મોરારિબાપુની મુંબઈની કથા—મુદ્દતેં હો ગઈ મુસ્કુરાએ : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ : રવિવાર, ૧૦ ડિસેમ્બર 2023)

આજે કથાનો નવમો દિવસ છે. છેલ્લો દિવસ.

પૂજ્ય મોરારિબાપુની મુંબઈની આ કથાનો વિષય છે – માનસ : માતોશ્રી.

બાપુએ માતાની વંદના કરતી જે રામકથાઓ ગાઈ છે એમાં મુંબઈની આ કથા પર્સનલી મારા માટે ઘણી બધી રીતે યુનિક છે. બાપુની આ 928મી કથા. બાપુની દરેક કથા દુનિયાભરમાં ફેલાયેલા એમના લાખો-કરોડો શ્રોતાઓના જીવનમાં કંઈક ને કંઈક ઉમેરો કરતી રહે છે, સનાતન પરંપરાની સમૃદ્ધિમાં ઉમેરો કરતી રહે છે. ભારતના સંસ્કાર વારસાને વધુ ને વધુ ઉજળી કરતી રહે છે.

શનિવાર, 2 ડિસેમ્બર 2023. સાંતાક્રુઝ-પૂર્વમાં મુંબઈ યુનિવર્સિટીના વિશાળ કૅમ્પસની પડોશમાં આવેલા કાણકિયા ગ્રાઉન્ડમાં રામકથાનો પહેલો દિવસ. પહેલા દિવસે બાપુએ સાહિત્યની સંસ્થામાં યોજાયેલા સરસ્વતીપૂજનના કાર્યક્રમનો વિરોધ કરનારાઓને શું કહ્યું તેની વીડિયોક્લિપ મારી લાંબી કમેન્ટ સાથે તમને સૌને પહોંચી ચૂકી છે.

બાપુએ નાસ્તિક અને આસ્તિકની એકદમ સટીક વ્યાખ્યા આપી. જે વર્તમાનમાં જીવે છે તે આસ્તિક છે. જે ભૂતકાળમાં અને ભવિષ્યમાં જીવે છે તે નાસ્તિક છે. આ વિશે તમારે વિગતે જાણવું હોય તો યુટ્યુબ પર ‘બાપુકથા લાઈવ’ સર્ચ કરશો તો બાપુની ઑફિશ્યલ ચૅનલ ‘ચિત્રકુટધામ-તલગાજરડા’ (સંગીતની દુનિયા સંચાલિત) તમને દેખાશે. આ લેખમાં બાપુની મુંબઈમાં યોજાયેલી માનસ: માતોશ્રીની માત્ર ઝલક જ આપું છું. દરેક દિવસની કથા યુટ્યુબ પર સાંભળી લેજો. ઘણું બધું મળશે.

બીજા દિવસે બાપુએ કહ્યું કે જે કંઈ સાધના કરો તે તમારા સ્વભાવને અનુકૂળ હોવી જોઈએ. બીજાની દેખાદેખીથી તમે તમારા સ્વભાવની વિરુદ્ધ જઈને જે કંઈ કામ કરશો તેમાં ભલીવાર નહીં આવે. બાપુને કેટલાંક હિન્દી ફિલ્મગીતો બહુ પસંદ છે. ચલો એક બાર ફિર સે યાદ કરીને એમણે કહ્યું કે કશુંક છોડવું હોય, કોઈનો ત્યાગ કરવો હોય, કોઈ નવા માર્ગની મુસાફરી કરવી હોય તો ધડ દઈને છોડી નહીં દેવાનું, એને એક ખૂબસૂરત મોડ આપવાનો પછી ત્યાગ કરવાનો. (ધડ દઈને નહીં છોડવાનું. યાદ કરો. તમે શું, શું ધડ દઈને છોડી દીધું— ખૂબસુરત મોડ આપ્યા વિના છોડી દીધું. અને કોને કોને ધડ દઈને છોડી દીધા? ખૂબસુરત મોડ આપવામાં તમારા બાપનું શું જતું હતું? અને એ પણ યાદ કરો કે તમને કોણે કોણે ધડ દઈને છોડી દીધા? ખૂબસુરત મોડ અપાયો હોત તો ઘા હજુ દૂઝતા ના હોત. આ કૌંસનું ડહાપણ અમારું છે. બાપુ આવું ના બોલે. આ બધાથી પર છે.)

સુરેશ દલાલને વર્ડ્સવર્થની એક પંક્તિ ઘણી ગમતી: સ્ટૉપ હિયર ઑર જેન્ટલી પાસ. Stop here or gently pass. તમને આવકારું છું પણ ના આવવું હોય તો ચૂપચાપ પસાર થઈ જજો, ખલેલ પાડ્યા વિના.

ત્રીજા દિવસે બાપુએ કહ્યું કે સાચો સંવાદ ત્યારે સાધી શકાય જ્યારે પ્રજ્ઞા બોલે અને પ્રેમ સાંભળે. જો બુદ્ધિ બોલે અને તર્ક સાંભળે તો વિસંવાદ સર્જાય. ચતુરાઈથી, ઝાકઝમાળભર્યા શબ્દોની જાળ ફેલાવીને શ્રોતાઓને ચકિત-ભ્રમિત કરી નાખતા વક્તાઓ – પ્રવચનકારોને બાપુ ઓળખી ગયા છે. કમનસીબે ગુજરાતી શ્રોતાઓ આ પ્રકારના સુપર સ્માર્ટ વક્તાઓની ખોખલી વાણીથી અંજાતા રહે છે.

બાપુ કહે છે મા સંતાનની નિષ્ઠાથી રાજી રહે છે. માને નિષ્ઠા આપવી જોઈએ. પિતાને પ્રતિષ્ઠા આપવી જોઈએ.

સાત પ્રકારની નિષ્ઠાની વાત કરી બાપુએ : 1. ગુરુનિષ્ઠા, 2. વચનનિષ્ઠા, 3. મંત્રનિષ્ઠા, 4. શાસ્ત્રનિષ્ઠા, 5. આશ્રયનિષ્ઠા અને 7. માતૃનિષ્ઠા. છઠ્ઠી નિષ્ઠાનો ઉલ્લેખ કરવાનો રહી ગયો. એક શ્રોતાએ બીજા દિવસે બાપુને યાદ કરાવ્યું. બાપુએ કહ્યું : આત્મનિષ્ઠા.

બાપુના કંઠે આજ સોચા તો આંસું ભર આયે સાંભળીએ તો તમે મનોમન ધ્રુસકે ધ્રુસકે રોતા થઈ જાઓ : દિલ કી નાઝુક રગેં ટૂટતી હૈ, યાદ ઈતના ભી કોઈ ના આયે…

બાપુ મુંબઈ આવે છે ત્યારે વતનના ગામથી સ્વજન આવતા હોય એવા તહેવારનું વાતાવરણ બંધાય છે. આજે મુંબઈથી વિદાય લેશે ત્યારે સુનું સૂનું લાગશે. અને ફરી દિલ ગાશે : મુદ્દતેં હો ગઈ મુસ્કુરાએ…આંસું ભર આએ.

બાપુએ ભક્તિના સંદર્ભે જે શબ્દપ્રયોગ કર્યો તે આપણા સૌના રોજેરોજના જીવનના કાર્ય વિશે લાગુ પાડવાનું મન થાય છે : ‘વાંઝિયો દિવસ’ ના જવો જોઈએ. સતત, નિરંતર કામ કરીએ.

ચોથા દિવસે બાપુએ સત્યસ્થ, તટસ્થ, કુટસ્થ વિશે વાત કરી. અને 4 પ્રકારની વાણી વિશે વાત કરી : પરા, પશ્યન્તિ, મધ્યમા અને વૈખરિ.

મિત્રો, હું 928મી કથાનું ટ્રેલર જ બતાવી રહ્યો છું. ટ્રેલરમાં આખી વાર્તા ન કહેવાની હોય. એના માટે તમારે પૈસા ખર્ચીને થિયેટરમાં જવાનું હોય. અહીં તમારે પૈસા ખર્ચ્યા વિના, માત્ર સમય કાઢીને યુટ્યુબ પર પહોંચી જવાનું છે – સરનામું આગળ લખી ગયો.

પાંચમા દિવસે બાપુએ કહ્યું : ‘ત્યાગ મૌન રહેવો જોઈએ’.

જોકે આજકાલ કંઈક જુદો જ ટ્રેન્ડ ચાલ્યો છે : વીડિયોવાળી ટીમ લઈને ખારેકભાઈઓ મદદ માટે ઉપડી જાય છે. એરણની ચોરી કરીને સોયનું દાન કરનારાઓ ધડાધડ મંચ પર ગોઠવાઈ જાય છે અને હાથમાં આવેલું માઈક છોડતા નથી. મેં પેલા માટે શું કર્યું કે પેલી માટે શું કર્યું એનાં ગુણગાન મારે જ ગાવાનાં હોય એવું સોશિયલ મીડિયાના જ્યોતિર્ધરોએ માની લીધું છે. મિત્રો-કુટુંબીજનોને કે ઍમ્પ્લોઈઝને મદદ કરી હોય તો નવટાંકનો પીને પાશેરની ધમાલ કરનારાઓનો જમાનો છે અને એવા લોકોને પબ્લિસિટી આપનારી સેલિબ્રિટીઓનો જમાનો છે. મેં આટલા કરોડનું દાન કર્યું અને હજુ આટલા કરોડનું કરીશ એવું પોતાના જ મોઢે બોલનારા ‘ત્યાગી’ સ્ત્રીપુરુષોનો જમાનો છે. ‘ત્યાગ મૌન રહેવો જોઈએ’. બાપુ-બાપુ સૌ કોઈ કરે છે પણ બાપુનું અહીં સાંભળે છે કોણ?

છઠ્ઠા દિવસે શરીરવૃક્ષની એક શાખા, બુદ્ધિની શાખા, પર બેઠેલાં પક્ષીઓની વાત થઈ : સમડી, ગીધ, કાગડો, પોપટ. દરેક પંખી પોતપોતાની હેસિયત મુજબનું વર્તન કરતું રહે છે.

ભગવાન બુદ્ધના હીનયાન, મહાયાન અને વજ્રયાન વિશે પણ વાત થઈ.

સાતમા દિવસે બાપુએ કહ્યું કે શંકરાચાર્યે કહ્યું છે કે શબ્દજાળમાં ન ફસાઈએ.

બાપુએ કહ્યું કે : મારી બધી વ્યાખ્યાઓ શાસ્ત્રીય નથી હોતી, મારી દરેક વ્યાખ્યાઓ શાસ્ત્ર આધારિત નથી હોતી. તમે પૂછશો કે આવું કયા શાસ્ત્રમાં લખ્યું છે ? તમને એ વાત શાસ્ત્રમાં નહીં જડે.

બાપુ કહેવા માગે છે કે મૌલિક વિચારકોની મૌલિક વાતોને શાસ્ત્રોના આધારની જરૂર નથી હોતી. મારા નમ્ર મત મુજબ ભારતના મૌલિક વિચારકોમાં બાપુનું નામ પ્રથમ પંગતમાં મૂકાય.

બાપુએ કહ્યું કે બુદ્ધપુરુષોને સાંભળતી વખતે જીભ પર રામનું નામ રાખો. હરિનામ રાખો. (અર્થાત્ જે સાંભળી રહ્યા છો તેની સામે દલીલ કરવાના, તમારું ડહાપણ ડહોળવાના શબ્દો જીભ પર ન રાખો. શાંતિથી માત્ર સાંભળો કે બુદ્ધપુરુષ શું કહેવા માગે છે).

બાપુએ આગળ કહ્યું કે, બુદ્ધપુરુષોને સાંભળતી વખતે કાનમાં કૃષ્ણ રાખીને સાંભળો, હૃદયમાં સદ્ગુરુને અને આંખોમાં માને રાખીને સાંભળો.

બાપુ કહે કે બુદ્ધિ તો શતરૂપા છે, એનાં સો વિવિધરૂપ છે. પણ પાયામાં બે જ પ્રકારની બુદ્ધિ છે : સુમતિ અને કુમતિ. જ્યાં સુમતિ છે ત્યાં અભય છે જેને કારણે પ્રસન્નતા છે. જ્યાં કુમતિ છે ત્યાં ચિંતા છે, જેને કારણે ઉદ્વેગ છે.

બાપુએ ગુરુમંત્ર જેવી વાત કરી : બીજાની ધરી પર તમારું પૈડું ન ફેરવો.

સ્વતંત્ર ગ્રંથ લખી શકીએ એટલી મોટી આ વાત.

આઠમા દિવસે બાપુએ શંકરાચાર્યને ટાંકીને કહ્યું કે જો શાસ્ત્ર સમજાય નહીં તો તે નકામું છે અને સમજાઈ જાય તો એ પછી કોઈ કામનું નથી.

બાપુએ અભાવના ઐશ્વર્ય વિશે વાત કરી.

આજે રવિવાર. દસમી ડિસેમ્બર. 928 મી કથા વિરામ લેશે. નેક્સ્ટ કથા સણોસરામાં – દર્શકના દેશમાં. એ પછી શ્રાવસ્તી નગરીમાં. બુદ્ધના દેશમાં. એ પછી… કથાઓ નિરંતર ચાલતી રહેશે કારણકે હરિ અનંત, હરિકથા અનંતા…

1983માં મુંબઈની ગિરગામ ચૌપાટી પર બાપુને પહેલવહેલીવાર સાંભળ્યા. તે વખતે બે દિવસમાં બે સેશનમાં કથા થતી. નવ દિવસની રોજરોજની રામકથા લખી. રોજ સવારે સોળ પાનાંની પુસ્તિકા છપાઈને લોકોના હાથમાં મૂકાતી – પચાસ પૈસાની નજીવી કિંમતે.

એ પછી આખેઆખી કથા મેં લખી તે અયોધ્યાની – માનસ: ગણિકા. અને એ પહેલાં થાણેની માનસ: કિન્નર. આ બેઉ કથાના નવેનવ દિવસની વિસ્તૃત નોંધ લખી જે ‘ન્યુઝપ્રેમી ડૉટ કૉમ’ પર ઉપલબ્ધ છે. ગુજરાતી ઉપરાંત અંગ્રેજી, હિન્દીમાં પણ છે. વાંચશો અને વંચાવજો.

આ ત્રણ કથા ઉપરાંત 2004માં કેન્યામાં નૈવાશાની કથા આખી સાંભળી, કતરા-વૈષ્ણોદેવીની પણ આખી સાંભળી. આ મારી છઠ્ઠી કથા – જે આખેઆખી સાંભળી. વીડિયો, સીડી અને યુટ્યુબ પર સાંભળેલી કથાઓના કુલ કલાકો ગણવા જાઓ તો અનેક હજાર કલાક થઈ જાય.

પ્રસન્નતા મળે છે. એટલે સાંભળીએ છીએ. આપણા સ્વાર્થ ખાતર સાંભળીએ છીએ. કથાના નવમા દિવસે વડીલ સ્વજનથી છૂટા પડતા હોઈએ એવો ભાવ હજારો શ્રોતાઓને થતો હોય છે. હું પણ એમાંનો એક. આ વખતે નક્કી કર્યું છે કે આજના રવિવારની બપોર પછી સર્જાનારા શૂન્યાવકાશને, સુનકારને ભરી દેવો છે. બાપુની કથા સાંભળીને જે બૅટરી ચાર્જ થઈ છે તે ઉત્સાહ, ઉમંગ, ઊર્જાને રોજિંદા લેખનકાર્યમાં ઢાળીને બમણા જોરથી લખવું છે. રોજેરોજ. ‘વાંઝિયો દિવસ’ ન જવો જોઈએ. નહીં જાય, બાપુ.

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

6 COMMENTS

  1. ઘણી વાર એવુ બને કે પ્રેમ થી આભાર વ્યક્ત કરવો હોય (..કોઈ આપણા મન આ …આપણી વૈચારિક દુનિયા મા વીજળી ચમકાવી જાય .ત્યારે ) પણ શબદો ન મળે
    ❤🙏

  2. Jay Siya Ram
    ઘણા વખત પહેલા મેં લખ્યું છે કે મહુવા મા રામજી અને રામાયણ નો રા લગાડવા નીજરૂર છે
    અટલે કે
    રા મ હુ વા
    બાપુ જેવા સરલ સંત મલવા કઠીન છે મુબઈ કથા સાર બહુ જ સરલ લખવા બદલ ઘનવાદ

  3. Reading about Morari Bapu
    Is a good passing of my time
    And knowing myself from
    Inside and outside .

  4. વાંઝિયો દિવસ કેમ ન જવા દેવો એ માટેની ગોલ્ડન ટીપ…
    આભાર…સૌરભભાઇ…
    પ્રણામ….પૂજ્ય મોરારીબાપુ..
    જય સીયારામ..
    હરિ ઓમ તત્સત…
    ,🙏🙏🙏🙏🙏

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here