કર્તવ્યપથ પર જે કંઈ મળે, આ પણ ઠીક તે પણ ઠીક

ગુડ મૉર્નિંગસૌરભ શાહ

૧૯૮૪ની ૩૧મી ઑક્ટોબરની સવારે વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના જ ઘરમાં એમના અંગરક્ષકોએ એમની હત્યા કરી. રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલ સિંહ (જેમણે ‘ઇન્દિરાજી કહે તો હું ઝાડુ મારવા તૈયાર છું’ એવું વિધાન કરીને પોતાની વફાદારી જાહેરમાં વ્યક્ત કરી હતી) એ જ દિવસે, ગણતરીના કલાકોમાં ઇન્દિરાજીના ૪૦ વર્ષના પુત્રરત્ન રાજીવ ગાંધીને ભારતના નવા વડા પ્રધાન બનાવી દે છે.

ઈન્ડિયન ઍરલાઈન્સના પાઈલટ તરીકેની નોકરી કરતા રાજીવ ગાંધીને ન તો પોલિટિક્સમાં રસ હતો, ન એવી કોઈ આવડત હતી. એમના નાના ભાઈ સંજય ગાંધી આ બધી બાબતોમાં ઉસ્તાદ હતા. ખેપાની સંજય ગાંધી પોતાની ડિક્ટેટર મિજાજની માતાજીના ઉત્તરાધિકારી બનશે એ વાત ઈમરજન્સીના વર્ષો (૧૯૭૫-૧૯૭૭) દરમ્યાન સ્થપાઈ ગઈ હતી. ઇન્દિરાજીના કમનસીબે એમનો આ વારસદાર બની શકે એવો પુત્ર ૨૩ જૂન, ૧૯૮૦ના રોજ નાનકડું પ્રાઈવેટ પ્લેન ઉડાડતાં અકસ્માતમાં મૃત્યુ પામે છે. એ વખતે ગુજરાતી પત્રકારત્વના ભીષ્મ પિતામહ હસમુખ ગાંધીએ આગાહી કરી હતી કે ઇન્દિરા ગાંધી હવે પોતાના મોટા પુત્ર રાજીવ ગાંધીને વારસદાર બનાવશે અને આ સાંભળીને ગાંધીભાઈના પત્રકાર સાથીઓ એમની હાંસી ઉડાવતા હતા, પણ ગાંધીભાઈની આગાહી સાચી પડી. રાજીવ ગાંધીના રાજકારણપ્રવેશની તૈયારીરૂપે એમને કૉન્ગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા. એ વખતે ‘ઈન્ડિયા ટુડે’એ માથે ગાંધીટોપી ગોઠવતા રાજીવ ગાંધીની તસવીરવાળું કવરપેજ છાપીને મથાળું બાંધ્યું હતું: વિલ ધ કૅપ ફિટ? ઑગસ્ટ ૧૯૮૧માં એમને સંજયની ખાલી પડેલી અમેઠીની બેઠક પરથી ચૂંટણી લડાવીને લોકસભામાં મોકલવામાં આવ્યા.

૧૯૯૧માં રાજીવ ગાંધીની હત્યા થઈ ત્યારે હસમુખ ગાંધીએ ફરી એક વાર આગાહી કરી હતી કે રાજીવજીનાં વિધવા સોનિયા ગાંધી હવે પોલિટિક્સમાં આવશે અને ફરી એક વાર ગાંધીભાઈના પત્રકાર સાથીઓએ ગાંધીભાઈને સિનિક કહ્યા હતા.

ઇન્દિરા ગાંધીની હત્યાના શોકમાં આખો દેશ ડૂબીને ગરકાવ હતો. નવેમ્બરમાં જનરલ ઈલેક્શન્સ અનાઉન્સ થયાં. ૬ એપ્રિલ, ૧૯૮૦ના રોજ જન્મેલી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે અટલ બિહારી વાજપેયીએ ફરી એક વાર ગ્વાલિયરથી લડવું એવું નક્કી થયું. ભાજપ આમ તો જનસંઘનો જ નવો અવતાર છે એ દેશ માટે ગૌરવની વાત છે (સેક્યુલરો અને લેફ્ટિસ્ટો જે કહે તે, પેઈડ મીડિયા પણ જે કહે તે). અને જનસંઘનાં મૂળિયાં આર.એસ.એસ. જેવા રાષ્ટ્રવાદી સંગઠનમાં છે એ તો વળી વધુ ગૌરવની વાત છે. વાજપેયીના રાષ્ટ્રવાદને આર.એસ.એસે. જ ઉછેર્યો, સંવાર્યો. ૧૯૭૭માં જયપ્રકાશ નારાયણ અને મોરારજી દેસાઈના નેતૃત્વ હેઠળ જનતા પાર્ટી બની જેમાં પાંચ પક્ષોનું વિલીનીકરણ થયું તેમાં એક જનસંઘ હતો. તે વખતે વાજપેયીએ કહેલું, ‘સવેરા હો ગયા હૈ, અબ દીપક કી કોઈ જરૂરત નહીં.’ જનસંઘનું ચૂંટણી પ્રતીક દીવડો હતું.

પણ ચૌધરી ચરણ સિંહ સહિતના બીજા અડધો-પોણો ડઝન અક્ષમ, લાલચુ તથા સ્વાર્થી નેતાજીઓની ખેંચતાણમાં જનતા પાર્ટી ભાંગી, મોરારજીભાઈ જેવા આદરણીય, મક્કમ તથા પ્રામાણિક અને સ્વચ્છ છબી ધરાવતા સિનિયર મોસ્ટ રાજપુરુષ પણ એને બચાવી શક્યા નહીં. જનતા પાર્ટીના સ્વાર્થી નેતાઓને જનસંઘમાંથી આવેલા નેતાઓની લોકપ્રિયતા ખૂંચતી હતી. પોતાને સેક્યુલર તરીકે સ્થાપીને કૉન્ગ્રેસની મુસ્લિમ વોટ બૅન્ક પડાવી લેવાના અભરખા રાખતા એ નેતાઓએ મૂળ જનસંઘના એવા વાજપેયી-અડવાણી વગેરે નેતાઓ સામે ડ્યુઅલ મેમ્બરશિપનો મુદ્દો ઊભો કર્યો. બેવડું સભ્યપદ એટલે? તમે જો જનતા પાર્ટીના સદસ્ય હો તો તમે આર.એસ.એસ.ના સભ્ય ન હોઈ શકો. આ એક તદ્ન હવામાંથી ઊભો કરવામાં આવેલો વિવાદ હતો. મૂળ જનસંઘના નેતાઓને નબળા પાડવાની ચાલ હતી. બાકી જનતા પાર્ટી એક રાજકીય પક્ષ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એક સામાજિક સંગઠન – બંને વચ્ચે ન તો કોઈ સ્પર્ધા, ન કોઈ સામ્યતા. તમે લાયન્સ ક્લબના સભ્ય હો તો તમે તમારી સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના એસોસિયેશનના સભ્ય ન હોઈ શકો એવી કોઈ વાત કરે અને તે જેટલી હાસ્યાસ્પદ લાગે એવી જ વિચિત્ર વાત આ ‘ડ્યુઅલ મેમ્બરશિપ’ના વિવાદની હતી.

ભૂતપૂર્વ જનસંઘના સભ્યો સમજી ગયા. કોઈ પોતાના પિયરસમા આરએસએસને છોડવા તૈયાર નહોતું. સૌએ જનતા પાર્ટી છોડી. આમેય જનતા પાર્ટી તૂટી જ રહી હતી. સ્વાર્થી નેતાઓના શંભુમેળાએ ૧૯૮૦માં હારીને ઇન્દિરા ગાંધીને સત્તા તાસક પર ધરી દીધી. એ જ વર્ષે વાજપેયી-અડવાણીના નેતૃત્વ હેઠળ ભાજપની સ્થાપના થઈ અને વાજપેયીએ ઘોષણા કરી: કમલ ખિલેગા.

ભાજપને નવા પક્ષના ચૂંટણીચિહ્ન માટે એક પ્રતીક જોઈતું હતું, જેથી તે પોતાના નવા ઝંડામાં મૂકી શકે. ચૂંટણી પંચે કહ્યું કે એ બધી પ્રોસિજરમાં વખત લાગશે. નવા પક્ષને તાબડતોબ પ્રતીક નહીં આપી શકીએ. અડવાણી પ્રતિનિધિમંડળને લઈને મુખ્ય ચૂંટણી કમિશનરને મળવા ગયા. અડવાણીને કહેવામાં આવ્યું કે અપક્ષો માટે જે સિમ્બોલ્સ ચૂંટણી પંચે રાખ્યા છે તેમાંથી તમે એક પસંદ કરી લો. તમારી સગવડતા માટે એ પ્રતીક અમે કોઈ અપક્ષને નહીં ફાળવીએ અને દેશભરમાં માત્ર ભાજપના જ ઉમેદવારને એ પ્રતીક આપીશું એવી બાંહેધરી આપીએ છીએ. અડવાણીએ છત્રીથી લઈને ફાનસ સુધીના બીજાં ઘણાં પ્રતીકો જે અપક્ષોને ફાળવવા માટેનાં હતાં તે જોયાં ને રિજેક્ટ કર્યાં. પછી એમની નજર કમળ પર પડી. એમણે કહ્યું કે અમને આ પ્રતીક આપી દો. ચૂંટણી પંચે હા પાડી. અડવાણીએ કહ્યું કે: પણ એક દિક્કત છે. શું? તો કહે: અપક્ષો માટેનાં પ્રતીકોમાં બીજું એક ફૂલ પણ છે – ગુલાબ જેનું ચિત્ર કમળને મળતું આવે છે તો મતદારોમાં ગેરસમજ થવાનો સંભવ છે માટે ગુલાબ કોઈને ફાળવવામાં ન આવે એવી વિનંતી છે. ચૂંટણી પંચે એ વિનંતી માન્ય રાખીને ગુલાબના ફૂલને પ્રતીકોની યાદીમાંથી જ કૅન્સલ કરી નાખ્યું.

૧૯૮૪માં ભાજપ પહેલવહેલી વાર લોકસભાની ચૂંટણી લડે છે. ભાજપના પ્રમુખ અટલ બિહારી વાજપેયી અગાઉ જનતા પાર્ટી તેમ જ જનસંઘમાંથી ચૂંટણી લડીને સંસદસભ્ય બની ચૂકેલા અતિ લોકપ્રિય રાષ્ટ્રીય નેતા છે.

૧૯૫૭ અને ૧૯૬૭માં બલરામપુરથી તથા ૧૯૭૭ અને ૧૯૮૦માં નવી દિલ્હીથી ચૂંટાઈને સંસદસભ્ય બની ચૂક્યા છે. ૧૯૭૧માં ગ્વાલિયરમાંથી ચૂંટાયા છે. આ વખતે ગ્વાલિયરમાં કૉન્ગ્રેસ એમની સામે વિદ્યા રાઝદાનને ઊભા રાખશે એવું નક્કી હતું. વાજપેયીની જીત નિશ્ર્ચિત હતી, પણ છેક છેલ્લી ઘડીએ બાજી પલટાઈ ગઈ.

વધુ આવતી કાલે.

આજનો વિચાર

ન હાર મેં
ન જીત મેં,
કિંચિત નહીં ભયભીત મૈં,
કર્તવ્ય પથ પર જો ભી મિલે
યે ભી સહી, વો ભી સહી.

કવિ શિવ મંગલ સિંહ ‘સુમન’ (૧૯૧૫-૨૦૦૨)

( મુંબઇ સમાચાર : બુધવાર, 22 ઓગસ્ટ 2018)

4 COMMENTS

  1. અટલજી ના રાજકીય ઇતિહાસ વિશે માહિતી જાણવાની ખરેખર મજા આવી રહી છે.
    નિયમિત રીતે વંચાતું નથી.પણ સમય મળે તેમ વાંચી લઉં છું.
    આભાર.

  2. ..સસ્પેન્સ ડ્રામા !
    ૧૯૫૭,૬૭,૭૧,૭૬ ને ૮૦માં સંસદમાં પહોંચેલા બાજપેયી, ૮૪માં કેવી રીતે હાર્યા એનો રસપ્રદ પ્લોટ, સૌરભભાઈ !!
    રજૂઆતમા મઝા પડી ગઈ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here