રાજા પોતે દ્વાર પર આવીને વોટની યાચના કરે ત્યારે

ગુડ મૉર્નિંગસૌરભ શાહ

ભારતની લોકસભાની ચૂંટણીઓમાં સૌથી મોટા અપસેટ કયા ગણાય? મારે હિસાબે પાંચ સૌથી શૉકિંગ રિઝલ્ટ્સ છે.

સૌથી પહેલો અપસેટ સર્જાયો ભારતની સૌથી પહેલી સામાન્ય ચૂંટણીમાં ૧૯૫૨માં. મુંબઈ-ઉત્તરની બેઠક ગણાતા લોકસભા મતદારક્ષેત્રમાં ગોરેગામ, મલાડ, કાંદિવલી, બોરીવલી, ચારકોપ, દહિસર, માગોઠાણે (થાણેનો પાછલો વિસ્તાર, નૅશનલ પાર્કની આ તરફનો) અને વસઈ-વિરાર તથા પાલઘરનો સમાવેશ થાય. આ બૉમ્બે-નૉર્થની લોકસભા સીટ પરથી ડૉ. બાબાસાહેબ આંબેડકર ઊભા રહ્યા હતા. બંધારણના ઘડવૈયા તરીકે રાષ્ટ્રભરમાં લોકપ્રિય બનેલા બાબાસાહેબ આ બેઠક પરથી હારી ગયા એટલું જ નહીં ચોથા ક્રમાંકે આવ્યા. સામ્યવાદી શ્રીપાદ ડાંગે બાબાસાહેબ આંબેડકરને હરાવીને ૧૯૫૨માં અહીંથી ચૂંટાઈને લોકસભામાં ગયા. આ જ બેઠક પરથી ભવિષ્યમાં વી. કે. કૃષ્ણમેનન, મૃણાલ ગોરે, રામ નાઈક, ગોવિંદા, સંજય નિરૂપમ તથા ગોપાલ શેટ્ટી ચૂંટાવાનાં હતાં.

સેક્ધડ શૉકિંગ ડિફીટનો કિસ્સો ૧૯૭૭માં યુપીની રાયબરેલી બેઠક પર સર્જાયો. ક્યારેય કોઈએ કલ્પના નહોતી કરી કે ઈન્દિરા ગાંધી ચૂંટણી હારી શકે. પાછળથી જેઓ પોતાના રાજકીય જોકરવેડા માટે બદનામ થયા એ રાજનારાયણ ઈંદિરાજી સામે જીતી ગયા હતા.

ત્રીજો કિસ્સો એની પહેલાં ગુજરાતમાં બન્યો. સ્વતંત્ર પક્ષના અગ્રણી નેતા (જેઓ પાછળથી સ્વેચ્છા મૃત્યુ – યુથેનેશિયાની ઝુંબેશ માટે જાણીતા બન્યા) અને લોકપ્રિય રાજકારણી મીનુ મસાણી ૧૯૬૫ની પેટા ચૂંટણીમાં તથા ૧૯૬૭માં રાજકોટ લોકસભા મતદારક્ષેત્રમાંથી ચૂંટાઈને પ્રજાના લાડીલા પુરવાર થઈ ચૂક્યા હતા. ૧૯૭૧માં કોઈને કલ્પના નહીં કે તેઓ હારશે, પણ કૉન્ગ્રેસના ઉમેદવાર ઘનશ્યામ ઓઝાએ એમને હરાવ્યા. ઘનશ્યામભાઈ ૧૯૭૨-૭૩ના સવા વર્ષ દરમ્યાન ગુજરાતના ચીફ મિનિસ્ટર બન્યા હતા.

ચોથા કિસ્સાની વાત વિગતે કરવી પડશે. પાંચમો કિસ્સો હમણાં જ બની ગયો. ૨૦૧૪માં મોદીની લહેર કેવી હતી તે આપણે સૌેએ વિટનેસ કરી છે. અમૃતસરની લોકસભા બેઠક પરથી અરુણ જેટલી ભાજપના ઉમેદવાર હતા જેમને કૉન્ગ્રેસના કૅપ્ટન અમરિન્દર સિંહે એક લાખ કરતા વધુ વોટથી શિકસ્ત આપી. અરુણ જેટલીને રાજ્યસભામાં મોકલીને નાણાં મંત્રી બનાવવામાં આવ્યા. કૅપ્ટન અમરિન્દર સિંહ ૨૦૧૭માં પ્રકાશ સિંહ બાદલની સરકાર ચૂંટણી હારી ગઈ તે પછી ફરી એક વાર પંજાબના મુખ્ય પ્રધાન બન્યા.

ચોથો કિસ્સો ૧૯૮૪માં ગ્વાલિયર લોકસભાની બેઠક પર સર્જાયો. અટલ બિહારી વાજપેયી આગલી બે વખતની ચૂંટણીઓ નવી દિલ્હીથી લડીને સંસદસભ્ય બન્યા હતા અને ત્રીજી વખત પણ તેઓ દિલ્હીથી જ ઊભા રહે એ સ્વાભાવિક હતું. પણ એમના જ શબ્દોમાં: ‘યહ ધારણા સહી નહીં હૈ કિ મૈં સુરક્ષિત સીટ કી તલાશ મેં ગ્વાલિયર ગયા થા. સચ્ચાઈ યહ હૈ કિ પાર્ટી કે દાયિત્વ કે કારણ મુઝે નઈ દિલ્લી કે ચુનાવ ક્ષેત્ર કી ઔર જિતના ધ્યાન દેના ચાહિયે થા, મૈં નહીં દે સકા થા. મતદાતાઓં સે સંપર્ક ટૂટ ગયા થા. સંગઠનાત્મક દૃષ્ટિ સે નઈ દિલ્લી કે કુછ ક્ષેત્ર હંમેશાં સે દુર્બલ રહે હૈ. નઈ દિલ્લી સીટ કો જીતને કે લિયે કઠોર પરિશ્રમ કરને ઓર અધિક સમય દેને કી આવશ્યકતા થી. સારે દેશ મેં ચુનાવ અભિયાન કે દાયિત્વ કો ભલીભાંતિ નિભાતે હુએ નઈ દિલ્લી મેં અધિક સમય દેના ઔર અધિક શ્રમ કરના સંભવ નહીં થા. અત: ગ્વાલિયર જાને કા સુઝાવ આયા.’

વાજપેયી અગાઉ પણ ગ્વાલિયરથી ચૂંટાઈ આવ્યા હતા. ગ્વાલિયરની બેઠક વાજપેયી માટે એકદમ સેફ બેઠક હતી. ગ્વાલિયરનું રાજવી કુટુંબ જનસંઘને આર્થિક પીઠબળ પૂરું પાડતું હતું. એ જમાનામાં કૉન્ગ્રેસને ચૂંટણી ભંડોળ આપવા ભારતના ઉદ્યોગપતિઓ પડાપડી કરતા પણ જન સંઘ સાથે આભડછેટ રાખતા, પણ ગ્વાલિયરનું રાજકુટુંબ સુખદ અપવાદ બન્યું હતું, જેનું મુખ્ય કારણ રાજમાતા વિજ્યા રાજે સિંધિયા હતાં. શરૂમાં કૉન્ગ્રેસ સાથે નિસબત ધરાવતાં ગ્વાલિયરનાં રાજમાતા જન સંઘ તથા લેટર ઑન ભાજપમાં ખૂબ સક્રિય બન્યાં. વચ્ચે ઈમરજન્સી દરમ્યાન ઈન્દિરા ગાંધીએ રાજમાતાને પણ જેલમાં નાખ્યા હતા એ વાત તમે ગઈ કાલે જાણી ચૂક્યા છો.

ગ્વાલિયરની લોકસભા બેઠક પરથી ૧૯૫૨ની એટલે કે દેશની સૌપ્રથમ ચૂંટણીમાં કોણ જીત્યું હતું ખબર છે? વિષ્ણુ ઘનશ્યામ દેશપાંડે. વિષ્ણુજી અખિલ ભારતીય હિંદુ મહાસભાના જનરલ સેક્રેટરી હતા. પંડિત મદનમોહન માલવિયા જેવા પ્રખર રાષ્ટ્રવાદી અને દૃઢ હિન્દુવાદી નેતાએ ૧૯૧૫માં સ્થાપેલી મહાસભા, ૧૯૦૬માં સ્થપાયેલી ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગને જવાબ આપવા સ્થવાઈ હતી. વીર વિનાયક દામોદર સાવરકર અને કેશવ બલિરામ હેડગેવાર જેવા અનેક રાષ્ટ્રપૂતો આ મહાસભાના સભ્ય રહી ચૂક્યા છે. હેડગેવારજીએ આ સંગઠન છોડીને ૧૯૨૫માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો છોડ વાવ્યો જે આજે ઘનઘોર વૃક્ષ બનીને દેશને સામ્યવાદીઓના આક્રમક વલણ સામે શીળો છાંયો આપે છે.

ગાંધીજીની હત્યા પછી નહેરુ તથા કૉન્ગ્રેસે હિન્દુ મહાસભા અને આર.એસ.એસ. પર પ્રતિબંધ મૂકીને બેઉ રાષ્ટ્રવાદી સંગઠનોને બદનામ કરીને એનો કાંટો કાઢવાની સાઝિશ કરી જે અલ્ટીમેટલી નાકામ રહી. વિષ્ણુજી દેશપાંડે ૧૯૩૯માં હૈદરાબાદ નિઝામના અત્યાચારો સામેની લડતમાં ભાગ લઈ ચૂકેલા. ગાંધીજીની હત્યાના ત્રીજા દિવસે વિષ્ણુજીની પણ ધરપકડ થઈ હતી.

વિષ્ણુજી પ્રથમ લોકસભાની ચૂંટણીમાં અખિલ ભારતીય હિન્દુ મહાસભા વતી બે બેઠકો પરથી લડ્યા – ગ્વાલિયર અને ગુના અને બેઉ બેઠકો પરથી પચાસ – પચાસ હજાર કરતાં વધુ મતોથી જીત્યા હતા. વિષ્ણુજી પછી જનસંઘમાં જોડાયા હતા. ૧૯૬૪માં વિશ્ર્વ હિન્દુ પરિષદની સ્થાપના કરવામાં પણ એમનો ફાળો હતો.

આ બાજુ રાજમાતાની જેમ એમના એકના એક પુત્રે પણ ચૂંટણીના રાજકારણમાં ઝુકાવી દીધું હતું. ૧૯૭૧માં માધવરાવ સિંધિયા ૨૬ વર્ષની ઉંમરે જનસંઘની ટિકિટ પર ગુના લોકસભા ક્ષેત્રની બેઠક પરથી જીતીને સંસદમાં ગયા. ૧૯૭૭માં ઈમરજન્સી ઊઠ્યા પછી જે ચૂંટણી થઈ તેમાં માધવરાવ ગુનામાંથી અપક્ષ તરીકે ઊભા રહ્યા અને ફરી ચૂંટાયા. ૧૯૮૦માં માધવરાવે પલટી મારીને કૉન્ગ્રેસની ટિકિટ પરથી ગુનામાં ચૂંટાવાનું પસંદ કર્યું. મા-દીકરા હવે ખુલ્લેઆમ સામસામી પાર્ટીમાં આવી ગયા. બેઉં વચ્ચે અબજોની પ્રોપર્ટીના મામલે તીવ્ર ઝઘડો તો હતો જ.

વાજપેયી લખે છે: ‘એ વખતે ગ્વાલિયરની બેઠક પરથી નારાયણ કૃષ્ણરાવ શેજવલકર ભારતીય લોકદળ વતી ચૂંટાઈને સંસદ સભ્ય બન્યા હતા, પણ ૧૯૮૪માં ફરી વાર ચૂંટણી લડવા માગતા નહોતા. (ગ્વાલિયરના) પૂર્વ મહારાજા (માધવરાવ સિંધિયા) ગુનાથી ચૂંટાઈ આવ્યા હતા. મેં નિર્ણય કરતાં પહેલાં એક દિવસ એમને સંસદની લૉબીમાં પૂછ્યું હતું કે: તમે ગ્વાલિયરથી લડવાનું વિચારો છો? ત્યારે એમણે મને ના પાડી હતી.’

ઉમેદવારીપત્રક ભરવાની છેલ્લી તારીખની આગલી રાતે જ વાજપેયી ગ્વાલિયર પહોંચી ગયા. નારાયણ શેજવલકરના ઘરે જ એમનો ઉતારો હતો. સવારે લાલ કૃષ્ણ અડવાણી પણ આવી ગયા. અડવાણીએ વાજપેયીને ગ્વાલિયર ઉપરાંત કોટામાંથી પણ ઉમેદવારી નોંધાવવાનું કહ્યું, વાજપેયીએ કહ્યું, ‘લાલજી મૈં દો સીટોં સે ચુનાવ નહીં લડૂંગા ઔર ચુનાવ લડૂંગા તો સિર્ફ ગ્વાલિયર સે.’

આડવાણીએ કહ્યું, ‘તમે કાલે દિલ્હીથી ગ્વાલિયર જવા રવાના થયા એ પછી મારી પાસે એક ખાનગી માહિતી આવી છે. કૉન્ગ્રેસ છેક છેલ્લી ઘડીએ માધવરાવ સિંધિયાને ગુનાથી ખસેડીને ગ્વાલિયરમાં ઊભા રાખવાની રમત રમવાની છે.’

વાજપેયી ગ્વાલિયરમાં જ ચૂંટણી પ્રચાર માટે બંધાઈ જાય અને દેશભરમાંના એમના ચૂંટણી પ્રવાસો સાવ ઘટી જાય એ આશયથી કૉન્ગ્રેસ આ માસ્ટર સ્ટ્રોક રમવાની હતી એવી ખાનગી ખબર હતી. માધવરાવ સિંધિયા ગુનાથી જ ચૂંટણી લડવા માગતા હતા કારણ કે એમને ખબર હતી કે વાજપેયી ગ્વાલિયરમાંથી ઊભા રહેવાના છે. રાજકીય ક્ષેત્રે સામસામા પાલામાં હોવા છતાં ફૅમિલી સાથે એમનો અત્યંત નજીકનો સ્નેહભર્યો નાતો હતો એટલે માધવરાવ સિંધિયા વાજપેયીની આમન્યા રાખવા માગતા હતા, પણ મધ્ય પ્રદેશના તે વખતના મુખ્ય પ્રધાન અર્જુન સિંહે વડા પ્રધાન રાજીવ ગાંધીને આ ચાલ સુઝાડી છે એવી બાતમી હતી.

ગ્વાલિયર આવતાં પહેલાં દિલ્હીમાં અડવાણીએ વાજપેયીના નિકટના મિત્ર ભૈરોસિંહ શેખાવત તથા અન્ય સાથીઓ સાથે ચર્ચાવિચારણા કરી હતી. ભૈરોસિંહ અનુભવી પોલિટિશ્યન હતા, બરાબર ઘડાયેલા હતા. (કુલ ત્રણ વાર રાજસ્થાનના મુખ્યમંત્રી બન્યા અને વાજપેયી શાસનમાં ઉપરાષ્ટ્રપતિપદ પણ પામ્યા). ભૈરોસિંહ સહિત સૌ કોઈની સલાહ હતી કે વાજપેયીએ કોટાથી ઉમેદવારી નોંધાવી લેવી જોઈએ જેથી દેશભરમાં નિરાંતે પ્રચાર માટે પ્રવાસ કરીને ભાજપને જીતાડી શકે.

વાજપેયીએ કહ્યું: ‘હું માધવરાવજીને જણાવી ચૂક્યો છું કે હું ગ્વાલિયરથી ઊભો રહેવાનો છું. એમણે મને શુભેચ્છાઓ પણ આપી દીધી છે અને પોતે ગયા વખતની જેમ આ વખતે પણ ગુનાથી જ ઊભા રહેવાના છે, એવું પણ મને કહ્યું છે.’

અડવાણીએ એમને સમજાવ્યા કે, ‘બની શકે પણ જો રાજીવ ગાંધી કહેશે તો સિંધિયાએ ગ્વાલિયરથી જ ઊભા રહેવું પડશે.’

આ સાંભળીને વાજપેયીએ જે દલીલ કરી તે શાંતિથી સાંભળવા જેવી છે, સમજવા જેવી છે. એમણે કહ્યું, ‘લાલજી, એ સંજોગોમાં તો હું સો ટકા ગ્વાલિયરથી જ ચૂંટણી લડીશ. કારણ કે તમારા લોકોની સલાહ માનીને જો હું કોટાથી ઊભો રહીશ અને માધવરાવજી ગ્વાલિયરથી લડવાના હશે તો રાજમાતા પોતે સો ટકા ગ્વાલિયરથી ઊભા રહેવાની જીદ પકડશે અને આપણે એમને ના નહીં પાડી શકીએ. પણ હું કોઈ પણ સંજોગોમાં ના. ઈચ્છુ કે મા-બેટાનો આપસનો ઝઘડો ખુલ્લી સડક પર આવે.

એ ઉમેદવારીપત્રક ભરવાનો છેલ્લો દિવસ હતો. વાજપેયીએ ભાજપ વતી ગ્વાલિયર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી દીધી કે તરત જ માધવરાવ સિંધિયાએ કૉન્ગ્રેસ વતી પોતાનું ઉમેદવારીપત્રક કલેક્ટરને સોંપી દીધું. આ વિશ્ર્વાસઘાત પછી વાજપેયી વિદિશા જઈને ઉમેદવારીપત્રક દાખલ કરવા માગતા હતા. પણ ગ્વાલિયરથી વિદિશાનું પોણા ચારસો કિલોમીટરનું અંતર કાપવા માટેનો પાંચથી સાત કલાકનો સમય વાજપેયી પાસે નહોતો. હેલિકૉપ્ટર તો એ જમાનામાં ભાજપવાળાઓને કોણ આપે?

ચૂંટણી થઈ વાજપેયીને બે લાખ કરતાં વધુ મતથી હરાવીને માધવરાવ સિંધિયા જીતી ગયા. વાજપેયી આ પરિણામના સંદર્ભમાં લખે છે:

“બાદ મેં જબ કુછ મિત્રોંને શ્રી માધવરાવ સિંધિયા સે પૂછા કિ વે મેરે ખિલાફ ક્યોં ખડે હુએ તો ઉન્હોેંને યહ ઉત્તર દિયા કિ: મૈંને પર્ચા ભરને કે બાદ ઉન્હેં યહ ચુનૌતી દી કિ વે મેરે ખિલાફ ચુનાવ લડ કર દેખ લેં, ઉન્હેં અપની ઔકાત કા પતા લગ જાયેગા.

વાજપેયી માધવરાવના આ શબ્દોના સંદર્ભમાં કહે છે: ‘યહ બિલકુલ મનઘડંત કહાની હૈ. રાજનીતિક વિરોધિયોં કે પ્રતિ અશિષ્ટતા કા વ્યવહાર કરના મેરે સ્વભાવ મેં નહીં હૈ. સિંધિયા કે પ્રતિ તો મેરા સ્હજ સ્નેહ ઔર સમ્માન કા ભાવ રહા હૈ. ઉન્હેં જનસંઘ કા સદસ્ય મૈંને બી બનાયા થા. યહ સ્પષ્ટ હૈ કિ શ્રી સિંધિયા પર ગ્વાલિયર સે લડને કે લિયે દબાવ ડાલા ગયા ઔર એક કૉન્ગ્રેસજન કે નાતે ઉન કે સન્મુખ વહાં સે લડને કે અતિરિક્ત ઔર કોઈ વિકલ્પ નહીં થા. ઐન વક્ત પર નામજદગી પર્ચા ભરકર મેરે સાથ જો વ્યવહાર કિયા ઉસે મૈં વચનભંગ કી સંજ્ઞા તો નહીં દૂંગા, ક્ધિતુ ઉસ આચરણ કો પારસ્પરિક સંબંધો કી કસૌટી પર કસને પર ઉચિત ભી નહીં ઠહરા પાઉંગા… યદિ રાજા દ્વાર પર આ કર વોટ કી યાચના કરે તો ઉસે ના કહના કઠિન હોતા હૈ. ક્ધિતુ યદિ ઈન્દિરા-લહર ન હોતી તો રાજા કે પ્રતિ આદર ઔર આત્મીયતા કી ભાવના રખતે હુએ ભી ભારતીય જનતા પાર્ટી કો વ્યાપક સમર્થન મિલતા. જમ્મુ મેં ડૉ. કર્ણસિંહ કો, જો કૉન્ગ્રેસ કે વિરુદ્ધ ખડે થે, ઉનકા ભૂતપૂર્વ મહારાજા હોના વિજયી નહીં બના સકા.’

આજનો વિચાર

બેનકાબ ચહેરે હૈં,
દાગ બડે ગહરે હૈં…

અટલ બિહારી વાજપેયી

( મુંબઇ સમાચાર : ગુરુવાર, 23 ઓગસ્ટ 2018)

3 COMMENTS

  1. વાહ, આપ જે પણ વિષય પર લખો, ખૂબ સુંદર લાગે છે. અટલ જી વિશે લખવામાં તે સમય ની પરિસ્થિતિ, સંજોગો ની માહિતી મળી.
    આખું પુસ્તક થાય એટલો ખજાનો છે.
    રસાળતા અને શૈલી અજોડ છે.

  2. વાજપેયીજી એક નિતિવાન રાજનેતા અને ગ્વાલિયર રાજ્યના રાજાઓના ઝઘડાઓ વિશે પણ પ્રજામાં ખોટી અફવા ન ફેલાય એનો ખ્યાલ રાખનારા એવા એકમેવ નેતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here