મનના દરવાજા ખોલીને લાગણીની કંજૂસાઈને દૂર કરવી એટલે તહેવારોની ઉજવણી કરવી : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક : સોમવાર, ૧૩ નવેમ્બર ૨૦૨૩)

જે જમાનામાં ભારતમાં નાસ્તિક ડાબેરીઓ તથા પોતાને ધર્મનિરપેક્ષ ગણાવતા હિન્દુવિરોધીઓનું ચલણ વધારે હતું ત્યારે દિવાળી જેવા પારંપારિક તહેવારોને વગોવવાની શરૂઆત થઈ. ઉતરાણ, હોળી, રામનવમી, રક્ષાબંધન, નવરાત્રિ, દિવાળી – દરેક તહેવારના આગમન પહેલાં કંઈ ને કંઈ ઉંબાડિયું લઈને એ લોકો આવતા. પતંગના માંજાથી કબૂતરનું ગળું કપાય છે, ધૂળેટીમાં પાણીનો બગાડ થાય છે, નવરાત્રિમાં ધ્વનિ પ્રદૂષણ અને દિવાળીમાં ફટાકડાને કારણે પર્યાવરણને નુકસાન. હવનમાં હાડકાં નાખવાનું કામ વેદકાળના રાક્ષસો જ નહોતા કરતા. આજના તથાકથિત ઍક્‌ટિવિસ્ટો પણ એ જ કાર્ય કરતા હોય છે. રાક્ષસોને વિદેશથી એક પણ ડૉલર નહોતો મળતો એટલો જ ફરક આ બંનેમાં.

સદ્‌નસીબે જમાનો બદલાયો છે. સોશ્યલ મીડિયા અને કેટલાક રાષ્ટ્રવાદીઓની મહેનતને કારણે રાક્ષસોની અસલિયત બહાર આવી છે. આપણા તહેવારોનો ઝાંખો થઈ ગયેલો ચળકાટ પુનઃ ચકચકિત થઈ ગયો છે. માટે તહેવારો ઉજવવાના. ધામધૂમથી ઉજવવાના. બાપદાદાઓના જમાનાથી જે રીતે ઉજવાઈ રહ્યા છે તે જ રીતે ઉજવવાના. કબૂતર, પાણી, પ્રદૂષણોની બનાવટી ફિકરો કરનારાઓને જડબાતોડ જવાબો અપાતા હોય એ રીતે ઉજવવાના.

તારીખિયામાંથી પાનું ફાડી લેવાથી આસોની અમાસ આવી જતી નથી. એના માટે એક આખું વર્ષ રાહ જોવી પડે. અંધકારની પણ કોઈ રાહ જુએ? કાળી ડિબાંગ રાત્રિની કોણ રાહ જુએ? છતાં જોવાય છે. અજવાસ સાથે અંધકારનો પણ સ્વીકાર હોય. ક્‌લેશના પ્રસંગોની તૈયારી ન રાખી હોય તો સંબંધો જીરવવા મુશ્કેલ બની જાય. તૈયારી હોય ત્યારે સ્વસ્થતા બહુ જલદી મળી જાય.

રવીન્દ્રનાથ ટાગોરની એક કવિતાનો અનુવાદ નગીનદાસ પારેખે કર્યો છે. કાવ્યસંગ્રહ છે ‘નૈવેદ્ય’.

‘અંધારું થતાં રાતના જે દીવા મેં સળગાવ્યા હતા તે હે મન, બુઝાવી નાખ. આજે બધાં બારણાં ખોલીને બુઝાવી નાખ. આજે મારા ઘરમાં કોણ જાણે ક્યારે રવિનાં કિરણોએ પ્રભાત પ્રગટાવ્યું છે, માટીનાં કોડિયાંની હવે જરૂર નથી, ભલે તે ધૂળભેગાં થઈ જતાં. હે મન, તું બધાં બારણાં ખોલીને રાત્રિના દીવા બુઝાવી નાખ.’

દિવાળીને આપણે અંધારામાં દીપક પ્રગટાવવાનો ઉત્સવ ગણ્યો છે પણ અહીં કવિ એક ડગલું આગળ ચાલે છે. મહાન કવિઓ હંમેશાં જમાના કરતાં આગળ વિચારે છે. ટાગોર માને છે કે કોડિયાની જરૂરિયાત આખરે તો અંધકારની પરિસ્થિતિનો સ્વીકાર છે. કોડિયાની જરૂર જ ન રહે એવી પરિસ્થિતિ સર્જાવી જોઈએ. એવું ત્યારે બને જ્યારે અંધકાર દૂર થાય, પ્રભાતનું આગમન થાય.

હવે પછી કોઈને દિવાળીની શુભેચ્છા આપવા માટે વૉટ્‌સએપ પર દીવડાનું નહીં, સૂર્યોદયનું પિક્‌ચર મોકલવાનું.

અંધકાર અને પ્રકાશની સૂક્ષ્મ વાતોમાં કવિને રસ હોય. ઘરની બહારનો અંધકાર દૂર થાય અને સૂર્યોદય જોવા મળે એમાં કવિને રસ છે. કવિ આંખને કે નજરને કશું નથી કહેતા. જે વાત કહેવાની છે તે પોતાના મનને કહે છેઃ ‘હે મન, તું બધાં બારણાં ખોલીને રાત્રિના દીવા બુઝાવી નાખ.’

મનનાં કિમાડ ખોલવા એટલે દિવાળીની ઉજવણી કરવી. બંધ દ્વારની સંકુચિતતાને વિદાય આપવી. સંબંધોમાંથી અને વિચારોમાંથી લાગણીની કૃપણતાને દૂર કરવી. ઉત્સવો અને તહેવારો ઘરથી દૂર જઈને એકલા-એકલા માણવા માટે નથી હોતા. કુટુંબ, મિત્રો, સગાંસંબંધીઓ અને ઑફિસના સાથીઓ, પડોશીઓ સાથે ઊજવવાના આ દિવસો હોય છે.

નવા વર્ષના સંકલ્પો વિશે હાસ્યકારોએ લેખો લખીલખીને સંકલ્પ કરવાની આખી મઝા બગાડી કાઢી. દિવાળી અંકોના વાંચન અને ચોળાફળી – મઠિયાં – ઘૂઘરાના સેવન પછી જે દિવસ આવે છે તે વગર ઉષ્માએ સાલ મુબારક કે હૅપી ન્યુ યર કે નૂતન વર્ષનાં અભિનંદન કહીને વેડફી નાખવા માટે હોય છે? બેસણામાં જેમ કોઈ બે હાથ જોડીને સાંત્વન માટેનું નમસ્તે કરીને જતું રહે અને તમને યાદ પણ ન આવે કે એ ભાઈ કોણ હતા એ રીતે બેસતા વર્ષે જે ને તે તમને હાલતાં ને ચાલતાં સાલ મુબારક કહેતું જાય, બલ્કમાં વૉટ્‌સએપના ફોરવર્ડિયા મોકલતું રહે. એકાદ દિવસ નહીં, એકાદ અઠવાડિયું કે મહિનો પણ નહીં, એક આખું વર્ષ મુબારક નીવડે, ખુશકિસ્મત અને ભાગ્યશાળી નીવડે, કલ્યાણકારી અને બરકત આપનારું નીવડે એ માટેની શુભેચ્છાઓ આટલી લાપરવાહીથી અપાય? કોઈકનું નવું વર્ષ શુભદાયી અને લાભદાયી નીવડે એ માટેની પ્રાર્થના અંતરથી આવવી જોઈએ. આ કંઈ ઔપચારિકતા નીભાવવાની વાત નથી. પણ આપણા ફિક્કા શબ્દોમાં ગમે એટલા રૂપાળા-રંગીન સાથિયાઓ પૂરીએ તોય સામેવાળાને તો ખબર પડી જ જતી હોય છે કે આ ફોર્માલિટી ખાતર જ મોકલાયેલી શુભેચ્છાઓ છે.

નિર્મળ હ્યદયે, શુદ્ધ ભાવનાથી વ્યક્ત થયેલી શુભેચ્છાઓનો પડઘો ચોક્કસ પડતો હોય છે. જેને અપાઈ છે એના જીવનમાં તો ખરી જ, જેણે આપી છે એના હ્યદયમાં પણ આવી લાગણીઓ બોલાતી જ રહે છે.

અને એક નવી વાત, આપણા તહેવારો-ઉત્સવો વિશેની.

રામાયણ અને મહાભારતના જમાનામાં રવિવારની રજાઓ હતી?

ભગવાન રામનો દરબાર સન્ડેના દિવસે રજા પાળતો ? ભગવાન શ્રીકૃષ્ણ વીકએન્ડ માટે પાંડવો સાથે કોઈ હિલ સ્ટેશન પર જતા એવા કોઈ ઉલ્લેખો તમે વાલ્મીકિ કે તુલસી રામાયણમાં અથવા વેદ વ્યાસના ગ્રંથમાં વાંચ્યા છે?

રામજીના સેવકોને વરસમાં એક વાર મહિનાની પ્રિવિલેજ લીવ મળતી કે પાંડવો ગુરુકુળમાં ભણતા ત્યારે દિવાળી-ઉનાળાના વૅકેશનમાં ઘરે પાછા આવતા એવું ક્યારેય સાંભળ્યું છે તમે?

તો પછી એ જમાનામાં લોકો રિલેક્સ કેવી રીતે થતા હશે? જિંદગીમાં જો રવિવારની રજાઓ ન હોય કે પછી પ્રીવિલેજ લીવ કે સ્કૂલ-કૉલેજનાં વૅકેશનો ન હોય તો જિંદગી શુષ્ક ન બની જાય? જરૂર બની જાય. એકધારું કામ કરતાં હોઈએ ત્યારે રિલેક્સ થવાનો સમય ન મળે તો કામથી-અભ્યાસથી જરૂર કંટાળી જઈએ. તો પછી રામાયણ-મહાભારતકાળના લોકો રવિવારની રજાઓ વિના, લૉન્ગ વીક એન્ડ વિના, વૅકેશનો વિના કંટાળતા નહોતા?

ના, નહોતા કંટાળતા. કારણ કે એમના જીવનમાં તહેવારો હતા, ઉત્સવો હતા, સનાતન પરંપરા સાથે સંકળાયેલી ઉજવણીઓ હતી. હજારો વર્ષ પહેલાં ભારતવર્ષે આખા વિશ્વને તહેવારોની સંસ્કૃતિથી વાકેફ કર્યું.

વેલેન્ટાઇન્સ ડે જેવા કૃત્રિમ તહેવારો તો હમણાં હમણાં પ્રચલિત થયા-ગ્રીટિંગ્સ કાર્ડનું ઉત્પાદન કરતી કંપનીઓ તથા ઇવેન્ટ્સ મૅનેજમેન્ટની કંપનીઓ ન હોત તો આ કૃત્રિમ તહેવારો સાથે જોડી કાઢવામાં આવેલી દંતકથા-આ વિશે કોઈનેય ખબર ન હોત. ખુદ ભગવાન ઈશુનો જન્મ બે-સવા બે હજાર વર્ષ પહેલાં થયો એટલે નાતાલ, ઇસ્ટર, ગુડ ફ્રાઇડે જેવા તહેવારો તો આજકાલના થયા. 1400 વર્ષ પહેલાં મોહમ્મદ પયગંબરસાહેબે ઇસ્લામની સ્થાપના કરી. મોહરમથી માંડીને બકરી ઈદ સુધીના તહેવારોની પરંપરા નાતાલ વગેરે જેટલી પણ જૂની નથી.

ભારત વર્ષે તહેવારોની પરંપરા શરૂ કરી. રોજિંદા કામથી અળગા થયા વિના રિલેક્સ થવા માટે તહેવારોની ઉજવણી શરૂ થઈ. પૂનમ-અમાસના દિવસોનું મોટું મહત્વ રહેતું. અજવાળી રાતોએ ગામ આખું ભેગું થાય. રાતભર ભજન ગાવાનો આનંદ લેવાય. બીજા દિવસે ખેતરે થઈને ખેડૂત પોતાનું કામ ચાલુ રાખે, દરજી કપડાં સીવે, લુહાર લોઢું ટીપે, સોની દાગીના ઘડે. રાતનો ઉજાગરો છૂ થઈ જાય.

વસંત-શરદ જેવી ઋતુઓને વધાવવા ઉત્સવો થાય. વર્ષાનું આગમન સમગ્ર રાષ્ટ્ર માટે એક મોટો તહેવાર હોય. આખા વરસ દરમ્યાન ‘વાર-તહેવાર’નું મહત્ત્વ હોય. વાર એટલે રોજનું કામ કરવાનો દિવસ અને તહેવાર એટલે રોજનું કામ કરતાં કરતાં ઉત્સવનો આનંદ લઈને થવાનો સમય.

જિંદગી ત્યારે નાઈન ટુ ફાઈવના રૂટિનમાં જકડાયેલી નહોતી. રિલેક્સ થવા માટે વૅકેશનો ક્યારે આવે એની રાહ જોવાની મોહતાજી નહોતી. કામકાજનો ભાર કુટુંબીજનોને સોંપીને તીર્થયાત્રાઓ થતી તે જ જિંદગીનું સૌથી મોટું વૅકેશન રહેતું.

એકધારું કામ કરીને જિંદગીમાં કંટાળો ન પ્રવેશે એ માટે શાણા પૂર્વજોએ આપણી સંસ્કૃતિને, આપણી પરંપરાને તહેવારોની ઉજવણીનો ભેટ આપી. તહેવારો ઉજવતાં ઉજવતાં કામ કરો અને કામ કરતાં કરતાં તહેવારો ઉજવો.

હોળી-ધૂળેટીની રજાઓ ન હોય. સાંજે હોળી પ્રગટે. આખા દિવસો કામ ડિસ્ટર્બ કર્યા વિના ઉજવણીઓ થાય. નવ દિવસ સુધી સવારે કામ પર ચઢીને આખો દિવસ કામ કરવાનું અને રાત્રે ગરબા ગાઈને માતાજીના આશીર્વાદ મેળવવાના. આ પરંપરા તો આજેય અકબંધ છે. સ્પેશ્યલ રજાઓની જરૂર જ નહોતી કારણ કે તહેવારો આખા વર્ષ દરમ્યાન આવતા રહેતા.

ઇલેક્ટ્રિસિટી નહોતી એટલે અમાસના દિવસોમાં સાચવવું પડતું. ક્રમશઃ અમાસ અશુભ ગણાવા માંડી તે વૈજ્ઞાનિક કારણોને લોકાચારમાં લોકપ્રિય બનાવવા માટેના પ્રયત્નોને લીધે. પછી તો પરંપરા અને સંસ્કૃતિ સાથે બાપે માર્યો વેર હોય એવી તે જમાનાના વામપંથીઓ એ અંધશ્રદ્ધાને લીધે અમાસમાં શુભ કાર્યો થતાં નથી એ વાયકા ચલાવી. શુભ કાર્યો ન કરવાનાં કારણો જુદાં હતાં શુભ પ્રસંગોએ આજુબાજુના ગામ-વિસ્તારોમાં રહેતા સગાંસંબંધીમિત્રો પણ આનંદમાં સહભાગી થવા આવો વદ ચૌદસ, અમાસ કે પડવાની રાત્રિઓ અંધારી ઘોર હોય એવી પ્રકાશહીન રાત્રિઓએ પ્રવાસ કરવાનું ટાળવું પડે. જંગલના કાંટા-ઝાંખરાઓ કે જંગલી પશુઓનો ભય હોય. આવા પ્રેક્ટિકલ કારણોમાં સગવડ સાચવવા જતાં અમાસ બદનામ થઈ ગઈ.

રૂટિનમાં કંઈક ઉમેરવાનો અવસર એટલે તહેવાર. રોજના રોટલા-ખીચડીમાં લાપસી ઉમેરવા માટે વાનગીઓને તહેવારો સાથે સાંકળી લીધી. રોજ તો ઘરમાં સ્વચ્છતાના નિયમો પળાતા જ હોય છે પણ આજકાલ જેને ડીપ ક્લિનંગ કહે છે (કે પછી જેલના કેદીઓ જેને બડી સફાઈ કહેતા હોય છે) તેવી સાફસફાઈ કરવાનો સમય રોજેરોજ ન હોય એટલે તહેવારોને એની સાથે સાંકળી લીધા. રોજેરોજ કંઈ ભપકાદાર-મોંઘાં કપડાં પહેરવાનાં ન હોય. ફાવે પણ નહીં. તહેવારોને કપડાં સાથે જોડી લેવામાં આવ્યા.

કોઈ નવું કામ કરવું છે કે પછી ઘરમાં નવું વાસણ, વાહન કે ઘરેણું વસાવવું છે. અખા ત્રીજ-દશેરા પછી દરેક તહેવાર આ માટે કામ લાગ્યાં. નક્કી કરવાની માથાકૂટ ટળી કે ક્યારથી નવું કામ શરૂ કરીએ, ક્યારે ઘરમાં નવી ચીજ વસાવીએ.

ખેતી મુખ્ય કામકાજ. મોટાભાગના તહેવારો કૃષિ સાથે સંકળાયા. ખેતીની આવક આવે ત્યારે ઉજવણીઓ વધે અને ખેડૂત વ્યસ્ત હોય ત્યારે તહેવારોને બદલે કામને મહત્ત્વ આપવામાં આવે. પાક તૈયાર થઈ જાય ત્યારે લણણી કર્યા બાદ જે પરાળી વધે તેનો નિકાલ કરવા લોદીનો તહેવાર આવ્યો – હોળી જેવો જ પણ હેતુ જુદો. એ જમાનામાં પર્યાવરણવાદીઓનું ન્યુસન્સ નહોતું. પર્યાવરણની જાળવણી કેવી રીતે કરવી, કુદરતે જે કંઈ માનવજાતને આપ્યું છે તેની જાળવણી-સાચવણી-વૃદ્ધ કેવી રીતે કરવી એ ભારતે તો શીખવાયું છે જગતનો વિચાર કરો કે આયુર્વેદના ઔષધો માટે ઉપયોગી એવી જડીબુટ્ટી ચૂંટતાં પહેલાં બે હાથ જોડીને પ્રાર્થનામાં મંત્રો બોલ્યા પછી જ ઝાડપાનને હાથ લગાડવામાં આવે એવી કાળજી આપણે લેતા આવ્યા છીએ. આજકાલના પર્યાવરણવાદીઓ આપણને શું સલાહ આપવાના હતા.

તહેવારો અને રોજનું કામકાજ – બેઉ એકબીજા સાથે અભિન્નપણે જોડાયેલાં છે. પારંપારિક તહેવારોમાં હવે તો રાષ્ટ્રીય તહેવારો પણ ઉમેરાયા છે. તહેવારો હવે બૅન્ક હૉલિડે સાથે જોડાઈ ગયા છે. પ્રશાસનની સુવિધા માટે એ જરૂરી હશે. પણ સામાન્ય માણસના જીવનમાં પારંપારિક ઉત્સવોનું વધારે મહત્ત્વ છે. આપણા માટે ગુજરાતી કૅલેન્ડરમાં કે તારીખિયાના ડટ્ટામાં દેખાતી પ્રત્યેક તિથિ એક ઉત્સવ છે. ભારતીયજનો માટે પોતપોતાના પ્રદેશોમાં ઉજવાતા પોંગલથી લઈને બિહુ સુધીના તમામ તહેવારોનું એટલું મુલ્ય છે જેટલું આજીવિકા રળી આપતા કામનું છે. તહેવારો જ આપણા કામકાજમાં એક નવો રંગ ઉમેરે છે અને આપણા રોજિંદા કામકાજ થકી આપણે તહેવારોની ઉજવણીને એક નવો નિખાર આપતા હોઈએ છીએ.

આજનો વિચાર

તમારા ખરા શુભેચ્છકો એ છે જે તમને રૂબરૂ ક્યારેય મળ્યા નથી છતાં તમને યાદ કરીને તમારા માટે પ્રાર્થના કરતા રહે છે.

_અજ્ઞાત

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

5 COMMENTS

  1. બહુ સરસ લેખ લખ્યો છે whatsapp પર દિવડા નું નહિ પણ સૂર્યોદય નુ પિક્ચર મોકલવું અમાસ વિશે પણ જાણકારી મળી દિવાળી પર્વ વિશેષ દિવાળીની દસ જેવી કલ્પના પણ સાવ સાચી છે
    આ લેખ પણ સરસ છે

  2. ખૂબ ગમ્યો આપનો આ લેખ. કહેવાતા “સુધરેલા” સમાજને યોગ્ય, સચોટ જવાબ આપવા માટેની પરફેક્ટ દલીલો આજે આપના આ લેખ થકી મળી ગઈ છે. આભાર. અમાસ વિશેની વાતો વાંચીને આજે અમાસ પર અહોભાવ આવી ગયો જે હવે કાયમ રહેશે.

  3. અદભૂત ,વાસ્તવિકતાની અનૂભૂતિ કરાવતો લેખ.

  4. આપણે ફટાકડા નાં બોમ્બ ફોડીએ એમાં મુસ્લિમો ને વાંધો પણ એ લોકો સાચા બોમ્બ (માણસો ને મારવ) ફોડે એમાં વાંધો નહીં. હોળીમાં પાણી નો બગાડ થાય પણ એ લોકો બારેમાસ લોહીની હોળી રમે અને એ લોહી ધોવામાં હોળી કરતાં અનેક ગણા પાણીનો બગાડ થાય છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here