( ‘તડકભડક’ : ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ. રવિવાર, ૩ ડિસેમ્બર ૨૦૨૩)
ક્યારેક લાગે કે કંઈક બનવાના, કંઈક કરી નાખવાના ધખારા છોડીને દુનિયામાં ઑલરેડી જે કંઈ છે એને માણવામાં જ સમય વિતાવવો જોઈએ. કેટલું બધું છે જેને માણવાનું તમે ગુમાવી દો છો.
તમારા કરતાં લાખ દરજ્જે સારું લખનારા કેટલાય થઈ ગયા. એમને વાંચવા માટે સાત જનમનો સમય ઓછો પડે. તો વાંચો એમનાં પુસ્તકો. લખવામાં શું કામ ટાઈમ બગાડવાનો. ગમે એટલું લખશો તોય તમે ચાર્લ્સ ડિકન્સ, જુલે વર્ન, જ્યૉર્જ સિમેનોન કે સ્ટીફન કિંગ અને જેફ્રી આર્ચર જેવું તો લખી શકવાના નથી. આ તો પાંચ નામ છે. નમૂના સ્વરૂપે. બીજાં પાંચસો નામ લખી શકાય, પણ પછી કૉલમ એમાં જ પૂરી થઈ જાય.
જે ખરેખર વાંચવા જેવું છે એ તો લખાઈ ગયું છે. મહાભારત સ્વરૂપે, રામાયણરૂપે, ઉપનિષદો-વેદોના સ્વરૂપમાં. રોજેરોજ બારથી સોળ કલાક વાંચતા રહો તો જિંદગીના છેલ્લા દિવસ સુધી આમાંનું કેટલું બધું વંચાયા વિનાનું રહી જાય.
વાંચવું ન હોય અને ખાલી ફિલ્મો જ જોવી હોય તો જગતમાં એટએટલી જોવા જેવી ફિલ્મો બની છે કે રોજના બાર-સોળ કલાક એ જ કામ કરો તોય ના ખૂટે. ફિલ્મ જુઓ, એની સાથે એના એક્સ્ટ્રા ફીચર્સ જુઓ, ડિરેક્ટર્સ કમેન્ટરી સાથે જુઓ. ફિલ્મ વિશે અને એના સર્જકો વિશેની માહિતી, એમના ઈન્ટરવ્યૂઝ ફિલ્મવિષયક વિવિધ પુસ્તકોમાં વાંચો. ફિલ્મો ખાલી જુઓ જ. એના વિશે લખો નહીં. એના વિશે લખવામાં જેટલો સમય વાપરશો એટલો સમય ફિલ્મ જોવાના તમારા ક્વોટામાંથી ઓછો થઈ જશે.
અને સાંભળવાનું કેટકેટલું છે. રજનીશજીનાં પાંચ હજાર કલાકનાં પ્રવચનો એક જ હાર્ડ ડિસ્કમાં છે. શાસ્ત્રીય સંગીતથી માંડીને હિન્દી ફિલ્મ મ્યુઝિક અને બીથોવન-મોઝાર્ટથી માંડીને હૉલિવુડિયા ફિલ્મોનાં થીમ મ્યુઝિક સુધીની સીડીઓ તમારી રાહ જુએ છે. ક્યારે સાંભળવાની? આજે જ. પણ લખવાનું નહીં એના વિશે, કારણ કે એના વિશે લખવા બેસી જશો તો…
જોવા માટે વિવિધ વિષયો પરની ડૉક્યુમેન્ટરીઝથી લઈને ‘ગાલિબ’ વિશે બનાવેલી ગુલઝારની સિરિયલ સુધીની હજારો કલાકની સામગ્રી છે. યુ ટ્યુબ પર તો જોવા જેવી વસ્તુઓનો ખજાનો છે. ટેડ ટૉક્સની ક્લિપ્સ જ હજારો કલાક ચાલે એટલી હશે. અને ટેડ ટૉક્સ તો યુ ટ્યુબના મહાસાગરમાંનું એક ટીપું માત્ર. બાકી સ્ટેન્ડ અપ કૉમેડીથી માંડીને નાનાં ગલૂડિયાઓ નવજાત શિશુઓ સાથે રમતા હોય એવા વીડિયોની કેટલી લાંબી યાદી થાય અને હવે તો યુ ટ્યુબ પણ ક્યાં એકલું છે? એના નવા રાઈવલ્સમાં નેટફિલક્સ અને અમેઝોન પ્રાઈમ સહિતનાં અડધો ડઝન સશક્ત માધ્યમો છે. જેમાંની સિરિયલો, નવા નવા કાર્યક્રમો જોવા બેસો તો પાર ના આવે. ઓટીટી પર રોજ જોતાં થાકી જઈએ એટલી બધી સામગ્રી અપલોડ થતી રહે છે. આ બધા વિશે લખવામાં સમય વિતાવીએ છીએ ત્યારે ખરેખર જે જોવાનું છે, માણવાનું છે તે ચૂકી જવાય છે.
ઘરની બહાર પગ મૂકવાની ઈચ્છા થાય, જે ભાગ્યે જ થતી હોય છે, તો ખબર પડે કે એક ખાલી આ મુંબઈ શહેરમાં જ કેટલું બધું જોવાનું, જાણવાનું છે! જે શહેરમાં તમે જન્મથી ઊછર્યા એ શહેર સવા છ દાયકા પછી પણ વિસ્ફારિત નયને જોઈ શકાય એવું વિસ્મય ભરેલું લાગે છે. મુંબઈનો ઈતિહાસ સમજાવતી કન્ડક્ટેડ વૉકિંગ ટૂર્સની તમને જરૂર નથી, કારણ કે એ તમામ જગ્યાઓ તમે એક કરતાં વધુ વાર વિઝિટ કરી ચૂક્યા છો અને એ જગ્યાના મહાત્મ્ય વિશે શારદા દ્વિવેદીથી માંડીને મૂલચંદ વર્મા તથા અમૃત ગંગરનાં પુસ્તકોમાં વાંચી ચૂક્યા છો. આમ છતાં દરેક નવી વિઝિટે જાણે તમે પ્રથમ વાર એ જગ્યાની મુલાકાત લેતા હો એવો રોમાંચ થતો હોય છે. હવે તો વિરારનીય પેલે પાર અને મુલુંડ-થાણાનીય પેલે પાર વિસ્તરેલું મુંબઈ છે. આ વિશાળ, બૃહદ્ મુંબઈની ગલીએ ગલીએ પરિચય કરવા માટે અને દરેક ગલીની સ્પેશ્યાલિટી વાનગીઓ ચાખવા માટે તમને કેટલા જન્મારા જોઈએ?
મુંબઈની બહાર નીકળવું હોય તો મહારાષ્ટ્રમાં જ એટએટલાં સ્થળો છે કે જ્યાં જઈને તમે અઠવાડિયું-પંદર દિવસ રહીને એની આસપાસના પરિસર સાથે પરિચય કેળવો તો નાખી દેતાં પચીસ-પચાસ વર્ષ વીતી જાય. એટલાં જ વર્ષો ગુજરાતને અને એટલાં જ પ્રેક્ટિકલી ભારતના મોટા ભાગનાં રાજ્યોને એક્સપ્લોર કરવામાં વીતી જાય. સાત ગુણ્યા સાત જન્મારા તો આ બધામાં જ વીતી જાય.
પછી નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાનનો વારો આવે અને યુરોપ-અમેરિકા-ઑસ્ટ્રેલિયા તો એ પછી આવે. આફ્રિકાના દેશો, એશિયાના દેશો અને અરબ કન્ટ્રીઝ તો હજુય બાકી રહે. નિરાંતે આખા વિશ્ર્વનું પરિભ્રમણ કરવું હોય, દરેક દેશમાં દરેક પ્રાંતની સ્થાનિક પ્રજા સાથે આછો-પાતળો પરિચય કેળવીને એ સમાજને સમજવાની થોડી ઘણી કોશિશ કરવી હોય તો કેટલા જન્મારા જોઈએ? હિસાબમાંય ન બેસે એટલા.
એટલે જ એવો વિચાર ફરકી ગયો કે કંઈક બનવામાં, કંઈક કરી નાખવાના ધખારા છોડીને આ દુનિયામાં ઑલરેડી જે કંઈ છે એને માણવામાં જ સમય વિતાવવો જોઈએ.
પણ લખવાનું છૂટવાનું નથી, કારણ કે આ દુનિયામાં ઑલરેડી જે કંઈ માણવા જેવું છે એમાં ઉમેરો કરી રહ્યા હોવાનો ભ્રમ તૂટવાનો નથી.
પાન બનારસવાલા
જે અંદરથી શત્રુને મળેલો હોય અને તમારી સાથે પણ ઉપરથી મિત્રતા રાખતો હોય, ગુપ્ત રીતે શત્રુને તમારાં રહસ્યો પહોંચાડી દેતો હોય, તેમની અવરજવર પર અને તેમની સાથે વાતચીત કરવામાં અત્યંત સાવધાની વર્તવી જોઈએ. આવા મિત્રને કષ્ટદાયક શત્રુ જ ગણવાનો હોય.
—મનુસ્મૃતિ (૧૮૬/૧૪૯)
• • •
( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર 090040 99112 પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો