યોગ-આયુર્વેદની હાંસી ઉડાવતાં પહેલાં અને સ્વામી રામદેવ વિરુદ્ધ બોલતાં પહેલાં આટલું વાંચી જાઓ : સૌરભ શાહ

આજે ૨૧ જૂન. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ.

આ નિમિત્તે સ્વામી રામદેવ વિશેનો એક ખૂબ લાંબો લેખ પ્રસ્તુત છે.

ભારતીય હોવાનું જેમને ગૌરવ છે એ સૌને સ્વામી રામદેવજી અને પતંજલિ યોગ વિદ્યાપીઠ દ્વારા થઈ રહેલા ગંજાવર કાર્ય માટે ગૌરવ હોવાનું. ભારતીય પરંપરા તથા સંસ્કૃતિ જેમના ધંધા માટે અડચણરૂપ છે એવી અમેરિકા તથા અન્ય દેશોની ફાર્માસ્યુટિકલ કંપનીઓની લૉબીને બાબા રામદેવ આંખમાં કણાની જેમ ખૂંચે એ સ્વાભાવિક છે. આયુર્વેદિક ઉપચારોને હડસેલીને આ લૉબીએ ભારતમાં પગપેસારો કર્યો પણ હવે સ્વામી રામદેવજીને કારણે આ મલ્ટીનેશનલ લુંટારાઓ વધુ ઉઘાડા પડ્યા. આમાંની અનેક કંપનીઓની પ્રગતિ રામદેવજીને કારણે સ્થગિત થઈ ગઈ, કેટલાકનાં વળતાં પાણી શરૂ થઈ ગયાં છે અને કેટલાકની દુકાનો બંધ થવાની તૈયારીમાં છે. આવા સંજોગોમાં સ્વામી રામદેવ વિરુદ્ધ ઝેરીલો પ્રચાર કરીને તમે શંકાકુશંકાઓમાં અટવાઈ જાઓ એવું કાવતરું થવાનું જ છે. આ કાવતરું વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ધરાવનારાઓએ શરૂ કર્યું અને જે જે લોકોની જાગીર આયુર્વેદિક ઉપચાર પદ્ધતિને કારણે લૂંટાઈ જતી હતી એ સૌ સ્વામી રામદેવને, એમની અતિ સાત્વિક ઉમદા તથા રાષ્ટ્રપ્રેમી પ્રવૃત્તિઓને મારવા-ઝૂડવામાં લાગી ગયા. એ વિષય પર લાંબી વાતચીત કરીશું ક્યારેક. આજે તો ભારતના અનેક ટોચના યોગાચાર્યોની યાદીમાં જેમનું નામ આદરભેર મૂકાતું થયું છે એ સ્વામી રામદેવજીના જીવન વિશે આ લાંબો લેખ વાંચો અને સંકલ્પ કરો કે આજથી જ જીવનમાં યોગ, પ્રાણાયામ અને આયુર્વેદિક ઉપચાર પદ્ધતિને અપનાવીને બહેતર લાઇફસ્ટાઇલ તરફ આગળ વધીશું.

બાબા રામદેવની જીવન ગાથા – સૌરભ શાહ

હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાના સૈદ અલીપુર નામના એક નાનકડા ગામમાં જન્મ. પિતા રામનિવાસ એક સાધારણ કિસાન. મા ગુલાબદેવી ધાર્મિક વૃત્તિની ગૃહિણી. દીકરાનું નામ રાખ્યું રામકિશન. ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ – બેઉના આશીર્વાદ. બાળપણથી જ પિતાના ખેતી-પશુપાલનના કામકાજમાં રામકિશન સાથ આપતો. ગામમાં સ્કૂલ નહોતી. નજીકના શહબાજપુર ગામની સરકારી શાળામાં બધા છોકરાં ભણવા જતાં. રામકિશને પણ ત્યાં પ્રવેશ લીધો. આગલા ધોરણના વિદ્યાર્થીઓ માટે નકામા થઈ ચૂકેલાં પાઠ્યપુસ્તકોથી કામ ચલાવી લેવાનું. ગાડીનાં ટાયરોમાંથી બનેલા જાડા ચંપલ પહેરવાનાં. અભ્યાસમાં તેજ. સ્મરણશક્તિ બેજોડ. શિક્ષકોનો પ્રિય થઈ ગયો રામકિશન. સખત મહેનત અને પ્રામાણિકતા એની રગ રગમાં. સ્કૂલમાં મધ્યાહ્ન ભોજનની સરકારી યોજના હેઠળ જમવાનું બને. રાંધવા માટે તેલ આવે. થોડાક તોફાની છોકરાઓએ તેલ ચોરીને એમાં ભજિયા તળીને ખાધાં. રામકિશન એ ટોળીથી દૂર હતા. પણ ચોરી કરનારા છોકરાઓએ વાત ફેલાવી કે રામકિશન પણ એમની ટોળીમાં સામેલ હતો જેથી એ ક્યાંય જઈને કોઈને ફરિયાદ ન કરી બેસે. વાત ઊડતી ઊડતી રામકિશનના પિતાને કાને આવી. પિતાએ કોઈ પૂછપરછ કે ઊલટતપાસ કર્યા વિના રામકિશનનાં હાથ બાંધીને એને ઘરની દીવાલના ખીલા પર ટિંગાડી દીધો અને પછી ડંડો લઈને ખૂબ માર્યો, ખૂબ પીટ્યો. રામકિશન ચીખતો-ચિલ્લાતો રહ્યો: મેં ચોરી નથી કરી. કઠોર સ્વભાવના પિતા પર એની કોઈ અસર પડી નહીં. મા વચ્ચે પડવા ગઈ તો બાપે એને પણ ધમકાવી: તું આ નઠારાની તરફદારી કરીશ તો તને પણ મારીશ. પિતા મારતા મારતા થાકી ગયા ત્યારે રામકિશનનો છુટકારો થયો.

બીજે દિવસે ચોરી કરનારા છોકરાઓ પકડાયા. દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ ગયું, પણ પિતાજી પર આ વાતની કોઈ અસર થઈ નહીં. પોતે ભૂલ કરી છે એવો કોઈ અફસોસ એમને થયો નહીં.

આઠમા ધોરણમાં આવ્યા પછી રામકિશનમાં સમજણ પ્રગટવા માંડી. ઘરે રહેવું નહોતું. શાળામાં મહાપુરુષોનાં ચરિત્રોનું અધ્યયન કર્યું હતું. સંસ્કૃતના શ્ર્લોક અને ભજનો કંઠસ્થ હતા. એ જ ગાળામાં ગામમાં એક યુવા સંન્યાસી આવ્યા. ધર્મશાળામાં ઉતારો હતો. ગામના છોકરાઓ તથા કિશોરોને વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં રહેલી ખામીઓ સમજાવતા. સ્વામી દયાનંદ સરસ્વતીના ગ્રંથ ‘સત્યાર્થ પ્રકાશ’ વિશે કહેતા. વેદ-ઉપનિષદ અને ગુરુકુળો દ્વારા અપાતી પરંપરાગત શિક્ષણ પદ્ધતિની જાણકારી આપતા.

કિશોર રામકિશન રોજ એમને સાંભળવા જતો. ‘સત્યાર્થ પ્રકાશ’નું વાંચન શરૂ કર્યું. યુવા સ્વામી તો થોડા દિવસમાં બીજે ગામ જતા રહ્યા પણ રામકિશનના દિમાગમાં દિવસરાત ‘સત્યાર્થ પ્રકાશ’ના વિચારો ચાલતા. એણે નક્કી કર્યું કે હવે મારે સરકારી સ્કૂલમાં નથી ભણવું, ગુરુકુળમાં જ ભણીશ. સ્વામી દયાનંદ સરસ્વતી જેવો સંન્યાસી બનીશ. એના માટે અષ્ટાધ્યાયી અને મહાભાષ્યનો અભ્યાસ જરૂરી અને તે ગુરુકુળમાં જ શક્ય છે. ખબર હતી કે માબાપને આવું કહેશે તો ડાંટ અને માર બેઉ પડશે અને પછી એના પર એવો પહેરો લાગી જશે કે ઘરેથી ભાગવું મુશ્કેલ બની જશે.

આઠમાનું પરિણામ આવી ગયું. રામકિશનની ઉંમર ૧૬ વર્ષની. સારું રિઝલ્ટ આવ્યું હોવાથી માબાપ ખુશ હતા. ૧૯૮૫ની આસપાસની કોઈ સાલ હતી. ઑક્ટોબરનો મહિનો. ગાંધી જયંતીની ઉજવણીના બરાબર બે દિવસ પછી રામકિશને ગૃહત્યાગ કર્યો. સવારના ચાર વાગ્યે ખાખી ફુલ પેન્ટ અને બ્લ્યુ શર્ટના સ્કૂલ યુનિફૉર્મમાં રામકિશને ઘર છોડ્યું. એક મિત્રને સાધી રાખ્યો હતો. ઘરે બધાં સૂતા હતા. ઘરની બહાર મિત્ર સાઈકલ લઈને તૈયાર હતો. નક્કી કર્યા પ્રમાણે દોસ્તાર રામકિશન માટે બે જોડી સફેદ વસ્ત્ર અને થોડી રોકડ રકમ લઈને આવ્યો હતો. રામકિશને મિત્રને કહ્યું કે તું જેટલે દૂર સુધી મને લઈ જઈ શકે એટલે દૂર લઈ જા જેથી ઘરવાળાઓને ખબર પડે ત્યાં સુધી હું એટલો દૂર પહોંચી ગયો હોઉં કે કોઈ મને શોધી ન શકે. દોસ્તાર ડબલ સવારી કરીને હરિયાણાના નાંગલ ચૌધરી નામના ગામ સુધી રામકિશનને છોડી આવ્યો ત્યાંથી નારનૌલની બસ પકડીને રામકિશન દિલ્હી પહોંચ્યો અને દિલ્હીથી હરદ્વારની બસ પકડી. પહેલી વાર બસની યાત્રા કરી રહ્યો હતો. મનમાં ડર હતો, ક્યાંક પિતાજી રસ્તામાં મળી ન જાય. ડરના માર્યા રસ્તામાં ક્યાંય ખાધુંપીધું પણ નહીં. સવારના ચાર વાગ્યાનો નીકળેલો રામકિશન સાંજે બસમાં રુડકી ગામે પહોંચ્યો. બસ ડ્રાઈવરે મુસાફરોના ચાપાણી માટે બસ રોકી હતી પણ રામકિશનને લાગ્યું કે હરદ્વાર આવી ગયું છે. ડરના માર્યા કોઈને પૂછીને ચોકસાઈ કરવાનું પણ સૂઝયું નહીં. બસ સ્ટેશનથી ચાલતાં ચાલતાં શહેરમાં પ્રવેશ કર્યો ત્યારે ખબર પડી કે હરદ્વાર તો હજુ ૨૫ કિલોમીટર દૂર છે. રામકિશન દોડીને પાછો બસ પકડવા આવ્યો, પણ બસ ઊપડી ગઈ હતી. બીજી બસ સવારે આવશે. એક ઔર મુસીબત.

સ્કૂલનો યુનિફૉર્મ બદલવાનો ટાઈમ જ નહોતો મળ્યો. રુડકી શહેરમાં અંધારામાં રખડતાં રખડતાં એક કૉલોની પાસે ખાલી પ્લૉટ જોયો. સૂમસામ પ્લૉટમાં જઈ યુનિફૉર્મ કાઢીને ફેંકી દીધો અને સફેદ વસ્ત્રો ધારણ કરી લીધાં. ત્યાં જ કૉલોનીમાં કોઈએ એને કપડાં બદલતાં જોઈ લીધો. ચોર… ચોર… બૂમો પડી. રામકિશન કોઈને ખુલાસો કરવા રોકાવાને બદલે સીધો ત્યાંથી દોડ્યો. દોડતાં દોડતાં કોઈ દુકાને આવીને પૂછયું કે રાતે ગામમાં રોકાવું હોય તો કોઈ જગ્યા છે. દુકાનદારે એક ધર્મશાળા બતાવી. ધર્મશાળામાં જઈને રજિસ્ટરમાં ખોટું નામ-સરનામું લખાવીને દસ રૂપિયામાં સૂવા માટે એક ખાટલો લીધો. ભોજનની વ્યવસ્થા અહીં નહોતી. બહાર જઈને કોઈ હૉટેલમાં ખાઈ લેવાનું સૂઝયું નહીં. ભૂખ્યા પેટે જ રામકિશન સૂઈ ગયો.

બીજા દિવસે હરદ્વારની બસ પકડી. હરદ્વાર ઊતરીને જવાલાપુર પહોંચીને જે એક નામ યુવા સ્વામી પાસે સાંભળ્યું હતું તેનું ઠેકાણું પૂછયું. ત્રીસ કલાકની રખડપટ્ટીનો હવે અંત આવી રહ્યો હતો. સ્વામી દિવ્યાનંદના ‘યોગ ધામ’ પર પહોંચીને ત્યાંના વ્યવસ્થાપકોને કહ્યું કે હું આ ગુરુકુળમાં ભરતી થઈને અષ્ટાધ્યાયી અને મહાભાષ્યનો અભ્યાસ કરવા માગું છું. વ્યવસ્થા સંભાળનારાએ કહ્યું કે આ તો આશ્રમ છે, તમારે જેનો અભ્યાસ કરવો છે તેના માટે તો ગુરુકુળમાં જવું પડે. બાકી અહીં આશ્રમમાં રહીને ગાયોની સેવા કરવી હોય તો ગૌશાળામાં સાથ આપી શકો છો. થોડી વાર રોકાઓ. સ્વામીજી આવશે ત્યારે મળીને વાત કરી જુઓ!

રામકિશન કહે કે મારે તો ગુરુકુળમાં ભણવું છે. ગાયોની સેવા તો હું મારા ઘરે પણ કરતો હતો.

આશ્રમવાળાઓએ જવાલાપુરના આર્ય સમાજનું ઠેકાણું બતાવ્યું – ત્યાં જઈને તપાસ કરો. યોગ્ય માર્ગદર્શન મળી રહેશે.

રામકિશન ત્યાં ગયો. માર્ગદર્શન મળ્યું. મેરઠમાં ગુરુકુળ પ્રભાત આશ્રમ છે. ત્યાં સ્વામી વિવેકાનંદજી નામના ગુરુ અષ્ટાધ્યાયી અને મહાભાષ્યનો અભ્યાસ કરાવે છે. મેરઠના ટિકરી વિસ્તારના ભોલાઝાલમાં નાની નહેરને કિનારે આ આશ્રમ છે. ત્યાં જવાનો રસ્તો અને બસનો રૂટ સમજી લઈને રામકિશન મેરઠ જવા રવાના થયો.

ગુરુકુળ પ્રભાત આશ્રમમાં એક બ્રહ્મચારી મળ્યો – ચિંતામણિ નામ. એણે કહ્યું કે સ્વામી આજે તો નહીં મળે, સવારે મળશે. આજ રાત આશ્રમમાં વિશ્રામ કરો. રામકિશનને રાતવાસો કરવાની જગ્યા મળી, સાથે જમવાનું પણ. બે દિવસ પછી પેટમાં અન્ન પડ્યું.

સવારે સ્વામી વિવેકાનંદજી સાથે મુલાકાત થઈ. એમણે પૂછયું, ‘અત્યારે તું કયા ધોરણમાં ભણે છે?’ રામકિશને કહ્યું, ‘આઠમું પાસ કરીને નવમામાં આવ્યો.’

સ્વામીજીએ કહ્યું, ‘અમારા ગુરુકુળમાં તો પાંચમું પાસ કરેલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપીએ છીએ. તેં તો આઠમું પાસ કરી લીધું છે. તું બીજા વિદ્યાર્થીઓ કરતાં ઉંમર અને સમજમાં મોટો છે. એક કામ કર જિન્દ જિલ્લામાં પીલૂખેડાની પાસે કાલવા ગુરુકુળ છે. ત્યાં આચાર્ય બલદેવ છે. એ મોટી ઉંમરના વિદ્યાર્થીઓને પ્રવેશ આપે છે અને અષ્ટાધ્યાયી અને મહાભાષ્ય પણ શીખવાડે છે.’

રામકિશન એ જ દિવસે નીકળીને રાતે જિન્દના કાલવા ગુરુકુળ પહોંચ્યા. આચાર્ય રાતે મળે એવું નહોતું. રાત રોકાઈને સવારે આચાર્ય બલદેવને મળીને ગુરુકુળમાં પ્રવેશ માટે વિનંતી કરી. આચાર્યે પૂછયું, ‘બેટા, કિસ કક્ષા મેં પઢતે હો.’

‘જી ગુરુજી, નૌંવી કક્ષા મેં અભી પ્રવેશ લિયા હૈ…’

‘બેટા, તુમ સમય સે પહલે આ ગએ. ઈસ ગુરુકુલ મેં તો કમ સે કમ દસવીં યા બારાવીં પાસ વિદ્યાર્થીયોં કો હી લિયા જાતા હૈ…’

રામકિશનના પગ તળેથી ધરતી સરકી ગઈ. ઘર છોડી દીધું હતું. હવે એક ગુરુકુળ તરફથી કહેવાયું કે ઉંમર મોટી છે, બીજા ગુરુકુળ માટે ઉંમર નાની હતી. ઘરે પાછા ફરવું નથી એવો નિશ્ર્ચય અડગ હતો. સોળ વર્ષના રામકિશનને ૧૯૮૫ના અરસામાં ખબર નહોતી કે પાંચ હજાર કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી પતંજલિની આયુર્વેદિક ચીજવસ્તુઓ બનાવતા યોગગુરુ બાબા રામદેવ બનતાં પહેલાં હજુ કેટલાં કષ્ટ અને કેટલી દુવિધાઓમાંથી પસાર થવાનું છે. સંદીપ દેવ લિખિત ‘સ્વામી રામદેવ: એક યોગી-એક યોદ્ધા’ એમના જીવન પર લખાયેલી સૌપ્રથમ અને એકમાત્ર સત્તાવાર બાયોગ્રાફી છે.

કાલવા ગુરુકુળના આચાર્ય બલદેવે રામકિશનને પ્રવેશ તો ન આપ્યો પણ એક સૂચન કર્યું:

‘બેટા, ચિંતા મત કરો. એક દિન યહાં રુક જાઓ ઔર કલ ખાનપુર ચલે જાઓ. વહાં આર્ષ ગુરુકુલ કે સંચાલક આચાર્ય પ્રદ્યુમ્નજી અષ્ટાધ્યાયી ઔર મહાભાષ્ય કે પ્રકાંડ વિદ્વાન હૈં ઔર વે તુમ્હારી ઉમ્ર કે બચ્ચોં કો પ્રવેશ ભી દેતે હૈ.’

સૂચન તો સારું હતું પણ એક પ્રૉબ્લેમ હતો. ખાનપુરનો આશ્રમ રામકિશનના ગામ સૈદ અલીપુરની નજીક જ હતો. રામકિશનને ડર હતો કે ઘરવાળા જો ખાનપુર આવી ગયા તો ઘસડીને એને પાછો લઈ જશે. એક બાજુ ઘરથી ખૂબ દૂર એવી કોઈ જગ્યાએ રહેવું હતું તો બીજી બાજુ મન કહેતું હતું કે જ્યાં ભણવા મળતું હોય ત્યાં જતા રહેવું જોઈએ.

કાલવાના આશ્રમમાં રાત રોકાઈને બીજે દિવસે રામકિશન ખાનપુરના આર્ષ આશ્રમમાં પહોંચ્યો. આશ્રમમાં પ્રવેશતાં જ રામકિશનનું મન પ્રફુલ્લિત થઈ ગયું. ગુરુ પ્રદ્યુમ્નની હાજરીમાં યજ્ઞ વેદી પર મંત્રોચ્ચાર કરી રહેલા બાળકો અને કિશોરોને જોઈને રામકિશનને થયું કે સંસ્કૃતના અભ્યાસનું પહેલું પગથિયું અહીં જ છે.

રામકિશનને જોઈને આચાર્ય પ્રદ્યુમ્ને પૂછયું કે, ‘તારું નામ શું? અહીં આવવાનું પ્રયોજન શું?’ રામકિશને આપવીતી સંભળાવી. આચાર્ય પ્રદ્યુમ્ન આ નવા વિદ્યાર્થીની તાલાવેલી સમજી ગયા. એના હાથમાં અષ્ટાધ્યાયી મૂકીને કહ્યું, ‘ભલે, આ વાંચ. હું તને અહીં પ્રવેશ તો આપું છું પણ મારી એક શરત છે. તારે તારા માબાપને જણાવી દેવાનું કે તું અહીં ભણવા માટે આવ્યો છે. તું નહીં જણાવે તો હું મારી રીતે જણાવી દઈશ. માબાપથી છુપાવીને વિદ્યા મેળવવી યોગ્ય ન ગણાય.’

આચાર્ય પ્રદ્યુમ્ન પાસેથી અષ્ટાધ્યાયી મળતાં જ રામકિશને એનાં સૂત્રો કંઠસ્થ કરવા માંડ્યાં. વ્યાકરણશાસ્ત્રી પાણિની લિખિત અષ્ટાધ્યાયીમાં ૪,૦૦૦ સૂત્રો છે જે મોઢે થઈ જાય, સમજાઈ જાય એ પછી જ સંસ્કૃતનું ખરું જ્ઞાન મેળવી શકાય. અષ્ટાધ્યાયીનું અધ્યયન કર્યા વિના લોકો સંસ્કૃતના શ્ર્લોકોના અર્થનો અનર્થ કરી બેસે છે. જર્મન વિદ્વાન મેક્સમૂલરે આવા જ અનર્થો કર્યા છે.

આચાર્ય પ્રદ્યુમ્ને રામકિશનના ઘરે પત્ર મોકલી આપ્યો. પત્ર મળ્યો ત્યારે રામકિશને ઘર છોડ્યાને આઠ દિવસ વીતી ચૂક્યા હતા. નવમા દિવસે પિતાજી ધૂંઆંપૂઆ થતા આર્ષ ગુરુકુળ પર પહોંચ્યા. આવતાંવેંત રામકિશન પર વરસી પડ્યા: ‘બધાના જીવ અધ્ધર કરી નાખ્યા છે તેં. તારી મા રડી રડીને કેટલી સુકાઈ ગઈ છે. બસ, હવે બહુ થયું. ચુપચાપ અહીંથી નીકળ અને ઘરે ચાલ નહીં તો હાથપગ તોડીને ઠેકાણે કરી નાખીશ.’

ગુરુજીએ પહેલેથી જ રામકિશનને કહી દીધું હતું કે, ‘કોઈ માબાપ આજના સમયમાં પોતાના બાળકને ગુરુકુળમાં ભણાવવા નથી માગતા. એટલે તારા ઘરવાળા તને આવીને પાછો લઈ જ જવાના. ગુરુકુળમાં ભણવાની તારી ઈચ્છા જો અટલ હશે તો જ તું પાછો આવવાનો, અન્યથા ઘરે જ રહેવાનો.’

પિતાજી ઘસડીને રામકિશનને ઘરે પાછો લઈ ગયા. સવારથી નીકળ્યા હતા. બપોરે ઘરે પહોંચ્યા. મા ધ્રુસકે ધ્રુસકે રોઈ પડી. આઠ દિવસમાં પાગલ જેવી થઈ ગઈ હતી. ભૂખી-તરસી તાંત્રિક, જ્યોતિષ, પંડિત – ક્યાં ક્યાં ભટકી હતી. રડતાં રડતાં બોલ્યા કરતી હતી: તારે જવું જ હતું તો મને કહીને જવું હતું. તેં જરા સરખું વિચાર્યું નહીં કે તારા ગયા પછી તારી માનું શું થશે? તારા ચાચા-તાઉ કોણે કોણે અમારા પર શું શું જુલમ નથી કર્યા. આખું જીવન કષ્ટમાં ગયું છે. એ લોકોની મારપીટ, એમની સાથેના ઝઘડા… મને હતું કે તારા પિતાએ મારા માટે કંઈ ન કર્યું પણ તું મોટો થઈને મને સુખી કરશે. તને મોટો કરવામાં મેં શું શું દુખ નથી વેઠ્યું? તને તો કંઈ ખબર જ નથી. મેં કેટકેટલાં સપનાં સેવ્યાં હતાં તારા માટે, પણ તેં તો તારી માને જીવતેજીવ મરવા દીધી. બોલ, હવે તો ભાગીને ક્યાંય નહીં જાય ને?’

બાબા રામદેવ માના એ શબ્દો યાદ કરીને પોતાની જીવનકથાના આલેખક સંદીપ દેવને કહે છે: તે વખતે હું વિચાર્યા કરતો કે મા કેમ રડતી હશે? હું ભણવા માટે જ તો ગયો હતો. પણ મેં નક્કી કરી લીધું કે હું ફરી ભાગી જઈશ. મારે ગુરુકુળમાં જ રહેવું છે અને ત્યાં રહીને ભણવું છે. મા થોડી શાંત થાય પછી ફરી ભાગી જવાનો મેં પ્લાન બનાવ્યો.

મા ગરમાગરમ બાજરાના રોટલા સાથે ઘરનું માખણ અને દહીં પીરસીને લાડકા દીકરાને જમાડતી અને આ બાજુ પિતાજીનો ગુસ્સો હજુ ઊતર્યો નહોતો: ‘રામકિશન, તેરી પઢાઈ તો અબ હો ચૂકી પૂરી! માંને તુઝે બિગાડ રખા હૈ. અબ તુઝે ગુરુકુલ તો ક્યા, સ્કૂલ મેં ભી પઢને નહીં જાના હૈ. અબ તુ ચૂપચાપ મેરે સાથ મિલકર ખેતી કર. તુમ્હારા બ્યાહ કર દેતા હૂં. દેખતા હૂં કૈસે ઘર છોડતા હૈ?’

ત્રણ દિવસ થઈ ગયા. રામકિશન માતાપિતા સાથે ખેતરમાં જતો, ત્યાં કામ કરતો. ઘરે આવીને ગૌશાળાની સફાઈ કરતો. ચોવીસે કલાક માબાપની નજર હેઠળ રહેતો. ઘરથી ભાગીને સહેજ પણ દૂર જવાની કોઈ તક મળતી નહીં. ગુરુકુળથી આવતી વખતે અષ્ટાધ્યાયી છુપાવીને લઈ લીધી હતી. વખત મળતો ત્યારે છાનાં છાનાં વાંચ્યા કરતો. પણ આવું કેટલા દિવસ ચાલે?

એક દિવસ રામકિશને કાવતરું કર્યું. ખેતરમાં કામ ચાલુ હતું ત્યારે માને કહ્યું: ‘મને કકડીને ભૂખ લાગી છે. કંઈક ખાવું છે.’ માએ કહ્યું, ‘જા, આ ચાવી લે. ઘરે જઈને રોટી ખાઈ લે. પણ આવતી વખતે દરવાજો બંધ કરવાનું ભૂલતો નહીં, કૂતરાં ઘૂસી જશે…’

રામકિશન ચાવી લઈને દોડ્યો. ઘરમાંથી અષ્ટાધ્યાયી લીધી, ઘરના દરેક ખૂણે નજર કરી, માતાપિતાનું સ્મરણ કરીને મનોમન એમની માફી માગી લીધી અને દરવાજો બંધ કરીને દોટ લગાવી. બસ સ્ટેશને જવામાં ખતરો હતો. કાચી સડક પર જ દોડવાનું શરૂ કર્યું. સૈદ અલીપુરથી ખાનપુરનું ૨૫-૩૦ કિલોમીટરનું અંતર દોડી દોડીને જ કાપ્યું.

ગુરુકુળ પહોંચતાં પહોંચતાં સાંજ થઈ ગઈ. આચાર્ય પ્રદ્યુમ્ન રામકિશનને જોઈને પ્રસન્ન થયા. ‘આ ગયે બ્રહ્મચારી? મૈં તુમ્હારી હી રાહ દેખ રહા થા. મુઝે ભરોસા થા કિ તુમ્હારા સંકલ્પ દૃઢ નિકલેગા. ચલો અપની અષ્ટાધ્યાયી નિકાલો.’

સવારથી કંઈ ખાધું નહોતું. ઉપરથી દોડી દોડીને પગ સૂજી ગયા હતા. શરીર તૂટતું હતું. આમ છતાં રામકિશને તરત જ અષ્ટાધ્યાયીનો પાઠ શરૂ કરી દીધો. ગુરુ વધારે ખુશ થયા. બોલ્યા, ‘કાલથી અભ્યાસ શરૂ કરજે. અત્યારે હાથમોઢું ધોઈને જમી લે.’

બીજે દિવસે ઍઝ એક્સ્પેક્ટેડ પિતાજી ગુરુકુળમાં!

‘તારું દિમાગ તો ખરાબ નથી થઈ ગયું ને? ફરી ભાગીને આવ્યો? તું આવે છે કે તારા હાથપગ તોડી નાખું?’

‘બાપુ, અબ ચાહે હાથ-પૈર તોડો, જાન સે મારો યા ઝમીન મેં ગાડ દો. ન મૈં સરકારી સ્કૂલ મેં પઢૂંગા, ન હી ઘર મેં રહૂંગા. અબ મેં રહૂંગા તો ગુરુકુલ મેં, અન્યથા રસ સંસાર મેં નહીં રહૂંગા.’ બાબા રામદેવ જૂના દિવસો યાદ કરતાં કહે છે કે પોતે કેવા દૃઢ સંકલ્પ સાથે પિતાજીને કહી દીધું હતું.

પિતાજી ખાલી હાથ પાછા જતા રહ્યા. મા પાછી રડવા લાગી. પિતાજીએ માને સમજાવી: ‘એ જિદ્દી છે, નહીં માને. બહુ જોર કરવા જઈશું તો કોણ જાણે શું નું શું કરી બેસશે. પાછો ભાગીને ક્યાંક બીજે જતો રહેશે. એના કરતાં અહીં ખાનપુરમાં જ છે તો સારું છે. નજીક જ છે. સલામત છે. વચ્ચે વચ્ચે મળવા જતા રહીશું. આમેય કંઈ ખોટું કામ તો નથી કરતો. ભણવા જ ગયો છે ને. હા, એનું ભણવાનું એવું છે કે મને ફિકર છે કે ક્યાંક સાધુ ન બની જાય. પણ જિંદગી છોડીને જતો રહે એના કરતાં દુનિયા છોડીને સાધુ થાય તો ભલે થાય.’

આ બાજુ રામકિશનના મોસાળમાં આ સમાચાર પહોંચી ગયા. નાનાજી સવાર સવારમાં ઊંટગાડી જોડીને ગુરુકુળ આવી ગયા. પાછી એ જ રેકર્ડ: ‘ચલતા હૈ કિ નહીં, માં કો રુલા રખા હૈ… હાથ-પૈર તોડ દૂંગા… તુઝે શર્મ નહીં આતી, માબાપ કો તંગ કરતે હુએ…’

પણ પથ્થર પર પાણી. નાનાજીની ઊંટગાડી પાછી જતી રહી: ‘ ચલો, ઈસ પાગલ લડકે કો કોઈ ન સમઝા પાવેગા…’

આચાર્ય પ્રદ્યુમ્નની દેખરેખ હેઠળ રામકિશનના ગુરુકુળજીવનની શરૂઆત થઈ. આચાર્યે સૌપ્રથમ તો રામકિશનનું નામ બદલ્યું: ‘રામકિશન શુદ્ધ નામ નથી. અપભ્રંશ છે.’ આચાર્યે રામકિશનનું નામ બ્રહ્મચારી રામકૃષ્ણ આર્ય કર્યું.

ગુરુકુળમાં વૈદિક શિક્ષણ ઉપરાંત શારીરિક અને માનસિક મજબૂતી પર પણ ધ્યાન આપવામાં આવતું હતું. આ ઉપરાંત સફાઈથી લઈને પશુપાલન અને રસોઈ બનાવવાની જવાબદારી તેમ જ ચારો લાવવાની જવાબદારી પણ ઉઠાવવી પડતી. પ્રાચીન ગુરુકુળીય પ્રથાનુસાર વિદ્યાર્થીઓએ ભિક્ષા માગવા પણ જવું પડતું જેથી નમ્રતા, ઉદારતા અને સેવાના ભાવો જાગૃત થાય.

ગુરુકુળના રસોડે દાળ અને શાક બનતાં. રોટી ભિક્ષાથી લાવવાની રહેતી. દૂધનો ખર્ચ બ્રહ્મચારીઓના ઘરવાળાઓએ મોકલવાનો રહેતો. જેમના ઘરે રકમ મોકલવાની સ્થિતિ ન હોય એમને દૂધથી વંચિત રહેવું પડતું.

રામકૃષ્ણના પિતાનો ગુસ્સો હજુ ઊતર્યો નહોતો. ગુરુકુળમાં પૈસા મોકલતા નહીં. એમણે ધાર્યું હતું કે પૈસા નહીં મોકલું તો છોકરો થાકી હારીને પાછો આવી જશે, ત્રણ મહિના સુધી પિતા મક્કમ રહ્યા. રામકૃષ્ણને ફરક પડતો નહોતો. દૂધ ભલે ન મળે, વિદ્યા તો મળતી હતી. એક દિવસ ગુરુજીને શું સૂઝયું કે એમણે રામકૃષ્ણને રોજ એક ગ્લાસ દૂધ આપવાની મંજૂરી આપી. ત્રણ મહિના પછી પિતાજી ગુરુકુળ આવ્યા. એક વરસના દૂધ માટે રૂપિયા ત્રણસો જમા કરાવી દીધા એટલું જ નહીં પાછલા પૈસા પણ ચૂકતે કરી દીધા. રામકૃષ્ણ ખુશ થયા. ચાલો, પિતાજીનો ગુસ્સો તો ઓસરી ગયો.

બાબા રામદેવ આજથી માત્ર પચ્ચીસ-ત્રીસ વર્ષ પહેલાંના એ અનુભવો યાદ કરતાં કહે છે:

‘અમારે રોટી માટે ભિક્ષા માગવા નજીકના ગામોમાં જવાનું રહેતું. બાલદી ભરીને આશ્રમના બધા માટે રોટી ભેગી કરવાની. હું ને મારાથી ઉંમરમાં નાના એવા એક દેવેન્દ્ર બ્રહ્મચારી ભિક્ષા માગવા નીકળી પડતા. હાથમાં બાલદી રાખીને કોઈ પણ ઘરની બહાર ઊભા રહીને હું બૂમ પાડતો: ‘ઓમ ભિક્ષામદેહિ!’ ઘરમાંથી કોઈ મહિલા બહાર આવીને અમને બ્રહ્મચારીના વેશમાં જોતી એટલે સમજી જતી કે અમે ભિક્ષા માગવા આવ્યા છીએ. અમે કહેતા, ‘માતાજી, નમસ્તે’. એ રસોડામાંથી રોટી લાવીને અમારી બાલદીમાં મૂકતી અને અમે ‘જી, ખૂબ ખૂબ આભાર’ કહીને બીજા ઘરે જતા.

‘ગુરુકુળમાં બીજાં કાર્યો વારાફરતી બધા ભ્રહ્મચારીઓએ કરવાનાં આવતાં. પણ ભિક્ષા માગવાની કાયમી જવાબદારી મારા પર આવી ગઈ હતી. કારણ કે હું બાલદી ભરીભરીને રોટીઓ લઈ આવતો. આને કારણે ગુરુકુળના બધા બ્રહ્મચારીઓ અને ગુરુજનોને બેઉ ટંક રોટી ખાવા મળતી. શરૂમાં ભિક્ષા માગવામાં સંકોચ થતો પણ જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ સંકોચ ઓછો થતો ગયો અને પછી તો ટેવ પડી ગઈ.’

‘ભિક્ષામાં અમને ઘઉંની રોટી અને બાજરાના રોટલા મળતા. સબજી અને દાળ તો ગુરુકુળમાં બનતાં જ હતાં. દૂધની પણ વ્યવસ્થા હતી. વારતહેવારે ગૃહસ્થ લોકો ભિક્ષામાં ખીર અને શીરો પણ આપતા હતા. શીરો તો એટલો મળતો કે બે દિવસ સુધી અમને બધાને ચાલતો. ખીર એક જ દિવસમાં પૂરી કરી નાખવી પડતી. થોડા વખત પછી એક ધનાઢ્ય વ્યક્તિએ મારી પ્રતિભા જોઈને મને છાત્રવૃત્તિ મોકલવાનું શરૂ કર્યું. મહિનાના રૂપિયા ૩૦૦ને હિસાબે વર્ષે દહાડે ૩,૬૦૦ રૂપિયાની છાત્રવૃત્તિ હું ગુરુકુળમાં રહ્યો ત્યાં સુધી આવતી રહી’, એમ સ્વામી રામદેવ કહે છે!

આજે બાબા રામદેવને કૉન્ગ્રેસ સહિતના વિરોધપક્ષો ગાળો આપતા રહે છે. ફેસબુક, ટ્વિટર અને વૉટ્સઍપ પર એમના વિશે ભૂંડામાં ભૂંડી મજાકો થતી રહે છે પણ એમના પર આ બધાની કોઈ અસર થતી નથી. રામદેવ કહે છે: ‘હું તો બચપણથી જ ગાલી-પ્રૂફ થઈ ગયો હતો. એટલે કોઈ મને ગાળો આપે, મારા વિશે અપશબ્દો કહે કે મારી અભદ્ર મજાકો ઉડાવે તો મારું રુંવાડુંય ફરકતું નથી. હું તો બસ મારી ધૂનમાં ચાલ્યો જાઉં છું.’

એ વખતના દિવસોની એક ઘટના યાદ કરતાં બાબા કહે છે:

‘ખાનપુર ગામમાં એક માતાજી હતી. ગામમાં છેલ્લું ઘર એમનું જ હતું. હું જ્યારે એમને ત્યાં ભિક્ષા માગવા જઉં ત્યારે ગાળો આપીને અમારું સ્વાગત કરતી: ગુરુકુલ ને હમારે ભરોસે હી ઐસે ઐસે ખાગડ (આખલો) સાંઢ પાલ રખે હૈં. કમા કર ખાયા નહીં જાતા, ઐસે ભીખ માંગને ચલે આતે હૈં…’ અને આવું કહ્યા પછી એ બે રોટી આપતી પણ હતી! પછી તો અમારો નિત્યક્રમ થઈ ગયો કે બીજે ક્યાંય જઈને ભિક્ષા માગીએ કે ન માગીએ, એ મૈયાના ઘરે જરૂર પહોંચી જતા. જે દિવસે એમની ગાળો ન સાંભળીએ એ દિવસે સુનું સુનું લાગતું. ગાળોની સાથે બે રોટી – જાણે પ્રેમથી લપેટીને અપાતી હોય એવું લાગતું. આ ગાળોએ મારામાં અપમાન સહન કરવાની શક્તિ સર્જી, હું માન-અપમાનના અહંકારમાંથી બહાર આવી ગયો.’

જુવાનજોધ દીકરો ભિક્ષા માગીને ખાય છે એ વાત ઘરવાળાઓથી કેટલા દિવસ સુધી છૂપી રહેવાની હતી! એક સવારે રામકૃષ્ણનાં મા-બાપ, બેઉ ગુરુકુળ આવી પહોંચ્યા. રામકૃષ્ણ એમના આવવાનું કારણ પૂછે – સમજે એ પહેલાં જ પિતાજી વરસી પડ્યા: ‘તુમને મેરી નાક કટા દી. ઘર સે ભાગા હી, અબ ભીખ ભી માંગને લગા હૈ.’ મા પણ જોડાઈ: ‘પૈસે તો તેરે બાપૂ ભેજતે હી હૈં. કમ પડ ગયા તો ઔર મંગવા લેતા, લેકિન કમ સે કમ ભીખ તો ન માંગતા.’

વાત એમ બની હતી કે સૈદ અલીપુરની એક છોકરીનાં લગ્ન ખાનપુરમાં થયા હતાં અને એક દિવસ ભિક્ષા માગતાં માગતાં અજાણતાં જ રામકૃષ્ણ એ છોકરીના સાસરિયે પહોંચી ગયા હતા. એ બહેને ભિક્ષા તો આપી દીધી પણ પોતાનાં પિયરિયાંઓમાં ચાડી ખાધી કે રામનિવાસચાચાનો છોકરો જે ઘરેથી ભાગી ગયો હતો તે હવે ઘરે ઘરે ભીખ માગીને ખાય છે. એ છોકરીના પિતાએ આ વાત રામનિવાસ યાદવને તો પહોંચાડી જ, સાથોસાથ પંચાયત પણ બેસાડી. પંચે વ્યંગ કરતાં કહ્યું, ‘રામનિવાસ, જો અનાજની કમી હતી ઘરમાં તો અમને કહેવું હતું. અમે લોકો તારી આબરૂ ઢાંકવા આવી જાત. પણ બેટાને બીજે ગામ ભીખ માગવા માટે મોકલવાની શું જરૂર હતી?’

રામનિવાસ યાદવ આખા ગામમાં થયેલું આવું અપમાન સહન નહીં કરી શક્યા. પત્નીને લઈને દીકરા પાસે ગુરુકુળ છોડાવવા આવી પહોંચ્યા. પણ દીકરો અડગ હતો. ઘરે પાછા જવાનો તો સવાલ જ નહોતો. ‘તો કયા યહીં રહકર જિંદગીભર ભીખ માંગેગા?’ પિતાએ આવેશમાં પૂછયું.

રામકૃષ્ણે બાપુની ક્ષમા માગતાં કહ્યું: ‘બાપુ, આ ભીખ નથી ભિક્ષા છે. ગુરુકુળમાં ગુરુ પોતાના વિદ્યાર્થીઓને અભાવ, તપ અને સંઘર્ષોની ભઠ્ઠીમાં તપાવે છે જેથી જીવનમાં જ્યારે પણ સંઘર્ષ અને પ્રતિકૂળતાના સંજોગો આવે ત્યારે એનો આત્મવિશ્ર્વાસ ન તૂટે અને એ સફળતાના શિખરે આસાનીથી પહોંચી જાય. આ ભીખ ત્યારે થઈ જાય જ્યારે અમે કામચોરી કરતા થઈ જઈએ. પણ પ્રાચીન ભારતીય વિદ્યા પદ્ધતિમાં ભિક્ષા માગવી એ તો વિદ્યાર્થીજીવનમાં અહંકારને ઓગાળવાની ઉત્તમ રીત છે. જો અહંકાર મનમાં રહી જાય તો જ્ઞાનની પ્રાપ્તિ ક્યારેય ન થાય અને આમેય જ્યારે ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ અમને ભિક્ષા આપે છે અને અમે એના ઘરનું અન્ન-જળ ગ્રહણ કરીએ છીએ ત્યારે જિંદગીભર અમને એ અહેસાસ રહેતો હોય છે કે અમારા લોહી માંસ મજ્જામાં એમનો પરસેવો ભળેલો છે. આ અહસાસ જ આખી જિંદગી ગરીબો માટેના અમારા કર્તવ્યમાં અમને અડગ રાખે છે.’

એ પ્રસંગને યાદ કરતાં સ્વામી રામદેવના પિતાજી રામનિવાસ યાદવ કહે છે: ‘મૈં બેહદ ગુસ્સે મેં થા. મૈને ઉસે હડ્ડી-પસલી તોડને કી ધમકી ભી દી. માને ભી ઉસે અપના વાસ્તા દિયા થા. કહા – ‘તૂ ગુરુજી સે કહકર ભીખ માગને કા કામ છોડકર કોઈ દૂસરા કામ લે લે…’ લેકિન ઉસને માં કો કહા કિ ‘જો ગુરુજી કહેંગે મૈં તો વહી કરૂંગા.’ અપની ઔર સે કોઈ આગ્રહ નહીં કરૂંગા.’ આખિર માંને કહા, ‘ઠીક હૈ, તૂ ભિક્ષા માંગ, લેકિન કમ સે કમ ઉસ લડકી કે ઘર ભીખ માંગને મત જાના. ગાંવ મેં બડા અપમાન હોતા હૈ…’

આ સાંભળીને રામકૃષ્ણે કહ્યું હતું: ‘નહીં મા, ભિક્ષા મેં દો રોટી કે સાથ પ્રતિદિન ગાલી દેનેવાલી એક માતા કે સમાન હી અબ તો મૈં ગાંવવાલી ઉસ બહન કે ઘર ભી ભિક્ષા માંગને રોજ જાઉંગા. મેરે અંદર કા માન – અપમાનરૂપી અહંકાર ઈસસે ટકરાકર હી ધ્વસ્ત હોગા.’

ઘઉંનો પાક તૈયાર થઈ જાય એ પછી ભિક્ષામાં પશુઓ માટે ઘઉંના દાણા કાઢી લીધા પછી વધતું ભૂસું અને બ્રહ્મચારીઓ માટે અનાજ પણ માગવામાં આવતું. મોટાભાગના લોકો એક પોટલું ભરીને ભૂસું કે અનાજ ભિક્ષામાં આપતા. એક પોટલામાં જેટલું ભરાય એટલું ભૂસું ભરી લેવાનું. એક મણ, બે મણ, જેટલું ભરાય એટલું. પણ એક પોટલાથી વધારે નહીં. આચાર્ય પ્રદ્યુમ્ન શારીરિક રીતે પણ ઘણા શક્તિશાળી હતા. આજે પણ છે. તેઓ એક પોટલામાં ૧૦૦ કિલો ભૂસું બાંધીને ખભા પર ઉઠાવી ગુરુકુળ સુધી ચાલીને આવતા. રામકૃષ્ણે પણ ગુરુકુળમાં વ્યાયામ, દંડ-બેઠક વગેરે કરીે શરીરને મજબૂત બનાવી દીધું હતું. એ ૮૦ કિલો જેટલું ભૂસું એક પોટલામાં લાદીને ઊંચકી લેતા. ગુરુકુળમાં ગુરુજી પછી ભૂસાની સૌથી વધુ ક્ષિભા રામકૃષ્ણ દ્વારા આવતી. આ ભૂસાને ભૂસાદાનીમાં ચડાવવાનું કામ સૌથી કઠિન રહેતું. એ કામ કરવામાં આખા માથામાં, નાક-કાન-મોઢામાં બધે જ ભૂસું ભરાઈ જતું. શ્ર્વાસ લેવાની તકલીફ થઈ જતી. ભૂસું ચઢાવવાનું કામ એક-એક મહિના સુધી ચાલતું. ગુરુકુળનો આ સૌથી કઠોર મહિનો રહેતો.

સંસારની આ બધી કષ્ટભરી ગતિવિધિઓમાંથી સંન્યાસીના આથીય કઠિન અનુભવો સુધી પહોંચવા માટે રામકૃષ્ણે હજુ ઘણાં વર્ષો સુધી આકરી તપશ્ર્ચર્યા કરવાની હતી.

ખાનપુરના ગુરુકુળમાં અભ્યાસ પૂરો કરીને રામકૃષ્ણે કાલવાના ગુરુકુળમાં પ્રવેશ લીધો. ખાનપુરથી સોએક કિલોમીટરના અંતરે આવેલા કાલવાના આશ્રમે અન્ડર એજ હોવાને લીધે રામકિશનને પ્રવેશ નહોતો આપ્યો, પણ હવે વાંધો નહોતો. કાલવા ગુરુકુળના આચાર્ય બલદેવ રામકિશનનને ઓળખી ગયા. રામકિશને હવે પોતાનું નામ રામકૃષ્ણ રાખવામાં આવ્યું છે એવી જાણકારી આપીને પોતે વીતેલાં વર્ષોમાં શું શું શીખ્યા તેની વિગતો આપી. આચાર્ય બલદેવે પ્રસન્ન થઈને કહ્યું, ‘ઘણું સરસ… પણ અહીં તારે તારા નામમાંથી કોઈ એક પસંદ કરવું પડશે. રામકૃષ્ણ – એવું બે નામવાળું વ્યક્તિત્વ નહીં ચાલે. તને જોઈએ તો તું તારું નામ રામ રાખી લે અથવા કૃષ્ણ…’

રામકૃષ્ણ વિચારમાં પડી ગયા. એમને અચાનક યાદ આવ્યું,

‘માને રામ નામ પસંદ છે. એજ નામ રાખી લઉં.’

‘ભલે, બ્રહ્મચારી. આજથી તારું નામ રામદેવ,’ આચાર્ય બલદેવે નામકરણ કર્યું. નવા ગુરુકુળમાં ઉચ્ચ અભ્યાસની સાથે ભિક્ષાટન, ગૌસેવા વગેરે રૂટિન ચાલુ જ હતાં.

૧૯૯૦ના દાયકાની શરૂઆતમાં ગુરુકુળ નજીકના ધડોલી ગામના સજ્જનોએ ગૌશાળા માટે ૧૦ એકર જમીન ગુરુકુળને દાનમાં આપી. આ આખીય જમીન પર બાવળનું જંગલ હતું. રામદેવે બીજા બ્રહ્મચારીઓ સાથે કુહાડીથી બાવળનાં તમામ ઝાડ કાપ્યા, કોદાળીથી એનાં મૂળિયાં ઉખાડ્યા. પાવડા – ઘમેલાથી આ બધા બિનઉપયોગી થડ – ડાળખાં – મૂળિયાંને હટાવીને બાવળના જંગલવાળી જમીન પર ગૌશાળાનું નિર્માણ કર્યું. રામદેવે પોતાને મળતી છાત્રવૃત્તિની તમામ રકમ આ ગૌશાળાને આપી દીધી.

કાલવાના આ નવા ગુરુકુળમાં સિનિયર વિદ્યાર્થીઓ જે કંઈ શીખી લે તે વિદ્યા એમણે જુનિયર બ્રહ્મચારીઓને પાસ કરવાની. ગુરુ-શિષ્ય પરંપરાથી ચાલતા આ આશ્રમમાં રામદેવ ભણતા અને ભણાવતા પણ ખરા. જે કંઈ ભણાવવાનું હોય તે જો એક કલાક માટે ભણાવવાનું હોય તો એ માટે પહેલાં તેઓ પોતે બે કલાક સુધી એ વિષયને પાકો કરી લેતા.

સવારે સૌ કોઈએ પોણા ચાર વાગ્યે ઊઠી જવાનું અને રાત્રે બરાબર ૧૦ વાગ્યે સૂઈ જવાનું. સ્વામી રામદેવ ગુરુકુળનાં એ વર્ષોને યાદ કરતાં કહે છે: ‘પાંચ સાલ તક ગર્મ કપડા તો નહીં હી પહના, કભી ઉસ દૌરાન કંબલ યા રજાઈ ભી નહીં ઓઢી. મૈંને અપની પૂરી પઢાઈ કેવલ દો જોડી વસ્ત્રોં મેં પૂરી કી હૈ. સુબહ ઉઠને કે બાદ સભી કો ઠંડે પાની સે હી નહાના પડતા થા, ચાહે કિતની હી કડાકે કી ઠંડ હો. ગુરુકુલ મેં કભી નહાને કે લિએ ગર્મ પાની નહીં દિયા જાતા થા… પૂરે જીવન એક દિન ભી નહાને મેં સાબુન કા ઈસ્તેમાલ નહીં કિયા…’

ગુરુકુળમાં સવારે આસન – પ્રાણાયમ કરવાના અને સાંજે કુશ્તી અને દંડબેઠક. રામદેવ રોજના પાંચસો દંડ લગાવતા. યુ ટ્યુબ પરના એક વિડિયોમાં એમને આ ઉંમરે અનુભવી કુશ્તીબાજો સાથે ફ્રેન્ડલી કુશ્તી રમતાં જુઓ કે બીજા ભારેખમ વ્યાયામ કરતાં જુઓ તો પચ્ચીસ વર્ષ પહેલાં રોજના પાંચસો દંડ કરવાના દાવામાં કોઈને અતિશયોક્તિ નહીં લાગે. આટલા દંડ લગાવવાની પ્રેક્ટિસને લીધે શરીર પરસેવે રેબઝેબ થઈ જતું અને બે-ચાર ડિગ્રી સેલ્સિયસની ઠંડીમાં પણ શરીરની આંતરિક ગરમી જળવાઈ રહેતી.

ખાનપુર ગુરુકુળમાં રામદેવનો પરિચય બાલકૃષ્ણ સાથે થયો હતો. રામદેવ કરતાં એમની ઉંમર નાની. રામદેવ કાલવાના આશ્રમમાં દાખલ થયા એ પછી બાલકૃષ્ણ પણ ખાનપુર ગુરુકુળમાં અભ્યાસ પૂરો કરીને કાલવામાં આવ્યા. અહીં ધીરે ધીરે બંને વચ્ચેનો પરિચય ગાઢ મૈત્રીમાં પલટાયો. રામદેવ માટે બાલકૃષ્ણ સગા નાના ભાઈ સમાન બની ગયા. કાલવા આશ્રમનાં આચાર્ય બલદેવ સ્વામી રામદેવની બાયોગ્રાફીના લેખક સંદીપ દેવને કહે છે: ‘રામકિશનને કાલવા ગુરુકુલ મેં શિક્ષા કે ઉપરાંત ભારતીય દર્શન, વેદ, ઉપનિષદ કે ગહન અધ્યયન કે લિયે લગાતાર પૂરે દેશકી યાત્રા કી ઔર વિદ્વાનો કે સાથ સત્સંગ કિયા. હિમાલય કી ગુફાઓ ઔર કંદરાઓ મેં ઉસને લંબે સમય તક તપસ્યા કર રહે તપસ્વીયોં ઔર યોગિયોં સે યોગ કી બારીકિયાં સીખીં હૈં.’

કાલવાના આશ્રમમાં અભ્યાસ પૂરો થયા પછી રામદેવ ‘આચાર્ય’ની ઉપાધિ (ડિગ્રી) માટે લાયક બન્યા. ગુરુ બલદેવે એમને આચાર્ય રામદેવ બનાવીને પોતાના ઉત્તરાધિકારી ઘોષિત કર્યા અને કાલવા આશ્રમની સંપૂર્ણ જવાબદારી એમના ખભા પર નાખી દીધી. બલદેવજી કાલવાનો આશ્રમ અને એની જમીન રામદેવના નામે કરવા માગતા હતા પણ રામદેવ એ જંજાળમાં પોતાને બાંધવા નહોતા માગતા.

આચાર્ય રામદેવે સેંકડો ભારતીય યુવાનોને દેશના જાહેરજીવનને ચારિત્ર્યવાન બનાવાવમાં ઉપયોગી થાય એવું ભણતર આપવા માગતા હતા. આ માટે સૌથી પહેલાં એ હરિયાણાના કિશનગઢ ઘાસેડાસ્થિત ગુરુકુળમાં પહોંચ્યા. ત્યાંના બાળકોને શિક્ષણ આપવાનું શરૂ કર્યું પણ એ જ ગાળામાં એક દુર્ઘટના બની ગઈ. ગુરુકુળના એક બાળકે ચોરી કરી. આચાર્ય રામદેવે સીસમના ડંડાથી એને ખૂબ માર્યો. બાળક લોહીલુહાણ થઈ ગયું. તાવ ચડી ગયો.

આચાર્ય રામદેવને દિવસો સુધી પોતાના આ વર્તન બદલ પસ્તાવો થતો રહ્યો. ગુરુકુળમાં બ્રહ્મચારીઓની આ રીતની પિટાઈ કંઈ નવી વાત નહોતી. પણ રામદેવ પોતાના આ વર્તાવથી અંદરથી હચમચી ગયા. છેવટે શાંતચિત્તે એમણે એક નિર્ણય લીધો. ગુરુકુળ છોડીને હિમાલય જતા રહેવું.

એજ ગાળામાં બાલકૃષ્ણનો પત્ર આવ્યો હતો. મોટા ભાઈ સમાન આચાર્ય રામદેવને એમણે લખ્યું હતું: ‘તમે જે જ્ઞાન મેળવ્યું તેની જરૂર આખા દેશને છે. તમે ગુરુકુળ પૂરતું તમારું જ્ઞાન કેવી રીતે સીમિત રાખી શકો? વૈદિક જ્ઞાન પરંપરા, યોગ, આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સા (નેચરોપથી અથવા કુદરતી ઉપચાર)ના જ્ઞાનને જન-જન સુધી પહોંચાડવા માટે તમારે ગુરુકુળના સીમિત દાયરામાંથી બહાર નીકળીને આખા દેશને સંબોધિત કરવાનો છે.’

આચાર્ય રામદેવ અને એમના જૂના મિત્ર બાલકૃષ્ણ હરદ્વારની પવિત્ર ભૂમિ પર વર્ષો બાદ ફરી ભેગા થાય છે. બાલકૃષ્ણને પણ આચાર્યની ઉપાધિ પ્રાપ્ત થઈ ગઈ છે. બીજે જ દિવસે બેઉ આચાર્યોએ દલિત બસ્તીઓમાં જઈ જઈને સ્વચ્છતા કાર્ય શરૂ કરી દીધું. બીમાર લોકોને આયુર્વેદના ઉપચારોથી સાજા કરવા માંડ્યા. સાથોસાથ બેઉ આચાર્યોએ અહીંના લોકોને નશાખોરી, અશિક્ષણ, ભ્રષ્ટાચાર, અપરાધ વગેરેની ખિલાફ સમજાવવાનું શરૂ કર્યું. ધીમે ધીમે બંનેની ખ્યાતિ ફેલાતી ગઈ. છેક આસામથી લોકો આયુર્વેદના ઉપચાર માટે આવતા થયા. પ્રસિદ્ધિ જેમ વધતી ગઈ તેમ વિઘ્નનો સૌથી પહેલો પડાવ આવ્યો – પોતાના જ લોકો તરફથી. ધર્મના ઠેકેદારો અને મઠાધીશોના પેટમાં આ જોડીનું કામ ખૂંચવા લાગ્યું. કારણ કે આ બંનેના કાર્યને લીધે પોતાના સંપ્રદાયમાં થતો વધારો અટકી જતો હતો. ધર્માંતરણનું કાર્ય કરનારાઓ તરફથી બીજું વિઘ્ન ઊભું થયું. આ બંને વિઘ્નોનો સામનો કરીને બેઉ આચાર્યોએ પોતાની પ્રવૃત્તિ ચાલુ રાખી. આ બંને તરફથી મળતી આયુર્વેદની દવા માટે કોઈએ એક પૈસો આપવાનો નહોતો, પોતાનો ધર્મ પણ બદલવાનો નહોતો.

આ ગાળામાં હરદ્વારના એક સંત શ્રી શંકરદેવ મહારાજે બેઉ આચાર્યોની સમાજસેવાથી પ્રભાવિત થઈને એમને વિનંતી કરી કે તમે બંને મારા કૃપાલુ બાગ આશ્રમમાં આવી જાઓ, એનું સંચાલન કરો અને તમારી પ્રવૃત્તિ આગળ વધારો.’

આચાર્ય રામદેવે એમના ચરણસ્પર્શ કરીને કહ્યું, ‘ભ્રષ્ટાચાર, અપરાધ, ઉત્પીડન અને નશાખોરીની દેશવ્યાપી ઘટનાઓથી મન વિચલિત થઈ ગયું છે. પીડિત માનવતાનો ઉદ્ધાર જરૂરી છે પણ એક સાથે આટલી બધી સમસ્યાઓનો સામનો કરવાનું કોઈ ગજું નથી. અમારી પાસે જે આત્મશક્તિ જોઈએ તે નથી. આ બધી સમસ્યાઓનું નિરાકરણ શોધવા અમારે અમારી પોતાની અંદર ઝાંકીને જોવું પડશે. સ્વયંને જાગૃત કરીને જ બીજાને જાગૃત કરવાનો પ્રયાસ કરી શકાય. ધ્યાન અને તપ દ્વારા આત્મશક્તિનો સંચય કરીને હમ જરૂર આપની પાસે આવીશું, ત્યાં સુધી અમને આજ્ઞા આપો.’

સ્વામી રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણે હરદ્વારથી ગંગોત્રી ભણી પ્રયાણ કર્યું.

આચાર્ય રામદેવના શબ્દોમાં: ‘બસ મેં બૈઠકર હમ ગંગોત્રી પહુંચે. ગંગોત્રી મેં પહુંચતે હી ઉસકે આકર્ષણને હમેં જકડ લિયા. ગંગા કી લહરોં ઔર ગુફાઓ ને મન કો અજીબ શાંતિ સે ભર દિયા. હમારે મન મેં ભી થા કિ દુનિયા સે એકદમ કટકર ગુફાઓં મેં રહના હૈ. તપસ્યા કરને કી ધુન સવારથી. વહાં પહુંચ કર હમ ઘંટોં બૈઠકર ધ્યાન કરને લગે. હમ વહાં લગભગ તીન સાલ રહે ઔર ઈસ દૌરાન તીન ગુફાઓં કો બદલા…’

સ્વામી રામદેવ કહે છે: ‘હમારી પહલી ગુફા ગંગોત્રી કે ઉપર તપોવન મેં થી. દૂસરી ગુફા સૂરજકુંડ કે સામને થી. યહાં ગંગા કી લહરેં ગુફા કી દીવાર સે ટકરાતી રહતી થી. ભયંકર ગર્જના હોતી થી. રાત-રાત ભર ગર્જના ચલતી રહતી થી. કઈ બાર ધ્યાન ભી ભંગ હો જાતા થા. ઈસલિયે હમને ઈસ ગુફા કો ભી છોડ દિયા. હમારી તીસરી ગુફા પાંડુ ગુફા કી તરફ બાયીં ઓર થી. અભી ભી વહાં એક સંત રહ રહે હૈં. ઈસ ગુફા મેં હમેં પૂર્ણ શાંતિ કી પ્રાપ્તિ હુઈ, ઐસી શાંતિ કી પ્રાપ્તિ હુઈ કિ મેરા મન યહાં સે હટન કો હુઆ હી નહીં. મૈં લગાતાર સાધના મેં રહને લગા. દુનિયા કો પૂરી તર સે ભૂલ ગયા…’

અહીં ખાવાપીવાની કોઈ સગવડ નહોતી. નીચે ઈશાવાસ્યમ્ આશ્રમમાં સદાવ્રત ચાલતું હતું ત્યાં અન્ય સંન્યાસીઓ અને સાધુઓની જેમ આ બંને આચાર્યો પણ લાઈનમાં ઊભા રહીને એક ટંકનું ભોજન મેળવી લેતા. આશ્રમ તરફથી મળતા ભોજનની સબ્જીમાં મરીમસાલા એટલા લાગતા કે એને પાણીમાં ધોઈને તેઓ ખાતા!

સ્વામી રામદેવ કહે છે: ‘વહાં સ્વાધ્યાય કે તૌર પર મૈં મહર્ષિ પતંજલિ કા યોગદર્શન ઔર ઉપનિષદ પઢતા થા. સુબહ-શામ ગાયત્રી મંત્ર કા જાપ કરતે થે. વહીં યોગિયોં સે યોગ શીખા. સુબહ પ્રાણાયમ કરતે ઔર યોગ સાધના કો પ્રબલ બનાને મેં જુટે રહતે. ઉસ સમય મન મેં વિચાર આયા કિ સેવા કા બડા કામ નહીં કરેંગે, બલ્કિ સાધના પથ પર હી આગે બઢેંગે. આત્મા વ પરમાત્મા સે સાક્ષાત્કાર કરેંગે ઔર ઈસકે લિએ યદિ પૂરા જીવન લગ જાએ તો ભી લગા દેંગે. આત્મા વ પરમાત્મા સે સાક્ષાત્કાર કે લિયે કઈ તરહ કી સાધનાએં ઔર પ્રયોગ કિએ. સાધના કી અલગ – અલગ વિધિયોં કો આજમાયા.’

ત્યાં અનેક યોગીઓ પાસેથી યોગની ક્રિયાઓ શીખવા મળી. યોગનો અભ્યાસ વધતો ગયો. ‘યોગ હી મેરા જીવન બન ગયા,’ સ્વામી રામદેવ કહે છે, ‘તીન સાલ તક મૈં સાધના કરતા રહા. ચૌથે સાલ ગંગોત્રી મેં અપના આશ્રમ ભી લે લિયા. લોગોં સે દાન ઔર ઉધાર માંગ-માંગ કર મૈંને પાંચ લાખ મેં અપના આશ્રમ લિયા ઔર હમેશા કે લિયે હિમાલય મેં હી, બસ જાને કા નિર્ણય લે લિયા.

આચાર્ય રામદેવના આ વિચારો જાણીને અને સેવાને બદલે સાધનાના માર્ગે જ આગળ વધવાના નિર્ધારને દૃઢ થતો જોઈને આચાર્ય બાલકૃષ્ણે એમને સમજાવ્યા:

‘સમાજ સે કટ કર નહીં, સમાજ સે જુડકર સાધના પથ પર ચલના હૈ. સમાજસેવા કો હી સાધના બનાના હૈ. ગુરુકુળના વિદ્યાર્થીઓ દીન-હીન બનીને નહીં પણ સમાજની સમક્ષ આદર્શ બને એવી પરિસ્થિતિનું નિર્માણ કરવાનું છે. ગુરુ, રાષ્ટ્ર અને પૃથ્વીનું ઋણ ચૂકવવાનું છે.’

આચાર્ય રામદેવને ગળે આ વાત ઊતરી. એમણે હિમાલયના એકાંતવાસની સાધના છોડીને સંસારમાં પ્રવેશી સમાજની સેવા કરવાનો નિર્ણય કર્યો. પણ સંસારમાં પુન:પ્રવેશ કરતાં પહેલાં જગતમાં રહેલાં કંચન અને કામિનીનાં આકર્ષણોથી આજીવન દૂર રહેવા એક સંકલ્પ જાહેર કરવાનો હતો. મન તો ભગવા રંગે રંગાઈ ચૂક્યું હતું. શરીર પરનાં વસ્ત્રોને પણ ગેરૂઆ રંગે રંગવાનાં હતાં.

હિમાલયથી ઊતરીને આચાર્ય રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણે હરદ્વારના કનખલસ્થિત કૃપાલુબાગ આશ્રમને પોતાની પ્રથમ કર્મભૂમિ બનાવી. આશ્રમમાં સુવિધાઓ પણ હતી અને આશ્રમની પોતાની સમસ્યાઓ પણ હતી. આવી વિષમ પરિસ્થિતિમાં ૧૦ નવેમ્બર ૧૯૯૪ના રોજ બેઉ આચાર્યોએ સૌ પ્રથમ ‘યોગ સાધના એવં યોગ ચિકિત્સા શિબિર’નું આયોજન કર્યું. એના બે મહિના પછી બીજા કેટલાક સાધુસંતો તથા કર્મયોગીઓના સહકારથી ૫ જાન્યુઆરી, ૧૯૯૫ના રોજ ‘દિવ્ય યોગ મંદિર ટ્રસ્ટ’ની સ્થાપના કરી. એ પછી કૃપાલુબાગ આશ્રમમાં રોજેરોજ યોગ અને આયુર્વેદ ચિકિત્સાની શિબિરો થવા માંડી. ધીમે ધીમે કૃપાલુબાગ આશ્રમ યોગ, પ્રાણાયમ અને આયુર્વેદિક ચિકિત્સાના પ્રમુખ કેન્દ્ર તરીકે જાણીતો થવા માંડ્યો. આચાર્ય રામદેવ લોકોેને યોગ અને પ્રાણાયમ દ્વારા સ્વાસ્થ્ય લાભ કરાવતા જ્યારે આચાર્ય બાલકૃષ્ણ લોકોને આયુર્વેદિક તથા એક્યુપ્રેશર ચિકિત્સા દ્વારા સ્વસ્થ કરતા.

એક દિવસ એક રોગીએ આચાર્ય બાલકૃષ્ણને ફરિયાદ કરી, ‘તમે જે દવા લખી આપો છો તે બજારમાં તો ક્યાંય મળતી નથી. આવી દવાઓ શું કામ લખી આપો છો?’

કૃપાલુબાગ આશ્રમના ગુરુ સ્વામી શંકરદેવે કહ્યું, ‘એમાં વળી કઈ મોટી વાત છે. શુદ્ધ આયુર્વેદિક દવા જો બજારમાં ન મળતી હોય તો જડીબૂટી વિશે તમે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે તેનો લાભ ઉઠાવો અને તમારી જાતે દવા બનાવીને રોગીઓને સાજા કરો.’

બેઉ આચાર્યો બીજા જ દિવસે જંગલમાં નીકળી પડ્યા. શહેરમાં કરિયાણાની દુકાને જે જે જડીબુટ્ટી ઉપલબ્ધ હોય તે મેળવીને બાકીનાની શોધમાં પહાડીઓમાં, જંગલોમાં ભટકવાનું, જાણકાર લોકોની મદદ લેવાની. પાછા આવીને મંડપ-વાસણ ભાડે આપનારાઓ પાસેથી રોજના દસ રૂપિયાના ભાડે તોતિંગ તપેલું લઈ એમાં દવાઓ બનાવવાની. કામ પૂરું થઈ જાય એટલે તરત ભારેખમ તપેલું જાતે ઊંચકીને પાછું આપી આવવાનું જેથી બીજા દિવસનું ભાડું ચડી ન જાય. જડીબુટ્ટીની ગૂણીઓ ભરી ભરીને ક્યારેક સાઈકલ પર, ક્યારેક હાથ રિક્સામાં તો ક્યારેક ગંગાનાં ઉછળતાં પાણીમાં તરીને આશ્રમમાં લાવવામાં આવતી. ક્યારેક કેટલાય કિલોમીટર સુધી ઊંચકીને ચાલવું પડતું. આજેય હરદ્વારમાં કેટલાય લોકો છે જેમણે સ્વામી રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને આવું કરતાં જોયા છે.

સેવાનું કામકાજ ધમધોકાર ચાલતું થઈ ગયું હતું. આ બાજુ રામદેવનાં માતાજીની ઈચ્છા હતી કે દીકરો સામાન્ય લોકોની જેમ ઘર વસાવે, પોતાને પૌત્ર-પૌત્રીઓનું સુખ પ્રદાન કરે. પણ રામદેવના મનમાં કોઈક અલગ જ ધૂન સવાર હતી. વર્ષોથી ઈચ્છા તો થતી જ રહેતી હતી પણ હવે એનો અમલ કરવાનું અનિવાર્ય લાગતું હતું. સ્વામી શંકરદેવે રામદેવની આ ઈચ્છા સાંભળીને કહ્યું, ‘સોચ લો ફિર રામદેવ. સંન્યાસ આસાન બાત નહીં હૈં. તુમ પરિવાર કે બંધન મેં નહીં બંધ સકોગે. સંન્યાસી કો ખુદ કો મારકર સમાજ કો જાગૃત કરના પડતા હૈં.’

રામદેવે કહ્યું: ‘સંન્યાસ દીક્ષા કે બાદ મૈં એક પરિવાર નહીં, બલ્કિ અનેક પરિવાર કો પ્રેમ કર સકૂંગા. ખુદ કો મારકર હી તો મૈં પૂરી માનવતા સે અસીમ પ્રેમ કર સકૂંગા.’

સ્વામી શંકરદેવે આચાર્ય રામદેવનાં માતાપિતા સહિત એમના બંને ગુરુઓ આચાર્ય પ્રદ્યુમ્ન તથા આચાર્ય બલદેવને સંદેશાઓ મોકલી દીધા કે બ્રહ્મચારી આચાર્ય રામદેવ ગૃહસ્થ જીવનને બદલે સંન્યાસ જીવનમાં પ્રવેશ કરવા માટે ઈચ્છુક છે માટે આપ સૌ આશીર્વાદ આપવા પધારો.

૯ એપ્રિલ, ૧૯૯૫. રામનવમીનો પવિત્ર દિવસ. હરદ્વારના પાવન ગંગાતટ પર મંત્રોચ્ચારણ, યજ્ઞ તથા હવન સાથે આચાર્ય રામદેવની દીક્ષાવિધિ શરૂ થઈ. સ્વામી શંકરદેવ, આચાર્ય પ્રદ્યુમ્ન, આચાર્ય બલદેવ, માતા-પિતા, આચાર્ય બાલકૃષ્ણ તેમ જ અન્ય સાધુ – સંન્યાસીઓની હાજરીમાં આચાર્ય રામદેવે મા ગંગાની ગોદમાં ઊતરીને સંન્યાસ ધર્મનો સંકલ્પ કર્યો:

‘મૈં આજ સે સભી પ્રકાર કી એષણાઓં વ આસક્તિયોં કે મોહ સે ઉપર ઉઠકર અપને સંન્યાસ ધર્મકા પાલન કરુંગા. મૈં ધન કે પ્રલોભન સે મુક્ત રહકર આર્થિક વ આધ્યાત્મિક સામર્થ્ય કા ઉપયોગ લોકકલ્યાણ હેતુ કરુંગા. મૈં માન-સમ્માન કા ત્યાગ કરતે હુએ અનાસક્ત રહકર અપને કર્તવ્યોં કા વહન કરુંગા.’

સ્વામી શંકરદેવે ગંગાના પ્રવાહમાં સ્થિર ઊભેલા આચાર્ય રામદેવના વાળની લટ કાપી અને પહેરવા માટે એમને ભગવાં વસ્ત્રો આપ્યાં. સ્વામી શંકરદેવ આ લટ અને રામદેવની જનોઈને પોતાના હાથે ગંગાને સમર્પિત કરી દીધાં. દીક્ષા ગુરુ સ્વામી શંકરદેવના હાથે આચાર્ય રામદેવ હવે સ્વામી રામદેવ બન્યા. ભારતીય જ્ઞાન પરંપરા અનુસાર જે સ્વયંનો સ્વામી બની જાય છે, જે પોતાને જાણતો થઈ જાય છે તે ‘સ્વામી’ કહેવાય છે. રામદેવે સ્વનો સાક્ષાત્કાર કરી લીધો હતો, પોતે કોણ છે, પોતે શું કરવા માગે છે, પોતાનામાં કેટલી શક્તિ છે – આ બધા પ્રશ્ર્નોનોસંતોષકારક ઉત્તર, એમણે પોતાની પાસેથી મેળવી લીધો હતો. અને એટલે હવે તેઓ સમાજમાં સૌ કોઈના માટે સ્વામી રામદેવના માનભર્યા સંબોધનને લાયક બની ગયા હતા.

યોગ વિશે સ્વામી રામદેવની આ એક વાત સૌ કોઈએ ધ્યાનમાં રાખવા જેવી છે. યોગ દ્વારા ચમત્કારો કરવા, હવામાં ઊડવું કે પાણી પર ચાલવું એવા દાવાઓ અવારનવાર કેટલાક ઢોંગીઓ કરતા રહે છે. બાબા રામદેવ આપણા જેવી આકરી ભાષા નથી વાપરતા પણ નમ્રતાપૂર્વક સાફ સાફ શબ્દોમાં કહે છે:

‘મુઝે યોગદર્શન કંઠસ્થ હૈં. લેકિન પરકાયા પ્રવેશ, આકાશગમન, જલ-અગ્નિ-કાંટોં પર યોગ. સાધના કે બલ પર ચલના, અણિમા-સધિમા જૈસી સિદ્ધિઓં કો કરતે મૈંને તો અપની આંખોં સે કિસી મહાપુરુષ કો નહીં દેખા. પ્રાચીન કાલ મેં હી યે સિદ્ધિમાં હોતી થીં. ઈન્હેં ખોજને કે લિયે પૂરે હિમાલય ક્ષેત્ર, તિબ્બત – સભી જગહ મૈંને લગાતાર યાત્રા કી, ખાક છાની, લેકિન આજ તક મુઝે ઐસા કોઈ સિદ્ધ પુરુષ નહીં મિલા હૈ…’

૫ જાન્યુઆરી, ૧૯૯૫માં શરૂ કરેલા ‘દિવ્ય યોગ મંદિર ટ્રસ્ટ’ને આમ જનતાથી માંડીને કૉર્પોેરેટ સેક્ટર સુધીના સૌ કોઈના તરફથી દાન મળતું થઈ ગયું. પાંચ રૂપિયાથી માંડીને લાખો રૂપિયા આવતા. ૧૦ વર્ષમાં, ૪ ફેબ્રુઆરી, ૨૦૦૫નો રોજ આમાંથી ‘પતંજલિ યોગપીઠ’નો જન્મ થયો. યોગ, આયુર્વેદ, સ્વદેશી, વૈદિક તથા પ્રાકૃતિક જ્ઞાનના બીજમાંથી એક વટવૃક્ષ ઊભું થયું. શરૂઆતમાં તો દાનની રાહ જોયા વિના બૅન્કમાંથી લોન લઈ લઈને બાંધકામ વગેરેનું કામકાજ થતું. થોડાં વર્ષો પહેલાં જે ‘આસ્થા’ ચૅનલ પર બાબા રામદેવની યોગ શિબિરનું કલાકેક માટે પ્રસારણ થતું એ આખેઆખી ચૅનલ એમણે ખરીદી લીધી. એમણે એટલે? એ તો સંન્યાસી છે. એક પણ પૈસાની માલિકી એમની નથી. જે કંઈ છે તે બધું જ ટ્રસ્ટનું છે. બિલકુલ ઓપન કારભાર છે. હિસાબ કિતાબ કોઈપણ સરકારી એજન્સી જઈને જોઈ શકે છે.

સોળ વર્ષની ઉંમરે જેઓ બસમાં પણ નહોતા બેઠા તેઓ આજે વર્ષના હજારો કિલોમીટરના પ્રવાસો કરીને દેશવિદેશમાં યોગ – આયુર્વેદનો નિ:સ્પૃહ બનીને પ્રચાર કરી શકે છે. પણ એક વખત એવો હતો જ્યારે સ્વામી રામદેવના માથે રોજ કોઈને કોઈ વાતે માછલાં ધોવાતાં. એમને બનતી આયુર્વેદિક દવામાં માનવ અસ્થિનો ભુકો વાપરવામાં આવે છે એવો તદ્દન જુઠ્ઠો આક્ષેપ સામ્યવાદી પક્ષના મુખિયા પ્રકાશ કરાતનાં પત્ની બ્રિન્દા કરાતે એટલો ઉછાળ્યો એટલો ઉછાળ્યો કે ઘડીભર સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયું. બ્રિન્દાનાં બહેન રાધિકા રૉય એનડીટીવીના સ્થાપક અને માલિક પ્રણય રૉયનાં પત્ની થાય. એમની ચૅનલે બાબાને બદનામ કરવાની આગેવાની લીધેલી. આ ઉપરાંત આર્થિક અને ક્રિમિનલ બાબતોની અનેક ફરિયાદો સ્વામી રામદેવ, એમના સાથીઓ તેમ જ એમની સંસ્થાઓ વિરુદ્ધ થતી રહી. આજની તારીખે પણ ક્યાંક ક્યાંકથી એમની પ્રોડક્ટ્સ વિશે કોઈને કોઈ વેસ્ટેડ ઈન્ટરેસ્ટ દ્વારા આવી હેરાનગતિ થતી જ રહે છે. સ્વામી રામદેવે આ બધું પાર્ટ ઑફ ધ ગેમ તરીકે સ્વીકારી લીધું છે. તમે જેટલા મોટા માણસની અને જેટલા વધારે લોકોની આંખમાં કણાની જેમ ખૂંચતા હશો તેટલી વધુ વિઘ્ન પ્રવૃત્તિઓ તમારી સાથે થવાની. સ્વામી રામદેવ આવી સેંકડો આપત્તિઓ વચ્ચે અડીખમ રહ્યા તે પોતાની તાકાતને કારણે. સેંકડો પોલીસ કેસ, કોર્ટ કેસ, ઈન્ક્વાયરીઝ વગેરેની અગ્નિપરીક્ષામાં તેઓ વધુ ઉજળા થઈને, અણિશુદ્ધ સ્વરૂપે બહાર આવ્યા. આજે પતંજલિ પ્રોડક્ટ્સનું ટર્નઓવર વર્ષે પાંચ હજાર કરોડનું છે તે કંઈ મોદી સરકારની મહેરબાનીને કારણે નથી. આ સરકારને તો બે જ વર્ષ થયાં છે હજી. બાબાએ ખરી પ્રગતિ તો અગેન્સ્ટ ઑલ ઑડ્સ કરી છે. કૉન્ગ્રેસની – સોનિયાજીની – મનમોહન સિંહની સેક્યુલર સરકાર એમની પાછળ હાથ ધોઈને પડી ગઈ હતી, છતાં આટલી પ્રગતિ એમણે કરી. મોદીની જેમ રામદેવ પર પણ વર્ષો સુધી એમના વિરોધીઓ પથરા ફેંકતા આવ્યા છે. દસ વર્ષ તો શું પાંચ વર્ષ પહેલાં પણ કોઈએ નહોતું વિચાર્યું કે મોદી પ્રાઈમ મિનિસ્ટર બનશે કે રામદેવની પતંજલિ પ્રોડક્ટ્સ દેશની ભલભલી મલ્ટિનેશનલ કંપનીઓના મોઢે ફીણ લાવી દેશે.

આપણે ત્યાં સ્યુડો ઈન્ટલેક્ચ્યુઅલ્સમાં ભગવાં કપડાંધારીઓની મજાક કરવાની પ્રથા પડી ગઈ છે. ભારતીય સંસ્કૃતિની જે કોઈ વાતો કરે એમને પછાત, ગામડિયા અને અક્કલના ઓથમીર કહેવાની પ્રથા પડી ગઈ છે. આ પ્રકારના તમામ સેક્યુલરિયાઓને ભોંયભેગા કરીને સ્વામી રામદેવે દેશની નવી પેઢી સામે એક જબરજસ્ત રોલ મૉડેલ ઊભું કર્યું છે. આ કંઈ બિઝનેસની વાત નથી. તમારે ફેક્ટરી ખોલીને મધ, ટુથપેસ્ટ, ઘી, શેમ્પુ કેવી રીતે બનાવવાં અને કેવી રીતે હજારો કરોડ રૂપિયાનું ટર્નઓવર કરવું એનું રોલ મૉડલ કંઈ તમારે બાબા પાસેથી શીખવાનું નથી. કોઈ જો એવું તમને ભરમાવતું હોય તો તમારે પહેલાં તો આ સંસારમાંથી સંન્યાસ લેવો પડે, પછી એક પણ રૂપિયાનો વહીવટ તમારી પાસે રાખ્યા વિના સાદીસીધી જિંદગી જીવવી પડે. બોલો, છે એવી તૈયારી? સ્વામી રામદેવ પાસેથી હજારો કરોડનો બિઝનેસ કરતાં શીખવાનું નથી. એથી આગળ એવું ઘણું ઘણું શીખવાનું છે. મારે હિસાબે સૌથી મોટી આ ત્રણ વાત શીખવાની છે.

૧. મોટી પ્રાપ્તિ માટે મોટો ત્યાગ કરવો જરૂરી છે. ત્યાગ કરવાની તૈયારીરૂપે લાલચો પર કાબૂ રાખવાની પ્રેક્ટિસ કરવી પડે. બાબા હોય, મોદી હોય કે પછી વિરાટ કોહલી કે શાહરૂખ ખાન દરેક વ્યક્તિએ પોતાની જિંદગીમાં ઘણું બધું જતું કર્યું હોય છે ત્યારે જઈને તેઓ પોતાના ક્ષેત્રમાં ઝળહળતી સફળતા મેળવી શકે છે.

૨. અપમાનોથી ડરવું નહીં અને વિરોધીઓને જડબાતોડ જવાબ આપીને ભોંયભેગા કરી નાખવામાં શરમાવું નહીં. બાબા ખુલ્લેઆમ સાબુ બનાવતી કે મધ – ટૂથપેસ્ટ બનાવતી મલ્ટિનેશનલ કંપનીઓને પડકારે છે. કારણ કે એમની સ્પર્ધા કરવાની બાબામાં તાકાત છે.

૩. ધ્યેય સ્પષ્ટ રાખો. આજે વિચારો કે આમ કરીશું ને કાલે વિચારો કે તેમ એ રીતે જિંદગીમાં આગળ નહીં વધાય. અટવાયા કરશો. આંખ સામેનું નિશાન સ્પષ્ટ હોવું જોઈએ અને જિંદગીના કોઈપણ તબક્કે એ ટાર્ગેટ આઉટ ઑફ ફોકસ ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું.

‘સ્વામી રામદેવ: એક યોગી – એક યોદ્ધા’ સંદીપ દેવે લખેલી સ્વામી રામદેવની પહેલી અને એકમાત્ર ઑફિશ્યલ બાયોગ્રાફી છે. પતંજલિ આયુર્વેદ ડૉટ નેટ પર આ અને બીજાં ઘણાં યોગ – આયુર્વેદ – કુદરતી ઉપચાર વિશેનાં પુસ્તકો તથા ડીવીડી તેમ જ પતંજલિની તમામ પ્રોડક્ટસ તમને ઑનલાઈન ખરીદી માટે મળી જશે. યુટયુબ પર એમની અઢળક વીડિયોઝ છે.

સ્વામી રામદેવ જે કંઈ કરી રહ્યા છે તે મારા-તમારા ને આખા દેશના ભલા માટે કરી રહ્યા છે. આવી શ્રદ્ધા જો કોઈનામાં ન હોય તો પણ એણે યોગ, આયુર્વેદ અને પ્રાકૃતિક ઉપચારને પોતાના જીવનમાં અનિવાર્ય બનાવી દેવાં જોઈએ. તનથી અને મનથી સ્વસ્થ રહેવું હશે તો આ બધું જ છેવટે કામ આવવાનું છે. તમે જે ક્ષેત્રમાં હો તે ક્ષેત્રમાં કામ કરીને એના સર્વોચ્ચ સ્થાને પહોંચવાની તમન્નાને સાકાર કરવી હોય તો આ ત્રણેય વસ્તુઓ યોગ, આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સા તમારું કશું જ નુકસાન કર્યા વગર, તમારી પાસે કોઈ ઝાઝો ખર્ચ કરાવ્યા વગર તમને ત્યાં સુધી લઈ જવામાં મદદ કરશે. કમ સે કમ મને તો પર્સનલી કરી જ રહી છે.

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

16 COMMENTS

  1. શત શત નમન રામદેવજી ના સંધષૅ ની સરસ લેખ ન શૈલી બદલ સૌરભભાઇ ન્યુઝ પ્રેમી નો આભાર. સદા લખતા રહો. વાંચકો ને સનાતન ધર્મ ને સસ્કારો મળતા રહે.

  2. સૌ પ્રથમ તો મા.શ્રી સૌરભભાઈ ને આટલા સરસ લેખ બદલ ખુબ અભિનંદન. ખરેખર ખૂબ જ informative લેખ છે. સ્વામી શ્રી રામદેવ ની જીવન ઝરમર ને અથ થી ઇતિ વણી લઈને વાચકો સુધી પહોંચાડવા બદલ આભાર. આશા છે કે આજ રીતનું સાત્વિક વાંચન આપના તરફથી પીરસાતું રહેશે.

    સ્વામીજી શ્રી રામદેવ ને પણ શત શત નમન.

  3. स्वामी रामदेवजी ने शत् शत् नमन 🙏🏻🙏🏻🇮🇳🚩🙏🏻🙏🏻
    सौरभभाई धन्यवाद इतना अच्छा लेख लिखने के लिए।🙏🏻🙏🏻

  4. सबसे पहले श्री सौरभ जी आपको प्रणाम । बहुत ही सरल भाषा मे और बड़ी कुशलता पूर्वक आपने परम पूज्य योगऋषि स्वामी रामदेव जी के देश प्रेम और राष्ट्र हित को अपनी कलम से उजागर किया है इसके लिए आपको धन्यवाद देता हूँ।

  5. નેટ ફ્લિક્સ પર સ્વામી રામદેવ ની સંપૂર્ણ જીવન કથા ના બધા જ એપિસોડ જોયા છે. એટલે આદરણીય શ્રી સૌરભભાઈ ને વાંચવામાં વધારે સરળ બન્યું. ભારતમાં હિન્દુ કે હિન્દુ સંત માટે એક વિશેષ પ્રકારની નેગેટિવ નજર ડેવલોપ કરવામાં આવી છે. પરંતુ શ્રી સ્વામી રામદેવ અગ્નિમાં સોનુ તપે અને સો ટચનું બને, તેવું તેમનું જીવન છે. આજે ભારત અને વિદેશમાં કરોડો લોકો યોગ-આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સા અપનાવી ને સારું સ્વાસ્થ્ય મેળવી રહ્યા છે. મહાપુરુષને વંદન……

  6. I have watched 56 parts of Ramdev life story but afterwards,this series stopped because a Brahmin was shown in a bad light, but actually The Brahmin priest was a typical pujari ,making propaganda of all types of rituals .

  7. સરળ,સરસ,ઉતમજીવન સ્વામીજી ને દડંવત પ્રણામ, સૌરભ શાહભાઈ આપનો ધન્યવાદ..ભારત માતા કી જય. જયશ્રી રામ.

  8. કોઈ સુંદર, તેજોમય, સર્વોપયોગિ જીવન….ભયાનક કહી શકાય એટલી હદ સુધી કઠોર હોઈ શકે છે?….સફેદ પરદા પર નહીં…હકિકત માં?..
    જ્યાં સુધી આવા..ખરા અર્થ માં યોગસ્થ પુરુષ ભારત માં રહેશે ત્યાં સુધી ભારતીય સંસ્કૃતિ ની ભવ્યતા ને કોઈ પામર..કોઈ પાપી હાની કેવી રીતે પહોચાડી શકે..??? જય હો…. શત શત પ્રણામ.

  9. Baba Ramdev ensured that Yoga reaches to the masses and he is successful in his mission. Earlier , yoga was not so much popular as it is today. Modiji declared 21 June as International Yoga day.

  10. You are doing very strong work to educate our new generation by writing such informative article. Highly impressed by your narrative write up on Swami Ramdev

  11. ખુબ ખુબ આભાર સૌરભભાઈ ,બાબા રામદેવની જીવન ઝરમર આટલી સરસ રીતે એક જ લેખમાં સમા બદલ .એમના બાળપણના સંઘર્ષો, કઠોર તપસ્યા . ત્યાંગ અને લોકસેવા સાથે રાષ્ટ્ર સેવા ની લગની આજે એમને આ મુકામે લાવી છે .એમણે લોકસેવા માટે સહન કરેલા અપમાનો સરકારી અડચણો અને વિરોધીઓ નો સામનો વગેરે ઘણું બધું પ્રથમ વખત આપના દ્વારા જાણવા મળ્યું. વિશ્વ યોગ ગુરુ બાબા રામદેવ ને સત સત નમન.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here