અંગ્રેજી ફિલ્મો જોવા લતાજી ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં થિયેટરમાં પહોંચી જતાં. જેમ્સ બૉન્ડને જોવાની બહુ મજા આવતી: સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ: બુધવાર મહા સુદ આઠમ, વિક્રમ સંવત ૨૦૭૮. ૯ ફેબ્રુઆરી ૨૦૨૨)

ફિલ્મો સાથે અવિભાજ્યપણે જોડાયેલી વ્યક્તિનું અંગત જીવન પણ શું ફિલ્મી હોવાનું? ફિલ્મો માટે જેમણે સમગ્ર જીવન ન્યોચ્છાવર કરી દીધું અને એ ક્ષેત્રમાંથી જેઓ સૌથી વધુ નામ-દામ કમાયાં એમને ફિલ્મો માટે કેટલો લગાવ હતો? ફિલ્મી માહોલમાં એમને શું શું ગમતું અને કઈ કઈ વાતોથી એ દૂર રહેતાં?

લતા મંગેશકર વિશે અગાઉ ભાગ્યે જ બહાર આવેલી કેટલીક વાતો સો ટકા ઑથેન્ટિક સોર્સીસમાંથી શોધીને તમારી સાથે વહેંચવાનો ઉપક્રમ છે. લતાજીએ અગાઉ ક્યારેય, કોઈનેય નથી કહ્યું કે પોતાને કયા કયા સંગીતકાર માટે ગાયેલાં કયાં કયાં ગીતો પસંદ છે, અન્ય મેલ-ફિમેલ પાર્શ્વગાયકોનાં કયાં કયાં ગીતો પસંદ છે, કયા અભિનેતા-અભિનેત્રીઓની કઈ કઈ ફિલ્મો એમને ગમે છે.

આ બધી વાતો કરતાં પહેલાં જાણી લઈએ કે લતા મંગેશકરની ખ્યાતિ માત્ર એમણે ફિલ્મોમાં ગાયેલાં ગીતોને કારણે જ નહોતી. નૉન-ફિલ્મ આલબમો પણ એમનાં ઘણાં છે.

બ્રહ્મમુહૂર્તમાં ઉઠ્યા હો, આજુબાજુનું અને ઘરનું વાતાવરણ બિલકુલ શાંત હોય ત્યારે ‘ચલા વાહી દેસ’ સાંભળવાની ખરી મઝા આવે.

અંગત રીતે એમનું સૌથી વધુ ગમતું નૉન-ફિલ્મ આલ્બમ ‘ચલા વાહી દેસ’ છે. મીરાંનાં ભજનોને લઘબંધુ હૃદયનાથ મંગેશકરે સ્વરબદ્ધ કર્યાં છે. 1975માં (કે 1974માં) એચ.એમ.વી.એ એની વિનાઇલ રેકૉર્ડ (એલ.પી.) રિલીઝ કરી. થોડાંક વર્ષ પછી એ આલ્બમ કૅસેટરૂપે રિલીઝ થયું. મારી પાસે એની ઓરિજિનલ કૅસેટ અને ઓરિજિનલ સીડી છે. એલ.પી.ના જમાનામાં તો સંગીત પાછળ લાંબો ખર્ચ કરવાની કોઈ ઉંમર પણ નહોતી અને ત્રેવડ પણ નહોતી. હા, લેટ સિકસ્ટીઝ અને અર્લી સેવન્ટીઝમાં, કૅસેટ રેકૉર્ડર આવ્યાં એ પહેલાં, ઘરમાં એક સ્પૂલ ટેપ રેકૉર્ડર પિતાએ વસાવેલું. બે મોટાં ચકરડાં ફરતાં હોય એવું ટેપ રેકૉર્ડર તમે કદાચ ફિલ્મોમાં જોયું હશે. એની ટેપ પર સંગીતની દુકાનમાં જઈને મનગમતાં ગીતોનું લિસ્ટ બનાવીને રેકોર્ડ કરાવતા (‘ભરાવતા’!) એ પછી મિડ-સેવન્ટીઝ પહેલાં તો કૅસેટ રેકૉર્ડરનો જમાનો આવી ગયો. પણ ફિલ્મનાં ગીતો કૅસેટરૂપે તે વખતે ભાગ્યે જ રિલીઝ થતાં – છેક એઇટીઝમાં તૈયાર કૅસેટો મળવા લાગી, તે પહેલાં પૈસા આપીને સોનીની સી-નાઇન્ટી પર કૅસેટો ‘ભરાવતા’. ઇલ્લીગલ હતું એ બધું. ગુલશન કુમારે આમાંથી પોતાનો ગૃહ ઉદ્યોગ શરૂ કરીને આખી ઇન્ડસ્ટ્રી બનાવી દીધી જેને ખાળવા ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ વિનાઇલ રેકોર્ડ ઉપરાંત કૅસેટો બહાર પાડવાનું શરૂ કર્યું. આ રીતે પાયરસીનો સામનો કરવામાં એલ.પી. અને ઇ.પીનો જમાનો અલમોસ્ટ ભૂંસાઈ ગયો. આજની તારીખે એ જમાનાની લૉન્ગ પ્લે અને એક્સ્ટેન્ડેડ પ્લેની વિનાઇલ રેકૉર્ડ વિન્ટેજ આઇટમોના ભાવે મળે છે. એને વગાડવા માટે રેકૉર્ડ પ્લેયર તથા એમાં લગાડવાની પિનોનું બૉક્સ પણ જવલ્લે જ જોવા મળે છે. છતાં જેઓ શોખીન છે એમના માટે હજુય ખૂણેખાંચરે કેટલાક મેન્યુફેક્ચરરો એનું ઉત્પાદન કરતા રહે છે અને યશરાજ ફિલ્મ્સ જેવા કેટલાક પ્રોડ્યુસરો પોતાની ફિલ્મનું મ્યુઝિક રિલીઝ થાય ત્યારે શોખથી એ ફિલ્મની વિનાઇલ રેકૉર્ડ માટે બહાર પાડતા રહે છે.

મારા કલેક્શનમાં મારા દાદાની માલિકીનું અતિ પ્રાચીન રેકૉર્ડ પ્લેયર છે જે વર્ષોથી બગડી ગયેલી હાલતમાં છે સાથે ડઝનબંધ વિનાઇલ રેકૉર્ડ્સ છે – અંગ્રેજી ગીતોની, ગુજરાતી ગીતોની, થોડીક હિંદી ગીતોની. બાળપણમાં વતનના ગામે જતા ત્યારે દાદા, ઘરે ત્રીજા માળના એમના રૂમમાં, વગાડતા ત્યારે જે કાને પડતું એમાંથી એક ગીત યાદ છેઃ વિલ આય બી રિચ, વિલ આય બી પુઅર, કે સરા, સરા, સરા…

…ચલા વાહી દેસ. બ્રહ્મમુહૂર્તમાં ઉઠ્યા હો, આજુબાજુનું અને ઘરનું વાતાવરણ બિલકુલ શાંત હોય ત્યારે ‘ચલા વાહી દેસ’ સાંભળવાની ખરી મઝા આવે. જીવન કોઈ પણ અંતિમે જીવાતું હોય, બેઉ અંતિમોની મઝા છે. તડકી છાંયડી બેઉને સહન કરીને, માણીને આપણે તો છેવટે પેલા દેશ તરફ શ્રીકૃષ્ણના ઘર તરફ જવાની નિરંતર ગતિ રાખવાની છે એવું મીરાંએ લખ્યું છે અને લતાજીએ શું ગાયું છે! રૂંવાડાં ઊભાં થઈ જાય તમારાં. મીરાંનાં પંદર ભજનો-પદોના આલ્બમમાંનું છેલ્લું ભજન છે જેના પરથી આ સમગ્ર સંગ્રહને શીર્ષક આપવામાં આવ્યું છેઃ

ચલા વાહી દેસ,
ચલા વાહી દેસ…

કહો કુસુમ્બી સારી રંગાવા,
કહો તો ભગવા ભેસ…

ચલા વાહી દેસ,
ચલા વાહી દેસ…

કહો તો મોતિયન માંગ ભરાવા.
કહો તો છિટકાવા કેસ
ચલા વાહી દેસ…

ચલા વાહી દેસ…

એકતારો અને કરતાલ જેવાં માત્ર બે-ત્રણ વાદ્યો જ વપરાયાં છે અને એની અસર તમારા દિલ-દિમાગ પર કેવી છવાઈ જાય છે તે જાણવા-અનુભવવા તમારે માત્ર આ જ ભજન નહીં, આખુંય આલ્બમ શોધીને સાંભળવું પડે. ક્યાંય ના મળે તો યુટ્યુબ તો છે જ.

1979માં ગુલઝારની એક ફિલ્મ આવી હતી – ‘મીરા’. હેમા માલિની અને વિનોદ ખન્નાની સાથે શ્રીરામ લાગૂ, શમ્મી કપૂર, દીના પાઠક, વિદ્યા સિંહા, ભારત ભૂષણ અને અમજદ ખાન જેવી જબરજસ્ત સ્ટારકાસ્ટ હતી. ગુલઝારસા’બનો આ એકદમ પેટ પ્રોજેક્ટ હતો. પ્રોડ્યુસર હતા પ્રેમજી જેમણે અગાઉ રાજ ખોસલા દિગ્દર્શિત ‘મેરા સાયા’ (1966)થી લઈને રાજેશ ખન્નાવાળી ‘દુશ્મન’ (1971), ધર્મેન્દ્ર વાળી ‘દોસ્ત’ અને બચ્ચનજીવાળી ‘મજબૂર’ (બંને 1974) જેવી સુપર હિટ ફિલ્મો પ્રોડ્યુસ કરી હતી. ગુલઝાર તો ગુલઝાર જ હતા. છતાં ફિલ્મ બહુ નબળી બની. થોડા મહિના પહેલાં જ એની ડીવીડી મગાવીને જોઈ હતી. એની વે, બને એવું.

ગુલઝારની ઇચ્છા હતી કે બૉક્સ ઑફિસ સુપરહિટ થવાની ગેરન્ટી મળે એટલે આ ફિલ્મમાં લક્ષ્મીકાંત-પ્યારેલાલ મીરાંના ભજનો સ્વરબદ્ધ કરે અને લતા મંગેશકર મીરાંના ભજન ગાય. લતાજીએ ના પાડી દીધી: ભાઈએ કંપોઝ કરેલાં મીરાંનાં ભજનોનું પ્રાઇવેટ આલબમ તૈયાર થઈ રહ્યું છે. ફિલ્મમાં ગાઇશ તો લોકોના મનમાં ફિલ્મનું આલબમ છવાઈ જશે અને ભાઈના આલબમનો કોઈ ભાવ પણ નહીં પૂછે. (લતાજીની વાત સાચી હતી અને વાજબી હતી).

લક્ષ્મીજી-પ્યારેજી તો બાળકો હતાં ત્યારથી લતા મંગેશકરે બનાવેલા સંગીત ગ્રુપના કળાકારો હતા અને આ લાજવાબ જોડીની શરૂઆતનાં વર્ષોની મેગા સફળતા (‘પારસમણિ’, ‘દોસ્તી’ વગેરેમાં) લતાજીનાં ગીતોનો ઘણો મોટો ફાળો હતો. ઇનફેક્ટ, એ પછી પણ લતાજીએ અનેક સુપરહિટ ગીતો એમના માટે ગાયાં હતાં. લતાજીએ ના પાડી એટલે એલ.પી. પણ પાણીમાં બેસી જાય એ સ્વાભાવિક હતું.

ગુલઝારે આર.ડી. બર્મનને વાત કરી. આર.ડી.એ. કહ્યું કે લતાજીએ ના પાડી છે તો આશાજી પણ નહીં ગાય અને આશાજીને નારાજ કરીને હું તમારી સાથે કામ કરું તો ફૅમિલી મેટર ઊભી થાય.

કળાકાર પોતાની કળામાં ખોવાઈ ન જાય ત્યાં સુધી કશું થઈ શકે નહીં:લતા મંગેશકર

આ બાજુ ફિલ્મનો પ્રોજેક્ટ લંબાતો જતો હતો. લતાજીના નકાર પછી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તો કોઈ ખમતીધર અને ટેલન્ટેડ સંગીતકાર આ પ્રોજેક્ટમાં જોડાય એવી કોઈ શક્યતા રહી નહોતી. મોટા મોટા સ્ટાર્સની ડેટ્સ લેવાતી, વપરાયા વિનાની રહેતી, ફરી લેવાતી.

છેવટે નક્કી થયું કે વિખ્યાત સિતારવાદક પંડિત રવિશંકર પાસે ‘મીરાં’નું સંગીત કરાવડાવવું. પંડિતજીએ બે દાયકા પહેલાં ચેતન આનંદની પ્રથમ ફિલ્મ ‘નીચા નગર’ (1946)માં મ્યુઝિક આપ્યું હતું. આ ઉપરાંત સત્યજિત રાયની અપુ ટ્રિયોલોજીની ત્રણેય ફિલ્મો (‘પાથેર પાંચાલી’, ‘અપરાજિતો’ અને ‘ધ વર્લ્ડ ઑફ અપુ’ : 1955-1959) માટે પં.રવિશંકરે સંગીત કમ્પોઝ કર્યું હતું. પંડિતજીએ ઋષિકેશ મુખર્જીની ‘અનુપમા’ (1960) માટે સંગીત આપ્યું હતું જેમાંનાં પાંચમાંથી ચાર ગીતો લતાજીએ ગાયાં હતાં.

પંડિત રવિશંકર અમેરિકા હતા. ગુલઝારે ફોન પર વાત કરી. રવિશંકરજી કહે કે સ્ક્રિપ્ટ મોકલી આપો પછી હા કે ના કહું. ગુલઝાર પોતે સ્ક્રિપ્ટ લઈને ઉપડી ગયા અમેરિકા. ગુલઝારની એ પ્રથમ વિદેશયાત્રા. સ્ક્રિપ્ટ સાંભળીને રવિશંકર કહે કે લતાજીએ આ પ્રોજેક્ટમાં જોડાવાની ના પાડી છે એટલે મારે જાણી લેવું જોઈએ કે હું આ પ્રોજેક્ટ કરું તો એમને કોઈ વાંધો તો નથી ને. ગુલઝાર પર પાછી આપત્તિ. લતાજી તે વખતે અમેરિકામાં જ કન્સર્ટ ટુર પર હતાં. ગુલઝારે લતાજીને શોધીને ફોન કર્યો અને પંડિતજીએ કહેલી વાત કરી. લતાજીએ કહ્યું કે જરૂર, પંડિતજીને કહો કે મને ફોન કરે.

પંડિતજીને કહેવાય કેવી રીતે કે જાઓ, જઈને લતાજીને ફોન કરી આવો, પરમિશન મળી જશે. એક બાજુ લતાજી, બીજી બાજુ પંડિત રવિશંકર. છેવટે પંડિતજી અને લતાજીએ ફોન પર વાત કરી. પ્રોજેક્ટ આગળ ચાલ્યો. એક પછી એક સિચ્યુએશન પર ધૂન તૈયાર થતી ગઈ. મુંબઈ આવીને પંડિતજીએ તમામ ગીતો રેકોર્ડ કરવાનું નક્કી કર્યું. પણ ગવડાવવું કોની પાસે? વાણી જયરામનું નામ સજેસ્ટ થયું. ઋષિકેશ મુખર્જીની ‘ગુડ્ડી’ (1971) ફિલ્મની સ્ટોરી ગુલઝારની હતી, સ્ક્રિનપ્લે-સંવાદમાં પણ એમનો મોટો હિસ્સો હતો અને ગીતો પણ ગુલઝારે જ લખ્યાં હતાં જેમાંનું ‘બોલે રે પપીહરા’ વાણી જયરામ પાસે ગવડાવ્યું હતું. ‘મીરાં’ ફિલ્મનાં તમામ 12 ભજન વાણી જયરામના કંઠે રેકોર્ડ થયાં. વાણી જયરામને બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગરનાં ‘ફિલ્મફેર’ અવોર્ડ મળ્યો. પણ ફિલ્મ ન ચાલી, એનું સંગીત પણ ન ચાલ્યું. આજે ગુલઝારસા’બની મીરાને કોઈ યાદ કરતું નથી. લતાજીએ ‘ચલા વાહી દેસ’ પ્રાઇવેટ આલ્બમમાં ગાયેલાં તમામ ભજનો પચાસ વર્ષ પછી આજે પણ સંભળાય છે, સાંભળનારને આધ્યાત્મિકતાની ઊંચાઈએ લઈ જાય છે.

‘ચલા વાહી દેસ’ની વાત કરતાં લતા મંગેશકરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું છેઃ
‘આજે પણ મને લાગી રહ્યું છે કે જ્યાં સુધી કળાકાર પોતાની કળામાં ખોવાઈ ન જાય ત્યાં સુધી કશું થઈ શકે નહીં. એક કિસ્સો હું તમને સંભળાવું. આ એ વખતની વાત છે જ્યારે મીરાંના ભજનોના આલ્બમ ‘ચલા વાહી દેસ’નું રેકૉર્ડિંગ થઈ રહ્યું હતું. એ વખતે હું સખત બીમાર હતી. ‘ચલા વાહી દેસ’નું રેકૉર્ડિંગ પૂરા આઠ દિવસ સુધી ચાલ્યું હતું. એ વખતે મેં ફિલ્મોને લગતું બધું કામ બંધ કરી દીધું હતું. માત્ર ‘ચલા વાહી દેસ’ પર જ મારું બધું ધ્યાન કેન્દ્રિત કરેલું. જે દિવસે છેલ્લું રેકૉર્ડિંગ પૂરું થયું એ પછી તરત જ મને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી અને બીજે દિવસે મારું ઑપરેશન થયું… હું તમને કહી નથી શકતી કે એ વખતે ગાતી વખતે મને એટલી પીડા થતી હતી કે એને યાદ કરીને આજે પણ મને કમકમા આવે છે. પણ મારી એ શારીરિક પીડાની કોઈ ઝલક તમને મારા ગાવામાં જોવા નહીં મળે. ‘ચલા વાહી દેસ’ વખતે જેટલી બિમાર હતી એટલી માંદગીમાં મેં ક્યારેય કોઈ રેકૉર્ડિંગ કે શો નથી કર્યાં. મને યાદ છે કે એ વખતે રેકૉર્ડિંગમાં પંડિત નરેન્દ્ર શર્મા બેસતા હતા અને મને ગાતાં સાંભળતા. બધું રેકૉર્ડિંગ પૂરું થઈ ગયા પછી હું પંડિતજીને મળી ત્યારે એમની આંખમાં આંસુ હતાં. એમણે રેકોર્ડિંગના ગાળામાં ભયંકર દર્દથી હું કણસતી હોઉં એવું વારંવાર જોયું હતું. એમણે મને કહ્યું: ‘તેં કઈ હાલતમાં ગાયું, બેટા. કોઈનેય ખબર નહીં પડે કે આટલાં સુંદર ભજનો ગાતી વખતે લતાએ કેટલી તકલીફો સહન કરી છે.’

એટલે જ હું વિચારું છું કે કોઈ પણ કળાના સર્જન પછી માત્ર એ કળા જ યાદ રહી જતી હોય છે. બાકીનું બધું ગૌણ બની જતું હોય છે. કોઈ પણ વ્યક્તિ જો પોતાની કળામાં મહાન બનવા માગતી હોય તો એણે બાકીની બધી જ દુન્યવી વાતો છોડી દેવી પડશે. એ ત્યાગ વિના કંઈ નહીં થાય અને આ બધી વાતો કંઈક અંશે દેવકૃપા પર પણ નિર્ભર છે જેને કારણે આવું કરવાની આંતરિક શક્તિ આપણામાં સર્જાતી હોય છે. આ બહુ જ સાહજિક અને નૈસર્ગિક વાત છે, આયાસપૂર્વક આવું નથી થતું હોતું.’

લતાજીએ 1983માં ‘રામ રતન ધન પાયો’ નામથી એક આલબમ રેકૉર્ડ કર્યું. ભગવાન રામની આરાધના કરતાં ભજનોઃ ઠુમક ચલત રામચંદ્ર બાજે પૈજનિયાં, શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન ઉપરાંત વૈષ્ણવ જન અને જય જગદીશ હરેની આરતી પણ એમાં હતી.
લતાજીએ ભગવદ્ ગીતાના ત્રણ અધ્યાય રેકૉર્ડ કર્યા પણ એમાંથી બે જ એલ.પીમાં સમાવી શકાયા. રામચરિત માનસની કેટલીક ચોપાઈઓ અને દુહાઓનું ગાન કર્યું છે. હનુમાન ચાલીસા પણ એમના સ્વરમાં ઉપલબ્ધ છે. ગુરુબાનીનું આલ્બમ પણ છે.

સાચું પૂછો તો એમનાં ગયાં પછી એમનાં ગીતો સાંભળવાનો મૂડ નથી આવતો. હજુ મનમાં શોકનો જ માહોલ છે.

પ્રાઇવેટ આલ્બમોમાં જગજિત સિંહ સાથે ગાયેલી ગઝલો ‘સજદા’માં છે અને 1994માં શ્રદ્ધાંજલિમાં એમણે પોતાને ગમતા મેલ અને ફીમેલ પ્લેબેક સિંગર્સનાં ફિલ્મી ગીતો ગાયાં છે જેમકેઃ કિશોરકુમારનાં `કોઈ હમદમ ના રહા’, ‘યે જીવન હૈ’, ‘ઓ મેરે દિલ કે ચેન’ અને બીજા કેટલાંક. ગીતા દત્તનાં ‘વક્તને કિયા ક્યા હસીં સિતમ’ અને ‘કોઈ દૂર સે આવાઝ દે’. હેમન્તકુમારનાં ‘યે નયન ડરે ડરે’, ‘તુમ પુકાર લો’. મૂકેશનાં ‘ચલ રી સજની’, ‘આંસુ ભરી હૈ’ અને ‘કહીં દૂર જબ’. મોહમ્મદ રફીનાં ‘સુહાની રાત ઢલ ચૂકી’, ‘દિન ઢલ જાયે’, ‘મન રે તૂ કાહે’ અને આ ઉપરાંત કે. એલ. સાયગલ (સો જા રાજકુમારી) તથા પંકજ મલિકને (પિયા મિલન કો જાના) પણ યાદ કર્યા છે. આ ગીતો ગાઈને એમણે કારકિર્દીની સુવર્ણ જયંતિની ઉજવણીના અવસરને પોતાનો આગવો સ્પર્શ આપ્યો.

અફકોર્સ, ફિલ્મનાં ગીતો લતા મંગેશકરના જીવનનું સૌથી મોટું કામ અને કેવું ગંજાવર કામ! એમનાં ટૉપ ટેન નહીં ટૉપ હન્ડ્રેડ ગીતોની સૂચિ બનાવવાનું કામ પણ દુષ્કર બની જાય. કદાચ ટૉપ થાઉઝન્ડની યાદી બનાવવી પડે. સાચું પૂછો તો એમનાં ગયાં પછી એમનાં ગીતો સાંભળવાનો મૂડ નથી આવતો. હજુ મનમાં શોકનો જ માહોલ છે. શોક ઉતરશે પછી ગીતો સાંભળવાનો આનંદ લઈશું. અત્યારે આનંદનું વાતાવરણ નહીં સર્જી શકીએ.

લતાજી જીવનને માણતા હતા. ટીવી પર ‘સીઆઈડી’ સિરિયલની બોલબોલા હતી એ ગાળામાં,આજથી એક-દોઢ દાયકા પહેલાં – એ નિયમિત આ સિરિયલ જોતા અને એમને એ એટલી બધી ગમતી કે એક દિવસ સિરિયલના મુખ્ય અદાકાર શિવાજી સાટમ અને એમના આસિસ્ટન્ટ ‘દયા’ સહિતની આખી ટીમને એમણે પોતાના ઘરે જમવા બોલાવી હતી. એ પ્રસંગે લતાજી હાથમાં રિવોલ્વર પકડીને સૌને હસાવી રહ્યા છે એવી તસવીર મળી જાય તો તમે જોજો. લતાજીને વળી રિવોલ્વર પકડતાં ક્યાંથી આવડે! હાથમાં માઇક પકડ્યું છે એવું લાગે.

ફિલ્મો જોતાં, ખૂબ જોતા. પણ પોતે જેમાં ગાયું હોય એવી બધી જ ફિલ્મો જોવાની તો ફુરસદ ક્યાંથી હોય. એક વખત એમણે કહ્યું હતું કે ‘રેડિયો પર હું મારું ગીત નથી સાંભળી શકતી. ગમે એટલું સુપરહિટ ગીત હોય તો પણ મને સાંભળતી વખતે લાગે કે આ જગ્યાએ મેં આના કરતાં આ રીતે ગાયું હોત તો વધારે સારું થાત.’

‘કોઈ ગીત ગાયું હોય અને હિટ પણ થયું હોય છતાં ન ગમતું હોય એવું ખરું?’

‘મેરા ગાંવ મેરા દેશ’નું ‘આયા આયા અટરિયા પે કોઈ ચોર’ એ ગીત મને બિલકુલ નથી ગમતું,’ કહીને લતાજી હસી પડે છે.

સાઇઠ-પાંસઠની ઉંમર પછી લતાજી ભાગ્યે જ થિયેટરમાં જઈને ફિલ્મો જોતા. એ પહેલાં ખૂબ ફિલ્મો જોઈ, ખાસ કરીને અંગ્રેજી ફિલ્મો. પોતાના મનગમતા હૉલિવૂડ હીરો-હીરોઇનની ફિલ્મો જોવા ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં પહોંચી જતા. ‘સાઉન્ડ ઑફ મ્યુઝિક’, ‘ગન્સ ઑફ નેવરોન’, ‘મેગનિફિસન્ટ સેવન’, ‘ડૉ.ઝિવાગો’, ‘ટેન કમાન્ડમેન્ટ્સ’ જેવી બીજી અનેક ફિલ્મો એમની મનગમતી હતી.પીટર ઉસ્તિનોવ, ગ્રેગરી પેક, ઇન્ગ્રિડ બર્ગમેન એમનાં મનગમતાં હીરો-હીરોઇન. લતાજી કહે છેઃ
‘મને જેમ્સ બૉન્ડની ફિલ્મો પહેલેથી જ બહુ ગમે. જેમ્સ બૉન્ડ તરીકે મને શોન કોનેરી અને પછી રોજર મૂર સારા લાગતા.’

અમારું પણ આવું જ છે. શોન કોનેરી તો માત્ર જેમ્સ બૉન્ડ તરીકે જ નહીં નૉન-બૉન્ડ ફિલ્મોમાં પણ બહુ ગમેઃ ‘ફાઇન્ડિંગ ફોરેસ્ટર’, ‘ધ અનટચેબલ્સ’. પણ બેસ્ટ બૉન્ડ તો ડેનિયલ ક્રેગ જ!

કયા સંગીતકાર માટે ગાયેલું કયું એક ગીત પોતાને સૌથી વધારે ગમે છે એ વિશે લતાજીએ અગાઉ ક્યારેય વાત કરી નથી. એક ઇન્ટરવ્યુમાં એમણે પહેલવહેલી વાર કરી. પૂરી યાદી નથી મૂકવી, થોડાંક નામ જોઈ લઈએ.

નૌશાદ માટે ગાયેલું શ્રેષ્ઠ ગીત કયું?

‘બેક્સ પે કરમ કીજીએ સરકાર-એ-મદીના (મોગલ-એ-આઝમ).

સી. રામચન્દ્ર?

‘યે ઝિન્દગી ઉસી કી હૈ’
(અનારકલી)

મદન મોહન?

‘રસ્મે ઉલફત કો નિભાએ
તો નિભાએં કૈસે’ (‘દિલ કી રાહેં’)

મદનમોહને કંપોઝ કરેલું ગઝલ સિવાયનું ગીત?

‘લગ જા ગલે કે ફિર યે હંસી રાત હો ન હો’ (વો કૌન થી)

એસ.ડી. બર્મન?

‘રૂલા કે ગયા સપના મેરા’ (જ્વેલ થીફ)

રોશન?

‘દુનિયા કરે સવાલ તો હમ ક્યા જવાબ દે?’ (બહુ બેગમ)

ખય્યામ?

‘અપને આપ રાતોં મેં ચિલમનેં સરકતી હૈ’ (શંકર હુસૈન)

શંકર જયકિશન?

‘મૈં પિયા તેરી તૂ માને યા ન માને’ (બસતી બહાર)

વસંત દેસાઈ ?

‘ઐ માલિક તેરે બંદે હમ’ (દો આંખે બારહ હાથ)

હેમંતકુમાર?

‘કુછ દિલને કહા, ઐસી ભી બાતેં હોતી હૈ’ (અનુપમા)

ગુલામ મોહમ્મદ?

‘ચલતે ચલતે યૂં હી કોઈ મિલ ગયા થા’ (પાકિઝા)

જયદેવ?

‘યે દિલ ઔર ઉનકી નિગાહોં કે સાયે’ (પ્રેમ પર્બત)

સુધીર ફડકે?

જ્યોતિ કલશ છલકે (ભાભી કી ચૂડિયાં)

આર.ડી. બર્મન?

‘તુઝ સે નારાઝ નહીં ઝિન્દગી, હૈરાન હૂં મૈં’ (માસૂમ)

રાજેશ રોશન?
‘યે રાતેં નયી પુરાની, આતે આતે-જાતે કહતી હૈ કોઈ કહાની’ (જુલી)

શિવ-હરિ?

‘યે કહાં આ ગયે હમ, યૂં હી સાથ ચલતે ચલતે’ (સિલસિલા)

રામ-લક્ષ્મણ
‘દિલ દીવાના બિન સજના કે માને ના (મૈંને પ્યાર કિયા)

જતીન-લલિત?
‘મેરે ખ્વાબોં મેં જો આયે’ (દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે)

આ લિસ્ટ કમ્પલીટ નથી. હજુ બીજા લગભગ બે ડઝન જેટલા સંગીતકારો માટે ગાયેલાં શ્રેષ્ઠ ગીતોનો ઉલ્લેખ લતાજીએ કર્યો છે.

આપણે આગળ વધીએ.
રાધર, આજની વાત પૂરી કરીએ. લતાજીએ બંગાળી, મરાઠી, પંજાબી, ડોગરી, અસમી, ભોજપુરી અને ગુજરાતીમાં પોતે ગાયેલાં ગીતોમાંથી પોતાને ગમતું એક-એક ગીત કયું એની યાદી આપી છે.

ગુજરાતી ગીત કયું હશે?

‘મહેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે, મહેંદી રંગ લાગ્યો રે…’

સાંભળવું છે?

આ રહી લિન્ક.

•••

આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

6 COMMENTS

  1. Awesome collection of Lataji
    1st time we came to know that she loves English movie specially of James Bond.

  2. Sir, Very nice narration about respectable Latadidi , many songs she declared her favourites with different musician are also choice of me too.ultimately its nice information you share with us sir.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here