નવા વર્ષના સંકલ્પો, નવા વર્ષના વિકલ્પો : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક : મંગળવાર, ૧૪ નવેમ્બર ૨૦૨૩)

વીતેલા વર્ષમાં જે નથી ગમ્યું, જે નથી ફાવ્યું અને જે નથી જામ્યું તેના વિકલ્પો શોધવા માટે દરેક બેસતા વર્ષે સંકલ્પો કરવા જોઈએ.

વિકલ્પો તમને વિકસવાની તક આપે , વિકલ્પો તમને બંધિયાર થતાં અટકાવે. સંકલ્પો આ વિકલ્પો પર પ્રકાશનો શેરડો નાખતી ટોર્ચ છે. સંકલ્પોની સ્વિચ ઑન થયા પછી અત્યાર સુધી અંધારામાં રહેલા વિકલ્પો પ્રકાશમાન થાય છે. સંકલ્પોનું આ મહત્ત્વ છે.

કિડનીનું કામ ડાયાલાસિસનું મશીન કરતું થઈ જાય કે ઈવન શ્વાસોચ્છવાસ જેવી, જેના વિના એક મિનિટ પણ ન જીવી શકીએ એવી કુદરતી પ્રક્રિયાને તમે વેન્ટિલેટર દ્વારા દિવસો સુધી અને કેટલાક કિસ્સાઓમાં તો મહિનાઓ સુધી કૃત્રિમ રીતે લંબાવી શકો તો જિંદગીની બાકીની કઈ બાબતોમાં વિકલ્પ ન હોય? માતાપિતાને સંતાનનો પ્રેમ ન મળતો હોય એવી વ્યક્તિઓને પણ પિતૃપ્રેમ કે માતૃપ્રેમ જેવો જ વૈકલ્પિક પ્રેમ અન્ય વ્યક્તિઓ પાસેથી મળી રહેતો હોય છે. દરેક સંબંધને વિકલ્પ હોય છે. તમે એ વિકલ્પને એક્સપ્લોર ન કરવા માગતા હો તો એ તમારી મરજી છે. તમને ડર હોય, તમને સ્ટેટસ કો વધારે પસંદ હોય, તમે કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવા ન માગતા હો તો એ તમારી મરજી છે અને તમારી મરજીને સૌ કોઈએ આદર આપવાનો જ હોય . પરંતુ આને કારણે કંઈ વિકલ્પોનું અસ્તિત્વ ભૂંસાઈ જતું નથી એટલું યાદ રાખવું.

સંબંધો તો એક વાત થઈ. જિંદગીમાં દરેક બાબતે માણસ પાસે વિકલ્પ હોવાના. સવારે નાહ્યા પછી કયું શર્ટ પહેરવું છે ત્યાંથી શરૂ કરીને જિંદગીમાં ક્યાં કામો કરવાં છે, ક્યાં નથી કરવાં સુધીના વિકલ્પો તમારી પાસે છે. તમે કયા વિકલ્પો પસંદ કરીને અને કયા વિકલ્પો છોડીને આગળ વધતા જાઓ છો તેનાથી તમારી જિંદગી ઘડાતી જાય છે. જિંદગીના છેવાડે તમે કહી શકો કે મારી જિંદગી મેં લીધેલા વિકલ્પોનો સરવાળો છે.

મજબૂરીમાં કરવા પડેલા વિકલ્પોને પરિસ્થિતિ બદલાતાં છોડી શકાતા હોય છે, છોડીને નવો વિકલ્પ પસંદ કરી શકાતો હોય છે. કમાવાની ત્રેવડ નથી એવું લાગતું હતું ત્યારે બાપે કાન પકડીને એમના ધંધે બેસાડી દીધો ત્યારે મજબૂરી હતી. પણ દુનિયાદારીની સમજ આવતી જાય, નવા સંપર્કો, નવો આત્મવિશ્વાસ જીવનમાં ઉમેરાતાં જાય ત્યારે પરિસ્થિતિ બદલાઈ ચૂકી હોય છે. એવા વખતે બાપના ધંધાને લાત મારીને પોતાના પગ પર ઊભા રહેવાની હિંમત કરનારે જિંદગીના ઉત્તરાર્ધમાં પસ્તાવું નથી પડતું. જેવું ધંધાની બાબતમાં, એવું બધી જ બાબતમાં. હા, લગ્નની બાબતમાં પણ એવું જ.

વિકલ્પોની કલ્પનાથી માણસ પોતાને મુક્ત મહેસૂસ કરે છે. પોતે પસંદ કરેલા વિકલ્પોથી આગળ વધતા માણસને શાસ્ત્રોમાં લખ્યા મુજબનો મોક્ષ મળે, ન મળે કોઈ ફરક પડતો નથી. એ જીવતેજીવ મોક્ષ પામી ચૂકેલો હોય છે. મોક્ષ એટલે મુક્તિ.

સંકલ્પ કર્યા વિના વિકલ્પો નજરે પડતા નથી. સંકલ્પહીન માણસને લાગે છે કે એની જિંદગી વિકલ્પવિહોણી છે. મારી પાસે કોઈ ચૉઈસ નથી એવું માનતી વ્યક્તિ પાસે ચૉઈસ નથી એવું નથી, એની પાસે ડિટરમિનેશન નથી, નિશ્ચય નથી, ઈરાદો નથી, ઈચ્છા કે મનસૂબો નથી.

સંકલ્પ કરવા માટે જીવન શિસ્તબદ્ધ બનાવવું પડે, નિયમિત બનાવવું પડે. ડે ઈન ઍન્ડ ડે આઉટ આ જ કરવું છે એવી દૃઢતા કેળવવી પડે. આવી દૃઢતા મનોબળથી કે વિલપાવરથી જ આવે એ જરૂરી નથી. આદતથી આવે. ટેવ પાડીએ ત્યારે આવે. મનોબળ કે વિલપાવરના નામે આપણને વારંવાર ડરાવવામાં આવે છે. ભલભલા ઋષિમુનિઓનો પણ તપોભંગ થઈ શકતો હોય ત્યાં આપણા વિલપાવરને શું કામ કોસવો? નાની નાની આદતોની નિયમિતતા જ વખત જતાં વિલપાવરમાં પરિણમે છે. એક સાથે સો કિલો વજન ન ઊંચકી શકાય પણ એક-એક કિલોનું વજન સો વાર ઊંચકીએ તો પરિણામ એ જ આવે છે. સો કિલોનો માલ ગઈ કાલે પેલી તરફ હતો જે એક એક કિલો કરીને તમે આજે આ તરફ મૂકી દીધો. એક સાથે એ કામ કરવા ગયા હોત તો? નાની નાની આદતોની નિયમિતતાનું મહત્ત્વ વિલપાવર નામના વજનદાર બોજા હેઠળ દબાઈ જાય છે.

જીવનમાં વિકલ્પો ઘટતા જતા હોય એવું લાગે ત્યારે માનવું કે જીવવાનું ઓછું થતું જાય છે એનું આ પરિણામ છે. જીવવાનો ઉત્સાહ મંદ પડવા માંડે ત્યારે જે છે તેનાથી ચલાવી લઈએ એવી વૃત્તિ પ્રવેશતી જાય છે. પ્રબળ જિજીવિષા જ વિકલ્પોની વાડીને લીલીછમ રાખે છે અને આ વાડી સદાય લીલીછમ રહે તે માટે એના પર જરૂર મુજબ સંકલ્પોની વર્ષા થતી રહેવી જોઈએ.

ગયા વર્ષે લીધેલા સંકલ્પોમાંથી કેટલા ઓછા સાકાર થયા છે એવું તમને લાગતું હોય તો પણ દર વર્ષે સંકલ્પો લેવા જોઈએ.

નવા વર્ષને સ્ટાર્ટ કરવાની આ ચાવી છે.

શુભ સંકલ્પો કરવાનું છોડવાનું નહીં. સંકલ્પો કરવાથી ક્યારેક તમે આ સંકલ્પોના 5-25-50-75 ટકાના અમલીકરણ સુધી જતા હો છો. જે સંકલ્પો પૂરા થતા નથી એ સંકલ્પોને પૂરા કરવા માટે તમે વધુ સભાન બનીને, વધુ જોર લગાવીને એને સાકાર કરવાનું નક્કી કરો છો. સંકલ્પો કરવાથી થતા આટલા ફાયદા શું પૂરતા નથી?

વિક્રમની ૨૦૮૦મી સંવતના પ્રથમ દિવસે આપ સૌના માટે પ્રભુને પ્રાર્થના કે આપનું જીવન સંકલ્પો અને વિકલ્પોથી સદાને માટે હર્યુંભર્યું રહે.

બેસતા વરસે બીજી એક વાત.

નવરાત્રિના પહેલા દિવસથી શુભેચ્છાઓનું જે બૉમ્બાર્ડિંગ શરૂ થયું તે આજે પરાકાષ્ઠાએ પહોંચશે અને છેક લાભપાંચમ-દેવ દિવાળી સુધી ચાલુ રહેવાનું . પાંચછ અઠવાડિયાના યુદ્ધવિરામ પછી ક્રિસમસ અને ઈસુનું નવું વર્ષ આવશે એટલે ફરી પાછું શરૂ થઈ જશે. પછી ઉતરાણ વખતે, હોળી વખતે, રામનવમી, અષાઢી બીજ અને રક્ષાબંધન વખતે, ગણેશોત્સવ અને જન્માષ્ટમી વખતે—હેપી ધિસ તહેવાર અને હેપી ધૅટ તહેવાર. ફલાણા ફેસ્ટિવલ નિમિત્તે શુભેચ્છાઓ અને ઢીંકણા ત્યોહાર પ્રસંગે શુભકામનાઓ.

આ આપણી સંસ્કૃતિ જ નથી. હેપી ન્યુ યર અને મેરિ ક્રિસમસ એવી લાગણીઓની શાબ્દિક આપલે એ લોકો કરે. આપણે ત્યાં બોલીને નહીં, વર્તીને શુભ લાગણીઓ – આશીર્વાદોની આપલે કરવાનો રિવાજ હતો જે દેખાદેખીમાં ખોવાઈ ગયો.

આજના બેસતા વરસના દિવસે વડીલોને તમે પગે લાગો અને વડીલ તમારા માથા પર હાથ મૂકે એટલે હેપી ન્યુ યર કે સાલ મુબારક બોલવા કરતાં અનેકગણી તીવ્રતાએ તહેવાર નિમિત્તના આનંદની આપલે થઈ ગઈ.

તમે મને મગસ-મોહનથાળની અને અમે તમને મઠિયાં-ચોળાફળીની થાળી મોકલીએ એટલે અપાઈ ગઈ શુભેચ્છાઓ. બોલવાની કંઈ જરૂર જ નથી. મારાં અને તમારાં છોકરાંઓ સાથે મળીને ફટાકડા ફોડે, રંગોળીઓ પૂરે કે પછી સાથે મળીને પતંગ ચગાવે, લાકડાં-ભૂસું ભેગું કરીને હોળી પ્રગટાવે, રંગીન પાણીની પિચકારીઓથી તેમ જ ગુલાલથી એકબીજાને રંગે કે સાથે મળીને હનુમાન ચાલીસાનું પઠન કરે કે ભાઈબહેનના સંબંધોમાં રાખડી બાંધીને કે ગણપતિની પૂજા કરીને આરતી ગાય કે દહીંની મટકી ફોડે કે નવ દિવસ સુધી રાસગરબા રમે અને દસમે દિવસે રાવણ બાળે કે શરદ પૂનમે ધાબે જઈને બધા સાથે મળીને દૂધપૌંઆ આરોગે ત્યારે જે લાગણીઓ પ્રગટે છે તે બોલીને કે લખીને અપાતી – મોકલાતી શુભેચ્છાઓ કરતાં અનેકગણી મૂલ્યવાન પુરવાર થાય છે.

હૅપી ન્યુ યર કે સાલ મુબારક કહ્યા પછી સામેની વ્યક્તિનું બાકીનું વરસ કેવું જાય છે એની ફિકર કરી છે ક્યારેય? શુભેચ્છાઓને સસ્તી બનાવી દીધી છે આપણે. શુભ લાગણીઓમાંનું હીર ચૂસી નાખ્યું છે. પછી રસ વિનાના શેરડીના સાંઠાના ડૂચા જેવી શુભેચ્છાના સંદેશાઓ ઢગલામોઢે વૉટ્સઍપ પર મોકલ્યા કરીએ છીએ. સુખનાં તોરણ ઝૂલે ને એવા બધા ચાંપલા, વાયડા, વેવલા શબ્દોના સાથિયાને દીવડાઓના ફોગટિયા પિક્ચરો સાથે ફોરવર્ડ કર્યા કરીએ છીએ.

માંડ એક ટકો લોકો તહેવાર પ્રસંગે નિરાંત કાઢીને રૂબરૂ મળવાનું કે પછી ફોન પર ખરા દિલથી વાતો કરીને એકબીજાની સાથે હૂંફાળી લાગણીઓ વહેંચતા હોય છે. નવ્વાણું ટકા લોકો ઔપચારિકતાઓ આટોપવાના આશયે હેપી દશેરા, હેપી રક્ષાબંધન, હેપી હોલી, હેપી મકરસંક્રાન્તિ વગેરેના ફાલતુ સંદેશાઓ મોકલી મોકલીને સામા પક્ષે ત્રાસ ત્રાસ કરી નાખતા હોય છે.

હેપી દિવાળીના ગ્રીટિંગ્સ કાર્ડ પણ શરૂ થયા ક્રિસમસ વગેરેની દેખાદેખીથી. સાલ મુબારક કહેવાની પ્રથા સુધ્ધાં નહોતી.

અંગ્રેજો હેપી ન્યુ યર કહેતા એટલે એમનું જોઈને પારસીઓએ આપસમાં સાલ મુબારક કહેવાનું શરૂ કર્યું અને પછી એમના હિન્દુ મિત્રો-ઓળખીતાઓને પણ કારતક સુદ એકમે તેઓ સાલ મુબારક કહેવા લાગ્યા. એમનું જોઈને આપણે પણ આપસમાં ‘સાલ મુબારક’ કરવા લાગ્યા. કેટલાકને વળી લાગ્યું કે આ તો ‘ઈદ મુબારક’ની જેમ પરધર્મવાળી છાંટ છે આમાં. એટલે એનું શુદ્ધિકરણ કરીને ‘નૂતન વર્ષાભિનંદન’ કરી નાખ્યું એટલે આપણે માનવા માંડ્યા કે આ તો આપણી સંસ્કૃતિની પરંપરા થઈ! હું આજની તારીખેય નૂતન વર્ષના સમથિંગ સમથિંગને બદલે પારસી પરંપરાવાળું સાલ મુબારક બોલવાનું કે લખવાનું પસંદ કરું. એમાં મારાં સનાતન સંસ્કારો કે મારું હિન્દુત્વ અભડાઈ જતું નથી.

દીવા પ્રગટાવીએ, રંગોળીઓ પૂરીએ, નવાં કપડાં પહેરીને એકબીજાના ઘરે નાસ્તાઓ લઈ જઈએ. વડીલોને પગે લાગીને અને નાનાઓને કવરમાં આશીર્વાદ ભરીને આપીએ જેથી તેઓ ફટાકડા ખરીદીને ખુશ થાય, નોકરચાકરોમાં સન્માનપૂર્વક બક્ષિસો વહેંચીએ – આ બધી દિવાળીની ઉજવણીઓ છે. દરેક તહેવારની આ રીતની આગવી ઉજવણીઓ હોય. તહેવારો દરમ્યાન ઘરનાં સભ્યો, કુટુંબ-પરિવારના સભ્યો, સગાંમિત્રો વગેરેને મળીએ, એમની સાથે ક્વૉલિટી ટાઈમ ગાળીએ, હસીખુશીની વાતો કરીએ, ભવિષ્ય માટેની સ્મૃતિઓ બનાવીએ તો પછી તહેવારો માટે કૃત્રિમ રીતે અપાતા, ગામ આખાનું ડહાપણ ડહોળતા, ચાંપલી-વેવલી ભાષામાં લખાયેલા ફેક્ટરીની એસેમ્બલી લાઈનમાં મેન્યુફેક્ચર થયેલા બીબાંઢાળ વૉટ્સએપિયા શુભેચ્છાસંદેશાઓની આપલે કરવાનો વારો ના આવે.

એક જમાનામાં દિવાળીના ગાળામાં ટપાલીઓ નવરા પડતા નહીં. દરેક ઘરે ઢગલો શુભેચ્છાપત્રો પહોંચાડવાના આવતા. હવે ટપાલીઓને બેકાર બનાવીને માર્ક ઝકરબર્ગ એકલાએ આ કામ ઉપાડી લીધું છે. એના વૉટ્સઍપ પર જાતજાતના અપડેટ્સ આવતા રહે છે. બહુ જલદી એક એવું અપડેટ આવે તો સારું: તમારે આવા શુભેચ્છાના સંદેશાઓ બ્લોક કરવા છે?

હા કે ના?

અને એક છેલ્લી વાત. દિવાળી-બેસતા વર્ષના દિવસે કે કોઈ પણ તહેવાર પ્રસંગે શુભેચ્છા મોકલવા માટે તમારે વૉટ્સએપદીઠ એકસો એક રૂપિયા સંદેશા રીસિવ કરનારાઓને મીઠું મોઢું કરાવવાના ખર્ચરૂપે પેટીએમથી કમ્પલસરી મોકલવા પડે એવો કાયદો આવે તો તમે કેટલા લોકોને વિશ કરતા હોત!

આજનો વિચાર

તમારા ભૂતકાળ સાથે સમાધાન કરી લો જેથી એ તમારા વર્તમાનનો ડૂચો કરી નાખે નહીં.

– પાઉલો કોએલો

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

<a href=”https://www.newspremi.com/gujarati/aa-lekh-tamane-gamyo/” target=”_blank” rel=”noopener”><span class=”td_btn td_btn_md td_outlined_btn” style=”color: #ffffff; background-color: #ff0000;”>ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો</span></a>

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here