચૌપટ ના થઈ જાય!

આવાં તો અનેક મૌલિકો મને મોરારીબાપુની મુંબઈની રામકથાનું શ્રવણ કરતાં લાધ્યાં છે. તમે ડૂબકી લગાવશો તો તમને પણ મળશે.

પાન બનારસવાલા

બીજાની ધરી પર તમારું પૈડું ના રાખો.
-મોરારિબાપુ

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

3 COMMENTS

  1. લઘવપૂર્ણ.,.. યોગ્ય… સંકલન… સાથે..
    મૌલીકતાસભર… લેખ માટે સૌરભબાબુ આપને અભિનંદન

  2. ” મમરાની ગુણો ક્યારેય બદામની પોટલીની બરાબરી નથી કરી શકતી.” વાહહ…. મઝા આવી ગઇ આ વાક્યમાં. ક્યારેક એવું પણ થાય છે સર, કે પોતાના મુદ્દાને સાચો પાડવા વ્યક્તિ છેક નીચલી પાયરીઐ ઊતરી આવે. આવા વખતે હું તો વાતને ત્યાં જ પડતી મૂકું છું. પછી ભલે ને એ વ્યક્તિ જીતી ગયાનો આનંદ લેતી,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here