‘વ્યવસ્થાશક્તિ વિના વૈચારિક દિવ્યતા બહુ બહુ તો ઉત્તમ શેખચલ્લીનું રૂપ બતાવી શકે’—પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદ (ભાગ 4થો) : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ: બુધવાર, મહા સુદ આઠમ, વિક્રમ સંવત ૨૦૭૮. ૯ ફેબ્રુઆરી ૨૦૨૨)

સ્વામી સચ્ચિદાનંદે ‘વીરતા પરમો ધર્મ’નું સૂત્ર ક્યારે રચ્યું અને ક્યારે પ્રજા સમક્ષ મૂક્યું તેની ક્રૉનોલૉજિ ખબર નથી પણ ‘મારા અનુભવો’માં એક ઠેકાણે આ વાક્ય આવે છે તેના પરથી આપણને ખબર પડે છે કે આ વિચાર અનેક દાયકાઓથી એમના મનમાં ઘૂમતો હશે. તેઓ લખે છેઃ

‘અહિંસાનો દિવ્ય મુગટ તો સિંહોના માથે શોભે, સસલાંના માથે નહિ.’

સ્વામી સચ્ચિદાનંદ માત્ર વિચારક નથી. ઉત્તમ ચિંતનમનન અને ઊંડા અભ્યાસ પછી, પ્રવાસોના અનુભવો પછી તેઓ અદ્ભુત લેખનકાર્ય તો કરે જ છે અને એમનાં પ્રવચનો (રૂબરૂમાં કે રેકૉર્ડ થયેલાં) સાંભળવાં એ તો એક લહાવો છે જ. પણ એમની સંતવૃત્તિ અહીં જ અટકી જતી નથી. સમાજસેવાનાં અનેક કામોમાં તેઓ તન, મન, ધનથી જોડાતા રહ્યા છે. સાધુ મનથી જોડાય, પોતાના પ્રભાવમાં હોય એવા શ્રીમંતો પાસે ધન ખર્ચાવીને સેવાકાર્યોમાં સહયોગી બને આ બધું તો ઉત્તમ કાર્ય છે જ પણ સર્વોત્તમ કાર્ય એ છે કે પોતે પોતાની શારીરિક ક્ષમતા અનુસાર તનથી પણ સેવાકાર્યોમાં જોડાય.

1971ના પાકિસ્તાન સાથેના યુદ્ધ પછીના અરસામાં ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના સૂઈગામ તાલુકામાં સ્વામીજીએ દુકાળરાહતનું કામ શરૂ કર્યું હતું. સરહદને અડીને આવેલા આ રણ વિસ્તારના કાંઠાના ગામમાં એમણે જાતે જઈને, મહિનાઓ સુધી ત્યાં રહીને કેવી રીતે રાહત કાર્ય ચલાવ્યાં તેનું વિસ્તૃત બયાન વાંચવા તમારે ‘મારા અનુભવો’માં જવું પડે. બાપજી નોંધે છેઃ

‘હું ચોપડા લખું, આવક-જાવકનો હિસાબ રાખું, વહીવટ કરું, ઇન્જેક્શનો આપું (100થી 200 પ્રતિદિન), આવ્યા-ગયા માણસો સાથે ચર્ચા કરું, પત્રવ્યવહાર કરું. બધું જ કામ કરવાનું. સવારથી રાતના અગિયાર વાગ્યા સુધી કામ ને કામ… અમે લગભગ આઠ મહિના આ સ્થળે રહ્યા. લગભગ 40,000 મણ અનાજ હેરફેર થયું. અમારા માટે એ સુવર્ણના દિવસો હતા. ખારું પાણી અને સખત તાપ. સાંજે આંધી આવે. રણની ખારી રેત શરીરમાં, માથામાં ભરાઈ જાય. ચહેરો ધૂળધૂળ થઈ જાય. જમવા બેસીએ તો કાંકરીઓ કચડ કચડ થાય.’

‘હિમાલયની એકાદ ગુફામાં બેસીને મેં મારા દિવસો પસાર કર્યા હોત તો લોકો મને મહાન યોગી સમજીને દર્શન માટે દોડી આવતા હોત.પણ જનતા વચ્ચે રહીને..જે કાર્ય થઈ શક્યું તે હિમાલયની સાધના કરતાં પણ ચડિયાતું હતું તેનો મને સંતોષ અને પ્રતીતિ છે.’ : સ્વામી સચ્ચિદાનંદ

સ્વામીજીએ એ પછીય અનેક વખત જરૂર પડ્યે, મજૂરો ઓછા હોય ત્યારે કે અન્ય કારણોસર આશ્રમના ખેતરમાં જઈને શારીરિક શ્રમનાં કાર્યો કર્યાં છે અને જરૂર કડિયા કામમાં સાથ આપ્યો છે. ખરીદી વગેરે માટે આજુબાજુનાં વિસ્તારોમાં પગે ચાલીને જવું, ભાર ઉપાડીને પાછા આવવું એ બધું તો એમના માટે અત્યંત સાહજિક ગણાય.

સ્વામીજી વારંવાર કહેતા હોય છે અને લખતા હોય છેઃ

‘મેં ઈશ્વરનો સાક્ષાત્કાર નથી કર્યો, પણ તેની કૃપાની અનુભૂતિ તો ડગલેને પગલે કરી છે.’

બીજી એક જગ્યાએ તેઓ કહે છેઃ

‘હિમાલયની એકાદ ગુફામાં બેસીને મેં મારા દિવસો પસાર કર્યા હોત તો લોકો મને મહાન યોગી સમજીને દર્શન માટે દોડી આવતા હોત. પણ જનતા વચ્ચે રહીને, જનતાના પ્રશ્નોમાં રસ લઈને, તકલીફો વેઠીને, કેટલાકની દૃષ્ટિએ અળખો થઈને પણ, જે કાર્ય થઈ શક્યું તે હિમાલયની સાધના કરતાં પણ ચડિયાતું હતું તેનો મને સંતોષ અને પ્રતીતિ છે.’

પ્રવાસો એમણે અનેક કર્યા. દેશમાં, વિદેશમાં. ઘણા વખત પહેલાંની વાત છે— કદાચ ચાળીસ-પચાસ વર્ષ કરતાં પણ જૂની. લગભગ આખા ભારતની યાત્રા બસ ભાડે લઈને કરી. કુલ પંચાવન મુસાફરો. રસોઈયો, બે સેવકો, સીધું સામાન બધું લીધું. દરેકની પાસેથી રૂપિયા સાતસો સંપૂર્ણ યાત્રાના ખર્ચ પેટે લીધા હતા. બાપજી લખે છેઃ

‘આખો પ્લાન મેં બનાવેલો. માર્ગના નકશા લઈને હું ડ્રાઇવરની પાસે બેસું. માર્ગ બતાવું, ક્યાં રોકાવાનું છે તે પ્રથમથી નક્કી કરું. બસ ઊભી રહે ત્યાં ધર્મશાળાની વ્યવસ્થા કરું, લાકડાં-પાણી લાવવાથી માંડીને રસોઈ બનાવવામાં મદદ કરું. સૌને જમાડીને પછી અમે પાંચ-છ જણાં જમીએ. બધી વ્યવસ્થાની ચિંતા મારે માથે. સૂતાં પહેલાં સૌને દવા આપું. ખબરઅંતર પૂછું, હસાવીને થાક ઓછો કરું. આનંદ-કિલ્લોલ કરતાં અમે ઓગણ્યાએશી દિવસ વિતાવ્યા… ૭૯ દિવસની અમારી યાત્રામાં બસભાડું, જમવાનું, ધર્મશાળા વગેરે મળીને યાત્રાળુદીઠ ખર્ચ આવ્યો રૂ.510 પૈસા 53. સૌને નવાઈ લાગી. સાતસોમાંથી બાકીના પૈસા બસમાંથી ઉતરતાં જ આપી દેવાયા.’

‘જીવન એટલે ગતિ, સતત ચાલ્યા જ કરો. ઊભા રહી જવું કે બેસી પડવું એટલે સ્થગિત થઈ જવું…અટકી જવું એ મરી જવા બરાબર છે…’ :સ્વામી સચ્ચિદાનંદ

નેવું વર્ષનો પડાવ સામે દેખાઈ રહ્યો છે ત્યારે બીજાં 35 વર્ષ હેમખેમ નીકળી જશે એવી આશા આપતું માનસિક-શારીરિક સ્વાસ્થ્ય સ્વામી સચ્ચિદાનંદ ધરાવે છે. આ ઉંમરે પણ એમનું પડછંદ શરીર ખડતલ છે. દરેક પ્રકારના તાપ ઝીલીને અડીખમ બનેલા સ્વામી સચ્ચિદાનંદ નાની-મોટી શારીરિક તકલીફોને અવગણીને ભરપૂર પ્રવૃત્તિઓમાં ગળાડૂબ છે. આગળ કહ્યું તેમ લૉકડાઉન પહેલાં તેઓ નર્મદાની પરિક્રમા કરી રહ્યા હતા અને મહામારીના આ બે વર્ષ દરમ્યાન પણ તેઓ પ્રવાસ કરતા રહ્યા છે. હાથની અશક્તિને કારણે જાતે નથી લખી શકાતું એટલે રેકૉર્ડ કરીને અથવા ડિક્ટેશન આપીને લખવાનું તો ચાલુ જ છે. 135માંનાં છેલ્લામાં છેલ્લાં કેટલાંક પુસ્તકો આ રીતે લખાયાં અને હજુય એ લેખન પ્રવૃત્તિ વણથંભી છે. આ બધાંની પાછળ એમની જે સમજ છે તે ‘મારા અનુભવો’માં નોંધાયેલી છે. લખે છેઃ

‘જીવન એટલે ગતિ, સતત ચાલ્યા જ કરો. ઊભા રહી જવું કે બેસી પડવું એટલે સ્થગિત થઈ જવું…અટકી જવું એ મરી જવા બરાબર છે… જીવનની ગતિના ત્રણ મોટા અવરોધો છેઃ 1. અકર્મણ્યતા, 2. લક્ષ્યહીનતા અને 3. અવ્યવસ્થા.’

સ્વામીજીએ પ્રકરણઃ 87નો મોટો ભાગ આ વાત સમજાવવા માટે લીધો છે. આપણે એમાંના ત્રણ જ વાક્યો, જે છૂટાં છૂટાં છે તેને ભેગાં કરીને જોઈ લઈએઃ

‘અકર્મણ્યતાને આધ્યાત્મિકતાનો સહયોગ મળ્યો એટલે અકર્મણ્યતા નવું નામ ધરીને આવી – નિવૃત્તિ… વ્યક્તિ તથા પ્રજા કર્મઠ હોય પણ લક્ષ્ય વિના દોડાદોડી કરતી હોય તો પુરુષાર્થનાં નિશ્ચિત પરિણામ ન આવે. મોક્ષના નામે જીવનનાં વાસ્તવિક લક્ષ્યોની ઉપેક્ષા કરવાથી તો પરલોક આ લોકને બગાડનારો થશે… વ્યવસ્થાશક્તિ વિના વૈચારિક દિવ્યતા બહુ બહુ તો ઉત્તમ શેખચલ્લીનું રૂપ બતાવી શકે. વિચારોને આકાર આપવાનું કામ વ્યવસ્થાશક્તિ વિના થઈ શકતું નથી હોતું.’

‘ઋષુમુનિઓ પણ આપણા જેવા જ માણસો હતા. સાદું સરળ અને સહજ જીવન જીવતા, વિદ્યા અને અધ્યાત્મ ક્ષેત્રનું ચિંતન-મનન કરતા તે ચિંતકો હતા.’ :સ્વામી સચ્ચિદાનંદ

ધર્મની મહત્તા વિશે સ્વામી સચ્ચિદાનંદે જે સમજણ કેળવી છે તેને સરળ શબ્દોમાં તેઓ આપણી સાથે વહેંચે છે. એકેએક શબ્દ ધ્યાનથી વાંચજો. ફરી વાંચજો અને મનમાં સંઘરી રાખજોઃ

‘સામાન્યતઃ વ્યક્તિ તથા પ્રજાનું ઘડતર કરવામાં સૌથી પ્રભાવશાળી તત્ત્વ ધર્મ રહ્યું છે… ધર્મનાં સીધાં તથા આડકતરાં એમ બે ફળ પ્રજાને મળતાં હોય છે. સીધાં પરિણામ એટલે-ધર્મપાલનથી સુખપ્રાપ્તિ, ઈશ્વરપ્રાપ્તિ કે મોક્ષ જે ધર્મનું સીધું ધ્યેય હોય છે. પણ આ સિવાય આડકતરી રીતે બીજાં પરિણામો પણ મળતાં હોય છે. જેમ કે, એકતા, સંપ-કુસંપ, શૌર્ય-કાયરતા, ઉત્સાહ-નિરાશા, આર્થિક સામાજિક તથા રાજકીય લાભો અને હાનિ વગેરે અનેક પરિણામો પ્રજા ભોગવતી હોય છે. સીધાં પરિણામો કરતાં પણ આડકતરી રીતે પ્રાપ્ત થતાં પરિણામોનું મહત્ત્વ વધારે છે. સીધાં પરિણામો મોટાભાગે શ્રદ્ધાજન્ય માન્યતાઓમાં રહ્યાં હોય છે. જ્યારે આડકતરાં પરિણામો પ્રત્યક્ષ અનુભવાતાં હોય છે. તેનો પ્રભાવ પણ વ્યક્તિ તથા પ્રજાજીવન ઉપર પડતો હોય છે.’

એક જમાનામાં ભારતના ઋષિમુનિઓ નગરથી દૂર પોતાની કુટિર બનાવીને ગ્રંથો રચતા, નવા નવા વિચારો જનસામાન્યને આપતા, જૂના અવિનાશી વિચારોનાં જમાનાને એકરૂપ નવાં અર્થઘટનો કરતા. વેદ-ઉપનિષદો આ રીતે લખાયાં. રામાયણ-મહાભારતની રચના આ ઋષિઓ કરી. સ્વામી સચ્ચિદાનંદ લખે છેઃ

‘ઋષુમુનિઓ પણ આપણા જેવા જ માણસો હતા. સાદું સરળ અને સહજ જીવન જીવતા, વિદ્યા અને અધ્યાત્મ ક્ષેત્રનું ચિંતન-મનન કરતા તે ચિંતકો હતા.
તેમને પત્નીઓ હતી તથા સંતાનો પણ હતાં. માનવીય દુર્બળતાઓ પણ તેમનામાં હતી, પણ તે દુર્બળતાઓને તે ઢાંકતા નહિ પણ સ્વીકારીને ચાલતા, તેથી તે સાચા હતા. ચિંતન તથા નિસ્પૃહ જીવનથી તેઓ મહાન હતા. આ ઋષિપરંપરા અટકી નથી. આજે પણ આ પ્રકારના માણસોનું અસ્તિત્વ છે જ. જેમનું ચિંતન-મનન તથા જીવન સમાજ માટે છે તે શું ઋષિ નથી? કોટ-પાટલૂન પહેરીને પણ તે ઋષિ જ છે. માત્ર વલ્કલ તથા જટામાં જ ઋષિપણું સીમિત નથી થઈ જતું.’

સ્વામીજીનો આ ગદ્યખંડ ટાંકવા પાછળ એક ગંભીર હેતુ છે. અહીં થોડીક વાત, જેમાં સૌ કોઈને કદાચ રસ ન પણ પડે એવી વાત, કરવી છે. આપણે ત્યાં એક માન્યતા એવી પ્રસરી ગઈ છે કે આપણા ભવ્ય વારસા સમા પ્રાચીન ગ્રંથોને ટાંકીને જે લોકો પોતાની વાત કહે તે જ વિદ્વાન ગણાય. અરે ભાઈ, એ ઋષિમુનિઓએ જેમ મૌલિક ચિંતન કર્યું અને એમની વાતોમાં ક્યાંય આગળ રચાઈ ગયેલા ગ્રંથો ટાંકવામાં નથી આવ્યાં એ જ રીતે આજના જમાનામાં પણ મૌલિક ચિંતન કરનારાઓ હોઈ શકે ને. એમના વિચારો પ્રગટ થાય ત્યારે પ્રાચીન ગ્રંથોમાં લખેલી વાતોનો આધાર ન હોય તો ન હોય. આ નવી વાત છે, મૌલિક વાત છે, અત્યાર સુધી ક્યારેય કોઈએ વિચારી નથી, કહી નથી એવી વાત છે. આ વાત તમે ક્યારેય સાંભળી નથી, વાંચી નથી. જેમ વેદ-ઉપનિષદો લખાયાં ત્યારે એ વાતો તે વખતની પ્રજા માટે સાવ નવી હતી એમ અત્યારે પણ તદ્દન નવી-મૌલિક વાતો લખાઈ શકે છે. એને વેદ-ઉપનિષદનો દરજ્જો આપવો જોઈએ એવી માગણી નથી, એ કામ તો આવનારા સેંકડો-હજારો વર્ષ દરમ્યાન વીતેલો કાળ નક્કી કરશે. સ્વામીજીના નીચે ટાંકવામાં આવેલા શબ્દો વાંચ્યા પછી લોકોમાં જો આ વિશેની સમજણ પ્રગટે અને જાગૃતિ આવે તો સારી વાત છે, બાકી હરિ ઇચ્છા. તેઓ લખે છે, લાંબી વાત છે, ધીરજ રાખીને સમજવી જરૂરી છે. અને યાદ રાખીએ કે સનાતન પરંપરામાં ધર્મ માત્ર રિલિજિયન સાથે નહીં પણ જીવનના તમામ ક્ષેત્રો સાથે જોડાયેલો છે, માટે ‘ધાર્મિક’ એટલે ‘જીવનને લગતી’ વાતો એવું સમજવું જરૂરી છેઃ

‘આપણા ધાર્મિક ગ્રંથોમાં ત્રણ પ્રકારના લેખકો છેઃ 1. ઋષિઓ, 2. આચાર્યો અથવા પંડિતો અને 3. સંતો… મૂળ ગ્રંથોના રચયિતા મુખ્યતઃ ઋષિઓ છે. આચાર્યોએ પોતાના પાંડિત્ય દ્વારા એ મૂળ ગ્રંથોના અર્થો, ભાષ્યો, ટીકાઓ વગેરે કર્યાં છે. એક જ ઋષિગ્રંથના ભિન્ન ભિન્ન આચાર્યોએ જુદાં જુદાં અર્થઘટનો કર્યાં છે. એથી મૂળ ગ્રંથ વધુ સ્પષ્ટ થયો છે. પોતાની વાત પોતાના દ્વારા ન કહેતાં શાસ્ત્ર દ્વારા કહેવાની પદ્ધતિથી શાસ્ત્રોના અર્થોમાં ખેંચતાણ કરવાની હાનિકર પદ્ધતિ આપણે ત્યાં ચાલી છે. ‘આ હું માનું છું’ એમ કહેવા કરતાં ‘આ વેદ માને છે’ એમ કહેવાથી વાત પ્રમાણિત થઈ શકે તેવી પરિપાટીથી આવું થયું છે. લગભગ પ્રત્યેક આચાર્ય અને પંડિતે પોતાની માન્યતાઓને વેદસિદ્ધ કરવા પ્રયત્ન કર્યો છે. આમ કરવાથી ચિંતનને બહુ મોટો ધક્કો લાગ્યો છે. તમારું ચિંતન શાસ્ત્રરૂપી નિશ્ચિત નળીમાંથી પસાર થવું જોઈએ, તો જ તે માન્ય થઈ શકે. જો એ પસાર ન થઈ શકે તો નળીને વાંકીચૂંકી બનાવો, પણ પસાર તો કરવું પડે.’

સ્વામીજી આગળ લખે છેઃ

‘ઋષિમુનિઓએ પોતાનું ચિંતન પોતાનું કહીને લોકો આગળ રાખ્યું, તેના ઉપર કોઈ અન્ય ગ્રંથની મહોર લગાવવી જરૂરી ન માની. આ રીતે આ ચિંતનમાં મૌલિકતા તથા તેજસ્વિતા બંને રહ્યાં પણ પંડિતોના ચિંતનમાં શાસ્ત્રસિદ્ધાંતની અનિવાર્યતાએ ચિંતનને ઘાંચીના બળદ જેવું બનાવી મુક્યું. આંખે ડાબલા પહેરીને ચાલવા નીકળેલા પંડિતો ઘરેડને ઊંડી તો કરી શક્યા પણ ઘરેડની બહાર ન નીકળી શક્યા, એટલે ચિંતન મૃતપ્રાય થઈ ગયું. વિજ્ઞાન એટલા માટે તેજસ્વી છે કે તેમાં મૌલિકતા હોય છે. જૂની વસ્તુઓને સિદ્ધ કરવા માટે તે પોતાની બુદ્ધિ પાસે સંગ્રામ નથી કરાવતું, પણ નવી નવી શોધો કરવા તથા જૂની શોધોમાં રહી ગયેલી ત્રુટિઓ દૂર કરવા તે ચિંતન કરે છે; જ્યારે મોટા ભાગના ધાર્મિક પંડિતો નવીનતાના ઘોર વિરોધી હોવાથી તેમની પ્રતિભાનો સંગ્રામ જૂની ઘરેડોને અખંડ સાચવવા માટે થતો હોય છે. ઋષિઓની સાથે થયેલું આ એક પ્રકારનું અઋષિપણું છે. જે સત્યશોધક હતા તેમને સ્થગિત કરી દેવાના પ્રયત્નો તેમના જ પ્રત્યે અહોભાવ ધરાવતી વ્યક્તિઓ દ્વારા થાય તે ઓછી વિડંબના કહેવાય?’

અહીં રોકાઈને આ જ સંદર્ભમાં થોડાક દાયકાઓથી વ્યપાક બનેલી, વિશેષ કરીને સાહિત્યના ક્ષેત્રમાં પ્રસરેલી, પ્રવૃત્તિ વિશે ટિપ્પણ કરવી છે. મારા આ વિચારો સાથે સ્વામીજી સહમત થશે કે નહીં તેની મને ખબર નથી. પણ કેટલાક ચિંતકો, વિચારકો, પ્રવચનકારો, કટારલેખકો, કવિઓ, નવલકથાકારો તેમ જ આ ક્ષેત્રની આસપાસના જે જે લોકો આવી પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોય તે સૌએ બંધબેસતી પાઘડી પહેરી લેવી: પોતાની અંગત માન્યતાઓને પ્રાચીન ગ્રંથોની આડ લઈને લોકો સમક્ષ મૂકવાની ચાલબાજી દરેક ભાષાના અનેક લેખકો દ્વારા થઈ છે. અશ્વત્થામા, એકલવ્ય વગેરે એમનાં વિશેષ પ્રિય પાત્રો હોય છે. સૌથી વધુ દુરુપયોગ કૃષ્ણ, દ્રૌપદી અને કર્ણનો થયો છે. પોતાના મનની વાતોન એમણે આ પાત્રો સાથે ભયંકર મોટી છૂટછાટો લઈને વણી ન લીધી હોત અને કૃષ્ણ, દ્રૌપદી કે કર્ણ વગેરેને બદલે રઘલો, ભગલો, જોસેફ કે અબ્દુલનાં પાત્રો રચીને મૂકી હોત તો ભોજિયો ભઈ પણ ન વાંચતો હોત. પણ જનસામાન્યમાં પ્રિય-પૂજનીય એવાં પાત્રોના નામે કલ્પનાઓનાં તરંગ ઉડાવતી કવિતાઓ વગેરે અન્ય સાહિત્યસ્વરૂપો વાંચીને લોકોમાં ફેલાતી ભ્રમણાઓ આવા લખનારાઓને ઊડતી શેતરંજીમાં ફરતા કરી મૂકે છે. ભારતીય સમાજનું આ બહુ મોટુ દૂષણ છે, દુર્ભાગ્ય છે.

આજનો વિષય હવે અહીં પૂરો કરીએ સ્વામીજીના એક લાંબા ગદ્યખંડ દ્વારા અને આવતી કાલે ‘મારા અનુભવો’માં ગાંધીજીના પ્રભાવ હેઠળ અને એમના કેટલાક વિચારો સાથેની અસહમતિને પરિણામે સ્વામી સચ્ચિદાનંદના જીવનમાં ક્યાં-કેટલાં પરિવર્તન આવ્યાં તેની વાત કરીએ. નેવુમાં પ્રકરણનો આ દીર્ઘખંડ વાંચીને વિરમીએઃ

‘અન્ય ધર્મોની તુલનામાં હિન્દુ ધર્મની શાસ્ત્રીય માન્યતાની સ્થિતિ ઘણી જુદી છે. એક મુસ્લિમ કે ખ્રિસ્તી પોતાના ધર્મગ્રંથનું જેટલી સ્પષ્ટતાથી અધ્યયન કરી શકે છે, તેટલી સ્પષ્ટતાથી એક હિન્દુ નથી કરી શકતો. કારણ કે એક તો શાસ્ત્રો ઘણાં છે અને તેમાંય પ્રત્યેક શાસ્ત્ર ઉપર જુદાં જુદાં મતોનાં ભાષ્યો-ટીકાઓ છે. આ બધું એટલું અટપટું અને પરસ્પર વિરોધી છે કે સામાન્ય માણસ માટે શું સાચું છે એ નક્કી કરવું અત્યંત કઠિન થઈ જાય છે. શું સાચું છે એ સમજવા જીવનનાં ઘણાં વર્ષો શાસ્ત્રરૂપી અરણ્યમાં વિતાવી દેવાં પડે છે. કદાચ આ જ કારણે શાસ્ત્રને કોઈએ ‘જાળ’ પણ કહી છે. નરસિંહ મહેતાએ ઠીક લખ્યું છે કે ‘ગ્રંથ ગરબડ કરી વાત ન કરી ખરી, જેહને જે ગમે તેહને પૂજે’.

છેલ્લે સ્વામીજી ઉમેરે છેઃ

‘…આટલી પરસ્પરની વિરોધિતા હોવા છતાં પણ કેટલાક મૂળ ગ્રંથોમાં અજબનું ચિંતન છુપાયેલું છે. તેને જાણવા-સમજવા ચિંતનકારોને હંમેશાં પ્રલોભન રહ્યું છે. લાગે છે કે આ ગ્રંથોના રચનારા કોઈ સંપ્રદાય કે પંથના અનુયાયી ન હતા. તેઓ મુક્ત વિચારક-ચિંતક હતા, એટલે જ તેમને જે ઉચિત લાગ્યું તે લખ્યું. સાંપ્રદાયિક માધ્યમથી થયેલું ચિંતન સંપ્રદાયની દ્રઢતા તો કરી શકે છે, પણ મૌલિકતા કે પ્રગતિશીલતા તેમાં નથી હોતી. રૂઢિવાદિતાને વરેલું ચિંતન રૂઢિઓને તો દ્રઢ કરે પણ તેથી પ્રજા પ્રગતિથી વંચિત રહી જાય.’

અંતે સ્વામીજી પોતાની ભૂમિકા સ્પષ્ટ કરતાં જે વાત કરે છે તેની સાથે આપણે સૌ જરૂર સહમત થઈશું :

‘મને પ્રાચીનતાના કેટલાક અંશો પ્રત્યે પ્રેમ છે, પણ હું પુરાતનપંથી નથી. પ્રાચીનતાની ભયંકર ભૂલો અને તેના કારણે હિન્દુ પ્રજાની કરુણ અધોગતિ પણ હું જાણું છું. એટલે પ્રાચીનતાના ઉપયોગી-હિતકારી અંશોની સાથે હું નવીનતાને સંયોજિત કરવા તૈયાર રહું છું. મારાં પ્રવચનો અને સ્વાધ્યાય બંનેમાં આ તત્ત્વ જોઈ શકાય છે. મારી માફક જે પ્રાચીનતા અને અર્વાચીનતાનો મેળ રાખનારો વર્ગ છે તે મારા પ્રત્યે આકર્ષાય તે સ્વાભાવિક છે.’

વધુ આવતી કાલે.

•••

આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

1 COMMENT

  1. Namaste prabhuji,
    i liked your article. i have met Swamiji in his ashram many times. Gone through his books and heard his discourses sitting among audiencr in baroda. He is actually an enlightened personality.
    But he does not want to reveal this actuality before the people.
    His greatness is such that he wants to remain behind curtain in order to do welfare of the distracted people by doing real good deeds without producing “me”.
    How i can know he is enlightened is somewhat a secret but it can be described that i have fitted a barometer to check such divine fountains by constant touuch with Rishi-muni and saints.
    i find difficulty in typing gujarati. Therefore, typed in english.

    Yours Truly.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here