આપણી આસપાસ ગઈકાલે કેવા લોકો હતા? આજે કોણ કોણ છે?

લાઉડમાઉથ:સૌરભ શાહ

(બુધવાર, ૧૨ ડિસેમ્બર ૨૦૧૮, ‘અર્ધ સાપ્તાહિક’ પૂર્તિ, સંદેશ)

આપણે જે કંઈ છીએ એમાં આપણી આસપાસના વાતાવરણનો ઘણો મોટો ફાળો છે. નાનપણમાં જે માબાપે આપણને ઉછેર્યા, જે કુટુંબમાં આપણે મોટા થયા, જે વડીલો અને સગાંવહાલાંઓ પાસેથી આપણે શીખ્યા, જ્યાં રહેતા હતા તે પરિસરના આડોશપાડોશના કેટલાય લોકોના સંસ્કાર ઝીલ્યા, શાળા-કોલેજના અભ્યાસ દરમિયાન દોસ્તારો-શિક્ષકો પાસેથી કેટલું બધું મેળવ્યું- આ બધાને કારણે આપણે ઘડાયા. આપણી આસપાસના વાતાવરણે આપણને ઘડવામાં મોટો ભાગ ભજવ્યો. આપણી આસપાસનું વાતાવરણ આપણા વ્યક્તિત્વને એના રંગે રંગી દેતું હોય છે. આપણા વ્યક્તિત્વમાં એ વાતાવરણ છલકાતું થઈ જાય છે, આપણે ક્રમશઃ આપણી આસપાસના વાતાવરણ જેવા બનતા જઈએ છીએ.

અને આ જ મોટું ભયસ્થાન છે. આપણા વિકાસને રૃંધી નાખતું સૌથી મોટું ફેક્ટર પણ આ જ છે. આપણે મુઠ્ઠી ઊંચેરા બનવું હશે તો આપણી આસપાસનું (ફિઝિકલ તેમ જ મેન્ટલ) વાતાવરણ છોડીને, આપણા કમ્ફર્ટ ઝોનને છોડીને અપરિચિત વિશ્વમાં પ્રવેશવું પડશે. જ્યાં જવામાં અસલામતી લાગતી હોય, જ્યાં જઈશું તો આપણું શું થશે એની અનિશ્ચિતતા હોય એવા વાતાવરણમાં પ્રવેશવું પડશે. જ્યાં ગયા પછી કોઈ પરિચિત નહીં હોય, કોઈ આપણી સાથે સહાનુભૂતિથી વર્તનારું નહીં હોય એવું બની શકે છે. જ્યાં ગયા પછી લેફટ આઉટ થઈ ગયાની, એકલા પડી ગયા હોવાની લાગણી મહેસૂલ થઈ શકે છે. જ્યાં ગયા પછી લોકો તમને રિડિક્યુલ કરશે, તમારી મજાક ઉડાવશે, તમારા આગમનને વધાવી લેવાને બદલે તમને રોકવાની કોશિશ કરશે એવો ભય સાચો પડી પણ શકે.

આમ છતાં તમારે એ જોખમ ઉઠાવવું જ પડે. તમારે એટલી હિંમત તો રાખવી જ પડે કે જે છે એ તમારી કનેથી જતું રહેશે અને જે પામવાની ઈચ્છા રાખીએ છીએ તે દૂર દૂર સુધી નજરે પણ નહીં પડે. રિસ્ક છે. બધામાં છે, કંઈપણ કરીએ એમાં છે. લેવું જ પડે.

સૌથી મોટો ડર એ હોય છે કે આપણી આસપાસના વાતાવરણને છોડી દઈશું તો લોકો તમને સંભળાવશેઃ બહુ મોટા થઈ ગયા ને તમે! હવે તો અમારી સામું જોતાં પણ નથી ને!

તમારે સમજવું જોઈએ કે ગઈ કાલે તમે તમારી નાનકડી દુકાન ચલાવતા હતા, સવારથી સાંજ ગલ્લા પર બેસીને દરેક ગ્રાહકને એની જરૂર મુજબનો માલ વેચીને એને તમારા સારા સ્વભાવનો પરિચય કરાવતા હતા. જેથી ફરીવાર એ તમારી દુકાનમાં પગથિયાં ચડે. પણ હવે આજે તમે ખૂબ મોટી ફેક્ટરી નાખી છે. ચોવીસે કલાક તમે એમાં ડૂબેલા છો. તમારું કામકાજ, તમારું જોખમ, તમારી અપોર્ચ્યુનિટીઝ આ બધામાં સો કે હજારગણો વધારો થઈ ગયો છે કે થવામાં છે. તમને હવે પેલી દુકાનના ગલ્લે બેસી રહેવું પોસાય એમ નથી. જે ગ્રાહકોની અવરજવરથી એક જમાનામાં તમને અને તમારા કુટુંબને બે ટંકની દાલરોટી મળી જતી એ ગ્રાહકોને મળવા જવાનો પણ તમારી પાસે સમય નથી.

અને સારું જ છે કે તમે એવો સમય કાઢતા નથી. અન્યથા તમારી ફેક્ટરીનું ધ્યાન કોણ રાખશે.

માણસે પ્રગતિ કરવી હશે તો એણે પોતાની આસપાસના વાતાવરણને છોડીને નવા વાતાવરણમાં જવું જ પડશે. હજુ વધારે આગળ વધવું હશે તો આ નવા વાતાવરણને ત્યજીને કોઈ ઔર નવા વાતાવરણમાં જઈને શ્વાસ લેવો પડશે. પચાસ, સાંઈઠ કે સિત્તેર વર્ષની ઉંમરે તમારે શારીરિક અને માનસિક રીતે યુથફુલ રહેવું હશે તો તમારે તમારી આસપાસ રહેલા લોકોમાંથી જેઓ સતત પોતાના વેવાઈઓની, પોતાની પુત્રવધૂઓની કે સ્કૂલ-કોલેજમાં જતાં થઈ ગયેલા પૌત્રો-પૌત્રીઓ કે દોહિત્રો-દોહિત્રીઓની પંચાત કર્યા કરતી ભીડને દૂર રાખવી પડશે. સતત જેઓ પોતાની કે બીજાઓની બીમારીઓ વિશે વાત કરતા હોય એમને તમારા સર્કલમાંથી કાઢીને સેફ ડિસ્ટન્સ પર રાખવા પડશે, પછી ભલે તેઓ તમારા ગમે એટલા જૂના પરિચિતો હોય.

તમારે નવાં સાહસો કરવાં હશે તો જેઓ નિષ્ફળતાઓને કારણે કે કાલ્પનિક ભયને કારણે હિંમત હારી ચૂકેલા છે એવા મિત્રોના વાતાવરણથી તમારે દૂર થઈ જવું પડશે, પછી ભલેને તમારે એમની સાથે ગાઢ લાગણીના સંબંધો હોય. તમારે નક્કી કરી લેવું પડે કે આ જિંદગીમાં છેવટ સુધી તમારે લાગણીવેડામાં જ પડયા રહેવું છે કે આ પછી જગતમાં જન્મ લીધો છે તો કંઈક કામ કરી બતાવવું છે.

અને સમજી લઈએ કે હસવાનું અને લોટ ફાકવાનું એક સાથે કદી નથી બનવાનું. જેઓ તમારી ઝડપે તમારી સાથે ચાલવા તૈયાર હોય અને સક્ષમ પણ હોય એમને સાથે લઈને ચાલીએ. અન્યથા બીજાઓ પોતાની મંદ ગતિ સાથે તમે તાલ મિલાવો એવા આશયથી તમને મ્હેણાં મારીને કે પછી ગમે તેમ કરીને તમારી તેજ ગતિને પોતાના જેવી બનાવી દેશે. નુકસાન તમારું થશે, એમનું નહીં.

તમારા વાતાવરણમાં સ્વાભાવિક રીતે જ તમને ગમતી વ્યક્તિઓ હોવાની, તમને પ્રિય વ્યક્તિઓ હોવાની, જેમની કંપની તમને ગમતી હોય, જેમની હૂંફ તમને શાતા આપતી હોય એવી વ્યક્તિઓ હોવાની. એમને છોડીને નવા વાતાવરણમાં જતી વખતે આપણને લાગશે કે આપણે સ્વાર્થી બની ગયા છીએ, કોઈનો દ્રોહ કરી રહ્યા છીએ, કોઈને વગર વાંકે તરછોડી રહ્યા છીએ. આવું લાગે એ સ્વાભાવિક છે. તમારા ગયા પછી આ લોકો મારા વિશે આપસમાં શું શું વાતો કરશે એની પણ તમને ખબર છે. પણ તમારે જો જીવનમાં આગળ વધવું હોય કે તમારે જો જ્યાં છો ત્યાં પડી ન રહેવું હોય તો તમારી આસપાસનું વાતાવરણ બદલ્યા વિના છૂટકો નથી. આફટરઓલ, અડધી ચડ્ડી અને કાણાંવાળું ગંજી પહેરીને ધૂળમાં લખોટી-ભમરડા વડે રમતાં તમારી આસપાસ જે વાતાવરણ હતું, જે લોકો હતા તેવું વાતાવરણ, તેવા લોકો આજે જ્યારે તમે એસી ઓફિસમાં કસ્ટમ મેડ સૂટ અને બીસ્પોક શૂઝ પહેરીને કામ કરી રહ્યા છો ત્યારે ક્યાંથી હોય. માણસ જિંદગીમાં એક પગથિયું ઉપર ચડવા માગતો હોય ત્યારે એણે અત્યારે એ જે પગથિયા પર ઊભો હોય એને છોડવું જ પડે.

સાયલન્સ પ્લીઝ!

જિંદગીમાં તમારી આગવી ઓળખ તમારા ઉછેરને કારણે અને તમને વારસામાં મળેલા સંસ્કારને કારણે બનતી હોય છે, પણ તમારા વ્યક્તિત્વનો મોટો હિસ્સો તો તમે જિંદગીમાં શું શું છોડયું છે અને શું શું મેળવ્યું છે તેના આધારે ઘડાય છે.
_અજ્ઞાત

3 COMMENTS

  1. માણસ જિંદગીમાં એક પગથિયું ઉપર ચડવા માગતો હોય ત્યારે એણે અત્યારે જે પગથિયા પર ઉભો હોય એને છોડવું જ પડે.વાહ સાહેબ આ ખૂબ ગમ્યું

  2. ?????
    100% સાચી વાત.

    પરિવર્તન નો ડર…
    જુના લોકોને છોડવાનો ડર…

    આ બધું પ્રગતિ માં બાધક છે ???√√√

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here