શિવાજીથી ગાંધીભાઈ સુધી અને ગુલઝારથી સુમોપા સુધી : સૌરભ શાહ

( ‘ગુડ મૉર્નિંગ’ : સોમવાર, ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૪)

આજે ૧૯મી ફેબ્રુઆરી. છત્રપતિ શિવાજી મહારાજ ૧૬૩૦ની સાલમાં આ દિવસે જન્મ્યા હતા. લગભગ ૪૦૦ વર્ષ પહેલાં. શિવાજી મહારાજ તે વખતના મુસ્લિમ શાસકો સામે લડ્યા ન હોત તો આજે આપણે પાંચ વખત નમાજ પઢતા હોત.

આજે પત્રકાર શિરોમણિ હસમુખ ગાંધીનો જન્મદિવસ. ૧૯૩૨માં એમનો જન્મ. ગાંધીભાઈ ન હોત તો આજનું સંપૂર્ણ ગુજરાતી પત્રકારત્વ સેક્યુલર હરામખોરોના તાબામાં હોત.

આજે સુરેન્દ્ર મોહન પાઠકનો જન્મદિવસ. ૧૯૪૦માં એમનો જન્મ. એ કોણ છે? ગુજરાતી વાચનરસિયાઓ સાથે એમના વિશે આજે થોડી વાત કરવી છે.

બે દિવસ પહેલાં સરસ સમાચાર મળ્યા કે ભારતીય સાહિત્યના ક્ષેત્રે નોબેલ પારિતોષિક જેવાં માનપાન ધરાવતો જ્ઞાનપીઠ પુરસ્કાર આ વર્ષે બે મહાન વ્યક્તિઓ વચ્ચે વહેંચાયો છે. પહેલા છે સોથી વધુ સંસ્કૃત અને હિંદી પુસ્તકોના રચયિતા પ્રજ્ઞાચક્ષુ જગદ્ગુરુ રામભદ્રાચાર્ય. અને બીજા આપણા ગુલઝારસાહેબ. બંને દિગ્ગજો આ સન્માનને પાત્ર છે. બંને આદરણીય સર્જકો વિશે લખવા માટે અમે તલપાપડ છીએ.

રાત થોડી ને વેશ ઝાઝા જેવી સિચ્યુએશન છે જે અમે જ સર્જી છે. કોના કોના વિશે લખીશું? કેટકેટલું લખીશું? શરૂઆત ક્યાંથી કરીશું?

આરંભ સુમોપાથી જ કરીએ કારણકે આજે એમની વર્ષગાંઠ છે અને અમે આ અવસરે એમને મળવા દિલ્હી જવાના હતા. સંજોગવશાત્ છેલ્લી ઘડીએ દિલ્હી આવવાજવાની ટિકિટો-હૉટેલ રિઝર્વેશન–બર્થડે ગિફ્ટ બધું જ કૅન્સલ કરવું પડ્યું. ગઈ કાલે એમના નિવાસ સ્થાનની નજીકના ફાર્મ હાઉસમાં બહુ મોટી કૉકટેલ બર્થડે પાર્ટી એમના વાચકો-ચાહકો-પ્રેમીઓએ યોજેલી. અમે ભાગે પડતા કૉન્ટ્રિબ્યુશનની રકમ પણ આયોજકોની ટીમને વેળાસર મોકલી આપી હતી. આવતા વર્ષે એમની ૮૫મી વર્ષગાંઠની ઉજવણીમાં જરૂર સામેલ થઈશું. ત્યાં સુધી એમના શબ્દોનો સંગ કરીએ.

હિંદી ભાષામાં ૩૦૦થી વધુ પુસ્તકો લખનારા લેખક સુરેન્દ્ર મોહન પાઠકે આયુષ્યના 84મા વર્ષે એમના વાચકો માટે એક નવી નવલકથાનું પુસ્તક ભેટ આપ્યું જે અમને પાર્ટીમાં એમના ઑટોગ્રાફ સાથે રિટર્ન ગિફ્ટમાં મળવાનું હતું. ‘દુબઈ ગૅન્ગ’ હવે કુરિયરમાં આવશે. પેપરબૅક ઉપરાંત એની હાર્ડ બાઉન્ડ કલેક્ટર્સ એડિશન પણ પ્રકાશકોએ બહાર પાડી છે. આ એમની ૨૬૫મી નવલકથા છે. બાકીનાં ત્રણેક ડઝન પુસ્તકો નવલકથા ઉપરાંતનાં છે.

સુમોપાના ટૂંકાક્ષરી નામે જાણીતા સુરેન્દ્ર મોહન પાઠક હિન્દીમાં સર્જાતા પલ્પ ફિક્શનના બેતાજ બાદશાહ છે. હિન્દી સાહિત્યકારો જાસૂસી/થ્રિલર કે પછી અમુક પ્રકારના વાચકો માટે લખાતી ‘લોકપ્રિય’ નવલકથાઓને લુગદી સાહિત્ય કહેતા હોય છે. લેખનમાં સાહિત્યિકતા અને લોકપ્રિયતા વચ્ચેની મારામારી ખૂબ જૂની છે. ત્રીસ વર્ષ પહેલાં લખાયેલો આ વિષય પરનો એક દીર્ઘ લેખ મારા કોઈ નિબંધસંગ્રહમાં પણ છપાયેલો છે. પર્સનલ વાત કરું તો મને સુરેશ જોષી અને મહેશ મસ્તફકીર બેઉ માટે માન છે. બંને પ્રકારના સર્જકો મારા માટે આદરણીય છે. બેઉ પ્રકારોને ખૂબ રસપૂર્વક વાંચું છું. તકલીફ ત્યારે થતી હોય છે કે જ્યારે એક પ્રકારના સર્જક ફરિયાદ કરે કે અમને લોકપ્રિયતા કેમ નથી મળતી, અમને કોઈ વાંચતું કેમ નથી? અને બીજા પ્રકારના સર્જક ફરિયાદ કરે કે અમે આટલા વંચાઈએ છીએ, આટલા લોકપ્રિય છીએ છતાં તથાકથિત સાહિત્યકારોને જે માનપાન મળે છે, જે પ્રકારના એવૉર્ડો-અકરામોથી એમને નવાજવામાં આવે છે એનાથી અમને વંચિત શું કામ રાખવામાં આવે છે.

સુમોપા વિશે ગુજરાતીમાં અગાઉ કોઈએ નહોતું લખ્યું. થોડાંક વર્ષ પહેલાં હિન્દી લુગદી સાહિત્ય વિશેની શ્રેણીમાં એમના વિશે સવિસ્તર લખ્યું. એ પછી પાઠકસા’બની ત્રણ ભાગમાં પ્રગટ થયેલી આત્મકથા વિશે પણ છૂટક-ત્રુટક લખ્યું. બેઝિકલી, હું સુમોપાનો અને એમના જેવું લખનારા લેખકોનો પણ હ્યુજ ફૅન છું. સુમોપાને તો મેં ફૅન લેટર પણ પોસ્ટ કરેલો જેનો જવાબ એમણે ઇ-મેઇલથી આપેલો.

સુરેન્દ્ર મોહન પાઠક ૬૪ વર્ષથી લખે છે. અત્યારે ૮૪ના થયા. ૨૬૬ જેટલી નવલકથાઓ સહિત ૩૦૦ પુસ્તકો એમના નામે છે અને હજુય ભરપુર લખે છે. કાનમાં બહેરાશને કારણે સહેજ ઓછું સંભળાય છે. સુરેન્દ્ર મોહન પાઠક આજે (એટલે કે વર્ષોથી) એટલું મોટું નામ થઈ ગયું છે કે હાર્પર કૉલિન્સ જેવા પ્રતિષ્ઠિત અંગ્રેજી પ્રકાશકે એમની ત્રણ નવલકથાઓ પ્રગટ કરી: ‘કોલાબા કૉન્સપિરસી’, ‘જો લરૅ દીન કે હૅત’ અને ‘ગોવા ગલાટા’. ત્રણેય મારી પાસે છે.

પંદર વીસ વર્ષ પહેલાં એક બૅન્ક રોબરી થઈ હતી ત્યારે સુરેન્દ્ર મોહન પાઠકના ઘરની નીચે ન્યૂઝ ચૅનલોની ઓ.બી. (આઉટડોર બ્રૉડકાસ્ટિંગ) વાન્સનો ઝમેલો થઈ ગયો હતો, કારણ એ હતું કે બૅન્ક લૂંટનારો પકડાઈ ગયો હતો અને એણે પોલીસમાં કબૂલાત લખાવતાં કહ્યું હતું કે ‘બૅન્ક લૂંટવાની પ્રેરણા (અને ટેક્નિક) મને સુરેન્દ્ર મોહન પાઠકની એક નવલકથા વાંચીને મળી.’ (ના, એ નવલકથાનું નામ અમને ખબર નથી. ખબર હોત તો કૉલમ લખવાના પેશામાં થોડા હોત).

૧૯૪૦માં જન્મેલા સુરેન્દ્ર મોહન પાઠકની પહેલી રહસ્યવાર્તા ૧૯૫૯માં ‘મનોહર કહાનિયાં’માં પ્રગટ થઈ – ‘સત્તાવન સાલ પુરાના આદમી.’ ૧૯૬૩માં એમની પહેલી નવલકથા ‘પુરાને ગુનાહ, નયે ગુનહગાર’ પ્રગટ થઈ. પહેલી નવલકથા છપાઈ એ પહેલાં પાઠકજીએ જેમ્સ હેડલી ચેઝની નવલકથાઓના ખૂબ અનુવાદો કર્યા. જેમ્સ હેડલી ચેઝના ટાઈટલો ખૂટી પડતા ત્યારે એ પોતાની મૌલિક નવલકથાને જેમ્સ હેડલી ચૅઝના અનુવાદ તરીકે ખપાવીને પ્રકાશકોને આપતા. (પાઠકજીએ મારિયો પૂઝોની નવલકથા ‘ધ ગૉડફાધર’નો પણ અનુવાદ કર્યો છે).

૧૯૬૪માં એમણે ફુલ ટાઈમ ભારત સરકારના ટેલિફોન ખાતામાં નોકરી શરૂ કરી. તે વખતે એમની જવાબદારી ટેલિફોન ઈન્સ્પેક્ટરની. એમના જ શબ્દોમાં, ‘લોકોની ઑફિસોમાં ટેબલની નીચે ઘૂસીને ટેલિફોન રિપેર કરતો.’ ૩૪ વર્ષની એકધારી નોકરી પછી ૧૯૯૮માં પરચેઝ મૅનેજર તરીકે નિવૃત્ત થયા. આ દરમિયાન તેઓ બસો નવલકથાઓ લખીને બેસ્ટ સેલર રાઈટર તરીકે ઍસ્ટાબ્લિશ થઈ ગયા હતા. છતાં એમણે આ સરકારી નોકરી છોડી નહોતી. શું કામ? ‘ગોવા ગલાટા’ની પ્રસ્તાવનામાં પાઠકજી લખે છે: ‘યે ભી એક દિલચસ્પ કહાની હૈ જિસે મૈં ઈન્હીં પૃષ્ઠો કે માધ્યમ સે ફિર કભી આપકે સાથ શેયર કરુંગા.’ સસ્પેન્સ કથાલેખક અહીં પણ રહસ્યોદ્ઘાટન કરવાનું મુલતવી રાખે છે. રસ્સી બળે પણ વળ ન છૂટે તે આનું નામ!

ગુરુ ગ્રન્થ સાહેબમાંનો આ શ્લોક છે: ‘સૂરા જો પહચાનિયે જુ લરૈ દીન કે હેત/ પુરજાપુરજા કટિ મરૈ કબહૂ ન છોડે ખેત.’ જે લડે ધર્મના માટે એવો કંઈક અર્થ થાય પાઠકજીની આ નવલકથાના ટાઈટલનો જોકે, નવલકથામાં ધર્મની કોઈ વાત નથી. અંડરવર્લ્ડના સ્વધર્મની વાત છે. સંજીવ ચાવલા નામનો એક લેખક છે. પત્ની વિનીતા અને યુવાન સુંદર સેક્રેટરી ગૌતમી જેને આ દંપતી દીકરીની જેમ રાખે છે (આડાઅવળા કોઈ વિચાર નહીં કરવાના. પ્લોટ કંઈક જુદો જ છે). દોઢ વરસ પહેલાં લેખકનો મિત્ર એમને ત્યાં બે સૂટકેસ મૂકી ગયો હતો. પછી એ મિત્રનું મર્ડર થઈ ગયું હતું. મિત્રની પત્ની પાગલ બની ગઈ હતી. મિત્ર-પત્નીને શોધવાના પ્રયત્નો નાકામ. લેખકની પત્નીની જીદ કે જુઓ તો ખરા, શું છે આ સૂટકેસમાં. ૬૪ લાખ રૂપિયા નીકળ્યા. લેખકની સેક્રેટરી ગૌતમીને ખબર પડી ગઈ. ગૌતમીના બૉયફ્રેન્ડે એક રાત્રે એ બંને સૂટકેસો ચોરી લીધી. બેઉ જણ ફિફટી-ફિફટી કરવાનાં હતાં. પણ સૂટકેસમાંથી માત્ર કપડાં મળ્યાં. ગૌતમીને બૉયફ્રેન્ડ પર ડાઉટ ગયો. ધોકાબાજી કરે છે! પોલીસમાં પકડાવી દેવાની ધમકી આપી. છેવટે પેલાએ કબૂલ કર્યું કે રકમ એક ફ્રેન્ડ પાસે છે. અહીં સુધીની વાર્તા એકદમ ગ્રિપિંગ છે. પછી વાર્તાપ્રવાહ પલટાય છે જેમાં ન તો લેખક અને એની પત્ની ક્યાંય પિક્ચરમાં છે અને થોડાં પાનાં પછી ગૌતમી અને એનો બૉયફ્રેન્ડ પણ પિક્ચરમાં નથી રહેતાં. પ્લૉટ ભળતો જ વળાંક લે છે. આ વાર્તાનો નાયક વિમલ છે, જે વૉન્ટેડ ક્રિમિનલ છે. ‘વિમલ સિરીઝ’માં સુરેન્દ્ર મોહન પાઠકે બીજી ૪૧ નવલકથાઓ લખી છે, જે ખૂબ લોકપ્રિય થઈ. પાઠકજીની સૌથી સક્સેસફુલ ‘સુનીલ સિરીઝ’ છે જેમાં ૧૨૧ નવલકથાઓ એમણે લખી. આ ઉપરાંત ‘સુધીર’ સિરીઝમાં ૨૧ નવલકથાઓ લખી. જીતસિંહની સિરીઝમાં લેટેસ્ટ ‘દુબઈ ગૅન્ગ’ સહિત કુલ ૧૨ નવલકથાઓ લખી જેમાંની બે ‘કોલાબા કૉન્સપિરેસી’ અને ‘ગોવા ગલાટા’.

પાઠકજીએ ૧૯૬૮થી ૨૦૧૦ દરમિયાન પોતાના નામ હેઠળ કુલ ૨૬ જોક્સ સંગ્રહ બહાર પાડ્યા છે. (ખુશવંતસિંહની જોક્સ-બુક્સ પણ ઘણી પ્રગટ થઈ છે). નાનપણમાં સુરેન્દ્ર મોહને ઈબ્ને સફીની રહસ્ય કથાઓ બહુ વાંચી. તે વખતે માત્ર ઉર્દૂમાં જ મળતી. પછી એના હિંદી અનુવાદો આવતા થયા. ઈબ્ને સફીની થ્રિલર્સ વાસ્તવમાં નવલકથા નહીં પણ લાંબી શૉર્ટ સ્ટોરીની સાઈઝની રહેતી. એક બેઠકે વંચાઈ જતી. સુરેન્દ્ર મોહન પાઠક ભલે પલ્પ લિટરેચર લખતા હોય પણ એક જમાનામાં એમણે ઉપેન્દ્રનાથ અશ્ક, શ્રીલાલ શુક્લ, અમૃતલાલ નાગર, ધર્મવીર ભારતીથી લઈને કૃશ્ન ચંદર, ઈસ્મત ચુગતાઈ, રાજેન્દ્ર સિંહ બેદી, ખ્વાજા અહમદ અબ્બાસ, સઆદત હસન મન્ટો વગેરે હિન્દી સાહિત્યના અનેક દિગ્ગજોને વાંચ્યા હતા. અવસ્થાને કારણે પંદરેક વર્ષથી વાંચવાનું ઓછું થઈ ગયું છે છતાં આ ગાળામાં ‘ગાલિબ છૂટી શરાબ’ (રવીન્દ્ર કાલિયા) અને ‘કિતને પાકિસ્તાન’ (કમલેશ્ર્વર) સહિતનાં અનેક પુસ્તકો વાંચ્યાં.

લેખનની શરૂઆત કરી ત્યારે પાઠકજી ગંભીર સાહિત્ય લખતા અને એમની ટૂંકી વાર્તાઓ પ્રતિષ્ઠિત સામયિકોમાં પ્રગટ થતી. પણ લોકપ્રિય સાહિત્ય વાંચનારા વાચકોની સંખ્યા અનેકગણી, એટલે એ મિસ્ટરી રાઈટર બની ગયા. લોકપ્રિયતા ઉપરાંત બીજું આકર્ષણ પૈસાનું. એક ઈન્ટરવ્યૂમાં સુરેન્દ્ર મોહન પાઠક કહે છે: ‘અમેરિકી લેખક સેમ્યુઅલ જ્હૉન્સને કહ્યું છે કે ‘કોઈ મૂરખ જ નાણાંની આશા રાખ્યા વિના લેખન કાર્ય કરે…’ હું માનું છું કે લેખક કોઈ પણ હોય, કોઈ પણ પ્રકારનું સાહિત્ય લખતો હોય, એને પૈસાની તમન્ના તો હોવાની જ. દરેક લેખક લોકપ્રિય બનવા માગતો હોય છે. શું કામ? કારણ કે લોકપ્રિયતા પૈસા મેળવવાનો માર્ગ છે. કોઈ પોતાના મોઢે કબૂલ કરે કે ના કરે, દરેક લેખક પોતાના લેખન થકી અર્થોપાર્જન કરવાનો અભિલાષી હોવાનો જ. નિજાનંદ માટે કોઈ નથી લખતું, દરેક લેખક પૈસા માટે જ લખે છે. જો પૈસા કમાવાની લાલચ ન હોય તો બધા જ લેખકોએ તોલ્સ્તોયની જેમ પોતાના લખાણોના કૉપીરાઈટ છોડી દેવા જોઈએ, પોતાનું લખાણ જેને છાપવું હોય તે બધાને છૂટ-રૉયલ્ટીનો એક પૈસો નહીં માગવાનો.’

સુરેન્દ્ર મોહન પાઠક જે ‘સુમોપા’ અને ‘એસએમપી’ના નામે પણ વાચકોમાં ચર્ચાતા હોય છે તે આ જ વાતને આગળ લંબાવતા કહે છે: ‘ગંભીર સાહિત્યકારોમાંથી શ્રીલાલ શુક્લ, મનહર ચૌહાણ અને આનંદ પ્રકાશ જૈન જેવા લેખકોએ પણ જાસૂસી ઉપન્યાસ લખવાની કોશિશ કરી હતી પણ એ બધા જ ઊંધા માથે પટકાયા. એમણે આવી કોશિશ કરી, કારણ કે એમને આમાં પૈસા દેખાયા. પણ કોશિશ કરતી વખતે તેઓ ભૂલી ગયા કે જિસકા કામ ઉસી કો સાઝે, દૂજા કરે તો ડંડા બાજે. મેં લોકપ્રિય સાહિત્ય લખવાનું એટલે પસંદ કર્યું કે એમાં પૈસા છે અને આવું કહેવામાં તથા માનવામાં મને જરા સરખો પણ સંકોચ નથી.’

પલ્પ ફિક્શન ક્ષેત્રે હિંદીમાં એક દૌર એવો ચાલ્યો હતો જ્યારે કોઈ લેખક ખૂબ લોકપ્રિયતા હાંસિલ કરે અને પબ્લિશર પાસે રૉયલ્ટીની રકમ વધારવાની વાત કરે ત્યારે પબ્લિશર એને દબાવવા કોઈ નકલી નામ રજિસ્ટર્ડ કરાવીને એ નામ હેઠળ અનેક ઘૉસ્ટ રાઈટરો પાસે નવલકથાઓ લખાવીને ખૂબ પબ્લિસિટી કરે, પેલા નક્કી નામની. ‘કર્નલ રંજિત’ આવા જ એક લેખકનું નામ છે જે નામનો કોઈ લેખક જ નથી! સુરેન્દ્ર મોહન પાઠક કહે છે કે, ‘હાલાત એ હદ સુધી બગડી ગઈ કે પ્રકાશકો લેખકોને બ્લેકમેલ કરતા થઈ ગયા કે અમે જે ટ્રેડમાર્કવાળાં નામો બનાવ્યા છે એ નામ હેઠળ લખવું હોય તો લખો નહીં તો આ ધંધામાંથી આઉટ થઈ જશો.’

ગુજરાતી સાહિત્યમાં છે એવી ‘ખાંચેબાજી’ (વાડાબંદી) હિંદીમાં પણ છે, મોટા પ્રમાણમાં છે. સુમોપા કહે છે: ‘એક સ્થાપિત અને સીમિત જમાતમાં હિંદીમાં ગંભીર ગણાતું સાહિત્ય જકડાઈ ગયું છે.’ ‘અ’ ની રચના પ્રગટ થાય તો ‘બ’ એને શ્રેષ્ઠતમનું બિરુદ આપે અને ‘બ’નું પુસ્તક પ્રગટ થાય તો ‘અ’ એનાં મોંફાટ વખાણ કરે. તુમ મેરી પીઠ ખુજાઓ, મૈં તુમ્હારી ખુજાતા હું. આમાં ક્યાંય વાચક તો બિચારો આવતો જ નથી. જ્યારે લોકપ્રિય સાહિત્યનો સીધો નાતો વાચકો જોડે હોય છે. વાચકો જ અમને લોકોને એવા ઊંચા સિંહાસને બેસાડતા હોય છે જ્યાં સુધી પહોંચવાની ગંભીર સાહિત્યવાળાઓની કોઈ ત્રેવડ નથી હોતી.’

એસએમપી જોકે, બધા જ ગંભીર સાહિત્યકારોને એક લાકડીએ નથી હાંકતા. કહે છે: કૃશ્ન ચંદર જેવા ઘણા ગંભીર સાહિત્યકારોને હું ભારે આદરપૂર્વક જોઉં છું. એમની સાધનાની સરખામણીએ મારા જેવા ધંધાદારી લેખકનું લખાણ કોઈ વિસાતમાં નથી. એમના મુકાબલે મારું સ્થાન ક્યાં છે એ વિશે કોઈ ભ્રમણામાં હું નથી. એ લોકો મહાન છે, સાહિત્યસાધક છે, જન-જન માટે પ્રેરણાદાયક છે, જ્યારે હું તો લેખક પણ ન કહેવાઉં, વેપારી છું જેનો કારોબાર લખવાનો છે. મને કોઈ લેખક માને છે ત્યારે એ મારા પર અહેસાન કરે છે. મેં અનેક ગંભીર લેખકોને વાંચ્યા છે પણ કૃશ્ન ચંદરે મારા પર સૌથી ઊંડી છાપ છોડી છે. ભાષા મેં સાહિત્ય પૈદા કરના, બાત કો સજા-સજા કર કહના, તહરીર (શૈલી, લખવાની સ્ટાઈલ) મેં દરિયા જેસી રવાનગી પૈદા કરના, અલ્ફાઝ કી જાદુગરી દિખાના કોઈ કૃશ્ન ચંદર સે સીખે…’

સુરેન્દ્ર મોહન પાઠકના આ શબ્દોથી એમની વાત પૂરી કરીએ: ‘એક ભ્રમ ઊભો કરવામાં આવ્યો છે કે હિન્દી સાહિત્યના લેખકો એકદમ કુલીન ગૃહિણી જેવા છે અને હિન્દીના લોકપ્રિય લેખકોનો દરજ્જો બજારુ ઔરત જેવો છે. આવું કહીને સાહિત્યિક લેખકો પોતાના અહમ્ને પંપાળતા હોય છે. રાજ કપૂર જ્યારે પોતાની કારકિર્દીની ટોચે હતા ત્યારે કોઈએ એવી કમેન્ટ કરી હતી કે એ સત્યજિત રાય જેવી ફિલ્મો ક્યારેય નહીં બનાવી શકે. રાજ કપૂરના મોટા દીકરા રણધીર કપૂરે આનો જડબાતોડ જવાબ આપ્યો હતો: શું સત્યજિત રાયમાં રાજ કપૂર જેવી ફિલ્મો બનાવવાની તાકાત છે?’

સુમોપાની નવલકથાઓની એક ખાસિયત હોય છે એની પ્રસ્તાવના. ના, આ પ્રસ્તાવનામાં નવલકથાના સર્જન વિશેનું પિષ્ટપેષણ નથી હોતું. પ્રસ્તાવનાના બે કે ત્રણ ભાગ હોય છે. પ્રથમ ભાગમાં વાચકોએ એમની આગલી નવલકથાઓ વિશે મોકલેલા પ્રતિભાવોમાંથી પસંદ કરેલી આકરી ટીકા તેમજ ભૂરિ ભૂરિ પ્રશંસા વિશે નિર્લેપ રહીને લખાયેલી ટિપ્પણો હોય છે. આમાં ૮૫ ટકા જગ્યા ટીકા રોકે, ૧૫ ટકામાં જ વખાણોનો ઉલ્લેખ હોય. બીજા ભાગમાં લેખન-પ્રકાશન વિશ્વની સપ્તરંગી વાતો હોય અને ત્રીજા ભાગમાં કાન્તિ ભટ્ટ ટાઇપનો ઇન્ફોર્મેટિવ આર્ટિકલ લખતા હોય એ રીતે કોઈ પણ વિષય લઈને વાચકો સમક્ષ માહિતીનો ભંડાર ખોલવામાં આવે.

સુમોપાનું એક પુસ્તક એમની ખૂબ જાણીતી થયેલી વિમલ સિરીઝની નવલકથા ‘મૈં અપરાધી જન્મ કા’ છે. આ નવલકથા વિશે લખવાનું મન થયું, એની પ્રસ્તાવના વાંચીને. નવલકથા તો વંચાશે ત્યારે વંચાશે, પ્રસ્તાવનામાં મને જે તમારી સાથે વહેંચવાનું મન થયું છે તે શેર કરું.

તેર પાનાંની પ્રસ્તાવનાના પ્રથમ સાડા છ પાનાંમાં વાચકોના પ્રતિભાવો વિશે સવિસ્તર વાત કર્યા બાદ સુમોપા લખે છેઃ
‘હાર્પર કૉલિન્સ પેંગ્વિન, એમેઝોન-વેસ્ટલૅન્ડ જેવા વિદેશમાં મૂળિયાં ધરાવતા કેટલાક પ્રકાશકોને બાદ કરો તો કોઈ પણ પ્રકાશક પોતાના એક પણ લેખકને – ચાહે એ નાનો હોય કે મોટો – ઇમાનદારીથી રૉયલ્ટી નથી આપતા.’

સુમોપાને નિયમિત વાંચનારા અને એમની આત્મકથા વાંચનારા વાચકોને આ વિધાન વાંચીને આઘાત નહીં લાગે. સુમોપા જેવા કમાઉ દીકરા સમા લેખકો સાથે હિન્દીના પ્રકાશકો કેવો વ્યવહાર રાખે છે એવું તેઓ જાહેરમાં કહી શકે છે, પોતાના હિન્દી પ્રકાશકો સાથેના ઘનિષ્ઠ સંબંધો સાચવીને કહી શકે છે, એ પ્રકાશકો પણ આ વિધાન વાંચવાના જ છે એવી જાણ હોવા છતાં લખી શકે છે. સુમોપાને ખબર છે કે આ તમામ પ્રકાશકો પણ મનોમન સમજતા જ હોય છે કે તેઓ પોતાના લેખકો સાથેના રૉયલ્ટીને લગતા આર્થિક વ્યવહારોમાં ક્યાં-કેટલી ઇમાનદારી દાખવતા હોય છે.

આવતી કાલે પૂરું કરીશું.

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Paytm-
90040 99112

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here