દુનિયા આખી મોદીભક્ત બની ગઈ છે : સૌરભ શાહ

( પાંચ વર્ષ પહેલાં ‘મુંબઈ સમાચાર’ માટે લખેલો આ લેખ આજની તારીખે—૨ ડિસેમ્બર ૨૦૨૩—પણ એટલો જ રિલેવન્ટ છે.)

( ‘ગુડ મૉર્નિંગ’, મુંબઇ સમાચાર : ગુરુવાર, 10 મે 2018)

વિશ્વના અતિ જૂના અને જાણીતા આર્થિક બાબતોને લગતા પૉપ્યુલર મૅગેઝિન ‘ફોર્બ્સ’એ વિશ્વના સૌથી પાવરફુલ એવા ૭૫ મહાનુભાવોની યાદી બહાર પાડી છે. ભારતના વડા પ્રધાનનું સ્થાન એમાં ૯મું છે.

અગાઉના ભારતના વડા પ્રધાનો-મનમોહન સિંહ, રાજીવ ગાંધી, ઈન્દિરા ગાંધી કે પંડિત નેહરુએ ક્યારેય વિશ્વના સૌથી પાવરફુલ નેતાઓની કે મહાનુભાવોની યાદીમાં આટલું ઉચ્ચ સ્થાન મેળવ્યું નથી. દેવેગૌડા, ચંદ્રશેખર, વી.પી. સિંહ કે ચરણ સિંહ, ઈન્દ્રકુમાર ગુજરાલની તો વાત જ જવા દો. અને આજકાલ જે લોકો ૨૦૧૯માં પ્રાઈમ મિનિસ્ટર બનવાનાં ખયાલી પુલાવ પકવે છે એ નેતા કે માયાવતી-મમતા-શરદ ઈત્યાદિઓ તો ‘ફોર્બ્સ’વાળા વર્લ્ડ્સ વન બિલિયન મોસ્ટ પાવરફુલ પીપલનું લિસ્ટ બનાવે તો પણ એમાં સ્થાન ન પામે.

વિશ્વમાં જે સૌથી શક્તિશાળી નેતાઓ છે એમની સાથે આપણા વડા પ્રધાન ખભાથી ખભા મેળવી રહ્યા છે. આ વાતનું આપણને સૌને એકેએક ભારતીયને ગૌરવ હોવું જોઈએ. એકેએકને.

પણ કેટલાક ભારતીયો પોતાના અંગત અને ટૂંકા સ્વાર્થને ખાતર ૨૦૧૯માં મોદી ફરી વડા પ્રધાન ન બને એવું વિશફુલ થિન્કિંગ કરી રહ્યા છે. ‘ફોર્બ્સ’વાળા તથા બીજા અનેક સમજુ લોકો ૨૦૧૬ની મોદીની નોટબંધીનાં મોફાટ વખાણ કરતાં થાકતા નથી. અને આ બાજુ ઘર આંગણે શું પરિસ્થિતિ છે? માયાવતી, ઉદ્ધવ ઠાકરે, કપિલ સિબ્બલ, અખિલેશ યાદવ જેવા સેંકડો નેતાઓ નોટબંધી માટે મોદીની ગંદી ભાષામાં ટીકાઓ કરતા ફરે છે. આ નેતાઓને ખબર છે કે મોદી રહેશે તો એમની પાસે આબરૂ ઢાંકવા માટે લંગોટી જેટલી જે બે નંબરી આવક બચી ગઈ છે તે પણ લૂંટાઈ જશે. મોદીએ નોટબંધી અને જીએસટી લાવીને આ અને આવા તમામ ભ્રષ્ટ લોકોની ભ્રષ્ટ કમાણીનો ગલ્લો જ છીનવી લીધો છે એટલે વહેલી નહીં તો મોડી આ લોકોએ પોતપોતાની દુકાનો બંધ કર્યા વિના છૂટકો જ નથી.

મોદી માત્ર ગુજરાતી નથી, મોદી માત્ર ભારતીય નથી, મોદી માત્ર હિન્દુ નથી. મોદી એક ઈન્ટરનૅશનલ લીડર છે અને દુનિયા આખી એમને ખમ્મા-ખમ્મા કરતી એમની આગળપાછળ ફરે છે. મોદીના સ્ટેચરને કારણે ઈન્ડિયાનું ગૌરવ જેટલું વધ્યું છે એટલું અગાઉના છસાત દાયકાઓમાં ક્યારેય નહોતું. ભારતનું ગૌરવ વધે છે ત્યારે દરેક ભારતીયનું-તમારું-મારું આપણા સૌનું-ગૌરવ વધે છે. પણ રાહુલ ગાંધીની સમજમાં આ વાત ઊતરતી નથી અને ૨૦૧૯માં એ બાબો વડા પ્રધાન બનવા માટે થનગની રહ્યો છે.

મોદી ઉપરાંત દુનિયાના સૌથી શક્તિશાળી ૭૫ મહાનુભાવોમાં બીજા એક ગુજરાતીનું નામ છે. ૩૨મા ક્રમે મૂકેશ અંબાણી છે. મોદીની પાછળ માર્ક ઝકરબર્ગ (૧૩), ઈંગ્લેન્ડનાં પ્રાઈમ મિનિસ્ટર થેરેસા મે (૧૪), એપલના સીઈઓ ટિમ કૂક (૨૪) અને કેનેડાના પ્રાઈમ મિનિસ્ટર જસ્ટિન ટ્રુડો (૫૭) છે.

ટૉપ ટેનમાં મોદી જેમની સાથે ખભેખભા મિલાવે છે તેમાં બિલ ગેટ્સ (૭), પોપ ફ્રાન્સિસ (૬) અને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ (૮) છે.

ચાઈનીઝ પ્રેસિડન્ટ શી જિન્પિંગ, રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન અને ડોનાલ્ડ ટ્રમ્પ પ્રથમ ત્રણ નંબરે છે. ચોથા-પાંચમા ક્રમે જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ અને એમેઝોનના સ્થાપક-માલિક જેફ બેઝોસ છે.

ભારતના નાગરિક હોવાનું આંતરરાષ્ટ્રીય ગૌરવ જેમણે આપણને સૌને આપ્યું છે એમની બે બદામના લોકો ગમે તેવી ભાષામાં ટીકા કરે છે. કૉન્ગ્રેસી રાજકારણીઓથી લઈને બની બેઠેલા વિશ્ર્લેષકો પોતાનો ભયંકર સેક્યુલર એજન્ડા આગળ વધારવા દિવસરાત મોદીને ભાંડ્યા કરે છે. પાકિસ્તાનનાં ઉર્દૂ અખબારોમાં જેની કૉલમ ટ્રાન્સલેટ થઈને છપાય છે એવા એક મોદી હેટર હિન્દુ દ્વેષીએ તો મોદીને ઉતારી પાડવા કૉન્ગ્રેસનાં વખાણ કરવામાં હમણાં ત્યાં સુધી લખી નાખ્યું કે મુસ્લિમો સાથે ભાઈચારો રાખવાનો ‘ઢોંગ કરવાની કૉન્ગ્રેસની ઉદારતા’ બદલ ભારતીયઓએ સોનિયા ગાંધીનાં ચરણસ્પર્શ કરીને એ રજને પોતાને માથે ચડાવવી જોઈએ. આ હદ સુધીની કૉન્ગ્રેસભક્તિનું એકમાત્ર કારણ શું? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની રાષ્ટ્રવાદી નીતિઓનો વિરોધ, ભાજપ અને મોદીનો વિરોધ. આવા માર્ક્સવાદીઓ ભારત માટે દેશદ્રોહીઓ છે.

લોક સભાની ચૂંટણી આડે હવે માત્ર એક વર્ષ બાકી રહ્યું છે. અત્યારે કર્ણાટકની વિધાનસભા ચૂંટણીમાં જ જાણે આખરી જંગ ખેલાઈ રહ્યો હોય એવું વાતાવરણ પેઈડ મીડિયાએ ઊભું કર્યું છે. અગાઉ ગુજરાત વખતે અને તે પહેલાં યુ.પી. વખતે આવું વાતાવરણ ઊભું કર્યું હતું. કર્ણાટકનાં પરિણામો પછી, જો ભાજપ જીત્યું હશે તો મીડિયા કહેશે કે આ તો ઠીક છે – હજુ તો રાજસ્થાન તથા મધ્ય પ્રદેશમાં ખરાખરીનો ખેલ ખેલાવાનો છે. અને ન કરે નારાયણ અને કૉન્ગ્રેસે જો ત્યાં ફરી સરકાર બનાવી તો મીડિયા કહેશે કે ૨૦૧૯નું આ ટ્રેલર છે.

ઈન એની કેસ, ૨૦૧૯ વખતે અત્યારે કર્ણાટકની ચૂંટણીમાં જેટલી ગરમી છે તેના કરતાં હજારગણી વધુ ગરમી હોવાની. વિપક્ષો મરણિયા બનીને મોદી હટાવ ઝુંબેશમાં લાગી પડવાના. તમે માર્ક કર્યું? અગાઉ આ વિપક્ષો ‘ભારતને સેક્યુલર રાખવું જોઈએ’ ‘દેશને કોમવાદથી બચાવવો જોઈએ’ એવો ‘ઢોંગ કરવાની’ કમસેકમ ‘ઉદારતા’ તો દેખાડતા હતા. હવે બેશરમ બનીને પોતાનો અસલી એજન્ડા બહાર લાવીને પોતાનું પોત પ્રકાશી રહ્યા છે અને ખુલ્લેઆમ કહી રહ્યા છે કે અલ્ટીમેટલી તો અમારો એકમાત્ર હેતુ મોદીને હટાવવાનો છે.

આ લોકોને ખબર છે કે મોદીને બીજી ટર્મ મળી તો એ બધાની દુકાનનાં શટરને તાળાં લાગી જવાનાં અને પાંચ વર્ષ પછીના ‘ફોર્બ્સ’ લિસ્ટમાં મોદી પ્રથમ ક્રમાંકે હોવાના.

આજનો વિચાર

ચાલી શક્યા ન એટલે અડધે નથી રહ્યા;
રસ્તામાં કોઈ રોકવા આવ્યે રહી ગયા.

– ધ્રુવ ભટ્ટ

એક મિનિટ

બકો: પપ્પા, ડિસ્કવરી લગાવું?

બાપા: શું જોવું છે?

બકો: સાપ ઝેર ઓકે છે તે જોવું છે.

બાપા: એનડીટીવી લગાવ, રવિશનો પ્રોગ્રામ ચાલુ થવાનો છે.

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

2 COMMENTS

  1. Saurabh Shah sir,
    Great…….. some people say “I am bhakt of Modi Saheb ” My answer “it means you are know that Modi Saheb is god,God have Bhakt.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here